યુ.એસ.એ.ના લા ક્રિસેન્ટામાં આનંદ આશ્રમ- વેદાંત સેન્ટર સાથે સંલગ્ન અને બ્રહ્મલીન સ્વામી પરમાનંદ દ્વારા ચલાવાતા આ કેન્દ્રમાં મૂળ અમેરિકાવાસી ભગિની દેવમાતા એક સાધ્વી હતાં. “Swami Ramakrishnananda – the Apostle of Sri Ramakrishna to the south” તેમણે લખેલ સંસ્મરણોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના જન્મતિથિ મહોત્સવ નિમિત્તે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

‘ઘાસના તણખલાથી પણ હળવાફૂલ, વટવૃક્ષ જેવા ધૈર્યવાન, માનની અપેક્ષા ન રાખનાર પણ બીજાને માન આપનાર’ આવા ભગવાન ગૌરાંગ – ચૈતન્ય મહાપ્રભુ વિશેના શબ્દો સ્વામી રામકૃષ્ણનંદજીને બરાબર બંધ બેસતા આવે છે. એમની ચાલવાની પ્રભાવક રીતથી કોઈ અજાણ્યો માણસ એને ગર્વિષ્ઠ કે ઉદ્ધત પણ માની લે એવું બને; પણ વાસ્તવિક રીતે તેઓ સૌથી વધુ વિનમ્ર સંન્યાસી હતા. વિનમ્રતા એ જાણે કે એના જીવનનું મુખ્ય અને આધારરૂપ અંગ હતું. એમની નિરભિમાનવૃત્તિ કેવળ અહંકારશૂન્યતા ન હતી પણ, એમની આ વિનમ્રભાવના પોતાની જાતને સાવ વિસારે પાડી દેવામાંથી ઉદ્‌ભવી હતી. એનાં મનહૃદયમાં પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ વિના બીજા કોઈને સ્થાન ન હતું. સેન્ટપોલે કહ્યું છે: ‘Yet not I, but Christ liveth in me’ – ‘હું નહિ પણ મારી ભીતર ઈસુખ્રિસ્ત જીવે છે.’ આ વાક્ય સ્વામી રામકૃષ્ણાનંદજીના પોતાના માટે તેમજ જેમને પોતાના ગુરુદેવ ગણતા હતા એવા શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેના તેમના વલણભાવને બરાબર વ્યક્ત કરે છે. તેઓ પોતે વ્યક્તિગત રીતે જાણે કે મૃત હતા પણ શ્રીરામકૃષ્ણદેવ માટે જ જીવંત હતા.

તેમનું આવવું અને જવું, તેમનાં ભોજન અને નિદ્રા, તેમના પરિશ્રમ અને ઉપદેશ, એમની સમગ્ર જીવનચર્યા અને જીવન પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવની ઇચ્છા પ્રમાણે ઉન્નત થતાં રહ્યાં, પરંતુ તેમાં ક્યાંય પોતાની ઇચ્છા, આકાંક્ષા કે સુખસુવિધાનો એક અંશેય આપણને જોવા ન મળે. વરસતા વરસાદને ટાણે ઘોડાગાડીમાંથી માયલાપુરના નવા મઠના પ્રવેશદ્વાર સુધી જ્યારે મંદિરમાંથી આઈસહાઉસ સુધી પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણની છબિ લઈને, તેને પોતાના હૃદય સરસી રાખીને, પોતાના દેહને તેના આરક્ષણ માટે વાળીને જતા શ્રીરામકૃષ્ણાનંદજીને જેમણે જોયા છે તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પ્રત્યેના અનન્ય ભક્તિભાવને અને એમના પ્રત્યેના હૃદયના સાચા પ્રેમભાવને જાણી કે વર્ણવી શકે. જેમ સેન્ટપોલે કર્યું હતું તેમ શ્રીરામકૃષ્ણાનંદજી પોતાના ગુરુદેવ વિશે આમ કહી શકે: ‘The life I now live in the flesh, I live by the faith in the Son of God.’ – ‘જે જીવન હું આજે આ હાડમાંસથી જીવું છું તે જીવન પેલા પ્રભુના પનોતા પુત્ર પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી જીવું છું.’

તેમણે મને એક દિવસે કહેલા શબ્દોમાં આપણે તેમની લાગણીનાં, હૃદયની ઉષ્માનાં દર્શન કરી શકીએ છીએ. ‘જો આપણે ક્યાંક સાંકડી કેડીમાં સલવાયા હોઈએ અને કોઈ આવીને આપણને કહે: હું તમને બહાર નીકળવાનો માર્ગ બતાવી શકું છું. તો આપણે શું કરીએ? માત્ર એને અનુસરીએ. આપણામાં જે કૃતજ્ઞતા અને ઋણની ભાવના છે એ જ છે પૂજાસેવા અને પ્રેમભક્તિ. એ વ્યક્તિ ગુરુ છે અને આપણે જો એ સાંકડી કેડીના ગૂંચવાડામાંથી છૂટવા માગતા હોઈએ તો આપણે એને અચૂક અનુસરવું જોઈએ. ક્યારેક આપણે વિચારીએ છીએ : ‘મારે શા માટે એનું અનુસરણ કરવું જોઈએ? મને મારો રસ્તો મારી મેળે મેળવી લેવા દો.’ અને આમ માનીને આપણે આપણી રીતે નીકળી પડીએ છીએ. પણ તે – ગુરુદેવ એટલા બધા શાંત, ધૈર્યવાન અને ઉષ્માપ્રેમવાળા હોય છે કે રસ્તો શોધતાં શોધતાં જ્યાં સુધી આપણે થાકી-કંટાળી ન જઈએ અને તેમની પાસે પાછા ન ફરીએ ત્યાં સુધી તેઓ આપણી રાહ જોતા બેઠા રહે છે.’

‘માયલાપુરના મઠમાં અમે જ્યારે એક સાંજે બેઠાં હતાં ત્યારે તેમણે ફરીથી કહ્યું: ‘ગુરુનું કાર્ય તો થોડી મિનિટોમાં જ પૂરું થઈ જાય છે. થોડા સાદા શબ્દોના મંત્રથી ગુરુદેવ આપણા જીવનને નવો વળાંક આપે છે. સાયકલ પર સવાર થઈને જતા કોઈ માણસને લાગે કે જે રસ્તે તે જઈ રહ્યો છે તે ભયાવહ છે એટલે તે તેને ફેરવીને બીજી દિશામાં વાળી દે છે. પછી સાયકલ સવાર પહેલાંની જેમ પેડલ લગાવે છે અને સાયકલ ચાલતી રહે છે. પરંતુ હવે સાયકલ સવાર ભયથી દૂર જાય છે. એવી જ રીતે ગુરુને લાગે છે કે તમે જે દિશા લીધી છે એ દિશા ભયાનક છે. તેથી તે તમારી દિશાને ફેરવી નાખે છે. પછી તમારી બધી દિનચર્યાઓ પહેલાંની માફક એમને એમ ચાલ્યે રાખે છે. તમે પહેલાંની જેમ જ પેડલ લગાવ્યે રાખો છો પરંતુ હવે તમે સલામત દિશામાં તમારી જીવનસાયકલને ચલાવ્યે જાઓ છો. યોગ્ય દિશામાં શિષ્યોને વાળવા એ જ ગુરુનું કાર્ય છે.

સ્વામી રામકૃષ્ણાનંદજી સાચા સ્વરૂપમાં એક શિષ્ય હતા તેથી ગુરુનું સ્થાન ગ્રહણ કરવું એમને મુશ્કેલ લાગતું. તેમના ઘણા ભાવભક્તિવાળા અનુયાયીઓ હતા. પરંતુ એમણે ક્યારેય એમના વિશે વાત કરી નથી અને તેઓ એમના શિષ્ય છે એવું મનમાં વિચાર્યું પણ નથી. શિષ્યોનાં જીવનને દિશા આપવા, તેઓ ઇચ્છા પણ ન કરતા. તેઓ નિષ્ફળતા અને ભૂલોને માફ કરવા તૈયાર રહેતા અને એવા માણસને પ્રોત્સાહન અને આશાનું પાથેય બંધાવતા; છતાંય કોઈ પણ માણસ પોતાની સમસ્યાઓના ઉકેલ પોતે શોધે અને પોતાના નિર્ણય પોતે જ લે એમ તેઓ હૃદયપૂર્વક માનતા હતા. પરંતુ આ વિશે પોતે સર્વોચ્ચ માપદંડ ધરાવતા હતા. ગણગણાટ કે ફરિયાદ કર્યા વિના મર્દની જેમ પરિસ્થિતિઓનો સામનો કરવાની તેઓ અપેક્ષા રાખતા હતા. તેઓ ગણગણાટ કરવાનું કે ઉંહકારા નાખવાનું પસંદ ન કરતા. તેઓ એવી પણ અપેક્ષા રાખતા હતા કે કોઈ ઠપકો આપે તો તેની પીઠ પાછળ ઘા ન કરવો. પોતાનાં સંઘર્ષ કે લડતને ચાલુ રાખવામાં આળસ, પ્રમાદ, નિર્બળતા ન ચાલે. તેઓ કહેતા: ‘જ્યાં સુધી માણસ ઝઝૂમતો રહે છે ત્યાં સુધી તે વીરનાયક છે.’

એક દિવસ સાંજે જૂના માયલાપુર, મઠના હોલમાં કેટલાક મુલાકાતીઓ સાથે સ્વામીજી બેઠા છે, હું પણ ત્યાં હાજર હતી. એમાં કોઈકે કહ્યું કે એક સંન્યાસીની પાસે અદ્‌ભુત શક્તિ-સામર્થ્ય છે, પરંતુ તે બીજાની સેવામાં બહુ ઓછો સમય આપે છે. સ્વામી રામકૃષ્ણાનંદજીએ કડક શબ્દોમાં કહ્યું: ‘સ્વાર્થી માણસ માટે બળવાન અને તંદુરસ્ત બનવું સરળ છે. ધારો કે વરસાદ પડે છે, કોઈ આવીને કહે ફલાણા ભાઈને ખૂબ તાવ આવે છે. સ્વાર્થી માણસ કહેશે: ‘આ વરસાદમાં બહાર જવું મારા માટે હિતાવહ નથી. કદાચ માંદો પણ પડી જાઉં. એમને કહેજે કે હું દિલગીર છું પણ આવી શકીશ નહિ. જ્યારે વરસાદ બંધ રહેશે ત્યારે હું આવીશ!’ પરંતુ એને સ્થાને નિ:સ્વાર્થભાવનાવાળો પોતાના કપડાં પહેરીને ખભે ચાદર ઓઢીને વરસતા વરસાદમાં કોઈ પણ જાતના માંદગી કે જોખમની ગણતરી કર્યા વગર પેલા માંદા માણસની સેવા માટે નીકળી પડશે. સ્વામી વિવેકાનંદ કોઈ આવી રીતે માંદા સ્નેહીના સમાચાર સાંભળીને ભયંકર તોફાનમાં પણ ચાલી નીકળતા. બીજાની જિંદગી બચાવવા તેઓ પોતાની જિંદગી અર્પણ કરી દેવા તૈયાર રહેતા. જ્યાં સુધી આપણે સ્વાર્થી રહીએ છીએ ત્યાં સુધી આપણું કાર્ય નિષ્ફળ રહેવાનું. આપણે મજાનાં વ્યાખ્યાનો આપીએ, નામકીર્તિ કમાઈએ, પરંતુ વાસ્તવિક ફળ પરિણામ તો શૂન્ય જ. જે પળે આપણામાંથી જરા જેટલી સ્વાર્થવૃત્તિ અદૃશ્ય થઈ જાય તે પળે આપણું સાચું કાર્ય શરૂ થાય છે. આપણે પ્રસિદ્ધિવિહોણું જીવન જીવીએ છીએ, ક્યાંય જતા નથી અને છતાંય આશ્ચર્યો સર્જી શકીએ છીએ.

… સ્વામી રામકૃષ્ણાનંદજી બુદ્ધિના ઉપયોગને નગણ્ય ન ગણતા. પરંતુ પુસ્તિકીયા જ્ઞાનમાહિતી પર આધારિત ઉપરછલ્લી બુદ્ધિપ્રતિભાને તેઓ ભાગ્યે જ સહન કરતા. તેઓ દૃઢપણે માનતા કે માનવનું જ્ઞાન તેના પોતાના અનુભવો પર આધારિત હોવું જોઈએ, નહિ કે બીજાના અનુભવો પર આધારિત. તેઓ માનવમનના ઊંડા અભ્યાસુ હતા. મન વિશે તેઓ માનતા કે મન એવી ધરી કે કેન્દ્ર છે કે જેના આધારે આપણું આધ્યાત્મિક જીવન સતતપણે ચાલતું રહે છે. તેઓ કહેતા : ‘પવિત્ર, નિર્મળ મન અને માનવના મૂળ અને સાચા સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ નથી. મન ત્યારે જ પવિત્ર અને નિર્મળ બને છે કે જ્યારે તે એકનિષ્ઠ હોય એટલે કે એકમાં લીન હોય. જો તમારે ઈશ્વરદર્શન કરવા હોય તો બધી સ્વાર્થભરી ઇચ્છા-આસક્તિઓનો ત્યાગ કરો અને મનને એકનિષ્ઠ – એકલીન બનાવો.’

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.