યુનિસેફના ફોરમ ફોર ચિલ્ડ્રન, આઈ.એમ.એ, ઇન્ડિયન ફોરમ ફોર વિમેન દ્વારા ચિન્મય મિશન હોલ, ન્યુ દિલ્હીમાં યોજાયેલ પુત્રીઓના જન્મ લેવાના અધિકારનું ભૃણહત્યા દ્વારા થતાં નિષ્ઠુર હનનને રોકવા માટે જનજાગરણ વિષયક ચર્ચાસભામાં  સ્વામી જિતાત્માનંદજીએ આપેલ પ્રવચનનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

નારીનાં અવમાનના, અસ્વીકાર અને તેના પરના અત્યાચારો, નહિ જન્મેલી સ્ત્રીઓ પરના ભૃણહત્યા દ્વારા થતા અત્યાચારો એ ભારતની એક અલ્પકાલીન ઘટના છે. તે લાંબો સમય ટકી શકે નહિ. આપણે સૌએ આનુવંશિકતાથી, સાંસ્કૃતિક રીતે અને પરંપરાગત રીતે સર્વ સ્ત્રીઓમાં રહેલા માતૃત્વને સન્માન આપવાની કેળવણી મેળવી છે. સીતારામ, ઉમાશંકર જેવા પરંપરાગત શબ્દો બતાવે છે કે આપણે પુરુષો કરતાં સ્ત્રીઓને અસાધારણ અને વિશિષ્ટ મહત્ત્વ આપીએ છીએ. આપણી માતૃભૂમિ માટે આપણે ‘વંદેમાતરમ્’ એમ ઉચ્ચારીએ છીએ અને નહિ કે ‘વંદેપિતરમ્’.

વૈદિકકાળથી માંડીને મનુના યુગ સુધી ગાર્ગી, મૈત્રેયી કે દેવીસૂક્તનાં રચયિતા યુવાકુમારી સંત વાક્દેવી જેવી સ્ત્રીઓને સન્માન આપવામાં આવતું હતું અને તત્કાલીન યુગના શ્રેષ્ઠ પુરુષો સમોવડી ગણવામાં આવતી હતી. ભગવાન મનુએ કહ્યું છે : 

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: ।
યત્ર એતાસ્તુ ન પૂજ્યન્તે તત્ર સર્વા અફલા ક્રિયા:॥

– જ્યાં સ્ત્રીઓને સન્માનવામાં આવે છે ત્યાં દેવોનો વાસ રહે છે અને જ્યાં એમનું સન્માન થતું નથી ત્યાં બધી ક્રિયાઓ અફળ જાય છે.

જ્યારે શ્રીરામકૃષ્ણે પોતાનાં પત્ની શ્રીસારદાદેવીની દિવ્યમાતા કાલીના રૂપે ષોડશીપૂજા કરી, તેમને માનવસમાજના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્થાપ્યાં અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વીર સંન્યાસીઓના આધ્યાત્મિક ગુરુમાતા તેમને બનાવ્યાં ત્યારે સ્ત્રી પ્રત્યેના સર્વોચ્ચ સન્માનની આ ભાવનાની પરાકાષ્ઠા આપણને જોવા મળી. જગતના ધર્મોના ઇતિહાસમાં આવું કદીયે બન્યું નથી. આવું કાર્ય ન તો ઈસુએ કર્યું કે ન કૃષ્ણે કે રામે. જ્યારે સમાજમાં સ્ત્રીઓ સર્વોચ્ચ આધ્યાત્મિકતાનો ઉપદેશ આપતી થાય એ મહાન કાર્યમાં સ્વામી વિવેકાનંદ એક નવયુગના ઉદયનાં એંધાણ જુએ છે. વળી સ્વામી વિવેકાનંદે ભવિષ્યવાણી ભાખી કે નાદાનિયતને છોડીને ગ્રીક લોકોનો સૌંદર્ય માટેનો પ્રેમ, ક્રૂરતાને છોડીને રોમન લોકોની શાસકીય અને કાયદાકીય પૂર્ણતા તેમજ અવ્યવહાર્યતાવિહોણી હિંદુઓની આધ્યાત્મિક પૂર્ણતાના સુભગ સમન્વય સાથે, આવતા યુગની નારીઓ માનવજાતની એક નવી પેઢી વિશ્વ સમક્ષ ધરશે. 

૧૯૫૦ના પૂર્વનાં વર્ષોમાં શ્રીમા સારદાદેવી અને સારદામઠના પ્રથમ પરમાધ્યક્ષા પ્રવ્રાજિકા ભારતીપ્રાણા સેંકડો નરનારીઓના આધ્યાત્મિક માર્ગદર્શકના રૂપે આવવાથી સ્વામીજીની આ ભવિષ્યવાણી આજે સાચી પડતી જાય છે. બી.બી.સી.ના વિશ્વમત દ્વારા આપણા નેતા શ્રીમતી ઈંદિરા ગાંધીને ગઈ સહસ્રાબ્દીનાં મહામહિલા તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. ડો. કિરણ બેદીના જેલ સુધારણાના ક્રાંતિકારી કાર્યક્રમોએ એને માત્ર મેગસેસે એવોર્ડ જ નથી અપાવ્યો, પરંતુ અમેરિકાના પ્રમુખની પ્રશંસાને પાત્ર તેઓ બન્યાં છે. વિદેશની ધરતી પર પણ ભારતીય સ્ત્રીઓ પોતાનો પ્રભાવ પાડી રહી છે. અમેરિકાની પ્રિમિયર સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નિસ્ટના અધ્યક્ષ સ્થાને ડો. આરતી પ્રભાકર રહ્યાં છે. બે સ્ત્રી વૈજ્ઞાનિકો ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યાં છે. આપણા દેશના આધ્યાત્મિક સ્ત્રી નેતાઓ ભારતમાં અને પશ્ચિમના જગતમાં ઘણો ઘેરો પ્રભાવ પાડે છે.

આજે આપણા નારી જગતને જરૂર છે – સંપૂર્ણ સ્વતંત્રતાની – આર્થિક, વિદ્યાકીય, સામાજિક અને એ બધાથી પણ વધુ આધ્યાત્મિક સ્વતંત્રતાની અને તે પણ પુરુષપ્રધાન સમાજ અને પુરુષ પરના જૂના આધારમાંથી સ્વાતંત્ર્યની. સ્ત્રી સ્વાતંત્ર્યનાં આ ચાર વિશિષ્ટ લક્ષણો સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતામાં બરાબર જોવા મળે છે, એમના જીવનમાં બૌદ્ધિક તાકાત, પશ્ચિમની કાર્યશીલતા અને હિંદુ આધ્યાત્મિક જીવનનું ઊંડાણ આપણને જોવા મળે છે. ભારતના ઘણા પ્રદેશોમાં છબિપૂજા અને મૂર્તિપૂજા દ્વારા ‘દેવીજાગરણ’નું અનુષ્ઠાન કરવામાં આવે છે. અને છતાંય નારીને પોતાના તાબામાં-કબજામાં લેવાના પ્રયાસો ચાલુ છે. સ્વામી વિવેકાનંદે નારી શક્તિ અને નારી મહિમા વિશે ભાખેલી વાણી પ્રમાણે ભારતના ઘરેઘરમાં સ્ત્રીઓને પૂરતું સન્માન અને આવશ્યક સહાય આપીને તેમનો સંપૂર્ણ વિકાસ કરવા માટે દેવીજાગરણનું કાર્ય કરવું એ આજના ભારતની તાતી આવશ્યકતા છે.

આ કાર્ય માટે આપણે પ્રાથમિક શિક્ષણના પ્રારંભથી માંડીને ઉચ્ચશિક્ષણના ઉચ્ચતમ સ્તર સુધી આ વિચારોને આપણા વિદ્યાકીય અભ્યાસક્રમમાં સમાવી દેવા જોઈએ. આજના આપણા કહેવાતા બિનસાંપ્રદાયિક શિક્ષણે આપણામાંના ઘણાને ઉપયોગિતાવાદના જંગલીપણા સુધી નીચે ઊતારી દીધા છે અને ઘણી રીતનાં સ્ત્રીઓનાં શોષણ ઊભાં કર્યાં છે. આજે સ્ત્રી પ્રત્યેના દૃષ્ટિકોણમાં પૂર્ણપણે ક્રાંતિકારી પરિવર્તન લાવનારા શિક્ષણની જરૂર છે. સમાજે આ જાણી લેવું પડશે કે એક માત્ર આવતીકાલની નારી જ સામાજિક, બૌદ્ધિક, આર્થિક કલ્યાણ દ્વારા કુટુંબનું, સમાજનું અને રાષ્ટ્રનું મહત્તમ કલ્યાણ લાવી શકશે. સાચી કેળવણી અને આધ્યાત્મિક સંસ્કૃતિના માધ્યમ દ્વારા દરેક સ્ત્રીમાં દિવ્ય માતૃત્વ જગાડીને સૌનું સાર્વત્રિક કલ્યાણ કરશે. સ્ત્રીઓના જન્મ પહેલાં કે પછીનાં બધાં અત્યાચારો અને શોષણ માત્ર કાયદા કે સરકારના પરિપત્રોથી અટકાવી શકાશે નહિ. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા સંદેશ પ્રમાણે અનંત શક્તિદાયિની દિવ્યમાતા અને દિવ્યજ્ઞાનદાયિની માતાના જેવી સન્માન ભાવના દરેક સ્ત્રીમાં દાખવવાની આજે આવશ્યકતા છે. એટલું જ નહિ પણ સ્ત્રીઓને આવતીકાલના સમાજને ઘડનારી અને ભવ્યોન્નત બનાવવી એ આજના યુગની તાતી આવશ્યકતા છે.

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.