આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રિય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ યોગ્ય છે કે નહિ, એ ખરું છે કે નહિ, લાંબે ગાળે એ ફાયદાકારક છે કે નહિ, એ બધાની ચર્ચા અત્યારે હું કરવાનો નથી; એ યોગ્ય હોય કે ન હોય, આપણામાં એ આ રીતે પડી છે ખરી; તમારાથી તેમાંથી નીકળાય એમ નથી. આજે એ તમારામાં કાયમને માટે છે જ. અને આપણા ધર્મમાં મને જેટલી શ્રદ્ધા છે તેટલી તમને ન હોય તો પણ તમારે તેને નિભવવો જ પડશે. તમે એનાથી બંધાયેલા છો; જો તમે એને છોડી દેશો તો તમે તૂટીને ટુકડેટુકડા થઈ જવાના. ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ કેવળ તમે એની સંભાળ લીધી એ છે, એની ખાતર બીજા બધાનો તમે ભોગ આપ્યો એ છે. તમારા પૂર્વજોએ સર્વકંઈ બહાદુરીથી વેઠી લીધું. મૃત્યુ સુધ્ધાને ભેટ્યા, પરંતુ પોતાના ધર્મને તેમણે જાળવી રાખ્યો. પરદેશી વિજેતાઓએ અનેક મંદિરો તોડી નાખ્યાં, પરંતુ જેવું એ વિનાશનું મોજું પસાર થઈ ગયું કે તરત જ મંદિરનું શિખર પાછું ઊંચું આવી ગયું. દક્ષિણભારતના કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતનાં સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે; ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઇતિહાસમાં તમને એ વધુ ઊંડી દૃષ્ટિ આપશે. જુઓ તો ખરા કે નિરંતર તોડીફોડીને સાવ ખંડિયેર જેવાં કરી નાખવામાં આવતાં, અને નિરંતર ખંડિયેરોમાંથી પાછાં બંધાઈને ઊભાં થતાં, પુનર્જીવન પામેલા અને પૂર્વનાં જેવાં સદા મજબૂત આ મંદિરો કેવા સેંકડો હુમલાંઓનાં અને સેંકડો પુનરુત્થાનનાં ચિહ્‌નો ધારણ કરી રહેલાં છે! એ છે રાષ્ટ્રિય માનસ, એ છે રાષ્ટ્રિય જીવનપ્રવાહ. એનું અનુસરણ કરો તો એ તમને કીર્તિને પંથે લઈ જશે; એનો ત્યાગ કરો તો તમારો વિનાશ છે. જે ઘડીએ તમે એ જીવનપ્રવાહને ઉવેખીને ડગલું ભર્યું તે જ ક્ષણે એક માત્ર પરિણામ મૃત્યુ આવવાનું, એકમાત્ર ફળ સર્વનાશ જ મળવાનો. મારો કહેવાનો અર્થ એવો નથી કે બીજી બાબતોની જરૂર નથી; હું એમ કહેવા નથી માગતો કે રાજકીય કે સામાજિક સુધારા જરૂરના નથી; પણ હું જે કહેવા માગું છું તે આ છે, અને તમારે તે ખસૂસ ધ્યાનમાં રાખવાનું છે કે એ બધા અહીં ભારતમાં ગૌણ છે અને ધર્મ મુખ્ય છે. ભારતીય માનસ મુખ્યત્વે ધાર્મિક છે; બીજું બધું એને ગૌણ છે. તેથી એને મજબૂત બનાવવાનો છે.

– સ્વામી વિવેકાનંદ
(સ્વા.વિ.ગ્રં.મા. ભાગ : ૪, પૃ. ૧૬૨-૬૩)

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.