શ્રીરામકૃષ્ણ યુવક મંડળ – ભૂજ

શ્રીરામકૃષ્ણ યુવક મંડળ – ભૂજ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષોથી શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું પ્રચાર કાર્ય ચાલે છે. આ સેવાભવનમાં ‘શ્રીશારદા દેવી ચિકિત્સાલય’ અને સાધુ ભવનનું મંગળ ઉદ્‌ઘાટન શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદ મહારાજે કર્યું હતું. આ સેવાભવન માટે માતૃશ્રી લક્ષ્મીબહેન રેવાશંકર વિશ્રામ ઠક્કરની સહાય મળી છે. ગુજરાત ખનીજ વિકાસ નિગમની સહાયથી બંધાયેલ શ્રી વિવેકાનંદ સાર્વજનિક પુસ્તકાલયનું ઉદ્‌ઘાટન ગુજરાત રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ્‌ હસ્તે થયું હતું. રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી સુરેશભાઈ મહેતાએ સમગ્ર સમારોહનું દીપ પ્રગટાવીને ઉદ્‌ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કચ્છના લોકોની નિખાલસતા, પ્રમાણિકતા, હૃદયની સરળતા અને ત્યાગ ભર્યું જીવન, વગેરે ગુણોની યાદ આપી હતી. મંડળના કાર્યકરોને તેમની સેવા અને ઉત્સાહ માટે બિરદાવ્યા હતા. સર્વની સેવા એ પ્રભુની પૂજા છે એ ભાવે સેવાપ્રવૃત્તિ કરતા રહેવા તેમણે જણાવ્યું હતું. રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી સુરેશભાઈ મહેતાએ આજના લોભ-લાલચના યુગમાં સમાજ કર્તવ્યનિષ્ઠ બને, સેવા નિષ્ઠ બને તે માટે શ્રીરામકૃષ્ણ મઠ-મિશન આવી પ્રવૃત્તિઓ સતત કરતું રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સંત સમાગમ, સત્‌ સાહિત્યનું સેવન અને દીનહીનની સેવા દ્વારા આપણે પ્રભુની નજીક પહોંચી શકીશું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ જણાવ્યું હતું કે, શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક શક્તિ અને સર્વધર્મસમન્વયની ભાવના જ સમગ્ર વિશ્વને શાંતિ આપી શકશે અને અનેક સમસ્યાઓમાંથી ઉગારી શકશે. શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીના અધ્યક્ષ સ્વામી અદિભવાનંદજી, સંસદસભ્યશ્રી અનંતભાઈ દવે, સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી તથા ભૂજના નગરપતિ શ્રી કિરીટભાઈ સોમપુરાએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.

જમીનના દાતા શ્રી કાકુભાઈ, દાનવીર શ્રીજગદીશભાઈ ઠક્કર, શ્રીમતી ડાહીબેન જેઠી, ભવનના ઈજનેર શ્રી જે.સી. સંઘવી અને કોન્ટ્રાકર શ્રી વરસાણીનું પણ સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

મંડળના પ્રમુખશ્રી કેશવભાઈ ગોરે સ્વાગત પ્રચવન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ અને આભારદર્શન શ્રી પ્રવીણભાઈ મહેતાએ કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો ભક્તજનો દ્વારા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સન્માન સમારંભ તા.૨૪-૦૨-૨૦૦૦ યોજાયો હતો. સભામાં પોતાના પ્રવચનમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સૌને આશીર્વચન પાઠવ્યા હતા. આ સમારંભમાં ૪૫૦ ભાવિકજનોએ ભાગ લીધો હતો. તેઓશ્રી રાજકોટમાં ૧૫ થી ૧૮ અને ૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ રોકાયા હતા અને ભક્તજનોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નવનિર્મિત વસાહતનું ઉદ્‌ઘાટન

શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના વડાળા ગામના વાવાઝોડાગ્રસ્ત કુટુંબો માટે નવનિર્મિત ‘શ્રીરામકૃષ્ણ સંસ્કારધામ’ વસાહતનું ઉદ્‌ઘાટન તા. ૨૨-૨-૨૦૦૦ના રોજ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી સુંદરસિંહ ભંડારીના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનસમૂહને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, કુદરતી આફતોનો સામનો સાથે મળીને કરવાથી દુ:ખ ઓછું થાય છે. તેમણે રામકૃષ્ણ મિશન દ્વારા સમસ્ત દેશમાં થતી વિભિન્ન સેવા પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને બંધાયેલાં ૨૦ મકાનો, કોમ્યુનિટિ હૉલ, પ્રાર્થનામંદિર અને અન્ય સગવડો ધરાવતી સુંદર વસાહતનું નિર્માણ માત્ર પાંચ માસના ગાળામાં કરવા માટે રામકૃષ્ણ મિશનને અભિનંદન પાઠવ્યા હતા. આ વસાહતનું નામ ‘શ્રીરામકૃષ્ણ સંસ્કારધામ’ ઉચિત છે તેમ જણાવતાં કહ્યું કે, સંસ્કારોના સિંચનનું શિક્ષણમાં અને ગ્રામીણ વિકાસમાં અનેરું મહત્ત્વ છે આ માટે વસાહતમાં નવનિર્મિત સામુદાયિક ભવન અને પ્રાર્થના ભવન ઉપયોગી નીવડશે.

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે વસાહતના પ્રાર્થના ભવનનો સમર્પણવિધિ સંપન્ન થયો. તેમણે પોતાના વક્તવ્યમાં સુરત હોનારત વખતે રામકૃષ્ણ મિશન દ્વારા બંધાયેલી નવી વસાહતના કાર્ય દરમિયાન પોતાના અનુભવનું સ્મરણ કરતાં કહ્યું કે જે વૃદ્ધ માજીએ વસાહત માટે જમીન આપી હતી તેમણે શિલાન્યાસવિધિ વખતે ઉચ્ચારેલ શબ્દોને આપણે યાદ કરવા જેવા છે : ‘હે ભગવાન, આ મકાનોમાં જે વસવાટ કરે તે સૌનું ભલું કરજો.’ તેમણે આગળ જણાવ્યું કે રામકૃષ્ણ મિશન જે વિવિધ સેવા કાર્યો કરે છે તેના પ્રેરણાસ્રોત છે શ્રીરામકૃષ્ણદેવ. તેમણે ‘શિવજ્ઞાને જીવસેવા’નો ઉપદેશ આપ્યો હતો.

સભાનો મંગળ પ્રારંભ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના સંન્યાસીવૃંદના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત પ્રવચનમાં આ સમારંભમાં ઉપસ્થિત સરકારી અધિકારીઓ, અતિથિઓ, ગ્રામ્યજનો તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે ૯મી જુન ૧૯૯૮ના રોજ ગુજરાતમાં આવેલા ભયાનક વાવાઝોડાએ પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં મોટો વિનાશ સર્જ્યો હતો. રામકૃષ્ણ મિશન દ્વારા તરત જ રાહતકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને અસરગ્રસ્ત પરિવારોમાં ફૂટપેકેટ્‌સ, અનાજ, વસ્ત્ર, ઠામવાસણ જેવી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મકાનોના સમારકામ માટે નળિયાંનું પણ વિતરણ કાર્ય થયું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વાવાઝોડાગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે જામનગર જિલ્લાના નંદાણા, વડાત્રા અને ચાસલાણા ગામોમાં ૧૫૦ મકાનો, ૩ સામુદાયિક ભવન અને પ્રાર્થના મંદિર અને બાલક્રીડાંગણનું બાંધકામ કરવામાં આવ્યું હતું. શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા આ ચોથી વસાહતમાં ૨૦ મકાનો, સામુદાયિક ભવન અને પ્રાર્થના મંદિર વગેરેની સવલતોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક મકાનને સિમેન્ટની પાકી છત છે. ભવિષ્યમાં વાવાઝોડામાં પણ આ મકાનો સુરક્ષિત રહેશે. આ સમગ્ર પ્રકલ્પનો અંદાજિત ખર્ચ રૂપિયા ૨૦ લાખ છે. આ બધી રકમ શ્રીરામકૃષ્ણ મિશનને ‘મુંબઇ સમાચાર’ પાસેથી મળી છે. ‘મુંબઇ સમાચાર’દ્વારા આ રકમ વાંચકોને અપીલ કરીને એકત્રિત કરાઈ હતી.

દરેક મકાનમાં ૩૭૦ ચોરસ ફૂટનું બાંધકામ છે. તેમાં હવાઉજાસવાળો એક ખંડ, એક રસોડું અને એક બાથરૂમ અને જાજરૂનું બાંધકામ પણ થયું છે. ૧૨૦૦ ચોરસ ફૂટના બાંધકામ સાથે સામુદાયિક ભવન તથા પ્રાર્થના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

માનનીય રાજ્યપાલશ્રીએ વસાહતના બધા લાભાર્થીઓ પૈકી ત્રણને પ્રતીકરૂપે મકાનની ચાવી સોંપી હતી. સામુદાયિક ભવન અને પ્રાર્થના ભવનની ચાવીઓ પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રાણીમા કેશવાલાને અર્પણ કરી હતી. આ પ્રકલ્પમાં પોતાની અનન્ય સેવા આપનાર રાજકોટના આર્કિટેક્ટ શ્રી ગિરીશભાઈ મારુ, પોરબંદરના ઈજનેર હર્ષિતભાઈ રુઘાણી, રાજકોટના શ્રી બાબુભાઈ કંટારિયા, કચ્છથી આવેલ શ્રી રણછોડભાઈ ડાંગર અને પોરબંદરના સમાજસેવક શ્રી રમેશભાઈ ઝાલાને સન્માનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે સ્મૃતિચિહ્નો અર્પણ કરવામાં આવ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા નેત્રયજ્ઞ

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા તા.૧૬-૨-૨૦૦૦ના રોજ ‘નેત્રયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૩ દર્દીઓને (પુરુષ ૬૭, સ્ત્રી ૫૬) તપાસીને મફત દવા, ચશ્મા, ફૂડપેકેટ વગેરે આપવામાં ઓવલાં તેમજ, ૧૫ દર્દીઓ (પુરુષ ૬, સ્ત્રી ૯)ને આંખનાં જુદા જુદા રોગોના ઓપરેશન માટે શિવાનંદ મિશન વીરનગર લઈ જવામાં આવ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની રાહતસેવા પ્રવૃત્તિઓ

કલકત્તા અગ્નિરાહતસેવાકાર્ય : ઉત્તર કલકત્તાના ઊલટા ડાંગા વિસ્તારમાં લાગેલી આગથી પીડિત ૩૮૫ કુટુંબોને, શ્રીરામકૃષ્ણ મઠ, બાગબજાર દ્વારા ૨૫૦૦ માણસોને ૩ દિવસ સુધી ખીચડીનું ભોજન અપાયું હતું. આ ઉપરાંત ૩૮૫ ધોતિયાં, ૩૮૫ લુંગી, ૭૭૦ ટુવાલ, ૭૦૮ બાળકો માટેનાં તૈયાર કપડાં, ૩૮૫ સેટ એલ્યુમિનિયમનાં વાસણ, ૩૮૫ સેટ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણોનું વિતરણકાર્ય પણ થયું હતું.

અરુણાચલ પ્રદેશ અગ્નિરાહતસેવાકાર્ય : શ્રીરામકૃષ્ણ મિશન, આલોંગ દ્વારા વાક ગામના આગથી પીડિત લોકોને ચોખા, ઠામવાસણના સેટ અપાયાં હતાં. કુગી ગામના લોકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ માટે ગરમ ધાબળાનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળ : શ્રીરામકૃષ્ણ મિશન, માલદા દ્વારા જૂના માલદા, માલદા ટાઉન અને તેની આજુબાજુના બામણગોલા વિસ્તારના ૬ ગામના અને ઈંગ્લીશ બજારના ૩ ગામના લોકોમાં ૫૨૦ ગરમ ધાબળા, ૧૭૦ ધોતિયાં, ૧૩૦ સાડીઓનું વિતરણકાર્ય થયું હતું.

ગંગાસાગર મેળા મૅડિકલ રાહતકાર્ય : શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં સેવાપ્રતિષ્ઠાન, સરિસા, માનસાદ્વિપ કેન્દ્રોના સહકારથી ૨૪ પરગણા જિલ્લામાં ગંગાસાગર મકરસંક્રાંતિ મેળામાં તા.૧૧ જાન્યુ.થી ૧૫ જાન્યુ. સુધી ૩૨૩૦ દર્દીઓની સેવાચિકિત્સા થઈ હતી. ૪૭ દર્દીઓને દવાખાનામાં દાખલ કરાયા હતા. જરૂરતમંદ ગરીબ લોકોમાં વસ્ત્રોનું વિતરણ કાર્ય પણ થયું હતું. ૩૨૫ યાત્રાળુઓને રહેવા જમવાની સેવા પણ અપાઈ હતી.

રાજસ્થાન દુષ્કાળ રાહતસેવા : જસરાપુર, નાલપુર અને ખેતડીના જરૂરતમંદ ગરીબ લોકોમાં ગરમ ધાબળાનું વિતરણ કાર્ય શ્રીરામકૃષ્ણ મિશન, ખેતડી દ્વારા થયું હતું.

ઓરિસ્સા : જગતસિંઘ જિલ્લાના કન્નાગોલી ગામના નાગરિકો માટે ૨૦૦ સાયકલોન પ્રૂફ મકાનો, કૉમ્યુનિટિ હૉલ અને શાળાનું બાંધકામ કરવાનું નક્કી થયું છે. રામકૃષ્ણ મઠ, પુરી દ્વારા કોટંગા ગામની બે શાળાનું રિપેરીંગ કામ પણ હાથ ધરાયું છે.

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.