સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતના ઈતિહાસનું પુનર્લેખન કરવાની આવશ્યકતા વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે ઈતિહાસનું આ પુનર્લેખન ભારતીયોએ જ કરવું જોઈએ અને આવા લેખનકાર્ય કરનાર ઇતિહાસવિદ્-લેખકમાં કેવી ગુણવત્તા હોવી જરૂરી છે એ વાત આપણે જાણી લેવી પડે. આવા લેખકોએ ભારતના પ્રાચીન શાસ્ત્રગ્રંથોનો અને સંસ્કૃતનો તેમાંય વૈદિક સંસ્કૃતનો તેમજ વ્યુત્પત્તિશાસ્ત્ર (નિરુક્ત)નો સાંગોપાંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. એનું કારણ એ છે કે આપણો પ્રાચીન ઇતિહાસ મહદંશે આવા શાસ્ત્રગ્રંથોમાં, વૈદિકસાહિત્યમાં કે ત્યા૨પછીના પૌરાણિક સાહિત્યમાં રહેલો છે. આ બધું રૂપક કથાઓમાં સમાયેલું છે, એટલે એમાંથી નીકળતાં તારણોને, સારતત્ત્વને, પુરાતત્ત્વવિદ્યા, ભૂસ્તરવિદ્યા, ભૂસ્તરશાસ્ત્રની આધુનિક ‘કાર્બનડૅયટિંગ’ જેવી પ્રયુક્તિઓ તેમજ ‘સૅટેલાઈટ ઈમેજરી’- ઉપગ્રહોનાં વિહંગાવલોકન દ્વારા અને ભાષાશાસ્ત્રનાં વિવિધ અંગોના તલસ્પર્શી અભ્યાસ દ્વારા – પ્રસ્થાપિત કરવાં પડે. એટલે આપણા જૂનાં રૂઢિગત જ્ઞાન અને સ્રોતને આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિવાળી પ્રયુક્તિની સહાયથી આ તારણોને રજૂ કરવામાં આવે, પ્રસ્થાપિત કરવામાં આવે તો તે એક ઇતિહાસ તરીકે સ્વીકાર્ય બની શકે.

અત્યાર સુધી આપણે આપણાં બાળકોને જે ઇતિહાસ શીખવતા રહ્યા અને આજે પણ જે શીખવીએ છીએ તે ઇતિહાસમાં યુરોપના સંસ્થાનવાદની સૌથી વધુ અસર જોવા મળે છે. દા.ત. ૧૮મી સદીના અર્ધભાગ સુધી કોઈ પણ ભારતીય એવું કદાચ ક્યારેય નહિ સાંભળ્યું હોય કે આપણા પૂર્વજો – આર્યોએ મધ્યએશિયા કે ભારત બહારના પ્રદેશોમાંથી આવીને, આ દેશ પર આક્રમણ કરીને આ દેશના મૂળવાસીઓને જીતી લઈને એમને બધાને દાસ બનાવી દીધા હોય. આવી જ રીતે દક્ષિણભારતના નિવાસીઓમાંથી કોઈએ આવું પણ નહિ સાંભળ્યું હોય કે તેઓ જ ભારતના સાચા મૂળ ભારતવાસીઓ છે અને તેમને બધાને બહારના, પરદેશથી આવેલા આર્યોએ પોતાની મૂળ ભૂમિ-સિંધુખીણના પ્રદેશમાંથી હાંકી કાઢ્યા અને એમને ઠેઠ દક્ષિણમાં ધકેલી મૂક્યા. એમણે આ પણ નહિ સાંભળ્યું હોય કે ‘આદિવાસી’ એવું ભ્રામક નામ આપીને એના પર આ પરદેશી, ઉચ્ચવર્ણના આર્યોએ જુલમ ગુજાર્યા હોય અને તેમને પદદલીત બનાવી દીધા હોય.

તો પછી આવા બધા વિચારો આવ્યા ક્યાંથી? આ બધું યુરોપિયન વિદ્વાનોની ‘આર્યન ઈન્વેશન થિયરી આર્યોના આક્રમણવાદ પર આધારિત છે. વળી કોઈ એવું પણ પૂછી શકે કે આનાથી વળી કઈ મોટી અસર પડવાની હતી? ત્રણચાર હજાર વર્ષો પહેલાં ઘટેલ આ ઐતિહાસિક ઘટનાક્રમનું આજે પણ એવું ક્યું મહત્ત્વ છે? આ એટલા માટે મહત્ત્વનું છે કે ભારતનાં સંસ્કૃતિસભ્યતા વિશેના આજના ઇતિહાસના વિચારો યુરોપીય દૃષ્ટિકોણવાળા યુરોપિયનોનું દૃષ્ટિબિંદુ છે. આનાથી તો ભારતમાં જ વિકસેલી મહાન વૈદિક સંસ્કૃતિને એક બહારથી આણેલી સંસ્કૃતિ ગણાવીને તેનું ઘણું ઓછું મૂલ્ય અંકાયું છે. ઈ.સ.પૂર્વે ૧૫૦૦ની આસપાસ ભારતના મૂળવાસીઓ પરની આર્યોના આક્રમણની ભ્રમણાભરી સંકલ્પનાની વાતો ૧૮મી સદીની શરૂઆતમાં થઈ એનાં કારણો આ પ્રમાણે છે :

જો કે ૧૮મી સદીના પ્રારંભમાં જર્મન ઇતિહાસવિદ્ ફ્રેડરિક સ્લેગલ અને ફ્રાંસના મહાન ચિંતક વૉલ્ટેર ભારતને સંસ્કૃતિના, સભ્યતાના વિકાસના મૂળસ્રોત તરીકે ગણતા હતા. સ્લેગલના શબ્દોમાં કહીએ તો ‘સંસ્કૃત મૂળભાષા’ છે અને ૧૮૦૩માં તેમણે કહ્યું કે, ‘વિશ્વની જે કાંઈ સંસ્કૃતિ સભ્યતા છે તેનું મૂળ ભારત છે.’ વૉલ્ટરે વ્યંગ્યભર્યા શબ્દોમાં આ રીતે કહ્યું છે : ‘હિંમત અને દુષ્ટતામાં આપણે આપણું ભારતીયો કરતાં ચડિયાતાપણું બતાવી દીધું છે પણ, આપણે શાણપણમાં, બુદ્ધિમાં એમનાથી ઘણા ઉતરતા છીએ આપણા યુરોપિયનો પૂર્વના દેશોમાં અને તેમાંય ખાસ કરીને ભારતમાં પૈસાની શોધમાં, ધન રળવા જ ગયા હતા અને અંદરોઅંદર ઝઘડીને આપણે આપણો વિનાશ કર્યો. પણ સૌથી પહેલાં એ દેશમાં ગયેલા ગ્રીક લોકો તો જ્ઞાન-શિક્ષણ મેળવવા જ ગયા હતા.’

૧૮મી સદીના અંતે કોલકતાની એશિયાટિક સોસાયટીના સ્થાપક વિલ્સન જ્હોન્સના મતે ‘સંસ્કૃતભાષા અદ્‌ભુત સંરચનાવાળી ભાષા છે. આ ભાષા ગ્રીક કરતાં પણ વધારે પૂર્ણ ભાષા છે. લેટિન કરતાં વધુ વિપુલતાવાળી ભાષા છે અને આ બધી ભાષાઓ કરતાં વધુ ઉત્કૃષ્ટ અને પરિશુદ્ધ ભાષા છે.’ પરંતુ દુર્ભાગ્યે યુરોપના ભાષાશાસ્ત્રીઓએ યુરોપની સંસ્થાનવાદની ભાવનાને પાળવા-પોષવા સંસ્કૃતભાષાનું સ્થાન ઉતારી પાડવા માટે એક વિચિત્ર સિદ્ધાંતની પરિકલ્પના કરી. એ પરિકલ્પના આ હતી : યુરોપની ભાષાઓ ગ્રીક, લેટિન અને સંસ્કૃત ભાષા વચ્ચે સાદૃશ્યનો સંબંધ છે અને તે એક જ કુળની ભાષાઓ છે. એક જ ભૂમિ પર વસનારાની ભાષા પ્રોટોઇંડોયુરોપિયનની નવી પરિકલ્પના કરીને એને સંસ્કૃત, ઇંડોઈરાનિયન, જર્મેનિક, ગ્રીક, લેટિન જેવી ભાષાની જનની ગણી છે. આ પરિકલ્પના – પ્રૉટોઇંડોયુરોપિયન ભાષાની – સૌ પ્રથમ ૧૮૧૬માં જર્મનીના ફ્રાંઝ બૉપ દ્વારા થઈ હતી. આને પરિણામે, ઋગ્વેદ જે ભારતીય સંસ્કૃતિનું મૂળસ્રોત છે, તેને ઇંડોયુરોપિયનના સ્રોત તરીકે ગણવામાં આવ્યો. અને ઋગ્વેદને ભારતમાં આર્યો ઠરીઠામ થયા તે પહેલાંની પરિસ્થિતિનું વર્ણન કરતો બતાવ્યો છે. એનો અર્થ એ થયો કે ભારતીય સંસ્કૃતિનાં મૂળિયાં પેલી મૂળ ઘરબાર વિહોણી આર્યજાતિમાં હતાં, પછી ભલે એ આર્યજાતિ ગમે ત્યાંની હોય.

૧૯મી સદી પહેલાં કહેવાતા દ્રાવિડોને એ પણ યાદ ન હતું કે તેઓ ઉત્તરભારતમાં રહેતા હતા અને પેલી કહેવાતી આર્યોની એક જુદી જાતિ હતી અને તેઓ ઓછેવત્તે અંશે તેમના દુશ્મનો હતા. એમને એ પણ ખ્યાલ ન હતો કે દ્રાવિડિયન ભાષાઓ ઇંડોયુરોપિયન ભાષાઓ સાથે સંબંધ ધરાવતી નથી. પરંતુ કેટલાક યુરોપિયન વિદ્વાનોએ તેમને આ બધું કહ્યું. તેમાંય ૧૮૧૬માં એફ.ડબલ્યુ. એલિસે આ ભાષાઓના જુદારાની વાત તેમને કરી. એની સામે એચ.ટી.કૉલબ્રુક અને વિલિયમ કૅરે તો બધી ભારતીય ભાષાઓને સંસ્કૃત સાથે સંબંધિત ભાષાઓ ગણી હતી. ૪૦ વર્ષ પછી તિરૂનેલવેલીના બિશપ રૉબર્ટ કાલ્ડવેલે દ્રાવિડ શબ્દનો એક પ્રદેશવિસ્તારને બદલે ભાષાકીય દૃષ્ટિકોણવાળો નવો પણ વિચિત્ર અર્થ ઘડ્યો. એનું પરોક્ષ પરિણામ એ આવ્યું કે : ભારતમાં આર્યોએ પોતાની સંસ્કૃતિ દ્રાવિડો પર લાદી દીધી એવી એક ખોટી માન્યતા જન્મી. મૅક્સમૂલર, રેનન, પિક્ટેટના મતાનુસાર ઇંડોયુરોપિયન ભાષા આર્યજાતિની ભાષા હતી. અને આ ભાષા બોલનારી જાતિએ યુરોપ અને ભારત પર મધ્યએશિયામાંથી આક્રમણ કરીને જે તે વિસ્તારની ભાષાઓને વિકસાવી.

૧૮૭૦માં જર્મન વિદ્વાનોની વિચારસરણી પ્રમાણે ઇંડોયુરોપિયનો ઇંડોજર્મન બન્યા . એમના માથા પર સોનેરી વાળ હતા અને તેઓ નીલી-ભૂરી આંખોવાળા હતા. અને તેઓના મૂળ વતનની પરિકલ્પના યુરોપ અને તેમાંય ખાસ કરીને જર્મની સુધી ગઈ. જર્મનીના સરમુખત્યાર હિટલરની સૌથી ચડિયાતા આર્યનજાતિવાદનું મૂળ આવિચારસરણીમાં છે અને એનાં કેવાં ભયંકર પરિણામો આવ્યાં એનો ઇતિહાસ સાક્ષી છે. ૧૯૨૦માં સિંધુખીણની સંસ્કૃતિના સંશોધન પછી એવી એક વિચિત્ર પરિકલ્પના પૂર્વગ્રહવાળા યુરોપિયન વિદ્વાનોએ ઘડી કાઢી કે આક્રમક આર્યોએ સિંધુખીણના મૂળ વાસી દ્રાવિડોને દક્ષિણમાં ધકેલી મૂક્યા.

૧૯૬૦-૮૦ દરમિયાન પુરાતત્ત્વવિદ જ્યૉર્જ એફ. ડૅય્‌લ્સ અને નૃવંશશાસ્ત્રી કે.એ.આર.કૅનેડી જેવા વિદ્વાનોએ સિંધુખીણની સંસ્કૃતિના મૂળવાસીઓના આર્યો દ્વારા થયેલા આ કાલ્પનિક હત્યાકાંડને નકારી કાઢ્યો છે અને આ વિચારસરણીનો તેમણે છેદ જ ઉડાડી દીધો. જિમ.જી. શૅફર નામના પુરાતત્ત્વવિદે આવા આર્યોના આક્રમણના કોઈ પણ પુરાવા સિંધુખીણના વિસ્તારની ભૂમિમાંથી સાંપડ્યા નથી તેવી વાત કરી. આ વાતને આજના ગણ્યમાન્ય પુરાતત્ત્વવિદોએ સમર્થન આપ્યું છે. આ જ સમયગાળા દરમિયાન ‘સરસ્વતી’ જેનો ઉલ્લેખ વેદોમાં વારંવાર થયો છે એવી સિંધુની પૂર્વે આવેલી અને તેની સમાંતર વહેતી સરસ્વતી નદીના પુનઃસંશોધનથી સિંધુખીણની સંસ્કૃતિ એ જ વૈદિકસંસ્કૃતિ હતી, એ વાત પ્રસ્થાપિત કરવાનો પ્રારંભ થયો. આ નવા સંશોધનના આધારે આપણે આપણા ભારતના ભવ્ય ઇતિહાસના પુનર્લેખનના કેવા પ્રયાસો ચાલે છે તેની ચર્ચા કરીશું.

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.