પૂજનીય દલાઈલામા દ્વારા એમના અધ્યક્ષ સ્થાને વિવિધ ધર્મોના અગ્રણીઓ, સંન્યાસીઓ, સંન્યાસિનીઓની અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ન્યુ દિલ્હીમાં ‘ઇન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર’ અને ‘તિબેટ હાઉસ’ના સંયુક્ત ઉપક્રમે તા.૬ થી ૮ ઓક્ટોબર, ૨૦૦૩ સુધી છ સત્રનો કાર્યક્રમ યોજાયો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીવેંકટરામન, પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી જગમોહન વિશેષ અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમોમાં જુદા જુદા ધર્મોનાં મંત્રોચ્ચાર-પ્રાર્થના, વિવિધ ધર્મોના પ્રતિનિધિઓનાં વ્યાખ્યાનો, તાલપત્ર પરના બૌદ્ધિકકાળની પ્રતિમાઓના કોતરકામનું પ્રદર્શન, વગેરે યોજાયા હતા. ૬ ઓક્ટોબરના રોજ યોજાયેલ સત્રમાં ‘પૂર્ણજીવન માટેના વિવિધ સંસ્કૃતિઓનું મિલન: અનાક્રમક અને જીવનને પોષનારા આધ્યાત્મિક માર્ગો’ એ વિષય પરની ચર્ચામાં દેશવિદેશના વિવિધ ધર્મોના તજ્‌જ્ઞો – પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સત્રના અધ્યક્ષ સ્થાને પૂજ્ય દલાઈ લામા હતા. આ સત્રમાં સ્વામી જિતાત્માનંદજીએ આપેલ પ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે :

પરમ પૂજનીય દલાઈ લામા, વિવિધધર્મોના સન્માનનીય પ્રતિનિધિઓ, વિવિધ ધર્મના સંન્યાસી, સંન્યાસિનીઓ અને આમંત્રિત શ્રોતાજનો,

આજે અહીં પૂજનીય દલાઈ લામા સાથે રહીને ઘણો આનંદ અનુભવું છું. એમણે આ સર્વધર્મનું સંમેલન યોજ્યું છે. છેલ્લાં ત્રીસેક વર્ષથી હું એમને વ્યક્તિગત રીતે પ્રણામ કરવા ઇચ્છતો હતો. હિન્દુધર્મની અહિંસક અને સમાધાનકારી જીવનરીતિ વિશે મને બોલવાનું કહ્યું છે એ બદલ હું ઘણો આનંદ અનુભવું છું. વિશ્વના બીજા ધર્મોની જેમ હિન્દુધર્મ એવું નામ કોઈ વિશેષ વ્યક્તિ દ્વારા સાંપડ્યું નથી. ‘બૌદ્ધ’ એવું નામ ‘બુદ્ધ’ના નામ પરથી આવ્યું છે. ‘ક્રિશ્ચયાનીટિ’નામ ‘ક્રાઈસ્ટ’ પરથી આવ્યું છે. મોહમ્મદના નામે ‘મોહમ્મદેનીઝમ’ એવું નામ પડ્યું છે. પણ હિન્દુધર્મ નામ તો અગણ્ય, જાણ્યા-અજાણ્યા ઋષિઓએ આપ્યું છે. એ બધા આર્ષદૃષ્ટાઓએ સમગ્ર માનવજાત માટે સર્વ સામાન્ય બની શકે તેવાં વૈશ્વિક, આધ્યાત્મિક સદાચરણો આપણી સમક્ષ મૂક્યાં છે. આ બધા આર્ષદૃષ્ટા ઋષિઓ સાગર શી સિંધુ જેવી મહાનદીઓને કિનારે રહેતા એટલે એ બધા ‘હિંદુ’ના નામે જાણીતા બન્યા – ઓળખાયા. આ ક્રાંતદૃષ્ટા ઋષિઓની સૌથી વધુ મહત્ત્વની શોધ હતી એક વૈશ્વિક સત્યની. એ વૈશ્વિક સત્ય આપણને કહે છે : ‘આ નશ્વર દેહમાં એક અનંત તત્ત્વ વસે છે. ઈશ્વર કે સચ્ચિદાનંદ (સત્‌-ચિત્ત-આનંદ) આ માનવના નશ્વર દેહ-મનમાં રહેલો છે.’ આજે આ સત્યને નોબેલ પારિતોષિક મેળવતી વિજ્ઞાનની અનેક શોધોએ ખાતરીપૂર્વક પુરસ્કૃત કર્યું છે. આ વિચારને હિંદુધર્મમાં ‘અહમ્‌ બ્રહ્માસ્મિ’ કે ‘તત્‌ ત્વમ્‌ અસિ’ના રૂપે મૂકાયું છે. ઈશુએ કહ્યું છે: ‘હું જ આત્મા છું, એટલે ઈશ્વરનું સામ્રાજ્ય તમારી ભીતર છે.’ આવું જ સત્ય આપણને બૌદ્ધધર્મમાં પણ સાંપડે છે. મરણ પથારીએ પડેલા ભગવાન બુદ્ધે એમના શિષ્યોને ઠપકાની ભાષામાં કહ્યું હતું: ‘બુદ્ધ એ માનવ નથી એ તો બધા પ્રવેશી શકે છે તેવી અનુભૂતિની અવસ્થા છે.’ ઈસ્લામના કુરાન પ્રમાણે (૧૮.૫૦) માનવજાતને દેવો કરતાં પણ ચડિયાતાં માન-આદર આપ્યાં છે. જ્યારે અલ્લાહે બધા દેવદૂતોને આદમને પ્રણામ કરવાનું કહ્યું ત્યારે ઈબ્લીસે માનવજાતને પ્રણામ કરવાનો ઈન્કાર કર્યો, અને ખુદાએ તેને શાપિત શબ્દોમાં ‘તામસી શેતાન’ કહ્યો. તાજેતરમાં ઇન્ડોનેશિયાના પેરુંગમાં એક મસ્જિદમાં ત્રણ હજાર જેટલાં ભાઈ-બહેનોને સંબોધવા માટે મને આમંત્રણ મળ્યું હતું. મને સાંભળીને એ બધાં આનંદોલ્લાસમાં આવી ગયાં. એ બધાં દેવદૂતો જેવાં જ લાગતાં હતાં.

હિન્દુધર્મનું બીજું સત્ય છે : મૂળભૂત આધારશીલા પર વિશ્વની સંલગ્નતા. બધી નૈતિકતા, પ્રેમ, કરુણા સર્વમાં ‘હું’ને – મારા આત્માને જોવામાંથી જન્મે છે. એલેઈન આસ્પેક્ટના બેલના સિદ્ધાંતની પ્રાયોગિક ખાતરીના આધારે આ સત્યને પણ સિદ્ધ કરવામાં આવ્યું છે. આને જ્હોન વ્હીલર અને બીજા વૈજ્ઞાનિકોએ ‘વિજ્ઞાનની શ્રેષ્ઠ શોધ’ ગણાવી છે. હિન્દુધર્મે ‘એકમેવાદ્વિતીયમ્‌’ની અનુભૂતિ કરી છે અને એણે ‘ભૂમા એવ સુખમ્‌ ન અલ્પે સુખમ્‌ અસ્તિ’ જીવનનો સાચો આનંદ જીવવામાં અને સર્વની સેવા કરવામાં છે એ પણ જાણી લીધું છે. હિંદુધર્મનું ત્રીજું સત્ય છે: અનંત ઈશ્વરને પામવા અનંત પથ છે. નોબેલ પારિતોષિક વિજેતા – રિચાર્ડ ફિનમેનની શોધ ‘Multiple History’બતાવે છે કે ઇલેક્ટ્રોન ટૂંકા અને સાંત અંતરને અનંત રીતે કાપે છે. એટલે જ અનંત એવા ઈશ્વરને પામવાના પણ અનંત પથ હોવા જ જોઈએ. વૈદિક ઋષિઓએ ભાખ્યું છે: ‘એકમ્‌ સત્‌ વિપ્રા: બહુધા વદન્તિ’ – સત્ય તો એક છે પણ પ્રાજ્ઞજનો એને જુદા જુદા નામે આલેખે છે.

વૈશ્વિક જીવનરીતિના નિયમો કે સદાચરણોનો કોઈ ઈન્કાર કરી શકે નહિ. જો કોઈ ગુરુત્વાકર્ષણના નિયમનો અસ્વીકાર કરીને હવામાં ચાલે તો તે મૃત્યુને વરવાનો જ. એવી જ રીતે કોઈપણ વ્યક્તિ, રાષ્ટ્ર માનવની મૂળભૂત દિવ્યતાનો ઈન્કાર કરે અને સર્વધર્મ પ્રત્યે સમભાવ-આદરભાવ ન દાખવે તેમજ વ્યક્તિગત, સંકુચિત એકપંથીય સાંપ્રદાયિક કે ધર્મઝનૂની જીવનરીતિ સ્વીકારે તો તેનો વિનાશ કે તેનું વિલોપન ચોક્કસ ગણવું. આ એક ઐતિહાસિક સત્ય છે.

અનાક્રમકતા કે અહિંસા સામેનું એક માત્ર વિઘ્ન છે ધર્મઝનૂન. વિચારો વ્યક્તિમાં કેવું પરિવર્તન લાવી શકે છે, એને પૂરવાર કરતી શોધનાએ ૧૯૮૧માં ડબલ્યુ. સ્પેરીને નોબેલ પારિતોષિક અપાવ્યું હતું. જ્યારે અવારનવાર એમ કહીએ : ‘મારો શાસ્ત્રગ્રંથ જ એકમાત્ર ગ્રંથ છે; મારા પ્રભુ જ એકમાત્ર ઈશ્વરપુત્ર છે.’ ત્યારે આવા શબ્દો ઉદારમન-વિચારવાળાને પણ ‘ઝનૂની’ બનાવે છે. જો કોઈ ધર્મ અવારનવાર એવી ઘોષણા કરે કે એમની પવિત્ર ફરજ એ છે કે કાફરને (પોતાના ધર્મમાં ન માનનાર) કાપી નાખવા જોઈએ કે એમને ભયંકર આગમાં બાળી મૂકવા જોઈએ તો શ્રેષ્ઠમાનવો પણ ભયંકર ખૂન્નસવાળા ધર્મઝનૂની બની જવાના. ધર્મઝનૂનીની હિંસા, વેર અને પ્રતિહિંસાનો ઇતિહાસ રચે છે, એનાથી પરસ્પરનો વિનાશ સર્જાય છે. હિંદુઓએ ક્યારેય એવો દાવો નથી કર્યો કે તેમનો ધર્મ કે તેમનાં દેવદેવીઓને જ પૂજવા ભજવાં જોઈએ. હિંદુધર્મે તો વેદોને અતિક્રમીને પણ સમગ્ર માનવજાતને ગળે લગાવવાનું કહ્યું છે. વેદો કહે છે : ‘તત્ર વેદા અવેદા ભવતિ’ આ છે અહિંસક કે અનાક્રમક સંસ્કૃતિની હિંદુધર્મની જીવનરીતિ.

આજનું ભૌતિક જગત ‘ભીતરની શાંતિ’ અને ‘માનવજાતની એકતા’ ઝંખે છે. જુદા જુદા ધર્મના વિધિવિધાનો ભિન્ન ભિન્ન છે અને ક્યારે એમની વચ્ચે ક્લેશ પણ ઉદ્‌ભવે છે . એમનાં પુરાણો, શાસ્ત્રો પણ અલગ અલગ છે. પરંતુ આધ્યાત્મિક સ્તરે તો બધા ધર્મો ‘અનલ હક્ક – હું જ સત્‌ છું’; ‘પ્રભુનું રાજ્ય છું’ કે ‘ભીતરનો આત્મા છું’; ‘સચ્ચિદાનંદ’; આપણી ભીતર રહેલા આ વૈશ્વિક અને અનંત તત્ત્વોની જ વાત કરે છે.

ભૌતિકવિલાસોની સંસ્કૃતિના માનસિક તાણ અને પીડનની વચ્ચે અમેરિકાના વિદ્યાર્થીઓ, કેદીઓ, ઉચ્ચતમ ન્યાયાલયના વકીલો સહિત કરોડો લોકો ધ્યાન દ્વારા કેવો સઘન આનંદ અને શાંતિ મેળવે છે, એમ ૪ ઓગસ્ટ, ૦૩ના ‘અમેરિકન ટાઈમ’ના મુખ્ય લેખમાં જણાવ્યું છે. આ છે આજની આવશ્યકતા. સમગ્ર વિશ્વ માટે માનનીય દલાઈલામા આ કાર્ય કરી રહ્યા છે આપણે પોતાના ધર્મોના  ધર્મગ્રંથો વિધિવિધાનોથી પર જઈને પણ આપણા ધર્મો’ને ચર્ચવી પડશે, તો જ આપણી ભીતર રહેલી અનંત શાંતિને અનુભવી શકીશું. ધર્મઝનૂનને નાથવા તેમજ સંસ્કૃતિ અને સમાજને સમભાવવાળો બનાવવા આપણા ધર્મોને વૈશ્વિકતા આપવાની આજે તાતી જરૂર છે.

‘બધાં વિચારશક્તિ અને મતો વચ્ચે સમભાવ’ વિશે સુરતમાં સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામની નિશ્રામાં યોજાયેલ વિચારગોષ્ઠિ

જૈન વિશ્વભારતી સંસ્થામાં આચાર્યશ્રી મહાપ્રાજ્ઞ પ્રવાસ વ્યવસ્થા સમિતિ, સુરત દ્વારા યોજાયેલ ‘બધાં વિચારશક્તિ અને મતો વચ્ચે સમભાવ’ એ વિષય પર વિવિધ ધર્મોના ધર્મગુરુઓની વિશેષ ઉપસ્થિતિમાં ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાથે તા. ૧૪-૧૫ ઓક્ટોબર, ૨૦૦૩ના રોજ એક ચર્ચા સંમેલનનું આયોજન થયું હતું. આ પ્રસંગે સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. કલામે તેમના દેશના વિવિધ પ્રાંતોના પ્રવાસના સંસ્મરણોની વાત કરતાં કાશ્મીરની મુલાકાતનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું હતું : ‘‘કાર્યક્રમના અંતે ત્રણ બાળકો એક હિંદુ બાળકી, એક મુસલમાન અને એક શીખ છોકરાએ મને આ પ્રશ્ન પૂછ્યો હતો : ‘માનનીય રાષ્ટ્રપતિશ્રી આપણો દેશ ગરીબી અને આતંકવાદના ભયથી ક્યારે મુક્ત બનશે અને તે ક્યારે એક વિકસિત રાષ્ટ્ર રૂપે ઉભરશે?’ આવાં જ આશા અરમાનો ભારતના ૩૦ કરોડ બાળકો અને યુવાનો સેવે છે.’’ આબાલવૃદ્ધ સૌના સહિયારા પ્રયત્નોથી અને અતિઆધુનિક વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના સંશોધનોને નજર સમક્ષ રાખીને ૨૦૨૦ સુધીમાં આપણો દેશ એક વિકસિત અને ઉન્નત રાષ્ટ્ર કેવી રીતે બની શકે તેની વિગતવાર યોજના મૂકીને સમાપનમાં આ પ્રમાણે કહ્યું હતું: ‘અત્યારે દેશને માટે જેનું બહુ મહત્ત્વ નથી એવી બાબતોને એક બાજુ મૂકીને આપણા રાજકીય નેતાઓ, ધર્મગુરુઓ, વહિવટદારો અને ખાસ કરીને પ્રેસમિડિયાના અગ્રણીઓએ આપણા દેશનો સુપેરે વિકાસ કરતી બાબતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય હવે આવી ચૂક્યો છે.’ આ સમારંભમાં આચાર્યશ્રી મહાપ્રાજ્ઞ, સૂફી ઇસ્લામના નેતા સૈયદ મહમ્મદ જીલાની એ.કે., સ્વામી બાલગંગાધરનાથજી, બિશપ થોમસ ડાબરે, ડો. હોમી બી. ધલ્લા, જગદ્‌ગુરુ દેશીકેન્દ્ર મહાસ્વામી, શ્રી એઝેકૈલ આઈઝેક માલેકર, સ્વામી જિતાત્માનંદજી, ડો. જસવંતસિંહ નેકી, શ્રી ભદંત રાહુલ બોધી, સુદેશ દીદી, મૌલાના વાહીદુદ્દીન ખાન, વગેરે ધર્મના અગ્રણીઓએ પોતપોતાના ધર્મોનું પ્રતિનિધિત્વ કરીને આ પરિસંવાદમાં સર્વધર્મસમભાવ અને વૈચારિક ઐક્યના જાગરણ માટેની વાતો કરી હતી. 

સ્વામી જિતાત્માનંદજીએ ‘ધર્મોની આધારશિલા રૂપે રહેલાં વૈશ્વિક અધ્યાત્મ તત્ત્વો એ જ બધી વિચારશક્તિ વચ્ચેના સમભાવની ગુરુચાવી છે’ એ વિશે બોલતાં કહ્યું હતું: ‘ધર્મધર્મ વચ્ચે પોતાના ધર્મોનાં વિધિવિધાનો અને  ક્રિયાકર્મો દ્વારા એકતા સાધવી શક્ય નથી. આ એકતા તો આધ્યાત્મિક તત્ત્વદર્શનના આધારે જ રચી શકાય. આ આધ્યાત્મિક સત્યો બધી માનવજાત માટે સમાનતત્ત્વો છે. આ તત્ત્વો આ છે : ઉપનિષદો કહે છે : અયમ્‌ આત્મા બ્રહ્મ, તત્ત્વમસિ કે અહમ્‌ બ્રહ્માસ્મિ. બૌદ્ધો કહે છે : આત્મદીપો ભવ. ઈશુ ખ્રિસ્ત કહે છે : ‘પ્રભુનું રાજ્ય તમારી ભીતર છે. હું અને મારા પિતાપ્રભુ એક છીએ.’ ઈસ્લામના કુરાન પ્રમાણે (૧૮.૫૦) માનવજાતને દેવો કરતાં પણ ચડિયાતાં માન-આદર આપ્યાં છે. જ્યારે અલ્લાહે બધા દેવદૂતોને આદમને પ્રણામ કરવાનું કહ્યું ત્યારે ઈબ્લીસે માનવજાતને પ્રણામ કરવાનો ઈન્કાર કર્યો, અને ખુદાએ તેને શાપિત શબ્દોમાં ‘તામસી શેતાન’ કહ્યો. સૂફી ઈસ્લામ કહે છે : ‘અનલ હક્ક – હું જ સત્‌ છું’. આ બધાં વૈશ્વિકતત્ત્વો વચ્ચે સમન્વય સાધવો સરળ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘માનવીની ભીતર રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ એ જ સાચો ધર્મ છે. ચર્ચ, મંદિરો, વિધિવિધાનો કે શાસ્ત્રગ્રંથો મારે મન ગૌણ છે.’ બીજું સત્ય કૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ આ વિશ્વ એકસૂત્રમાં ગૂંથાયેલા વિવિધમણિ જેવું છે. જૈનોની ‘અહિંસા’ અને હિંદુધર્મની ‘શિવભાવે જીવસેવા’ જીવનના વૈશ્વિક દૃષ્ટિકોણ પર રચાયેલ છે. પરોપકાર, પરહિતચિંતા, મૈત્રી, પ્રમોદભાવ, કરુણાભાવ, મધ્યસ્થ બુદ્ધિભાવ, જેવાં જૈન મૂલ્યો પણ આ વૈશ્વિક દૃષ્ટિકોણ પર આધારિત છે. ભગવાન બુદ્ધ પણ ‘બહુજન હિતાય, બહુજન સુખાય, લોકાનુકંપાયૈ હિતાય અર્થાય સુખાય દેવમનુષ્યાણામ્‌’ આવી જ વાત કહે છે. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ ‘જતો મત, તતો પથ’માં માનનારા હતા અને એમણે ‘એકમ્‌ સત્‌ વિપ્રા બહુધા વદન્તિ’ વેદોના આ સત્યને વિવિધ ધર્મોની સાધના દ્વારા પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું. મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરનું આ સૂફી ભાવનું ગીત એમને બહુ પસંદ હતું: 

તૂઝ સે હમને દીલ કો લગાયા, જો કુછ હૈ સો તૂ હી હૈ,
કાબા મેં ક્યા ઔર દેવલ મેં ક્યા, તેરી પરસ્તિસ હોગી સબ જા,
જહાઁ મેં દેખા તૂ હી નજર આયા, જો કુછ હૈ સો તૂ હી હૈ.’

બધા ધર્મમતો વચ્ચેની એકતાનો માર્ગ એટલે પોતપોતાના ધર્મસંપ્રદાયથી પર ઊઠીને જીવન જીવવું. આજના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના યુગમાં ઉપર્યુક્ત વૈશ્વિક સત્યોનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘સત્ય પ્રાચીન કે અર્વાચીન સમાજને અંજલી આપતું નથી પરંતુ સમાજે સત્યને અંજલી રૂપ બનવું જોઈએ અથવા મરવું જોઈએ.’ શ્રીરામકૃષ્ણદેવ આધુનિક યુગના એવા પ્રથમ ઐતિહાસિક મહાનધર્મગુરુ હતા કે જેમણે હિંદુધર્મની વિવિધ શાખાઓ પ્રમાણે બ્રાહ્મણપૂજારી રૂપે શ્રીમા કાલી, શ્રીરામ, સાકારનિરાકારની સાથે સૂફી ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મની સાધના કરી હતી. આ સાધનાઓ દ્વારા એમણે ‘ઈશ્વર અનંત છે અને તેને પામવાના પથો પણ અનંત છે’ એ મહાન વૈશ્વિક સત્યની ભેટ આપણને આપી છે. રામકૃષ્ણ-ભાવધારાને વરેલા હિંદુઓ વિશ્વભરમાં આવેલાં શ્રીરામકૃષ્ણ મંદિરોમાં ક્રિસમસ, ઈદ, મહાવીર જયંતી, બુદ્ધજયંતી, ગુરુનાનક જયંતી, વગેરેના ઉત્સવો ઉજવે છે અને સ્વામી વિવેકાનંદે ઉચ્ચારેલી આ વાણીને સાકાર કરે છે : ‘હું મુસલમાનોની મસ્જિદમાં જઈશ; હું ખ્રિસ્તીઓના ચર્ચમાં જઈશ અને ક્રૂસને સાષ્ટાંગ પ્રણામ કરીશ. હું બૌદ્ધમંદિરમાં જઈશ અને બુદ્ધના ચરણોમાં શરણાગતિ સાધીશ. હું વનમાં જઈશ અને હિંદુ સાથે – કે જે દરેક વ્યક્તિના હૃદયને અજવાળતા દિવ્ય તેજને મેળવવાનો પ્રયત્ન કરે છે – ધ્યાનમાં બેસીશ.’ આ જ છે વિશ્વની વિવિધ વિચારશક્તિઓ વચ્ચે સમભાવભર્યું ઐક્ય સ્થાપવાનો નવો માર્ગ.

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.