(૩)

આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ વાગ્યાનો સમય હતો. શ્રીરામકૃષ્ણ સ્નાન કરવા જવાની તૈયારી કરી રહ્યા હતા. ઠાકુરના શરીરે તેલ લગાવવામાં આવતું હતું. તેમણે માસ્ટર મહાશયને પૂછ્યું, ‘ડોક્ટર કેમ નથી આવ્યા?’ માસ્ટર મહાશયે કહ્યું: ‘(પ્રતાપ ડોક્ટરે) કાલે કહ્યું હતું કે તેઓ દસ કે અગિયાર વાગે આવશે.’ જમીન પર બેઠા. શ્રીરામકૃષ્ણ સ્નાન કરતા રહ્યા. સેવક હરીશને કહ્યું, ‘તે લોટો લઈ આવ.’ માસ્ટર મહાશય લોટો લેવા ગયા અને તેમણે બાબુરામને પૂછ્યું, ‘કે લોટો ક્યાં છે?’ શ્રીરામકૃષ્ણે ઈશારાથી જણાવ્યું કે લોટો ઓરડામાં છે અને તેને ધોઈને તેમને આપવામાં આવે. સ્નાન પછી તેઓ જગન્નાથના દર્શન અને પ્રણામ માટે ગયા. થોડા સમય પછી તેઓ પોતાના ઓરડામાં પાછા આવી ગયા. ઓરડામાં એક આરામ ખુરશી રાખેલી હતી. રાખાલે શ્રીરામકૃષ્ણને આગ્રહ કરીને કહ્યું, ‘બેસોને.’ શ્રીરામકૃષ્ણ આરામથી પીઠ ટેકવીને ખુરશીમાં બેસી ગયા અને પગ લંબાવી દીધા.

રાખાલ – ‘(આવી રીતે બેસીને) ધ્યાન સારું થાય છે.’

શ્રીરામકૃષ્ણ – ‘ઊર્ધ્વગ નથી થતું?’

થોડી ક્ષણો પછી શ્રીરામકૃષ્ણે ઈશારાથી જ પૂછ્યું, ‘આ ખુરશીની કિંમત કેટલી છે?’

બલરામ – ‘કટકમાં તેની કિંમત છ રૂપિયા છે. પણ અહીં દશ-બાર રૂપિયા હશે.’

શ્રીરામકૃષ્ણ (હરીશને) – ‘જમી લીધું?’

શ્રીરામકૃષ્ણ (રાખાલને) – ‘(એને જમવા જવા માટે) કહે ને.’

રાખાલ – ‘શરમ આવે છે.’

શ્રીરામકૃષ્ણ (સ્મિતપૂર્વક, માસ્ટર મહાશયને) – ‘જમી લીધું?’

રાખાલ – ‘તેઓ ઘેરથી જમીને આવ્યા છે.’

શ્રીરામકૃષ્ણ પૂર્ણ વિશે માસ્ટર મહાશયને કહે છે, ‘પૂર્ણને પાલખીમાં ઢાંકીને ન લાવી શકો?’

માસ્ટર મહાશય – ‘અહીં મહોલ્લાના લોકો જુએ એટલે ડર લાગે છે. ઘણું કરીને પાંચ-સાત દિવસમાં આપને મળવા આવશે.’ પૂર્ણ માસ્ટર મહાશયની શાળામાં પાંચમી શ્રેણિમાં ભણતા હતા. ઠાકુર કહેતા હતા કે ‘પૂર્ણ વિષ્ણુનો અંશ છે.’ – નરેન્દ્રની નીચે જ પૂર્ણનું સ્થાન છે. તેને મળવા માટે ઠાકુર વ્યાકુળ બની જતા અને પૂર્ણના પ્રેમની પ્રશંસા કરતા. પરંતુ પૂર્ણના વાલીઓ ઠાકુરની સાથેના તેના ઘનિષ્ટ સંબંધને પસંદ કરતા નહિ. આથી જ તેમણે પૂર્ણને માસ્ટર મહાશયની નિશાળમાંથી ઊઠાડી લીધા હતા અને બીજી નિશાળમાં દાખલ કરાવી દીધા હતા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) – ‘શું હું અહીં બરાબર છું?’

માસ્ટર – ‘(આપ) અવશ્ય, બરાબર જ છો.’

માસ્ટર મહાશય રાખાલને ઉદ્દેશીને કહે છે: ‘તેઓ (શ્રીરામકૃષ્ણ) કંઈ ખાશે નહિ? અહીં રાખાલે શું જવાબ આપ્યો તે ખબર નથી. શ્રીરામકૃષ્ણે પોતાના મસાલા (લવિંગ, ઈલાયચી વગેરે)નો બટવો લાવવા માટે કહ્યું. પોતે વરંડામાં જઈને ઊભા રહી ગયા. રાખાલને લાગ્યું કે જેમ સ્ત્રીઓ સ્નાન કર્યા બાદ વાળ સૂકાવે છે, તેમ શ્રીરામકૃષ્ણ પણ કરી રહ્યા છે. રાખાલે પૂછ્યું: ‘શું વાળ સૂકાવી રહ્યા છો?’

શ્રીરામકૃષ્ણ સ્મિતપૂર્વક – ‘હા.’

થોડી ક્ષણો બાદ શ્રીરામકૃષ્ણે એ વાત પ્રત્યે ઈશારો કર્યો કે અખંડાનુભૂતિ પછી એમનાં કર્મો છૂટી ગયાં છે. તેમણે કહ્યું: ‘પહેલાં (સ્નાન પછી) બિલીપત્ર અને જગન્નાથનો પ્રસાદ ખાતો હતો. હવે તેમ કરતો નથી. કેમ કે એ બધું માત્ર બાહ્ય આચાર જ છે.’

ગિરીશચંદ્ર, દાનવ અને કેટલાક બીજા માણસો આવ્યા છે. ગિરીશે અગાઉના દિવસે આવેલા વૈષ્ણવ વિશે કહ્યું, ‘વૈષ્ણવ કહેતા હતા કે આયુર્વેદિક સારવાર જ યોગ્ય રહેશે. આપ કોઈ વૈદ્યનું નામ બતાવોને. જેમ કૃષ્ણને તાવ આવ્યો હતો, ત્યારે કૃષ્ણે પોતે જ વૈદ્ય બનીને પોતાની સારવાર કરી હતી. બ્રાહ્મણોના ચરણ પખાળીને જળ પીવા માટે મહાપ્રભુને તાવ આવી ગયો હતો. હું કહું છું કે આ રીતે દુર્જનોનો ઉદ્ધાર જ આપના આ વ્યાધિનો ઉદ્દેશ છે.’

ગિરીશચંદ્ર (માસ્ટર મહાશયને) – ‘હલધારીએ ઠાકુર માટે કહ્યું હતું કે તેઓ અજ્ઞાત વૃક્ષ છે. (એક પ્રકારનું વૃક્ષ જેને જોઈને કોઈ ઓળખી ન શકે.)’

ગિરીશચંદ્ર (શ્રીરામકૃષ્ણને) – ‘આપના ગામમાં કોઈ વૈદ્ય હોય તો બતાવો.’

શ્રીરામકૃષ્ણે જવાબ ન આપ્યો – ભાવદશામાં હસતા રહ્યા. હસતાં હસતાં એમની આંખો અને મુખ લાલ થઈ ગયાં. થોડી વાર પછી એમણે પોતાના રોગના લક્ષણો વિશે જણાવ્યું.

ગિરીશચંદ્ર (માસ્ટર મહાશયને) શું તમે હમણાં જ જાઓ છો? (માસ્ટર મહાશય થોડો સમય વધારે રોકાવા ઇચ્છે છે.)

માસ્ટર મહાશય : ‘કદાચ, સાડા દસ વાગવામાં વાર છે.’

ગિરીશચંદ્ર : ‘હા, વાર છે.’

શ્રીરામકૃષ્ણને હસવું આવ્યું અને તેઓ માસ્ટર મહાશય તરફ જોવા લાગ્યા. એ દિવસોમાં શ્રીરામકૃષ્ણનું પથ્યભોજન રવાની ખીર હતી. એ વિશે તેમણે કહ્યું, ‘કોઈ વેળાએ મનમાં એમ થયું હતું કે, ખીર ખાઈને જ રહેવું પડશે-એ વિચારીને હું ભાવમાં રડ્યો હતો-કે આ તે કેવું ભોજન?’

ઘણું કરીને આ દિવસે જ માસ્ટર મહાશયના નિશાળે ચાલ્યા જવા બાદ કેટલાક પ્રસિદ્ધ વૈદ્ય શ્રીરામકૃષ્ણને જોવા માટે આવ્યા હતા. આ સંદર્ભમાં સ્વામી શારદાનંદે લખ્યું છે: ‘વ્યર્થ સમય ગુમાવવો યોગ્ય નથી, એમ વિચારીને ભક્તોએ એક દિવસ કલકત્તાના પ્રસિદ્ધ વૈદ્યોને બોલાવીને શ્રીરામકૃષ્ણના રોગ વિશેના એમના અભિપ્રાયો જાણ્યા. ગંગાપ્રસાદ, ગોપીમોહન, દ્વારકાનાથ, નવગોપાલ વગેરે અનેક વૈદ્યો આવ્યા, તેમણે ઠાકુરને તપાસ્યા અને નિદાન કર્યું કે તેમને ‘રોહિણી’ નામનો અસાધ્ય રોગ થયો છે. જતી વખતે ગંગાપ્રસાદે એક ભક્તને કહ્યું: ‘ડોક્ટરો જેને કેન્સર કહે છે, એ જ રોહિણી છે.’ શાસ્ત્રોમાં તેની સારવાર બતાવવામાં આવેલી હોવા છતાં તેને અસાધ્ય માનવામાં આવ્યો છે. વૈદ્યો પાસેથી કોઈ વધારે આશા ન મળતાં અને વધુ ઔષધિઓનું સેવન શ્રીરામકૃષ્ણ માટે નુકશાન કરશે એમ જણાતાં ભક્તોએ તેમની હોમિયોપથિક સારવાર કરાવવાનું ઉચિત માન્યું.’ ‘કથામૃત’થી જાણી શકાય છે કે મોટેભાગે આ દિવસે ઠાકુરે વૈદ્ય ગંગાપ્રસાદને પૂછ્યું હતું, ‘આ રોગ સાધ્ય છે કે અસાધ્ય?’ વૈદ્યે આ પ્રશ્નનો જવાબ આપ્યો નહિ. તેઓ ચૂપ જ રહ્યા.

બલરામભવનમાં આવ્યા બાદ ભક્તજનો તેમને અંગ્રેજ ડોક્ટરને બતાવવા ઇચ્છતા હતા. જીવનવૃતાંતના લેખક કહે છે: ‘અહીં (બલરામ ભવનમાં) આવ્યા બાદ તેમણે અંગ્રેજ ડોક્ટરને બતાવવાની મનાઈ કરી દીધી. આથી પ્રતાપબાબુ જ એમની સારવાર કરવા લાગ્યા. પરમહંસદેવનું શરીર બાળકો કરતાં પણ વધારે નબળું હતું. આથી હોમિયોપથીની માત્ર એક ગોળી ખાવાથી એમનું શરીર અસ્વસ્થ બની જતું હતું.’ પ્રતાપબાબુ બહુ જ સાવચેતીપૂર્વક દવાઓ આપતા હતા.

*****

એ દિવસે ત્રીજા પહોરે લગભગ સાડાચાર વાગે નિશાળની રજા પછી માસ્ટર મહાશય આવ્યા. ઠાકુરની તીવ્ર ઇચ્છા હોવાથી માસ્ટર મહાશયે પૂર્ણને કહ્યું હતું કે એક વાર તેમને મળવા જરૂર આવે. તક મળતાં માસ્ટર મહાશયે શ્રીરામકૃષ્ણને જણાવ્યું, ‘એક દિવસ પૂર્ણ આવશે પણ ઘરમાં જરા…’ આ બાજુ બાળસ્વભાવના શ્રીરામકૃષ્ણ પ્રતાપ ડોક્ટર ન આવતાં અધીરા બની ગયા હતા. અચાનક પૂર્ણ આપી પહોંચ્યો. પૂર્ણને જોતાં જ ઠાકુર પ્રસન્ન થઈ ગયા. પૂર્ણ પસીનાથી રેબઝેબ થઈ ગયો હતો, એ જોઈને શ્રીરામકૃષ્ણે પોતાના વસ્ત્રથી તેનો પસીનો લૂછી દીધો. પૂર્ણના ખભા પર પોતાનો ડાબો હાથ મૂકીને ઠાકુર રડવા લાગ્યા અને ધીમે ધીમે અચલ બની ગયા. ચિત્રવત્.

 આ દૃશ્યને માસ્ટર મહાશયને મહાભારતનો એક પ્રસંગ યાદ આપી ગયો. શ્રીકૃષ્ણ દ્વારિકા જઈ રહ્યા હતા. સારથિ દારૂક રથ લઈને ઊભો હતો. વિદાયની ખૂબ જ હૃદય દ્રાવક ક્ષણ હતી. ઉદાસ પાંડવો હાથ જોડીને આંસુભરી આંખે શ્રીકૃષ્ણને નિહાળી રહ્યા હતા. દિલ ભરાઈ ગયું હતું. મુખથી કંઈ જ બોલી શકતા ન હતા. શ્રીકૃષ્ણે પણ દુ:ખિત હૃદયે કુન્તી, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર, કૃષ્ણદ્વૈયાપન, વ્યાસ તથા અન્ય ઋષિઓ અને મંત્રીઓની રજા લીધી. એ પછી સુભદ્રા, ઉત્તરા અને તેના પુત્રોને હાથેથી સ્પર્શ કરીને ઘરની બહાર નીકળ્યા અને રથમાં બેસી ગયા.

થોડી વાર પછી શ્રીરામકૃષ્ણે પોતે જ પોતાને સંભાળી લીધા. તેમણે રાખાલને પૂર્ણનો પરિચય કરાવ્યો ને કહ્યું, ‘આનું નામ પૂર્ણ છે.’ શ્રીરામકૃષ્ણે પોતાની છાતી ઉપર હાથ મૂકીને માસ્ટર મહાશયને ઉદ્દેશીને કહ્યું, ‘મન બહુ વ્યાકુળ થાય છે.’

પૂર્ણની સુલક્ષણો વ્યક્ત કરતી આંખો વગેરે જોઈને શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘અંદર જે છે, (તેઓ) જાણે આંખોથી આ રીતે (જોઈ) રહ્યા છે.’ પૂર્ણને નાસ્તો કરાવવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણે હરીશને કહ્યું, ‘પાણી આપ.’ તેઓ પૂર્ણને લઈને એક બાજુ ચાલ્યા ગયા. માસ્ટર મહાશયને ઈશારો કરીને રાખાલને મોકલવાનું કહ્યું. શ્રીરામકૃષ્ણે પોતાના હાથેથી પૂર્ણને પાણી પીવડાવ્યું. પોતે જ તેના હાથ ધોવડાવ્યા ને બોલ્યા, ‘તારે રાખાલને દાદા (મોટાભાઈ) કહેવું, તેની સાથે તારે એક (સંબંધ) છે. ઠાકુરે પોતે જ પૂર્ણને સોપારી-ઈલાયચી પણ આપી. શ્રીરામકૃષ્ણ આવીને પથારી પર બેસી ગયા અને પૂર્ણને કહ્યું, ‘પગ ઉપર હાથ ફેરવી દે!’

બાળક પૂર્ણ ડાબા હાથેથી તેમના પગ પર હાથ ફેરવવા લાગ્યો. તો શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘જમણા હાથથી કર.’

પૂર્ણે માસ્ટર મહાશય તરફ જોઈને ધીમું સ્મિત કર્યું. શ્રીરામકૃષ્ણ પણ સ્મિત કરી રહ્યા. પૂર્ણના ચાલ્યા ગયા બાદ શ્રીરામકૃષ્ણ થોડી થોડી વારે મનોમન સ્મિત કરી રહ્યા. પછી તેઓ ભાવમાં હસતા રહ્યા. ઠાકુર તકિયા પર પીઠ રાખીને બેસી ગયા. એકાએક સમાધિમાં ચાલ્યા ગયા. હાજર રહેલા બધા લોકો આશ્ચર્યભરી દૃષ્ટિથી એ મહાપુરુષને જોઈ રહ્યાં. હજુ હમણાં તો પૂર્ણને લીધે પ્રસન્ન થઈ રહ્યા હતા, પણ હવે ક્યાં ચાલ્યા ગયા!!

યુવક ભવનાથ ઓરડામાં આવ્યા અને ઘણીવાર સુધી રાહ જોતા રહ્યા. પણ મોટેભાગે શ્રીરામકૃષ્ણ પાસેથી કોઈ પણ રીતની નિશાની ન મળતાં તે નિરાશ થઈને બહાર જતા રહ્યા. થોડી વાર પછી તેઓ પાછા આવ્યા ને ત્યાં બેઠેલા ભક્તોને પૂછ્યું, ‘શું, શું તમે લોકો જશો?’ શ્રીરામકૃષ્ણે ભવનાથને મેજ પર બેસવા માટે કહ્યું, પરંતુ ભવનાથ જમીન ઉપર જ બેસી ગયા. ઠાકુરે એમને નાસ્તો કરવા માટે આગ્રહ કર્યો, તો ભવનાથે સાકરનો એક ટુકડો લઈ લીધો.

હોમિયોપથીના ડોક્ટર પ્રતાપચંદ્ર મજુમદાર આવ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણે ડોક્ટરને પોતાના રોગનાં લક્ષણો જણાવ્યાં – તેમણે કહ્યું, ‘(કોઈ કોઈ) જગ્યાએ ગોળ થઈને સોજી જાય છે. હવા જઈને પાછી આવે છે. -લીધા પછી-રાતે ખાંસી આવ્યા કરે છે-જાણે એરંડિયુ (ગળામાં ભરેલું હોય)-પછી કફ થઈને બહાર નીકળે છે.

ગળાના દર્દ વિશે ઠાકુરે કહ્યું, ‘(જાણે) કોઈ ચાકુ ભોંકી રહ્યું છે. ગૂમડું કાપતાં જેવી પીડા થાય છે, એવી ભયંકર પીડા થાય છે. રાત ગમે તેમ પસાર થાય છે.’ ‘પાણીથી સ્નાન કરું છું.’ રોગીની વાત સાંભળીને તથા એમને તપાસીને ડોક્ટર પ્રતાપચંદ્રે દવા નક્કી કરી. હવે ડોક્ટર જશે. તેમણે પોતાની દવાની પેટી માસ્ટર મહાશયને પકડાવી દીધી. શ્રીરામકૃષ્ણે ઈશારો કરીને ડોક્ટરને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘તમારા ઉપર જ બધો આધાર છે. પરંતુ તમે આવતા નથી.’ એ પછી શ્રીરામકૃષ્ણ પોતે દવાની પેટીની પાસે આવ્યા ને રોગ વિશે ડોક્ટરને પૂછ્યું. ડોક્ટર પ્રતાપ દરદીનો ઉત્સાહ જોઈને કહેવા લાગ્યા કે, ‘આપ, તો હવે સારા થઈ ગયા છો.’

શ્રીરામકૃષ્ણ – ‘તો પછી લાલ કેમ છે?

(૪)

મંગળવાર ૨૯મી સપ્ટેમ્બર ૧૮૮૫. સવારના સમયે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણને જોવા બલરામભવનમાં આવ્યા. એ વખતે શ્રીરામકૃષ્ણની પાસે ધીરેન્દ્ર ઠાકુર, ગોલાપ મા, તથા યજમાન બલરામ બોઝ હતા.

ત્રીજા પહોરે માસ્ટર મહાશય નિશાળેથી પાછા ફરતાં આવ્યા અને સાંજના સાત વાગ્યા સુધી ત્યાં રોકાયા. શ્રીરામકૃષ્ણની રોગગ્રસ્ત શરીરની સ્થિતિમાં કોઈ ખાસ ફેર દેખાતો ન હતો.

(૫)

બીજે દિવસે બુધવાર, તારીખ ૩૦ મી સપ્ટેમ્બર ૧૮૮૫. માસ્ટર મહાશય નિશાળે જવાના રસ્તેથી શ્રીરામકૃષ્ણને મળવા આવ્યા. લગભગ પચાસ મિનિટ બેઠા. ઓરડામાં દાખલ થતાં જ માસ્ટર મહાશયે સાંભળ્યું કે શ્રીરામકૃષ્ણ માટે શ્યામપુકુરમાં જે નવું મકાન ભાડે લેવાનું નક્કી કર્યું છે, એ વિશે વાત થઈ રહી છે.

શ્રીરામકૃષ્ણ – ‘મકાન બતાવી શકશો? રાખાલ જોઈ આવશે.’

શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : (મકાન) કેવું છે? કેટલું દૂર છે? જો જો કે ગંગાના પાણીમાં ડૂબી ન જાય.’

થોડી વાર પછી શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જોડા (જે ખરીદ્યા છે)ની કિંમત ત્રણ રૂપિયા છે, અને માછલી ત્રણ આનાની છે. બાબુરામે કહ્યું છે કે તે એક રૂપિયો આપશે. (પણ) તેને રૂપિયો મળશે ક્યાંથી? કિશોરીને પણ ક્યાંથી મળશે?’

પગલી ફરીથી આવી છે. દક્ષણેશ્વરના મંદિરમાં વિજય ગોસ્વામીની સાથે એક છોકરી આવતી હતી. શ્રીરામકૃષ્ણને કાલીસંગીત અને બ્રાહ્મ સંગીત ગાઈને સંભળાવતી. બધા તેને પગલી કહેતા. મોટેભાગે તે ધમાલ મચાવી દેતી. પાછળથી એક દિવસ શ્રીરામકૃષ્ણે કાશીપુરના બગીચામાં જણાવ્યું હતું કે ‘પગલીનો મધુર ભાવ છે. એક દિવસ દક્ષિણેશ્વર આવી હતી. એકાએક રડવા લાગી.’ મેં પૂછ્યું, ‘કેમ રડે છે?’ તો કહે, ‘માથામાં પીડા થાય છે.’ બીજા એક દિવસે પણ આવી હતી. હું જમવા જ બેઠો હતો. બોલી, ‘દયા નહિ કરો?’ ‘હું સરળ બુદ્ધિનો-ખાવાનું ખાઈ રહ્યો હતો. વળી કહેવા લાગી, ‘મનથી કેમ કાઢી મૂકી?’ મેં પૂછ્યું, ‘તારો કેવો ભાવ છે?’ તો કહ્યું, ‘મધુરભાવ’

(ક્રમશ:)

સંદર્ભ:

૧. ઉર્ધ્વગ – ઉપર તરફ જવું.

૨. ગયા ધામ પહોંચ્યા પછી વિશ્વંભરે (ચૈતન્ય મહાપ્રભુ) ચિર નદીમાં સ્નાન અને મંદાર પર્વત પર દેવ દર્શન કર્યાં એમના એક સાથીએ પર્વતની પાસે કોઈ બ્રાહ્મણનો તિરસ્કાર કરી એને દુ:ખી કર્યો હતો. એકાએક વિશ્વંભરને ખૂબ તાવ આવી ગયો. સાથી દારો ચિંતામાં પડી ગયા.

અંતે એમણે જ ઉપાય બતાવ્યો કે બ્રાહ્મણનું ચરણોદક પીવાથી તેઓ સાજા થઈ જશે. એ પછી એ પ્રાંતના એક બ્રાહ્મણનું ચરણોદક પીવાથી તેઓ રોગમુક્ત બન્યા. (ચૈતન્યમંગલ પૃ.૧૧૫-૧૧૬).

૩. ૨૩મી ડિસેમ્બર ૧૮૮૫ના રોજ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, ‘ભાવાવસ્થામાં (માએ) બતાવી દીધું છે કે અંતિમ સમયે ખીર ખાઈને રહેવું પડશે. આ માંદગીમાં જ્યારે ગૃહિણી ખીર ખવડાવી રહી હતી તો હું એમ કહીને રડ્યો કે શું આ ખીર ખાઈને રહેવાનું છે.’ – આટલી પીડામાં. (શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૩, પૃ.૨૮૭).

૪. સ્વામી શારદાનંદ- શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ-૫, પૃ.૨૦૨.

૫. શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૩, પૃ.૧૯૪.

૬. શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનું જીવનવૃતાંત, પૃ.૧૬૫-૧૬૬

૭. મહાભારત, અશ્વમેઘિક પર્વ, ૧૩૦/૮-૧૦

૧. દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના ઓરડામાં બહુ જ લીલ હતી. પુંથિના લેખક કહે છે ‘સેઈ હેતુ શ્રીપ્રભુર મન્દિરાજ્યાન્તર, અતિશય જલે સિક્ત રહે નિરન્તર.’ વરસાદ વખતે ગંગામાં પાણી વધી જવાથી શ્રીરામકૃષ્ણનો ઓરડો ભીનો થઈ જતો. તેનાથી ખૂબ હેરાનગતી થતી. આથી ગંગાની સમીપમાં ભાડે લીધેલાં નવાં મકાનમાં તો ભેજ નહિ લાગેને, એમ શ્રીરામકૃષ્ણે પૂછ્યું હતું.

૨. શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-૩, પૃ.૩૧૬.

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.