વેદાંતને વ્યવહારમાંથી આપણે તગડી મૂક્યું તે ભારતના પતનનું મુખ્ય કારણ છે. મધ્ય એશિયા સુધી અને યવદ્વીપ (જાવા), બાલી, સુમાત્રા, કલિમંથન (બોર્નિયો) સુધી, આજે આપણે જેને હિંદુધર્મ કહીએ છીએ તે વિસ્તરેલો હતો. પણ અટક ગામે અટકાવું આવ્યું, સમુદ્રોલ્લંઘન પર પ્રતિબંધ મુકાયો, નાની નાની જ્ઞાતિઓનાં કુંડાળાં રચાયાં અને, સ્ત્રીઓ, વૈશ્યો, તથા શૂદ્રોને શાસ્ત્રજ્ઞાનથી વંચિત રખાયાં ત્યારથી પતન થયું, ‘અધિકાર’ની વાડ કરીને ધર્મની સાચી સમજણને આપણા પૂર્વજોએ પંડિતોની પોથીઓમાં કે દુર્ગમ ગુફામાં પૂરી દીધી અને, મધપૂડાનાં નાનાં નાનાં ખાનાં જેવી દીવાલોના ભેદ ઊભા કરી દીધા. આની સાથે કર્મની ખોટી સમજણ ભળીઃ ‘એનાં કર્મ એવાં તે એ ભોગવે; મારે એમાં શું?’ પરિણામે આપણે અનુકંપાહીન બની ગયા. અનુકંપા વિના કોઈ સમાજ ટકી શકે નહિ..

આ સંજોગોમાં, ઈસ્લામી આક્રમકોનાં જે ધાડાં ઉપરાઉપર ત્રણચાર સદીઓમાં ઊતરી આવ્યાં તેમની સામે એક થઈ લડવાનો વિચાર પણ આપણા પૂર્વજોને આવ્યો નહિ. તેમ જ એ આક્રમણોનાં દૂરગામી પરિણામો પણ આપણા એ પૂર્વજો સમજી શક્યા નહિ. ફિરંગીઓથી આરંભાયેલા યુરોપિયનોના આક્રમણો દરમિયાન પણ એ જ સ્થિતિ રહી.

ઈસ્લામના આક્રમણ વખતે કબીર સાહેબનો બુલંદી સૂર ગાળ્યો હતો. વણકરના એ દીકરાએ ચાદર વણતાં વણતાં, વ્યવહારનાં કાર્યો કરતા રહીને, ભેદની ભીંતોને ભાંગવાનો, અભેદ અપનાવવાનો અને સાચા ધર્મને અનુસરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો હતો. પણ નિદ્રાજડ સમાજ પર એની ઊંડી કે વ્યાપક અસર ન પડી.

એ જ રીતે, રાણી વિક્ટોરિયાનું રાજ્ય સ્થપાતાં, ખ્રિસ્તી ધર્મના પ્રચારને છુટ્ટો દોર મળ્યો હતો; એ રાજ્ય વિધિસર સ્થપાયું તેની વીસપચ્ચીસ વર્ષ પૂર્વેથી અંગ્રેજી શિક્ષણના પાયા રોપાઈ ચૂક્યા હતા. આ આક્રમણની સામે પણ આપણા પૂર્વજો પેલા મધપૂડાનાં ખાનાંઓમાં ખદબદતાં જંતુઓની માફક જ જીવી રહ્યા હતા. જે લોકો એક યા અન્ય કારણસર અંગ્રેજી શિક્ષણની અને ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ આવ્યા. તેમાંના ઠીક ઠીક લોકો આપણા ધર્મથી, સંસ્કારોથી, પરંપરાઓથી વિમુખ બની ગયા. સમગ્ર સંસ્કૃતિ જાણે મરવા પડી હોય એવું લાગતું હતું.

જે સમયે મેકોલેએ ભારતમાં અંગ્રેજીનું શિક્ષણ દાખલ કર્યું લગભગ તે જ સમયે, શ્રીરામકૃષ્ણ અવતર્યાં. મેકોલે પ્રબંધિત નવા શિક્ષણથી તો એ વંચિત રહ્યા હતા એટલું જ નહિ, આપણી બ્રાહ્મણ પરંપરા મુજબનું પાઠશાળાનું શિક્ષણ પણ એ બ્રાહ્મણપુત્રે લીધું ન હતું. આ બેઉ પ્રકારની વિદ્યાનો આશય એક જ હતોઃ પેટ ભરવાનો. શ્રીરામકૃષ્ણને મન એ અવિદ્યા હતી. ઈશ્વરની સમીપ લઈ જાય તે જ સાચી વિદ્યા.’ એમ સત્તર અઢાર વર્ષની વયથી, કદાચ એ સમજણા થયા ત્યારથી જ એ માનતા હતા. અને, તક મળતાં જ એમણે એ વિદ્યા પ્રાપ્ત કરવાના પ્રયત્નો, જોરદાર પ્રયત્નો, માંડી દીધા.

શ્રીરામકૃષ્ણની સાધના બારેક વર્ષો સુધી અવિરતપણે ચાલી. એમની સાધના યાજ્ઞવલ્ક્યની સાધના જેવી હતી, ગુરુ વગરની. ભૈરવી બ્રાહ્મણી, તોતાપુરી કે બીજા કોઈની પાસે ઠાકુર શિષ્યભાવે ગયા ન હતા. ભૈરવી અને તોતાપુરી સ્વયં દક્ષિણેશ્વર આવી ચડ્યાં હતાં અને બંને શ્રીરામકૃષ્ણ પાસે રોકાઈ ગયાં હતાં. અવિધિસરની સાધનાને લઈને શ્રીરામકૃષ્ણની શારીરિક પીડાને દૂર કરવાનું કાર્ય ભૈરવીએ કર્યું હતું. તોતાપુરીને જે સિદ્ધિ મેળવતાં ચાળીસેક વરસ લાગ્યાં હતાં તે પ્રાપ્ત કરતાં શ્રીરામકૃષ્ણને માત્ર ત્રણ દહાડા લાગ્યા હતા કારણ, લોટાને રોજ માંજીને ચકચકિત રાખતા. તોતાપુરીને એમણે કહ્યા મુજબ એમનો ‘લોટો’ સોનાનો હતો. અને ભૈરવી કે તોતાપુરી અટક્યાં હતાં ત્યાં જ નહિ અટકતાં શ્રીરામકૃષ્ણે ઈસ્લામની અને ખ્રિસ્તીધર્મની પણ સાધના કરી હતી. સંપ્રદાયોનાં, ધર્મોનાં નાનાં નાનાં ખાનાં તોડી એ અખિલ વિશ્વનો તોડ ઊભો કરવા માગતા હતા. ‘મારો સંપ્રદાય, મારો ધર્મ જ ચડિયાતો છે’ એ માન્યતાની પોકળતા એ છતી કરવા માગતા હતા. ‘અયમાત્મા બ્રહ્મ’ (માંડુક્ય), ‘તત્ત્વમ્ અસિ’ (છાંદોગ્ય), ‘અર્હબ્રહ્માસ્મિ’ (બૃહદારણ્યક) અને ‘પ્રજ્ઞાનમ્ બ્રહ્મ’ (ઐતરેય), વેદાંતનાં આ ચાર મહાવાક્યોની સત્યતાની પ્રત્યક્ષ શાબિતી શ્રીરામકૃષ્ણ પૂરી પાડવાના હતા.

મથુરબાબુ સાથે કરેલી કાશીમથુરાની યાત્રાને બાદ કરતાં, જીવનના ત્રણ દાયકા સુધી, કલકત્તાથી સાતઆઠ કિ.મી. ઉત્તરે ગંગાતટે આવેલા દક્ષિણેશ્વરના કાલીમંદિરના સંકુલમાં જ પોતાનું જીવન વ્યતીત કરનાર ઠાકુર શ્રીરામકૃષ્ણે એક પણ પોથી પડ્યા વિના, પોતાના ઉચ્ચતમ જીવન દ્વારા વેદાંતને વ્યવહારુ બનાવ્યું હતું. એમણે લગ્ન કર્યું હતું છતાં એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા; એમણે સંન્યાસ લીધો હતો છતાં, ભગવાં ધારણ કર્યાં ન હતાં; એમણે બધા ધર્મોની સાધના કરી હતી છતાં, એ પોતાના ધર્મને વળગી રહ્યા હતા; એ ચૂસ્ત હિંદુ હતા છતાં, એમને બધા ધર્મો પ્રત્યે સમભાવ હતો; એ મૂર્તિપૂજામાં માનતા હતા છતાં, વેદાંતી હતા; અને એમનું વેદાંત પોથીમાં જ પૂરી રાખવાનો સિદ્ધાંત ન હતો; એમનું વેદાંત પૂરેપૂરું વ્યવહાર્ય હતું, એમના આચરણને પગલે પગલે એ પ્રત્યક્ષ થતું. વેદાંતને મતે ‘સર્વે ખલુ ઈદ બ્રહ્મ’ હોય તો પછી ધાર્મિક કે સાંપ્રદાયિક ભેદભાવને સ્થાન જ ક્યાં છે? “ખર દરશનના જૂજવા મના/માંહોમાંહે ખાધા ખના…’ અખાના એ છપ્પા અનુસાર ‘દર્શનો’- ધાર્મિક કે સાંપ્રદાયિક માન્યતાઓ-ભેદભાવના વાડા ઊભા કરે છે. વિવિધ સંપ્રદાયો અને ધર્મોની સાધના દ્વારા શ્રીરામકૃષ્ણે અનુભૂતિ કરી હતી કે ઈશ્વર ‘અમારો’ જુદો અને ‘તમારો’ જુદો નથી, એક જ છે. ઠાકુર માનતા હતા કે ધર્માંતર ની આવશ્યક્તા જ નથી, દરેક ધર્મ દ્વારા ઈશ્વરાનુભૂતિ થઈ શકે છે અને ઈશ્વરતત્ત્વ એક જ છે.

‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ લખનાર નરસિંહ મહેતાની માફક ઠાકુર શ્રીરામકૃષ્ણને માણસ માણસ વચ્ચેનો ભેદભાવ માન્ય ન હતો. બધાંનાં જાજરુઓ સાફ કરનાર રસિક મહેત૨નું જાજરુ એમણે જાતે સાફ કર્યું હતું અને પછી લાંબા કેશથી એને લૂંછ્યું’તું. એમના ધર્મપત્ની શ્રીમતી શારદાદેવીએ ગામના ઉત્તાર એવા અમજદની-એ મુસલમાન હતો તે છતાંયે તેની-એઠ ઉપાડી હતી.આ અભેદનું શિક્ષણ એમને પોતાના પતિદેવ પાસેથી જ પ્રાપ્ત થયું હતું. ભારવાડબાળ લાટુ (પછીના સ્વામી અદ્ભુતાનંદ)ના હાથની બાંધેલી કણકની રોટલી વણતાં, ઠાકુરને અને એમના બ્રાહ્મણ શિષ્યોને ખવરાવતાં અને જાણે ખાતાં એ રૂઢિબંધનાં ઉછરેલી નારીને વાંધો આવ્યો ન હતો તે પણ એ ભેદ ભાંગવાના શિક્ષણને કારણે, વિદેશગમન કરવા માટે મહિપતરામ જ્ઞાતિ બહાર મુકાયા હતા તે જમાનો એ હતો. એ જમાનામાં પોતાના પ્રિય પુત્ર નરેનને તેમણે વિદેશગમનની રજા આપી હતી. બધાંમાં એક જ ઈશ્વર છે એ તેમના લોહીના પ્રત્યેક કોષમાં વણાઈ ગયું હતું. 

એમની આ માન્યતા કેટલી તો સુદૃઢ હતી તેનું બીજું ઉદાહરણ છે ઇંગ્લૅન્ડથી આવેલાં, સ્વામી વિવેકાનંદનાં એક ઉત્તમ શિષ્યા ભગિની નિવેદિતા પ્રત્યેનું એમનું વર્તન, અઢારમી સદીની પાછલી પચ્ચીસીમાં લગભગ બધા જ બ્રાહ્મણ પંડિતોએ અંગ્રેજ હોઈ ‘અસ્પૃશ્ય’ ગણી સર વિલિયમ જૉન્સને સંસ્કૃત શીખવામાં અવરોધો ઊભા કર્યાં હતા. તેવા જ એક રૂઢિચુસ્ત બ્રાહ્મણની દીકરી પૂજ્ય શ્રી શારદામા હતાં, શાળા-પાઠશાળામાં ગયાં ન હતાં, બ્રાહ્મસમાજનું પગથિયું ચડ્યાં ન હતાં, પોતાના પુત્ર સમા સ્વામી વિવેકાનંદની સાથે પણ લજ્જાપટ રાખી સીધી વાતચીત કરતાં ન હતાં, તેમણે એક બ્રિટિશ યુવતીને પોતાની પુત્રીની જેમ અપનાવી હતી અને થોડા દિવસ અને પોતાની સાથે જ રાખી હતી. દેશના, વર્ણના કે ભાષાના કોઈ ભેદ એમને માન્ય ન હતા. એ વ્યવહારુ વેદાંત જ હતું, અને આ જ્ઞાન તેમને પોતાના પતિ ઠાકુર શ્રીરામકૃષ્ણ પાસેથી મળ્યું હતું.

રાણી રાસમણિએ કાલીમંદિરમાં મા કાલીની મૂર્તિની વિધિવત્ પ્રતિષ્ઠા કરી તેના ઉત્સવવેળાએ અનેક કર્મકાંડી પંડિતો અને સાધુસંતો ત્યાં પ્રસાદ લઈ તૃપ્ત થયા હતા, જેમના માર્ગદર્શન અને આચાર્યપદ હેઠળ બધો વિધિ સંપન્ન થયો હતો તે શ્રીરામકૃષ્ણના મોટા ભાઈ રામકુમારે ત્યાં પ્રસાદ લીધો હતો તે પ્રત્યક્ષ નિહાળવા છતાં, ઓગણીસ વરસના યુવાન રામકૃષ્ણે ત્યાંનું, કૈવર્તનું, અન્ન મોઢામાં નાખવાને બદલે પૈસા બે પૈસાના મમરા ખાઈ પેટ ભર્યું હતું, તે જ રામકૃષ્ણ પછીથી પ્રેમથી મંદિરનો પ્રસાદ આરોગતા થઈ. ગયા હતા અને પછીથી એ કોઈ ભક્તને ત્યાં જતા તો ત્યાં એટલા જ પ્રેમપૂર્વક પ્રસાદ લેતા થઈ ગયા હતા કારણ, એ પોતે જ કહેતા કે, ભક્તોની એક જ નાત હોય.’ આ જ માન્યતાથી પ્રેરાઈ ‘ઢેઢ વરણમાં દૃઢ હરિભક્તિ’ ભાળી નરસિંહ મહેતા એમને ત્યાં ભજન કરવા ગયા હતા ને? મહેતાજીની અને શ્રીરામકૃષ્ણની નાત એક જ હતી, ભક્તોની. બંને વેદાંતનો વ્યવહારમાં અમલ કરતા હતા; જીવમાત્રની એકતાનો સ્વીકાર કરતા હતા.

જીવમાત્ર ભલે બ્રહ્મ સ્વરૂપ જ હોય. પણ જીવો વચ્ચે શક્તિના ભેદને સ્વીકારવાં પડે. આ ભેદ સમજાવવા માટે ઠાકુર ‘હાથીનારાયણ’ અને ‘મહાવતનારાયણ’નું સુંદર દૃષ્ટાંત આપતા. આ શક્તિના – અને સ્થિતિના – ભેદમાંથી જ ઠાકુરનો મહાન મંત્ર ‘શિવજ્ઞાને જીવસેવા’ જન્મ્યો. શ્રીમદ્ ભાગવત્‌ના ત્રીજા સ્કંધમાંના કપિલના –

અથ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માનં કૃતાલયમ્ ।
અર્હયેત્ દાનમાનાભ્યાં મૈત્ર્યાભિન્નેન ચક્ષુષા ।।

– મંત્ર ‘બધાં ભૂતોમાં હું રહું છું; ત્યાં જ માનપૂર્વક દાન આપીને મારી પૂજા અર્ચા કરવી’નો અર્વાચીન નવસંસ્કાર ઠાકુરે કર્યો હતો અને ઠાકુરદીધો એ મંત્ર રામકૃષ્ણ મિશનનો બીજમંત્ર બન્યો છે. બે વર્ષ પહેલાંના અતિવૃષ્ટિના સમયની, ચાર માસ પહેલાંની અનાવૃષ્ટિના સમયની, મોરબીની કે ઓરિસ્સાની પૂરહોનારતના સમયની કે, અંજાર કિલ્લા૨ીના ભૂકંપના સમયની શ્રીરામકૃષ્ણ મિશનની સેવાપ્રવૃત્તિ પાછળ ઠાકુરે અનાયાસ ઉચ્ચારેલો આ મંત્ર છે. ‘એનાં કર્યાં એ ભોગવે’ – એ પરંપરાગત માન્યતાની ઉપ૨વટનો વ્યવહાર વેદાંતનો આ વિજય છે.

દેશભરમાં પથરાયેલાં શ્રીરામકૃષ્ણ મિશનનાં સો જેટલાં કેન્દ્રો દુઃખાર્તોની સેવા માનપૂર્વક દાનભેટ આપીને શિવજ્ઞાને જીવસેવા’ કરી રહ્યાં છે. પહેરવાનાં વસ્ત્રો અને પાગરણ, ઘર અને ઘરવખરી, ચૂલા (પ્રાયમસો) અને ચૂલે ચડાવી રાંધી ખાવાનું અનાજ, બાળકો માટે છાત્રાવાસ, અભ્યાસ માટે શાળાઓ અને મહાશાળાઓ, ઋગ્ણો માટે ઔષધાલયો અને ઈસ્પિતાલો : આ અને આવી અનેકવિધ સેવાઓ શ્રીરામકૃષ્ણ મિશનનાં બધિ કેન્દ્રો પૂરી પાડે છે – ‘સેવાઓ પૂરી પાડે છે. એટલું જ નહિ, એવા સેવાયજ્ઞોમાં એકડો શ્રીરામકૃષ્ણ મિશન જ માંડે છે. નાતજાતના, કોમના, ધર્મના કે બીજા કશા જ ભેદભાવ વગર મિશન આ સેવા કરે છે. એક જ ઉદાહરણ બસ થશે : સને ૧૯૯૮ના વિનાશક વાવાઝોડા વખતે, વાવાઝોડું થયું તેની બીજી જ સવારે, રાજકોટના રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓએ જામનગરમાં દોડી આવી, કાદવ અને પાણી ખૂંદી, બેડી ગામમાં અંદરના ભૂંગામાં જઈ, વાઘેરોને અનાજનાં પડીકાઓનું વિતરણ કર્યું હતું. અભિનેન ચક્ષુષા જ એ કાર્ય હતું.

પરંતુ ૧૯૯૮ના સેવા કાર્યની પહેલાં, શ્રીરામકૃષ્ણ મિશનનાં એવાં અનેક સેવાકાર્યોની પહેલાં, સ્વામી અખંડાનંદના મુર્શિદાબાદના સેવાકાર્યનીયે પૂર્વે, ઈ.સ. ૧૮૬૮માં, ઠાકુર શ્રીરામકૃષ્ણે જાતે જ એક સેવાકાર્યનો દૃષ્ટાન્ત પૂરો પાડ્યો હતો.

મથુરબાબુની સાથે કાશીમથુરાની યાત્રાએ જતા સંઘનો પ્રથમ મુકામ દેવઘરમાં થયો હતો. ત્યાંના મુકામ દરમિયાન દેવઘર પાસેના એક ગામમાંથી પસાર થતાં ત્યાંના લોકોની અસહ્ય ગરીબી જોઈ ઠાકુર દ્રવિત થઈ ગયા અને તેમણે મથુરબાબુને કહ્યું: ‘તમે જગદંબાના કારભારી, આ રાંક લોકોને દરેકને શરીરે ચોળવાનું તેલ, એક ટંક પેટભર જમવાનું અને એકેક વસ્ત્ર આપો.’

મથુરબાબુએ અનિચ્છા દેખાડતાં, આંખમાંથી કરુણાની ગંગાજમના વહાવતા, ઠાકુરની વેદનાપૂર્ણવાણી પ્રગટી. ‘ધિક્કાર છે તમને.’ તો મારે કાશી નથી આવવું. હું તો અહીં જ આ દુઃખી લોકોની સાથે જ રહીશ.’ આમ બોલીને અટકી નહિ જતાં ઠાકુર એ ભૂખ્યાં ગ્રામજનો વચ્ચે જઈને બેસી ગયા! એમનો આ સત્યાગ્રહ સફળ થયો અને મથુરબાબુએ ઠાકુરે કહ્યા પ્રમાણે બધી વ્યવસ્થા કરી. ‘શિવજ્ઞાને જીવસેવા’નો મંત્ર તો પછી ઉદ્‌ભવ્યો, ‘માનપૂર્વક દાન આપીને ભેદભાવ વગર’, એ રંક લોકોમાં રહેલા બ્રહ્મની પૂજાઅર્ચા એ હતી.

અભેદભાવનું આ આચરણ એ જ વ્યવહાર વેદાંત.

આ અભેદભાવ એમને સાવ સહજ બની ગયો હતો. એમના શિષ્યોમાં તીવ્ર મેધાવી અને યુનિવર્સિટીનું ઉચ્ચ શિક્ષણ પામેલા સ્વામી વિવેકાનંદ હતા, કાળા અક્ષરને કૂટી મારે એવા અદ્‌ભુતાનંદ હતા; સ્વામી યોગાનંદ અને સ્વામી પ્રેમાનંદ કુલીન બ્રાહ્મણો હતા, સ્વામી વિવેકાનંદ અને મહેન્દ્રનાથ ગુપ્ત કાયસ્થ જ્ઞાતિના હતા, તો, સ્વામી અદ્‌ભુતાનંદ ભરવાડ હતા; નેપાળના નિવાસી વિશ્વનાથ ઉપાધ્યાય હતા અને સિંધી યુવાન હીરાનંદ હતા, પંડિતો હતા અને નિરક્ષર સ્ત્રીઓ હતી; લંપટ અને દારૂડિયાઓ હતા, નાટકમાં અભિનય કરતી અભિનેત્રી હતી, તીર્થ પંડિતો હતા. ‘સમદૃષ્ટિ ને સર્વસમાન’ બન્યા વિના, અભેદભાવને પ્રત્યક્ષ આચરણમાં મૂક્યા વિના આ શક્ય ન બને. એ અભેદનું વર્તુળ આજે વિસ્તરી પૂરું વિશ્વવ્યાપી બન્યું છે અને પૂર્વમાં જાપાનથી માંડી પશ્ચિમમાં કેલિફોર્નિયા સુધી એ વિસ્તર્યું છે અને એ વર્તુળમાં જાપાનીઓ, શ્રીલંકાવાસીઓ, યુરોપવાસીઓ, અમેરિકનો, સૌનો સમાવેશ થાય છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસનું આ વર્તન ‘સીરા માટે શ્રાવક’ થનારનું ન હતું. સદીઓથી સમાજમાં જડ ઘાલી બેઠેલાં રૂઠિબંધનોને તોડવાનો સુધારો કરનારાનું બંડ એ ન હતું. ક્રાંતિનો શંખ ફૂંક્યા વિનાનો ઠાકુરનો આ જીવન વ્યવહાર એમને માટે સહજ હતો, વેદાંતનો એ પ્રત્યક્ષ જીવનમાં વ્યવહાર હતો, અભેદ ભાવનાનો સ્વીકાર હતો, પ્રાચીન વેદમંત્રોના આદેશનું પાલન હતું. અદ્વૈત વેદાન્તનું મંડન કરનાર શ્રીમદ્ શંકરાચાર્ય ભૂલ કરી બેઠા હતા ત્યારે, કાશીમાં ગંગાઘાટે એક ચાંડાળે જ એમનો અભેદનો ભાવ પુનઃ જાત કર્યો હતો ત્યારે, ઠાકુરના જીવનમાં એ ભાવ તાણાવાણાની જેમ વણાઈ ગયો હતો. એ અભેદભાવે જ ‘શિવજ્ઞાને જીવસેવા’ના મહાન મંત્રને જન્મ આપ્યો અને ‘જેટલા મત તેટલા પથ’ની સમજણ આપી.

આમ શ્રીરામકૃષ્ણદેવનું સમગ્ર જીવન વ્યવહારુ વેદાંતનું પ્રત્યક્ષ ઉદાહરણ બની ગયું. અને એ પાછું ઉત્તમ ઉદાહરણ પણ. એમને માટે એ સહજ હતું અને, સ્વામી વિવેકાનંદે એ વ્યવહારુ વેદાંતનો પ્રચાર શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા કરી શ્રીરામકૃષ્ણના વ્યવહાર વેદાંતને વિશ્વવ્યાપી બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ઠાકુરના સર્વધર્મસમભાવની અને દુઃખાર્તોની સેવાની વાતને મહાત્મા ગાંધીજીએ પણ અપનાવી હતી. વિનોબાજીની પ્રાર્થના અને ભૂદાન આંદોલનની પાછળની પ્રેરણા પણ ઠાકુરમાં જોઈ શકાય છે. આમ શ્રીરામકૃષ્ણદેવનું પ્રબોધેલું વ્યવહારુ વેદાંત અમલમાં મુકાઈ રહ્યું છે.

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.