શાંતિપાઠ

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

अद: તે (એટલે કે કારણબ્રહ્મ – પરબ્રહ્મ; એને ‘તે’ કહેવામાં આવે છે. કારણ કે એ વાણી અને વિચારથી પેલીપારનું છે). पूर्णम्‌, સર્વવ્યાપક, અનંત; इदम्‌, આ (એટલે કે કાર્યબ્રહ્મ – સાપેક્ષબ્રહ્મ. એને ‘આ’ કહેવામાં આવે છે. કારણ કે એ ઇન્દ્રિયગમ્ય જગતમાં જોઈ શકાય છે.) पूर्णम्‌, સર્વવ્યાપક, અનંત, पूर्णात्‌, કારણ બ્રહ્મ-પરબ્રહ્મમાંથી; पूर्णम्‌, ઇન્દ્રિયગમ્ય જગતરૂપ કાર્યબ્રહ્મ-બ્રહ્મનું સાપેક્ષરૂપ; उदच्यते, ઉત્પન્ન થાય છે, કલ્પાય છે, पूर्णस्‍य, (જો) એ પરબ્રહ્મમાંથી; पूर्णम्‌, સાપેક્ષ કાર્યબ્રહ્મને, ઇન્દ્રિયગમ્ય જગતને; आदाय, લઈ લેવામાં આવે (એટલે કે આ જગત મિથ્યા છે અને કેવળ ભ્રમ જ છે, એવા જ્ઞાનથી જગતનો નિષેધ કરવામાં આવે); (તો) पूर्णम्‌ एव अवशिष्यते, અનંત અને સર્વવ્યાપક બ્રહ્મ જ બાકી રહે છે. ખરેખર એ અનંત છે; ॐ शान्तिः, વ્યક્તિઓને શાંતિ હો; शान्तिः, તારાગણની શાંતિ હો; शान्तिः, સર્વપ્રાણીઓની શાંતિ હો.

ઓમ્‌, ‘તે’ બ્રહ્મ પૂર્ણ છે, ‘આ’ ઇન્દ્રિયગમ્ય જગત પણ પૂર્ણ છે. પણ ‘આ’ તો કેવળ ‘તે’નો અધ્યાસ છે. (આમ છતાં પણ જો) ‘આ’ ને લઈ લેવામાં (નકારવામાં) આવે, નો ‘તે’ તો પહેલાંની પેઠે જ સર્વવ્યાપક-અનંત-રહેશે. ૐ વ્યક્તિઓની શાંતિ હો, તારકગણની શાંતિ હો, સર્વપ્રાણીઓની શાંતિ હો.

આની પાછળનો વિચાર એવો છે કે ઇન્દ્રિયગમ્ય જગતને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ ફક્ત બ્રહ્મ દ્વારા આધારિત હોવાને લીધે જ હસ્તી ધરાવે છે. એ ફક્ત બ્રહ્મ ઉપર પ્રક્ષિપ્ત જ છે. કેટલીક વખત જો આપણે અંધારામાં રસ્તા પરથી ચાલતા જતા હોઈએ, તો કદાચ દોરડીને સાપ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. દોરડી હોવાને લીધે આવો વિક્ષેપ સંભવિત છે. પણ જ્યારે એવો ભ્રમ ચાલ્યો જાય, ત્યારે ત્યાં વધુ વખત સાપ રહેતો નથી. એ દોરડીમાં ભળી જાય છે. એ જ પ્રમાણે જ્યારે આપણે બ્રહ્મને (આપણી અંદરનો આત્મા પણ એ જ છે) જાણી લઈએ, ત્યારે જગત એમાં ભળી જાય છે.

ईशा वास्यमिदं सर्वं यत्किं च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॥ १ ॥

जगत्याम्, આ જગતમાં; यत् किम् च, જે કંઈ પણ; जगत्‌, પરિવર્તન પામે તેવું, નાશવંત; इदम् सर्वम्, આ બધું; ईशावास्यम्, ઈશ્વર વડે આચ્છાદિત થયેલું; तेन, તેથી; त्यक्तेन, ત્યાગપૂર્વક; भूञ्जीथाः, પુષ્ટ થા (એટલે કે ઈશ્વર બધે ઠેકાણે અને બધામાં છે એવી રીતે તારી ચેતનાને સબળ બનાવ); कस्यचित्‌ धनम्‌, કોઈનું ધન, સંપત્તિ સમૃદ્ધિ તરફ; मा गृध:, લોભાઈશ નહિ.

આ પરિવર્તનશીલ જગતમાં બધું જ બદલ્યા કરે છે. છતાં બધું જ ઈશ્વરથી આચ્છાદિત થયેલું છે. ત્યાગનું પરિશીલન કરો અને આત્મચૈતન્યમાં શક્તિવાળા બનો. અન્યની સમૃદ્ધિ તરફ દોડો નહિ. (૧)

આ જગત અને એની અંદરનું બધું જ નિરંતર પરિવર્તન પામ્યા કરે છે. પરંતુ જે એને ધારણપાલન કરે છે, તે સદા એક સરખો જ (અપરિવર્તનશીલ) જ રહે છે. અને એ જ ઈશ્વર છે. એના ઉપર જ બધાનો આધાર છે. આ જગત પડદા પર પાડેલા ચલચિત્ર જેવું છે. એમાં ચિત્રો બદલ્યા કરે છે, પણ પડદો એમ નો એમ રહે છે. એ જ પ્રમાણે આ ઇન્દ્રિયગમ્ય જગત ઈશ્વર ઉપર આરોપાયેલું છે. એ કેવળ એક પ્રક્ષેપમાત્ર જ છે. અંધારી રાતે દોરડીમાં જેમ સાપ આરોપાયેલો થાય છે, તેવું જ આ પ્રક્ષેપણ છે. એમાં સાપની કોઈ સ્વતંત્ર હસ્તી હોતી નથી. દોરડી છે, માટે જ એની હસ્તી હોય છે અને ત્યાં પ્રકાશ લાવતાંની સાથે જ એ દેખાતો બંધ થઈ જાય છે. ત્યારે એ સાપ દોરડીમાં લય પામી જાય છે. બરાબર એ જ રીતે, જ્યારે તમે બ્રહ્મને જાણી લો છો, ત્યારે જગતનો એમાં લય થઈ જશે. અને તમે અનુભવશો કે તમે અને બ્રહ્મ એક અને અદ્વિતીય જ છો. આ જ્ઞાન મેળવવું એ જ જીવનનો ઉદ્દેશ છે. પછી જગત તમને લેપી-ખરડી-નહિ શકે. તમારો આ જગત સાથેનો સંબંધ પેલા ચંદનના લાકડા જેવો છે. એ ચંદનકાષ્ઠ લાંબા વખત સુધી પાણીમાં જ પડ્યું રહ્યું હતું અને એને લીધે એ દુર્ગંધવાળું થઈ ગયું હતું. એ ચંદનકાષ્ઠની સ્વાભાવિક સુગંધ કામચલાઉ રીતે દબાઈ ગઈ હતી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી; પણ પછી એ ચંદનકાષ્ઠને થોડું ઘસવામાં આવ્યું કે તરત જ પેલી દુર્ગંધ ચાલી ગઈ અને ચંદનકાષ્ઠની સ્વાભાવિક સુગંધ પાછી ફેલાવા લાગી. આવી જ રીતે તમારી જગત તરફની આસક્તિ તો કામચલાઉ જ છે. એ સ્થાયી હોઈ શકે નહિ. તમે તમને પોતાને બ્રહ્મસ્વરૂપ માનો, શુદ્ધ ચૈતન્યરૂપે માનો. આ રીતે અત્યંત તીવ્રતાથી અને સાતત્યથી અવધારણા કરો, તો અત્યારે જગત તરફની તમારી જે આસક્તિ છે, તે ચાલી જશે.

પણ તમે બ્રહ્મજ્ઞાન મેળવી કેવી રીતે શકો? ત્યાગના મહાવરાથી તમે એ મેળવી શકો. તમારે પોતાને એ વાતનું સ્મરણ રાખવું ઘટે કે આ જગત એનાં બધાં આકર્ષણો હોવા છતાં પણ સાચું નથી. એટલે કે એ પરિવર્તનશીલ હોવાને કારણે સત્ય નથી. કેવળ બ્રહ્મ જ સત્ય છે કારણ કે તે અવિનાશી છે. તમારે જગતનો ત્યાગ કરવો જોઈએ, અને બ્રહ્મનું ચિંતનમનન કરવું જોઈએ. સોનું આકર્ષણ ભલે હોય, પણ એ ચલાયમાન-આવનજાવનવાળું છે. તમારે એવી અલ્પજીવી વસ્તુઓ પાછળ કદીપણ દોડવું જોઈએ નહિ. કોઈ બીજાના ધનના લોભી બનશો નહિ. અને તમારા પોતાના ધનમાં પણ આસક્તિ રાખશો નહિ. જે આ જગતને પરિવર્તનશીલ જાણે સમજે છે, તેને માટે કોઈ ધન તે ધન રહેતું નથી અને કોઈ પણ પ્રકારનું ઇન્દ્રિયસુખ ઘૃણાસ્પદ બની જાય છે. તમારે ફક્ત બ્રહ્મ સાથે જ સંબંધ હોવો જોઈએ. તમારે બ્રહ્મમાં જ લીન રહેવું જોઈએ. કેવળ બ્રહ્મ જ સત્ય છે અને તમે પોતે એ બ્રહ્મસ્વરૂપ જ છો. આવી સભાનતાની માવજત કરતા રહો. અને બીજી બધી વસ્તુઓથી મુક્ત થઈ જાઓ.

कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ॥२॥

कर्माणि कुर्वन् एव, (મનુષ્યે) શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેનાં કર્મો કરતાં કરતાં જ; इह, અહીં, આ પૃથ્વી ઉપર; शतम्‌ समा:, સો વરસ; जिजीविषेत्, જીવવાની ઇચ્છા રાખવી જોઈએ; एवम्‌, આ પ્રકારે; त्वयि नरे, તારામાં હે મનુષ્ય; कर्म न लिप्यते, તારાં કર્મોનાં ફળોનું વળગણ તને રહેશે નહિ; अन्यथा न अस्ति બીજો કોઈ રસ્તો નથી.

માણસે શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણેની પોતાની ફરજો બજાવતાં જ રહીને સો વરસ સુધી જીવવાની ઇચ્છા કરવી જોઈએ. હે મનુષ્ય! જો તું આ રીતે તારી ફરજો બજાવતો રહીશ, તો તું જે કંઈ કર્મો કરે છે, તેનાં ફળો તને વળગશે નહિ. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. (૨)

આની પહેલાંનો મંત્ર ત્યાગનો સંદેશ આપે છે. જગત જે કંઈ સુખો આપી શકે છે એની પાછળ દોડવાનો કશો અર્થ નથી, એ બધા ભોગો તો ક્ષણિક છે. જો આપણે એવાં સુખો તરફ દોડ્યા કરીશું, તો આપણે કેવળ પોતાને મુશ્કેલીઓમાં જ મૂકી દઈશું. કારણ કે એ બધાં સુખો તો થોડીવારમાં જ ચાલ્યાં જશે અને આપણે દુ:ખો સહન કરવાં પડશે. પરંતુ, આવો ત્યાગ કરવા માટે બધા જ કંઈ તૈયાર હોતા નથી – બધા એવી પરિસ્થિતિમાં હોતા નથી. સાચી વાત તો એ છે કે ઘણાખરા લોકો તો જીવનને માણવા – ભોગવવા જ માગે છે. અને આવા લોકો માટે જ આ મંત્ર કહેવાયો છે. આ મંત્ર તેમને કહે છે કે જો એવા લોકો લાંબું આયુષ્ય – માનો કે સો વરસનું આયુષ્ય – ભોગવવા ઇચ્છે, તો એમાં કશો વાંધો નથી. ભલે તેઓ એટલું લાંબું જીવે; પરંતુ, તેમણે શાસ્ત્રોમાં કહેલ નીતિનિયમોનું ચુસ્ત અનુસરણ કરીને જ પોતાની કામનાઓને પૂરી કરવી જોઈએ – ઇચ્છાઓ સંતોષવી જોઈએ. આવું અનુસરણ ધીરે ધીરે ચિત્તશુદ્ધિ તરફ દોરી જશે. એટલે કે એનાથી ઇન્દ્રિયસુખ પ્રત્યેની લાલસા ચાલી જશે; વિવેક-શક્તિ વિકાસ પામીને સબળ બનશે અને આત્મજ્ઞાન તરફનો પ્રેમ ખીલશે. જ્યારે આવું થશે, ત્યારે એવા લોકો પોતે જન્મજન્માંતરથી અત્યાર સુધી જે કંઈ કરતા રહ્યા હતા તે કર્મોનાં ફળો પ્રત્યે હવે વધારે વખત આસક્ત રહી શકશે નહિ. અને એનું છેવટનું પરિણામ એ આવશે કે તેઓ ત્યાગમય જીવન માટે તૈયાર થઈ જશે.

જે લોકો એકદમ જલદી ત્યાગ કરી શકતા ન હોય, તેમને માટે ફક્ત આ એક જ રસ્તો છે. એવા લોકોએ કશું ગુમાવી દીધું છે, એવી લાગણી રાખવાની જરૂર નથી. એવા લોકો વધુ સમય લે છે, એટલું જ. પરંતુ, વહેલા કે મોડા, તેઓ ત્યાગને માર્ગે આવશે જ. અને ત્યાર પછી તેમણે અહીં બતાવેલો પૂર્વોક્ત માર્ગ અવશ્ય અનુસરવો રહ્યો.

असूर्या नाम ते लोका अन्धेन तमसावृताः।
तांस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः ॥३॥

असूर्याः, સૂર્ય વગરના, અસુરોને વસવા યોગ્ય; नाम, એ રીતે જાણીતા થયેલા; अन्धेन, આંધળા (આત્મજ્ઞાન ન હોવાને લીધે આંધળા); तमसा, અંધકાર વડે; आवृता:, ધેરાઈ ગયેલા; ते, એવા; लोका, લોકો, અસ્તિત્વના સ્તરો; ये के च आत्महन:, જેઓ આત્મજ્ઞાન વિહોણા છે અને તેથી આત્મહત્યા કરનાર લોકો જેવા છે; ते प्रेत्‍य, તેઓ તેમના મરણ પછી; तान्‌, તેને (તે લોકોને); अभिगच्छन्‍ति, પ્રાપ્ત કરે છે, તેમાં ડૂબી જાય છે; जना:, મનુષ્યો.

કેટલાક સૂર્ય વગરના અને અસુરોને રહેવા યોગ્ય લોકો છે. તે લોકો આંધળા અનુભવે એવા અંધારાથી ઢંકાયેલા છે. (એટલે કે આત્મજ્ઞાન વગરના માણસો આંધળા છે.) જે મનુષ્યોએ આત્મજ્ઞાનની પ્રાપ્તિની ઉપેક્ષા કરી છે અને તે રીતે જાણે કે આત્મહત્યા જ કરી છે, તેઓ તેમના મરણ પછી ઉપર બતાવેલા લોકોમાં જવા માટે જ નિર્માયા છે. (૩) 

આ મંત્રમાં જે લોકો આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરતા નથી, તેમની નિંદા કરવામાં આવી છે. ખરા અર્થમાં તેઓ આત્મહત્યા જ કરી રહ્યા છે. કારણ કે જીવનના સાચા ઉદ્દેશને, તમારા પોતાના આત્મારૂપ ગુરુને સાવ અવગણીને જ કેવળ ઇન્દ્રિયસુખોના ગુલામ બનવા કરતાં વધારે બીજું શું ખરાબ હોઈ શકે? તમારે પોતાના ગુરુ-સ્વામી-બનવા માટે એ જાણી-સમજી લેવું જોઈએ કે તમે બ્રહ્મ સાથે, વિશ્વાત્મા સાથે, એકરૂપ જ છો; એટલે કે તમે વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ, સદામુક્ત, નામરૂપરહિત અને નિરપેક્ષ જ છો. તમે કોઈ રૂપાંતરના વિષય બનતા નથી; તમે અનાદિ અને અનંત છો; વાણી અને વિચારથી પર છો. તમે પૂર્ણ સત્સ્વરૂપ, પૂર્ણ ચિત્સ્વરૂપ, પૂર્ણ આંનદસ્વરૂપ છો. તમે જ્યારે આવું જાણો-અનુભવો, ત્યારે મુક્ત જ છો. ત્યાર પછી વધુ વખત તમે જન્મ-મરણની વચ્ચે ઝૂલશો નહિ. તમે તમારા ખરા સ્વરૂપમાં કોણ છો, તે વિશે જાણવાનો જો પ્રયત્ન ન કરો, તો ખરેખર તમે આત્મહત્યા જ કરી રહ્યા છો; તો તો તમે આ જગતમાં ગુલામની જિંદગીની નામોશીને જ નોતરી રહ્યા છો. અને એ રીતે મરણ પછી પણ કમનસીબને જ નિમંત્રણ આપી રહ્યા છો.

अनेजदेकं मनसो जवीयो
नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत्‌।
तद्धावतोऽन्यानत्येति तिष्ठत्
तस्मिन्नपो मातरिश्वा दधाति ॥४॥

एकम्, એક, કેવળ એક (એટલે કે બ્રહ્મ); अनेजत्, અચલ, સ્થિર; मनसःजवीयः, મન કરતાં વધારે વેગીલું; देवा:, દેવો અથવા તો આંખો વગેરે જેવી જ્ઞાનેન્દ્રિયો; पूर्वम् अर्षत् एनत्, હંમેશાં સૌથી આગળ રહેતા એવા આને; न आप्नुवन्, ઓળંગી શકતા નથી; तत् तिष्ठत्, તે હંમેશાં સ્થિર-અચલ છે, હંમેશાં એકસરખું જ છે; धावतः अन्यान्, બીજાંને જે એકદમ દોડી રહ્યાં છે; अति एति, પાછળ છોડી દે છે, ઓળંગી જાય છે; तेस्मिन्, તેના હોવા ઉપર; मातरिश्वा, વાયુ, જીવનશક્તિ, અવકાશમાં રહેતા ઈશ્વર, હિરણ્યગર્ભ (એટલે કે બ્રહ્મનું પ્રથમ વ્યક્તસ્વરૂપ); अपः दधाति, જળ, બધું જ ધારણ કરે છે.

બ્રહ્મ એ એકમાત્ર અદ્વૈત તત્ત્વ છે. એ ક્યારેય ચલિત થતું નથી; આમ છતાં પણ એ મન કરતાં પણ વધુ ઝડપથી ગતિ કરે છે. એ હંમેશાં આગળ ને આગળ જ હોય છે, જ્ઞાનેન્દ્રિયો એને ક્યારેય પકડી શકતી નથી. એ સ્થિર છે, છતાં પણ દોડતા બધાને એ હરાવી દે છે. એની શક્તિથી આકાશમાં રહેતા ઈશ્વર, આ અલ્પજીવી જગતનાં જળ અને અન્ય બધા જ પદાર્થોને ધારણ કરે છે. (૪)

બ્રહ્મ, આત્મા એ એકમાત્ર તત્ત્વ છે. અને સ્વયંપૂર્ણ છે. એ ક્યારેય હાલતું ચાલતું નથી. એ સદા સ્થિર રહે છે, હંમેશાં એકસમાન જ રહે છે. આમ છતાં એ મન કરતાં પણ વધારે વેગથી ગતિ કરે છે. એની સત્તાથી, એની શક્તિથી જ બધું ગતિશીલ થાય છે. અને જે રીતે આ આખું જગત ચાલે છે, તે એમની શક્તિ જ ચલાવે છે. એ જ વિશ્વના સ્વામી એવા અવકાશવાસી માતરિશ્વાને શક્તિ આપે છે. કાર્યકારણના સિદ્ધાંતને પ્રયોજવામાં આ માતરિશ્વા જવાબદાર છે.

આ બ્રહ્મને વર્ણવવાનો કોઈ ઉપાય નથી. એ વાણી અને વિચારથી પર છે. એ બધે ઠેકાણે છે, બધામાં એ છે, એને કોઈ આકાર નથી, છતાં એકે એક રૂપ એનું જ છે. એને કોઈ નામ નથી છતાં બધાં નામો તેનાં જ છે. એ એક અનોખી ઘટના છે. એ વાત ઉપર ભાર મૂકવા માટે ઉપનિષદ પરસ્પર વિરોધી વિધાનો કરે છે. ઉપનિષદ એકીશ્વાસે કહી દે છે કે બ્રહ્મ અચલ છે અને બીજે જ શ્વાસે તે કહે છે કે તે મન કરતાં પણ ઝડપથી ગતિ કરે છે! ‘मनसोजवीयो’ આમ કહીને તે શું કહેવા માગે છે?

આનો ઉત્તર એ છે કે બ્રહ્મને બે બાજુઓ – બે સ્વરૂપો છે. એક સ્વરૂપે તે કશી વિશેષતા-ગુણો વગરનું-નિર્ગુણ છે. તે અનંત છે એ વિશુદ્ધચૈતન્ય છે. તે વખતે તે અનંત સત્તારૂપ, અનંત જ્ઞાનરૂપ અને અનંત આનંદરૂપ છે. એ વૈશ્વિક આત્મા-પરમાત્મા છે.

અને બીજા સ્વરૂપે બ્રહ્મ વિશેષતાવાળું – ગુણવાળું – સગુણ છે. અને ત્યારે તે એના સાપેક્ષ સ્વરૂપમાં હોય છે. એ સ્વરૂપમાં એને આકાર રૂપ સંભવી શકે છે. અને એના ઘણા સારા-ખરાબ નાના અનો મોટા અને એવા એવા અનેક ગુણો પણ હોઈ શકે છે. આવા ગુણોની તો અગણિત વિવિધતાઓ છે. અને આપણે અહીં એ યાદ રાખવું જોઈએ કે આ બધા ફક્ત ગુણો છે, ફક્ત પ્રક્ષેપણો જ છે, ફક્ત અધ્યાસ જ છે. બ્રહ્મને કશી અસર કરતા નથી. એ બધા તો બાળકો પેહેરે એવા બુરખાઓ જ છે.

મન પોતે તો જડ છે. જ્યારે આત્મા કે પરમાત્મા (બ્રહ્મનું બીજું નામ) એને જીવિત કરે છે ત્યારે જ તે કાર્ય કરી શકે છે. એ કંઈ આત્માના વેગ કરતાં વધારે વેગથી દોડી શકે નહિ. કારણ કે આત્મા જ તો એને હલાવી-ચલાવી આપે છે! એને આત્મા જ સર્વવ્યાપક છે. આ જ વાત શરીરની બીજી બધી ઇન્દ્રિયોને પણ લાગુ પડે છે. આ ઇન્દ્રિયોને ‘દેવો’ કહેવામાં આવે છે. કારણ કે, તે પ્રકાશિત કરે છે અને વળી આ બાબત પ્રકૃતિનાં બધાં જ તત્ત્વોને પણ એ જ રીતે લાગુ પડે છે. એ જ એક માત્ર શક્તિ છે કે, જે કારણ પાછળ અને કાર્ય પાછળ કામ કરી રહી છે.

હવાનો જ દાખલો લો. જ્યારે એ આત્મા સાથે સંલગ્ન થાય છે, ત્યારે એ હવાને ‘જીવનશક્તિ’ કહેવામાં આવે છે. કારણ કે એ અવકાશમાં (માતરિ) વાય છે (શ્વા). પરંતુ એ સક્રિય તો થઈ જાય છે. (બ્રહ્મની વ્યક્તિ તરીકે સર્વપ્રથમ અભિવ્યક્તિ હિરણ્યગર્ભ છે). એને ‘સૂત્રાત્મા’ (એટલે કે સર્વનો વૈશ્વિક આત્મા, હારમાં પરોવાયેલા દોરાની જેમ) પણ કહેવામાં આવે છે. પ્રકૃતિની અલ્પજીવી વસ્તુઓ પર સ્વામિત્વ ધરાવતું બ્રહ્મનું આ ‘નિયંતા’નું સ્વરૂપ છે. ‘એના ભયથી અગ્નિ તપે છે, એના જ ભયથી સૂર્ય પ્રકાશે છે, એના જ ભયથી ઇન્દ્ર અને વાયુ અને પાંચમો વાયુ દોડે છે.’ (કઠોપનિષદ, ૨/૩)

બ્રહ્મથી સ્વતંત્ર રહીને કશું જ થઈ શકતું નથી. અને છતાં એને કશું જ અસર કરી શકતું નથી. આ સમગ્ર પરિવર્તનશીલ જગત અને જગતમાં રહેલા બધા જ પદાર્થો બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયા છે એનાથી પળાઈ-પોષાઈ રહ્યા છે અને છેવટે એમાં જ લય પામે છે.

(ક્રમશ:)

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.