હું કોણ છું?

* હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના પૂર્ણ કરનારો પણ હું છું.

* હું અજર છું, હું અમર છું, હું ઈશ્વર છું, હું પ્રત્યગાત્મ ચૈતન્ય છું, હું પરમાનંદપૂર્ણ છું; હું પરમ શિવ છું, હું અનંત છું.

* આત્મસાક્ષાત્કાર કરનારા પુરુષોમાં હું સર્વશ્રેષ્ઠ છું. હું આત્માનંદનો ભોક્તા છું, અશિક્ષિત બાળક તથા અન્ય બધાં પ્રાણી જે પોતાના ‘હું’ની ગરિમાનો અનુભવ કરે છે તે હું છું.

* હું આનંદમય છું, જ્ઞાનમય છું, આત્માનુભૂતિમય છું, હું બાહ્યવસ્તુના વિચારમાત્રથી ગાઉના ગાઉ દૂર છું, મારું હૃદય એ આનંદમાં મગ્ન છે, જે ઇન્દ્રિયોનો વિષય નથી.

* માત્ર હું જ જગતનું મૂળ છું, ઉપનિષદોના ઉદ્યાનમાં વિહાર કરવાવાળો પણ હું જ છું, હું એ વડવાગ્નિ છું જે દુ:ખોને ઉકાળતાં ઉકાળતાં સાગરને સૂકવી દેશે.

* હું પોતાના ઉત્કૃષ્ટ મહિમાથી ઉપર, નીચે, સર્વત્ર અધિષ્ઠિત છું. વાદવિચાર, તર્કવિતર્ક અને જીજ્ઞાસાથી જેનું સ્વરૂપ નિશ્ચિત થાય છે તે હું છું.

* હું ઋષિ છું. ઋષિઓનો સમૂહ હું જ છું. સૃષ્ટિસૃજનની ક્રિયા હું છું અને હું પોતે જ સૃષ્ટિ છું. હું સમૃદ્ધિ છું. હું પ્રગતિ છું. હું તૃપ્તિ છું. તૃપ્તિ રૂપી દીપનો પ્રકાશ પણ હું જ છું.

* હું દેહથી ભિન્ન છું, એટલે હું જન્મ, જરા, ક્ષીણતા, ક્ષય તથા મૃત્યુ આદિનાં આવર્તનથી મુક્ત છું. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, ગંધ આદિ ઇન્દ્રિય વિષયોથી હું નિર્લિપ્ત છું, કારણ કે ઇન્દ્રિયરહિત છું.

* હું મન નથી એટલે દુ:ખ, મોહ, દ્વેષ અને ભયથી મુક્ત છું. ઉપનિષદોમાં ઉલ્લેખાયું છે : ‘તે પ્રાણરહિત, મનરહિત, શુદ્ધ, ઉચ્ચથી પણ ઉચ્ચ અને અવિનાશી છે.’

* હું તે પરબ્રહ્મ, હું જ છું જે શાશ્વત, શુદ્ધબુદ્ધમુક્ત છે; જે અખંડ, અસીમ, ‘એકમેવાદ્વિતીયમ્’ છે; જે ‘સત્યં જ્ઞાનમનન્તમ્’ રૂપ છે.

* આકાશની જેમ હું અંતરબાહ્યમાં વ્યાપ્ત છું, હું અવિકારી અને સર્વત્ર સમ છું. હું શુદ્ધબુદ્ધ, નિર્લિપ્ત, નિર્મલ અને અવિનાશી છું. 

શ્રીશંકરાચાર્ય વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો :

‘પરંતુ ભારતે જીવતાં રહેવાનું હતું અને ઈશ્વરી શક્તિ ફરી અવતીર્ણ થઈ. જેણે ગીતામાં ઘોષણા કરેલી કે ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ….. તદાત્માનં સૃજામ્યહમ્’ ‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે… ત્યારે ત્યારે હું આવીશ.’ તે ફરીથી પધાર્યા. અને આ વખતે એમનો આવિર્ભાવ થયો દક્ષિણ ભારતમાં. એ બ્રાહ્મણકુમાર વિશે એમ કહેવાય છે કે સોળ વર્ષની ઉંમરે તો એણે પોતાના સર્વ ગ્રંથો લખીને પૂરા કરી દીધા હતા; એ અદ્‌ભૂત બ્રાહ્મણકુમાર શંકરાચાર્ય હતા. આ સોળ વરસના કુમારનાં લખાણો આધુનિક જગતનું આશ્ચર્ય છે, અને એ કુમાર પોતે પણ એવો જ આશ્ચર્યજનક હતો. ભારતને પાછું પોતાની અગાઉની પ્રાચીન પવિત્રતાએ લાવવું એ એના મનની મહેચ્છા હતી.

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૪, પૃ.૧૪૧)

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.