એ જૂના દિવસોમાં કોઈ પણ પ્રકારની ન્યાય-તપાસ કે એવું કાંઈ કર્યા વિના ‘લેટર ડી કેચેટ – ન્ીાાિી ગી ભચબરીા’ નામનું રાજાની મહોરવાળું એક વોરંટ નીકળતું. એ નીકળે એટલે પછી એ માણસે દેશનું કાંઈ ભલું કર્યું છે કે નહિ, અગર એ ખરેખર ગુનેગાર છે કે નહિ એ ન જોવાતું; એણે રાજાની ખફગી વહોરવા જેવું કશું ખરેખરું કર્યું છે કે કેમ એવો સવાલ સરખો ન પુછાતો, અને એને સીધો ‘બેસ્ટીલ’ની જેલમાં હડસેલી મૂકવામાં આવતો. જો રાજાની રખાતો કોઈના ઉપર નારાજ થતી તો તેઓ પણ રાજા પાસેથી અરજ કરીને એવો એક ‘લેટર ડી કેચેટ’ મેળવી લેતી અને પેલો માણસ ધકેલાતો સીધો બેસ્ટીલના કારાગારમાં. એક વાર ત્યાં એ પહોંચ્યો એટલે ગાંગે ગાળ્યા ગટ, તેનું નહિ કાગળ કે ખત! પાછળથી જ્યારે આવા ત્રાસ અને અન્યાય સામે આખો દેશ એક માણસની પેઠે ખળભળી ઊઠ્યો અને પોકારી ઊઠ્યો કે: ‘વ્યક્તિસ્વાતંત્ર્ય, સબ-સમાન, ઊંચનીચનો કોઈ ભેદ નહિ!’ – ત્યારે પેરિસના લોકોએ તેમની ઘેલછામાં રાજા અને રાણી પર હુમલો કર્યો. સૌથી પહેલું તો લોકોનાં ટોળાંએ માણસના માણસ પરનાં ખૂન્નસ અને ત્રાસના પ્રતીક રૂપે ‘બેસ્ટિલ’નું કારાગાર તોડી પાડ્યું, અને એ જગાએ આખી રાત નાચ નાચી, ગાઈ તથા ખાઈપીને વિતાવી. રાજાએ નાસી જવાનો પ્રયત્ન કર્યો પણ એ પકડાઈ ગયો; અને રાજાના સસરા, ઓસ્ટ્રિયાના શહેનશાહે પોતાના જમાઈની મદદ માટે સેના મોકલી છે એવું સાંભળતાં તો લોકોએ ક્રોધથી અંધ બની જઈને ફ્રાંસનાં રાજા અને રાણી બેઉને મારી નાખ્યાં. સ્વાતંત્ર્ય અને સમાનતાના નામે આખી ફ્રેંચ પ્રજા પાગલ બની ગઈ – ફ્રાંસ પ્રજાસત્તાક થયું – ઉમરાવ કુટુંબનું જે કોઈ હાથે ચડ્યું તેને વીણીવીણીને મારી નાખ્યું; ઉમરાવો-સરદારોમાંના કેટલાકોએ પોતાના ઈલકાબો અને હોદ્દાઓ ફગાવી દીધા તથા તેઓ પણ લોકો સાથે ભળી ગયા. એટલું જ નહિ પણ તેમણે દુનિયાની પ્રજાઓને આદેશ આપ્યો કે ‘જાગો, બધા ક્રૂર રાજવીઓને ખલાસ કરો! બધા સ્વતંત્ર થાઓ અને સમાન હક્કો ભોગવો!’ એટલે યુરોપના બધા રાજાઓના પેટમાં ફાળ પેઠી અને સહુ ભયથી થરથરવા લાગ્યા કે વખતે આ આગ પોતાના દેશોમાં પ્રસરે તો? પોતાનાં સિંહાસનો ઊખડીને ફેંકાઈ જાય તો? પોતાના તાજ ધૂળભેગા થઈ જાય તો? એટલે એ બધાએ એ બળવાને દાબી દેવા સારુ ફ્રાંસ પર ચારે બાજુએથી હલ્લો કર્યો. બીજી બાજુ પ્રજાસત્તાક ફ્રાંસના આગેવાનોએ પ્રજા પાસે ધા નાખી કે ‘માતૃભૂમિ ફ્રાંસ જોખમમાં છે; બંધુઓ! સહુ વહારે દોડો!’ અને એ ઢંઢેરો દાવાનળની જ્વાળાઓની પેઠે આખા ફ્રાંસમાં ચારે ખૂણે ફેલાયો. નાનાં-મોટાં, નરનારી, શ્રીમંતગરીબ, ઊંચનીચ, સહુ કોઈ ફ્રાંસનું રાષ્ટ્રગીત (La Marseillaise – લા મારસેલાઝ) ગાતા ગાતા નીકળી પડ્યાં. ગરીબ પ્રજાનાં ટોળેટોળાં, અર્ધભૂખ્યાં, ચીંથરેહાલ, ઉઘાડે પગે, કડકડતી ટાઢમાં, પ્રાણની પરવા કર્યા વિના, ખાંધે બંદૂકો નાખીને पारित्राणाय… विनाशाय च दुष्कृताम्‌ દુષ્ટોનો નાશ કરવા અને મા ભોમની મુક્તિ કાજે જાનફેસાની કરવા નીકળી પડ્યા… એ ફ્રેંચ સેના સામે સમસ્ત યુરોપનાં રાજ્યોનાં લશ્કરો ટક્કર ઝીલી ન શક્યાં. એ ફ્રેંચ સેનાની આગળ મોખરે હતો એક એવો વીર, કે જેની આંગળી ઊંચી થતાં દુનિયા કંપતી, એ હતો વીર નેપોલિયન. તેણે તલવારની ધારે અને બંદૂકની અણીએ ‘સ્વાતંત્ર્ય, સમાનતા અને સહચાર’ ને યુરોપની રગેરગમાં દાખલ કરી દીધાં. 

— સ્વામી વિવેકાનંદ
(સ્વા. વિવે.ગ્રં.મા. ભાગ : ૬, પૃ.૩૨૨-૨૩)

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.