વૈદિકકાળમાં હેતુઓ પ્રમાણે યજ્ઞના વિવિધ પ્રકારો હતા જેમ કે અશ્વમેધ – વિશ્વવિજય મેળવવા માટે, વગેરે. પરંતુ પૂર્ણવિજય તો ત્યાગમાં રહેલો છે. આ સર્વમેધયજ્ઞ કરનારે પોતાની બધી સંપત્તિનું દાન કરી દેવાનું હોય છે.

ઉપનિષદકાળના એક ગૃહસ્થઋષિ વાજશ્રવાએ આ મહાયજ્ઞ કર્યો. આ એક અનન્ય ઘટના હતી. યજ્ઞભૂમિને શણગારવામાં આવી હતી. યજ્ઞકુંડની આજુબાજુ ઊભા રહીને ઋષિઓ મંત્રોચ્ચાર કરતાં કરતાં હવ્ય પદાર્થો હોમતા હતા. યજ્ઞ સમયે પધારેલા અતિથિઓ પ્રસંગને શોભાવતા હતા. જાણે કે હવ્ય લેવા દેવો સાક્ષાત્ ઉપસ્થિત હોય એવું દૃશ્ય હતું.

વાજશ્રવાને નચિકેતા નામનો સાત વર્ષનો પુત્ર હતો. યજ્ઞને અંતે વાજશ્રવાએ બ્રાહ્મણોને, સાધુસંતોને ગાયો દાનમાં આપવા માંડી. ઋષિ ગાયો દાનમાં આપતા હતા એ સમયે નચિકેતા તેના પિતાની નજીક ઊભો હતો. એને જોઈને નવાઈ લાગી કે તેના પિતા ઘરડી, વસૂકી ગયેલી, માંદલી ગાયો દાનમાં આપતા હતા. નચિકેતાને લાગ્યું કે આવી હીનવૃત્તિથી યજ્ઞનું ફળ મળશે નહિ. નચિકેતાએ એના પિતા પાસે જઈને પૂછ્યું: ‘પિતાજી, તમે મને કોને દાનમાં આપવા માગો છો?’ પિતાએ પુત્રના પ્રશ્નને કાને ન ધર્યો, પરંતુ પુત્રે વારંવાર વિનવણી કરી. એણે ત્રણવાર પ્રશ્ન પૂછ્યો. હવે વાજશ્રવા ગુસ્સે થયા; ક્રોધાવેશમાં બોલાઈ જવાયું: ‘હું તને યમને દાન રૂપે આપું છું.’

વાજશ્રવાએ આ હૃદયપૂર્વક નહોતું કહ્યું. કયો પિતા પોતાના પુત્રને યમભૂમિએ પહોંચાડે? ક્રોધાવેશમાં આવીને એમનાથી આ શબ્દો બોલાઈ ગયા. પણ જે થવાનું હતું તે તો થઈ ગયું. તેના પુત્ર નચિકેતાએ યમઘરે જઈને પિતાના વચનને પાળવાનો નિર્ણય કરી લીધો. તેને લાગ્યું કે જો તેને પોતાના પિતા વહાલા હતા તો સત્ય તો એને એનાથી પણ વધારે પ્રિય હતું. તે સત્યને મિથ્યા કરવા માગતો ન હતો. ક્રોધાંધ વાજશ્રવાએ પોતે બોલેલા શબ્દોનું પરિણામ શું આવશે એ વિશે વિચાર ન કર્યો. જ્યારે તેઓ શાંત થયા ત્યારે તેના દુઃખનો પાર ન રહ્યો. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. પિતા તરીકે ગમે તેટલું દુઃખ ઉપજે પણ જે થયું એ ન-થનાર બનવાનું નથી. નચિકેતા તો યમલોક જવા તૈયાર થઈ ગયો. વાજશ્રવા નાના પુત્રને પાછો ફરવા વિનંતી કરીને કહે છે : ‘બેટા, મેં ક્રોધાવેશમાં આવીને કહ્યું એને મનમાં ન લે. ક્રોધમાં ને ક્રોધમાં મેં કઠોર શબ્દો કહી નાખ્યા. પણ તારે એને એટલી ગંભીરતાથી લેવાની જરૂર નથી.’ અહીં નચિકેતા મક્કમ હતો. પિતાને પ્રણામ કરીને બોલ્યોઃ ‘પિતાજી, આપે મને કહ્યું છે કે આપણા વડવાઓએ ક્યારેય વચનભંગ કર્યો નથી. એટલે મારે પણ તમારી વાણી સાચી પાડવી છે અને આપણા વડિલોએ પાડેલી પ્રણાલીને અનુસરવું છે. પિતાજી, હું તમારી આજ્ઞાની કોઈ પણ સંજોગોમાં અવગણના નહિ કરું.’

‘સત્ય માટેનો આગ્રહ એ સ્વર્ગદ્વાર છે. સત્ય સિવાય આદુનિયાની બધી ચીજવસ્તુઓ, સ્ત્રીપુરુષ, પશુપક્ષી, વનસ્પતિ, જે કંઈ જન્મે છે તે વૃદ્ધ બને છે અને મરે છે. જીવન તો ક્ષણભંગુર છે અને મૃત્યુ જીવનની લીલા પૂરી કરે છે. પિતાજી મને મૃત્યુનો ડર નથી. આ ક્ષણે તો તમારે તમારા વડવાઓને યાદ કરવા જોઈએ કે જેમણે પોતાનાં પવિત્ર કાર્યો કરતાં કરતાં સત્યનો આદર કેવો કર્યો હતો! તમે તો જાણો જ છો કે ન કરવાનાં કાર્યો તો દુષ્ટ લોકો જ કરે છે. શાણા અને આર્ષદૃષ્ટિવાળા લોકોની અનુજ્ઞા પાળનારાં કાર્યો ત૨ફ આપણે આપણા મનને વાળવું જોઈએ.’

પિતા તરીકે દુઃખી થઈને પણ એક ઋષિ અને સત્યના સાધક તરીકે વાજશ્રવાએ પુત્રને રજા આપવી પડી. પિતાના વચનનું પાલન કરવા નચિકેતા હોંશે હોંશે યમઘરે ગયો. ત્યાં જતા જાણવા મળ્યું કે યમરાજ ઘરે નથી. કોઈ એનું સ્વાગત કરવા ન આવ્યું. ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી નિરાહાર રહીને તે યમલોકના દરવાજે યમની રાહ જોતો બેસી રહ્યો.

યમરાજ ઘરે પાછા ફર્યા ત્યારે નાના બાળકનું પણ ત્રણ દિવસ સુધી આતિથ્ય ન થતાં તેમને ઘણું દુઃખ થયું. પોતાના મહેમાન નચિકેતાનો એણે ભાવભર્યો સત્કાર કર્યો. ત્રણ ત્રણ દિવસ સુધી રાહ જોવી પડી એના પાયશ્ચિત રૂપે યમરાજે નચિકેતાને કહ્યું: ‘વત્સ, તારે ત્રણ ત્રણ દિવસ મારી રાહ જોવી પડી તું પ્રભુનો પ્યારો બ્રાહ્મણપુત્ર છો. તારે રાહ જોવી પડી એ માટે હું ખૂબ દુઃખી છું. મારાથી આ અજાણતાં થઈ ગયું છે એટલે હું તને ત્રણ વરદાન માગવા કહું છું.’

નચિકેતાએ કહ્યું: ‘મહારાજ! પહેલું વરદાન તો મારા પિતાનું સાર્વત્રિક કલ્યાણ કરો એ માગું છું. અને હું પાછો પૃથ્વી પર જઉં ત્યારે તેઓ મને ઉષ્મા અને પ્રેમથી આવકારે એમ ઇચ્છું છું.’ નચિકેતાએ આવું વરદાન માગ્યું તેનું કારણ એ હતું કે નચિકેતા તો દુનિયાની દૃષ્ટિએ મરી ગયો હતો અને મૃત્યુલોકના માનવીઓ આત્માને ઓળખી શકતા નથી. યમરાજાએ વરદાન આપ્યું અને એક નિરાંતનો શ્વાસ લીધો.

નચિકેતાએ બીજું વરદાન માગ્યું: ‘જ્યાં શોકદુઃખ, જરામૃત્યુ નથી એવા સ્વર્ગમાં કેવી રીતે પ્રવેશવું એ વિદ્યા હું જાણવા માગું છું.’

નચિકેતાએ આ વરદાન પોતાના માટે માગ્યું ન હતું પરંતુ એ વરદાન તો દુઃખદર્દથી પીડાતી માનવજાત માટે માગ્યું હતું. તે ઈચ્છતો હતો કે દરેક માનવીએ આ રહસ્યવિદ્યા દુન્યવી દુઃખોથી પોતાને મુક્ત કરવા શીખવી જોઈએ.

યમરાજ નચિકેતાની નિઃસ્વાર્થ ભાવના અને ઉદારતાથી પ્રસન્ન થયા. તેમણે સ્વર્ગપ્રાપ્તિ કરાવનારા યજ્ઞકાર્યની પ્રવિધિની વાત નચિકેતાને કરી.

નચિકેતા આધ્યાત્મિક દૃષ્ટિવાળો, પવિત્ર, સત્યનિષ્ઠ અને મેધાવી હતો. યમનો બધો ઉપદેશ એણે ગ્રહણ કરી લીધો. યમે પોતાના શિષ્યની વિદ્યાવૃત્તિથી પ્રસન્ન થઈને આ ચોક્કસ યજ્ઞને ‘નાચિકેતયજ્ઞ’ એવું નામ આપ્યું. અને હવે આવ્યું છેલ્લું વરદાન. એ વરદાન માગતાં નચિકેતાએ કહ્યુંઃ ‘મહારાજ મૃત્યુ પછી માનવનું શું થાય છે? જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે કેટલાય સંશયો ઊભા થાય છે. કેટલાક કહે છે કે તેનું અસ્તિત્વ મટતું નથી. જ્યારે કેટલાક કહે છે કે એનો ખેલ ખતમ થઈ જાય છે. મારે તો આપની પાસેથી સત્ય જાણવું છે. એ રૂપે હું ત્રીજું વરદાન માગું છું.

આવો નાનકડો છોકરો અધ્યાત્મવિદ્યાને લગતો આવો મહાન પ્રશ્ન પૂછશે એવી અપેક્ષા યમે નહોતી રાખી. આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા તે નચિકેતાની માનસિકશક્તિનું પરીક્ષણ કરવા ઇચ્છતા હતા. આવા અવનવા પ્રશ્નનો ઉત્તર માગતા આ નાના બાળકનું મન બીજે દોરવાનો એમણે પ્રયત્ન કર્યો. એમણે નચિકેતાને કહ્યું: ‘તું આને બદલે બીજું કંઈક વધુ સુખકારી માગ.’ વળી તેમણે કહ્યુંઃ ‘આ વિશે તો દેવોને પણ શંકા ઉપજે છે. આ વિષય અતિ જટિલ છે અને તેને સમજવો એ તો એનાથી પણ કઠિનકાર્ય છે. એટલે બેટા, તું કંઈક બીજું માગ.’ પણ નચિકેતા અડગ હતો. તેણે કહ્યુંઃ ‘આપ કહો છો કે દેવોને પણ એમાં સંશયો ઉપજે છે પણ મને તમારા જેવો ગુરુ ક્યાંય મળશે નહિ. એટલે મને તો એ અધ્યાત્મવિદ્યાનું જ જ્ઞાન આપો. એ સિવાય બીજું મને કંઈ ન જોઈએ.’

જો કે યમરાજ તો હૃદયથી ખૂબ પ્રસન્ન થયા. પણ હજીયે આ નાના બાળકનું મન બીજી ત૨ફ દો૨વા માટે આ પૃથ્વી પરના સામાન્ય માણસને ગમતા સુખોનું પ્રલોભન આપ્યું. તેને સુખસમૃદ્ધિ, યુવાની સૌંદર્ય અને એવાં બીજાં બધાં વિષયભોગનાં સુખો એની સામે ધર્યાં. પણ નચિકેતાએ એ બધાનો મક્કમતાથી અસ્વીકાર કર્યો. એની દૃષ્ટિએ તો આ બધાં ક્ષણિક વિષયસુખો હતાં. તે યમને મળ્યો એ જ જીવનનાં સુખોની પ્રાપ્તિસમું હતું, એ મળ્યાંની ખાતરીસમું હતું. તે તો પોતાના નિર્ણયમાં અધ્યાત્મવિદ્યા જ પ્રાપ્ત કરવાના નિર્ણયમાં અડગ રહ્યો. એણે જે કંઈ પણ મેળવ્યું તે પરમજ્ઞાન હતું. આ જ્ઞાન જીવનની સમસ્યાઓનું સમાધાન કરે છે. યમ આવા નાનકડા સત્ય શોધકને જોઈને ખૂબ ખૂશ થયા. તેમણે કહ્યું: ‘બેટા, નચિકેતા! તું ખરેખર સદ્ભાગી છે. તેં શ્રેયસ્‌નો પથ પસંદ કર્યો છે અને પ્રેયસ્‌નો પથ છોડ્યો છે. માત્ર જ્ઞાની લોકો જ આ શ્રેયસ્‌ના પથને પસંદ કરે છે અને મુક્તિ મેળવે છે.’

‘બેટા, આત્માને મનદેહથી જુદો જાણી શકે એ માટે મારી અધ્યાત્મવાણી કાળજીપૂર્વક સાંભળજે.’ પછી યમરાજાએ આ આત્માનું જ્ઞાન નચિકેતાને આપ્યું. આ આત્માની અનુભૂતિ કરીને માનવ અમર બને છે. કઠોપનિષદની એક આ વિષયવાર્તા છે.

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.