ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક યા અતીન્દ્રિય સત્યોના લોકોત્તર વૈજ્ઞાનિક તરીકે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન પ્રમાણ્યું. હવે આપણે પ્રસ્તુત વિષયની ચર્ચામાં આગળ વધીશું.

સ્વામીજી કહે છે : ‘વેદનું પ્રામાણ્ય સર્વ સમયે, સર્વ સ્થળે અને સર્વ લોકોને લાગુ પડે છે; એટલે કે તેમનું પ્રામાણ્ય અમુક ખાસ સ્થળ, સમય કે વ્યક્તિના પૂરતું મર્યાદિત નથી. 

વિશ્વ-ધર્મનું સમર્થન કરનાર ફક્ત ‘વેદ’ છે.

જોકે સત્યોનું અતીન્દ્રિય દર્શન કંઈક પ્રમાણમાં આપણાં પુરાણો અને ઇતિહાસોમાં તથા બીજી પ્રજાઓના ધર્મગ્રંથોમાં જોવા મળે છે; છતાં આર્ય પ્રજામાં ‘વેદ’ના નામે ઓળખાતા ચતુર્વિધ ધર્મગ્રંથો આધ્યાત્મિક સત્યોનો સંપૂર્ણમાં સંપૂર્ણ અને અવિકૃત સંગ્રહ હોવાને લીધે બીજાં બધાં શાસ્ત્રોમાં સર્વોચ્ચ સ્થાને અને પૃથ્વી પરની સર્વ પ્રજાઓના માનને પાત્ર છે, તથા તેમનાં બધાં વિવિધ શાસ્ત્રોનો ખુલાસો પૂરો પાડે છે.’

વેદોનાં અપૌરુષેયત્વ વિશે વાત કરતાં આપણે કહી ગયા કે વેદો એ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓનું સર્જન નથી પણ ઋષિઓએ અનુભવેલાં અલૌકિક સત્યોનું દર્શન કે સ્ફુરણ છે અને તેથી એને ‘શ્રુતિ’ અથવા ‘વેદ’ એવું નામ આપવામાં આવ્યું છે. એટલા માટે એનું પ્રામાણ્ય સર્વકાલીન, સર્વદેશીય અને સર્વજનીન છે. વિશ્વના બાકીના સુપ્રચલિત ધર્મો કોઈ વ્યક્તિ કે પયગંબરની સરજત છે અને એના પ્રામાણ્ય માટે તે વ્યક્તિ કે પયગંબરની ઐતિહાસિકતા ઉપર આધારિત છે. વેદો માટે એવું કશું નથી. જો કે પછીથી આર્યાવર્તમાં પણ પુરાણો ઉપર આધારિત વિવિધ પ્રકારના ઈષ્ટદેવોની પૂજા-અર્ચના શરૂ થઈ અને એને કેન્દ્રમાં રાખી વિવિધ સંપ્રદાયો પણ ઊભા થયા. આમ છતાં સર્વશ્રેષ્ઠ પ્રમાણ તરીકે તો એ બધા સંપ્રદાયોને વેદ જ સ્વીકાર્ય રહ્યા છે. વેદોએ આ બધા જ સંપ્રદાયોને એક સૂત્રે બાંધી રાખ્યા છે. આ વૈશ્વિકતા એટલી હદે વિસ્તરી કે બૌદ્ધ અને જૈન જેવા વેદના પ્રામાણ્યને ન સ્વીકારનારા ધર્મસંસ્થાપકોને પણ ઈશ્વરના અવતાર તરીકે સમાવવામાં આવ્યા. એટલું જ નહીં પણ આ સનાતન વૈદિક ધર્મ છાતી ઠોકીને કહે છે કે, ‘અવતારાહ્યનન્તાસ્તે’ – ઈશ્વરના તો અનંત અવતારો છે. અને આમ હોવાથી આ વૈદિક ધર્મ વિશ્વના બધા ધર્મોને પોતાનામાં સમાવવામાં પૂરતો સક્ષમ છે. એટલે સ્વામીજી આગળ કહે છે કે, ‘વિશ્વ-ધર્મનું સમર્થ કરનાર ફક્ત ‘વેદ’ છે.’

વેદોમાં નિમ્નતમ સત્યથી માંડીને ચરમ સત્ય સુધી પહોંચવા માટે એક સોપાનમાર્ગ કે સીડી આપણને જોવા મળે છે. પાછળના પુરાણાદિ અને બીજા ધર્મોના ગ્રંથોમાં એ સીડીનાં કોઈ એકાદ પગથિયાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી એ જ વિશ્લેષણને સર્વશ્રેષ્ઠ માનીને વિવિધ સંપ્રદાયો અને ધર્મો ઊભા થયા છે. આ વિશ્લેષણના આગ્રહથી સંશ્લેષણ અથવા સંવાદિતાની વાત સાવ વિસરાઈ ગઈ. અને વિવિધ પગથિયાની પરસ્પર સાપેક્ષતા ભુલાઈ ગઈ. આ સંવાદિતાનું પુન:સ્થાપન કરવા જ વેદમૂર્તિ ભગવાન શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા. સ્વામી વિવેકાનંદે એટલે જ તેમને નામે કોઈ સંપ્રદાયની વાડાબંધી ઊભી ન કરી અને સાથો સાથ પરંપરાને પણ ન છાંડી. પરંતુ એ બધી પરંપરાઓનો સમન્વય કરીને વિવિધ સ્વરોથી જેમ એક સંગીત નીપજે અને વિવિધ રંગોથી જેમ એક સમગ્ર ચિત્ર ઉપસે તેવી રીતે સમગ્ર સંપ્રદાયો અને ધર્મોનો એક અખંડ મહાલય ખડો કરી દીધો અને કેન્દ્રમાં વેદોને મૂકી દીધા.

ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ સમય જતાં મુખસૌકર્યના હેતુથી ભાષામાં પરિવર્તન આવ્યા કરે છે અને શબ્દોના અર્થોમાં પણ સંકોચ, વિકાસ અને પરિવર્તન થયા કરે છે. વેદોમાં આવું કશું ન બને તેની આપણા ઋષિસંપ્રદાયે પૂરતી કાળજી રાખી છે અને પદપાઠ, ઘનપાઠ, સસ્વરતા વગેરેની યોજના કરીને મૂળ વેદોને અકબંધ રાખવા પૂરતા પ્રયાસો કર્યા છે અને એટલે જ અતિ પ્રાચીન કાળથી માંડીને ઠેઠ આજ સુધી આ વેદો અવિકૃત જ રહ્યા છે. વેદોની આ અવિકૃતિ જાળવવા માટે અનેક સંઘર્ષો થયા અને દ્વાપરના અંતથી એટલે કે શ્રીકૃષ્ણ અને કૃષ્ણદ્વૈપાયનથી માંડીને ઠેઠ કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્ય સુધી લાંબા ગાળા પર્યંત એ સંઘર્ષ ચાલતો રહ્યો અને એમાં અનેક વેદરક્ષક બ્રાહ્મણોએ પોતાના જીવનનો પણ ભોગ આપ્યો હતો એમ ઇતિહાસ નોંધે છે. આ કાળ વેદરક્ષણના ઇતિહાસનું એક ઓજસ્વી પાનું છે. આ પરંપરા શંકરાચાર્ય પછી મોગલો તથા અન્ય વિદેશી આક્રમણો અને તેમના શાસન દરમ્યાન પણ વેદાધ્યયનશીલ બ્રાહ્મણોએ ખૂબ પરિશ્રમપૂર્વક અવિછિન્ન અને અવિકૃત રાખી. ત્યાર પછી વેદરક્ષણ માટે પશ્ચિમના ભૌતિકવાદ તરફથી એક ભયંકર અવરોધ આવી પડ્યો. આ ખતરાને પહોંચી વળવા શ્રીરામકૃષ્ણદેવ અને તેમના વીર શિષ્ય સ્વામી વિવેકાનંદે વૈદિક ધર્મનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંરક્ષણ કરી પુન:સ્થાપન કર્યું.

વેદોની સર્વગ્રાહી દૃષ્ટિએ સમગ્ર આધ્યાત્મિક સત્યોને આવરી લીધાં છે. વિવિધ શાસ્ત્રોમાં દર્શાવેલા મત વૈવિધ્યનો પરિતોષજનક ખુલાસો વેદ સિવાય બીજા કોઈ પણ ધર્મસાહિત્ય કરી શકે તેમ નથી. આ વેદો માનવજીવનનાં નિમ્નતમ સ્તરથી ઊંચે ચડતાં ચડતાં માનવને જીવનના ઉચ્ચતમ શિખર સુધી પહોંચાડી દે છે અને આ ઉચ્ચતમ શિખર આપણા ઉપનિષદો છે જેને વેદાંત પણ કહેવામાં આવે છે. વેદાંતસારમાં સદાનંદ કહે છે તેમ, ‘વેદાંતો નામ ઉપનિષદ્ પ્રમાણમ્ તદુપકારીણિ શારીરક સૂત્રાદીનિ ચ’ — અર્થાત ઉપનિષદના જ પ્રમાણને તેમજ તેના અર્થને વધુ સ્પષ્ટ કરતા બ્રહ્મસૂત્ર વગેરેને વેદાંત કહેવામાં આવે છે.

ઉપલી બાબતોનું સમર્થન કરતાં સ્વામીજી કહે છે કે, ‘આર્ય પ્રજાએ શોધેલ સત્યોના સમગ્ર વૈદિક સંગ્રહની બાબતમાં એ પણ સમજી લેવાનું છે કે જે વિભાગો માત્ર સાંસારિક બાબતોનો જ ઉલ્લેખ કરતા નથી, જે પરંપરા કે ઇતિહાસની કેવળ નોંધ જ લેતા નથી કે જે કર્તવ્યનાં માત્ર વિધાનો જ આપતા નથી, તે જ ખરા અર્થમાં ‘વેદો’ છે.

વેદોના સંહિતા અને બ્રાહ્મણ વિભાગમાં સાંસારિક બાબતો, રીતરિવાજો, અને ભૌતિક સુખો વગેરે સંબંધી ઉલ્લેખો મળે છે. એમાં ઇતિહાસનો સંકેત પણ મળે છે, વિધિ-વિધાનો પણ મળે છે. પણ એ બધું કંઈ વેદનું સાર તત્ત્વ કે તાત્પર્ય નથી જ. વેદનું ખરું સત્ત્વ કે તત્ત્વ તો વેદાંત છે, ઉપનિષદો છે, એ જ પરાવિદ્યા છે અને એ જ નિરપેક્ષ સત્ય છે.

વેદના પૂર્વોક્ત વિભાગોને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. એક છે કર્મકાંડ જેને અપરાવિદ્યા પણ કહેવામાં આવે છે અને બીજો છે જ્ઞાનકાંડ જેને પરાવિદ્યા કહેવામાં આવે છે.

આ બાબતને સ્પષ્ટ કરતાં સ્વામીજી આગળ કહે છે કે, ‘વેદો બે વિભાગમાં વહેંચાયેલા છે : જ્ઞાનકાંડ અને કર્મકાંડ. કર્મકાંડના વિધિઓ અને તેમનાં ફળ માયાના જગતની અંદર રહેલાં છે; તેથી દેશ, કાળ અને વ્યક્તિ દ્વારા કાર્ય કરી રહેલા પરિવર્તનના નિયમ પ્રમાણે તેમાં ફેરફાર થયા છે, થતા આવ્યા છે, અને થયા જ કરશે.

તેવી જ રીતે સામાજિક નિયમો અને રીતરિવાજો આ કર્મકાંડ પર આધારિત હોવાથી બદલાતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ બદલાતા રહેશે. મામુલી સામાજિક રિવાજો પણ, જ્યારે તેઓ સાચાં શાસ્ત્રોનાં હાર્દ અને પવિત્ર ઋષિઓના આચાર અને દૃષ્ટાંતને બંધબેસતા થાય, ત્યારે તેમને ગણતરીમાં લઈને સ્વીકારવામાં આવ્યા છે અને સ્વીકારવામાં આવશે, પરંતુ જે રિવાજો શાસ્ત્રોના મર્મથી અને ઋષિઓના આચારથી વિરુદ્ધ જતા હોય તેમની આંધળી વફાદારી આર્ય પ્રજાના અધ:પતનનું એક મુખ્ય કારણ છે.’

વૈદિક કર્મકાંડમાં પાછળથી ઘૂસેલી અને ક્યારેક આજે પણ જોવા મળતી અશ્લીલતા, બિભત્સતા અને હિંસાખોરી વગેરે આ અધ:પતનકારી વિકૃતિના નમૂના છે. આ વિકૃતિથી સમાજને બચાવવા અને તથાકથિત ધર્મને નામે ચાલતા અધર્મથી બચાવવા યુગે યુગે મહાપુરુષોએ-ખુદ ઈશ્વરે અવતારો લીધા છે. તેમણે પોતાનાં જીવન અને વાણી દ્વારા વેદોનો સાચો મર્મ લોકોને સમજાવ્યો છે. તેઓ મહાન આત્મા અને સત્‌પથપ્રદર્શક હતા. એટલે જ શાણા માણસો કહે છે કે ‘મહાજનો યેન ગત: સ પંથા:’ – અહીં મહાજનનો અર્થ યુગાવતાર કે યુગાચાર્ય છે.

આ મહાજનો કે યુગાચાર્યોએ તત્કાલીન અને તદૃેશીય વિવિધ પ્રકારનાં લોકોની રસ, રુચિ, વલણ, સુષુપ્તશક્તિ અને આવશ્યક્તાને ધ્યાનમાં લઈને વેદાંતનો જ બોધ આપ્યો હતો.  આમ બોધમાં ઉપરછલ્લું વૈવિધ્ય ભાસતું હોવા છતાં લક્ષ્ય તો બધાંનું એક જ છે. ઋગ્વેદ કહે છે કે ‘એકં સત્ વિપ્રા બહુધા વદન્તિ’ એટલે એક જ સત્યને ઋષિઓ અનેક પ્રકારે વર્ણવે છે. આ વૈવિધ્યમાં રહેલી એકતા શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં ઉત્તમ રીતે આચરી બતાવી અને ઉદ્‌ઘોષણા કરી કે ‘જતો મત તતો પથ’ – જેટલા મત તેટલા પથ. પુષ્પદંતે ‘શિવમહિમ્ન:’ સ્તોત્રમાં લખ્યું છે કે, ‘રુચીનાં વૈચિત્ર્યાદૃજુકુટિલનાનાપથજુષાં નૃણામેકો ગમ્યસ્ત્વમસિ  પયસામર્ણવ ઈવ’- અર્થાત્ વાકાં ચૂકાં વહેતાં નદીનાળાનું પાણી જેમ છેવટે સાગરને જ મળે છે તેમ જુદા જુદા મતને અનુસરનારા માણસો છેવટે એક જ પરમેશ્વરને પામે છે.

આ વેદાંતના પાયા ઉપર ઋષિમુનિઓ અને યુગાચાર્યો દ્વારા અપાયેલા ઉપદેશો તત્કાલીન ભાસતા હોવા છતાં શાશ્વત જ છે. એના ઉપલા વસ્ત્રમાં કદાચ થોડો ઘણો ફેરફાર થશે તો પણ તેનો આત્મા તો એનો એ જ રહેવાનો છે. સ્વામીજી કહે છે: ‘મનુષ્યોને માયાથી પર લઈ જવા માટે અને યોગ, ભક્તિ, જ્ઞાન કે નિષ્કામ કર્મ દ્વારા તેમને મુક્તિ અપાવવા માટે, સર્વ કાળમાં જ્ઞાનકાંડ કે વેદાંત જ માન્યતાને પાત્ર અને સ્વીકારાયેલ છે; તેમ જ તેની સબળતા અને પ્રામાણ્ય દેશ, કાળ કે વ્યક્તિની કોઈ પણ મર્યાદાથી અલિપ્ત હોવાને કારણે સમગ્ર માનવજાત માટેના વિશ્વવ્યાપી અને સનાતન ધર્મનું સમર્થન કરનાર એકમાત્ર  વેદાંત જ છે.

મનુ તેમ જ કર્મકાંડમાં દર્શાવેલ પ્રણાલિકાઓને અનુસરનારા બીજા ઋષિઓની સંહિતાઓએ દેશ, કાળ અને વ્યક્તિની તે તે કાળની આવશ્યક્તાઓ અનુસાર સામાજિક કલ્યાણ સાધે તેવા આચારના નિયમો દર્શાવ્યા છે. પુરાણોએ વેદાંતમાં દટાયેલાં સત્યોને ઉઠાવી લઈને અવતારો તથા બીજા મહાપુરુષોનાં ઉન્નત જીવન અને કાર્યોનાં વર્ણનો દ્વારા તે સત્યોને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે; ઉપરાંત ઈશ્વરનાં અનંત સ્વરૂપોમાંથી એક એક સ્વરૂપ લઈને લોકોને તેનો ઉપદેશ આપવા માટે તે એક એક સ્વરૂપ ઉપર ભાર મૂક્યો છે.’

આ વેદાંત જ્ઞાનને જીવન વિમુખતામાંથી કે સમાજવિમુખતામાંથી બહાર કાઢીને સર્વજન ભોગ્ય બનાવવાનું ભગીરથ કાર્ય આ વેદાંતને અભિષ્ટ વર્તન—પરિવર્તનનું સાધન બનાવવામાં આવે તે જ છે. આ કાર્ય યુગે યુગે યુગપુરુષોએ કર્યા કર્યું તો છે પરંતુ એને સર્વગ્રાહી અભિગમ પ્રબોધવાનું શ્રેય તો શ્રીરામકૃષ્ણદેવ અને તેમની પ્રેરણાથી આખાય વિશ્વમાં એનો પ્રચાર કરનાર સ્વામી વિવેકાનંદને ફાળે જાય છે. શ્રીરામકૃષ્ણદેવને અવતારવરિષ્ઠ કહેવાનો આ જ મર્મ છે કારણ કે તેઓ તો સકલધર્મના જીવતા જાગતા સ્વરૂપ સમા હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજે પણ તેમને ‘જીવંત ઉપનિષદ’ કહ્યા છે. ઉપનિષદ અથવા વેદાંતનો વૈશ્વિક સંદેશ ત્રિકાલાબાધિત છે, સર્વજનગ્રાહ્ય છે અને સર્વદેશીય છે કારણ કે એનો પાયો વેદોના ‘ઋત્’ અને ‘સત્’ તત્ત્વો ઉપર આધારિત છે. એમાં ‘સત્’ તત્ત્વ એ વિશ્વના પાયામાં રહેલી પારમાર્થિક સત્તા છે અને એ શાશ્વત છે, દેશ—કાલ—નિરપેક્ષ છે અને ‘ઋત્’ એ એનું પરિચાલક બળ છે. જે અનાદિ કાળથી વિશ્વનું પરિચાલન કરે છે. એટલે આ વેદાંતધર્મ જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી અક્ષુણ્ણ જ રહેશે. આટલા માટે જ વિશ્વના ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન બધા ધર્મોનાં પાયામાં આ વેદાંતનો આભાસ સીધી કે આડકતરી રીતે પડ્યા વગર રહેતો નથી જ. અને એ જ કારણે સર્વધર્મમાં રહેલા ઓછાવત્તા તથ્યાંશને તરછોડવાનો કે વગોવવાનો સમગ્ર વેદાંતમાં કોઈ સવાલ જ ઊભો થતો નથી. સ્વામી  વિવેકાનંદના મત પ્રમાણે વિવિધ ધર્મસંપ્રદાયો આ અધ્યાત્મ યાત્રામાં નિમ્નતર સત્યથી ઉચ્ચતર સત્ય સુધી લઈ જનારાં સોપાનો છે. આ વેદાંત ધર્મનો વિકાસ આપણા દેશમાં પાછળથી પુરાણ ગ્રંથો અને સ્મૃતિગ્રંથોએ પોતપોતાની રીતે કર્યો છે. પણ એમાં પૃથક્કરણાત્મક દૃષ્ટિ પ્રધાનપણે હતી તેથી પૂર્વગ્રહો વધ્યા અને સમગ્રતા અને સંવાદિતા ધીરે ધીરે લુપ્ત થતી ગઈ. આનું વિસ્તૃત વિવેચન આપણે આગલા સંપાદકીય લેખમાં કરીશું.

સંદર્ભ :

૧. લીલાપ્રસંગ ભાગ-૩, પૃ. ૨૦
૨. એજન, પૃ. ૨૦-૨૧
૩. એજન, પૃ. ૨૧
૪. એજન, પૃ. ૨૧

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.