ભૂમિકા

આ ઉપનિષદનું નામ ‘કેન ઉપનિષદ’ એટલા માટે રાખવામાં આવ્યું છે કે ‘કેન’ એવા શબ્દથી એની શરૂઆત થાય છે. (‘કેન’ શબ્દનો અર્થ છે : કોના વડે.) આ પરિવર્તનશીલ જગત કોના વડે નિયમમાં રખાય છે?’ – એમ ઉપનિષદ પૂછે છે. એનો ઉત્તર છે : બ્રહ્મ વડે. એનું ઉદાહરણ આપવા માટે ઉપનિષદ એક કથા દર્શાવે છે કે બ્રહ્મ વગર દેવો કેવા નિ:સહાય બની ગયા. અને તેમની પાસે જો કોઈ શક્તિ જણાતી હોય તો તે કેવી રીતે બ્રહ્મમાંથી જ આવે છે. આ બ્રહ્મ જ એકમાત્ર પારમાર્થિક સત્‌ તત્ત્વ છે, એ જાણવું-અનુભવવું એ જ માત્ર જીવનનો ઉદ્દેશ છે. આવી અનુભૂતિ જ ફક્ત મોક્ષ આપી શકે. અને આ કેન ઉપનિષદ એ વાતની જ ચર્ચાવિચારણા કરે છે. ખરી રીતે તો બધાં જ ઉપનિષદો આ ઐક્ય-અદ્વૈત-ની જ ચર્ચા કરે છે. આવાં જ્ઞાન વગર તો મુક્તિ મેળવવાનો બીજો કોઈ જ માર્ગ નથી. આ જ સાચું જ્ઞાન છે, આ જ ‘પરાવિદ્યા’ છે. પોતે પ્રાપ્ત કરેલ અપરોક્ષ અનુભૂતિ-બ્રહ્માનુભવ પણ આ જ છે. બીજું બધું જ્ઞાન તો નિમ્નકક્ષાનું જ્ઞાન છે. એ ‘અપરાવિદ્યા’ કહેવાય છે. તમે બ્રહ્મની સાથે એકરૂપ છો, એ જાણવું, એ ઉચ્ચતમ જ્ઞાન છે. આ જ્ઞાન જ તમને અનંત શાંતિ અને અનંત આનંદ આપી શકશે.

શાંતિપાઠ

ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि । सर्वम् ब्रह्मौपनिषदम् माऽहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोदनिराकरणमस्त्वनिराकरणम् मेऽस्तु। तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॥

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

મારા બધા અવયવો મજબૂત થાઓ. તેવી જ રીતે મારા શ્વાસ, મારી વાણી, આંખકાન અને બીજાં બધાં અંગો બળવાન બનો. આ બધું જ બ્રહ્મ છે. એને વિશે ઉપનિષદો બોલે છે. હું બ્રહ્મથી ક્યારેય પાછી પાની નહિ કરું. અને બ્રહ્મ ક્યારેય મારાથી પાછું ન વળો – અથવા બ્રહ્મ મને ક્યારેય પાછો ન ધકેલો. ક્યારેય કશી પીછેહઠ ન હો. ઓછામાં ઓછું મારા તરફથી તો ક્યારેય પાછી પાની ન થાઓ. હું આત્માના પરિશીલનમાં તલ્લીન છું. આવા પરિશીલનમાં સફળ થવા માટે આવશ્યક એવા જે ગુણો ધારણ કરવા યોગ્ય હોય, તે ઉપનિષદો વર્ણવે છે. એવા ગુણો-ધર્મોને-હું ધારણ કરનાર થાઉં. ૐ શાંતિ, શાંતિ, શાંતિ.

આ શક્તિ માટેની પ્રાર્થના છે. શા માટે આપણે શક્તિપ્રાપ્તિની પ્રાર્થના કરીએ છીએ? આપણને એટલા માટે શક્તિની આવશ્યકતા છે કે જેથી આપણે ઉપનિષદને સમજી શકીએ – કે જેથી આપણે બ્રહ્મને પિછાણી શકીએ, પરમાર્થ સત્‌તત્ત્વને જાણી શકીએ. ઉપનિષદમાં એ તત્ત્વની ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. હું સત્યને ઝંખું છું, હું ઉપનિષદમાં રહેલા જ્ઞાનની ઇચ્છા ધરાવું છું. પરંતુ, મુંડકોપનિષદમાં કહ્યું છે તે પ્રમાણે, ‘નાયમાત્મા બલહીનેન લભ્ય:’ – ‘બળ-શક્તિ-વગરના મનુષ્ય વડે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી.’ (મુંડક. ૨/૩/૨/૪) આ જ્ઞાન બળવાન મનુષ્યો માટે જ છે. શારીરિક બળ, બૌદ્ધિક બળ અને નૈતિક બળ – જેમનામાં હોય તેમને માટે જ છે. ઉપનિષદો તો સમજવામાં કઠિન છે અને સૂક્ષ્મ છે. બલહીન મનુષ્યો બ્રહ્મને સમજી ન શકે. એટલે આ પ્રકારની પ્રાર્થના ઘણી મહત્ત્વની છે.

પ્રથમ ખંડ

केनेषितं पतति प्रेषितं मनः। केन प्राणः प्रथमः प्रैति युक्तः।
केनेषितां वाचमिमां वदन्ति। चक्षुः श्रोत्रं क उ देवो युनक्ति ॥

केनेषितम्‌, કોની ઇચ્છા વડે; प्रेषितम्‌, કોના માર્ગદર્શન દ્વારા; मनः पतति, મન (પોતાના વિષય ઉપર) પડે છે (એટલે કે મન પોતાના વિષય તરફ આકર્ષાય છે); केन, કોના વડે; प्राण:, સંજીવની શક્તિ; प्रथम:, સૌથી પહેલી; प्रैति, જાય છે, આગળ વધે છે; युक्त:, (કોના વડે) નિયુક્ત થયેલ; इमाम्‌ वाचम्‌, આ વાણીને (શબ્દોને); वदन्ति, (લોકો) કહે છે; चक्षु:, આંખ; श्रोत्रम्‌, કાન; देव:, પ્રકાશવાન દેવ; युनक्ति, માર્ગે પ્રેરે છે.

(શિષ્ય કહે છે -) કોની ઇચ્છા વડે મન વિષયો તરફ ખેંચાય છે? જીવનના પ્રથમ ચિહ્‌નરૂપ પ્રથમ સંજીવક શ્વાસને કોણ સંચાલિત કરે છે? કોના આદેશથી – સત્તાથી – લોકો શબ્દો બોલે છે? આંખ, કાન, (અને બીજા અવયવોને) કયો દેવ માર્ગદર્શન આપે છે? (૧)

ઉપનિષદ એક પાયાના પ્રશ્નથી ઊઘડે છે : ‘આપણી ઇન્દ્રિયોને કોણ કાબૂમાં રાખે છે?’ આ પ્રશ્ન એ પણ સૂચિત કરી જાય છે કે, ‘આ વિશ્વને કાબૂમાં રાખનાર કોણ છે?’ એ વાત તો ચોખ્ખી છે કે ઇન્દ્રિયો સ્વતંત્ર નથી. જો તે સ્વતંત્ર હોત, તો એના સંબંધમાં આવેલા મનુષ્યને છેવટે કશું નુકસાન થાય, એવું કોઈ કાર્ય તે કરત નહિ. આ પરિવર્તનશીલ સમગ્ર જગતનાં કાર્યોનો કોઈક દોરનારો તો છે જ. તો એ દોરનારો પુરુષ કોણ હશે?

श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत्। वाचो ह वाचं स उ प्राणस्य प्राणः।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥

श्रोत्रस्य श्रोत्रम्‌, કાનનો પણ કાન (એટલે કે શ્રોત્રેન્દ્રિય પાછળ રહેલી સાચી શક્તિ); मनस: मन:, મનનું પણ મન (એટલે કે મનની પાછળની સાચી શક્તિ); यत् वाच: ह वाचम्‌, તે કે જે વાણીની પણ વાણી છે (એટલે કે જે  વાગિન્દ્રિયની પાછળ રહેલી સાચી શક્તિ છે);  स उ प्राणस्य प्राणः, શ્વાસનો પણ શ્વાસ (એટલે કે શ્વાસ પાછળ રહેલી સાચી શક્તિ); चक्षुष: श्चक्षु:, આંખની પણ આંખ (એટલે કે નેત્રેન્દ્રિયની પાછળ રહેલી શક્તિ) ; धीराः, ડાહ્યા મનુષ્યો, વિવેકશીલ પુરુષો; अतिमुच्य, છોડીને (એટલે કે ઇન્દ્રિયો પોતાના અસ્તિત્વનો એક ભાગ છે – અંશરૂપ છે – એવા ખ્યાલને છોડી દઈને); प्रेत्य, અહીંથી છૂટા પડીને; अस्मात्‌ लोकात्‌, આ લોકમાંથી; अमृता: भवन्ति, અમર બની જાય છે.

(ગુરુ કહે છે:) એ બ્રહ્મ કર્ણેન્દ્રિયની પણ કર્ણેન્દ્રિય છે, એ મનનું પણ મન છે, વાણીની પણ વાણી છે, શ્વાસોનો પણ શ્વાસ છે, અને આંખની પણ આંખ છે. એટલા માટે શાણા વિવેકશીલ પુરુષો પોતે ઇન્દ્રિયો સાથે સંકળાયેલા છે, એવો ખ્યાલ છોડી દઈને આ જગતમાંથી અલગ થઈ જાય છે, એટલે આ જગતનો ત્યાગ કરી દે છે અને તેઓ અમર બની જાય છે. (૨)

આપણી ઇન્દ્રિયોની પાછળ રહેલી ખરી શક્તિ તો આત્માની જ શક્તિ છે. જ્યારે એ આત્મા એમાંથી પોતાની શક્તિને જેમ માણસના મરણ વખતે બને છે તેવી રીતે પાછી ખેંચી લે, તો એ ઇન્દ્રિયો બીજી રીતે – આકાર વગેરેમાં એવી ને એવી પહેલાંના જેવી જ, હોવા છતાં પણ કશું જ કાર્ય કરી શકતી નથી. સામાન્ય રીતે જો કે ‘પ્રેત્ય’ શબ્દનો વાચ્યાર્થ તે ‘મરણ પછી’ એવો થાય છે. પરંતુ પ્રસ્તુત સંદર્ભમાં એનો અર્થ ‘છોડીને’ અથવા ‘ત્યાગ કરીને’ એવો કરવાનો છે. છોડવાનું શું છે? શેનો ત્યાગ કરવાનો છે? આ દેખાતા ભૌતિક જગતનો, આ નજરે પડતાં નામો અને રૂપોવાળા જગતનો. શા માટે? કારણ કે આ દેખાતી દુનિયાનો ત્યાગ કરવાથી જ કેવળ આપણને પારમાર્થિક બ્રહ્મની પ્રાપ્તિ-સાક્ષાત્કાર-થાય છે. ઇશાવાસ્ય ઉપનષિદ પણ આપણને એ જ સલાહ આપે છે કે तेन त्यक्तेन भुंजीथा: – ‘ત્યાગ દ્વારા જ તમે પોતાનું પાલન કરો.’ (ઈશ.૧). ઇન્દ્રિયોથી અનુભવી શકાતા આ વિશ્વની ભીતર રહેલી પારમાર્થિક સત્તા-બ્રહ્મને-આપણે ત્યાગ દ્વારા જ અનુભવવા માટે શક્તિમાન થઈ શકીએ છીએ. અને આપણે અમર થઈ શકીએ છીએ. प्रेत्यास्‍माल्लोकादमृता भवन्ति – વગેરે શબ્દો દ્વારા ઉપનિષદ આપણને આ વાતની જ ખાતરી કરાવે છે. આપણી આજુબાજુ જે વસ્તુઓ રહેલી છે, એના મોહમાં રખેને આપણે ફસાઈ પડીએ! આપણને આ ઇન્દ્રિયગમ્ય જગત ખરેખર સાચું હોય, એમ લાગે છે અને એ ખૂબજ આકર્ષક છે, એ પણ સંદેહ વગરની વાત છે. પરંતુ, આપણે શાણા થવું જ ઘટે, ધીર-વિવેકશીલ બનવું જ જોઈએ.

કોના વડે આદેશ અપાયેલું केनषितम्‌ આ જગત સાચું – વાસ્તવિક જણાય છે? એ બ્રહ્મ દ્વારા આદિષ્ટ છે, ઇચ્છિત છે. એ બ્રહ્મ જ જગતના અંત:સ્તલમાં વસેલું છે.આ જગત સાચું અને વાસ્તવિક દેખાય છે, કારણ કે આ જગતની પૃષ્ઠભૂમિમાં બ્રહ્મ રહેલું છે. જમીન ઉપર દોરડી પડેલી છે એટલા જ કારણે એના ઉપર સાચો સાપ દેખાવાનો અધ્યાસ-ભ્રમ પેદા થઈ શકે છે. જો તમે એ દોરડીને ઉઠાવી લો, તો ત્યાં સાપ જેવું કશું જ રહેશે નહિ. એ જ પ્રમાણે જો તમે બ્રહ્મને ખેંચી લો, તો જગત જેવું કશું જ રહેશે નહિ.

न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनो
न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात्।

तत्र, ત્યાં (જ્યાં બ્રહ્મ છે ત્યાં); चक्षु: न गच्छति, આંખ જઈ શકતી – પ્રવેશી શકતી નથી; न वाक्‌ गच्छति नो मन:, તે વાણી અને મનથી પર -અતીત- પેલીપારનું છે; न विद्म, અમે જાણતા નથી (કે આ બ્રહ્મ કોના જેવું છે); यथा, કેવી રીતે; एतत्‌, આ (બ્રહ્મને); अनुशिष्यात्‌, ગુરુ શિષ્યને કેવી રીતે સમજાવે; न विजानीम:, તે પણ અમે જાણતા નથી – તે અમને સમજાતું નથી.

ત્યાં આંખ પહોંચી શકતી નથી. વાણી અને મન પણ ત્યાં પહોંચી શકતાં નથી. અમને એ પણ ખબર પડતી નથી કે ગુરુ શિષ્યને એ કેવી રીતે સમજાવી શકે છે એ અમે જાણતા નથી. (૩)

બ્રહ્મ ઇન્દ્રિયોની પકડની બહારની વસ્તુ છે. આપણે એને વિશે કશું જ કહી શકતા નથી. એ અનંત છે – એટલું અસીમ છે. આપણી આંખો અને વળી મન પણ એને આંબી શકતાં નથી. એટલા માટે ગુરુ કહે છે न विद्म: न विजानीम: – ‘અમે જાણતા નથી, અમે પિછાણતા નથી.’ અમે શા માટે નથી જાણતા પિછાણતા, ભલા? કારણ એ છે કે બ્રહ્મ કોઈ પણ જ્ઞાનનો વિષય બની શકતું નથી. આપણે કોઈક વિષયને જાણી શકીએ છીએ, પણ આપણે બ્રહ્મને જાણી શકતા નથી; કારણ કે આપણે પોતે જ બ્રહ્મ છીએ. આપણે આપણાથી અલગ હોય એવી કોઈ વસ્તુને જાણી શકીએ છીએ ખરા, પણ, આપણે આપણા આત્માને – આપણને, ખુદ પોતાને જાણી શકતા નથી. બ્રહ્મ હંમેશાં વિષયી છે, જ્ઞાતા છે, અને ક્યારેય વિષય છે જ નહિ. સાચી વાત તો એ છે કે જે કંઈ બધું અસ્તિત્વ ધરાવે છે, તે બ્રહ્મ જ છે – બ્રહ્મ જ એકલું અસ્તિત્વ ધરાવે છે. વિષય અને વિષયીના જે ભેદભાવ દેખાય છે તે બધા કાલ્પનિક જ છે.

(ક્રમશઃ)

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.