ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે વેદોની મહત્તા દર્શાવી. સ્વામી વિવેકાનંદ એમના ‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’ લેખમાં આગળ લખે છે:

‘સત્ય’ બે પ્રકારનું છે : (૧) માણસની પાંચ સામાન્ય ઇંદ્રિયો તથા તે ઉપર આધારિત તર્ક વડે જાણી શકાય તે, અને (૨) યોગની સૂક્ષ્મ અતીન્દ્રિય શક્તિ વડે જાણી શકાય તે.

પહેલી રીતે મેળવેલા જ્ઞાનને ‘વિજ્ઞાન’ કહે છે; બીજા પ્રકારે મેળવેલા જ્ઞાનને ‘વેદ’ કહે છે.

અનાદિ અને અનંત એવો અને વેદને નામે ઓળખાતો, અતીન્દ્રિય સત્યોનો સઘળો સમૂહ સદા અસ્તિત્વમાં છે જ. સ્રષ્ટા પોતે પણ વિશ્વનું સર્જન, પાલન અને વિનાશ આ સત્યોની સહાય વડે જ કરે છે.

જે વ્યક્તિમાં આ અતીન્દ્રિય જ્ઞાન પ્રગટે છે તે ઋષિ કહેવાય છે, અને આ જ્ઞાન વડે તે જે ઇંદ્રિયાતીત સત્યોનો સાક્ષાત્કાર કરે છે તેને ‘વેદ’ કહેવાય છે.’

હવે વિજ્ઞાન શું છે? માનવ જીવનના બધા જ વિશિષ્ટ ઇંદ્રિયજન્ય અનુભવોનું વર્ગીકરણ કરીને વિશિષ્ટતાનું સામાન્યીકરણ કરવું એને વિજ્ઞાન કહેવામાં આવે છે. આ સામાન્યીકરણની પ્રક્રિયામાં માણસ પોતાની બુદ્ધિ અને તર્કનો પણ ઉપયોગ કરે છે. આ બધા અનુભવો ઇંદ્રિયજન્ય હોવાને કારણે બહુસંખ્યક લોકોને પ્રભાવિત કરે છે. પરંતુ જ્યારે આપણે આપણા ઇંદ્રિયજન્ય અનુભવોથી આગળ ધાર્મિક અનુભવો સંબંધી વિચાર કરીએ તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તે ધાર્મિક અનુભવો વિજ્ઞાનની જેમ તર્કબદ્ધ અને બુદ્ધિગમ્ય નથી કારણ કે તેઓ તો માત્ર કોઈ રૂઢ સિદ્ધાંત દર્શાવતા શાસ્ત્રગ્રંથ પર જ આધાર રાખે છે અને તેને આંખો મીંચીને સ્વીકારવા સિવાય કંઈ છૂટકો નથી. પણ આપણે એ પૂરતી રીતે સમજી લેવું ઘટે કે આ શાસ્ત્રો તો દ્રષ્ટાઓના ઇંદ્રિયાતીત દિવ્ય અનુભવો ઉપર આધારિત છે અને એટલા જ માટે સામાન્ય ઇંદ્રિયજન્ય અનુભવોના સ્તરે રહેલા અસંખ્ય માનવીઓની પકડમાં એ આવી શકે નહીં. સ્વામી વિવેકાનંદ લોકોની આ અંધ ધાર્મિક માન્યતાને વખોડી કાઢતા. એમના ‘રાજયોગ’માં તેઓ કહે છે કે આ જીવ-જગત વિષયક ઇંદ્રિયાતીત અનુભવો પ્રાપ્ત કરવા માટેની પ્રયુક્તિ વૈજ્ઞાનિક રીતે રાજયોગમાં નિરૂપાઈ છે. વિજ્ઞાનની પેઠે આ ઇંદ્રિયાતીત અનુભૂતિઓને પણ પોતાના આવિષ્કારની વિશિષ્ટ પદ્ધતિ હોય છે અને જ્યાં સુધી ગંભીરતાથી અને નિષ્ઠાથી એ પદ્ધતિઓની પ્રયોગ સાધના ન કરવામાં આવે ત્યાં સુધી એનાં સત્યોને આપણે નકારી કાઢી શકીએ નહીં. વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણે બાહ્ય વસ્તુઓને નિરખવા-પારખવા માટે આપણા મસ્તિષ્કને પદ્ધતિસર તાલીમ આપીએ છીએ. પરંતુ ધર્મવિજ્ઞાનમાં મનની ભીતરની અવસ્થાઓના નિરીક્ષણ-પરીક્ષણ માટે આપણે પોતાને જ તાલીમ આપવી પડે છે. જ્યારે આપણી એકાગ્રતાનો ઉપયોગ કોઈ બાહ્ય વસ્તુ ઉપર કરીએ છીએ ત્યારે પ્રાકૃતિક વિજ્ઞાનનો વિકાસ થાય છે અને જ્યારે આ એકાગ્રતાનો વિનિયોગ આંતરિક જગત ઉપર કરવામાં આવે ત્યારે ધર્મવિજ્ઞાનનો વિકાસ થાય છે. જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિસર આ અતીન્દ્રિય અનુભૂતિઓને વિકાસ થાય ત્યારે એવા અનુભવકર્તાને આપણે ‘દ્રષ્ટા’ કે ‘ઋષિ’ એવું નામ આપીએ છીએ. આ ‘દ્રષ્ટા’ જ સાચો ધર્મવિજ્ઞાની છે અને એ અતીન્દ્રિય ધાર્મિક સત્યોનો ‘દ્રષ્ટા’ બની રહે છે. એટલા માટે સ્વામીજી આગળ કહે છે :

‘આ ઋષિત્વ, વેદના અતીન્દ્રિય અનુભવની આ શક્તિ, એ જ સાચો ધર્મ છે. અને સાધકના જીવનમાં એ જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી ‘ધર્મ’ એને માટે ‘ખાલી શબ્દમાત્ર’ છે; અને એમ સમજી લેવું કે ધર્મની બાબતમાં હજી તેણે પહેલું પગલું પણ માંડ્યું નથી.’

તેમણે તેમના ગુરુદેવ ભગવાન શ્રીરામકૃષ્ણમાં શાસ્ત્ર વર્ણિત સૈદ્ધાંતિક જ્ઞાનનું લોકોત્તર છતાં પ્રયોગસિદ્ધ નિદર્શન નિહાળ્યું. એટલા માટે તેઓ કહે છે કે, ‘શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એનાં તેજ દ્વારા હિન્દુ ધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં પ્રબોધેલા તમામ સૈદ્ધાંતિક જ્ઞાનના દૃષ્ટાંતરૂપ હતા. ઋષિઓ અને અવતારી પુરુષો જે ખરેખર શીખવવા ઇચ્છતા હતા તે શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં પ્રત્યક્ષ કરી બતાવ્યું. ગ્રંથો માત્ર સિદ્ધાંતો હતા, શ્રીરામકૃષ્ણ તેમનો સાક્ષાત્કાર હતા. એ પુરુષે પોતાની એકાવન વર્ષની જિંદગીમાં રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનનાં પાંચ હજાર વર્ષ જીવી બતાવ્યાં, અને એ રીતે ભાવિ પ્રજા માટે એક મૂર્ત આદર્શની કોટિએ પહોંચી ગયા.’

સ્વામીજી ‘દિવ્યવાણી’માં કહે છે: ‘ધાર્મિક વિચારના તરંગો ઊઠે છે અને શમી જાય છે તેના ‘સર્વોચ્ચ શિખર’ ઉપર તે કાળનો ‘પયગંબર’ ઊભો હોય છે. શ્રીરામકૃષ્ણ આજનો રચનાત્મક ધર્મ – નહિ કે વિનાશાત્મક – શીખવવા આવ્યા. હકીકતો જાણવા માટે તેને ફરીથી પ્રકૃતિ માતા પાસે જવું પડ્યું; તેમાંથી વૈજ્ઞાનિક ધર્મ મેળવ્યો. આ ધર્મ કદીય કહેતો નથી કે ‘માની લો;’ તે કહે છે કે ‘જાતે જુઓ;’ ‘હું જોઉં છું અને તમે પણ જોઈ શકો.’ તે જ સાધનોનો ઉપયોગ કરો એટલે તમને પણ તે જ દર્શન થશે.’

આ રીતે ધર્મના એક મહાન વૈજ્ઞાનિક તરીકે શ્રીરામકૃષ્ણદેવે પોતાના શિષ્ય નરેન્દ્રને સનાતન ધર્મના બધાં પાસાંનું એક વૈજ્ઞાનિક નિરૂપણ પોતે જીવીને દર્શાવ્યું. જ્યારે ધર્મને છિન્નભિન્ન કરી દેવાની ક્રૂર ઝુંબેશ વૈજ્ઞાનિકોએ શરૂઆત કરી ત્યારે એની સામે અડીખમ ઊભા રહેવા માટે શ્રીરામકૃષ્ણદેવે સ્વામીજીને તૈયાર કર્યા હતા. સ્વામીજીએ પોતાની અનોખી રીતે ઉદ્‌ઘોષણા તેમના ‘ભારતમાં આપેલાં ભાષણો’માં કરી છે :

‘ઇતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થવાનું છે. કારણ કે આજે આંખના પડળને તોડીને તેને આંજી નાખે એવા આધુનિક વિજ્ઞાનના પ્રકાશને બળે જ્યારે પુરાણી અને ઉપર ઉપરથી મજબૂત તથા અભેદ્ય મનાતી માન્યતાઓને હચમચાવી પાયામાંથી ખોદી નાખવામાં આવી છે, જ્યારે માનવ જાતની વફાદારી પરના જુદા જુદા સંપ્રદાયોના ખાસ દાવાઓ ભુક્કા થઈ જઈને અણુ અણુ જેવડી રજ બની હવામાં અલોપ થઈ ગયા છે, જ્યારે આધુનિક પુરાતત્ત્વવેત્તાની શોધખોળોના હથોડા સર્વ પ્રકારની જૂની પૂરાણી અંધશ્રદ્ધાને ચિનાઈ માટીનાં વાસણો પેઠે ચૂરેચૂરા કરી નાખે છે, જ્યારે પશ્ચિમમાં ધર્મ કેવળ અજ્ઞાનીઓના હાથમાં જ જઈ પડ્યો છે અને સમજદાર લોકો તો ધર્મને લગતી કોઈ પણ બાબત પ્રત્યે તિરસ્કારની નજરે જ જુએ છે, ત્યારે ભારતીય તત્ત્વજ્ઞાન આગળ આવે છે. આ તત્ત્વજ્ઞાન ભારતીય માણસની સર્વોચ્ચ આધ્યાત્મિક આકાંક્ષાઓને પ્રદર્શિત કરે છે; અહીં ભવ્યમાં ભવ્ય દાર્શનિક હકીકતો લોકો માટે રોજબરોજની આધ્યાત્મિકતા બની ગઈ છે. સ્વાભાવિક રીતે જ આ અખિલની એકતાની ભાવના, અનંતની, અપૌરુષેયપણાની ભાવના, માનવના સનાતન આત્માની અદ્‌ભુત ભાવના, જીવોની આગેકૂચમાં રહેલી અતૂટ સળંગતાની ભાવના, અને વિશ્વની અનંતતાની ભાવના વહારે ધાય છે.’

સ્વામીજીએ બે પ્રકારનાં સત્યોની જે વાત કરી તેમાં ઇંદ્રિયો તથા તે ઉપર આધારિત તર્ક દ્વારા જાણી શકાય તેવું ‘વિજ્ઞાન’ તો બહુસંખ્યક લોકો સ્વીકારે છે. પરંતુ અતીન્દ્રિય સત્યો તો કેવળ અવતારી પુરુષો અને ઉચ્ચતર કોટિના વિરલ સાધકો જ અનુભવી શકે છે એટલે બહુ સંખ્યક લોકોને માટે તે સુલભ બની શકે ખરાં? અને સર્વ સાધારણ માનવી એને મેળવવા માટે કશી આશા રાખી શકે ખરો? અને ખાસ કરીને તે સત્યો આધુનિક બૌદ્ધિકજનોને પરિતોષ આપી શકે ખરાં? આ જ હેતુને લક્ષમાં રાખીને શ્રીરામકૃષ્ણદેવ અવતર્યા હતા અને તેમણે તત્કાલીન શંકાશીલ અને પશ્ચિમથી પ્રભાવિત વિદ્વાનો અને વૈજ્ઞાનિકો સામે, બહુ લાંબા સમય સુધી કેવળ ધર્મગ્રંથોમાં જ પડેલી આ દિવ્ય અનુભૂતિઓને પોતાના જીવનમાં જીવી બતાવીને તેમની આગળ યથાતથ રજૂ કરી દીધી.

આપણા મનોદૈહિક ક્ષેત્રમાં અમુક સ્તરો છે જેના ઉપર આપણો કાબૂ હોય છે જેમ કે બાહ્ય અવયવોનું હલનચલન, સભાન વિચાર પ્રક્રિયા વગેરે સચેત સ્તર છે, જ્યારે કેટલાક સ્તરો એવા હોય છે જેના ઉપર આપણો કાબૂ હોતો નથી જેમ કે પાચન તંત્ર, રુધિરાભિસરણતંત્ર અને સ્વપ્નાવસ્થા વગેરે આ અચેત સ્તર કહેવાય છે. આ સચેત અને અચેત સ્તરોના કર્તા તો આપણે જ છીએ. એટલા માટે યોગીઓ કહે છે કે તમારી અચેત ક્રિયાઓને પણ સચેત સ્તર પર લાવવી એ જ યોગનું સ્વરૂપ છે. સમસ્ત માનવજાતમાં બૌદ્ધિક સભાનતાની સાથે ઇચ્છાશક્તિ ભળેલી હોય છે જ્યારે માનવેતર પ્રાણીઓમાં મનની સભાનતા તો હોય છે પરંતુ તે બુદ્ધિથી પ્રેરિત હોતી નથી એ કેવળ સહજવૃત્તિને જ અનુસરે છે.

જેવી રીતે માણસમાં સચેતન (Conscious) અને અચેતન (Unconscious) એવા બે સ્તરો મનોવૈજ્ઞાનિકો કબુલે છે પરંતુ ભારતના યોગીઓ સચેતન મનની પેલીપારનું એક ત્રીજોસ્તર પણ સ્વીકારે છે જેને અતિચેતન કે પરાચેતન (Superconscious) સ્તર કહેવાય છે. અહીં એટલું ધ્યાન રાખવું ઘટે કે મનના પરાચેતન સ્તરમાં તેમજ અચેતન સ્તરમાં ‘અહં’ હોતો નથી પણ એ બન્ને વચ્ચેનો ખાસ ભેદ એના પરિણામો ઉપર આધાર રાખે છે. અચેતન સ્તરમાંથી માણસ જ્યારે પાછો સચેતન સ્તરમાં આવે છે ત્યારે એના વ્યક્તિત્વમાં કશો જ ફેર પડતો નથી, એ પૂર્વવત જ રહે છે જ્યારે પરાચેતન સ્તરમાંથી સચેતન સ્તરમાં આવેલા સાધકનું તો સમગ્ર વ્યક્તિત્વ જ બદલાઈ જાય છે. સ્વામીજી તેમના રાજયોગમાં કહે છે તેમ :

‘એક અવસ્થામાંથી (ગાઢ નિદ્રામાંથી) માણસ જેવો પ્રવેશ્યો હોય છે તેવો જ બહાર આવે છે, અને બીજી (સમાધિ) અવસ્થામાંથી માણસ બહાર આવે છે ત્યારે તે જ્ઞાની બનીને, ઋષિ બનીને, પયગંબર બનીને, સંત બનીને બહાર આવે છે. તેનું આખું ચારિત્ર્ય બદલાઈ જાય છે, તેનું જીવન પલટાઈ જાય છે, તે પ્રકાશમય બની જાય છે. આ બે પ્રકારનાં પરિણામો છે. ત્યારે હવે પરિણામો જુદાં હોય તો કારણો જુદાં હોવાં જ જોઈએ. આ જે જ્ઞાનપ્રકાશ મેળવીને મનુષ્ય સમાધિમાંથી પાછો આવે છે તે અચેત અવસ્થામાંથી જે મળે તેના કરતાં, અથવા સચેત અવસ્થામાં તર્કયુક્તિ દ્વારા મેળવાતા જ્ઞાન કરતાં ઘણા ઉચ્ચ પ્રકારનો હોવાને લીધે એ અતિચેતન અવસ્થા હોવી જ જોઈએ, અને સમાધિને જ અતિચેતન અવસ્થા કહેવામાં આવે છે.’

આ સમાધિ પ્રક્રિયાની આ અતિચેતન સ્તર પર પહોંચવાની બધી જ પ્રયુક્તિઓનું પદ્ધતિસર અને ક્રમસર નિરૂપણ સ્વામી વિવેકાનંદે પોતાના રાજયોગમાં કર્યું છે. તેમના મતે આપણા મેરુદંડમાં સામાન્ય રીતે ‘ઈડા’ અને ‘પિંગળા’ નામના બે જ્ઞાનવાહક પ્રવાહો છે. તેમાનો એક કેન્દ્રગામી છે કે જે સંવેદનાઓને મસ્તિષ્ક તરફ લઈ જાય છે અને બીજો કેન્દ્રોત્સારી છે કે જે સંવેદનાઓની પ્રતિક્રિયા મસ્તિષ્કમાંથી શરીર તરફ કાઢે છે. આ બે જ્ઞાનવાહક પ્રવાહો વચ્ચે એક અવકાશ સ્વરૂપ નળી છે જેને સુષુમ્ણા કહેવાય છે. સામાન્ય રીતે ‘ઈડા’ અને ‘પિંગળા’માં વિહરતા માનવી માટે સુષુમ્ણાનું દ્વાર બંધ હોય છે અને તેને લીધે તેની ચેતના દેહબદ્ધ જ રહે છે. આ બંધનને તોડવા માટે યોગી તીવ્ર સાધના દ્વારા સુષુમ્ણાનું દ્વાર ખોલે છે અને કોઈ પણ જાતના જ્ઞાનતંતુ વગર માનસિક જ્ઞાન પ્રવાહોને સુષુમ્ણાના અવકાશ માર્ગે વહાવે છે. સુષુમ્ણાના પાયામાં ‘મૂલાધાર’ ચક્ર છે જ્યાં જન્મજન્માંતરના સંસ્કારો પ્રસુપ્ત રહેલા છે જેને સુષુપ્ત કુંડલિની પણ કહેવાય છે. કેટલીક વખત અભાનરૂપે પણ આ કુંડલિનીના સુષુપ્ત સંસ્કારો સ્વપ્ન વગેરે દ્વારા બહાર ધસી આવવા મથે છે. પણ યોગીનો હેતુ તો આ બધા પ્રસુપ્ત સંસ્કારોને (કુંડલિનીને) વિશુદ્ધ કરી ઊર્ધ્વગમન કરાવવાનું છે. સ્વામીજી રાજયોગમાં કહે છે :

‘જો આ કુંડાળું વળીને પડી રહેલી શક્તિને જગાડીને ક્રિયાશીલ કરવામાં આવે અને પછી સમજપૂર્વક ઉપર સુષુમ્ણા નાડીમાં વહેતી કરવામાં આવે તો એ જેમ જેમ એક પછી એક કેન્દ્ર પર આઘાત કરે, તેમ તેમ એક પ્રચંડ પ્રતિક્રિયા શરૂ થઈ જાય છે. જ્યારે શક્તિનો એક અતિસૂક્ષ્મ અંશ કોઈ એક જ્ઞાનતંતુમાં થઈને વહેવા લાગે છે અને કેન્દ્રોમાંથી પ્રતિક્રિયા ઊભી કરે છે, ત્યારે તે અનુભવ કાં તો સ્વપ્નરૂપ અથવા તો કલ્પનારૂપ થાય છે. પરંતુ જ્યારે લાંબા કાળના આંતરિક ધ્યાનની શક્તિને પરિણામે સંઘરાઈ રહેલી શક્તિનો વિશાળ જથ્થો સુષુમ્ણામાર્ગ દ્વારા ઉપર ચડે છે અને કેન્દ્રો પર આઘાત કરે છે ત્યારે પ્રત્યાઘાત અતિ પ્રચંડ હોય છે, અને સ્વપ્ન અથવા કલ્પનારૂપે થયેલ પ્રત્યાઘાત કરતાં અત્યંત ઉચ્ચ પ્રકાર, ઇંદ્રિયોથી થતા અનુભવો કરતાં અત્યંત તીવ્ર હોય છે. એ હોય છે ઇંદ્રિયાતીત અનુભવ.’

એટલા જ માટે જ્યારે સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું, ‘તમે ઈશ્વરને જોયો છે’ ત્યારે તેમણે તરત જ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, ‘હા, મેં ઈશ્વરને જોયો છે. તને જોઉં છું તે કરતાં પણ વધારે સ્પષ્ટતાથી મેં એને જોયો છે.’

સ્વામીજી આગળ કહે છે :

‘આમ કુંડલિનીને જાગ્રત કરવી એ જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો, યા અતીન્દ્રિય અનુભવ મેળવવાનો, કે આત્માનો સાક્ષાત્કાર કરવાનો એક માત્ર ઉપાય છે. આ જાગૃતિ વિવિધ પ્રકારે આવી શકે : ઈશ્વર પરના પ્રેમ દ્વારા, પૂર્ણત્વે પહોંચેલા ઋષિમુનિઓની કૃપા દ્વારા, અથવા તો દાર્શનિકની પૃથક્કરણાત્મક ઇચ્છાશક્તિ દ્વારા. જ્યાં ક્યાંય પણ જેને સાધારણ રીતે અલૌકિક શક્તિ કે અલૌકિક જ્ઞાન કહેવામાં આવે છે તેનું પ્રાગટ્ય થયું છે ત્યાં કુંડલિનીનો જરાતરા પ્રવાહ સુષુમ્ણામાં પ્રવેશી ગયો હોવો જ જોઈએ. માત્ર આવા કિસ્સાઓમાં મોટા ભાગના લોકોને અજાણપણે કોઈક પ્રક્રિયા હાથ આવી ગઈ હોય છે, કે જેથી ગૂંચળું વળીને પડેલી કુંડલિનીનો લગારેક અંશ ક્રિયાશીલ બન્યો હોય છે. સઘળી ઉપાસનાઓ, જાણ્યે અજાણ્યે, આ લક્ષ્યે જ લઈ જાય છે.’

આમ શ્રીરામકૃષ્ણદેવનું અદ્‌ભુત જીવન વિવિધ માર્ગે સધાતી કુંડલિનીની જાગ્રત થવાની એક મહાન પ્રયોગશાળા સમું હતું. વેદોમાંથી નિપજેલા વિવિધ અધ્યાત્મમાર્ગોનું નિદર્શન એમના જીવનમાં આપણને સ્પષ્ટપણે જોવા મળે છે.

(ક્રમશ:)

સંદર્ભસૂચિ:

(શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ – ૩, ૧૯૮૯, પૃ.૨૦)
(શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ – ૩, ૧૯૮૯, પૃ.૨૦)
(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ – ૧૧, (૧૯૮૧), પૃ.૨૩૭).
(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ – ૯, (૧૯૮૧), પૃ.૨૧).
(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ – ૪, (૧૯૭૯), પૃ.૮-૯).
(રાજયોગ, (૧૯૯૩), પૃ.૫૨)
(રાજયોગ, (૧૯૯૩), પૃ.૩૭)

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.