સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું : ‘દરિદ્રદેવો ભવ’, ‘મૂર્ખદેવો ભવ’, ગરીબ, અભણને, અજ્ઞાનીને, દુ:ખીને ઈશ્વર માનો. આવા લોકોની સેવા એ જ પરમ ધર્મ છે.’

શ્રીરામકૃષ્ણદેવ પાસેથી ‘શિવજ્ઞાને જીવસેવા’નો પરમ આદર્શ-સેવામંત્ર મેળવીને સ્વામી વિવેકાનંદે અત્યાર સુધી ગુફામાં રહેલા ધર્મ અને સંન્યાસીઓને બહાર લાવીને માનવસેવા એજ સાચી પ્રભુપૂજાનો મંત્ર આપીને નિષ્કામભાવની સેવાની એક અનોખી જવાબદારી એમના સંન્યાસી મિત્રોના ખભે એમણે નાખી દીધી. માનવસેવાના ઉદ્દેશને નજર સામે રાખીને માનવી ભૌતિક કલ્યાણ સાથે આધ્યાત્મિક કલ્યાણ સાધી શકે, પ્રેયસ્શ્રેયસ્નો સાધક બનીને સર્વસેવામાં લાગી જાય એ હેતુથી ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ એ બેવડા ઉદ્દેશ સાથે રામકૃષ્ણ મિશનનું સેવાકાર્ય શરૂ થયું. રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, કૃષિવિકાસ, વ્યવસાયવિકાસ, ગ્રામવિકાસ, આદિવાસીવિકાસ સેવાયોજના અને આગ, દુષ્કાળ, વાવાઝોડાં, પૂર, ધરતીકંપ જેવી કુદરતી આફતોના સમયે થતી વિવિધ સેવાઓનું અનન્ય સંચાલન થાય છે. આ બધાં સેવાકાર્યોથી આપ સૌ માહિતગાર છો.

૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીના રોજ સવારના ૮-૫૦ મિનિટે ગુજરાતની ભૂમિ મહાન ધરતીકંપથી ધણધણી ઊઠી. રાજકોટમાં ધરતીકંપથી ભયભીત લોકો ઘરમાંથી બહાર નીકળવા લાગ્યા અને હજુયે ધ્રૂજતી ધરા પર ધ્રૂજતા હતા. મકાનોમાં તિરાડો પડવા લાગી અને કેટલાંક ધરાશાયી પણ થયા. પળવારમાં જાણે કે બધું બદલી ગયું! ધરતીકંપના બે કલાકમાં જ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ અને સ્વયંસેવકો સરકારી હોસ્પિટલે ફૂડપેકેટ્સ સાથે પહોંચી ગયા. ઈજા પામેલા ઊભરાતા દર્દીઓમાં તેનું વિતરણ કાર્ય કર્યું. ૨૬મીએ સાંજના તો એક વિનાશનું દૃશ્ય છવાઈ ગયું નવા ધરતીકંપના આંચકાની અફવાએ લોકોને હાંફળાફાંફળા કરી દીધા. આશ્રમે તો તરત જ ધરતીકંપની અસરમાં ફસાયેલા વિસ્તારોમાં એક મહાન રાહતસેવા કાર્ય માટે તૈયારી આરંભી દીધી. સંસ્થાએ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની જાતતપાસ શરૂ કરી દીધી.

૨૭મી જાન્યુઆરીએ ધરતીકંપ પછીના ૨૮મા કલાકે સ્વામી સર્વસ્થાનંદ અને બ્રહ્મચારી અકામ ચૈતન્ય ભુજ પહોંચ્યા. અહીંનું દૃશ્ય ભયાનક અને વિકરાળ દૃશ્ય હતું. ૨૮મીની સાંજના ૭ વાગ્યે અમારા સંન્યાસીઓએ એકીસાથે અગ્નિને ખોળે સોંપાયેલ બળતી લાશોનું વિકરાળ દૃશ્ય જોયું. લશ્કરના જવાનો અને સામાન્ય જનતા ભચાઉ, જૂના ભુજ શહેરના પડેલાં મકાનોના કાટમાળ નીચેથી મરેલાં અને મરી રહેલાં લોકોને બહાર કાઢવા મથી રહ્યા હતા. 

૨૭મીની રાત્રે રોડ ઉપર ભૂખથી અને દુ:ખથી પીડિત લોકોને ફૂડપેકેટ આપ્યાં. રાતના ૧૧ વાગ્યે ભૂજથી ૨૪ કિ.મી. દૂર ધાણેટી પહોંચ્યા. અહીં ઘણાં દર્દીઓ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તા. ૨૮મીએ અમારી રીલિફ ટુકડીએ રાહત છાવણી શરૂ કરી દીધી અને ત્યાંથી રાંધેલું અનાજ તેમજ બીજી સામગ્રીનું વિતરણ કાર્ય શરૂ કર્યું. ૮મી ફેબ્રુઆરી સુધીમાં આજુબાજુના ૧૦૦ કિ.મી.નાં વિસ્તારમાં ધરતીકંપથી વિનાશ પામેલા ૨૫ ગામડાંમાં આ રાહતસેવાકાર્ય થયું હતું. ગ્રામજનોની મદદથી ધાણેટીમાં ૨૮મી જાન્યુઆરીથી મફત રાહત રસોડું શરૂ થયું હતું.

ભુજમાં ધરતીકંપે ભારે ખાનાખરાબી સર્જી છે. નયા ચકલાના ભારતીબેન હાથી અને તેમના સાસરા તેમના પર પડેલા છાપરા નીચે ફસાઈ ગયાં હતાં. અસહાય બનીને લોકો તેમના રુદનના અવાજ સાંભળી રહ્યા હતા અને અંતે તે બંને દસ કલાક પછી મૃત્યુ પામ્યાં. ૩૧મી જાન્યુઆરીની સાંજ સુધી આ મૃતદેહો બહાર કાઢી શકાયા નહીં. જૂના ભુજમાં તો આવા અનેક દૃશ્યો સર્જાયાં હતાં. સૌથી વધારે ભયંકર કરુણાંતિકા તો ૭ માળની ગોકુલ એપાર્ટમેન્ટની ઈમારત ધરાશાઈ થતાં તેમાં રહેતાં બધાં દટાઈ મર્યાં. શ્રી સુરેશ ઠક્કર અને તેમના બે પુત્રો ભોંયતળિયે સૂતા હતા અને ધરતીકંપ એનો કોેળિયો કરી ગયો. ભુજની સરકારી હોસ્પિટલ પણ ધરાશય થઈ ગઈ હતી. ૩૧મી જાન્યુઆરીએ પણ કાટમાળની નીચે ઘણા જીવતાં અને મરેલાં પડ્યાં હતાં, ત્યારે પરદેશની અને ભારતની બચાવ ટુકડીઓ આવી પહોંચી હતી. કલેક્ટર કચેરી અને સર્કિટ હાઉસ કે જ્યાં સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ રહે છે તે મકાનો ધરતીકંપથી પડી ગયાં છે. બધું શાસન તંત્ર તંબુ છાવણીમાં ચાલતું હતું. ૩૧મી જાન્યુઆરીની રાત્રે ૧૦ વાગે ૪ આઇ.એ.એસ. અધિકારીઓ અમારા શ્રીરામકૃષ્ણ મંદિર, સંસ્કારનગર ભુજના કેમ્પમાં ભોજન લેવા માટે આવી પહોંચ્યા અને અમારી સાથે ખીચડીનું સાદું ભોજન લીધું. આ ભયંકર વિનાશ વચ્ચે પણ ભુજના શ્રીરામકૃષ્ણ યુવકમંડળે બાંધેલાં, શ્રીરામકૃષ્ણ મંદિર અને અતિથિગૃહના મકાનો સલામત રહ્યાં, અલબત્ત એમાં થોડી તિરાડો પડી હતી. કદાચ ભુજનું આ સૌથી વધારે સલામત સ્થળ હતું. 

૧લી ફેબ્રુઆરીએ વહેલી સવારે શ્રીરામકૃષ્ણ મંદિરના અતિથિગૃહમાં સૌ કોઈ નિદ્રાધીન હતાં ત્યારે ૫.૦૫ મિનિટે બે ભારે આંચકા આવ્યા અને સૌ સફાળા જાગી ગયા. અલબત્ત, આ આંચકા થોડી પળો માટે રહ્યા, ૩૧મી જાન્યુઆરીની સાંજે ધરતીકંપ પછી બંધ થયેલું શ્રીરામકૃષ્ણ મંદિર સાંજની સેવાઓ માટે ખુલ્યું અને જ્યારે અમે પ્રાર્થના કરતા હતા ત્યારે બે હળવા પણ લાંબા સમય સુધી આવેલા ધરતીકંપના આંચકાઓથી જાણે કે બીજા વિનાશક વિભીષિકાના ભયના ઓળા સૌના મન ઉપર છવાઈ ગયા. સામાન્ય રીતે મોટા ભૂકંપ પછી આવા હળવા આંચકાઓ લાંબા સમય સુધી આવતા રહે છે.

મૃત્યુ પામતાં, મૃત અને વિખૂટાં પડેલાં સ્વજનોવાળું ભુજ શહેર અસહાય લોકોને શક્ય બધી સહાય કરતી આંતરરાષ્ટ્રિય બચાવ ટુકડીઓ, લશ્કરી જવાનોની હાજરીથી જાણે વસતીવાળું લાગતું હતું. ભૂકંપથી બચી ગયેલા લોકો ચોર-લૂંટારા અને ધરતીકંપના બીકથી રાતની રાત જાગતા રહ્યા. ગઈકાલે જીવંત અને આજે ખંઢેર જેવા બની ગયેલા આ વિનાશ પામેલાં શહેરોનાં બધાં સ્થળે ભારતભરની બિનસરકારી સેવાભાવી સેંકડો સંસ્થાઓ સહાયની ચીજવસ્તુઓનો જાણે કે ધોધ વહાવી રહી હતી, એ એક પ્રેરક દૃશ્ય હતું. ૩૧મીની રાત્રે નવું ભુજ ૯૦ % ખાલીખમ્મ હતું અને દરરોજ ચોર-ડાકુના કે ધરતીકંપના કે મકાન પડવાના ભયથી ૧૦ % લોકો પોતાના નુકશાન પામેલા ઘરની આજુબાજુ ખુલ્લા આકાશમાં સૂવાનું પસંદ કરતા. બધા મકાનો અંધકારમય અને ખાલીખમ્મ ભેંકાર હતા. ભૂકંપથી બચેલા લોકોને જાહેર રસોડામાંથી ભોજન અપાતું હતું. 

૩૧મી જાન્યુઆરીના બપોર પછી રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ ભુજ પહોંચ્યા. તેમણે શહેરની ભયંકર તારાજીનું નિરીક્ષણ કર્યું અને પછી ભુજથી ૨૪ કિલોમીટર દૂર આવેલ ધાણેટી ગામે પહોંચ્યા. આ ગામમાં ૭૫ % ઘરો પડી ગયાં છે, ૧૫ ટકા ઘરોમાં તિરોડો પડી છે અને કેટલાંક માંડમાંડ ઊભાં છે.

કચ્છના ધરતીકંપના એપી સેન્ટર લોઢાઈ થી ૧૫ કિલોમીટર દૂર આવેલા જવાહરનગરમાં અમે ૧લી ફેબ્રુઆરીની સવારે પહોંચ્યા. અહીં ૨૮૫ મકાનો પડીને પાધર થઈ ગયાં છે. સદ્‌ભાગ્યે માત્ર ૩૫ માણસોનાં મૃત્યુ થયાં છે. એપીસેન્ટરથી ૨૦ કિલોમીટર દૂર આવેલા મોખાણા કે જ્યાં ૩૦૦ ઘર ધરાશાયી થયાં છે. સેવાભાવી સંસ્થાઓએ અહીં ભોજન અને કપડાં તો ઘણાં પહોંચાડ્યા છે પણ એમને આશ્રયસ્થાન નથી. સદ્‌ભાગ્યે મોટા ભાગના લોકો ધ્વજવંદન માટે ઘરની બહાર હતા. એટલે ૩૬ માણસોનાં મરણ નીપજ્યાં છે. બીજા બધાં બચી ગયાં પણ થોડી ઘણી ઈજાઓ સાથે. ૨જી ફેબ્રુઆરીથી આ વિસ્તારમાં અમે રાહતસામગ્રી પહોંચાડીએ છીએ. લોઢાઈ જતાં રસ્તામાં ખારાપાટની ભૂમિમાં મીઠા પાણીના જરા જોવા મળ્યા. 

ભચાઉ ગામ તો ડટણ સો પટણ જેવું થઈ ગયું છે. અહીં અસંખ્ય માણસો મરણ પામ્યાંની આશંકા છે. દરેક સ્થળે જીવતાને બચાવવા અને મરેલાને બહાર કાઢવા બુલડોઝર્સ, ડમ્પર્સ, ક્રેઈન્સ અને આર્મીના ટ્રક અહીંતહીં દોડી રહ્યા છે. અહીં હોસ્પિટલનું મકાન પણ પડી ગયું છે. દર્દીઓને બહાર ખુલ્લામાં તંબુ છાવણીમાં સારવાર અપાય છે અને મૃતદેહોને અગ્નિદાહ દેવાય છે. ભુજમાંથી આવેલા લશ્કરી જવાનો અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો કપડાં અને ભોજન સામગ્રીનું વિતરણ કરે છે. એમ્બ્યુલન્સ ગાડીઓ પણ અહીંતહીં આવજા કરતી રહે છે. સામાન્ય જનજીવન પર જાણે કે મહાન ભયંકર ઝંઝાવાત ખાબક્યો હોય તેવું વાતાવરણ સર્વત્ર જોવા મળે છે.

રાજકોટ જિલ્લાના મોરબી શહેરમાં ભૂંકપે વેરેલા મહાવિનાશથી ઘણાં જૂનાં મકાનો ધરાશાયી થયાં છે અને નવાં મકાનોમાં તિરાડો પડી છે. ઘણાં માણસો મૃત્યુ પામ્યાં છે. રામપર, શાપર, રતનપર, હરિપર ખેરાળા, અને બીજાં કેટલાંક ગામડાં પડીને પાધર થઈ ગયાં છે. માળિયા તાલુકાનાં નાના ભેલા, મોટા ભેલા, જેવાં કેટલાંક ગામડા ધરાશાયી થયાં છે. આ ગામના લોકો આશ્રય વિહોણા બન્યાં છે. ભચાઉ અને ભુજની વચ્ચે રામકૃષ્ણ મિશને ૧૯૫૬ના ધરતીકંપ વખતે બાંધી આપેલી મસ્જિદનું મકાન હજી એમને એમ ઊભું છે. અલબત્ત થોડી તિરાડો જોવા મળે છે.

૨૬મી જાન્યુઆરીથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં રૂ. ૧૦ની કિંમતનું એક એવાં ૧,૧૭,૯૮૫ ફૂડપેકેટ, રૂ. ૫ની કિંમતના એક એવા ૧ લાખ બિસ્કીટ પેકેટ, ૧૧,૦૦૦ કિ.ગ્રા. ગાંઠિયા, ૬૪,૦૨૪ મીણબત્તી, ૧૭,૮૧૨ બાકસ, ૧,૯૫,૯૨૫ પાણીના પાઉચ, ૮૧૬ પીવાના પાણીની બોટલ, ૩,૫૪૪ કિ.ગ્રા. સિંગતેલ, ૬,૭૨૦ ઘઉં તથા ઘઉંનો લોટ, ૧,૧૦૦ કિ.ગ્રા. ખીચડી, ૨,૫૫૦ કિ.ગ્રા. ખાંડ, ૬,૭૨૦ કિ.ગ્રા. બટેટા, ૪,૩૦૦ કિ.ગ્રા. ડુંગળી, ૬૨૫ કિ.ગ્રા. દૂધનો પાવડર, ૩૭૦ કિ.ગ્રા. ચા, ૧૪,૯૬૭ ફેમિલિ કીટ (રૂ. ૩૦૦ની કિંમતની દરેક કીટમાં ૫ કિ.ગ્રા. લોટ, ૫ કિ.ગ્રા. ચોખા-દાળ, ૨ શર્ટના કાપડ, એક કાપડનો ટુકડો, ૧ કિ.ગ્રા. તેલ, ચા-ખાંડ-દૂધપાવડર, રાંધવાના મસાલા, મીણબત્તી, બાકસ) ૧૪,૦૦૪ પ્લાટિક શિટ્સ, ૧,૮૭૫ તૈયાર ટેન્ટ, ૧,૬૨૦ સિમેન્ટ શિટ્સ, ૪,૬૩૫ કપડાં, ૧,૬૫૦ સ્વેટર, ૩૨,૧૦૭ ધાબળા, ૧,૨૯૦ ચાદર, તુવેર દાળ, બાજરો, મસાલા, ગોળ, તથા ૩૭૫૦ કોલગેટ ટૂથપેસ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨૮મી સુધી લોકોમાં રાંધેલા અન્નની માગ અને જરૂરત હતી.

૩ માર્ચ સુધીમાં ૧૯૧ ગામડાં અને ૧૫ શહેરવિસ્તારનાં ૫૦,૦૦૦થી વધુ કુટુંબોને અને ૨,૪૦,૦૦૦ થી વધુ લોકોને આ રાહતસેવા કાર્ય હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. આ રાહતસેવાકાર્ય હેઠળ ૧,૬૫,૬૧,૨૧૪ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર, તામીલનાડુ, બિહાર, બંગાળ અને દિલ્હીમાંથી રાહતસામગ્રીઓ આવી છે.

શ્રી કિરણ પટેલના નેતૃત્વ હેઠળ એસ.એન.કે. અને ભાલોડિયા શાળાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ આ સામગ્રીનું વિભાગીકરણ તેની પેકિંગ વ્યવસ્થામાં સહાય કરી છે. તેમજ શાળાની ૩૫ સ્કૂલ બસો અને ખટારા દ્વારા આ રાહત સામગ્રી દરરોજ પહોંચાડવામાં આવતી હતી. સ્વામી સર્વસ્થાનંદજીના નિરિક્ષણ હેઠળ સ્વામી સુમિત્રાનંદ, બ્રહ્મચારી ધર્મેશ, બ્રહ્મચારી પ્રશાંત, અને સાથી મિત્રોએ ધાણેટીના કેમ્પમાંથી આજુ બાજુના ૬૦ ગામનાં ૧૦,૪૭૨ કુટુંબોમાં, ૧૧,૨૪૪ ધાબળા, ૬,૦૪૮ તંબુ, ૩,૮૪૭ અનાજ-કપડાંની કીટ, ૧૧,૭૪૬ કિ.ગ્રા. ચોખા, ૮૨૮ કિ.ગ્રા. ઘઉં, ૫૫૬ કિ.ગ્રા. બટેટા, ૧,૯૨૩ કિ.ગ્રા.ડુંગળી, ૨૩૦ કિ.ગ્રા. દૂધનો પાવડર, ૩,૬૩૫ કિ.ગ્રા. દાળ, ૭૨૭ કિ.ગ્રા. ગોળ અને કપડાંનું વિતરણકાર્ય કર્યુ હતું. સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજના વડપણ હેઠળ સ્વામી મુક્તેશાનંદ અને બ્રહ્મચારી પરેશ ચૈતન્ય દ્વારા ૪થી ફેબ્રુઆરીથી ભૂજમાં ધરતીકંપથી બચેલા પણ કોઈની સામે લાંબો હાથ ન કરનાર સદ્‌ગૃહસ્થોને શોધીને એમને અનાજ, દવા, કપડાં, બટેટાં, લીલા શાકભાજી અને તંબુઓની સામગ્રી અપાઈ હતી. સ્વામી ધ્રુવેશાનંદ, બ્રહ્મચારી દેવ ચૈતન્ય અને બ્રહ્મચારી અકામ ચૈતન્ય દ્વારા રાજકોટથી થતી રાહતસેવાનું સુકાન સંભાળ્યું હતું. અમારાં ધાણેટીના રાહતકેન્દ્રની મુલાકાતે રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા, કાઁગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી, રાજ્યસભાના સભ્યશ્રી અનંત દવે અને સંસદસભ્યશ્રી પુષ્પદાન ગઢવી, ગુજરાતના શિક્ષણમંત્રીશ્રી આનંદીબહેન પટેલ જેવા અગ્રણીઓ આવ્યા હતા. 

૧૬મી ફેબ્રુ.એ ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી સુરેશ મહેતાએ ધાણેટીમાં રૂ. ૨.૫ કરોડના ખર્ચે થનારી નવી વસાહતનું શિલારોપણ કર્યું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સ્મરણાનંદજી મહારાજે પૂજા, આરાત્રિક કરીને વક્તવ્ય આપ્યું હતું. આ વસાહતમાં ૨૦૦ રહેણાંક મકાનો, શાળા, સમાજમંદિર, બાળક્રીડાંગણની સુવિધા હશે. બધાં મકાનો ભૂકંપથી આરક્ષિત રહેશે. થાણાના ટેકસન લિ.માંથી સ્વયંસેવકોની એક ટુકડી પોતાની સાથે ૨ ટ્રક, દવા વિ. ભરીને એક જીપ સાથે અમારા ધાણેટી કેમ્પમાં જોડાઈ હતી.

વારંવાર આવતા આંચકા અને ધરતીકંપના ભય તેમજ અસલામતીભરી ચિંતા વ્યગ્રતા ભૂજ અને કચ્છમાં છવાઈ ગઈ છે. ૮મી ફેબ્રુઆરીએ જ્યારે ભૂજ થોડું ધમધમતું થયું ત્યારે લોકો પોતાનાં મકાનનોના કાટમાળમાંથી બચીખુચી સામગ્રી શોધતા હતા અને એકઠા કરતા હતા. જૂનું ભૂજ જાણે કે માનવવિહોણી ભૂતાવળ જેવું બની ગયું હતું. સરકારી અમલદાર પોતાનું કામકાજ તંબુમાં બેસીને ચલાવતા હતા. રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ ધાણેટી અને ભૂજમાં રહીને અન્ન, કપડાં, તંબુની સામગ્રીનું દિવસે વિતરણકાર્ય કરે છે અને સાંજના આધ્યાત્મિક ભાવનાવાળા ભજનો, ગીત, વગેરેનું આયોજન કરે છે અને આજુબાજુના તેમજ સ્થાનિક લોકોનાં હૃદયમાં આત્મવિશ્વાસ અને શ્રદ્ધા ફરીથી સ્થાપવાનું કાર્ય કરે છે.

રાજકોટના ઉદારદિલના સુજ્ઞ નગરજનો તેમજ વિવિધ જૂથ સમૂહોએ વિપુલ સામગ્રી પહોંચાડીને અને પોતાનાં તન-મન-ધન આ વિશાળ પાયે હાથ ધરાયેલા રાહતકાર્ય પાછળ લગાડી દીધાં હતાં. સવારના ૬થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી સ્વયંસેવકો દ્વારા થતા પેકિંગ, વિભાગીકરણ, માલ ઉતારવો-ચડાવવો વગેરે કાર્ય સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સતત પ્રવૃત્તિઓથી ધમધમતું કેન્દ્ર બની ગયું હતું. ઉંમરવાન બહેનો, યુવાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો આશ્રમના હોલમાં કિટ્સ તૈયાર કરવાના કામમાં લાગી ગયા હતા. ક્યારેક આ કાર્ય શ્રીરામકૃષ્ણ મંદિરની પગની પ્રદક્ષિણાથી પણ થતું હતું. શિવજ્ઞાને જીવસેવાનું આ દૃશ્ય ખરેખર એક અદ્‌ભુત દૃશ્ય હતું. ભલે પ્રકૃતિ રૂઠે, ભયંકર રુદ્ર રૂપ ધારણ કરે અને માનવજાતને હતી ન નહતી કરવાનો પ્રયાસ કરે પરંતુ આ માનવ પોતાના બંધુઓની વહારે પોતાની ભીતરની અમાપ શક્તિ લઈને એવી રીતે સેવાકાર્યમાં મંડી પડે છે અને સેવાકાર્ય કરવા નીકળી પડે છે અને માતા પ્રકૃતિના હૃદયમાં પણ અનુકંપા જન્મે છે. ભૂકંપ પીડિત દુ:ખી માનવબંધુઓનાં આંસુ લુછવાનો આ ભગીરથ પ્રયાસ એટલે પ્રકૃતિ સામે ભીતરની તાકાત કેળવીને ફરીથી માનવજાતને બેઠા કરવાની શક્તિનો ઉદ્‌ભવ.

Total Views: 121

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.