શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનું થયેલું અભિવાદન

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ તા.૧૪ – ૧૮ જાન્યુઆરી સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. ૧૭મી જાન્યુઆરીના રોજ આરતી પછી સાંજના ૭.૩૦ વાગ્યે મંદિર નીચેના હોલમાં ૫૦૦ થી વધુ ભાવિકજનોની ઉપસ્થિતિમાં તેઓશ્રીનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે તેઓશ્રીએ ભક્તજનોને સંબોધતાં કહ્યું હતું: ‘ગુજરાત જેમ ધંધા-ઉદ્યોગ અને વ્યવસાયની ભૂમિ છે એ જ રીતે આ ભૂમિ ભક્તિની ભૂમિ પણ છે. અહીં દરેક ગામની ભાગોળે રામજીમંદિર, શિવમંદિર જેવા મંદિરો આપણે જોવા મળશે. આ નરસિંહ અને મીરાંની ભૂમિ છે. દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણ અને સોમનાથના ભગવાન શિવની ભૂમિ છે. આ કલિયુગ છે એટલે સર્વત્ર તામસિકતાનું વાતાવરણ જોવા મળે છે. આ તામસિકતાથી બચવા માટે આપણે સૌની મા શારદાદેવીને સ્મરવા જોઈએ. કારણ કે એ પાપી-તાપી, ઊંચ-નીચ, પવિત્ર-અપવિત્ર, શૂદ્ર-બ્રાહ્મણ, ગરીબ-તવંગર, ડાકુ-સંન્યાસી, સૌની માતા છે. એટલે શ્રીમાનું શરણ સરળતાથી સાધી શકાય તેમ છે. શ્રીમા અને શ્રીઠાકુરના ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને આપણે અનુસરીને સાચાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરીશું.’ પ્રવચનના અંતે ભક્તજનોએ મહારાજનું અભિવાદન કર્યું. 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલી સ્પર્ધાઓ

સ્વામી વિવેકાનંદની ૧૪૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરનાં શાળા-કોલેજનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે તા. ૪, ૧૧-૧૪, ૧૬-૧૭ ફેબ્રુઆરીના રોજ ક્રમશ: દેવદેવીઓની વેશભૂષા સ્પર્ધા, મુખપાઠ, વક્તૃત્વ, સ્મૃતિ લેખન, શીઘ્રચિત્ર, નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા વિવિધ સ્થળે વિવેકાનંદ વિદ્યામંદિરનો સમર્પણવિધિ સંપન્ન

તા.૧૫-૧-૦૨ના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નવનિર્મિત ઉધલ ગામે સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરનો સમર્પણવિધિ શ્રી છગનભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયો હતો. અતિથિ વિશેષ સ્થાને ધારાસભ્ય શ્રીકિરીટસિંહ રાણા અને જીવરાજભાઈ વેકરીયા રહ્યા હતા.

તા.૧૬-૧-૦૨ના રોજ સવારના ૧૦.૩૦ વાગ્યે લીંબડી પાસેના ઘાઘરેટિયા ગામે ભૂકંપથી તારાજ થયેલ પ્રાથમિક શાળાનું નવનિર્માણ રામકૃષ્ણ મિશન, લીંબડીએ કર્યું અને તેનો સમર્પણવિધિ રાજકોટના ઉદ્યોગપતિ શ્રીરવજીભાઈ પટેલના વરદ હસ્તે થયો હતો. શ્રી મનસુખભાઈ મહેતા અતિથિ વિશેષ સ્થાને રહ્યા હતા. આ પ્રસંગે લીંબડીના ધારાસભ્ય શ્રીકિરીટસિંહ રાણા, અમેરિકાથી પધારેલાં ભદ્રાબહેન, વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. શાળાના વિદ્યાર્થી ભાઈ-બહેનોના કાર્યક્રમો અને તેમનાં વક્તવ્યો સૌના મનને આકર્ષી ગયાં હતાં.

તા.૨૧-૧-૦૨ના રોજ લીંબડી શહેરમાં રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નવનિર્મિત ૧૨ ઓરડાવાળા સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરનો સમર્પણવિધિ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો હતો. 

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા વિવેકાનંદ વિદ્યામંદિરનો સમર્પણવિધિ સંપન્ન

તા.૧૩-૨-૦૨ના રોજ ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ભૂકંપ પુનર્વસવાટ યોજના હેઠળ નવનિર્મિત ભાવસિંહજી હાઈસ્કૂલ, પોરબંદર દ્વારા સંચાલિત ‘વિવેકાનંદ વિદ્યામંદિર’નું મંગળ ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે એમણે ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.

Total Views: 87
By Published On: March 1, 2002Categories: Sankalan0 Comments on સમાચાર દર્શનTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.