ઓરિસ્સા :

(૧) કુંજકોઠી બાલીતુથા, બોરલ, પંકપાલ અને કુજંગા તેમજ એરસામા તાલુકા (જગતસિંગપુર જિલ્લો)ના અનુક્રમે  ૬૫ ગામ અને ૮ ગામડાંનાં વાવાઝોડાંગ્રસ્ત ૪૩૩૪ કુટુંબોમાં ૮૬૬૮ સાડી, ૪૩૩૪ લુંગી, ૮૬૬૮ ધાબળા, ૪૩૩૪ પોલીથીન શિટ્‌સ, ૪૩૩૪ ફાનસ, ૪૩૩૪ એલ્યુમિનિયમની ડોલ, ૪૩૩૪ એલ્યુમિનિયમનાં વાસણ, ૪૩૩૪ સ્ટેનલેસ સ્ટીલના કીચનવેરનું વિતરણકાર્ય થયું હતું.

(૨) શ્રીરામકૃષ્ણ આશ્રમ, ભૂવનેશ્વરના સહકારથી કેન્દ્રપારા, ભદ્રક, કટક, જાજપુર અને ખુર્દા જિલ્લાના ૨૬૬૬ અસરગ્રસ્ત કુટુંબોમાં ૫૩૩૨ સાડી, ૨૬૬૬ ધોતિયાં, ૨૬૬૬ લુંગી, ૫૩૩૨ ટુવાલ, ૨૬૬૬ ચાદર, ૨૬૬૬ પોલીથીન શિટ્‌સ, ૫૩૩૨ ધાબળાનું વિતરણકાર્ય થયું હતું.

(૩) શ્રીરામકૃષ્ણ મિશન, પુરી દ્વારા કાંકટપુર, ગોપ અને સદર તાલુકાના (જિલ્લો પુરી)ના ૩૦૦૫ કુટુંબીજનોમાં ૫૭૦ ધોતિયાં, ૩૭૫ સાડી, ૧૦૦ લુંગી, ૧૩૮૧ ચાદર, ૧૭૭૩ ટુવાલ, ૧૧૦૦ પોલીથીન શિટ્‌સ, ૧૦૦૦ ધાબળા, ૩૬૦ મીણબત્તિનું વિતરણકાર્ય થયું હતું. આ ઉપરાંત સેવાપ્રતિષ્ઠાનની સહાયથી ગોપ, કાકટપુર, નીમપારા, અસ્તરંગ તાલુકાના ૩૯૫૨ દરદીઓને દાક્તરી સારવાર આપવામાં આવી હતી.

આ ઉપરાંત ૧ માસ સુધી અસરગ્રસ્ત લોકોને રાંધેલું અનાજ આપવામાં આવ્યું હતું. ૧૨૫૦ કપડાં, ૧૩૧૩ ચાદર, ૧૦૮ ધાબળા, ૩૪૫૭ કપડાંનું વિતરણકાર્ય પુરી જિલ્લાનાં ૪૬ ગામડાંમાં થયું હતું. ૧૨૮૪૦ દરદીઓને દાક્તરી સારવાર પણ આપવામાં આવી હતી.

પશ્ચિમબંગાળ :

(૧) શ્રીરામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુર દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના ૮ ગામડાંનાં પૂરગ્રસ્ત કુટુંબો માટે બંધાઈ રહેલાં ૬૭૬ મકાનોમાંથી ૬૩૧નું બાંધકામ પૂર્ણ થયું છે. સસ્તી કિંમતની ૧૧૦૦ જાજરૂ પૈકી ૫૭૦ જાજરૂનું બાંધકામ પૂર્ણ થયું છે. ૩૧ ડંકીઓ પૈકી ૧૦ ડંકીઓ તૈયાર થઈ ગઈ છે. ફતેહનગરની પ્રથમ કોલોનીનું મંગલ ઉદ્‌ઘાટન ૫ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ થયું હતું.

(૨) બાંકુરા જિલ્લાના ૧૯ ગામડાંનાં ૬૮ કુટુંબોને ‘તમારું ઘર તમારી જાતે બાંધો’ એ યોજના હેઠળ વાંસ અને નળિયાં શ્રીરામકૃષ્ણ મિશન, રામહરિપુર દ્વારા આપવામાં આવ્યાં છે.

આંધ્રપ્રદેશ :

(૧) પલ્લવરીપાલમ્‌ ગામની પાસે વૃદ્ધ ગૌતમી નદી પર બંધાઈ રહેલા વિવેકાનંદ બ્રિજનું કામ પૂર્ણતાને આરે છે.  આ પુલના પ્રવેશ દ્વાર પાસે સ્વામી વિવેકાનંદની ૯.૫ ફૂટ ઊંચી તામ્રપ્રતિમા મૂકવામાં આવી છે. સ્વામીજીની પ્રતિમાની પાછળ તૈયાર થઈ રહેલા બાલોદ્યાનનું મંગલ ઉદ્‌ઘાટન ૧૨મી જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ યોજાયું છે.

પંજાબી ભાષામાં ‘કથામૃત’ પ્રકાશિત

શ્રીરામકૃષ્ણ મઠ – મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે શ્રીરામકૃષ્ણ કથામૃતની પંજાબી ભાષાની પ્રથમ આવૃત્તિનું વિમોચન ૨૮ નવે.ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હીમાં યોજાયું હતું. તે જ દિવસે આ સંસ્થાના સંન્યાસીઓ, કર્મચારીઓ, મહેમાનો અને સભાગૃહોના નવા બ્લોકનું શિલારોપણ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે થયું હતું.

હૈદરાબાદમાં ‘વિવેકાનંદ હૅલ્થ કૅર સેન્ટર’નું ઉદ્‌ઘાટન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, હૈદરાબાદમાં નવા બંધાયેલા ‘વિવેકાનંદ હૅલ્થ સેન્ટર’ના પ્રથમ માળનું મંગલ ઉદ્‌ઘાટન શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે થયું હતું.

વિવેકાનંદર ઈલ્લમ્‌માં ‘વિવેકાનંદ કલ્ચરલ હૅરિટેઝ ઑફ ઈન્ડિયા ઍક્ઝિબિશન’નું મંગલ ઉદ્‌ઘાટન

આઈસ હાઉસ કે કેસલ કેર્નન નામે જાણીતા અને જ્યાં ૧૮૯૭માં પશ્ચિમમાંથી પાછા આવીને સ્વામી વિવેકાનંદ સાત દિવસ સુધી રહ્યા હતા તે પાવન સ્થળ—વિવેકાનંદનગર ઈલ્લમ્‌માં તૈયાર થયેલા પ્રથમ તબક્કાના ‘વિવેકાનંદ કલ્ચરલ હૅરિટેઝ ઑફ ઈન્ડિયા ઍક્ઝિબિશન’નું મંગલ ઉદ્‌ઘાટન ૨૦મી ડિસે.ના રોજ તામીલનાડુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ડૉ.કે.એમ. કરૂણાનીધિના વરદ્‌ હસ્તે થયું હતું. આ પ્રસંગે સ્થાનિક ભક્તજનો, ભાવિકજનો અને સંન્યાસીઓના ઉપસ્થિત સમૂહને પ્રૉ. કે.અણ્બાઝગન (શિક્ષણમંત્રી), શ્રી આરકોટ વી. વીરસામી (આરોગ્યમંત્રી), શ્રીદુરાઈ મુરુગન (જાહેરબાંધકામ-વિભાગના મંત્રી) તેમજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે સંબોધન કર્યું હતું.

ઉદ્‌ઘાટન સમારોહ

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે સ્ટુડન્ટ્‌સ હૉમ, ચેન્નાઈમાં નવા બંધાયેલા સ્ટાફ ક્વાર્ટસનું ઉદ્‌ઘાટન ૨૧મી ડિસે.ના રોજ કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, મઁગલોરમાં શ્રીમત્‌ સ્વામી તત્ત્વબોધાનંદજીએ ૧૧મી ડિસે.ના રોજ નવા બંધાયેલા પુસ્તક વેંચાણ કેન્દ્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને સભાગૃહ તેમજ પુસ્તકાલયનાં મકાનોનો શિલારોપણ વિધિ પણ એમના વરદ્‌ હસ્તે સંપન્ન થયો.

શિક્ષામંદિર, શારદાપીઠ દ્વારા ૨૩ ડિસે. થી ૩૧ ડિસે. સુધીના નવ દિવસના કાર્યક્રમોમાં વક્તૃત્વ સ્પર્ધા, વિદ્યાર્થી સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રીરામકૃષ્ણદેવ-સ્વામી વિવેકાનંદ – ભગિની નિવેદિતા વિશેનું શૈક્ષણિક પ્રદર્શન વગેરેનું આયોજન થયું હતું. પ્રદર્શનનું મંગલ ઉદ્‌ઘાટન પશ્ચિમબંગાળના કાયદાપ્રધાન શ્રી નિશીથનંદન અધિકારીના વરદ્‌ હસ્તે થયું હતું અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રહ્યા હતા.

યુવાવર્ગને સ્વામી વિવેકાનંદના સંદેશને અનુસરવાની હાકલ

પોરબંદરમાં યુવાશિબિર આયોજિત

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા ૧૨મી જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ રાષ્ટ્રીય યુવાદિન સ્વામી વિવેકાનંદના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આઠ થી સાડાબાર વાગ્યા સુધી એ એક યુવાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદર જિલ્લાના ડી.એસ.પી. ડૉ. નિરજા ગોટરુએ અતિથિવિશેષપદેથી પ્રવચન આપતાં કહ્યું હતું: ‘યુવા ભાઈ-બહેનો પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા છે. બધી જ શક્તિ તમારી પોતાની અંદર છે એવા સ્વામી વિવેકાનંદના સંદેશ પ્રમાણે યુવા ભાઈ-બહેનોએ આગળ ધપવું જોઈએ. એમના પ્રવચન પછી યુવાવર્ગ સાથે રસપ્રદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ હતો.

શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદરના સૅક્રૅટરી સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ યુવાવર્ગના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ વિષય પર સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગો અને સંદેશને આવરી લઈને અત્યંત પ્રેરણાસભર વ્યાખ્યાન આપી યુવાવર્ગને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ યુવાનોના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર આપી તેમને માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં યુવા ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ મઠ, લખનૌમાં શ્રીરામકૃષ્ણ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ

ભારતમાં મંદિરો અધ્યાત્મનું નંદનવન ગણાય છે. આ મંદિરના અદ્‌ભુત અનન્ય શિલ્પસ્થાપત્ય કાર્યમાં આઈ. આઈ.ટી કાનપુરના શિલ્પશાસ્ત્રીઓની સહાય મળી છે. આ મંદિરના બાંધકામનો આધાર ભારતીય વાસ્તુશાસ્ત્ર કલા પરંપરા રહી છે. આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૭ નવે.થી ૧૯ નવે.’૯૯ સુધી યોજાયો હતો. ૧૭મી, નવે. મંદિરનો પ્રતિષ્ઠાવિધિ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે સંપન્ન થયો હતો. દેશ-વિદેશના વરિષ્ઠ સંન્યાસીઓ અને ભક્તજનોની એક વિશાળ શોભાયાત્રા સવારે ૬.૩૦ વાગ્યે નીકળી હતી. આ મંગલપ્રસંગના ઉપલક્ષ્યમાં યોજાયેલ દુર્ગા સપ્તશતી હોમ, વિશેષ પૂજા, ભજન-સંગીત-કીર્તન વગેરેનો૧૫ હજારથી વધારે ભક્તજનોએ લાભ લીધો હતો. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ પદ્મભૂષણ શ્રી આર.કે. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘ભૌતિક રાગદ્વૈષાદિથી અને પ્રપંચથી દૂર રાખીને મંદિરો આપણને આધ્યાત્મિક જગતમાં  લઈ જાય છે.’ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, ‘આવાં મંદિરો વેદાંતના સાર્વત્રિક સંદેશના સમગ્ર વિશ્વને પ્રેરણા આપતાં ઉત્તમ જીવંત સ્મારકો છે.’ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે પોતના પ્રવચનમાં કહ્યું હતું: ‘આ ઐતિહાસિક નગર લખનૌમાં આ મંદિરની સ્થાપના એક નવો ઈતિહાસ સર્જે છે.’ એ જ દિવસે સાંજે શાસ્ત્રીય સંગીતના સુપ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજનો અનન્ય સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિરના બાંધકામમાં સહાયરૂપ થનારના ઋણ સ્વીકારનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમોના અંતે હૈદરાબાદ કલાકૃષ્ણ વૃંદ દ્વારા શિવતાંડવ નૃત્ય તેમજ રામકૃષ્ણ લીલાગીતિનો કાર્યક્રમ સૌ ભાવિકજનોએ માણ્યો હતો.

નવી સહસ્રાબ્દિના પ્રારંભે કન્નડ ભાષામાં નવી માસિક પત્રિકા ‘વિવેકપ્રભા’નો મંગલ પ્રારંભ

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના સીમાસ્તંભરૂપ ‘વિવેકપ્રભા’ નામના નવા સામયિકનો મંગલ વિમોચન વિધિ જનરલ સૅક્રૅટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે ૧-૧-૨૦૦૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, મૈસુરના પટાંગણમાં વિશાળ ભાવિકજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું, ‘સ્વામી વિવેકાનંદ ભારતની દરેક ભાષામાં આવી પત્રિકા બહાર પડે અને શ્રીરામકૃષ્ણદેવ અને વેદાંતના વૈશ્વિક સંદેશનો પ્રચાર-પ્રસાર થાય તેમ ઇચ્છતા હતા. આજે બીજી ઘણાં પત્ર-પત્રિકાઓના માધ્યમ દ્વારા સ્વામી વિવેકાનંદના સંદેશ અને વિચારો-ઉપદેશો વિશે કેટલીક વિચિત્ર અને મનઘડંત વાતો પસિદ્ધ થાય છે ત્યારે આવી પત્રિકાઓ એ વિશેનું એક પ્રમાણભૂત માધ્યમ પૂરું પાડશે.’ આ પત્રિકાના વિમોચન વખતે મૈસુર આશ્રમના અધ્યક્ષ સ્વામી આત્મવિદાનંદજીએ કહ્યું હતું કે, ‘આ આખું વર્ષ અમૃતમહોત્સવ રૂપે ઉજવાશે.’ માસિકના તંત્રીશ્રી સ્વામી નિત્યસ્થાનંદજીએ કહ્યું હતું કે, ‘આ પત્રિકાનો મુખ્ય ઉદ્દેશ જીવનપોષકભાવનાભર્યા વિચારો લોકોમાં સંક્રાન્ત કરવાનો છે. પત્રિકાની ગુણવત્તાની સાથે ને સાથે આ પત્રિકાને પોષતા-પ્રેરતા ભાવિક વાચકો અને પ્રચારકોનું મહત્ત્વ ઘણું છે. આ સમારંભના અધ્યક્ષ સ્થાને શ્રીરામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ સ્વામી હર્ષાનંદજી મહારાજ હતા અને શ્રીરામકૃષ્ણ શારદાશ્રમ, પુણ્ણમપેઠના અધ્યક્ષ સ્વામી પુરુષોત્તમાનંદજીના ભજન સંગીતથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સમગ્ર કર્ણાટક રાજ્યમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રો — બેંગલોર, અળસુર, મેંગલોર ઉપરાંત ભક્તજનો દ્વારા ચલાવાતાં ૨૦થી વધુ કેન્દ્રોમાં પણ આ પત્રિકાનું વિમોચન એ જ દિવસે થયું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં તા.૨૫-૧૨-૯૯થી ૩૧-૧૨-૯૯ સુધી શાળા મહાશાળાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ, મુખપાઠ, ચિત્ર, સંગીત, નિબંધ-લેખન, વેશભૂષા, દોડ જેવી સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેમાં ૨૫૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તા.૧૨-૧-૨૦૦૦ના રોજ સવારે આઠ વાગ્યે વિવિધ ફ્‌લોટ્‌સ તેમજ દેવદેવીઓની વેશભૂષા સાથે દરબાર ગઢ ટાવરબંગલાથી એક શોભાયાત્રાનું આયોજન થયું હતું. આ શોભાયાત્રામાં શહેરના નગરજનો ઉપરાંત ૮૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. શોભાયાત્રાના અંતે વિશિષ્ટ મહેમાનો ડૉ. દેવયોગી સાહેબ અને જિલ્લા ક્લેક્ટરશ્રીએ (સુરેન્દ્રનગર) સભાને સંબોધન કર્યું હતું. તેમજ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં. કેન્દ્રના સૅક્રૅટરી આદિભવાનંદજીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને રામકૃષ્ણ મિશન, લીંબડીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવદિનની ઉજવણી

૧૨-૧-૨૦૦૦ના રોજ રાષ્ટ્રીય યુવદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ધો.૫-૬-૭, ૮-૯-૧૦, ૧૧-૧૨, પી.ટી.સી. અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ -વિવેકાનંદ સૅન્ટર ટ્રસ્ટ, જામનગર દ્વારા સર્વરોગ નિદાન કૅમ્પ

૧૯મી જાન્યુઆરી રવિવારે નંદાણા (સ્વામી વિવેકાનંદ નગર)માં સર્વરોગ નિદાન કૅમ્પનું આયોજન થયું હતું, જેમાં ૩૨૦ દર્દીઓને ચિકિત્સા સેવાનો લાભ આપવામાં આવ્યો હતી. ટ્રસ્ટ તરફથી દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સૅક્રેટરી સ્વામી નિખિલેશ્વરાંદજી મહારાજનાં આશીર્વચનો સાથે કૅમ્પનો પ્રારંભ થયો હતો. જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સવદાસભાઈએ ઉપસ્થિત રહીને ફર્નીચર અને ભોજન વ્યવસ્થાનું આયોજન કરાવી આપ્યું હતું. આ કૅમ્પમાં સ્ત્રીરોગ, હાડકાંના રોગોના નિષ્ણાત, કાન-ગળાના રોગોના નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, માનસિક રોગના નિષ્ણાત, ફિઝિશિયન્સ, તેમજ લેબોરેટરી ટેકનિશ્યનોની સેવા મળેલ. ડૉ. કીર્તિકુમાર માંડવિયા દ્વારા રૂ.૩૦૦૦૦ની દવાઓ સંસ્થાને ભેટ મળેલ.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીધામ દ્વારા યોજાયેલ રેલી

૧૨મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મદિન, રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે ૬૦૦ વિધાર્થીની એક શોભાયાત્રા ગાંધીધામમાં નીકળી હતી. આ રેલીના વિદ્યાર્થીઓને તેમજ ઉપસ્થિત રહેલા નગરજનોને ગાંધીધામ મ્યુનિસિપાલીટીના પ્રમુખશ્રીએ સંબોધન કર્યું હતું. ગુજરાતી માધ્યમની શાળાના વિદ્યાર્થીઓને ‘યુવાનોને’ નામનું પુસ્તક, અંગ્રેજી માધ્યમની શાળાના વિદ્યાર્થીઓને ‘રિબિલ્ડ ઇંડિયા’ નામનું પુસ્તક અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને ‘સબકા સ્વામીજી’ નામનું પુસ્તક ભેટ અપાયું હતું.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.