હરિપદે મગ્નમન, મહા મતિમાન;
કર્યું એ માણિક્યરાજે રમણીય સ્થાન.
જાણે કે કરશે પ્રભુ લીલા એ ખબર;
જાણી રચી બાગ છોડી દીધું કલેવર.
પ્રભુની કૃપાનું પાત્ર બેનર્જીતનય;
સુણો મન ક્રમે ક્રમે આપું પરિચય.
બાળલીલા થતી જ્યારે કામારપુકુરે;
છોડી દેહ બેનરજી ગયા’તા ઉપરે.
કોઈ કહે હતા રાજા ત્યારેય જીવંત;
ખરા સમાચાર દેવા નથી શક્તિમંત.
પછી તેનો સહોદર ઉત્તરાધિકારી;
મોટાભાઈ જેવું મન ધરમમાં ભારી.
પરિવાર જાણે બધો ઘડ્યો એક ઘાટે;
સર્વે જણા ભક્ત: અર્પે જીવ પ્રભુ માટે.
માણેકરાજાનો વંશ માણેક જ હતા;
જેને ઘેર વારંવાર ગદાધર જતા.
ગદાઈને દેખી રાજી થતા અતિશય;
વય નાનું તેથી સાથે પિતા મહાશય.
રમતો રમતો જાય માણિક્ય-ભવને;
બેનર્જીને ઘેર, ગમે નારીમંડળને.
બાળક સુંદર, વળી કેશની લંબાઈ;
તેલ ચોળી, માથું ઓળી શોભાવતાં આઈ.
કંદોરો સોહાય કેડે, કડાં બંને હાથે;
રંગીન વસન પ્હેરી શોભે ધોતી સાથે.
ખીલ્યું સ્વર્ગીયરૂપ શ્રીવદને લાગે;
વેણીમાંની ઘુઘરીઓ ઝીણીઝીણી વાગે.
જીભ જરા સ્વાભાવિક તોતડાતી ખરે;
અમૃતવરસી વાણી કાલીકાલી ઝરે.
સુધાની મીઠાશ શી છે? સુધા પાણી ભરે;
ગદાઈની વાણી સુણી સૌનાં ચિત્ત ઠરે.
વાણી છે આનંદકારી વદનને સ્થાને;
સુણે તેને મુક્ત કરે પડેજેવી કાને.
ગૃહની નારીઓ લીએ ગદાઈને ખોળે;
અંતરે આહ્લાદ કેરો સ્રોત વહે છોળે.
પ્રભુના પિતાને બોલે સર્વ નારીગણ;
તમારા તનયમાં છે દેવનાં લક્ષણ.
ભક્તિમતી માણિક્યગૃહિણી એક વાર;
ઘડાવી સુવર્ણ કેરા નાના અલંકાર.
ગદાઈને લાવી ઘેર દીધો શણગારી;
મળી નાની મોટી સર્વે ગૃહ તણી નારી.
ગદાઈમાં મુગ્ધ મન, એવાં સહુ જન;
તેડવા નોકર મૂકે ચેટર્જીભવન.
ગદાઈને આણવાનો આગ્રહ એ ધરે;
વિવિધ પ્રકારનાં ખાદ્યો ભેટ કરે.
પ્રભુનાં વદનમાંહે મૂકે હેત ધારી;
વિવિધ મીઠાઈ લઈ એકે એક નારી.
બોલ ગદાધર કોના હાથમાંથી ભાવે;
ગદાધર દોડી સૌનું ઝડપીને લાવે.
કહે, વ્રજમાંહે ખેલવામાં કૃષ્ણ લીન;
ક્ષુધાતુર ગોપબાળો થાય એક દિન.
પેટે ભૂખ્યે, સુકે મુખે કહીયું, ‘કનાઈ!;
ભૂખે મરી જઈએ, હવે ખાવાનું શું ભાઈ?
તમે છો ગોપાળરાજ ભરોસો સદાય;
વિજન વિપિનમાં કરોને કૈં ઉપાય.’
સુણી વાણી કૃષ્ણે મોકલીયા ગોપબાળ;
બ્રાહ્મણોના યજ્ઞમાંહે લેવા અન્નભાળ.
યજ્ઞનાં નૈવેદ્યો બ્રાહ્મણોએ નવ આપ્યાં;
દેખી ભૂખ્યાં બાળ હૈયાં બ્રાહ્મણીનાં કાંપ્યાં.
થાળી થાળી અન્ન લઈ છુપાવીને જાય;
કૃષ્ણને જ્યાં વીંટી બેઠો ગોપસમુદાય.
બ્રાહ્મણ પત્નીઓ કેરો અનુરાગ ભાળી;
કનૈયો બોલાવે પાડી બૂમ તથા તાળી.
આવો ભૈયા ખાવું આવ્યું, સહુ મળી ખાઈ;
બ્રાહ્મણીઓ તણું અન્ન ગયું ઝૂંટવાઈ.
અહીં સુખે નાખે મુખે માણિક્યનારીઓ,
તેઓ બધી પૂર્વે હતી બ્રાહ્મણનારીઓ.
માણિક્ય-આગાર ખરે માણેક આગાર;
પદરજ એ સર્વેની માગું વારંવાર.
આપો મતિ પ્રભુપદે ભક્તો દયા કરી;
રામકૃષ્ણ-પુરાણ હું ગાઉં પ્રેમ ધરી.

પાઠશાળામાં અભ્યાસ

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
બાળલીલા શ્રીપ્રભુની મહિમાથી પૂર્ણ;
ગાઓ મન સ્મરી ગુરુ, મોહ થશે ચૂર્ણ.
બહુ જ મીઠી એ કથા અમૃતપૂરિત;
બાળલીલા સુણ્યે દૂર થવાનાં દુરિત.
ગદાઈના પિતાજી વિચારે એક દા’ડે;
ગદાઈને મોકલવો જોઈએ પાઠશાળે.
દિને દિને મોટો થાય છતાં માત્ર ખેલે;
તેલીઓનાં છોકરાં સંગાથે બધી વેળે.
ગદાધર માબાપના પ્રેમનું રતન;
તેમાં વળી સૌથી નાનો હતો એ નંદન.
સાહજિક ભણવામાં શિશુ દેખે વાઘ;
વિદ્યામાં ન ગદાઈને જરા અનુરાગ.
ભણવાની વાત બાળ રોજ રોજ ટાળે;
ફોસલાવી સમજાવી મૂકીઓ નિશાળે.
જાય ગદાધર લઈ દફતર હાથે;
પાડોશનાં બાળ બીજાં કેટલાંય સાથે.
વિદ્યા શીખવામાં તેનું ચોટે નહિ મન;
રાતદિન રમ્યા કરે લઈ બાળજન.
બાળકો પ્રફુલ્લચિત્ત, સુખસીમા નહિ;
છૂટતાં નિશાળખેલે ગદાઈને લઈ.
આવડે ન ગદાઈને લેખન-વાચન;
માતાપિતા સમજાવે મધુરે વચન.
પાઠશાળે ગુરુજીય કરે અનુનય;
ગદાઈને દેખે જાણે પોતાનો તનય.
કઠોર પ્રયોગે થાય હૃદયમાં દુ:ખ;
મારે નહિ તેમ ગાળ આણે નહિ મુખ.
ગદાઈ શાળાએ જાય એમ કહેવાય;
ભણવા કે ગણવાનું પણ નવ થાય.
બહુ જ રસિક કથા સુણ મન સુણ;
વધી ગઈ બાળકોની રમતો દ્વિગુણ.
પાઠશાળે છોકરાઓ ગદાઈને ચ્હાય;
છુટ્ટી પડ્યે લઈ તેને ખેલવાને જાય.
શાળા થકી દૂર જઈ બાળકો સકળ;
સુંદર કરે છે રાસલીલાની નકલ.
બીજાને સજાવે વેશ, ગદાઈએ સાજે;
તૈયારી કરી દે બધી રાસલીલા કાજે.
બચપણથી જ હતો શ્રુતિધર એવો;
બોલી દીએ પાઠ જેવો સુણ્યો હોય તેવો.
તબલાંના તાલ, વળી વેણુ તણો નાદ;
મંજીરાં બતાવે બોલી, કશું નહિ બાદ.
લીલાકારી રાસધારીનું ન પ્રયોજન;
અકલો ગદાઈ કરે સર્વ આયોજન.
લીલાનો ગદાઈ જે બતાવે અભિનય;
દેખી ડાયરેક્ટરે ય માને પરાજય.
છાત્રો પાઠશાળા તણા જોડાઈને ખાંતે;
દિને જાય પાઠશાળે; ખેલ કરે રાતે.
ગુરુજીએ સાંભળ્યું એ સર્વ કાનેકાને;
ગદાઈ સહિત જાય છાત્રો ખેલવાને.
પુત્રસમ પ્રેમ રાખે ગદાઈ ઉપર;
મીઠા શબ્દો બોલી ગુરુ બતાવે આદર.
એક દિન પાઠશાળામાંહે ગુરુ બોલે,
સુણું કીર્તનમાં કો’ન તવ તોલે.
એવો છો નિપુણ એ અગાઉ જાણ્યું નાંહી;
સુણાવો કીર્તનલીલા ગદાધરભાઈ.
સુણી ગદાધર કરે લીલાનો પ્રારંભ;
મુખે બોલી વ્યક્ત કરે સર્વ સમારંભ.
વદનથી ગીત ગાય, હાથે તાલ દેય;
મુખથી બજાવે વાદ્ય, નાચે પગ બેય.

(ક્રમશ:)

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.