(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ પોતાના ઓરડામાં જ બેઠા હતા. કેટલાક સમયથી મારા મનમાં વિચાર આવતો હતો કે સ્વામીજી તો દેશ-વિદેશ ફરીને સેંકડો ભાષણ કરી આવ્યા, બધા પ્રકારના લોકો સાથે તેમનું મળવાનું થયું હતું, સ્ત્રીઓની સાથે પણ. એ સમયે સ્વામીજી સાથે તેઓની પાશ્વાત્ય શિષ્યાઓ પણ હતી. તેથી હું વિચારતો હતો કે તેઓએ જે કંઈ પણ કર્યું, તે બરોબર ઠાકુરની ભાવના અનુસાર કર્યું હતું? તેઓ આટલી સ્ત્રીઓ સાથે કેમ હળે-મળે છે? આવા વિચારો મનમાં બહુ જ ઊઠી રહ્યા હતા. તેથી એક દિવસ સ્વામીજીને એકલા જોઈને મેં પૂછ્યું, ‘સારું મહારાજ, આપ તો પશ્ચિમી દેશોમાં જઈને સ્ત્રીઓ સાથે પણ હળો-મળો. પરંતુ ઠાકુરનું શિક્ષણ અને ઉપદેશ તો તેનાથી ભિન્ન છે. તેઓ તો કહેતા હતા કે સંન્યાસીએ કોઈ સ્ત્રીનું ચિત્ર પણ ન જોવું જોઈએ. મને પણ તેઓએ વિશેષરૂપે કહ્યું હતું કે ખબરદાર! કદી પણ સ્ત્રીઓને મળતો નહીં. જો તે પરમભક્ત હોય તોપણ નહીં. તેથી મને લાગી રહ્યું છે કે આપે આ બધું કેમ કર્યું?’ મારી વાત સાંભળીને સ્વામીજી ખૂબ ગંભીર બની ગયા અને તેમનો ચહેરો તથા આંખો લાલ-લાલ થઈ ગયાં. તેમના ચહેરા તરફ જોતાં જ હું બહુ ડરી ગયો અને મને થયું કે કહેતાં કહેતાં મેં શું કહી દીધું. થોડી વાર પછી તેઓ બોલ્યા, ‘જો પેશન, ઠાકુરને જેટલા પ્રમાણમાં તું સમજ્યો છે, શું ઠાકુર માત્ર એટલા જ છે? વળી ભલા માણસ, તેં ઠાકુરને કેટલા સમજ્યા છે? તને ખબર છે, ઠાકુરે મારામાંથી સ્ત્રી-પુરુષનો ભેદ મીટાવી દીધો છે! ભલા માણસ, આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે રે? તો પછી, ઠાકુર તો આખી દુનિયા માટે આવ્યા હતા. તેઓ શું વીણી વીણીને માત્ર પુરુષોનો જ ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા. તેઓ બધાંનો ઉદ્ધાર કરશે—સ્ત્રી, પુરુષ બધાંનો. તમે લોકો પોતપોતાની બુદ્ધિ અનુસાર ઠાકુરને માપી-જોખીને આટલા નાના કરવા ઇચ્છો છો? તેઓની કૃપા આ દુનિયાનાં દરેક સ્ત્રી-પુરુષને પ્રાપ્ત થશે જ, બીજા લોકોમાં પણ તેમની કૃપાનો પ્રભાવ પહોંચશે. તેઓએ તને જે કહ્યું છે તે ખોટું નથી. તે તદ્દન સાચું છે. તેઓએ તને જે રીતે ઉપદેશ આપ્યો છે, તે રીતે જ તું વર્તજે. પરંતુ તેઓએ મને જુદી રીતે કહ્યું છે. કહ્યું શું? સ્પષ્ટ બતાવી આપ્યું છે રે! મારો હાથ પકડીને તેઓ જે કરાવી રહ્યા છે, હું તે જ કરું છું.’ એમ કહેતાં કહેતાં સ્વામીજી જાણે કે થોડા શાંત થયા. હું તો સ્વામીજીની તે રૌદ્ર મૂર્તિ જોઈને ભયથી બિલકુલ લાકડા જેવો થઈ ગયો હતો. હું વધુ તો શું કહું? મારા મોઢેથી બીજી કોઈ વાત નીકળી જ શકતી ન હતી. લાગતું હતું કે અહીંથી ભાગી જાઉં તો જીવ બચે.

Total Views: 30

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.