વહાલાં મા,

આજે વહેલી સવારે સારા માટે પ્રાર્થના કરવા દેવળમાં ગઈ ત્યાં બધા લોકો જિસસનાં માતા મેરીનું ચિન્તન કરી રહ્યા હતા. ત્યાં મને એકાએક તમારો વિચાર આવ્યો. તમારો મનોહર ચહેરો અને પ્રેમભરી દૃષ્ટિ, તમારી સફેદ સાડી અને કંકણો એ બધાનો એ વિચારમાં સમાવેશ થતો હતો. અને મને એવું લાગ્યું કે તમારી ઉપસ્થિતિ માત્ર જ તમારી એસ.સારાની માંદગીને રાહત પહોંચાડવા અને એને આશીર્વાદ આપનારી છે અને – તમને ખબર છે? – મને એવું લાગ્યું કે શ્રીરામકૃષ્ણની સાંધ્ય પૂજાના સમયે તમારા ઓરડામાં ધ્યાન ધરવાનો પ્રયત્ન કરતી હું ખૂબ જ મૂર્ખ હતી. હું ભલા એટલું કેમ ન સમજી કે તમારાં મનોહર ચરણોમાં નાનકડા બાળક બની જેવું જ એ મારે માટે સાવ પૂરતું હતું ? કે પ્રિય માતા, તમે તો પ્રેમથી પૂર્ણ છો. અને એ પ્રેમ કંઈ આપણા કે જગતના પ્રેમ જેવા ધસમસતો આક્રમણ કે હિંસક નથી. એ તો કોમલ અને શાન્તિમય છે; દરેકનું કલ્યાણ કરનાર છે; કોઈનું પણ એ બૂરું ઇચ્છતો નથી. એ લીલામય સ્વર્ણિમ પ્રકાશ ભર્યો થોડા મહિના પહેલાંનો કેવો સુંદર ધન્ય રવિવાર હતો ! ત્યારે હું ગંગાએ જતાં પહેલાં પાછી વળીને એક ક્ષણ માટે છેલ્લે તમારી પાસે કેવી દોડી આવી હતી ? તમે આપેલા આશીર્વાદમાં અને તમે ઘરે આપેલા આવકારમાં મેં અદ્દભુત સ્વાતંત્ર્ય અનુભવ્યું ! હે અતિપ્રિય માતા, હું ઈચ્છું છું કે અમે તમને અદ્ભુત સ્તોત્રો અને પ્રાર્થનાઓ પાઠવી શકીએ તો કેવું સારું ? પણ મને તો એ બધું પણ જાણે કે ઘોંઘાટભર્યું અને શોર મચાવતું લાગે છે ! ખરેખર તમે તો ભગવાન શ્રીરામકૃષ્ણના પોતાના જ કોઈક અતિઅદ્ભુત પદાર્થરૂપ છો એમનાં પ્રેમભાજન છો, આ એકાકીપણાના દિવસોમાં પોતાનાં બાળકો માટે તેઓ એક પ્રતીકરૂપે તમને મૂકી ગયા છે અને એટલે અમારે તમારી પાસે એકદમ શાન્ત અને નીરવ બનવું જોઈએ. અને ઈશ્વરની ભવ્ય વસ્તુઓ હંમેશા શાન્ત જ હોય છે. આપણા જીવનમાં અવશ્ય થોડી મજાક મશ્કરીઓ સિવાય એવું કયાંય દેખાતું નથી. હવા, સૂર્યપ્રકાશ, ઉદ્યાન અને ગંગાની એવું તમારા જેવી જ આ બધી શાન્ત વસ્તુઓ છે !

તમારી સારાને તમારી શાન્તિનો પ્રસાદ અવશ્ય મોકલશો – અત્યારે કે પછી – સર્વકાલે તિરસ્કાર કે આસક્તિ વગરની પરમ શાન્તિનો વિચાર આપને નથી શું? કમળપત્ર પર ઝાકળબિન્દુ પેઠે મધુર પ્રાર્થના ભગવાનને હલાવી મૂકતી નથી શું ? અને છતાં સંસારથી એ અલિપ્તપણ રહેતી નથી શું ?

તમારી મૂર્ખ ખોકી
નિવેદિતા

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.