(ગતાંકથી આગળ)

કલકત્તાના એક સુવિખ્યાત વકીલના સુપુત્ર, જેની પ્રતિભા એવી હતી કે જે યુગોમાં ક્યારેક જ પ્રગટ થાય છે. અને આવી પ્રતિભાની સમક્ષ જગત આશ્ચર્યચક્તિ થઈને નતમસ્તક બની જાય છે. જેની સેવામાં લક્ષ્મી અને સરસ્વતી હાથ જોડીને જાણે ઉભી રહે છે, એવા યુવાન નરેન્દ્રનાથ યુવાવસ્થામાં જ સંસારના સુખ અને વૈભવોનો ત્યાગ કરીને કૌપીનધારી સંન્યાસી બની જાય છે.

એનું શું કારણ છે? આ સર્વે મનીષીઓ અને મહાપુરુષો એ જાણી લીધું હતું કે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા સુખ કરતાં કરોડો ગણું વધારે ચિરસ્થાયી સુખ છે, જેને પ્રાપ્ત કરી શકાય છે, જેનો અનુભવ કરી શકાય છે. પરંતુ આ અનુભૂતિ ઈન્દ્રિયો દ્વારા થતી નથી. એની અનુભૂતિ થાય છે, વાસના-ગંધરહિત પરમ પવિત્ર મનથી.

ઘણીવાર મનમાં એ સંદેહ થાય છે કે શું મન દ્વારા આવા સુખની અનુભૂતિ થઈ શકે છે? અને જો થઈ શકતી હોય તો શું તે લાંબા સમય સુધી ટકી શકે છે? આવો, આપણા અનુભવથી જ આ વાતની પરીક્ષા કરીએ.

આપણને આપણી રૂચિ પ્રમાણેનું સ્વાદિષ્ટ ભોજન આપણે જેટલા પ્રમાણમાં ઇચ્છીએ અને જેટલા સમય સુધી ઇચ્છીએ ત્યાં સુધી મળી રહે છે. આાપણે તે ભોજનનો આનંદ કેટલા પ્રમાણમાં અને ક્યાં સુધી લઈ શકીએ છીએ? જ્યાં સુધી આપણું પેટ ભરાયું ન હોય. વીસ મિનિટ, અર્ધો કલાક અને કેટલોક સમય? એનાથી વધારે નહીં. પેટ ભરાઈ ગયા પછી જો આપણે વધારે ખાવાનું ખાશું તો ઉબકા આવવા લાગશે. સ્થૂલ ઈન્દ્રિયોથી મળતાં બધાં સુખોની આ જ દશા છે.

પરંતુ માની લો, કે આપણે આપણી રૂચિનું કોઈ સુંદર ભજન સાંભળી રહ્યા છીએ. કોઈ સુંદર સંગીત સાંભળી રહ્યા છીએ. તો તેને આપણે કલાકો સુધી સાંભળી શકીએ છીએ. એટલું જ નહીં પણ ગીત પુરું થયા પછી પણ તેને યાદ કરીને આપણે લાંબા સમય સુધી તેનો આનંદ માણી શકીએ છીએ. અને જો કોઈ વ્યક્તિ સંગીતકાર હોય તો તો તે આનંદમાં જીવનભર ડૂબેલો રહી શકે છે.

જો કોઈ વ્યક્તિએ સુંદર કવિતા વાંચી હોય કે કોઈ સરસ પુસ્તક વાંચ્યું હોય તો તે કવિતા કે પુસ્તકના આનંદમાં લાંબા સમય સુધી મગ્ન રહી શકે છે.

આનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સ્થૂળ ઈન્દ્રિયોની તુલનામાં મનનો આનંદ વધારે તીવ્ર અને વધારે લાંબા સમય સુધી રહે છે. એ જ રીતે મનની તુલનામાં બૌદ્ધિક આનંદ વધારે ઊંડો અને વધારે લાંબા સમય સુધી રહેનારો હોય છે. ગણિતશાસ્ત્રી પોતાના ગણિતના કોયડાઓને હલ કરવામાં જીવન વિતાવી શકે છે. એવી જ રીતે કોઈ તત્વચિંતક તત્વજ્ઞાનના જટિલ પ્રશ્નો પર ચિંતન કરીને, એના પર લખીને, એક સૂક્ષ્મ આનંદમાં મગ્ન રહીને જીવન વિતાવી દે છે.

શારીરિક સુખની તુલનામાં માનસિક સુખ વધારે સ્થાયી હોય છે, માનસિક સુખની તુલનામાં બૌદ્ધિક સુખ વધારે ટકે છે, પરંતુ આ બધા સુખોથી અત્યંત શ્રેષ્ઠ એક બીજું સુખ છે, જેનો અનુભવ આપણે હંમેશા કરીએ છીએ, અને તે સુખ છે નિદ્રાનું સુખ.

કોઈ માણસને જો એમ કહેવામાં આવે કે અમે તમને શારીરિક માનસિક અને બૌદ્ધિક સુખ તમે જેટલા લાંબા સમય સુધી અને જેટલા પ્રમાણમાં ઇચ્છો તેટલું આપી શકીએ છીએ. પરંતુ તમને સૂવા દેવામાં નહિ આવે તો શું કોઈ પણ માણસ એને મટે રાજી થશે? જગતનો લંપટમાં લંપટ માણસ પણ જ્યારે ભોગ ભોગવવાથી થાકી જાય છે ત્યારે તે સૂવા ઇચ્છે છે. નિદ્રાના સમયે જગતનો કોઈ પણ ભોગ તેને આકર્ષિત કરી શકતો નથી.

આ રીતે આપણે જાણી શકીએ છીએ કે આપણા જીવનનું સર્વશ્રેષ્ઠ સુખ એ નિદ્રાનું સુખ છે. નિદ્રાના સુખનો અનુવ આપણને કઈ ઇન્દ્રિયથી થાય છે? જ્ઞાનેન્દ્રિયોથી? ના, જ્યાં સુધી જ્ઞાનેન્દ્રિયો જાગ્રત રહે છે ત્યાં સુધી આપણેને ઊંઘ આવતી નથી. કમેન્દ્રિયોથી? ના, જ્યાં સુધી કર્મેન્દ્રિયો કાર્યરત રહે છે ત્યાં સુધી આપણને ઊંઘ આવતી નથી. એનાથી એ સાર નીકળે છે કે નિદ્રાનો અનુભવ ઇન્દ્રિયાતીત અનુભવ છે. આ અનુભવ તે દૃષ્ટાને થાય છે, જે પોતે સૂતો નથી.

પરંતુ નિદ્રાની અનુભૂતિ આપણને અજ્ઞાનની દશામાં થાય છે. જો પૂરેપૂરા જાગ્રત રહીને નિદ્રાની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય તો તેનું નામ સમાધિ છે. કઠોપનિષદમાં ઋષિ આ અવસ્થાનું વર્ણન કરે છે

यदा पञ्चावतिष्ठन्ते ज्ञानानि मनसा सह ।
बुद्धिश्च न विचेष्टति तामाहुः परमां गतिम् ॥
(૧૦.૨.૩)

જ્યારે મનસહિત પાંચેય જ્ઞાનેન્દ્રિયો સ્થિર થઈ જાય છે અને બુદ્ધિ પણ કોઈ હલચલ નથી કરતી એ સ્થિતિને પરમ અનુભૂતિની સ્થિતિ કહે છે.

પરંતુ આ સ્થિતિ નિદ્રાથી તદ્દન જુદી જ છે. એમાં વ્યક્તિ બધી રીતે વાસનામુક્ત થઈને પૂર્ણ જાગ્રત, સાવધાન અને ચૈતન્યમય બનીને લાંબા સમય સુધી ગુરુના માર્ગદર્શનમાં ધ્યાનનો અભ્યાસ કરે ત્યારબાદ ક્યારેક આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ મેળવ્યા પછી અજ્ઞાન હંમેશ માટે બધી રીતે દૂર થઈ જાય છે.

પરંતુ નિદ્રાની સ્થિતિમાં અજ્ઞાન પૂરેપૂરું હોય છે એટલે નિદ્રામાંથી જાગતા મનુષ્ય તે આત્માના આનંદનો અનુભવ કરી શકતો નથી અને ફરીથી સંસારના સુખોની પાછળ દોડવા લાગે છે.

પુણ્યભૂમિ ભારતવર્ષમાં વૈદિકકાળથી આજ સુધીમાં એવા સેંકડો મહાપુરુષો થઈ ગયા છે. જેમણે આ સ્થિતિનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો અને આપણા માટે તેઓ ઉચ્ચતમ અનુભૂતિનો માર્ગ પણ બતાવી ગયા છે.

સર્વ રીતે અજ્ઞાનનો નાશ કરીને આ પ્રકારની અનુભૂતિ મેળવવાથી શું થાય છે? મનુષ્યને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. તે જ જગતનું પરમ સત્ય છે. જેને ઉપનિષદોમાં બ્રહ્મ કહેવામાં આવ્યું છે.

ब्रह्मविद्‌ ब्रह्मेव भवति ।

બ્રહ્મને જાણનાર બ્રહ્મસ્વરૂપ જ બની જાય છે. બ્રહ્મજ્ઞાન થવાથી મનુષ્ય સર્વજ્ઞ અને સર્વશક્તિમાન બની જાય છે. તેના જીવનમાં કોઈ અભાવ રહેતો નથી. તે પૂર્ણકામ બનીને સર્વ પ્રકારે તૃપ્ત બની જાય છે. તેના જીવનમાં પછી દુ:ખો રહેતાં નથી. અને તે પરમ આનંદની પ્રાપ્તિ કરી લે છે. આ જ માનવ જીવનની સફળતા છે. અને આ જ જીવનની પૂર્ણતા છે.

માનવજીવનનો ઉદ્દેશ કે પ્રયોજન આ છે કે આપણે મૃત્યુ પહેલાં આ પ્રકારની અનુભૂતિ પ્રાપ્ત કરી લઈએ. એને જ આત્માનુભૂતિ, આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન કહેવામાં આવે છે.

આ પૂર્ણતાની અનુભૂતિ કે જીવનના ઉદ્દેશની પ્રાપ્તિ ફક્ત, માનસિક અને દૈહિક આધાર પર થઈ શકતી નથી. મનુષ્યે દેહ અને ભૌતિક સુખોથી ઉપર ઉઠવું પડશે. એ માટે તેણે પોતાના મનને દૈહિક સુખ, ઉપભોગમાંથી હટાવીને ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર એકાગ્ર કરવું પડશે. મનને શુદ્ધ અને પવિત્ર કરવું પડશે. કેમ કે શુદ્ધ અને પવિત્ર મન દ્વારા જ આ પરમજ્ઞાન મેળવી શકાય છે. પવિત્ર અને શુદ્ધ મનથી જ આત્માનુભૂતિ કરી શકાય છે.

આત્માનુભૂતિ વગર મનુષ્યને પરમશાંતિ અને સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. પરમસુખ અને શાંતિની પ્રાપ્ત કરવાની ઇચ્છા એ મનુષ્યની મૂળભૂળ ઇચ્છા છે. તેને કેટલાક જન્મો સુધી, કેટલાક કાળ સુધી ભલે ભૂલી જવામાં આવે, દબાવીને રાખવામાં આવે, પરંતુ હંમેશ માટે એને દબાવી શકાતી નથી. કોઈ ને કોઈ જન્મમાં, કોઈને કોઈ દિવસે મનુષ્ય સાંસારિક સુખોથી, ઇન્દ્રિયોના ઉપભોગોથી જરૂર કંટાળી જાય છે. બધા જ સુખ તેને અપૂર્ણ અધૂરા લાગવા માંડશે અને ત્યારે તેનું મન સુખ અને શાંતિ માટે વ્યાકુળ બની ઊઠશે.

પ્રકૃતિ લાખો, કરોડો વર્ષો સુધી મનુષ્ય સિવાયના બધા દેહોના માધ્યમ દ્વારા ચૈતન્યને પ્રકાશિત કરવાનો, એની અભિવ્યક્તિ કરવાનો પૂરો અવસર આપીને નિષ્ફળ ગઈ. એ દેહોમાં ચૈતન્ય પોતાની સંપૂર્ણ અભિવ્યક્તિ કરી શક્યું નહિ. ત્યારે પ્રકૃતિએ મનુષ્યદેહની રચના કરી અને એ દેહમાં પણ મન નામના તત્ત્વની વિશેષ જોગવાઈ કરી. આ મનને લઈને જ વિકાસના ક્રમોમાં એક કલ્પનાતીત આશ્ચર્યજનક ક્રાંતિ સર્જાઈ.

ચૈતન્ય અસીમ અને અનંત છે. આથી પોતાની અભિવ્યક્તિને માટે તેને એક અસીમ વિરાટ માધ્યમની જરૂર હતી. મનુષ્યદેહમાં તેને માનવમનના રૂપમાં એ માધ્યમ મળ્યું. શરીરની સરખામણીમાં મન અસીમ અને અનંત છે. આજ સુધી વિરાટ શરીરોના માધ્યમથી જે ચૈતન્ય પોતાને અભિવ્યક્ત કરવામાં નિષ્ફળ બન્યું તેનું હવે મનુષ્ય શરીરમાં અકસ્માતે મન નામનું એક એવું માધ્યમ મળ્યું કે જેની સહાયતાથી શરીરની સરખામણીમાં તેણે પોતાને હજારો લાખો ગણું વધારે અભિવ્યક્ત કરવામાં પોતાને સમક્ષ જાણ્યું. એટલું જ નહિ તે ચૈતન્યે એ અનુભવ કર્યો કે સંપૂર્ણ શુદ્ધ માનવમન તે ચૈતન્યની અભિવ્યક્તિ અને અનુભૂતિ માટેનું પૂર્ણ સમર્થ માધ્યમ છે. તે ચૈતન્યે એ પણ અનુભવ કર્યો કે તેના પોતાના સિવાય મનથી મોટી બીજી કોઈ શક્તિ નથી. ચૈતન્યને બાદ કરતા મનની કોઈ સીમા નથી. તે વિશ્વ બ્રહ્માંડમાં અસીમ છે. ફક્ત આત્મા, બ્રહ્મ કે ચૈતન્ય જ મનની સીમાની બહાર છે. અન્યથા બીજું બધું મનની સીમાની અંદર જ રહેલું છે. વિશ્વ બ્રહ્માંડમાં એવું કોઈ સ્થળ નથી કે જ્યાં મન ન જઈ શકે.

આવા મહાન મનને કુદરતે માનવદેહમાં રાખેલું છે. આવા વિશાળ અને મહાન શક્તિશાળી મનના અધિકારી હોવા છતાં પણ મનુષ્ય ક્ષુદ્ર પશુઓની જેમ જીવન વિતાવી રહ્યો છે. આવી અનંત શક્તિનો વારસદાર થઈને પણ મનુષ્ય ભિખારીની જેમ ગલીએ ગલીએ, ઘેર ઘેર ભટકી રહ્યો છે. ધન, સંપત્તિ, પદ, નામ, યશ, વૈભવ વગેરે મેળવ્યા પછી પણ હાથમાં ભિક્ષાપાત્ર લઈ આમ તેમ ભટકી રહ્યો છે. ‘હે શરાબની બોટલ મને એક બુંદ સુખ દે! હે માંસ અને ચામડીનો સ્પર્શ મને થોડી ઉત્તેજના દે! હે સ્વાદિષ્ટ ભોજન મને થોડો આનંદ દે!’ પોતાની મર્યાદા, પ્રતિષ્ઠા અને સન્માનને પણ હોડ પર મૂકીને ક્ષુદ્ર ઇન્દ્રિયસુખની પાછળ પાછળ ભિખારીની જેમ ફરી રહ્યો છે. જનતા ઉપર શાસન કરનારા કહેવાતા શાસનાધિકારીઓ ધન અને રૂપની પાછળ ભિખારીથી પણ બદતર થઈને સમાજમાં ભટકી રહ્યા છે.

શું આ મનુષ્યતા છે? શું આ દુર્લભ માનવ જીવનનું પ્રયોજન છે? પશુ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે કાર્ય કરે છે. પ્રકૃતિ તેને જે રીતે ચલાવે છે તે રીતે ચાલે છે. પરંતુ મનુષ્ય ઇન્દ્રિયોનો ગુલામ બનીને અને લંપટ થઈને પશુ કરતાં પણ નીચો ઊતરી જાય છે.

મનુષ્યનો દેહ એટલા માટે નથી મળ્યો. તે એટલા માટે મળ્યો છે કે મનુષ્ય મસ્તક ઊંચું રાખીને ગર્વથી કહી શકે કે હું મારા શરીર અને મનનો સ્વામી છું. મારી ઇચ્છા વિરુદ્ધ કોઈ પણ પ્રલોભન મને લલચાવી શકતું નથી. જગતમાં મને કંઈ પણ ભયભીત કરી શકતું નથી. કોઈ પણ વિપત્તિ મને વિચલિત કરી શકતી નથી. કોઈ દુ:ખ મને દુ:ખી કરી શકતું નથી.

મનુષ્યની અંદર આ શક્તિ છે. મનુષ્યે પોતાની આ શક્તિનું સ્મરણ અને અનુભવ જીવનભર કરવાનો છે. અને આ દેહમાં મૃત્યુ પહેલાં તેનો અનુભવ કરી લેવાનો છે. હજારો વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણે અર્જુનને માધ્યમ બનાવીને સમગ્ર વિશ્વના લોકોને એ વાત જણાવી કે તમે અજર, અમર, શાશ્વત આત્મા છો. તમે દેહ નથી. દેહ તો અનિત્ય છે તમે નિત્ય, મુક્ત, શુદ્ધ, બુદ્ધ આત્મા છો.

આપણા યુગમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે કહ્યું: ‘પ્રત્યેક જીવ અવ્યક્ત બ્રહ્મ છે. આ અવ્યક્ત બ્રહ્મની અભિવ્યક્તિ એ જ માનવ જીવનનો ઉદ્દેશ છે. આંતરિક અને બાહ્ય પ્રકૃતિનું નિયંત્રણ કરીને આ બ્રહ્મને અભિવ્યક્ત કરો.’ સત્ય એ છે કે આપણી અંદર જ તે બ્રહ્મ-આત્મા -ચૈતન્યશક્તિ જે કંઈપણ કહીએ તે બિરાજમાન છે. આપણે આ વાત ઉપર દૃઢપણે વિશ્વાસ કરવો જોઈએ. સાથે સાથે આપણા પોતાના ઉપર પણ દૃઢ અને અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ. આત્મવિશ્વાસ એ આત્માનુભૂતિનું પ્રથમ સોપાન છે.

પોતાના અંત:કરણમાં અવ્યક્ત રૂપે રહેલા આ બ્રહ્મની અનુભૂતિ કરી તેને પ્રગટ કરવું, દૈનિક જીવનમાં તેને પ્રકાશિત કરવું એ માનવ જીવનનો ઉદ્દેશ છે.

આ ઉદ્દેશને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? સ્વામી વિવેકાનંદે કહ્યું છે, આંતરિક અને બાહ્ય પ્રકૃતિના નિયંત્રણ દ્વારા. આ નિયંત્રણ કોઈ પણ માર્ગ દ્વારા કરી શકાય છે. પછી એ જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા, કર્મ દ્વારા કે સાષ્ટાંગ યોગ દ્વારા. કોઈ એક અથવા એકથી વધારે દ્વારા આ ઉદ્દેશ સિદ્ધ કરી શકાય છે.

પરંતુ એ યાદ રાખવું ઘટે કે ફક્ત બાહ્ય પ્રકૃતિ પર વિજય મેળવીને આત્માનુભૂતિ પ્રાપ્ત કરી શકાતી નથી. તેને માટે મનુષ્યે આંતરિક પ્રકૃતિ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. છેલ્લાં બસો-અઢીસો વર્ષોમાં મનુષ્યે બાહ્ય પ્રકૃતિ પર આશ્ચર્યકારક વિજય પ્રાપ્ત કરી લીધો છે. હવે તે પક્ષીઓની જેમ હવામાં ઊડી શકે છે. માછલીઓની જેમ પાણીમાં તરી શકે છે. વરાળ, વીજળી, અણુશક્તિ વગેરેનો સ્વામી થઈને મનુષ્ય જાણે, બાહ્ય પ્રકૃતિનો માલિક જ બની બેઠો છે. સંચાર સાધનો દ્વારા તેણે જાણે પૃથ્વીનું અંતર જીતી લીધું છે!

પરંતુ બાહ્ય પ્રકૃતિનો સ્વામી આ મનુષ્ય પોતાની આંતરિક પ્રકૃતિનો માલિક નથી. ધન અને તનનું આકર્ષણ તેને વાંદરાની જેમ નચાવી રહ્યું છે. ઈર્ષ્યા અને ક્રોધથી તેનું હૃદય ધખી રહ્યું છે. વૈભવ અને સામર્થ્યના શિખર ઉપર બેઠેલો હોવા છતાં પણ તેનું જીવન ક્ષુભિત, અશાંત અને અસંતુલિત બની ગયું છે.

થોડીક સંપત્તિનો લોભ; પિતા-પુત્રમાં, ભાઈ-ભાઈમાં દુશ્મનાવટ ઊભી કરી દે છે. થોડીક કડવી વાત, થોડોક મતભેદ દાંપત્યજીવનમાં ઝેર રેડી દે છે.

મોટાભાગના મનુષ્યો નિરર્થક આશા, આકાંક્ષાઓ બીનજરૂરી નિરર્થક સંગ્રહ, પદવી અને અધિકાર પ્રાપ્ત કરવાની ઇચ્છા વગેરેથી હંમેશાં દુ:ખી, ઉદ્વિગ્ન અને વિક્ષુબ્ધ રહે છે. આ બધાના મૂળમાં એક જ કારણ છે અને તે છે આંતરિક પ્રકૃતિ પર નિયંત્રણનો અભાવ. મનુષ્ય પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખી શકતો નથી. એટલા માટે તે બધા જ પ્રકારનું દુ:ખ પ્રાપ્ત કરે છે.

બાહ્ય પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરવો એ સારી વાત છે પણ આંતરિક પ્રકૃતિ ઉપર વિજય મેળવવો એ એનાથી કરોડો ગણી વધારે સારી વાત છે. કેમકે ત્યારે જ જીવન સુખ શાંતિમય બનશે કે જ્યારે આપણે આપણી આંતરિક પ્રકૃતિ ઉપર વિજય મેળવવા સમર્થ બનશું. જે દિવસે આપણે આપણી આંતરિક પ્રકૃતિ ઉપર વિજય મેળવીને સંપૂર્ણપણે પવિત્ર અને નિ:સ્વાર્થ બની જશું તે દિવસે આપણા અંત:કરણમાં સૂતેલા પરમાત્મા જાગી ઊઠશે. આપણા હૃદયનું અવ્યક્ત બ્રહ્મ વ્યક્ત થઈને પ્રગટ થશે. આ જીવનમાં, આ દેહમાં આપણે મૃત્યુને જીતીને મૃત્યુંજય બની જશું. જીવન મુક્ત બની જશું.

માનવ જીવનનો આ પરમ ઉદ્દેશ છે. આના ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ અને સાવધાન રહેવું જોઈએ કે ક્યાંક રાગરંગ, આનંદપ્રમોદ, વગેરેમાં જ આટલું દુર્લભ મૂલ્યવાન મનુષ્યજીવન વ્યર્થ ન બની જાય. સુઅવસર ચૂકી ન જવાય.

જો આપણે દૃઢ સંકલ્પ કરી લઈએ તો આજે આ ક્ષણથી જ આપણે જીવનના આ મહાન ઉદ્દેશની સિદ્ધિની દિશામાં પ્રત્યક્ષ રૂપે પ્રારંભ કરી શકીએ છીએ. જગતના બધા ધર્મોમાં જીવનના આ મહાન લક્ષ્યની પ્રાપ્તિના માર્ગો છે. જગતના મહાપુરુષોએ બતાવેલા ઉપાયો પણ આપણને ત્યાં લઈ જાય છે. જેવી આપણી રુચિ હોય, જેમાં આપણને સુવિધા હોય તે પ્રમાણે આપણે સાધનાનો પ્રારંભ કરવો જોઈએ. પરમાત્મા આપણને સહાય કરવા માટે હાજર છે.

(અનુવાદક : શ્રી જ્યોતિબહેન થાનકી)

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.