(૬)

ગુરુવાર. આસો સુદ આઠમ. ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય. માસ્ટર મહાશય નિશાળે જતી વખતે આવ્યા અને એક કલાકથી પણ વધારે સમય બલરામભવનમાં રહ્યા. તેમને ઉદ્દેશીને શ્રીરામકૃષ્ણ કહે છે, ‘‘કાલે ત્રીજા પહોરે પેટ ખૂબ ગરમ થઈ ગયું હતું. મળત્યાગ પણ કર્યો હતો. આજે નહાઈ લઉં કે?’’ માસ્ટર મહાશય – ના. (આપનું શરીર) અશક્ત છે. તાવ ન આવી જાય. માસ્ટર મહાશયે ગિરીશચંદ્રને પૂછયું, ‘‘કાલે બપોરે તમે હતા?’’ ગિરીશ, ‘‘ના’’.

માસ્ટર મહાશય, ‘‘વૈદ્યને આવી જવા દો. એ પછી જોશું.’’ લીલાપ્રસંગના લેખકે પોતાના પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવ્યો છે. (શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા નામના પુસ્તક મુજબ) સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગુરુવાર અને રવિવારે રજા રહેતી હતી. આથી ગુરુવાર અને રવિવારે જ શરદચંદ્ર શ્રીરામકૃષ્ણને મળવા માટે આવતા. ઘણું કરીને આ દિવસે જ શરદચંદ્રે શ્રીરામકૃષ્ણ પાસે આવીને એક અત્યંત આશ્ચર્યજનક લીલા જોઈ. ત્રીજા પહોરે બલરામભવનમાં આવીને શરદચંદ્રે જોયું કે બીજા માળનો હોલ લોકોથી ભરાઈ ગયો છે. ગિરીશચંદ્ર અને તેની સાથે કાલીપદ ભજન ગાઈ રહ્યા છે. ‘આમાય ધરો નિતાઈ, આમાર પ્રાણ જેનો આજ કરે રે કેમન.’

‘(નિતાઈ મને પકડો) કોણ જાણે કેમ આજે મારું મન વ્યાકુળ બની રહ્યું છે.’ ઓરડાના પશ્ચિમ ભાગમાં પૂર્વ તરફ મુખ કરીને શ્રીરામકૃષ્ણ બેઠા છે. અને સમાધિસ્થ થઈ ગયા છે. તેમના મુખમંડલ પર પ્રસન્નતા અને આનંદની અપૂર્વ ખુશી પ્રગટી રહી છે. એમનું જમણું ચરણ ફેલાયેલું છે. સામે બેઠેલી એક વ્યક્તિએ ખૂબ જ પ્રેમપૂર્વક એ ચરણને પોતાના વક્ષ-સ્થળ પર ધારણ કરેલું છે. તે સજ્જન સુંદર અને ભક્તિમાન જણાઈ રહ્યા છે. શ્રીરામકૃષ્ણના ચરણક્ષેત્રમાં જે આ રીતે બેઠા છે, તેમના નેત્રો બંધ છે. અને મુખ તથા વક્ષસ્થળ આંસુઓથી ભીંજાયેલાં છે. ત્યાં સંપૂર્ણપણે શાંતિ હતી. ચારેબાજુ એક દિવ્યભાવાવેશ ફેલાયેલો હતો. ઈશ્વરીય ગાન ચાલવા લાગ્યું.

‘મારું મન ન જાણે આજે કેમ વિકલ થઈ રહ્યું છે,

(નિતાઈ) મને ધારણ કરો. નિતાઈ.

જીવને હરિનામ વહેંચવા માટે પ્રેમનદીમાં લહેરો ઊઠવા લાગી,

એ લહેરમાં હવે હું વહી રહી છું.

(નિતાઈ) મેં મારા સ્વહસ્તે પત્ર લખ્યો છે, આઠ સખીઓ એની સાક્ષી છે. હવે હું એ ઋણ, પ્રેમના મહાજનને કઈ રીતે ચૂકવું? મારું સંચિત ધન ખલાસ થઈ ગયું છે. તો પણ ઋણ ચૂકતે થયું નહીં.

પ્રેમના દેવાથી હવે હું વેંચાઈ રહી છું.’

ગીત પૂરું થતાં શ્રીરામકૃષ્ણદેવ અર્ધજાગ્રત અવસ્થામાં આવ્યા એમણે સામે બેઠેલી વ્યક્તિને કહ્યું, ‘‘બોલો શ્રીકૃષ્ણ ચૈતન્ય, – બોલો શ્રીકૃષ્ણ ચૈતન્ય.’’ આ રીતે સતત ત્રણવાર તેમણે આ નામનું ઉચ્ચારણ કરાવ્યું. થોડી વાર પછી શ્રીરામકૃષ્ણ ફરી સ્વસ્થ થયા અને બીજાંઓની સાથે સ્વાભાવિક રીતે વાતો કરવા લાગ્યા. વિશેષ કૃપાપાત્ર બનેલા તે માણસનું નામ છે, નિત્યગોપાલ સ્વામી. ઢાકાની જગન્નાથ કોલેજના પ્રાધ્યાપક છે. નિત્યગોપાલના પિતા કૃષ્ણગોપાલ સ્વામી (૧૮૧૦-૮૮) મોટા ગોંસાઈના નામે પ્રસિદ્ધ હતા. એમણે જ પૂર્વબંગાળમાં વૈષ્ણવ ભાવધારાને લોકપ્રિય બનાવી હતી. નિત્યગોપાલ જુદા જુદા ધર્મો વિશે જાણવા પ્રયત્નશીલ રહેતા. તેઓ પહેલાં બ્રાહ્મસમાજ, પછી થિયોસોફીકલ સોસાયટી અને પછી થોડા સમય માટે નાસ્તિક મંડળમાં પણ જોડાયા હતા. અંતે સદ્ભાગ્યે તેઓ વિજયકૃષ્ણ ગોસ્વામી દ્વારા શ્રીરામકૃષ્ણના સંપર્કમાં આવ્યા. એમણે શ્રીરામકૃષ્ણને પહેલી વાર ૧૮૮૪ના સમયગાળામાં દક્ષિણેશ્વરમાં જોયા હતા. આ વખતે ઠાકુરની ભયંકર બીમારીના સમાચાર સાંભળીને ઢાકાથી તેમને જોવા માટે આવ્યા હતા.

આ દિવસે એક બીજો પણ અનોખો પ્રસંગ બની ગયો. ત્રીજે પહોરે, સાડા ચાર વાગ્યે માસ્ટર મહાશય નિશાળેથી પાછાં ફરતાં બલરામ ભવન આવ્યા. પાણી વરસતું હતું. ડૉક્ટર પ્રતાપ મજુમદાર શ્રીરામપુર ચાલ્યા ગયા હતા. એટલે તે દિવસે તેઓ નહોતા આવ્યા. તેથી શ્રીરામકૃષ્ણની બાબતમાં તેમને એક પત્ર લખવામાં આવ્યો. સંધ્યા સમયે લગભગ સાત વાગ્યે પંડિત શશધર તર્કચૂડામણિ બલરામ ભવન આવ્યા. શશધર એક પ્રકાંડ વિદ્વાન, સાધક અને હિંદુધર્મના પ્રસિદ્ધ પ્રચારક હતા. એમણે ૨૫મી જૂન ૧૮૮૪ના રથયાત્રાના દિવસે શ્રીરામકૃષ્ણને પહેલીવાર જોયા હતા. એ પછી તર્કચૂડામણિ ઘણીવાર શ્રીરામકૃષ્ણને મળ્યા હતા. શ્રીરામકૃષ્ણની ગંભીર માંદગીના સમાચાર સાંભળીને તેઓ આજે જોવા આવ્યા છે.

શ્રીરામકૃષ્ણ તર્કચૂડામણિને જોઈને પ્રસન્ન થયા. તેમણે ઠાકુરની પીડા વિશે પૂછયું અને કષ્ટકારક રોગ માટે ચિંતા વ્યક્ત કરી. શ્રીરામકૃષ્ણે રમૂજ કરતાં પંડિતને કહ્યું : ‘‘ચક્રવર્તી છોડતો નથી. બીમારી તો દરેકના શરીરમાં છે. મોટા ખાડાને હવે કેટલું ભરશો? આ શરીર હવે વધારે નહિ લઈ શકે.’’ એ પછી એમણે એક વાર્તા સાંભળાવી. જે, એક મઠવાસી સાધુ માર ખાઈને બેહોશ થઈ જતો હતો, તેની હતી. હોશમાં આવતાં સાધુએ કહ્યું હતું, ‘‘જે દૂધ પીવડાવી રહ્યો છે, એણે જ માર્યો છે.’’ ચૂડામણિ પણ વિનોદી છે. તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: ‘‘આપ સમાધિમાં રહો અને હું કલ્યાણયાત્રા કર્યા કરું – આપ કહો કે દેશભ્રમણ માટે જવું છે.’’ તર્કચૂડામણિની આ વાત પર શ્રીરામકૃષ્ણે શું પ્રતિભાવ આપ્યો તેની ખબર નથી.

થોડીવાર પછી શ્રીરામકૃષ્ણની વિદાય લઈને શશધર ત્યાં હાજર રહેલા બીજા લોકોની સાથે વાતો કરવા લાગ્યા. હસી-મજાક કરતા રહ્યા. પંડિતજીના મોટેથી હસવાનો અવાજ શ્રીરામકૃષ્ણ થોડો સમય સાંભળતા રહ્યા. પછી તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પરંતુ પંડિતને ઠાકુરની હાજરીની ખબર પડી નહીં.

તે રાત્રે માસ્ટર મહાશય બલરામ ભવન રોકાઈ ગયા. મોડી રાત્રે શ્રીરામકૃષ્ણનું દર્દ વધી ગયું. રાત્રે સાડાત્રણ વાગ્યા હતા. માસ્ટર મહાશય ઠાકુરને પંખાથી હવા નાંખવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ : હવા નાખો છો. હવે નહીં નાખો – આટલું કષ્ટ હવે સહી શકાતું નથી.

શ્રીરામકૃષ્ણ (સેવક હરીશને) : આખી રાત ઊંઘ ન આવી.

માસ્ટર મહાશય પર દૃષ્ટિ પડતાં જ ઠાકુરે એકાએક કહ્યું : ‘‘કોણ? મહેન્દર. હવે રક્ષણ નહીં કરી શકયો..’’

માસ્ટર મહાશય ઠાકુર શ્રીરામકૃષ્ણના ચરણો પર હાથ ફેરવતા રહ્યા. સેવક બાબુરામ પંખાથી ધીમે ધીમે હવા નાંખવા લાગ્યા.

પ્રભાતે સાડા ચાર વાગે માસ્ટર મહાશય બલરામ ભવનથી નીકળી ગયા. ગંગાસ્નાન કરીને લગભગ છ વાગે પાછા આવ્યા. એમણે જોયું કે શ્રીરામકૃષ્ણ સૂઈ ગયા છે.

આજે શુક્રવાર છે. રજી ઓક્ટોબર ૧૮૮૫. વદ નોમ.

(કલકત્તામાં શ્રીરામકૃષ્ણની ઉપસ્થિતિ વિશે ભક્ત વૈકુંઠનાથ સંન્યાલે લખ્યું છે.) – ‘સેવાવ્રતને લઈને એમના પ્રત્યે જ ધ્યાન રહેશે. તેમના લીલામૃતના ચિંતનથી મનની મલિનતા દૂર થશે અને ભક્તોમાં ભ્રાતૃભાવ દૃઢ થશે. એવું પ્રતીત થાય છે કે જાણે અમારા સાંસારિક વિકારો દૂર કરવા માટે તેઓ માંદગીનું બહાનું કરીને કલકત્તા આવ્યા છે. તેઓ પોતાના રોગમાંથી મુક્ત થવાની ઇચ્છા કરી રહ્યા હતા કે નહીં એ કહેવું મુશ્કેલ છે, પણ અહીં આવનારા નવા પિપાસુઓને પોતાના કથામૃત દ્વારા પરિતૃપ્ત જરૂર કરી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણમાં પોતાની પીડાને દૂર કરવાની ઇચ્છા હતી કે નહીં એ કહેવું મુશ્કેલ છે, પણ એમના રોગને દૂર કરવા માટેની વ્યવસ્થાની ખામી ન હતી.’

સવારના સાત વાગ્યા છે. ઠાકુરના ઓરડામાં બલરામ, માસ્ટર મહાશય, ગોપાલ વગેરે હાજર છે. શ્રીરામકૃષ્ણે બલરામને ઉદ્દેશીને કહ્યું, ‘‘હવે વધારે શું? કોઈ મનોકામના તો છે નહીં. અકારણ જ આ શરીર શા માટે (ધારણ કરવું)?’’ શ્યામપુકુરના ભાડાના મકાનમાં જવાની વાત થઈ. શ્રીરામકૃષ્ણ (સેવક ગોપાલને) : ‘‘રામલાલ (પંચાગ જોવાનું) બહુ જ સારું જાણે છે. ગોપાલ, રામલાલના કહેવા મુજબ નોમ સ્થળાંતર માટે અશુભ છે. પરંતુ, એક બીજા પંડિતના કહેવા પ્રમાણે આજનો જ દિવસ સ્થળાંતર માટે શુભ છે.’’

શ્રીરામકૃષ્ણ (ગોપાલને), ‘‘સાંભળ.’’ તેમણે ઈશારાથી ગોપાલને સમજાવ્યું કે દક્ષિણેશ્વર જઈને રામલાલને શું કહેવું, અને રામલાલની દલીલોની વિરુદ્ધમાં કેવો જવાબ આપવો યોગ્ય હશે, તે પણ બતાવ્યું.

થોડીવાર પછી માસ્ટર મહાશયે કહ્યું, ‘‘ગોપાલબાબુને કહી દીધું છે કે જો સગવડ હોય તો તેઓ (દક્ષિણેશ્વરમાં ઠાકુરના ઓરડામાં) સિમેન્ટ કરાવી આપે.’’

શ્રીરામકૃષ્ણ, ‘‘હમણાં કેમ કહ્યું?’’

માસ્ટર મહાશય, ‘‘અત્યારે યોગ્ય સમય છે. ત્યાં ગયા પછી કંઈ નહીં થાય.’’ માસ્ટર મહાશય ઘેર જવાના જ હતા, ત્યાં તેમણે શ્રીરામકૃષ્ણને એમને કહેતા સાંભળ્યા કે ‘‘ડોક્ટરને આવી જવા દો.’’

માસ્ટર મહાશય ડોક્ટરની રાહ જોવા લાગ્યા. એમને નિશાળે જવાનું હતું એટલે દસ વાગ્યાની આસપાસ તેઓ જવાની તૈયારી કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણે સ્નાન પછી માસ્ટર મહાશયને પૂછયું, (હસતાં હસતાં) ‘‘તમને શું લાગે છે?’’ માસ્ટર મહાશયે કહ્યું : ‘‘ભય જેવું નથી.’’

શ્રીરામકૃષ્ણ ઈશારો કરીને માસ્ટર મહાશયને પૂછે છે, ‘‘ખાવાનું કયાં ખાશો?’’

માસ્ટર મહાશય, ‘‘નિશાળના ચોકીદારની પાસે.’’

આ સાંભળીને શ્રીરામકૃષ્ણને હસવું આવી ગયું. આ દિવસોમાં રાત હોય કે દિવસ હોય, માસ્ટર મહાશય જેટલું વધારે રહી શકાય તેટલું તેઓ ઠાકુરની સેવામાં રહેતા હતા. મોટે ભાગે તેઓ પોતાના ઘેર જઈને બપોરનું ભોજન કરી શકતા નહીં. તેથી નિશાળના ચોકીદારે બનાવેલું ખાવાનું ખાઈને જ તેઓ ચલાવી લેતા હતા.

આ પ્રકારની વાતચીત થઈ રહી હતી ત્યાં વૈદ્ય ગંગાપ્રસાદ સેન આવી પહોંચ્યા. ગંગાપ્રસાદ કુમાર ટોલીમાં રહેતા હતા. વૈદ્યને જોઈને શ્રીરામકૃષ્ણે પાનદાનીને હટાવી દીધી. ચાદર, તકિયો, અંગોછો બધું સરખી રીતે રાખી દીધું. ઈશારાથી કહ્યું કે ત્યાંથી જોડા હટાવી લેવામાં આવે. વૈદ્ય આવીને શ્રીરામકૃષ્ણની પથારી પાસે બેસી ગયા. એમનું મુખ લાલ થઈ રહ્યું હતું. તેઓ ગંભીર હતા. એમણે શ્રીરામકૃષ્ણને પૂછયું; ‘આપને કેમ છે?’ અને તેઓ ઠાકુરના હાથ પર પોતાના હાથ ફેરવવા લાગ્યા.

ત્યાં દેવેન મજુમદાર હાજર હતા. દેવેનના પ્રશ્નના જવાબમાં વૈદ્યે કહ્યું, ‘રોગ સાધ્ય છે કે અસાધ્ય એ તો તપસ્યા પછી જ કહી શકું.’

માસ્ટર મહાશય, ‘શું ભય જેવું છે?’

ગંગાપ્રસાદે દ્વિધામાં ઉત્તર આપ્યો, ‘ના. એમ તો દરેક માંદગીમાં ભય તો હોય છે જ.’

થોડીવાર પછી ગંગાપ્રસાદ જવા ઇચ્છતા હતા. જતાં પહેલાં તેમણે શ્રીરામકૃષ્ણને પ્રણામ કર્યાં. શ્રીરામકૃષ્ણ – (જોડા સાંકોના) રામ ડોક્ટરે મધ ખાવાનું કહ્યું હતું. (મધ ખાઈને શરીર) ગરમ થઈ ગયું – બળતરા થવા લાગી.’

ગંગાપ્રસાદ – એટલા માટે જ તો – દવા લેવી પડશે.

ગંગાપ્રસાદ ગયા ને તુરત જ ડોક્ટર પ્રતાપચંદ્ર મજુમદાર આવ્યા. શરૂઆતની વાતચીત પછી શ્રીરામકૃષ્ણે ડોક્ટર પ્રતાપને કહ્યું; ‘તમે દરરોજ એકવાર જરૂર આવજો. સવારના સમયે…’ હવે માસ્ટર મહાશય નિશાળે જવા માટે વિદાય લે છે. શ્રીરામકૃષ્ણે એમને કહ્યું; ‘સારું, પાછા આવજો.’

માસ્ટર મહાશય ગયા પછી પંડિત શશધર તર્કચૂડામણિ આજે પાછા આવ્યા. શ્રીરામકૃષ્ણના અસાધ્ય રોગને દૂર કરવા માટે તેમણે એક ઉપાય બતાવ્યો. ‘બે કલાક સુધી સમાધિની સ્થિતિમાં મન રાખવાથી રોગ ચાલ્યો જશે.’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણ એમની પાસે આવ્યા ને તેમને સમજાવતાં કહ્યું; ‘મેં વિચાર્યું તો હતું, પણ મન પાછું આવી જાય છે. જ્યારે ક્યારેય પણ (પોતાના શરીરની વાત) વિચારું છું ત્યારે જોઉં છું કે (આ શરીર) ખોખલું થઈ ગયું છે. એક આવરણ માત્ર. (પડેલું છે.) ઘણું કરીને શશધર તર્કચૂડામણિ શ્રીરામકૃષ્ણની વાતને સમજી શકયા નહીં. કેમકે ૨૫ પોષ ૩૨૭ બંગાબ્દમાં (આ ઘટનાના લગભગ ૩૫-૩૬ વર્ષ પછી) પોતાની વૃદ્ધાવસ્થામાં તર્કચૂડામણિએ એક પત્રમાં લખ્યું હતું; ‘તેઓ (શ્રીરામકૃષ્ણ) દેહત્યાગ પહેલાં ૫-૬ મહિના સુધી ગળાના રોગની વેદનાથી ખૂબ પીડાતા હતા. જો તેઓ ઇચ્છાથી મનને મનોમય કોષમાં લઈ ગયા હોત તો તેમને આટલું કષ્ટ ક્યારેય સહેવું પડયું ન હોત. એ વખતે જ્યારે હું તેમને મળ્યો હતો ત્યારે મેં એમને પીડામાંથી મુક્તિ મેળવવા માટે આ પ્રકારનું એક અનુષ્ઠાન કરવાની સલાહ આપી હતી. એ અંગે તેમણે કહ્યું હતું કે, ‘જો હું મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરું છું, તો મારું મન મારા ઈષ્ટદેવતા પ્રત્યે ચાલ્યું જાય છે. એ કારણે હું એ નહીં કરી શકું.’ તેઓ યોગ શક્તિ દ્વારા મનોમય કોષમાં પહોંચી શકયા હોત કે નહીં.’ તે જે હોય તે. મારા મતે તેઓ એક સાધુ પ્રકૃતિના મહાપુરુષ અવશ્ય હતા. હું સારી રીતે સમજી ગયો હતો કે દેહત્યાગના થોડા દિવસો પહેલાં તેઓ થોડાક નીચે આવી ગયા હતા.’

* * * * *

પંચાગમાં નોમ પછી કલ્પારંભ જોઈને એ નક્કી કરવામાં આવ્યું કે આજ દિવસે સાંજે સાડા સાત વાગે શ્રીરામકૃષ્ણ (શ્યામપુકુરના) ભાડે લીધેલાં નવા મકાનમાં જશે. તેથી બલરામ ભવનમાંથી વિદાય લઈને શ્રીરામકૃષ્ણ ૫૫ નં. શ્યામાપુકુર ‘સ્ટ્રીટ’ના મકાનમાં ચાલ્યા આવ્યા.

શ્રીરામકૃષ્ણના આ સાત દિવસોના જીવનવૃતાંતનું ચિંતન કરવાથી કેટલીક બાબતો સ્ટષ્ટ બને છે. વૈદ્યો તપાસીને, જોઈને, સાંભળીને એ નિદાન પર પહોંચ્યા હતા કે શ્રીરામકૃષ્ણને અસાધ્ય રોહિણી (કેન્સર)નો રોગ થયો છે. બીજી બાજુ દેહબુદ્ધિ રહિત શ્રીરામકૃષ્ણના સૌંદર્યમય જીવનપાત્રમાંથી અપૂર્વ મધુરતા વ્યક્ત થઈ રહી હતી. જાણે કે તે નવી શોભા અને ઐશ્ચર્યની સાથે સમગ્ર વિશ્વમાં પ્રસરી જવા માટે મહાન ભૂમિકાની રચના કરી રહી હતી. પરિચિત, અપરિચિત અસંખ્ય લોકોના આગમનથી બલરામ ભવન આનંદપૂર્ણ ઉત્સવસ્થાન બની ગયું હતું. તેમના પર શ્રીરામકૃષ્ણની અહૈતુકી કૃપા વૃષ્ટિ અને દિવ્ય ભાવનું પૂર જાણે અંતિમ લીલાનો પૂર્વાભાસ હતો. ઠાકુરે પોતાના દેહ અને ભયાનક રોગને તુચ્છ ગણીને જગતના કલ્યાણ માટે પોતાની આહુતિ આપી દીધી. તેમણે યોગદૃષ્ટિથી જોયું કે શરીર તો છે માત્ર ખોખલું આવરણ. આથી શરીર અને તે ભયંકર વિનાશકારી રોગની પરવા કર્યા વગર શ્રીરામકૃષ્ણે વધારેમાં વધારે માનવોની નિમ્નગામી ચેતનાને ઊર્ધ્વગામી કરવા માટે પોતાની જાતને પ્રયોજી દીધી.

(ક્રમશ:)

સંદર્ભ :

૧. સ્વામી શારદાનંદ – ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’, પાંચમો ભાગ – પૃ. ૨૦૪.

૨. ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ (પૃ. ૨૦૪) તથા ‘પુંથી’બંગાળી (પૃ.૩૮૬)માં એમનું નામ નૃત્યગોપાલ આપવામાં આવ્યું છે.

૩. ‘પ્રબુદ્ધભારત’ જાન્યુઆરી, ૧૯૮૦, પૃ. ૧૬-૨૧.

૪. કોઈ મઠમાંથી સાધુજનો રોજ ભિક્ષા માગવા જતા હતા. એક દિવસ ભિક્ષા માંગતી વખતે આ મઠના સાધુએ જોયું તો એક જમીનદાર કોઈ માણસને મારી રહ્યો હતો. સાધુ ખૂબ દયાળુ હતો. તેણે જમીનદારને કહ્યું કે તે તેને મારે નહીં. જમીનદાર ખૂબ જ ગુસ્સામાં હતો. એટલે એણે પોતાનો બધો ગુસ્સો એ સાધુ ઉપર ઊતાર્યો. જમીનદારે સાધુને એટલો બધો માર્યો કે તે બેભાન બની ગયો. કોઈએ મઠમાં જઈને જાણ કરી કે તેમના એક સાધુને જમીનદારે ખૂબ માર્યો છે. મઠના બીજા સાધુઓ તુરત જ ત્યાં દોડી ગયા અને જોયું તો સાધુ બેભાન પડેલો હતો. એને મઠમાં લઈ આવ્યા ને એક ઓરડામાં સૂવડાવ્યો. મઠવાસીઓ ચિંતિત બની ગયા ને તેને ઘેરીને બેસી રહ્યા. તેને પંખાથી હવા નાખવા લાગ્યા. કોઈએ કહ્યું કે એના મોઢામાં થોડું દૂધ નાખીને જોવું જોઈએ. મોઢામાં દૂધ આવતાં જ તે સાધુને ભાન આવી ગયું અને તે આંખો ખોલીને જોવા લાગ્યો. ત્યારે કોઈએ પૂછયું, ‘‘શું તું ભાનમાં છે? અમને ઓળખે છે? તને દૂધ કોણ પીવડાવે છે?’’ એ સાધુએ ધીમે ધીમે જવાબ આપ્યો, ‘‘ભાઈ જેણે મને માર્યો છે, એ જ હવે મને દૂધ પીવડાવી રહ્યો છે.’’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-૧ પૃ.૧૭૪-૭૫)

૧. સાધના સમયે ઠાકુરની ઈશ્વરભાવમાં વિભોર, ઉન્મત્ત અવસ્થાને રોગ સમજીને એમને સારવાર માટે આ વૈદ્ય પાસે લઈ જવામાં આવ્યા હતા.

૨. ૨૩મી ઓક્ટોબરે ગિરીશચંદ્રે ડોક્ટર સરકારને જણાવ્યું હતું, પંડિત શશધરે કહ્યું હતું, ‘આપ સમાધિની અવસ્થામાં, મનને ઉપર લઈ જાઓ’ આ રીતે રોગ દૂર થઈ જશે. પરંતુ ઠાકુરે ભાવદશામાં જોયું કે શરીર એક આવરણ માત્ર છે.’

Total Views: 195

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.