આંધ્રપ્રદેશમાં વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્‌ઘાટન

૧૨ જાન્યુઆરી-૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધ ગૌતમી નદી પર બાંધેલા વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્‌ઘાટન કર્યું હતું. આવા પુલના બાંધકામનું રાહતસેવાકાર્ય કરનાર રામકૃષ્ણ મિશન, સમગ્ર ભારતભરમાં સર્વ પ્રથમ બિનસરકારી સેવાભાવી સંસ્થા બને છે. પૂર્વ ગોદાવ૨ી જિલ્લાના પલ્લવરીપાલેમના થાણેલંકા ગામના ૬૫ વર્ષના નિવાસી વી.જી.એસ. પ્રકાશરાવના મુખેથી આ પ્રસંગે આ ઉદ્‌ગારો સરી પડ્યાઃ ‘મારા જીવનમાં સૌથી વધારે સ્મરણીય દિવસોમાંનો આ એક મહાન દિવસ છે. મારા જીવન દરમિયાન આવો બ્રિજ અહીં બંધાશે એવો ખ્યાલ મને સ્વપ્નમાંય નહોતો આવ્યો. સંદેશવ્યવહારનાંસાધનોના અભાવે આંધ્રપ્રદેશનો આ વિભાગ સૌથી વધારે પછાત વિસ્તાર રહ્યો છે. સંદેશવ્યવહાર અને વાહનવ્યવહારનાં સાધનોના અભાવે ઘણા લોકો તેમને સમયસર હૉસ્પિટલમાં ન લઈ જઈ શકાતાં મૃત્યુ પણ પામ્યા છે. આ ટાપુ જેવા ક્ષેત્રની દીકરીઓને આજુબાજુના સાધનસંપન્ન વિસ્તારના છોકરાઓ પરણવા પણ તૈયાર ન થતા. રામકૃષ્ણ મિશને આ પૂલ બાંધીને એક અદ્‌ભુત સેવાનું કાર્ય કર્યું છે. આ સત્કાર્ય માટે અમે શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના ઋણી રહીશું.’ આ પુલના બાંધકામ પહેલાં – થાણેલંકા, ગુરાજકુલંકા, યલ્લકલાલંકા આ ત્રણેય ગામની દશા આવી હતી. આ પુલથી હવે આ ગામડાં મુખ્યવિસ્તારો સાથે – જોડાઈ ગયાં છે. આ ટાપુ કુદરતી સંપત્તિ અને વનસ્પતિથી સમૃદ્ધ છે. અહીં ખાસ કરીને નાળિયેર, સંતરા-મોસંબી અને કેળાં ખૂબ પાકે છે. શહેરના મુખ્ય બજારોમાં અહીંના આ સમૃદ્ધ ઉત્પાદનોને યાંત્રિક બોટોમાં લઈ જનાર વેપારીઓ અને જમીનદારોને ખેડૂતોએ સાવ નીચી કિંમતે પોતાનો માલ વેચવો પડતો. આ ગરીબ ખેડૂતો પાસે બોટ ન હતી કારણ કે તેની ખરીદી કે ભાડે લેવી એ વાત તેમના ગજા બહારની હતી. વાહનવ્યવહારની સુવિધાઓના અભાવે છોકરા-છોકરીઓને સારી શાળા કોલેજોમાં મોકલવા શક્ય ન હતાં. ૧૪ વર્ષના જી. પુંડરીશ નામના વિદ્યાર્થી જે નજીકના મુખ્ય વિસ્તારની શાળાઓમાં ભણે છે તેમણે કહ્યું: ‘મોટા ભાગના અમારા સહપાઠીઓને સારું શિક્ષણ મળતું ન હતું. કારણ કે એ વિસ્તારમાં હૉસ્ટેલની ફી ઘણી મોટી હતી અને વરસાદની ઋતુમાં નદીના ભારે તાણપ્રવાહને લીધે હોડીઓ પણ ચલાવી શકાતી નહિ એટલે શાળાએ જવું શક્ય ન હતું. માત્ર પૈસાદાર લોકોને આ બધું પોસાતું. મારા દાદા સર્પદંશથી મૃત્યુ પામ્યા. અમે તેમને હૉસ્પિટલે ન લઈ જઈ શક્યા કારણ કે ત્યારે હોડી મળી નહિ. હવે આ પુલ બંધાતા વાહનવ્યવહારની વ્યવસ્થા ગોઠવાતાં અહીં પ્રાથમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્યકેન્દ્ર પણ ઊભાં થશે.’

કુમારી જયશ્રી સુરેશે કહ્યુંઃ ‘આ પુલનું બાંધકામ એ મારા માટે રોમાંચકારી અનુભવ છે. આ વિસ્તારની બાળાઓનું પૂરતા અને સારા શિક્ષણના અભાવે શોષણ થતું હતું. આ રાજ્યના મુખ્ય વિસ્તારોથી અલગ પડેલા આ ટાપુઓના મા-બાપ પોતાની છોકરીઓને દૂર શાળામાં મોકલતા નહિ. અને આ દીકરીઓને સારા જીવનસાથી પણ ન મળતા, હવે આ પુલને કારણે વાહન વ્યવહાર વધવાથી બહેનોની આ મુશ્કેલીઓ દૂર થશે. આ મહાન કાર્ય માટે બહેનો વતી રામકૃષ્ણ મિશનનો હું ઋણ સ્વીકાર કરું છું.’ શ્રીચંદ્રબાબુ નાયડુએ પણ પોતાના પ્રવચનમાં રામકૃષ્ણ મિશનના પ્રયત્નોની પ્રશંસા કરતાં કહ્યું : ‘રામકૃષ્ણ મિશન જ આવા પડકારભર્યા કામને હાથમાં લઈને સમયસર અને ફાળવેલ નાણા પ્રમાણે એ કામને પૂરું પાડે છે. આપણા રાજ્યમાં કોઈ વિકાસ કાર્ય કરવા માટે રામકૃષ્ણ મિશન પ્રયત્ન કરશે તો અમારી સરકાર તેને બનતી બધી સહાય કરશે. સ્વામીજીએ કહ્યું છે એ પ્રમાણે ભૌતિક વિકાસના બધા લાભો લોકો ભોગવી શકે તે માટે નૈતિક મૂલ્યોનો વિકાસ કરવો જરૂરી છે. ૨૦મી સદીની શરૂઆતમાં કલકત્તામાં ફાટી નીકળેલા પ્લેગથી પીડિત લોકોની સેવા કરવા માટે પૂરતાં નાણાં ન મળતાં બેલુર મઠના જમીન-મકાન વેંચી નાખવાનો નિર્ણય પણ તેમણે કર્યો હતો. તેમનો આ સર્વ સેવાનો સંદેશ આજે પણ આપણને પ્રેરણા આપે છે. ગામડાંના લોકોનાં નૈતિક ધોરણો ઊંચાં આવે એ માટે એમને શિક્ષણ આપવું જોઈએ.’ રામકૃષ્ણ મઠ મિશનના જનરલ સૅક્રેટરી શ્રીમદ્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે આ પ્રસંગે કહ્યું : ‘પીડિત-દલિતનો ઉદ્ધાર કરવાનો રામકૃષ્ણ મિશને નિર્ધાર કર્યો છે. અમારી પાસે માનવશક્તિ ઓછી છે છતાં લોકોની પ્રામાણિકતા અને નિષ્ઠાને લીધે અમારું આ કાર્ય સફળ રહ્યું છે.’ સ્વામી શ્રીકરાનંદજીએ આ પ્રસંગે કહ્યું : “આ પુલ સ્વામીજીના જન્મતિથિદિનની એક સારી મંગલકારી ભેટ બની રહેશે.’ આ ગામડાના લોકોએ આ પુલ બાંધી આપવાની ખાસ વિનંતી કરી હતી. શ્રીરામકૃષ્ણ મિશને ત્રણ ગામડામાં જેનો વાવાઝોડામાં આશ્રયસ્થાન તરીકે પણ ઉપયોગ કરી શકાય એવી ત્રણ શાળા બાંધી આપી છે. દરેક આશ્રય સ્થાનની બે મંજલી ઈમારતના ભોંયતળિયે આપત્તિના સમયે ૨૦૦૦ જેટલા લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. તેના પ્રથમ માળે શૈક્ષણિક સુવિધાસંપન્ન શાળા છે. પુલના ઉદ્‌ઘાટન વિધિ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ રાજ્યના મુખ્ય વિસ્તારો સાથે જોડતાં આ પુલના પ્રવેશ સ્થાને સ્વામી વિવેકાનંદની ૯.૫’ ઊંચી તામ્રપ્રતિમા ગ્રામ્યજનોના આર્થિક સહકારથી મૂકવામાં આવી છે. પ્રતિમા પાસે એક બાલોદ્યાન પણ બાંધી આપવામાં આવ્યું છે.

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.