(ગતાંકથી આગળ)

પાનખર ઋતુ આવી. હું પ્રખર આધ્યાત્મિક તાલીમમાં જોડાઈ ગઈ. ચુસ્ત નિયમિતતા, યોગ્ય આહાર અને એ બધામાં સૌથી વધુ મહત્ત્વનું દૃઢ મનોબળ બહુ જ જરૂરી હતાં. વહાણનો કપ્તાન જેમ પોતાની દરિયાઈ સફરનો નક્શો તૈયાર કરે છે, એ જ રીતે મેં મારા દૈનિક જીવનનો નક્શો તૈયાર કર્યો હતો. હું પ્રાત:કાળે વહેલી ઊઠી જતી પછી હળવો નાસ્તો કરતી. આધ્યાત્મિક સાધના માટે અમુક નિશ્ચિત કલાકનો સમય નક્કી કર્યો હતો. બાકીના સમયમાં પ્રકાશનપ્રવૃત્તિનું કાર્ય સંભાળતી હતી. તેમાં ટાઈપિંગ, એડીટિંગ અને પ્રૂફરીડિંગનું કામ આવી જતું હતું. કેટલીક વાર બહારની કામગીરીમાં તો ઘણીવાર સોસાયટીના કામમાં હું ભાગ લેતી હતી. પુસ્તકોના ઑર્ડરો અને પ્રકાશનગૃહની કામગીરીમાં હિસ્સો આપતી હતી. અજબ આત્મવિશ્વાસ અને ઉત્સાહ હતો મારા મનમાં. જો કે મારા ભીતરી મનમાં એક છૂપો અજંપો ડંખી રહ્યો હતો.

જે તાલીમ હું લઈ રહી હતી તેમાં અંગવિન્યાસ, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા, ધ્યાનયોગ અને મનનચિંતનનો સમાવેશ થતો હતો. આમાં જે અંતિમ વાત છે એનો જ મને અજંપો હતો. મેં મારા જીવનને અહીં નવેસરથી ગોઠવ્યું. અગાઉ શ્રીરામકૃષ્ણ મારા ધ્યાનના કેન્દ્રસ્થાને રહેતા હતા. પરંતુ આ નવી સાધનામાં મને નરી યાંત્રિકતા જણાતી હતી. થોડો સમય તો મેં ચલાવ્યે રાખ્યું પણ પછી મેં મારા અભ્યાસ અંગેના માર્ગદર્શક અને આ સાધનાની કાર્યક્રમના અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે મને ધ્યાન માટે જે પ્રક્રિયા આપવામાં આવી છે તે મને અનુકૂળ નથી. તેમણે તરત જ મને શ્રીરામકૃષ્ણનું ધ્યાન કરવાની પરવાનગી આપી દીધી.

સોસાયટીથી થોડે જ દૂર આવેલા એક સુંદર એપાર્ટમેન્ટમાં હું નિવાસ કરતી હતી. તેમાં મેં એક નાનું ઘરમંદિર પણ બનાવ્યું હતું. તે રાત્રે હું આ મંદિરમાં એક નવી જ ઉત્કંઠા સાથે પ્રવેશી. પૂજાસ્થાનની સામે મેં મારું આસન લીધું. થોડી પ્રારંભિક ક્રિયાઓ કરી, અને પછી ધ્યાનમાં લીન થવાની અણી પર હતી ત્યાં જ પરમહંસદેવ મારી સમક્ષ આવીને ઊભા રહ્યા. આ વખતે ન તો તેમનું બોસ્ટનમાં દીઠેલું સ્વરૂપ હતું કે ન તો ન્યૂયોર્કમાં જોયેલું તેજોમય રૂપ. આ વખતે તેમણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખો દેહ જ્યોતિ:પુંજનો બનેલો હતો. નિર્મળ તેજોમય દેહ અને એવાં જ તેજોમય વસ્ત્રો. હું તો સ્તબ્ધ જ બની ગઈ. મસ્તક નમાવીને તેમનાં ચરણકમળ સુધી પહોંચી અને મારું મસ્તક તેમનાં ચરણો પ૨ ઢાળી દીધું. પછી શું થયું તેનો કશો જ ખ્યાલ રહ્યો નહિ. જ્યારે હું ભાનમાં આવી ત્યારે મેં જોયું કે એ અવસ્થામાં હું લગભગ એકાદ કલાક પડી રહી હતી. એ કલાક દરમિયાન શું બન્યું તેની મને કદીયે જાણ થશે નહિ, પણ ત્યારબાદ મારા જીવનનું દૃષ્ટિબિંદુ તદ્દન બદલાઈ ગયું. મારા હૃદયમાં કોઈ નવો જ ઉજાસ પ્રસરી ચૂક્યો હતો.

એ પછીની સંધ્યાએ પણ હું જ્યાં ધ્યાન કરવા બેસતી હતી ત્યાં ફરીથી શ્રીરામકૃષ્ણદેવ પ્રગટ થયા. આ વખતે તેમનું સ્વરૂપ સ્વાભાવિક મનુષ્ય જીવનમાં હતું તેવું જ હતું. માત્ર તેમની આસપાસ એક આભા વિસ્તરેલી હતી એટલું જ.

હું તેમની સામે ભાવવિભોર બનીને તાકી રહી હતી. ત્યાં જ તેમણે પોતાનું એ શરીર, કોઈ પોતાનું પહેરેલું વસ્ત્ર ફગાવી દે તેમ ફગાવી દીધું અને તેમનું અસ્તિત્વ માત્ર તેજોમય દિવ્ય પ્રકાશ વડે જ ઢંકાઈ ગયું. પણ પ્રથમ દર્શન વખતે જે આશ્ચર્યપૂર્ણ સ્તબ્ધતા છવાઈ ગઈ હતી તેવું કશું જ આ વખતે ન થયું.

ત્રીજા દિવસે પણ પ્રાર્થનાના સમયે તેઓ દેખાયા. આ વખતે તેઓ તાપણી પર લટકાવેલી તસ્વીરમાં હતા તેવા જ દેખાતા હતા. પણ તેમનું શરીર જાણે ફાનસ જેવું દેખાતું હતું અને તેમાં વચ્ચોવચ આંખોને આંજી નાખે તેવી જ્યોતિ ઝળહળી રહી હતી. ચોતરફ તેમની તેજોમય આભા પ્રસરી રહી હતી. તેમણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. અગાઉ પણ તેઓ કશું જ બોલ્યા નહોતા. આજેય બોલ્યા નહિ. સાવ મૌન. પણ એ મૌન કેવું? અત્યંત ગૂઢ અને અર્થપૂર્ણ.

એક વાતની મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ હતી કે કપડામાં વીંટળાયેલા માનવ સ્વરૂપે દેહ હોય, કે પછી અપાર્થિવ દિવ્યજ્યોતિ સ્વરૂપે પ્રકાશપુંજ બનીને તેઓ ઉપસ્થિત થયા હોય, ગમે તેમ પણ શ્રીરામકૃષ્ણ પરમહંસ જીવંત અસ્તિત્વ રૂપ હતા, જેઓ માનવોમાં માર્ગદર્શન આપવા, ઢાલ બનીને તેમનું રક્ષણ કરવા અને પ્રેમના ઓઘથી છલકાવી દેવા અવિરત ઉપસ્થિત જાગ્રત જ્યોતિરૂપ છે.

ચાર મહિના બાદ, ફેબ્રુઆરી માસમાં મને શ્રીરામકૃષ્ણદેવના વાર્તાલાપોમાંથી વચનામૃતોની સંગ્રહમાળા તૈયાર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. પૂરી ધગશથી હું તે કાર્ય પાછળ મંડી પડી. અધ્યક્ષશ્રીને પોતાને એ માટેનો સમય ન હોવાથી તેમના વતી મારે આ કાર્ય કરવાનું હતું. આ કાર્ય જેટલું આનંદદાયક બન્યું તેટલું બીજું કોઈ કાર્ય આનંદદાયક ન બન્યું હોત. કોલમે કોલમમાં જૂના સામિયકોની મોટી મોટી ફાઈલોમાં અને કોઈકનાં સંસ્મરણોમાં નોંધાયેલ શ્રીરામકૃષ્ણદેવના અઘરેથી સરેલ એકાદ શબ્દ કે વાક્યને હું શોધવા લાગી. અનેક નાના સંગ્રહો કે જેમાંના ઘણાખરા અપ્રગટ હતા તે બધા હું ખંતથી વાંચી ગઈ. શક્ય એવા બધા જ સ્રોત હું ઉથલાવી ગઈ અને તેમાંથી લગભગ ૭૦૦ ઉક્તિઓ અલગ તારવી. પછી તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને, યોગ્ય મથાળાં તળે વહેંચી નાખી. આ પ્રક્રિયા ખૂબ લાંબી અને જહેમતભરી હતી છતાં હું તેને એક કલાક માટેય છોડવા તૈયાર નહોતી. હું વહેલી પરોઢે ઊઠતી અને મોડી રાત સુધી કામ કરતી. આદિથી અંત સુધી હું એમાં ખૂંપી ગઈ. રોજેરોજ એ ઝળહળતાં વચનો મારા અંતરતમમાં ઊંડે ઊંડે પ્રજવલી રહેતાં હતાં. અહર્નિશ મારી અંતશ્ચેતનામાં એ ઉક્તિઓ પડઘાયા કરતી હતી. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, ઊંઘતાં-જાગતાં એ વચનામૃતોને હું ગુંજ્યા કરતી, અને એના જ લયમાં, એના જ ધ્વનિસહ હું રાત્રે સૂઈ જતી. ટૂંકમાં હું એનામય બની ગઈ હતી.

ફરી વસંત આવી. એપ્રિલ મહિનો હતો ગ્રીષ્મ પહેલાં હું આ ઉપદેશોનાં સંગ્રહને પુસ્તકાકારે આપી દેવા વચનબધ્ધ હતી. હસ્તપ્રતની અંતિમ નકલ પૂરી થવામાં હતી. એક સવારે હું એ કાર્ય કરવામાં તલ્લીન હતી ત્યાં મને એવું લાગ્યું કે કોઈ મારા ખભાને થપથપાવી રહ્યું છે. પરંતુ હું તો મારા એપાર્ટમેન્ટમાં એકલી જ હતી. એટલે મને લાગ્યું કે ઉપરથી ભેજ એઠો થઈને બિંદુરૂપે મારા ખભા પર ટપકી રહ્યો હશે. મારો રહેવાનો આ ઓરડો ખરેખર તો એક સ્ટુડિયો હતો. આથી મેં હાથેથી તેને સાફ કરવાની ચેષ્ટા કરી અને ફરી ટાઈપ કરવામાં હું વ્યસ્ત બની પણ ફરી કોઈએ મારા ખભા પર ટપલી મારી. નિ:શંક એ તો માનવસ્પર્શ જ હતો. હું ચમકીને પાછળ ફરી. જોયું તો મારી સાવ અડોઅડ શ્રીરામકૃષ્ણદેવ ખડા હતા. બિલકુલ તસ્વીરના જ શ્રીરામકૃષ્ણ! ધબકતા જીવંત માનવી સમા છતાંય પ્રભાવશાળી! મારા ખભા પર ટેકવેલા તેમની હાથની ઉષ્મા પણ હું અનુભવી રહી હતી. તેમના દેહમાંથી કોઈ જ પ્રકાશ બહાર આવતો નહોતો. માત્ર તેમના સ્મિતની આભા તેમને પ્રકાશિત કરી રહી હતી. આજે તેઓ સંપૂર્ણ જીવંત માનવ અસ્તિત્વરૂપ હતા. થોડી ક્ષણ તેઓ આમ ઉપસ્થિત રહ્યા અને પછી અંતર્ધાન થઈ ગયા.

જેમ કોઈ પુષ્પનું પાંગરવું કે કૂપળમાંથી અંકુરિત થતું પર્ણનું પ્રારંભિક રૂપ કદી કોઈએ જોયું નથી – કેમ કે આ રહસ્ય તો છોડ અને વૃક્ષ પોતાના હૈયામાં ગોપનીય જ રાખે છે – એ જ રીતે હું પણ આ જીવંત ઉપસ્થિતિનું આવાગમન આંબી શકી નહિ. આ સામે આવ્યા અને ક્ષણમાં આ તેઓ ચાલ્યા ગયા – કશી જ ખબર ન પડે – એમની આ રીત કદીયે ખૂલી નહિ. (ગોપિત જ રહી)

એવાઈસેન્નાના શબ્દો દ્વારા એને સારી રીતે વ્યક્ત કરી શકાય. તે સંત આવી ચમત્કારિક ઉપસ્થિતિ વિષે જણાવે છે કે

‘It was like a flash of lightening shining over the meadow disappearing as if it had and never gleamed’- જાણે એક વીજળીના ઝબકારાની માફક ઘાસિયા મેદાન ઉપર તે એકાએક ચમકીને પછી એવી રીતે ગાયબ થઈ જાય છે કે જાણે તે કદીયે ઝબક્યો જ ન હોય’ પરંતુ એમની દિવ્ય ઉપસ્થિતિનો પ્રકાશ તો એમની વિદાય પછી, ક્યાંય સુધી મન પર છવાયેલો રહેતો.

મારું જીવન હવે સતત પ્રવાસમય બની ગયું હતું. દૂર પૂર્વમાં ભારતથી, દૂર પશ્ચિમમાં હું કેલિફોર્નિયા સુધી પ્રવાસ કરતી રહી. ૧૯૨૩માં સ્વામી પરમાનંદજીએ લોસ એન્જલ્સ નજીક આવેલ સીએસ માર્ટૂની પર્વતમાળામાં આનંદ આશ્રમની સ્થાપના કરી. બોસ્ટન આશ્રમની શાખા તરીકે જ આ આશ્રમ સ્થપાયો હતો, જ્યાં મે વર્ષો સુધી સ્વામીજીની મદદનીશ તરીકે ફરજ બજાવી હતી. અને હવે આનંદ આશ્રમના ‘રીટ્રીટ’ માં પણ તેવી જ જવાબદારી ઉપાડી હતી, અને મેં મારો નિવાસ આ નવા એકાંત નિવાસમાં કર્યો.

ધીમે ધીમે મકાનો તૈયાર થતાં ગયાં. તેમાં વિશ્વાત્મા(Universal spirit) ને સમર્પિત કરેલા એક મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરના ગર્ભગૃહમાં દરરોજ જવાની મને આદત પડી હતી. મારી દિનચર્યાને અંતે જ્યારે સૌ નિદ્રાધીન બની જતાં ત્યારે રાત્રિવેળાએ એક કલાક આ મંદિરમાં પ્રાર્થના કરવા જતી.

એક મોડી રાત્રે મેં અગાશીનાં પગથિયાં ચઢી, મંદિરનું બાજુ પરનું દ્વાર ખોલ્યું. મેં અંદર પ્રવેશ કર્યો ત્યારે ત્યાં વ્યાપક નીરવ અંધકાર છવાયેલો હતો. બહારના શાંત વાતાવરણમાંથી ગર્ભગૃહના ઝાંખા પ્રકાશવાળી પ્રગાઢ શાંતિમાં પ્રવેશતાં મેં આનંદ અનુભવ્યો.

પૂજાવેદી સમક્ષ હું નમન કરીને બેસી ગઈ અને મેં પાવન નામસ્મરણ કરવાનો આરંભ કર્યો. કેટલો વખત હું આ રીતે બેસી રહી તેનો ખ્યાલ નથી. પણ એકાએક, કોઈપણ પ્રકારના અવાજ વગર, પૂજાવેદીની પાછળની દીવાલ, જાણે કોઈ નાટકનો પડદો ઊઘડતો હોય તેમ ખસવા લાગી. પાછળ દૂર દૂર સુધી વિસ્તરેલી ટેકરીઓ મારી સગી નજરે હું નિહાળી રહી. જો કે મને એનું કોઈ આશ્ચર્ય કે નવાઈ જેવું લાગતું નહોતું. એથી બીજી ટેકરી પર મારી નજર ફરી રહી હતી. ત્યાં જ સૌથી ઊંચી ટેકરીના શિખર પર મારી નજરે આંખોને આંજી નાખતો પ્રકાશ પડ્યો. એ પ્રકાશપુંજની મધ્યમાં જીવંત અસ્તિત્વ વિદ્યમાન હતું. તેમના પર એક લાંબી શાલ લટકતી હતી, જેનો ઝળહળતા પ્રકાશને કારણે રંગ દેખાતો ન હતો. ચહેરો અપાર્થિવ દીપ્તિથી દેદીપ્યમાન હતો અને આશીર્વાદની મુદ્રામાં ગોઠવાયેલા એના હસ્તમાંથી પ્રકાશસ્રોત સમી કૃપા વરસી રહી હતી. ક્ષણભર આ સ્થિતિમાં રહ્યા પછી તે ધીમે ધીમે મંદિર તરફ આવવા લાગી. પણ તે ટેકરીના ઢાળ પરથી ઊતરવાને બદલે પ્રકાશના માર્ગે જ અવરોહણ કરી રહી હતી. જેમ જેમ તે નજીક આવતી રહી, તેમ તેમ મને સ્પષ્ટ દેખાવા લાગ્યું કે પ્રકાશ તેનાં પાદપદ્મમાંથી વહી રહ્યો હતો. અને તે મૂર્તિ એ પ્રકાશમાર્ગ પર જ ચાલી રહી હતી. કેટલી રાજૈશ્વર્યપૂર્ણ, ધીર, દિઙ્મૂઢ કરી નાખે તેવી અને છતાંય આશ્ચર્ય કે ભયની વૃત્તિઓને ઓગાળી નાખે એવી, કરુણાસભર અને પ્રેમાળ! ધીરે ધીરે તે સ્વરૂપ નીચે અવતરણ કરતું ગયું અને છેક મંદિરની નજીક આવી પહોંચ્યું. ખુલ્લી દીવાલોમાંથી થઈને તેણે પૂજાવેદીમાં પ્રવેશ કર્યો. ખૂલેલી દીવાલો ફરી યથાવત્ જોડાઈ ગઈ. તેણે પૂજાવેદીની જમણી બાજુએ સ્થાન ગ્રહણ કર્યું. તેમનો એક હાથ પૂજાસ્થાન પર ટેકવેલો હતો. ધીમે ધીમે ઝળહળતો પ્રકાશ ઝાંખો બન્યો અને ગિરિશિખરના એ પ્રકાશપુંજ રામકૃષ્ણ પાર્થિવ કાયારૂપ રામકૃષ્ણદેવમાં પરિવર્તિત બન્યા. જ્યારે તેઓ પૃથ્વી પર માણસો વચ્ચે વિચરતા હતા ત્યારે જેવા દેખાતા હતા તેવા જ દેખાવા લાગ્યા. એક ક્ષણ તેઓ સ્મિતભરી શાંત ઊભા રહ્યા. ત્યારપછી તેમના હોઠ ખૂલ્યા. જે ઉચ્ચારણ તેમણે કર્યું તે તો હતી હૃદયની હૃદય સાથેની વાતો. અંતરમાં તે સ્વર રણકી રહ્યો. એ કંઈ પાર્થિવ કાનોથી સંભળાય નહિ, તેને માટે યોગ્ય હોય તે જ વ્યક્તિ તેને સાંભળી શકે.

જ્યારે મેં મંદિર છોડ્યું ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. હજુયે તેઓ પૂજાવેદી નજીક ઊભા રહ્યા હતા. ત્યારબાદ સતત ચાર દિવસ સુધી પ્રાર્થના સમયે હું તેમને ત્યાં જોતી રહી. પ્રાર્થનામાં નમન કરતાં માણસો કરતાંય વધુ સત્ય અને જ્યોતિર્મયરૂપે હું તેમને નિહાળતી હતી. તેમની ઉપસ્થિતિથી આખુંય મંદિર આધ્યાત્મિક શક્તિથી ઉર્જિત બન્યું હતું.

આ પ્રસંગ અને બીજીવાર શ્રીરામકૃષ્ણદેવ આવ્યા તેની વચ્ચેનો કેટલાંક વર્ષોનો ગાળો ખાલી રહ્યો. જોકે આ ખાલીપો માત્ર વૃત્તાંતમાં જ હતો. મારા રોજિંદા જીવન સાથેનું એ દિવ્ય અસ્તિત્વનું તાદાત્મ્ય શબ્દોમાં ભાષાંતરિત કરવાનું અશક્યવત્ છે. તેઓ સતત મારી સાથે ને સાથે રહેતા હોય એવો અનુભવ થતો.

It guarded my safety, guided my efforts, enveloped me with a love that renewed, healed and sweetened. All it asked in return was the devotion of a humble heart. અર્થાત્ – તેઓ મારી સલામતીની ખેવના કરતા, મારા દરેક કાર્યમાં પ્રયાસોમાં મદદરૂપ બની રહેતા, મને પ્રેમથી ભીંજવી, નવું જોમ આપતા, મારા આઘાતને રૂઝવી, મારા જીવનને પ્રેમભર્યા માધુર્યથી ભરી દેતા હતા – બદલામાં માત્ર સાચા હૃદયની ભક્તિની જ અપેક્ષા રાખતા હતા.

હું હજુયે આનંદ આશ્રમમાં જ રહેતી હતી. કેલિફોર્નિયાની શિયાળાની રાતો ખૂબ જ શીતળ અને ઝંઝાવાતપૂર્ણ હોય છે. વારંવાર અચાનક બદલાતા હવામાનથી બચવા મોડી રાત્રે મંદિરે પ્રાર્થના કરવા જવાનું મારે છોડી દેવું પડ્યું. આથી મેં મારા અભ્યાસ ખંડની બાજુમાં જ એક નાનકડું ઘરમંદિર બનાવવાનો વિચાર કર્યો. આ મારું ખાનગી ઘરમંદિર હતું. બંધ પરસાળમાં આવેલ અનેક ઓરડીઓમાંની એકમાં મેં ઘરમંદિર બનાવ્યું. આ ઓરડી બીજી બધીથી અલગ પડી જતી હતી. કારણ કે ઓરડીઓના ઝૂમખાની ત્રણ ‘વીંગ’માંની ત્રીજીમાંની આ એક ઓરડી હતી કે જ્યાં હું એકલી જ રહેતી હતી. મુખ્ય મંદિર બંધાયું એ પહેલાં આ ઓરડીનો ઉપયોગ પૂજાવેદી તરીકે થતો હતો. મંદિર બંધાઈ ગયા બાદ પૂજાસ્થાન તે નવા મંદિરમાં ખસેડાયા પછી, આ ઓરડી ખાલી પડી હતી.

(ક્રમશ:)

ભાષાંતર : સુહાસિની ભૂતા

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.