तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके।
तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥५॥

तत् एजति, તે (એટલે બ્રહ્મ) ચાલે છે, ગતિ કરે છે; तत् न एजति, (અને) તે હાલતું ચાલુતું પણ નથી; तत् दूरे, તે (ઘણું) દૂર છે; तत् उ अन्तिके, તે નજીક પણ છે; तत्, તે; अस्य सर्वस्य अन्त:, આ બધાનું અંતરતમ તત્ત્વ; तत् उ, વળી તે; अस्य सर्वस्य, આ બધાનું बाह्यत:, બહારનું નિહિત તત્ત્વ.

આ (બ્રહ્મ) હાલતું ચાલતું છે. અને હાલતુંચાલતું છે પણ નહિ-સ્થિર છે; એ દૂર પણ છે અને નજીક પણ છે, એ બ્રહ્મ આ વિશ્વની ભીતર પણ છે અને એની બહાર પણ હસ્તી ધરાવે છે. (૫)

આ નામ અને રૂપ વગરના, આપણે વાણીથી કહી શકીએ તેવી કોઈ પણ વ્યાવર્તક વિશેષતા વગરના બ્રહ્મતત્ત્વને નિરૂપવાનો પ્રયત્ન કરવો, એ કેટલી બધી તુચ્છ બાબત છે, એ આ મંત્રમાં દાખલો આપીને દર્શાવવામાં આવ્યું છે. આ બ્રહ્મ કશું જ નથી અને છતાં બધું જ છે. એ એટલા માટે કશું જ નથી કે તે વાણી અને વિચારથી પર છે. અને એ એટલા મટે બધું જ છે કે તેમાં બધું જ સમાયેલું છે. એને લીધે જ આ બધું હસ્તી ધરાવે છે, અને એ જ બધાનું સારતત્ત્વ છે. એ એક અને અદ્વિતીય છે, શાશ્વત-પુરાણતત્ત્વ છે. છતાં એ જુદાં જુદાં નામે અને રૂપે વિવિધ સ્વરૂપે દેખાય છે. આ બધાં નામો અને રૂપો એ માત્ર એના ઉપરનાં પ્રક્ષેપણો જ છે. બધાથી ‘નિરપેક્ષ’ એવું તે જે છે, તે છે. એ શાશ્વત છે અને અપરિવર્તનીય છે. વળી તે કશાની કશી અપેક્ષા રાખતું નથી, કોઈ શરત નથી, એ બધાની અંદર છે અને બધાની પેલી પાર પણ છે.

બ્રહ્મ પોતે તો ક્યારેય ચલાયમાન થતું નથી, એ ક્યારેય પરિવર્તન પામતું નથી. એ જેવું છે એવું ને એવું જ સદા રહે છે. કેટલીક વાર આપણે ચંદ્રને કેટલાંક વાદળાં પાછળથી ગતિ કરતો જોઈએ છીએ પણ ખરી રીતે ચંદ ગતિ કરતો હોતો નથી. ગતિ તો વાદળાં જ કરતાં હોય છે. બરાબર એ જ પ્રમાણે બ્રહ્મ કે આત્મા તો હંમેશાં એકસમાન જ રહે છે. એ આત્મા (બ્રહ્મ) તો ક્યારેય મરતો નથી તેમ ક્યારેય જ જન્મતો પણ નથી; કારણ કે એ તો શરીર સાથે કેવળ સંકળાયેલો છે. અને તેથી જ તે જન્મનો અને મરણનો વિષય બનતો હોય, તેવું દેખાય છે. આપણે નવો ડગલો પહેરીએ છીએ અને જ્યારે તે જૂનોપુરાણો અને ફાટેલો તૂટેલો થઈ જાય, ત્યારે એને દૂર ફેંકી દઈએ છીએ. શરીર સાથે ડગલાનો આવો સંબંધ છે તો એવો જ સંબંધ શરીર અને આત્મા વચ્ચેનો પણ છે.

यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति ।
सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥६॥

य: तु, પરંતુ જે; आत्मनि एव, પોતાની અંદર જ; सर्वाणि भूतानि अनुपश्यति, બધાં પ્રાણીઓને બધી હસ્તીઓને જુએ છે; सर्वभूतेषु च, અને સફળ પદાર્થો (અસ્તિત્વો)માં; आत्मनम् (अनुपश्यति), આત્માને – પોતાને જુએ છે; तत:, આ અનુભવ થયા પછી न विजुगुप्सते, કોઈ તરફ ઘૃણા – તિરસ્કાર કરી શકતો નથી.

જે માણસ બધાને પોતાના આત્મામાં જ જુએ છે, અને બધામાં પોતાના આત્માને નિહાળે છે, તે ક્યારેય કોઈને ધિક્કારતો નથી. (૬)

આવા અનુભવને ‘સમદૃષ્ટિ’ (એટલે કે એકસમાન દૃષ્ટિકોણ) કહેવામાં આવે છે. બધા જ જીવોમાં અને પદાર્થોમાં એકસરખો જ આત્મા હોય છે. આપણે બધા તાત્વિક રીતે તો એક જ છીએ. કેવળ નામો અને રૂપોને કારણે જ અલગ અલગ છીએ. પરંતુ, આ નામો અને રૂપો તો માત્ર એક પ્રક્ષેપણ છે. એ કંઈ સાચાં નથી. અને એટલા માટે એ આત્માના- આપણા અસ્તિત્વના ભાગરૂપ-અંશરૂપ નથી. નામ અને રૂપ, એ એવા પ્રકારના પડદા જેવાં છે કે જેમાંથી ભીતરની સાચી વસ્તુને – સાચી સત્તાને – જોઈ શકાય. કોઈ છોકરો જાતજાતના મુખવટા પહેરીને એને મિત્રોને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી શકે. પહેલાં એ વાઘનો મુખવટો પહેરે છે અને વાઘના જેવું વર્તન કરે છે. તો એના ઘણા બધા મિત્રો એથી ડરી જાય છે. ત્યાર પછીની ક્ષણે એ વાંદરાનો મુખવટો પહેરે છે, અને વાંદરાની માફક કૂદાકૂદ કરવા લાગે છે. આ વખતે એના મિત્રો ખુશખુશાલ થઈ જાય છે. આવું થોડો વખત ચાલ્યા કરે છે. પણ છેવટે એ છોકરો પોતાના મુખવટા એક બાજુ મૂકી દે છે અને પોતાના ખરા સ્વરૂપમાં દેખા દે છે. ત્યારે એના મિત્રો (બીજા છોકરાઓ) જાણે છે કે એ તો પોતાના મિત્રો માંહેનો એક છે. પેલો છોકરો તો હંમેશાં એનો એ જ હતો; પરંતુ પેલા મુખવટાઓએ એને જુદો દેખાડ્યો હતો. આપણે બધા એક અને એના એ જ છીએ, બ્રહ્મરૂપ જ છીએ. ફક્ત નામ અને રૂપ જ આપણને અલગ અલગ દેખાડે છે.

આ મંત્ર આપણને એ રીતે જોવા માટે સલાહ આપે છે કે આપણે બધા તાત્ત્વિક રીતે એક જ છીએ. બ્રહ્મથી માંડીને ઘાસના એક તણખલાં સુધી કેવળ એક અને અદ્વિતીય તત્ત્વની જ સત્તા છે. એક સમગ્રની રચના કરવા માટે વિવિધ ભાગોને એક સાથે જોડી દેવા જેવી એ કોઈ બાબત નથી. આત્મા તો સમરસ જ છે, સર્વત્ર સમધર્મી છે. હું જો તમને ઈજા પહોંચાડું, તે હું મને-પોતાને જ ઈજા પહોંચાડું છું. આપણે ત્યારે જ સાચા અર્થમાં સુખી થઈ શકીએ કે જ્યારે આપણે બધા જ સુખી હોઈએ. આપણે બધા જ એટલે માનવો, પ્રાણીઓ, જીવજંતુઓ, ઝાડપાન, વગેરે. આ હસ્તીની એકતાનો સાક્ષાત્કાર કરવો, એ જ જીવનનો ઉદ્દેશ છે. આમ સૌ સાથેનો આ અસ્તિત્વનો ઐક્યભાવ, પછી કોઈ પણ જાતના ધિક્કાર કે ખાનગીપણાના ભાવ માટે અવકાશ રહેવા દેશે નહિ. ત્યાં તો ફક્ત એક પ્રેમને માટે જ અવકાશ રહેશે.

यस्मिन्सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानत: ।
तत्र को मोह: क: शोक एकत्वमनुपश्यत: ॥७॥

यस्मिन, જ્યાં કે જ્યારે; आत्मा एव, ફક્ત આત્મા જ; सर्वाणि भूतानि, બધા પદાર્થો; अभूत्, થઈ ગયાં હોય; तत्र, ત્યારે; विजानत:, એના જાણનારને; एकत्वम् अनुपश्यत:, બધે ઠેકાણે એક જ તત્ત્વને જોનારને; क: मोह:, કઈ આસક્તિ; क: शोक, શો શોક (હોય)?

જ્યારે કોઈ મનુષ્ય એ જાણી લે કે એ પોતે જ આ બધું છે અને બધા પદાર્થોનું ઐક્ય સમજી લે તો પછી એ કોઈને કેવી રીતે ધિક્કારી શકે કે સ્નેહ કરી શકે? (૭)

આત્મજ્ઞાનની ખરી કસોટી એ છે કે ત્યારે તમે બધા સાથે ઐક્યનો અનુભવ કરો છો. તમે બધે સ્થળે છો અને બધામાં રહેલા છો. ત્યાં ‘બે’ નથી, ત્યાં ‘એક’ જ છે. અને તે ‘એક’ તે તમે પોતે જ છો. આ ઐક્યની સમજણ (જ્ઞાન) એ જીવનનો ઉચ્ચતમ ઉદ્દેશ છે. ભૌતિક સ્તર ઉપર એમાં વિવિધતા છે, એ તો શંકા વગરની વાત છે, પરંતુ એ તો તમે પોતે જ જુદાં જુદાં નામ અને રૂપો ધારણ કરીને વિવિધ સ્વરૂપવાળા બન્યા છો. એનો અર્થ એવો નથી કે તમે પોતે બદલી ગયા છો. તમે તો હજુ પણ એક જ અને પહેલાંના સ્વરૂપવાળા જ છો.

જ્યારે તમારામાં આ પ્રકારનો ઐક્યભાવ હશે, ત્યારે આસક્તિ શોક અને ધિક્કારને કશો અવકાશ જ નહિ રહે. દ્વૈતને જોવું કે વિવિધતા-અલગતાને જોવી એ તો અજ્ઞાનની નીપજ છે. આત્માનુભૂતિથી – ઐક્યાનુભૂતિથી આ અજ્ઞાન સંપૂર્ણ રીતે નિર્મૂળ થઈ જાય છે.

स पर्यागाच्छुक्रमकायमव्रण
मस्नाविरं शुद्धमपापविद्धम् ।
कविर्मनीषी परिभू: स्वयंभूर्याथा
तथ्यतोऽर्थान्व्यदधाच्छाश्वतीभ्य: समाभ्य: ॥८॥

स पर्यगात्, તે (એટલે કે વિશ્વાત્મા) બધે સ્થળે વ્યાપીને રહ્યો છે; स: शुक्रम्, તે શ્વેત, તેજસ્વી છે; अकायम्, અશરીરી છે; अव्रणम्, અખંડ નક્કર, કોઈપણ જાતની ક્ષતિ વગરનો; अस्नाविरम्, સ્નાયુઓ વગરનો (એટલે કે ભૌતિક શરીર વગરનો); शुद्धम्, નિર્મળ; अपापविद्धम्, નિષ્કલંક (એટલે કે અજ્ઞાનના લેશ રહિત); कवि:, ડહાપણયુક્ત જ્ઞાની; मनीषी, સર્વજ્ઞ, પોતાના મનનો સંપૂર્ણ સ્વામી; परिभू:, સર્વોચ્ચ, બીજા બધા કરતાં ઊંચે સ્થાને રહેલ છે; स्वयंभू:, સ્વતંત્ર મૂળવાળા, કોઈ બીજા દ્વારા ન જન્મેલા, પોતાની ઇચ્છાથી જ પ્રકટ-વ્યક્ત થયેલા છે; शाश्वतीभ्य: समाभ्य:, અનાદિકાળથી; अर्थात्, ઘટનાઓને, કર્મફળોને; याथातथ्यत: व्यदधात्, જેને જે યોગ્ય હોય તે પ્રમાણે આપનાર છે.

તે આત્મા સર્વવ્યાપક, તેજસ્વી, નિરાકાર, ક્ષતિરહિત, નિષ્કલંક, વિશ્વાન્તર્યામી, સર્વજ્ઞ, પોતાના મનનો સ્વામી, સર્વોત્તમ, સ્વયંભૂ (અનાદિ) અને શાશ્વત છે. તે દરેકને તેનાં યોગ્ય કર્મફળ આપે છે. (૮)

શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, તેની ચર્ચા અહીં છે. જ્યાં સુધી આપણામાં દ્વૈતની-બેપણાની ભાવના છે, ત્યાં સુધી બીજા સાથેના આપણા સંબંધો કોઈકવાર મૈત્રીભર્યા તો વળી કોઈકવાર શત્રુતાભર્યા અવશ્ય રહેશે જ. એટલે આદર્શ તો એ છે કે આખાયે જગતને પોતાનું કરી રાખે એવું મન રાખવું જોઈએ. આકાશ જેવું વિશાળ મન રાખવું જોઈએ. એ વિશુદ્ધ હોવું જોઈએ; તેજસ્વી હોવું જોઈએ. મુક્ત અને સર્વગ્રાહી હોવું જોઈએ. આપણે પોતાના આત્માને બધાના આત્મા તરીકે અનુભવીએ, તો ઉપર્યુક્ત વાત શક્ય બને.

અદ્વૈતવાદ માને છે કે આત્માનું સાચું સ્વરૂપ આ જ છે. આના કરતાં કંઈ જુદું એ જો જણાતું હોય તો તે આગન્તુક જ છે. અને એ એના અસ્તિત્વનો કોઈ ભાગ-અંશ નથી. આત્મા તો કેવળ સાક્ષીસ્વરૂપ જ છે. અને આ પરિવર્તન પામતા રહેતા જગત સાથે એને કશી જ લેવાદેવા નથી. અને આમ હોવા છતાં પણ આ આત્માને કારણે જ આ સતત પરિવર્તન પામતું જગત ચાલ્યા કરે છે. એ એક દીપક સમાન છે. કોઈ એક દીપક પ્રકાશ આપે છે. એના વગર સારી કે નરસી કોઈપણ વસ્તુ જોઈ શકાતી નથી. પણ એ દીપકના પ્રકાશનો ગમે તેવા ઉપયોગ કરવામાં આવે, તો પણ એ વસ્તુની અસર દીપક ઉપર પડતી નથી. દીપક એ વસ્તુથી ખરડાતો નથી. એવી જ રીતે આ જગત વિરુદ્ધ આત્માની સ્થિતિ પણ છે.

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.