આજના યુગમાં, પોતાના ગુરુવર્ય શ્રીરામકૃષ્ણને અનુસરીને, સમકાલીન વિશ્વસંસ્કૃતિના ત્રાતા તરીકે સ્વામી વિવેકાનંદનું આગમન થયું છે. એમનો પોતાનો હિંદુધર્મ ૧૦૦૦ વર્ષોના વિદેશી આધિપત્ય હેઠળ ઐતિહાસિક કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે, જગત્રાતા અને જગવિજેતા વૈશ્વિક ધર્મની ખોજની યાત્રા એમણે માંડી. વિવેકાનંદના જીવનના આરંભના કાળમાં હિંદુધર્મ સેંકડો ફાંટાઓમાં વહેંચાઈ ગયો હતો અને દરેક ફાંટો બીજાથી નોખો પડતો હતો. હિંદધર્મમાં અગત્યનું સ્થાન પુરોહિતોએ લીધું ને એમણે, વિશિષ્ટ વંશીય શ્રેષ્ઠતા અને અધિકારને નામે ભારતીય જનોમાં જ્ઞાતિભેદો ઊભા કર્યા અને, સ્ત્રીઓના તથા સર્વ જાતિસંપ્રદાયના આમલોકોના શોષણથી સામાજિક અધ:પતન આણ્યું. સાથોસાથ, ભારતના ભણેલા બૌદ્ધિકો પાશ્ચાત્ય સંસ્કૃતિની પ્રબળ અસર હેઠળ આવી ગયા. બ્રિટિશ ભારતના પાટનગર કલકત્તાએ અભૂતપૂર્વ દૃશ્યો જોયાં; કલકત્તાની પ્રેસિડન્સી કોલેજના ચારસોમાંથી અર્ધા જેટલા બુદ્ધિશાળી અને સંસ્કારી વિદ્યાર્થીઓએ ડેરોઝિયોની સુધારાવાદી અસર હેઠળ ખ્રિસ્તીધર્મ અંગીકાર કર્યો! હિંદુઓનું વધતું જતું યુરોપીકરણ જોઈને મેકોલેએ ૧૮૩૬માં ફરી લખ્યું હતું કે, ‘ત્રીસ વર્ષના ગાળા પછી ભદ્ર લોકોમાં એક પણ મૂર્તિપૂજક રહેશે નહિ.’ ૧૮૩૬ના એ જ વર્ષમાં શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા અને સાઠ વર્ષોમાં સ્વામી વિવેકાનંદના પ્રાદુર્ભાવ સાથે ભારતની પુનર્જાગ્રતિ આવી; એટલેંટિકની બંને બાજુએ સ્વામીજીએ શ્રીરામકૃષ્ણના વૈશ્વિક સંદેશને પ્રબોધ્યો અને, ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો,’ એ ઘોષણાએ ભારતમાં નવચેતના પૂરી. વિવેકાનંદે ઘોષિત કર્યું કે, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ અને વ્યવહારુ વેદાંત દ્વારા જગત જીતવાનું ધ્યેય છે.

શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં, ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મીએ સ્વામીજીએ ઘોષણા કરી કે, ‘આજે સવારે જે ઘંટનાદ થયો છે તે, સકલ ધર્માન્ધતા, દ્વેષબુદ્ધિ અને ઝનૂનનો મૃત્યુઘંટ થશે.’ ભાગ્ય જોગે, ૨૦૦૧ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે જ, વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે મિનારાનો આશરે પાંચ હજાર માણસો સાથે ધ્વંશ થયો તે ધર્માન્ધતાની વિનાશી વૃત્તિ વડે જ. બીજાના ધર્મો પ્રત્યે માત્ર સહિષ્ણુતા જ દાખવવી તેટલું બસ નથી પણ, એક જ ઈશ્વરને પામવાના સમાન સત્ય માર્ગ તરીકે તેમનો સ્વીકાર કરવો એ વાત, ભારતીય દર્શન આધારિત પોતાની અનુભૂતિ વડે ઘોષિત કરી, ઝડપથી છૂટા પડતા જગતના ધર્મપંથોના રક્ષણાર્થે વિવેકાનંદનું આગમન થયું હતું. એમના ગુરુ શ્રીરામકૃષ્ણે હિંદુ સાધનાના વિવિધ પંથો અનુસાર સાધના કરી હતી. એટલું જ નહિ પણ ઇસ્લામના સૂફી પંથ અનુસાર સાધના કરી અલ્લાહની અદ્‌ભુત ઝાંખી કરી હતી અને ક્રાઈસ્ટ અને મેડોનાનાં ધ્યાનભક્તિ દ્વારા ક્રાઈસ્ટનું દર્શન પણ કર્યું હતું. ઈશ્વરના જીવંત સંદેશ માટે બધા ધર્મોના લોકોનાં ટોળાં રોજ તેમની પાસે આવતાં અને, શ્રીરામકૃષ્ણનું જીવન ‘ધર્મપરિષદ’ બની ગયું. પોતાના ગુરુની જેમ વિવેકાનંદે પણ ચર્ચમાં અને મસ્જિદમાં જઈ બંદગી કરી હતી. એમના અનુયાયીઓ પાછલાં સો વર્ષોથી શ્રીરામકૃષ્ણ મંદિરોમાં નાતાલ, ઈદ, ગુરુનાનકનો જન્મદિવસ, બુદ્ધજયંતી અને મહાવીર જયંતીના તહેવારો ઉજવે છે. પોતાનાં દેવળોમાં અને મસ્જિદોમાં અહિંદુઓ બીજા ધર્મના ઉત્સવો ઉજવવાનું ક્યારે શીખશે? શાંતિ એકપક્ષી હોઈ શકે નહિ. બધા પક્ષોએ તેનો સ્વીકાર કરવો જોઈએ.

શિકાગોની વિશ્વધર્મ પરિષદનું આયોજન કેટલાક લોકોએ ખ્રિસ્તી ધર્મની વિજયપતાકા ફરકાવવાના આશયથી કર્યું હતું તે, વિરોધાભાસી રીતે, વિવેકાનંદના અને એમણે પ્રબોધેલા વૈશ્વિક હિંદુધર્મના જ્વલંત વિજયમાં ફેરવાઈ ગયું. સ્વામીજીના મુખેથી ઝરતો શબ્દ એમના ગુરુનો હતો. ‘સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા’, એ પાંચ શબ્દો એમને મુખેથી પ્રથમ સર્યા ત્યારે, સાત હજાર પ્રતિનિધિઓએ પ્રચંડ તાળીનો ગડગડાટ કર્યો હતો. ભયંકર ધર્મસંઘર્ષ અને ખૂનરેજીથી પીંખાયેલા આજના જગત માટે યુગધર્મનો સંદેશ આપી વિવેકાનંદે પોતાનું પ્રથમ પ્રવચન પૂરું કરતાં કહ્યું હતું: ‘દરેક ધર્મના ધ્વજ ઉપર સત્ત્વરે આ પ્રમાણે લખાશે: ‘સહાય; પરસ્પર વેર નહિ.’ ‘સમન્વય; વિનાશ નહિ.’ ‘સંવાદીતા અને શાંતિ; કલહ નહિ.’ એ ધર્મપરિષદ પછી, ૧૮૯૩ની પાંચમી ઓક્ટોબરે ‘ફ્રી પ્રેસે’ લખ્યું હતું: ‘વિવેકાનંદ બ્રાહ્મણ નથી, બૌદ્ધ નથી, પારસી નથી, મુસલમાન નથી. એ સૌમાં જે ઉત્તમ છે તેનું પ્રતિનિધિત્વ કરતા એમને કહી શકાય. વૈશ્વિક સત્યની અથવા, સર્વ સત્યના સંધાનની વાત એ કરે છે.’

શ્રીમતી જોન હેન્રી રાઈટ વિશ્વધર્મ પરિષદ પહેલાં જ વિવેકાનંદને મળ્યાં હતાં, પોતાના ગ્રીકોરોમન દેહ વડે અને વિસ્મયકારક મેધા વડે એ સમયના કેટલાક ઉત્તમ પાશ્ચાત્યોનું લક્ષ દોરનાર પોતાના આ અતિથિ વિશે એ બાનુએ લખ્યું છે :

‘એમની ગરદન અને એમનું ખૂલ્લું માથું જે કોઈ જોતું તે થંભી જઈ એમની સામે જોવા લાગે તેવો, આદરભાવ પેદા કરે તેવી ગૌરવશાળી અને પ્રભાવક તેમની ચાલ હતી; જેણે જીવનમાં ઉતાવળ જાણી જ ન હોય તેની અદાથી એ ધીમે ધીમે ચાલતા.’ શ્રીમતી મેરી ફંકેએ લખ્યું છે: ‘હજી પણ હું એમને (ડેટ્રોઈટમાં) વ્યાસપીઠ પર ચડતા જોઈ શકું છું, રાજા જેવી ભવ્ય, ચેતનાસભર, બલિષ્ઠ, સત્તાશીલમૂર્તિ.’

પણ, તેજવર્તુળની માફક એમને વળગી રહેલી અનંતની જે આભા હતી તે ઘણી વધારે પ્રભાવક હતી. ‘એમના સૌંદર્યમાં કશુંક અપાર્થિવ હતું,’ એમ શ્રીમતી ફંકેએ પછીથી લખ્યું હતું. સ્વામીજીના આધ્યાત્મિક સૌંદર્યે શ્રીમતી રાઈટને લખવા પ્રેર્યા હતાં કે, ‘સમયની દૃષ્ટિએ ત્રીસ વર્ષના હતા. સંસ્કૃતિની દૃષ્ટિએ યુગોના.’ વિવેકાનંદને ૧૯૦૦માં સાંભળનાર કેલિફોર્નિયાવાસીઓએ લખ્યું હતું :

‘અનેક સદીઓમાં આ પૃથ્વી પર આવનાર મહાત્માઓમાંના એ એક હતા. પોતાના ગુરુનો, કૃષ્ણનો, બુદ્ધનો અને અન્ય સર્વ મહાન વિભૂતિઓનો અવતાર (એ હતા).. એમની ભવ્ય પ્રતિભાની તોલે આવી શકે એવું કોઈ ન હતું… એમની વિરાટ મેધાની તુલનાએ તેઓ (યુનિ. પ્રાધ્યાપકો) માત્ર બાળકો હતા.. આ મહાન હિંદુ આંધીએ જગતને ખળભળાવી નાખ્યું છે.’

શ્રીરામકૃષ્ણે વેદાંતને જે રીતે જીવી ને આચરી બતાવ્યું હતું તે માનવીની તાત્ત્વિક દિવ્યતાનો મુખ્ય સંદેશ પશ્ચિમને પહેલી વાર વિવેકાનંદે આપ્યો.

‘પ્રત્યેક આત્મા દિવ્યતાની શક્તિ ધરાવે છે. બાહ્ય અને આંતરપ્રકૃતિને નિયમનમાં રાખીને, એ દિવ્યતાને પોતાની ભીતર આવિષ્કૃત કરવી તે ધ્યેય છે. તમે એ કર્મ દ્વારા કરો કે ભક્તિથી કરો, ચિત્તનિરોધથી કરો કે જ્ઞાન વડે કરો, આમાંના એક કે, વધારે કે, સઘળા માર્ગે કરો અને મુક્ત બનો. બધો ધર્મ આમાં આવી જાય છે. મતો કે વાદો કે, કર્મકાંડો કે પોથીઓ કે મંદિરો કે સ્વરૂપો સર્વ ગૌણ બાબતો છે.’

પાશ્ચાત્ય જગતના ધ્યાન પર સ્વામીજી એ વાત લાવ્યા કે ધર્મ એ વાતો નથી, મતમાં કે કર્મકાંડમાં શ્રદ્ધા નથી. ઈશ્વરનો સાક્ષાત્કાર ધર્મ છે. ધર્મ એ સંભૂતિ અને અસંભૂતિ છે. એ આત્માનુભૂતિ છે.

કેલિફોર્નિયામાં જગતને એમણે વેદાંતનો વીર્યશાળી સંદેશ આપ્યો હતો :

‘ઈસુને કે મહમ્મદને અનુસરવું એ ધર્મ નથી… નકલ ન બનો પણ, ઈસુ બનો! ઈસુના, બુદ્ધના કે અન્ય કોઈના જેટલા જ તમે મહાન છો. આપણે તેવા ન હોઈએ તો, તેવા થવા માટે આપણે મથવું જોઈએ. તમારી જાતમાં શ્રદ્ધા રાખો. (સ્વા.વિ.સેકન્ડ વિઝિટ ટુ ધ વેસ્ટ : મે.લુ.બર્ક, પૃ.૩૭૦)

દિવ્યતા તરફ માનવ ઉત્ક્રાંતિના ભારતીય દર્શનને એમણે આગળ ધર્યું હતું. જીવનનો આદર્શ છે ઇન્દ્રિયોના આકર્ષણથી મુક્તિ. ભીતરની દિવ્યતાનો પૂર્ણ આવિષ્કાર. જીવનની બધી પ્રવૃત્તિઓ, મોજમજા પાછળની, પૈસા પાછળની બધી દોડોનો અંત આત્મસાક્ષાત્કારમાં આવવો જોઈએ. ધર્મ, અર્થ અને કામની પૂર્ણાહુતિ મોક્ષમાં થવી જોઈએ. હાર્વર્ડ ગ્રેજ્યુએટ ફિલોસોફિક્સ સોસાયટીમાં, આ ભારતીય ભાવના સાથે, તેમણે સંસ્કૃતિને, ‘મનુષ્યની આંતરિક દિવ્યતાના આવિષ્કાર’ તરીકે વ્યાખ્યાયિત કરી હતી. ભોગપ્રધાન સંસ્કૃતિ મનુષ્યને એરિસ્ટોટલની માન્યતા મુજબનાં ‘રાજકીય પ્રાણી’ તરીકે કે, બેન્જામિન ફ્રેન્કલિનની વ્યાખ્યા અનુસારના ‘સાધન બનાવતા પ્રાણી’ની કક્ષાએ ઉતારી પતન તરફ લઈ જાય છે. ‘પશુ માનવને એના ઇન્દ્રિયમય જીવનની કક્ષાએથી ઉપર લઈ જવાની શક્તિ તે સંસ્કૃતિ’ એમ વિવેકાનંદે કહ્યું છે.

સ્ત્રીને માત્ર ભોગસાધન માનતી આ ઇન્દ્રિયપ્રધાન સભ્યતાને વિવેકાનંદે એક નવું પરિમાણ આપ્યું હતું. એ હતું સ્ત્રીઓમાં દિવ્ય જગજ્જનની સ્વરૂપના આદરની જાગ્રતિનું અને, એમના સામાજિક નેતૃત્વમાં તથા સમાજના પ્રબુદ્ધ આધ્યાત્મિક ગુરુઓમાં, પરિણમતું એ હતું. કેલિફોર્નિયામાં ૧૯૦૦માં આપેલા ‘વિમેન ઓફ ઇન્ડિયા’ (ભારતની મહિલાઓ) વિષય પરના પોતાના પ્રવચનમાં વિવેકાનંદે ભાખ્યું હતું કે, નવી પેઢી ભાવિની નવી સંસ્કૃતિનું સર્જન કરશે ને તે એવી હશે કે તેમાં બાલિશતા અને અનીતિ સિવાયની ગ્રીક સૌંદર્ય ભાવના હશે, જંગલીપણા વિનાની રોમન વ્યવસ્થાશક્તિ હશે અને, વ્યવસ્થા તથા કર્મ માટેનાં બધાં તત્ત્વો સાથેની ભારતીય આધ્યાત્મિકતા હશે. અને પૂર્ણાહુતિ કરતાં વિવેકાનંદ બોલ્યા હતા કે, ‘ને મને કહેવા દો કે આ કાર્ય મહિલાઓએ કરવું જોઈએ.’

વિવેકાનંદની અમેરિકન શિષ્યા સિસ્ટર ક્રિસ્ટાઈનને પોતાના ગુરુ પાસેથી ભાવિની આદર્શ મહિલાનું દર્શન સાંપડ્યું હતું. શારીરિક દૃષ્ટિએ સુદૃઢ, બૌદ્ધિક દૃષ્ટિએ ધારદાર, સામાજિક દૃષ્ટિએ ગતિશીલ અને સૌથી વિશેષે તો, આધ્યાત્મિક દૃષ્ટિએ મહાન મહિલાઓ. વિવેકાનંદના દર્શનને અને શબ્દોને અનુસરવામાં આવે તો, મધ્યકાલીન એકાંતવાસમાં અને, રૂઢિવાદી સમાજોની મર્યાદામાં ગોંધાઈ રહેવાને બદલે, આવતીકાલની નારીઓ વિશ્વનેત્રીઓ તરીકે બહાર પડશે.

આ આર્ષદર્શનો આજે સાચાં પડવા લાગ્યાં છે. બુદ્ધના સમય પછીનો પ્રથમ સાધ્વીસંઘ શારદામઠ વિવેકાનંદની પ્રેરણાથી ઉદ્‌ભવ્યો છે અને ભારતની પ્રબુદ્ધ પ્રવ્રાજિકાઓ સમગ્ર જગતમાં ભારતનો ત્રાતાસંદેશ ફેલાવી રહેલ છે.

એથી તો, શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી, વિવેકાનંદે અને એમના ગુરુભાઈઓએ સ્ત્રીઓના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે શ્રીશારદાદેવીના નેતૃત્વ હેઠળ સૌ પ્રથમ કલકત્તામાં એક કેન્દ્ર સ્થાપ્યું, ‘પૂજ્ય શ્રી શારદાદેવીને શ્રીરામકૃષ્ણ જગજ્જનની તરીકે પૂજતા હતા અને વિવેકાનંદ જેવાઓને બોધ આપવાની જવાબદારી પણ એમને સોંપી હતી. શારદાદેવીથી પ્રેરાઈને, બંગાળની બાલિકાઓને અને બાલવિધવાઓને આત્મનિર્ભરતા, સ્વમાન અને સામાજિક અગત્યના જીવન માટે કેળવણી આપવાને, વિવેકાનંદ આઈરિશ સિંહણ ભગિની નિવેદિતાને તથા અમેરિકન શિષ્યા સિસ્ટર ક્રિસ્ટાઈનને ભારત લાવ્યા. પોતાના ગુરુની કૃપાથી, આખરે, નારી નિવેદિતા, પોતાની પ્રચંડ મેધા, ત્યાગમય જિંદગી, આધ્યાત્મિક શુચિતા અને દૈવી વાગ્શક્તિ સાથે, સમર્થ રાષ્ટ્રિય નેત્રી તરીકે બહાર આવ્યાં અને, પુનર્જાગ્રત ભારતમાતાના મૂર્તિમંત સ્વરૂપે શ્રીઅરવિંદ, ટિળક કે ટાગોર જેવા નેતાઓને એમણે પ્રેરણા આપી. વહીવટ કરનાર તરીકે, વૈજ્ઞાનિકો, સમાજિક તંત્રીઓ તરીકે, લેખિકાઓ, કલાકારો અને સાંસ્કૃતિ રાજદૂતો તરીકે પ્રતિભાશાળી મહિલા તંત્રીઓ પોતાની સેવાનો લાભ આપી વિવેકાનંદના સ્વપ્નને સાચું પાડી રહી છે. વિવેકાનંદે આ ૧૮૯૦માં સિદ્ધ કર્યું હતું ત્યારે, આજે ૨૦૦૧માં પણ, ઈસ્લામી રૂઢિવાદીઓ સ્ત્રીઓને મધ્યયુગી પડદા પાછળ ધકેલી રહ્યા છે અને, સ્ત્રીઓ ધર્મગુરુઓ બની શકે કે નહિ એ વિશે ખ્રિસ્તી ચર્ચ હજી અવઢવમાં છે.

અર્વાચીન વિજ્ઞાનનો પડકાર ઝીલી શકે એવો એકમાત્ર ધર્મ અદ્વૈત વેદાંત છે એમ વિવેકાનંદે ભાખ્યું હતું. અને પોતાનાં જ્ઞાનયોગ અને રાજયોગ પરનાં પ્રવચનોમાં અદ્વૈત વેદાંતનું અર્વાચીન વૈજ્ઞાનિક પરિભાષામાં અર્થઘટન કરવા એટલેંટિકની બેઉ બાજુએ તેમણે સેંકડો વિવિધ રીતોએ મથામણ કરી હતી. ત્યાર બાદ ત્રીસ વર્ષ પછી, નોબલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી અર્વિન સ્ક્રોડિન્જરે પોતાનાં બે પુસ્તકો, ‘માઈન્ડ એન્ડ મેટર’ અને ‘માઈ વ્યુ ઓફ લાઈફ’માં સ્વીકાર્યું હતું કે અર્વાચીન ભૌતિકશાસ્ત્રમાંના ચેતનાના પ્રશ્નનો એક માત્ર ઉકેલ આત્મા = બ્રહ્મ એ પ્રાચીન વેદાંતી સમીકરણમાં જ સાંપડે છે. સાન્તમાં અનંત સમાવિષ્ટ છે અથવા, વ્યષ્ટિમાં સમષ્ટિ સમાવિષ્ટ છે. અદ્વૈત વેદાંતનો એ પાયો છે. અર્વાચીન ભૌતિકશાસ્ત્ર અને પ્રાચીન હિંદુ વેદાંતમાંથી ઉદ્‌ભવતું આત્મા = બ્રહ્મ એ સમીકરણ કણ ભૌતિકશાસ્ત્ર (Particle Physics)ના સૌથી વધારે વેચાણ ધરાવતા, ભૌતિકશાસ્ત્રી ફિટ્‌યોફ કેપ્રાએ લખેલા પુસ્તક ‘ધ તાઓ ઓફ ફિઝિક્સ’નું પણ તારણ છે. પિંડમાં બ્રહ્માંડ, ચૈતન્યની એકતા, અને મન તથા પદાર્થનો તેમજ પદાર્થપદાર્થ વચ્ચેનો આંતરસંબંધ જેવાં વેદાંત ફિલસૂફીનાં પાયાનાં સત્યો હેઝનબર્ગની અનિર્ણીયતાના સિદ્ધાંત (uncertainty principle)ની, મેક્સ બોર્નના સંભવિતતા તરંગ (Probability wave)ની, મગજથી પરના તત્ત્વ તરીકે સરજોન એક્લેસની ચૈતન્યની શોધની અને, સૌથી અગત્યની, વિશ્વમાં આંતરસંબંધને લગતી ડેવિડ બોહ્‌મ અને એલેન એસ્પેક્ટની બેલના થિયોરેમની યુગવર્તી શોધોએ સત્ય પુરવાર કરેલ છે.

ગરીબાઈ અને વહેમના આઘાતોથી ગ્રસ્ત આમ- પ્રજાના ઉદ્ધાર માટે ભારતમાં વેદાંત અને અધ્યાત્મની સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજી આણવાનું વિવેકાનંદનું સ્વપ્ન હતું. ખેતડીના મહારાજાને તથા પોતાના બીજા ભારતીય શિષ્યોને, ભારતના કલ્યાણાર્થે વિજ્ઞાન અને ટેક્નોલોજી શીખવા તેમણે પ્રેરણા આપી હતી. યોકોહામાથી વાનકુવર જતી વખતે આગબોટમાં સ્વામીજી સાથે જમશેદજી તાતા સાથે હતા તેમણે આ વિષય બાબત સ્વામીજી સાથે રસપ્રદ વાતો કરી હશે. તાતાનો પ્રતિભાવ ૧૮૯૮માં આવ્યો, ભારતમાં પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા શરૂ કરવા એમણે વિવેકાનંદને ત્રીસ લાખ રૂપિયા આપવા તત્પરતા બતાવી. વેદાંતના ‘સાધુમય’ વાતાવરણમાં એ સંશોધન સંસ્થાની સ્થાપના કરવી અને, પોતાના સાધુભાઈઓ સાથે વિવેકાનંદ એના નિયામક બને તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો.

માનવીઓમાં આવિષ્કૃત થતા અંતરસ્થ ભગવાનની પૂજા એ જ સેવા એમ પોતાના લંડનના વર્ગોમાં વિવેકાનંદે આપેલી સમજ તે એમનું બીજું મહત્ત્વનું યોગદાન હતું. ‘જીવો પ્રત્યે દયા’ની વૈષ્ણવ ભાવનાની અવગણના કરનાર પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણમાં વિવેકાનંદને યુગપ્રવર્તકનું દર્શન થયું હતું. ‘જીવો પ્રત્યે દયા?’ શ્રીરામકૃષ્ણે પ્રશ્ન કર્યો હતો. ‘જીવ માત્રમાં શિવ વસે છે તેની પ્રત્યે દયા દેખાડવી તે પાખંડ નથી?’ ભક્તોને શ્રીરામકૃષ્ણે સમજાવ્યું કે સેવાનો નવો વિચાર ‘શિવજ્ઞાને જીવસેવા’ હોવો જોઈએ.

વિવેકાનંદે પ્રબોધેલો શ્રીરામકૃષ્ણનો દાસ-નેતૃત્વનો મહાન વિચાર નેતૃત્વની રક્ષક ફિલસૂફી તરીકે જગતમાં ઉપસી રહ્યો છે. ઉચ્ચતમ બુદ્ધિ અધ્યાત્મ બુદ્ધિ છે એમ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી દાના જોહાર પોતાના પુસ્તક SQ(અધ્યાત્મ બુદ્ધિ, મૂલાધાર બુદ્ધિ)માં પુરવાર કરે છે. વિવેકાનંદ વિશે એ લખે છે: ‘‘ઓગણીસમી સદીના મહાન વેદાંત દાર્શનિક વિવેકાનંદે કહ્યું છે કે, ‘આ જગત એક વ્યાયામશાળા છે જેમાં આત્મા વ્યાયામ કરી રહ્યો છે.’ મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશિપના વિચારને પ્રેરનારાઓમાંના એક વિવેકાનંદ હતા, દાસ-નેતાનું દર્શન એમનું નિજી હતું..’’

છ વર્ષના લાંબા પરિભ્રમણ પછી, વિવેકાનંદ દક્ષિણ ભારતના અંતભાગે પહોંચ્યા. કન્યાકુમારીમાં તરીને એ છેલ્લા ખડક પર ગયા અને ધ્યાનમગ્ન થઈ ગયા – એ ધ્યાન પોતાની જાતની મુક્તિ કે પોતાના નિર્વાણને માટે ન હતું પણ ભારતનાં કરોડો ભૂખ્યાં જનોનાં આંસુઓ અને દુ:ખો પર હતું. પશ્ચિમમાં જઈ પોતાના દેશ માટે સહાય મેળવી, પાર્થિવ રીતે તેમજ આધ્યાત્મિક રીતે તેનો ઉદ્ધાર કરવા, કરોડો ભૂખ્યાંઓને ઉગારવાનો એમણે નિર્ણય કર્યો. વૈયક્તિ મુક્તિના સાધુજીવનની ભારતીય માન્યતામાંથી ભારતના પતિતોના ઉદ્ધારમાંનું ઐતિહાસિક પરિવર્તન આણનાર રામકૃષ્ણ સંઘના સાધુઓની નવીપેઢીનું દર્શન એમને આખરે ત્યાં લાધ્યું.

ગંગાતટે બેલુરમાં પોતાના ગરુનું નામ ધારણ કરતા રામકૃષ્ણ મઠની સ્થાપના વિવેકાનંદે કરી. જગતભરમાં સર્વત્ર શ્રીરામકૃષ્ણનો સંદેશ પ્રબોધવા અને પ્રચારવા તેમણે ૧૮૯૭ની ૧લી મેએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ભારતનો એ પ્રથમ બે પાંખળો ધાર્મિક સંઘ હતો : આધ્યાત્મિક ઉન્નતિને અનુલક્ષીને એક પાંખ ઉપર તરફ મંડાયેલી હતી અને, આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રબુદ્ધ એ જ આત્માઓના ત્યાગ દ્વારા માનવપીડા દૂર કરવા માટે માનવવેદનાની ખીણ તરફ એની બીજી પાંખ મંડાયેલી હતી. આ નવા અભિગમ સાથેનો મિશનનો મુદ્રાલેખ છે: आत्मनो मोक्षार्थं जगत् हिताय च । (પોતાની મુક્તિ માટે તેમજ જગતના હિત માટે).

સને ૧૯૦૨ના જુલાઈની ૪થી તારીખે, પોતાના જીવનના અંતિમ દિવસે, જે નિકેતનનું ગીત પોતાના ગુરુને પોતે પ્રથમ વાર મળ્યા ત્યારે સંભળાવ્યું હતું તે સંતોના સનાતન ધામે એ સમાધિ દ્વારા પહોંચી ગયા. બીજે દિવસે, જયઘોષો સાથે એમના પાર્થિવ દેહને ચિતા પર ચડાવ્યો હતો. ૧૯૦૨ની ૫મી જુલાઈએ, ચિતા પરની જે અગ્નિશિખાઓએ એ પાર્થિવદેહને પોતાની જ્વાલાઓથી ભસ્મીભૂત કર્યો તે જ જ્વાલાઓમાંથી રાષ્ટ્રિય સ્વાતંત્ર્ય સંગ્રામનો અગ્નિ પ્રગટી ઊઠ્યો.

પશ્ચિમની પોતાની વિજયયાત્રા પછી, વિવેકાનંદના રણનાદે નતમસ્તક ભારતીયોમાં રાષ્ટ્રગૌરવ અને શ્રદ્ધા જાગ્રત કર્યા : ‘જન્મ ધારણ કરનાર સૌથી વધારે ગૌરવશીલ માનવીઓમાંનો હું એક છું પણ તે, મારે તમને સાફ કહેવું જોઈએ કે તે મારે લીધે નહિ પણ મારા પૂર્વજોને લીધે.’ કલકત્તામાં એમણે ભાવિ વિજયનું દર્શન પ્રગટ કર્યું : ‘ભારતે જગત પર વિજય મેળવવો જોઈએ અને એથી કંઈ ઓછું મને ખપતું નથી.’ લાહોરમાં ભારતની આગેકૂચનો સિંહનાદ એમણે ગજવ્યો : ‘ઊઠો! જાગો! અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’ ‘લેઝેરસ, ઊભો થા,’ એ ક્રાઈસ્ટને બોલે મૃત લેઝેરસ ઊભો થયો હતો તેમ, નવજાગ્રત રાષ્ટ્ર ખડું થઈ ગયું.

એક ભારતીય ઇતિહાસકારે નોંધ્યા પ્રમાણે, ‘પાંચ વર્ષના ગાળામાં, ભારતીય યુવાનોને વિવેકાનંદે એટલી હદે પ્રેર્યા કે, ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષમાં યુવા આંદોલનો મુખ્ય આંદોલન બની રહ્યાં. એક અન્ય ક્રાંતિકારીએ જણાવ્યા પ્રમાણે, ‘સ્વામીજીની ‘લડાયક સાધુ’ની મુખમુદ્રાએ અમને પ્રેરણા આપી હતી.’ એક હાથમાં સ્વામીજીનો નરનારાયણ સેવાનો સંદેશ લઈને અને, બીજામાં ભારતની મુક્તિ માટે જીવનનું બલિદાન લઈને પોતે નીકળી પડ્યા હતા એમ ક્રાંતિકારીઓએ એકરાર કર્યો હતો. બાઘા જતીન (વાઘને મારનાર જતીન) તરીકે લોકપ્રિય બનનાર જતીન્દ્રનાથ મુખોપાધ્યાય ૧૮-૧૯ વર્ષની વયે સ્વામીજીને મળ્યા હતા અને, એ પયગંબરની આગમાં લપેટાઈ, બ્રિટિશરો સામેથી સશસ્ત્ર અથડામણમાં શહીદ થનાર યુવાનોમાંના પહેલા હતા. કલકત્તાની પ્રેસિડન્સી કોલેજની એક યુવાન વિદ્યાર્થીની પ્રીતિલતા ઓડેદાર વિવેકાનંદની પૃથ્વી પરની વિદાય પછી એમના પ્રેમમાં પડી અને, ચટ્ટગ્રામના બ્રિટિશ શસ્ત્રાગાર પરની ધાડનું એણે નેતૃત્વ લીધું; બ્રિટિશરો એને પકડી પાડે તે પહેલાં વિષપાન કરી એણે પોતાના જીવનનો અંત આણ્યો હતો. પયગંબરની પ્રેરકવાણીએ પ્રેરાઈને આવાં સેંકડો યુવાનો જેલ ગયા હતા અને સેંકડો ફાંસીને માંચડે ચડ્યા હતા. રાષ્ટ્રિય આંદોલનને પ્રેરનાર અને કેટલીક વાર દોરવણી આપનાર ભગિની નિવેદિતાએ લખ્યું છે :

‘એ (સ્વામીજી) જન્મજાત પ્રેમી હતા અને એમની પ્રીતિની સામ્રાજ્ઞી એમની જન્મભૂમિ હતી… એ ભૂમિ પરનું એક ડૂસકું પણ એમના હૃદયમાં પ્રતિભાવ જન્માવ્યા વગર શમતું નહિ. ભયનો સાદ, નિર્બળતાનો કંપ, માનખંડનથી સંકોચ જેવું કશું એમને અજાણ કે એમની સમજ બહાર ન હતું.’

જગતના આધ્યાત્મિક નેતા તરીકે પુનર્જાગ્રત ભારતના દર્શનની આર્ષવાણી વિવેકાનંદે ફરી ફરી ભાખી હતી. ‘મહાન સમ્રાટ અશોકે પોતાના જીવનકાળમાં જે સિદ્ધિ મેળવી હતી તેના જેવું અધ્યાત્મના પૂરથી સુગ્રથિત ભારતનું એ દર્શન હતું,’ એમ વિવેકાનંદે ઘોષિત કર્યું હતું. યુગ-પ્રવર્તકની માફક એમણે કહ્યું હતું કે, ‘ભારતનું ઉત્થાન થશે તે દેહબળે નહિ પણ, આત્મબળે; વિનાશક ધ્વજ વડે નહિ પણ, શાંતિ અને પ્રેમના ધ્વજ વડે, સંન્યાસીના અંચળા વડે; સમૃદ્ધિને જોરે નહિ પણ, ભીક્ષાપાત્રની શક્તિને જોરે. તમે નિર્બળ છો એમ ના બોલો, આત્મા સર્વશક્તિમાન છે.’

પ્રથમ વિશ્વયુદ્ધને અંતે, યુરોપીય શાંતિવાદી અને નોબલ પારિતોષિક વિજેતા લેખક રોમાં રોલાં યુદ્ધમાંથી માર્ગ કાઢવા મથતા હતા ત્યારે શેક્સપિયરમાં, ગોથમાં કે ગિબતમાં એમને માર્ગ સાંપડ્યો નહિ; શ્રીરામકૃષ્ણના જીવનની અને સંદેશની એમને જાણ થતાં, ‘ખોવાઈ ગયેલી સીડી’ની ચાવી એમને આખરે લાધી. એ જ રીતે, બીજા વિશ્વયુદ્ધ પછી, ધર્મોની સંવાદિતાના શ્રીરામકૃષ્ણના વ્યવહારની જાણ ન થઈ ત્યાં સુધી, આર્નોલ્ડ ટોયન્બીને કશો માર્ગ લાધ્યો ન હતો – એ માર્ગને એમણે ‘ભારતીય માર્ગ’નું નામ આપ્યું; રૂઢિવાદી વિનાશકતાના વેરદ્વેષના વેગથી એક બીજાનું ગળું કાપવાની નિકટ આવી ઊભેલી માનવજાત માટે જીવંત રહેવાનો એ જ ખાતરીલાયક માર્ગ એમને લાધ્યો હતો. (લંડન : સ્વામી ઘનાનંદકૃત : ‘લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ’ની પ્રસ્તાવના) પોતાના ગુરુના બીજા અંગ જેવા વિવેકાનંદ શ્રીરામકૃષ્ણનો નવો અવતાર હતા; પોતાની ગ્રીકોરોમન દેહયષ્ટિ, પ્રચંડ મેધા અને પાશ્ચાત્ય ગતિશીલતાથી શોભતા, એમણે જાતે જ કહ્યા પ્રમાણે પોતે ‘રૂપ વગરનો શબ્દ’ હતા – પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણના રૂપમાં જગતના આધ્યાત્મિક વીરોની ભવ્ય શોભાયાત્રામાંથી, અનન્ય આકર્ષણ અને શક્તિવાળી અને વિશ્વાત્માના ભવ્ય સુમેળનો સાક્ષાત્કાર કરનારી બે વિભૂતિઓને મેં પસંદ કરી છે. એ છે પીટર સેરેફિક્સ અને જોવ ધ થંડર – રામકૃષ્ણ-વિવેકાનંદ (‘લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ’ : રોમાં રોલાં, ૧૯૮૬, પૃ.૮-૧૧). એ સુમેળ છે અધ્યાત્મ અને સેવાનો, ધ્યાન અને કર્મનો. રોમાં રોલાંએ જણાવ્યા પ્રમાણે, શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક એ ચારેય પ્રકારની માનવશક્તિઓના એ સંવાદે એ આદર્શ માનવ અને આવતીકાલની સંસ્કૃતિનો આદર્શ નેતા સર્જ્યો હતો.

વિવેકાનંદે (સ્વા.વિ.ગ્રં.મા. ભાગ-૭, પૃ.૮૭માં) કહ્યું છે કે, ‘દરેક પ્રજાની તાકાતનું મૂળ તે તે પ્રજાની આધ્યાત્મિકતામાં રહેલું છે; અને જે દિવસથી તે પ્રજામાંથી આધ્યાત્મિક તરફનું વલણ ઓછું થાય છે અને ભૌતિકવાદ જોર પકડે છે, તે દિવસથી પ્રજાના મૃત્યુની શરૂઆત થાય છે.’ વિચ્છિન્ન થતો સમાજ કે તેવી સંસ્કૃતિ ત્રાતાઓને જન્મ આપે છે. દરેક મહાન સંદેશવાહક નવરચના કરે છે એટલું જ નહિ પણ, એ સ્વયં વસ્તુઓના નિશ્ચિત ક્રમનું સર્જન કરે છે. એમ વિવેકાનંદે (કંપ્લીટ વર્ક્સ, વો.૯માં, પૃ.૨૭૨માં) કહ્યું છે. અનેકોને વિવેકાનંદમાં યુગસ્રષ્ટાનાં દર્શન થયાં હતાં. ૧૯૬૩માં, વીસમી સદીના પૌરસ્ત્યવાદી એ.એલ.બાહામે વિવેકાનંદને અર્વાચીન જગતના ઘડવૈયા કહ્યા હતા (સ્વામી વિવેકાનંદ ઈન ઈસ્ટ એન્ડ વેસ્ટ, લંડન વેદાંત સેન્ટર, સંપા. ડો. રાધાકૃષ્ણન્‌).

આકાશ જેટલા વિશાળ અને સાગર જેટલા ગહન, ઉદારતાની અવધિ અને પોતાના ધાર્મિક અભિગમમાં વૈશ્વિક અને તેની સાથે, સર્વવ્યાપી દિવ્યતાની ઉપસ્થિતિના આધ્યાત્મિક સાક્ષાત્કારમાં ઊંડા ઊતરેલા વિવેકાનંદ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણની જેમ સરહદો વગરના માનવી તરીકે, મનુષ્યજાતિના વૈશ્વિક નેતા તરીકે ઉપસી આવે છે. પ્રત્યેક જીવમાં શિવને પૂજતાં, જગતભરમાં પથરાયેલાં ૧૪૦ વેદાંત કેન્દ્રોએ નવીન આધ્યાત્મિક વૈશ્વિક સંસ્કૃતિનાં બીજ વાવ્યાં છે.

જગત પારના ઈશ્વરની પૂજા કરવાને બદલે; ઈશ્વરને અંતરમાં સ્થાપિત કરતા આ ધર્મ તરફ વધારે ને વધારે લોકો આજે વળી રહ્યા છે. પશ્ચિમના દેશોમાં વધારે ને વધારે ચર્ચો બંધ થતાં જાય છે અને લોકો હિંદુ ધાર્મિક નેતાઓનાં નેતૃત્વવાળાં આ યોગ-વેદાંત કેન્દ્રો ભણી વળતા જાય છે. માત્ર સાન્ફ્રાંસિસ્કો બે માં ૨૫૦ કરતાં વધારે આવાં યોગ-વેદાંત કેન્દ્રો આરંભાઈ ચૂક્યાં છે તે ત્યાં, લોકો પોતાના ક્રાઈસ્ટ-બુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરવા ઝંખે છે. પાસાડેના, થાઉઝંડ આઈલેંડ પાર્ક, રિજલી મેનોર જેવાં યુ.એસ.એ.માંનાં સ્થળો, પોરબંદર, લીંબડી, બેલગાંવ, કન્યાકુમારી, મદ્રાસમાંના કેસલ કર્નાન જેવાં ભારતમાંનાં સ્થળો, આ જે બધાં સ્થળોએ વિવેકાનંદ રહ્યા હતા તે સર્વ સ્થળો વૈશ્વિક આધ્યાત્મિક સંસ્કૃતિનાં કેન્દ્રો તરીકે વિકસી રહ્યાં છે. હોલીવુડ પાસેના પાસાડેનાના જે મકાનમાં અમેરિકામાં વિવેકાનંદ રહ્યા હતા તેને અમેરિકાની સરકારે ‘હેરિટેજ બિલ્ડિંગ’ તરીકે જાહેર કર્યું છે. શ્રીરામકૃષ્ણના શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદે બાંધેલું સાન્ફ્રાંન્સિસ્કોમાંના હિંદુ મંદિર – એને હિંદુ મંદિરોના ખ્રિસ્તી ચર્ચોના, બૌદ્ધ પેગોડાઓના જેવાં શિખરો છે અને ઈસ્લામી ઘુમ્મટો છે તે – ને અમેરિકી પ્રજાએ ‘હેરિટેજ બિલ્ડિંગ’ તરીકે સ્વીકાર્યું છે; બધા ધર્મોની વૈશ્વિકતાના પ્રતીક સમું એ છે. ‘ધર્મમાં વૈશ્વિકતા’ અને ‘ગરીબો માટે લાગણીવાળા ધર્મો’ના વિવેકાનંદના બે સંદેશ સાથેના એમના પશ્ચિમ-પ્રવેશની શતાબ્દિ યુનેસ્કોએ ૧૯૯૩માં ઉજવી હતી. ભોગપ્રધાન સંસ્કૃતિની અશાંતિ અને મનોવેદના વચ્ચે તથા, રૂઢિવાદી વિચ્છિન્ન જગતમાં આવી પડનારા વિનાશના ભયની વચ્ચે જગતના અસ્તિત્વ માટે યુગદૃષ્ટા વિવેકાનંદના અત્યંત મોહક સંદેશનો ઇતિહાસ પ્રતિભાવ આપતો થયો છે.

શ્રીરામકૃષ્ણે એક વાર પોતાના પ્રિયતમ શિષ્ય વિશે ભાવિકથન કર્યું હતું કે, ‘ઘર આંગણે અને વિદેશોમાં નરેન ગર્જનાનો બોધ દેશે ત્યારે એ જગતને શીખવશે.’ આર્ષદૃષ્ટાના દર્શનને ઉવેખે તે લોકો નાશ પામે છે. આ આર્ષદૃષ્ટાના સંદેશ પ્રત્યે દુર્લક્ષ કરીને આપણી સંસ્કૃતિ લય પામશે શું?

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.