એક દિવસ હું શ્રીઠાકુરને મળવા બપોરે ગયો હતો.. શ્રીઠાકુર નાના ખાટલા પર બેસીને ભક્તો સાથે વાર્તાલાપ કરતા. શારીરિક દૃષ્ટિએ તેઓ સામાન્ય માણસ જેવા લાગતા, પરંતુ એમનું સ્મિત દિવ્ય હતું. મેં મારા જીવનમાં આવું દિવ્ય સ્મિત ક્યારેય જોયું ન હતું. જ્યારે તેઓ હસતા ત્યારે જાણે કે પરમાનંદનું એક મોજું તેમના ચહેરા પર અને સમગ્ર દેહ પર ફરી વળતું. એ પરમાનંદ સભર હાસ્યનાં દર્શન કરનાર લોકોની સર્વચિંતાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જતી. એમનો અવાજ એટલો બધો મધુર અને સંગીતમય હતો કે કોઈ પણ વ્યક્તિ એને સાંભળતાં ક્યારેય થાકે નહિ. તેમની આંખો વેધક અને તેજસ્વી હતી. એમની આંખો જોતાં તેઓ સામેની વ્યક્તિની બધી ભીતરની વસ્તુઓને જોઈ શકતા એવું લાગતું. શ્રીરામકૃષ્ણના ખંડમાં પ્રબળ શાંતિ વ્યાપી જતી હું અનુભવી શકતો હતો. શ્રીઠાકુરના મુખેથી નીકળતા શબ્દોને ત્યાં હાજર રહેલા ભક્તો પરમાનંદ સાથે અને એકાગ્રતાથી સાંભળતા હતા… એ બધું સાંભળીને મારા અંતરમાં ઘણો આનંદ થતો…

એક વખત શ્રીઠાકુરે પોતાની છબિ તરફ આંગળી ચીંધીને મને કહ્યુંઃ ‘જો ભાઈ, હું આ ચિત્રમાં રહું છું. મારા પર ધ્યાન કર.’ મેં કહ્યું: ‘હા, મહારાજ ! હું એમ કરીશ.’ દરેક દેવદેવીઓના સ્વરૂપ શ્રીરામકૃષ્ણના સ્વરૂપમાં છે. તેમનું ચિત્ર કુંડલિનીના છ ચક્રોને વીંધવાની સંજ્ઞારૂપ છે. હું જ્યારે એમના તેજોમય સ્વરૂપને નીહાળું છું ત્યારે એવું પ્રતીત થાય છે કે શ્રીઠાકુર કુંડલિનીના છ ચક્રોથી ઉપર ઊઠીને સચ્ચિદાનંદના પરમાનંદસાગરમાં ભળી ગયા છે. શ્રીઠાકુરના ચિત્રમાં હું ઘણી અદ્ભુત બાબતો નિહાળું છું. જેમની પાસે શુદ્ધ હૃદય છે તેમની સમક્ષ શ્રીઠાકુર પ્રગટે છે.

– સ્વામી વિજ્ઞાનાનંદ
(Sri Ramakrishna as we saw Him, p.246,254)

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.