ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું

સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો આપણો દિવસ જાણે કે બગાડી નાખે છે. આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ, માનવીય વલણો – ભાવનાઓને પ્રગટ કરતા સમાચારોનું તો જાણે અસ્તિત્વ જ નથી. બધું છિન્ન ભિન્ન થઈ જતું બતાવાય છે. ક્યાંક સંધાતું હશે, બંધાતું હશે; ક્યાંક સુસંવાદી સંરચનાઓ થતી હશે; ક્યાંક ભાવજગત રચાતું હશે; ક્યાંક માનવમાનવના પ્રેમમિલનો થતાં હશે. ક્યાંક એવું શુભ થતું હશે, એવું વિધેયાત્મક સર્જન થતું હશે, એવું સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌નું રાજ્ય રચાતું હશે. આ બધું શુભ અને ભાવાત્મક તો બનતું જ રહે છે. પણ કોણ જાણે કેમ આપણા આજના પત્રકારિત્વને આ દેખાતું નથી. એટલે જ એક goodnewsindia.com ની વેબસાઈટ તૈયાર થઈ છે. એમાં બધું શુભ છે, શિવ છે, સુંદર છે, સત્ય છે અને ભાવાત્મક છે; અભાવાત્મક કે નિષેધાત્મક કશું નથી. અહીં એક લોકદોહો યાદ આવી જાય છે : 

આણંદ કહે હે પરમાણદા માણસે માણસે ફેર,
કોઈ લાખો દેતા ન મળે ને કોઈ તાંબિયાના તેર.

આ લાખોની દુનિયાવાળા તરફ દૃષ્ટિ કરવાવાળા છે ખરા. એટલે જ એણે આ વેબસાઈટ ઊભી કરી છે. એ વેબસાઈટ ઊભી કરવાના હેતુઓ આવા છે :

* ભારતના ભાવિમાં આશાઓ પ્રેરતી, ભારતની પ્રજાની શક્તિઓ, ભારતની ભૂમિના અમૂલ્ય શક્તિસ્રોત અને હજારો વર્ષથી આજ સુધી જીવંત રહેલી સંસ્કૃતિની સાચી ઓળખાણ કરાવી શકે તેવી વાતોના પ્રચારપ્રસાર માટે એક ભાવાત્મક વાતોનો કક્ષ ઊભો કરવો. * આપણને ઘેરો ઘાલીને બેઠેલા રાજકારણીઓ, રાજકીય પક્ષો, નામાંકિતો, પ્રસિદ્ધિ ભૂખ્યા માનવીઓ, ચલચિત્રના હીરો-હીરોઈનોને એક બાજુએ રાખીને જેઓ ‘યોગક્ષેમમ્‌ વહામ્યહમ્‌’ કે ‘આત્મનોમોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ના આદર્શ સાથે કામ કરતાં અને લોકોના આંસું લૂછતાં, લોકોમાં બહુ જ ઓછા જાણીતાં સ્ત્રીપુરુષો અને સંસ્થાઓનાં ભાવાત્મક કાર્યોને રજૂ કરતાં પ્રસંગો કે ઘટનાઓ લોકો સુધી લઈ જવી. * આ વેબસાઈટને ઉત્તમ ગુણવત્તાવાળી બનાવવી અને વિકસાવવી. પરદેશમાં વસેલા ભારતીયો પોતાનાં બાળકો સાથે જ્યારે આ પાવનભૂમિ-ભારતની મુલાકાતે આવે ત્યારે એમને આ વેબસાઈટ દ્વારા એવી માહિતી મળે અને એટલી ખાતરી થઈ જાય કે હજુયે ભારતમાંથી ઉચ્ચ આદર્શ, ઉચ્ચ વિચારો અને શુભમંગલ સર્જનારી પ્રવૃત્તિઓ સાવ સમૂળગી નાશ પામી નથી; એનું અસ્તિત્વ છે, સારું એવું અસ્તિત્વ છે. * આ વેબસાઈટની જાળવણી અને વિકાસના પ્રયાસોમાં સાથ સહકાર આપી શકે એવા એક શુભભાવનાવાળા સમાજને ઊભો કરવો. આવી વાતો કે વાર્તાઓ તથ્ય પર આધારિત હોવી જોઈએ. વાર્તામાં આવતા વ્યક્તિઓ, સ્થળો કે સંસ્થાઓની સુવ્યવસ્થિત, શ્રદ્ધેય માહિતી કોમ્પ્યુટરમાં ક્રમબદ્ધ સંગ્રહાયેલી હોવી જોઈએ.

આવા રચનાત્મક, ભાવાત્મક વિચારો અને આદર્શોવાળા કેટલાક ઘટનાપ્રસંગો સમાજનું સંવાદી ઘડતર કરવા માટે અહીં આપતા રહીશું.

વપરાશ વધી છે અને ગરીબાઈ ઘટી રહી છે

આપણા દેશમાં ગરીબો વધતા જાય છે, ગરીબી પણ વધતી જાય છે તેવો એક ખ્યાલ પ્રવર્તે છે. અહીં આપેલ એક આર્થિક સર્વેક્ષણ ઉપરના ખ્યાલ કરતા કંઈક જૂદી જ વાત કરે છે. આપણે જરા એ વાત વિશે વિગતે વિચાર કરી લઈએ. ૧૯૯૦થી આપણા દેશના અર્થતંત્રને એના બંધનોમાંથી મુક્ત કરવાના પ્રયાસો શરૂ થયા અને શું આ ગરીબાઈનું પ્રમાણ ઘટશે અને શું સમૃદ્ધિ ખરેખર વધશે? આ બંને પાસાંઓ ઉપર સારી એવી ચર્ચાઓ થઈ છે. આજના યુગમાં હવે આ વસ્તુ તરફ ધ્યાન જવું જરૂરી છે કે વિસ્તારના યંત્ર રૂપે અને અર્થતંત્રના વિકાસ માટે મધ્યમવર્ગો અને એમની વપરાશ પ્રત્યેની સ્વાભાવિકવૃત્તિ એ આજે અનિવાર્ય બની ગયા છે. ગરીબ વર્ગમાંથી હંમેશાંને માટે વૃદ્ધિ પામતા રહેતા મધ્યમવર્ગમાં થતું પરિવર્તન એ ભારત જેવા મોટા દેશોમાં એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે. પરિવર્તિત થતી સંખ્યાને આલેખબદ્ધ કરવી એ પરિવર્તનને માપવાનો એક ઉપાય છે. ‘ધ નેશનલ કાઉન્સીલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ’ એક જૂની અને સુપ્રસિદ્ધ માતબર સંસ્થા છે. તે પોતાની પદ્ધતિની ચુસ્તતા અને એના દ્વારા થતા ભાવિકથનની ચોક્કસાઈ માટે મોખરાનું સ્થાન ધરાવે છે. અર્થશાસ્ત્રીઓ, વ્યાપાર બજારના નિષ્ણાતો, નિવેષકો અને સંશોધકોના કેટલાય અંતિમ અને અગત્યના નિર્ણયોનો આધાર આ સંસ્થાના અહેવાલો પર રહ્યો છે. તાજેતરમાં જ ‘Ten year white book – The Indian Consumer market 1997 to 2007’ નામનું ભારતીય ગ્રાહકબજારનું એક સિમાચિન્હ જેવું પ્રકાશન થયું છે જે ભારતના અર્થતંત્રના ઘણા સારા અણસારો અને સમાચારો આપણને આપે છે. ૧૯૯૭ થી ૨૦૦૭ સુધીના સમયગાળાની અર્થતંત્રની ભવિષ્યવાણીનાં તારણો આવાં છે : 

(૧) ‘ઘણા સંપત્તિવાન’ છગણા વધી જશે. (૨) ઉપભોક્તાવર્ગની સંખ્યા ત્રણગણી થશે. (૩) આર્થિક રીતે ગરીબની સંખ્યા ત્રણગણી ઘટશે.

હવે આપણે આ આલેખચિત્રને જરા વધુ ગહન રીતે જોઈએ અને એના આંકડા તરફ એક નજર નાખીએ. નીચેનાં તારણો જોઈએ : (૧) અર્થતંત્ર ૭.૦ ના દરે વૃદ્ધિ પામે છે. (૨) ભારતના દરેક ગૃહસ્થ ૫.૭ ની સરેરાશ સભ્યસંખ્યા ધરાવે છે.(૩) મોટાભાગના ઘરોને વીજળીસુવિધા પ્રાપ્ય છે. અર્થતંત્ર ૭% ના દરે વૃદ્ધિ પામીને પહોંચશે અને સ્થિર થશે. અર્થતંત્રની આ હકીકત ઘણાને ગળે ઊતરતી નથી. (પરંતુ આ વિકાસદરની આપણે બહુ નજીક છીએ.) વીજળીની સ્થાયી અને કાયમી સેવાઓ આપી શકાશે એ પણ ઘણાને ગળે ઊતરે એવી વાત નથી. (જો કે અત્યારે ઊર્જાક્ષેત્રની સુધારણાઓ ચાલું છે અને એના દ્વારા વધુ સારા પ્રમાણમાં ઊર્જા મળશે અને લોકોની સુવિધામાં વૃદ્ધિ થશે.)

૨૦૦૭ સુધીમાં અર્થતંત્રની જે અવધારણા કરવામાં આવી છે એને આપણે નિહાળી લઈએ :

(૧) ૪૦% કુટુંબ-ઘર વોશિંગમશિન ધરાવતાં હશે. (૨) બધાની પાસે એક કરતાં વધારે કાંડાઘડિયાળ હશે. (૩)  ૭૭% કુટુંબો રેફ્રિજરેટરની સુવિધા ધરાવતાં હશે. (૪) ૯૪% કુટુંબો પ્રેસરકુકર ધરાવતાં હશે. (૫) ૫૭% કુટુંબોમાં રંગીન ટેલીવિઝનની સુવિધા હશે. (૬) ૬૧% કુટુંબોમાં દ્વિચક્રી વાહનસુવિધા હશે.

વસતી ઘટાડો

આર્થિક વિકાસના ઉત્થાન સાથે ને સાથે વસતી વધારામાં ઘટાડાની પણ અવધારણા કરવામાં આવી છે. ૧૯૯૦ સુધી જ્યારે અર્થતંત્રનો વિકાસ ૪%ની આજુબાજુ હતો ત્યારે વસતી વધારાનો દર આશરે ૨.૨% જેટલો હતો. ૧૯૯૦ પછી આપણો આર્થિક વિકાસદર ૬% + સુધી સ્થિર રહ્યો છે, જ્યારે વસતી વધારાનો દર ઘટીને ૧.૭% થયો છે. આ બંનેને કારણે વ્યક્તિદીઠ આવકનો દર ઊંચો ગયો છે. NCAER ના અહેવાલમાં રેખાંકિત ભાવિ અવધારણા આવી હશે : ૨૦૦૭ સુધીમાં જેમની વાર્ષિક આવક રૂ.૪૫,૦૦૦ થી રૂ.૨,૧૫,૦૦૦ સુધીની હોય એવા ઉચ્ચમધ્યમવર્ગના લોકો અને જેમની આવક રૂ.૨,૧૫,૦૦૦+ હોય તેવા સંપત્તિવાનવર્ગના કુટુંબોની સંખ્યા રૂ.૪૫,૦૦૦ કે તેથી ઓછી આવકવાળા કુટુંબોની સંખ્યા કરતાં ઘણી વધી જશે!

આ છે એક વાસ્તવિક હકીકતો પર આધારિત આર્થિક અહેવાલના આશાજનક ઉજ્જ્વળ ભવિષ્ય બતાવતી અવધારણાના કેટલાક આંકડાકીય દૃષ્ટાંતો. આ સંસ્થાની અવધારણાઓ ભાગ્યે જ ખોટી પડી છે. ચાલો આપણે સૌ આપણા રાષ્ટ્રને આર્થિક રીતે સુસમૃદ્ધ થાય તેવાં કાર્યો તરફ દોરી જઈએ. હવે આ બેસી રહેવાનો સમય નથી.

પલક મુચ્છલ હૃદયરોગના બાળદર્દીઓની વહારે

ઇન્દોરના પરા વિસ્તારમાં મધ્યમવર્ગના કુટુંબમાં પલક મુચ્છલ રહે છે. તે માત્ર આઠ વર્ષની છે. ગયા વર્ષે આ નાનકડી બાલિકાએ ૭,૫૦,૦૦૦ રૂપિયા હૃદયરોગથી પીડાતા બાળદર્દીઓ માટે એકઠા કર્યા અને એ બાળદર્દીઓની સેવા માટે અર્પણ કરી દીધા! જુઓ છો ને! કેવી કુરબાનીની ભાવના છે આ નાની બાલિકામાં! ‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ.’ ત્યાગીને ભોગવી જાણો, વાંછો મા ધન અન્યનું – ના જીવન આદર્શથી જીવનારા ખરેખર જીવન જીવી જાણે છે. વિચિત્ર લોભવૃત્તિની વચ્ચે વંચિત રહેલાઓ સુધી પહોંચી જનારા લોકો પણ ભારતમાં તમને મળી રહેશે. આ પવિત્ર ભારતભૂમિની સંસ્કૃતિમાં, સમાજમાં નિરાધાર કે અસહાયને સહાય કરવાની પ્રબળ પરોપકાર ભાવના હોવી જ જોઈએ. આ અનન્ય પરમાર્થવૃત્તિનાં, સંવેદનભરેલી કરુણાનાં દર્શન સંપત્તિવાન માણસોમાં તો જોવા મળે એ સ્વાભાવિક છે; પણ જેઓ ટીપી ટીપીને પૈસેપૈસો એકઠો કરતા હોય અને એની બચત કરવાની તીવ્ર ઇચ્છા હોય ત્યારે એ ધન એકઠું કરવાને બદલે બીજાના કલ્યાણાર્થે અર્પણ કરી દેનારા પણ સમાજમાં ઘણા જોવા મળે છે.

પલક મુચ્છલ અદ્‌ભુત બાલિકા છે. તેના પિતા એક ખાનગી પેઢીમાં હિસાબનીશ છે અને મા ગૃહિણી છે. તેઓ સ્વાભાવિક રીતે જ કરકસરભરેલું સાદું જીવન જીવે છે. સાડાસાત લાખ રૂપિયા જેટલી રકમ એમને માટે તો ઘણી ઘણી મોટી ગણાય. આ વિલક્ષણ ભાવનાનું કારણ આ છે : દરેક ભારતીય પોતાના સારા, સુભગ ભાવિ માટે ઋણની ભાવના સ્વીકારે છે અને આવી વિલક્ષણ શક્તિને અને ધનસંપત્તિને તો તેઓ પ્રભુની દેણગી માને છે. પલકની આ ઈશ્વરદત્ત શક્તિઓ નાનપણથી ઝળકી ઊઠી. ભગવાને એને દૈવી કંઠ આપ્યો છે. જાહેરમાં તે નિર્ભય બનીને પોતાના મધુર કંઠ, મધુર સૂર રેલાવે છે. એના હળવા સંગીતના કાર્યક્રમની ટિકિટો ચપોચપ વેંચાઈ જતી. તે ૧૭૦ ગીતોનો સંગ્રહ ધરાવે છે. જાણીતા ફિલ્મ સંગીતકાર દ્વારા ચલાવાતી સંસ્થા ‘લીટલ સ્ટાર એન્સેમ્બલ’માં તેમને થોડા જ વખતમાં દાખલ કરવામાં આવી. આ એક એવો જીવનનો વણાંક હતો કે જેના દ્વારા આ નાની ઉંમરનાં કુટુંબને પોતાનું સદ્‌ભાગ્ય માણવાનો અવસર આવ્યો. આને લીધે તેઓ બીજાને માટે કંઈક કરી છૂટવાના આદર્શ તરફ વળ્યા. જ્યારે કારગીલનું યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આ નાની બાલિકા પલક પોતાના કાકાના સ્કૂટરની પાછળ બેસીને દુકાને દુકાને જઈને ઘવાયેલા સૈનિકો માટે પૈસા એકઠા કરવા લાગી. તે દુકાનદાર પાસે જતી પોતાનું એકાદ ગીત ગાતી અને દુકાનદાર જે કાંઈ પણ રાજી ખુશીથી આપે તે ઋણભાવથી સ્વીકારી લેતી. કેટલાય દિવસોની મહેનત અને કેટકેટલાય સ્થળે ફરી ફરીને ૨૧,૦૦૦ જેટલી રકમ એકઠી કરી. શું આ રકમ આ બાલિકા માટે ઓછી ગણાય ખરી? તેમના પિતાએ ૨૦૦૦ના વર્ષમાં ઓરિસ્સામાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડાથી પીડિત લોકોની સહાય માટે પલકનો એક ગીત-સંગીત સમારોહ રાખ્યો અને રૂ. ૧૯,૦૦૦ એકઠા કર્યા.

ધીમે ધીમે એની નામના વધવા માંડી અને પરિણામે ઘણા સંપર્કો પણ થવા લાગ્યા. હૃદયની ખામી ધરાવતાં બાળકોના હૃદયની સર્જરી-શલ્યચિકિત્સા માટે ફંડ એકઠું કરવું એ એનું એક જીવનધ્યેય-મિશન બની ગયું. આ મિશનકાર્ય જન્મથી હૃદયની ખામી ધરાવતા લોકેશ કુરિલ નામના યુવાનને સહાય કરવાના કાર્યથી શરૂ થયું. લોકેશ કુરિલના પિતા દરરોજના ૬૦ રૂ. લેખે વાર્ષિક લગભગ રૂ. ૨૪,૦૦૦ કમાતા અને એને હૃદયની શલ્યચિકિત્સા માટે રૂ. ૮૦,૦૦૦ની જરૂર હતી! આ પછી જે બન્યું તે ભારતના ચાહકોના હૃદયને હરખાવી દે તેવું અને અજબની ઉષ્મા આપે તેવું છે. લોકેશની શાળાના શિક્ષકો પલકને મળવા આવ્યા. પલકે તેની સહાય માટે એક સંગીતનો કાર્યક્રમ યોજ્યો અને રૂ. ૫૧,૦૦૦ એકઠા કરી આપ્યા. દૂર કર્ણાટકમાં આવેલા ‘મનિપાલ હાર્ટ ફાઉન્ડેશન’ના ડોક્ટરોને કાને આ વાત પડી અને એમણે લોકેશનું ઓપરેશન વિનામૂલ્યે કરવાની તૈયારી બતાવી. લોકેશને નવજીવન મળી ગયું. આ વાર્તાનું વધુ ઉજ્જ્વળ પાસું તો હવે આવે છે. જ્યારે પલક એકઠી કરેલી રકમ લોકેશના કુટુંબીજનોને આપવા ગઈ ત્યારે તેમણે એ રકમની હવે જરૂર નથી અને એ રકમ કોઈ બીજા જરૂરતમંદ બાળકના ક્ષેમકલ્યાણ માટે વપરાય તેવું સૂચન કર્યું. જોઈને, ગરીબોના હૃદયની ઉદારતા! કોણ છોડે આવો લાભ ખાટવો? પણ ભારતના સામાન્યજનમાં હરામનું, અણહક્કનું ખાવાની ટેવ નથી. એ તો આખા રોટલામાંથી અડધો રોટલો બીજાંને આપતાં શીખ્યાં છે. આ ઘટનાએ પલક અને તેના કુટુંબીજનોને એક અનોખું દિશાસૂચન કર્યું.

આ સહાયપરંપરા ચાલુ થઈ. એક બાલિકાની અદ્‌ભુત અને સૌને પ્રેરણા આપે તેવું મિશન શરૂ થયું. આજે આ કુટુંબ પાસે ૪૭ જેટલાં બાળકોની યાદી છે. આ બધાં કોઈ મોટી, જોખમી અને ખર્ચાળ શલ્ય-ચિકિત્સા માગે છે. નાનકડી પલકે એવો મક્કમ નિર્ધાર કર્યો છે કે એમને માટે જરૂરી રકમ ઊભી કરીને જ રહેશે. ઇન્દોરની ટી. ચોઈથરામ હોસ્પિટલના ડોક્ટર ધીરજ ગાંધી આ આયોજન માટે આગળ આવ્યા અને એમણે જાહેર કર્યું કે પલક દ્વારા જે બાળદર્દીઓ આવે એમના ઓપરેશનનો ચાર્જ તે નહિ લે. એક દીવો બીજા દીવાને પ્રગટાવે અને સર્વત્ર પ્રકાશ પાથરે, એવું આ પુણ્યકાર્ય મહકાર્ય ગણાય. એટલે આ હોસ્પિટલના ડોક્ટરોએ આ બાળકોની પૂરેપૂરી ચકાસણી કરી અને ઓપરેશનની તાત્કાલીક જરૂરત પ્રમાણે બધા બાળદર્દીઓનો ક્રમ પણ નક્કી કરી દીધો.

આ મિશન અત્યારે ક્યાં સુધી પહોંચ્યું છે?

એપ્રિલ થી ઓક્ટોબર સુધીમાં ૧૩ બાળદર્દીઓનાં ઓપરેશન થયાં છે અને એ બધાં હવે તંદુરસ્ત જીવન જીવે છે. પણ આપણી પલક તો મધમાખીની જેમ મંડી પડી આ સેવાકાર્ય પાછળ. આ સમયગાળા દરમિયાન એણે રૂ.૭.૫ લાખનું ફંડ એકઠું કરી લીધું. તે પોતાના સંગીત કાર્યક્રમ માટે ૫૧,૦૦૦ રૂ.ની ગેરેંટી ફી લે છે અને આ રીતે એનું મિશન પૂર્ણપણે ચાલતું રહે છે. એના માતપિતા પણ સહકાર અને સંકલનના ભાવથી આ પ્રવૃત્તિમાં રત રહે છે. તેઓ ડોક્ટરો અને બાળદર્દીઓની વચ્ચે સેતુ બનીને કામ કરે છે. મા-બાપનો સંપર્ક સાધવો, એમને સલાહ સૂચન આપવા, હોસ્પિટલમાં બાળકોની સારસંભાળ લેવી અને અંતે બાળદર્દીઓના સંબંધીઓ દ્વારા ઓપરેશન પછીના અનુકાર્ય બરાબર થાય છે કે કેમ તેની તેઓ પૂરતી કાળજી રાખે છે. એક કાવ્યોક્તિ છે:

નથી મને કામના રાજ્યની કે સ્વર્ગની
વા ભવ છૂટવાની, છે કામના એક
ખપી જવાની પીડિતનાં દુ:ખ નિવારવામાં.

કોઈના દુ:ખને દળવાં કે હળવાં કરવાં એ જ્યારે આપણું જીવનધ્યેય બની જાય ત્યારે આપણે ‘સર્વજનહિતાય સર્વજનસુખાય’ જીવન જીવનારા નાના બુદ્ધ બની શકીએ. બુદ્ધનું આ મહાકાર્ય કરતાં આ નાના મુચ્છલના કુટુંબીજનોના મુખ પર એક સંતોષની આભા છલકતી જોવા મળે છે. પલકનો નાનો ભાઈ પલાશ પણ ‘લીટલ સ્ટાર એન્સેમ્બલ’ નામની સંસ્થામાં જોડાયો છે અને હવે એ પણ પોતાની બહેન સાથે જાહેર કાર્યક્રમો આપવા માંડ્યો છે. તે મિમિક્રિની અદ્‌ભુત લાક્ષણિકતા ધરાવે છે. આ બંને બાળકો કેટલાય વિદેશોમાં ફરી આવ્યા છે અને ત્યાંના ભારતીયોના મન હરી લીધાં છે. ઘણા ભારતીય કુટુંબોમાં શિક્ષણ સૌથી વધુ મહત્ત્વનું છે અને પલક અને પલાશ પણ ખંતીલા ઉદ્યમશીલ વિદ્યાર્થીઓ છે. પલકમાં આ નાની વયે થયેલ અકાલીન વિકાસ તો જોવા મળે છે પણ એ સાથે દેવદૂત  જેવી આ બાલિકાની વિશાળ આંખો અને ગાલમાં ખંજન પાડતું સ્મિત સૌ કોઈને સ્પર્શી જાય તેવું છે. તેણે પોતાની સાઈકલ દૂર મૂકી અને હું એમના ઘરેથી નીકળતો હતો ત્યારે જ તે અંદર દોડી ગઈ અને એક પાળેલો સફેદ ઊંદર લાવી અને કહ્યું: ‘આના વિશે પણ લખજો ખરા હો! એનું નામ ગોપીચંદ છે; હું એને ગોપી કહું છું.’

સાભાર :
www.goodnewsindia.com

Total Views: 128

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.