ગુજરાતના સન્માનનીય રાજ્યપાલશ્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે

સન્માનનીય રાજ્યપાલશ્રી કૈલાસપતિ મિશ્રા ૩, જૂનના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પર્ધાર્યા હતા. સવારમાં ૧૦.૩૦ વાગે શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશને વ્યક્ત કરતાં સ્વામી જિતાત્માનંદજીએ દોરેલાં તૈલચિત્રોના ‘શ્રીરામકૃષ્ણદર્શનમ્‌’ નામના પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરીને અને બધાં ભાવમય ચિત્રો નિહાળીને તેઓ એક અનન્ય ભાવસૃષ્ટિમાં સરી પડ્યા હતા. એ વિશે તેમણે જણાવ્યું કે તેઓ ફરીથી જાણેકે એક દિવ્યભૂમિમાં આવ્યા હોય એવું અનુભવ્યું અને શ્રીરામકૃષ્ણ મિશન, કટિહાર (બિહાર)માં વિદ્યાર્થીજીવનમાં તેઓ નિયમિતપણે જતા અને પ્રાર્થના, સંકીર્તન અને અન્ય સેવાપ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા, તેનો ઉલ્લેખ પોતાના પ્રવચનમાં કર્યો હતો. માનનીય રાજ્યપાલશ્રીએ સભાને સંબોધતાં અને શિકાગો વ્યાખ્યાનોની પૃષ્ઠભૂમિ આપતાં આજના યુવાનોને શિકાગો વ્યાખ્યાનો કંઠસ્થ કરી લેવાની અમૂલ્ય શીખ આપી હતી.

સ્વામીજીએ પોતાનાં પ્રભાવક સંભાષણોથી ‘વસુધૈવ કુટુંબકમ્‌’ની ભારતીય પરંપરાની એક અનેરી છાપ ઊભી કરી હતી. ગુરુ ગોલવાલકરજીના સંસ્મરણોને તાજાં કરીને તેમણે પોતાના મનનીય અને અધ્યયનશીલ પ્રવચનમાં ગંગાધર મહારાજ, સ્વામી અખંડાનંદજી મહારાજની ગોલવાલકરજીએ મુર્શિદાબાદ જિલ્લાના સારેગાચ્છીમાં મુલાકાત લીધી હતી અને એમનું શિષ્યત્વ ગ્રહણ કરીને પોતાના આધ્યાત્મિક ભાવિ જીવનની આધારશિલા રચી હતી. એમણે આપેલા સર્વસેવાના આદેશને યાદ કરીને તેમણે રામકૃષ્ણ પરંપરાના સંન્યાસીઓની સેવાભાવનાને બિરદાવી હતી. પશ્ચિમના વાતાવરણમાં ઉછરેલ આયરિશ બહેન માર્ગારેટ નોબેલે સ્વામી વિવેકાનંદની સંપૂર્ણ શરણાગતિ સાધીને, ભગિની નિવેદિતા બનીને એમણે પોતાના જીવન દ્વારા સતી સીતા અને સાવિત્રી જેવું ઉમદા ચારિત્ર્ય ભારતવર્ષની નારીઓ સમક્ષ એક આદર્શ રૂપે મૂક્યું છે. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ અને શ્રીરામકૃષ્ણ કથામૃતના વાચને એમના જીવનમાં લાવેલા પરિવર્તનની વાત પણ એમણે કરી હતી. જીવનમાં અમૃતસમું પાથેય આપતાં, આ અદ્‌ભુત ગ્રંથોનાં વાચનમનન આપણા જીવનની સાચી ઉન્નતિ લાવશે. ગૌપાલક અને નિરક્ષર એવા લાટુ મહારાજને પોતાનો શિષ્ય બનાવીને અભણ અને સામાન્ય માનવને શ્રીરામકૃષ્ણે મહાન સંન્યાસી બનાવ્યા હતા. એ જ હતી શ્રીરામકૃષ્ણદેવની સાચી અજ્ઞનારાયણ સેવા. શ્રી શ્રીમા શારદાદેવી પણ એની સારસંભાળ એક બાળકપુત્રની જેમ રાખતા હતા. તેમણે જણાવ્યું કે તેઓ વિદ્યાર્થી અવસ્થામાં બિહારના રામકૃષ્ણ મિશન, કટિહારમાં નિયમિત રીતે જતા. ત્યાં પ્રાર્થના, રામનામસંકીર્તન અને મિશનની સેવાપ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા. એમને રામકૃષ્ણ-વિવેકાનંદના સાહિત્યના વાચનથી ઘણી પ્રેરણા મળી હતી. 

આ પ્રસંગે પોતાના પ્રાસંગિક અને સ્વાગત પ્રવચનમાં સ્વામી જિતાત્માનંદજીએ સર્વધર્મસમન્વય, ભારતનું ભાવિ ઉત્થાન, દરિદ્ર-દુ:ખી પ્રત્યે પ્રેમભાવ અને એમની શિવભાવે જીવસેવા, નારીઓનું ઉત્થાન આ ચાર મુખ્ય આદર્શને ધ્યાનમાં રાખીને શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશનું આ તૈલચિત્ર પ્રદર્શન એ આજના વિશ્વની અને એમાંય ભયંકર ત્રાસવાદથી ધ્રૂજતી દુનિયા માટે શાંતિ અને સાચા સુખનો સંદેશ આપે છે. આજના વિજ્ઞાને ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો સ્વીકાર કર્યો છે અને સમગ્ર વિશ્વ ભારતીય આધ્યાત્મિક મૂલ્યો તરફ વળ્યું છે, એમ કહ્યું હતું.

માનવ સંસાધન ખાતાના કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદના જીવનસંદેશે એમના જીવનમાં કેવો પ્રભાવક ભાગ ભજવ્યો છે એની વાત કરી હતી. 

રામકૃષ્ણ સંઘના બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક શ્રી ઉમાકાંતભાઈ પંડિતે કરી હતી. ૫૦૦ જેટલા ભાવિકજનો આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડીની રામકૃષ્ણ જલધારા પરિયોજના

રામકૃષ્ણ મિશન, લીંબડીની રામકૃષ્ણ જલધારા પરિયોજના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાણીની અછતવાળા, અવારનવાર દુષ્કાળ જેવી પરિસ્થિતિથી પીડિત ઊંટડી, હડાળા, કારોલ, દોલતપર, નાના ટીંબલા, નાની કટેચી, રામરાજપર, જેવા ગ્રામ્યવિસ્તારોમાં ગામતળાવને ઊંડાં કરવા, કૂવા ઊંડા ગાળવા, બોર કરવા, વહી જતા પાણીના સંગ્રહ માટે આડબંધ કે ઊંચા તળાવ ઊંચા બંધ બાંધી આપવા જેવાં કાર્ય હાથ ધરાયાં છે. આ કાર્યમાં ગામલોકોનો સહકાર ઘણો સારો મળી રહે છે. અત્યાર સુધી આવી યોજનાઓ પાછળ રૂપિયા ૧૧ લાખ વપરાઈ ચૂક્યા છે. ગયે વર્ષે પણ ચાર ગામોમાં તળાવ ઊંડા કરવાનું કાર્ય થયું હતું.

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.