ચેન્નાઈમાં શ્રીરામકૃષ્ણ દેવના વૈશ્વિક મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ

શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન જન૨લ સેક્રેટરી અને તત્કાલીન શ્રીરામકૃષ્ણ મઠ ચેન્નાઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ૧૯૮૧માં આ ભવ્ય મંદિરની સંકલ્પના કરી હતી. ૧૯૯૪માં ભૂમિ પૂજન – શિલાન્યાસથી આ મંદિરના બાંધકામનો પ્રારંભ થયો અને ૨૦૦૦માં આ મહાન કાર્ય પૂર્ણ થયું. રૂા. ૬૫ કરોડના ખર્ચે બંધાયેલ અને પરંપરાગત દક્ષિણની સ્થાપત્યશૈલીના પ્રતીકરૂપ આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ૭મી ફેબ્રુઆરીએ સવારે ૬-૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે સંપન્ન થયો. ૯-૦૫ કલાકે મહાકુંભ-અભિષેક વિધિ થયો. આ જ સમયે શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની સ્મૃતિમાં બંધાયેલ ‘સ્વામી રામકૃષ્ણાનંદ હૉલ’નું મંગળ ઉદ્‌ઘાટન શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે સવારે ૧૧- ૦૦ વાગ્યે સંપન્ન થયું .

આ શુભ પ્રસંગે તે દિવસની સાંજે યોજાયેલી સભામાં રામકૃષ્ણ મઠ, ચેન્નાઈના અધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પાવનકારી પ્રસંગે શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે કહ્યું હતું : અનેક ધર્મોની સાધના કરનાર આધ્યાત્મિક્તાની ઉન્નતિના સર્વોચ્ચ શિખર પર આરોહણ કરનાર શ્રીરામકૃષ્ણદેવે દલિત–ભગીનું જાજરૂ ય સાફ કરતાં કહેલું : હે પ્રભુ, મારું બ્રાહ્મણ તરીકેનું અભિમાન ભલે ગળી જાય. શ્રી શ્રીમાએ પણ દલિત-દુઃખીની સેવા કરીને પોતાનો મિથ્યા—ગર્વ ઓગાળી દીધો અને સર્વ પ્રત્યે સમભાવનું શિક્ષણ આપ્યું. આ ભાવથી શરૂ થયેલો ધર્મભાવ એ જ સાચો ભક્તિભાવ છે. આ મંદિર પણ આ સમભાવભર્યા ભક્તિભાવના પ્રસારનું માધ્યમ બને તેવા આશીર્વચન પણ તેમણે આપ્યા હતા. આ પ્રસંગે શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે કહ્યું, ‘શ્રી શ્રીઠાકુર અને શ્રીશ્રીમાના શિષ્યના સાક્ષાત્ સંપર્કમાં આવેલ આ મઠ એક પુણ્યભૂમિ છે. અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા માનવોને આધ્યાત્મિક્તા દ્વારા સાચાં સુખ-શાંતિ-આનંદ આપનારાં આવાં મંદિરો પણ માનવમન માટે આરોગ્ય મંદિર જેવાં છે.

તા. ૫ ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુ. સુધી યોજાયેલા આ મહોત્સવનો પ્રારંભે તા. ૫ના રોજ શ્રીરામકૃષ્ણ-મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે ‘સ્મરણિકા’નું વિમોચન થયું હતું. ૬ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ શ્રીમત્ સ્વામી પીતાંબરાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને સાધુ સંમેલન યોજાયું હતું. તા. ૮નો દિવસ ‘સર્વધર્મ સમન્વય દિન’, તા.૯, ૧૦, ૧૧, ૧૨ ના દિવસો અનુક્રમે ‘શ્રીરામકૃષ્ણદેવ દિન’, ‘શ્રી શારદામણિ દિન’, ‘સ્વામી વિવેકાનંદ દિન’, ‘સ્વામી રામકૃષ્ણાનંદ દિન’ના રૂપે ઉજવાયા હતા. આ દિવસોમાં યોજાયેલ જાહેરસભામાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બંને ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજ, શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને અન્ય વરિષ્ઠ સંન્યાસીઓની અમૃતવાણીનો લાભ હજારો ભાવિકોને મળ્યો હતો. દેશ-વિદેશમાંથી આવેલા ૩૫ હજાર જેટલા ભાવિકો-સંન્યાસીઓ-બ્રહ્મચારીઓએ આ મહાપર્વને માણ્યું હતું. દ૨૨ોજ સુપ્રભાતમ્, વૈદિક મંત્રોચ્ચાર, ભજન, શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ સંગીતકારોના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો મન ભરીને ભાવિકોએ માણ્યા હતા. આ ઉપરાંત જાહેરસભા, ધાર્મિક આધ્યાત્મિક શિબિરનું પણ આયોજન થયું હતું. નવી સહસ્રાબ્દિના પ્રવેશ ટાણે સર્વધર્મસમભાવ અને આધ્યાત્મિક્તા દ્વારા માનવના મનને શાંતિ-આનંદ અર્પતો આ મહોત્સવ સૌ કોઈના મનહૃદયને સ્પર્શી ગયો હતો.

રાજકોટમાં શ્રીરામકૃષ્ણ જયંતીના ઉપલક્ષમાં યોજાયેલ સર્વધર્મ–સમભાવ શોભાયાત્રા

૮ માર્ચ, બુધવારે સવારે ૭-૩૦ વાગ્યે સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ અને ભાવિકજનોની એક વિશાળ શોભાયાત્રા શ્રીરામકૃષ્ણ આશ્રમમાંથી નીકળી હતી. આ શોભાયાત્રામાં શ્રીરામકૃષ્ણ, શ્રીશ્રીમા અને સ્વામીજીની શણગારેલી પાલખી અને ૭ જેટલા ફલોટસમાં સ્વામી વિવેકાનંદ, કાલીમા, સરસ્વતી મા, મા શારદા, વીર હનુમાન, જલારામ, જૈન શ્રમણ, જેવા વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો શહેરમાં સૌ કોઈનું ધ્યાન ખેંચતાં હતાં. ૯-૪૫ કલાકે આ શોભાયાત્રા શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પાછી આવી હતી. આ સભામાં શ્રીરામકૃષ્ણદેવના અનુકંપા ભાવને વ્યક્ત કરતા પ્રસંગનો નાટય પ્રયોગ, ભજન અને શિવતાંડવ નૃત્ય એસ.એન.કે અને ધૂલેશિયા શાળા દ્વારા રજૂ થયાં હતાં. ‘સહુના શ્રીઠાકુર’ વિષે સ્વામી જિતાત્માનંદજીએ પોતાનું પ્રવચન આપ્યું હતું. આ સભામાં ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભક્તજનોએ ભાગ લીધો હતો. સવારે ૫-૩૦ વાગ્યાથી મંદિરમાં વિશેષ પૂજા-ભજન-હવનનો કાર્યક્રમ હતો. સાંજના ‘શ્રીરામકૃષ્ણદેવના જીવન વિષે’ પ્રવચનનું આયોજન થયું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં યોજાયેલ પારિતોષિક વિતરણ સમારંભ

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં યોજાયેલ મુખપાઠ, વક્તૃત્વ, નિબંધ, વેશભૂષા, શિઘ્રચિત્ર સ્પર્ધામાં વિજેતા બનેલ શાળા મહાશાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે તા.૧૮ માર્ચ, શનિવારે સાંજે ૫.૩૦ કલાકે શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હૉલમાં પારિતોષિક વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભના અતિથિવિશેષ શ્રી પી.એલ.જાનીના (આઈ.જી.પી., રાજકોટ રેન્જ) વ૨૬ હરતે વિજેતા ભાઈ-બહેનોને પારિતોષિક આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો હાર્દિક સ્વાગત કર્યું હતું અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના વિચારોનું આજના વિશ્વમાં કેટલું મહત્ત્વ છે એ વાત એમણે બાળભોગ્ય શબ્દોમાં કરી હતી.

પોરબંદરમાં શ્રીરામકૃષ્ણ જયંતી મહોત્સવ

૮મી માર્ચના રોજ સવારના ૫.૩૦ થી બપોરના ૧૨.૦૦ સુધી પોરબંદર મિશનમાં આરતી, ભજન, વિશેષ પૂજા, હવન, વૈદિક પ્રાર્થનાના કાર્યક્રમમાં ૩૦૦ જેટલા ભક્તોએ ભાગ લીધો હતો. સાંજે સંધ્યા આરતી પછી ‘૨૧મી સદી માટે શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશની પ્રાસંગિકતા’ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજીનું પ્રવચન હતું.

વડાળા ગામમાં શ્રીરામકૃષ્ણજયંતી મહોત્સવ

નવનિર્મિત શ્રીરામકૃષ્ણ સંસ્કારધામ, વડાળાના ગ્રામવાસીઓએ ૧૫મી માર્ચ, ૨૦૦૦ના રોજ શ્રીરામકૃષ્ણદેવનો જન્મજયંતી મહોત્સવ ઉજવ્યો હતો. સવારના ૮.૩૦ વાગ્યે ગામના શ્રીરામમંદિરથી નવનિર્મિત ગામના શ્રીરામકૃષ્ણ મંદિર સુધીની શોભાયાત્રામાં ગ્રામજનો વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા, સ્વામીજીની છબિઓથી સજ્જ રથની આગળ મંગલઘટ અને પાછળ ભજનમંડળીનું ભજનસંગીત અનેરું આકર્ષણ હતું. અહીં યોજેલ વિશેષ પૂજા, ભજન, હવનનો ગ્રામવાસીઓએ લાભ લીધો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજ સૌના કલ્યાણાર્થે પ્રાર્થના કરી હતી. અને ગ્રામજનોના ભક્તિભાવને બિરદાવ્યો. એમના વરદ્ હસ્તે અહીંના પુસ્તકાલયનું ઉદ્‌ઘાટન થયું હતું. એ પ્રસંગે એમણે પાંચ હજાર રૂપિયાના પુસ્તકોની ભેટ આપવાની જાહેરાત કરી હતી. સાંજે પ થી ૬.૩૦ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજીનું ‘રામચરિતમાનસ, ગીતા અને શ્રીરામકૃષ્ણ પરમહંસ’ વિશેનું પ્રવચન ભાવિકજનોએ માણ્યું હતું.

નિમચમાં શ્રીરામકૃષ્ણ જન્મજયંતી મહોત્સવ 

૧૦મી માર્ચના રોજ સવારે નિમચ (પંચમહાલ)માંશ્રીરામકૃષ્ણ જન્મજયંતી મહોત્સવ શોભાયાત્રાનું આયોજન થયું હતું. જેમાં આજુબાજુના વિસ્તારના આદિવાસી ભાઈ-બહેનો જોડાયાં હતાં.

તે જ દિવસે ‘નારાયણ સેવા’ રૂપે ૨૮૫ કુટુંબોને-પ્રત્યેક કુટુંબ દીઠ-૫ કિલો અનાજ ૨ કિ. બટેટા અને ૧ કિ. દાળનું વિતરણકાર્ય થયું હતું. નિમચના શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓને આ પ્રસંગે ગણવેશ આપવામાં આવ્યો હતો.

વલસાડમાં ગુજરાતના શ્રીશારદામઠના સર્વ પ્રથમ કેન્દ્રનો મંગળ પ્રારંભ

નારીમાં રહેલ બ્રહ્મશક્તિ પ્રગટ કરવા સ્ત્રીઓ માટે અલગ મઠ સ્થાપવાની સ્વામી વિવેકાનંદની ઇચ્છા હતી. ૧૯૫૪ના જુલાઈની ૧૦મી તારીખે.-૧૯૫૩-૫૪ના શ્રીમા શારદાદેવી જન્મ શતાબ્દિ વર્ષની પૂર્ણાહુતિ સમયે – શ્રી શારદામઠની સ્થાપના થતાં સ્વામીજીની નારીઓના આધ્યાત્મિક ઉત્થાન માટેની ઇચ્છાની પૂર્તિ થઈ.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જેવા હેતુઓ અને આદર્શ ધરાવતી આ સંસ્થા પૂર્ણરૂપે એક અલગ અસ્તિત્વવાળી સ્વતંત્ર સંસ્થા છે. આજે દેશ-વિદેશમાં આ સંસ્થાની ૨૩ જેટલી શાખાઓ કાર્યાન્વિત છે. ગુજરાતનું એ પરમ સદ્‌ભાગ્ય છે કે વલસાડમાં શ્રી ધનસુખભાઈ અને શ્રીમતી ભાનુબહેન ધનસુખભાઈ મિસ્ત્રીએ આ સુકાર્ય માટે સમર્પિત કરેલ પાવન ભૂમિ પર ગુજરાતના શ્રી શારદામઠના પ્રથમ શાખા કેન્દ્રનો ઉદ્ઘા‌ટન સમારોહ ૨૮-૨૯-૩૦ એપ્રિલ, ૨૦૦૦ના રોજ યોજાયો છે. આ મંગલ ઉદ્‌ઘાટન સમારોહમાં પધારવા સૌ ભાવિકજનોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.

શ્રી શારદામઠ, વલસાડના ઉદ્‌ઘાટન માટે ‘ઉદ્‌ઘાટન સમારોહ સમિતિ’ની રચના થઈ છે.

: સંપર્ક સ્થાન :

શ્રી શારદામઠ, વલસાડ ‘ઉદ્‌ઘાટન સમારોહ સમિતિ’
૮૦૧/૨, સનફલાવર,
તિથલ રોડ, વલસાડ – ૩૯૦ ૦૦૧ (ગુજરાત).
ફોન: ૦૨૬૩૨ – ૪૪૪૬૪, ૪૨૨૬૭.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.