એ સમયે સ્વામીજીએ હાલમાં જ સંસારત્યાગ કર્યો હતો. એક વ્યક્તિએ એમને પૂછ્યું, ‘મહાશય, શું આપને જ્ઞાનલાભ થઈ ગયો છે ?’ સ્વામીજીએ કહ્યું, ‘ના.’ એ વ્યક્તિએ ફરીથી પૂછ્યું, ‘તો પછી આપે શા માટે સંસાર ત્યજી દીધો?’ સ્વામીજીએ દૃઢતાથી કહ્યું, ‘કારણ કે મેં એ વાત બરાબર સારી રીતે જાણી લીધી છે કે આ સંસાર અત્યંત નિકૃષ્ટ છે; એને સ્વીકારવાથી મૃત્યુ નિશ્ર્ચિત છે. એટલે મેં એનો ત્યાગ કર્યો છે.’

પ્રબળ પુરુષોના વિસ્તારમાં રહેવાથી જીવ કેટલીયે વાર બચી જાય છે. મઠ નીલાંબર મુખરજીના મકાનમાં હતો, એ સમયની વાત છે. દશેરાનો દિવસ હતો અમે લોકો સ્વામીજીની સાથે ત્યાં જ રહેતા. એ સમયે સ્વામીજી એવી ઉચ્ચ આધ્યાત્મિક ભાવભૂમિમાં રહેતા, એનું વર્ણન હું શું કરું ! જ્યારે મેં એમનાં ચરણને સ્પર્શ કરીને પ્રણામ કર્યા તો વીજળીના ઝટકા જેવું લાગ્યું! તેમના ઘેરાની ભીતર જવાથી જાણે કે તેઓ એક આધ્યાત્મિક રાજ્ય વિસ્તારીને બેઠા છે, એવું લાગતું. એની ભીતર જે કોઈ પ્રવેશ કરતા, તેને એવો અનુભવ થતો કે એક વિદ્યુતશક્તિ તેમની ભીતર પ્રવેશ કરી રહી છે અને આવો અનુભવ તરત જ થતો.

એકવાર બલરામ બાબુના ઘરે શ્રીમા આવ્યાં હતાં. સ્વામીજી પણ ત્યાં જ હતા. હું સ્વામીજીની પાસે બેઠો હતો. બધા લોકો શ્રીમાને પ્રણામ કરવા જઈ રહ્યા હતા. સ્વામીજીએ મને પણ શ્રીમાને પ્રણામ કરવા કહ્યું. હું ઘૂંટણિયે પડ્યો અને ધરતી પર મસ્તક રાખીને મેં માને પ્રણામ કર્યા. સ્વામીજી પણ મારી પાછળ પાછળ આવતા હતા, પરંતુ મને એમના આવવાનો અવાજ ન સંભળાયો. આવી રીતે મને પ્રણામ કરતો જોઈને સ્વામીજીએ કહ્યું, ‘શું શ્રીમાને આવી રીતે પ્રણામ કરાય છે !’ એમ કહીને એમણે શ્રીમાને સાષ્ટાંગ પ્રણામ કર્યા ! આ જોઈને મેં પણ એવી જ રીતે શ્રીમાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.

રાખાલ મહારાજની છત્રછાયામાં રહેવાથી મારે સ્વામીજીના ઠપકા વધારે સહન ન કરવા પડ્યા. એક વાર સ્વામીજીએ કહ્યું, ‘એક રીતે કહી શકાય કે ભારતનું અધ:પતન ઋષિમુનિઓને કારણે જ થયું છે.’ હું ભલા આ વાતને શું સમજું ! મેં વિચાર્યું કે સ્વામીજી ઋષિમુનિઓની નિંદા કરી રહ્યા છે. આવું વિચારીને મેં એમનો પ્રતિવાદ કરતાં કહ્યું, ‘ના મહાશય, ઋષિમુનિઓ વિશેની આપની આ ધારણા ભ્રાંત છે.’ આ સાંભળીને સ્વામીજીનો ચહેરો તરત જ લાલચોળ થઈ ગયો. રાખાલ મહારાજ ત્યાં જ ટહેલતા હતા. સ્વામીજીએ એમને કહ્યું, ‘રાખાલ, જુઓ પેશન(સ્વામીજી વિજ્ઞાનાનંદજીને પેશન કહેતા)કહે છે કે હું કંઈ જાણતો કે સમજતો નથી.’ રાખાલ મહારાજે જવાબ આપ્યો, ‘તમે પણ એવા જ છો! પેશનની વાત શું આટલું બધું ધ્યાન આપવા જેવી છે? એ તો હજી બાળક છે, ભલા, એ શું સમજવાનો ?’ આ સાંભળીને સ્વામીજી નાના બાળકની જેમ તરત જ શાંત થઈ ગયા. રાખાલ મહારાજે કહી દીધું કે પેશન તો બાળક છે, એટલે તે જાણતો નથી કે શું કહેવું જોઈએ- બસ, એટલાથી જ આખા વિવાદનો અંત આવી ગયો.

રાખાલ મહારાજ અને બાબુરામ મહારાજે (સ્વામી પ્રેમાનંદ)સ્વામીજીનો આવો બધો જમેલો સંભાળવો પડતો અને ક્યારેક ઠપકો ખાવો પડતો. એક દિવસ સ્વામીજીએ રાખાલ મહારાજને પણ ઠપકાર્યા; એમની ચૌદપેઢી સુધી સંભળાવ્યું. રાખાલ મહારાજ છાનામાના પોતાના ઓરડામાં જઈને દરવાજા બંધ કરીને સૂઈ ગયા. મેં જઈને કહ્યું, ‘આજે સ્વામીજીએ આપને પણ ઠપકાર્યા ને ?’ પછી એમણે કહ્યું, ‘માત્ર ધમકાવ્યો જ નહીં, પણ અરે, મારી ચૌદપેઢીનું શ્રાદ્ધ કરી નાખ્યું.’

પછીના  દિવસે સવારે સ્વામીજીએ રાખાલ મહારાજને બોલાવ્યા. એમના આવતાં જ સ્વામીજીએ એમને આલિંગનમાં લેતાં કહ્યું, ‘રાખાલભાઈ, કાલે તમને ખૂબ ધખ્યો; કોણ જાણે કેમ પણ મારું માથું બહુ તપી ગયું હતું.’ રાખાલ મહારાજે તરત જ કહ્યું, ‘એથી શું થયું ? તમે તો મને મારા ભલા માટે જ ઠપકો આપો છો ને! એના માટે આટલું બધું શા માટે વિચારવું ?’ બસ, સ્વામીજી ખુશ ખુશ થઈ ગયા. ત્યાર પછી એ બન્ને વચ્ચે કેટલીય વાતો થતી રહી. સ્વામીજી પાસેથી કોઈ છોકરો દીક્ષા લેવા ઇચ્છે તો તેઓ કહેતા, ‘અરે, તમે લોકો મારી શાંત મુખાકૃતિ જોઈને ભુલામણીમાં ન પડી જતા. મારી રુદ્રમૂર્તિ જોઈને પણ જો તમને દીક્ષા લેવાની ઇચ્છા થાય તો આવજો.’ હવે તો મઠમાં આવા ઠોટઠપકા જોવા મળતા નથી. એ સમયે જેટલા ક્રોધે ભરાઈને ધખવાનું થતું, તેવો જ એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ હતો.

એક દિવસ સ્વામીજીએ બેલુર મઠમાં ટહેલતી વખતે મને કહ્યું, ‘અહીં શ્રીઠાકુરનું મંદિર થશે.’ જે સ્થાને અત્યારે મંદિર નિર્માણના કાર્યનો આરંભ થયો છે, એમણે બરાબર એ જ સ્થાનને ઇંગિત કર્યું હતું. ત્યાર પછી એમણે મને પૂછ્યું, ‘શું હું મંદિર જોઈ શકીશ ?’ મેં કહ્યું, ‘હા મહારાજ ! આપ જોઈને જ જશો.’ આ સાંભળીને તેઓ પળભર મૌન રહ્યા અને ત્યાર પછી કહ્યું, ‘હા, હું જોઈશ-ઉપરથી જોઈશ.’ હવે તેઓ મંદિરના નિર્માણનું કાર્ય ઉપરથી જોઈ રહ્યા છે.

એકવાર અમેરિકન મિશનરીઓએ સ્વામીજીને મારી નાખવાનું ષડ્યંત્ર રચ્યું. તેમને ભોળવીને વિષવાળું શરબત પીવા આપ્યું. સ્વામીજીને શરબત બહુ પસંદ હતું. તેઓ તો એ લોકોના આવા ષડ્યંત્ર વિશે કંઈ જાણતા ન હતા. શરબત જોઈને ખુશ થઈને જેવા તેઓ પીવા જતા હતા, ત્યાં જ શ્રીઠાકુરે એમને દર્શન આપીને શરબત પીવાની મના કરી. પછી એમણે એ શરબત ન પીધું. આ રીતે શ્રીઠાકુરે એમનું રક્ષણ કર્યું હતું.

એ સમયે હું ગંગાનો પાકો ઘાટ બનાવતો હતો. એક દિવસ ઘણો તાપ હતો. સ્વામીજી મઠની ઉપરની ઓસરીમાં બેસીને શરબત પીતા હતા. આ બાજુ મને ખૂબ તરસ લાગી હતી. ત્યારે સ્વામીજીના એક સેવકે આવીને મને એક ગ્લાસ દઈને કહ્યું, ‘સ્વામીજીએ આપના માટે શરબત મોકલ્યું છે.’ સાંભળીને હું તો રાજી રાજી થઈ ગયો. પરંતુ જોયું તો ગ્લાસના તળિયે માત્ર બે-ચાર ટીપાં શરબત છે ! પહેલાં તો હું ઘણો નિરાશ થયો, મનમાં દુ:ખ પણ થયું કે અતિ તરસ લાગવાથી મારી છાતી ફાટી રહી છે ને સ્વામીજી આ રીતે મારી મજાક કરી રહ્યા છે! પણ ભલે ગમે તે હોય હું તો એ શરબતને મહાપુરુષે મોકલેલો પ્રસાદ માનીને ગ્લાસમાં રહેલાં બે-ચાર ટીપાં પણ પીઈ ગયો. હવે આશ્ચર્યની વાત તો એ છે કે એ બે-ચાર ટીપાં પીધા પછી અત્યંત તૃપ્તિ થઈ ગઈ-અને મારી તરસ પણ એ જ ક્ષણે મટી ગઈ. હું તો અવાક બની ગયો. ઘાટનું કામ બંધ કરીને જ્યારે હું પાછો ફરતો હતો, ત્યારે સ્વામીજીએ હસતાં હસતાં મને પૂછ્યું, ‘શરબત પીધું ને?’ મેં કહ્યું, ‘શરબત તો નામ માત્રનું હતું, પરંતુ એનાથી જ હું પૂરેપૂરો તૃપ્ત થઈ ગયો.’ આ સાંભળીને સ્વામીજી ખૂબ રાજી થયા. સ્વામીજી વિના કારણે કોઈને ધખતા ન હતા અને જેને ઠપકો આપતા તે તેના ભલા માટે જ આપતા. સાથે ને સાથે તેઓ પ્રેમભાવ પણ બહુ રાખતા.

સ્વામીજી અત્યંત કડક સ્વભાવના હતા. જરા સરખું પણ આડાઅવળું થાય તો ખૂબ ખીજાતા. પણ મારે એટલા ઠપકા ખાવા ન પડ્યા. એક વાર બેલુર મઠમાં એમણે મહાપુરુષ મહારાજ(સ્વામી શિવાનંદજી મહારાજ)ને આખી રાત ધ્યાન કરવા કહ્યું. એક દિવસ સ્વામી બ્રહ્માનંદજીને માધુકરી(ભિક્ષા)કરીને ખાવા કહ્યું. એ દિવસે મહારાજ-સ્વામી બ્રહ્માનંદને માટે ભોજન રંધાયું નહીં. તેઓ માધુકરી કરવા નીકળ્યા. સ્વામીજી પોતે ખાવા બેઠા. એમનું ભોજન પૂરું થતાં પહેલાં જ મહારાજ-બ્રહ્માનંદજી માધુકરી કરીને પાછા આવ્યા. ત્યારે એમણે આનંદિત થઈને કહ્યું, ‘જોઉં તો શું લાવ્યા છો ? માધુકરીનું અન્ન ઘણું પવિત્ર હોય છે’- એમ કહીને મહારાજ પાસેથી માગીને થોડું અન્ન ખાધું.

હું સ્વામીજીની પાસે વધારે ન જતો. એક દિવસ સંધ્યા સમય પહેલાં એમણે મને બોલાવ્યો. મેં કહ્યું, ‘હવે હું ધ્યાન કરવા જઉં છું,’ અને ત્યાંથી છટકી ગયો. એક દિવસ સાંજે ફરવા જતી વખતે સ્વામીજીએ મને બોલાવ્યો. ગંગાના કિનારે ટહેલતાં ટહેલતાં એમણે દૃઢતાપૂર્વક કહ્યું કે શ્રીઠાકુરનું એક મંદિર બનશે. વળી પાછું એમણે મને પૂછ્યું, ‘તમારો શો અભિપ્રાય છે?’ મેં કહ્યું, ‘જ્યારે આપ કહો છો એટલે ચોક્કસ બનશે જ.’ મંદિરની વાતો કરતાં કરતાં એમનાં નેત્રો અને મુખનો ભાવ સાવ બદલાઈ ગયો. જાણે કે તેઓ મંદિરને સ્પષ્ટરૂપે જોઈ રહ્યા હોય, તેવું લાગતું હતું. ત્યાર પછી થોડીવાર બાદ મંદિર ક્યાં બનશે, કેવી રીતે બનશે, આ પ્રસંગની વાત પણ ચાલતી રહી. મંદિરનું વર્ણન પૂરું કરીને એમણે મને એનો એક નક્શો બનાવવા કહ્યું. થોડી વાર પછી અત્યંત ગંભીર થઈને બોલ્યા, ‘આ શરીર (પોતાનું શરીર બતાવીને )ત્યાં સુધી નહીં રહે, પરંતુ હું ઉપરથી જોઈશ. મેં કાર્યનો આરંભ કરી દીધો છે.’ એમણે જોયું પણ ખરું. સ્વામીજીએ પચાસ વર્ષો પછી ફરી એકવાર આવવાની ઇચ્છા પ્રગટ કરી હતી; સંભવત: તેઓ ફરીથી આવશે.

એક દિવસની વાત છે. સ્વામીજી પોતાના ઓરડામાં જ બેઠા હતા. થોડા દિવસોથી મારા મનમાં એવું થતું હતું કે સ્વામીજી તો દેશ-વિદેશ ફરીને સેંકડો ભાષણ આપી આવ્યા, દરેક પ્રકારના લોકો સાથે તેમને હળવામળવાનું થયું, સ્ત્રીઓ સાથે પણ ખરું. એ સમયે સ્વામીજીની સાથે એમની પાશ્ર્ચાત્ય શિષ્યાઓ પણ હતાં એટલે હું મનમાં વિચારતો કે એમણે જે કંઈ પણ કર્યું છે, શું એ બધું બરાબર શ્રીઠાકુરના ભાવ પ્રમાણેનું હતું? તેઓ આટલી સ્ત્રીઓને શા માટે હળ્યામળ્યા ? આવા બધા વિચારો મારા મનમાં ઊઠતા રહેતા. એટલે એક દિવસ સ્વામીજીને એકલા જોઈને મેં પૂછ્યું, ‘સારું મહારાજ, આપ તો પશ્ચિમના દેશમાં જઈને સ્ત્રીઓની સાથે પણ હળ્યામળ્યા ! પરંતુ શ્રીઠાકુરનાં બોધ-જ્ઞાન અને ઉપદેશથી આ ભિન્ન છે. તેઓ તો કહેતા કે એક સંન્યાસીએ કોઈ સ્ત્રીનું ચિત્ર પણ ન જોવું જોઈએ. મને પણ એમણે સવિશેષપણે કહ્યું હતું કે ‘ખબરદાર ! ક્યારેય સ્ત્રીઓને ન મળવું, ભલે એ ભક્તિવાન હોય તો પણ નહીં. એટલે મને એવું લાગે છે કે આપે આ બધું શા માટે કર્યું ?’ મારી વાત સાંભળીને સ્વામીજી ઘણા ગંભીર થઈ ગયા અને એમનાં મુખ અને નેત્રો એકદમ લાલચોળ થઈ ગયાં. એમના ચહેરા તરફ જોતાં જ મને ઘણો ડર લાગવા લાગ્યો કે વાતવાતમાં મેં આ શું કહી નાખ્યું. થોડી વાર પછી તેઓ બોલી ઊઠ્યા, ‘જો પેશન ! શ્રીઠાકુરને તું જેટલો સમજ્યો છો, શું ઠાકુર એટલા જ છે ? અને વળી તેં ઠાકુરને સમજ્યા છે પણ કેટલા ? શું તું જાણે છે, ઠાકુરે મારી ભીતરથી સ્ત્રીપુરુષનો ભેદ જ ભૂંસી નાખ્યો છે ? આત્મામાં ભલા સ્ત્રીપુરુષ ક્યાં છે રે ? વળી, ઠાકુર સમગ્ર દુનિયા માટે આવ્યા હતા. શું તેઓ પસંદ કરી કરીને કેવળ પુરુષોનો જ ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા? તેઓ તો બધાંનો ઉદ્ધાર કરશે- સ્ત્રી, પુરુષ બધાંનો. તમે લોકો પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઠાકુરનું મૂલ્યાંકન કરીને શું આટલા બધા નાના કરવા ઇચ્છો છો ? એમની કૃપા આ દુનિયાનાં બધાં નરનારી તો મેળવશે જ, બીજા લોકોમાં પણ એમની કૃપાનો પ્રભાવ પહોંચશે. એમણે તને જે કહ્યું છે, એ મિથ્યા નથી. તે એક અકાટ્ય સત્ય છે. એમણે તને જે રીતે ઉપદેશ આપ્યો છે, એના પર જ તું બરાબર ચાલજે. પરંતુ એમણે મને જુદી રીતે કહ્યું છે. કહ્યું તો શું, સ્પષ્ટ રૂપે મને દેખાડી દીધું છે, રે ! મારો હાથ પકડીને તેઓ મારી પાસે જે કરાવી રહ્યા છે, હું એ જ કરી રહ્યો છું.’ આમ કહેતાં કહેતાં સ્વામીજી જાણે કે થોડા શાંત થયા. હું તો સ્વામીજીની એ રુદ્રમૂર્તિ જોઈને ભયથી લાકડું બની ગયો હતો ! હું વધારે શું કહેવાનો હતો ? મારા મુખમાંથી બીજી કોઈ વાત નીકળતી જ ન હતી. એવું લાગતું હતું કે અહીંથી ભાગી શકું તો પ્રાણ બચે.

મારી આ અવસ્થા જોઈને સ્વામીજીને દયા આવી. એમણે આછેરા હાસ્ય સાથે કહ્યું, ‘શું સ્ત્રીઓમાં તે આદ્યાશક્તિ જાગૃત થયા વિના ક્યારેય કોઈ જાતિ ઉન્નત થઈ શકી છે ખરી ? મેં તો આખી દુનિયા ખૂંદીને જોઈ છે. બધા દેશોમાં સ્ત્રીઓની મોટે ભાગે એક જ અવસ્થા છે, વિશેષ કરીને આપણા આ અભિશાપ પામેલા દેશમાં. એટલે તો આ જાતિનું આટલું બધું અધ:પતન થયું ! સ્ત્રીઓની જાગૃતિથી જ બધી જાતિઓ જાગી ઊઠી છે, એ તમે જોશો. એટલે જ તો શ્રીમા શારદાદેવી આવ્યાં છે ને ! શ્રીમાના આગમન પછી જ બધા દેશોની સ્ત્રીઓની અંદર જાગરણનું આંદોલન જાગ્યું છે. આ તો શરૂઆત જ છે, વધારે શું શું થશે, એ તમે જોજો.’

સ્વામીજી વધારે કેટલુંય કંઈકને કંઈક કહેતા હતા, પરંતુ ત્યારે જ એક વ્યક્તિ આવી ગઈ અને તેઓ એમની સાથે વાત કરવા લાગ્યા. હું પણ આ સુઅવસર પામીને તેમના ઓરડામાંથી ચાલ્યો ગયો. સ્વામીજી એટલી પ્રબળ રીતે આ બધી વાતો કહી રહ્યા હતા કે મને એમની વાત કાપીને કંઈ કહેવાની હિંમત જ ન થઈ. પરંતુ મને સમજાયું કે ઠાકુરે મને જે રીતે કરવાનું કહ્યું હતું, હું તો એમ જ કર્યે જઈશ. સ્વામીજીની વાત અલગ છે. તેઓ તો હતા શ્રીઠાકુરના મુખ્ય પાર્ષદ ! અને ખરેખર સ્વામીજીએ શ્રીઠાકુરને જેવા જાણ્યા-સમજ્યા હતા, એવી રીતે ભલા બીજા કોણ સમજવાના હતા ? એમની પાસેથી જ શ્રીઠાકુરે પોતાનું બધું કામ કરાવી લીધું. સ્વામીજી અદ્વિતીય છે. અમે લોકો તો સ્વામીજી બની શકવાના નથી ! પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે જો કે સ્વામીજી પોતે પોતાનાં પાશ્ર્ચાત્ય શિષ્યાઓ સાથે હળતામળતા, પરંતુ કોઈ બીજા સંન્યાસી કે બ્રહ્મચારીને ક્યારેય એમની પાસે જવા ન દેતા. તેમનો કોઈ સામાન મોકલવાનો હોય તો કાં તો પોતે સ્વયં જતા અથવા વૃદ્ધોમાંથી કોઈને મોકલતા. અરે ત્યાં સુધી કે પોતાના ગુરુભાઈઓમાંથી પણ કોઈકને જ તેમની પાસે મોકલતા.

હું સ્વામીજીને જેટલો ચાહતો એટલો જ એમનાથી ડરતો હતો. એમનો મિજાજ બરાબર નથી, એવું જ્યારે જોતો ત્યારે એમની નજર બહાર રહીને નીકળી જતો. ક્યારેક ક્યારેક  સ્વામીજી ઊંચા સ્વરે કહેતા, ‘પેશન, પેશન, સાંભળ ! અહીં આવ.’ પરંતુ હું દૂરથી જ આટલું કહીને ભાગી છૂટતો કે ‘મહારાજ ! અત્યારે કામમાં ઘણો વ્યસ્ત છું, પછી આવીશ.’

સ્વામીજી અત્યારે પણ અહીં જ છે. હું તો એમના ઓરડાની સામેથી જતી વખતે બિલ્લીપગે જઉં છું, જેથી એમને કોઈ અડચણ ન પડે. કદાચને એમની સાથે મારી દૃષ્ટિ મળી ન જાય, એ રીતે હું એમના ઓરડા તરફ વધારે જોતો પણ નહીં.

તેઓ આ અહીં સામેની ઓસરીમાં ટહેલે છે, છત પર આંટા મારે છે. ઓરડામાં ગાય છે અને બીજું પણ કંઈ કેટલુંય કરતા રહે છે. શરૂઆતમાં મઠમાં રહેતી વખતે હું મોટે ભાગે આ નાના ઓરડામાં રહેતો અને શક્ય હોય ત્યાં સુધી હું ઓસરી તરફનું બારણું ખોલતો નહીં. એનું કારણ એ હતું કે સામાન્ય રીતે સ્વામીજી એ ઓસરીમાં ટહેલતા રહેતા. તેઓ ક્યારેક કોઈ એક ભાવમાં, તો વળી ક્યારેક બીજા ભાવમાં રહેતા. એક ઘટના મને બરાબર યાદ છે. એ સમયે તેઓ સ્થૂળદેહમાં હતા. ભાવાવેશમાં આખી રાત આ જ ઓસરીમાં તેઓ ‘માઁ ત્વં હી તારા, તુમિ ત્રિગુણધરા પરાત્પરા-મા તું જ તારક, તું જ ત્રિગુણધરા પરાત્પરા છો’, ભજન ગાતાં ગાતાં ટહેલતા રહેતા, વગેરે. તેઓ મોટે ભાગે ‘માઁ ત્વં હી તારા’ આ એક જ પંક્તિ ગાતા. સ્વામીજી જ્યારે આવા ભાવમાં રહેતા ત્યારે કોઈ તેમની પાસે જવાની હિંમત ન કરતા. તેઓ ભજનની કેવળ આ એક જ પંક્તિ ગાતા રહ્યા અને ટહેલતા રહ્યા. ક્યારેક ક્યારેક ગાતાંગાતાં ઘણી વ્યાકુળતા સાથે રડવા લાગતા અને વળી પાછા ચૂપચાપ ઊભા થઈ જતા. સવાર સુધી એમનો આ જ ભાવ રહ્યો.

સ્વામીજીએ જ્ઞાન અને કર્મનો એટલો બધો પ્રચાર કર્યો, પરંતુ એમની ભીતરનો ભાવ તો હતો પ્રેમનો. એમનું હૃદય ઘણું કોમળ હતું. બહાર પૌરુષનો વિક્રમ દેખાતો પરંતુ એમનું હૃદય એક માના હૃદય જેવું જ કોમળ હતું અને ગુરુભાઈઓ પ્રત્યે અગાધ પ્રેમ હતો ! વિશેષત: રાખાલ મહારાજને તેઓ ખૂબ ચાહતા અને એમનું સન્માન પણ કરતા. ‘ગુરુવત્ ગુરુપુત્રેષુ’ એ જ એમનો ભાવ હતો ! પરંતુ કોઈની જરા સરખી પણ ભૂલ થઈ જાય કે એમની ખામી જુએ તો એમનાથી સહન ન થતી. જે રાખાલની સાથે તેઓ આટલો બધો સ્નેહપ્રેમ રાખતા, એમને જ એક વાર એવાં કડવાં વચન સંભળાવ્યાં કે રડી રડીને મહારાજના હાલબેહાલ થઈ ગયા. પરંતુ આ બાબતમાં પણ ભૂલ તો મારી જ હતી. મને બચાવવા મહારાજે પોતાના ઉપર જ બધો દોષ વહોરી લીધો. એ સમયે ગંગાના કિનારે પાળ અને ઘાટ બનાવવાનું કામ ચાલતું હતું. સ્વામીજીએ મને કહ્યું હતું, ‘પેશન, સામે એક ઘાટ બનાવવાની ઘણી જરૂર છે તથા એની સાથે જ ગંગાના કિનારે થોડો બંધ બનાવવો પડશે. તું પ્લાન બનાવીને ખર્ચનો અંદાજ મને દેજે !’ મેં એક પ્લાન બનાવીને તેનો ખર્ચ કેટલો આવશે તેનો એક હિસાબ લખીને બતાવ્યો. સ્વામીજીના ભયને લીધે મેં એ ખર્ચનો અંદાજ ઓછો દેખાડ્યો અને એમને કહ્યું કે લગભગ ત્રણ હજાર રૂપિયામાં બધું થઈ જશે. એનાથી સ્વામીજી ખૂબ રાજી થયા. એમણે એ જ સમયે મહારાજને બોલાવીને કહ્યું, ‘રાજા, તમારો શો અભિપ્રાય છે ? અહીં સામે એક ઘાટ અને બંધ હોવાથી સારું થશે. પેશન તો કહે છે કે ત્રણ હજાર રૂપિયામાં કામ થઈ જશે. તમે કહો તો કામ શરૂ થઈ શકે તેમ છે.’ મહારાજે પણ કહ્યું, ‘જો ત્રણ હજાર રૂપિયામાં થઈ જતું હોય તો રૂપિયાની વ્યવસ્થા થઈ જશે.’ કામ શરૂ થઈ ગયું. હું જ કામકાજની દેખરેખ રાખતો, હિસાબપત્રક વગેરે મહારાજ રાખતા અને પૈસાની વ્યવસ્થા પણ તેઓ જ કરતા. કામ જેમ જેમ આગળ વધતું હતું, તેમ તેમ સ્વામીજી ખૂબ ખુશ થતા. વચ્ચે વચ્ચે હિસાબ જોઈને પૈસા છે કે નહીં, એની પૂછપરછ કરતા રહેતા. આ બાજુએ કામ જેટલા પ્રમાણમાં આગળ વધવા લાગ્યું એટલે એ સ્પષ્ટપણે જણાયું કે આ કામ ત્રણ હજાર રૂપિયામાં પૂરું નહીં થાય. બીજો કોઈ ઉપાય ન સૂઝતાં મહારાજને મેં કહ્યું, ‘જુઓ, મેં સ્વામીજીને ભયને કારણે કહ્યું હતું કે ત્રણ હજાર રૂપિયામાં કામ પૂરું થઈ જશે. પરંતુ આ કામ પૂરું કરવામાં ઘણા વધારે રૂપિયાની જરૂર પડશે. હવે આનો ઉપાય શો છે, એ મને કહો ?’ મહારાજ અત્યંત સુહૃદયી હતા. મારી દશા જોઈને એમને ઘણી દયા આવી. તેમણે મને હિંમત આપતાં કહ્યું, ‘હવે શું થાય ? જ્યારે કામ હાથમાં લીધું છે તો ગમે તે પ્રકારે પૂરું તો કરવું જ પડશે. એને માટે તમે ચિંતા ન કરો. કામ સારું થાય એવો પૂરો પ્રયત્ન કરો.’ મારા જીવમાં જીવ આવ્યો. પરંતુ મનમાં ને મનમાં એવો ભય રહેતો હતો કે ક્યારેક તો સ્વામીજીનો ઠપકો સહન કરવો પડશે. એ સમય દરમિયાન એક દિવસ સ્વામીજીએ કામના ખર્ચનો હિસાબ જોવાની ઇચ્છા કરી. મહારાજ હિસાબ તો ઘણી વ્યવસ્થિત રીતે રાખતા હતા. હિસાબ જોતી વખતે સ્વામીજીએ જોયું કે ખર્ચ વધારે થઈ ગયો છે. અને હજી ઘણું કામ કરવાનું બાકી છે; ત્યારે એમણે મહારાજને ખૂબ ઠપકો આપ્યો. મહારાજ એક શબ્દ પણ ન બોલ્યા. બધું ચૂપચાપ સહન કરી લીધું. પણ મનમાં ને મનમાં ઘણા દુ:ખી થયા. સ્વામીજી ગયા પછી તરત જ છાનામાના પોતાના ઓરડામાં ગયા અને બારણું બંધ કરી દીધું. આ બાજુએ પોતાના ઓરડામાં આવીને થોડી જ વારમાં સ્વામીજીને લાગ્યું કે મેં રાજા(સ્વામી બ્રહ્માનંદ)ને આટલો ઠપકો આપ્યો એ બરાબર નથી થયું. તેઓ ખૂબ પસ્તાવા લાગ્યા. હું એમની સમીપ ઊભો ઊભો જોઈ રહ્યો હતો અને મનમાં વિચારતો હતો કે મારે જ કારણે મહારાજના મનને આટલું દુ:ખ સહન કરવું પડ્યું ! અચાનક સ્વામીજીએ મને બોલાવીને કહ્યું, ‘જો તો ખરો પેશન, રાજા શું કરી રહ્યો છે ?’

મેં મહારાજના ઓરડાની પાસે જઈને જોયું કે દરવાજો, બારી બધું બંધ છે. બેએક વાર ‘મહારાજ, મહારાજ’ એમ કહીને બોલાવ્યા, પરંતુ કંઈ જવાબ ન આવ્યો. સ્વામીજીને આવીને વાત કરી તો તેઓ અત્યંત ઉત્તેજિત થઈને બોલ્યા, ‘તું તો મહામૂરખ છે ! રાજા શું કરે છે એ જોવા માટે મેં તને કહ્યું હતું અને તું કહે છે કે એમના ઓરડાનાં બારી-દરવાજા બંધ છે! જઈને જલદી જોઈ આવ કે રાજા શું કરે છે.’ ફરીથી બોલાવ્યા પણ કોઈ પ્રત્યુત્તર ન મળતાં મેં ધીરે ધીરે દરવાજો ખોલીને જોયું તો મહારાજ પથારી ઉપર સૂઈને ઓશીકામાં મોઢું છુપાવીને ડૂસકે ડૂસકે રડે છે. મેં એમની પાસે જઈને કહ્યું, ‘મહારાજ, આજે આપને મારે કારણે આટલું બધું કષ્ટ ભોગવવું પડયું.’ મહારાજ ત્યારે પણ રડતા જ હતા. એમણે મારા તરફ જોઈને કહ્યું, ‘જો તો ખરો હરિપ્રસન્ન, જરા બતાવ તો ખરો, આમાં મારો શો દોષ છે ? છતાં પણ ક્યારેક તેઓ આટલી બધી કડકાઈભરી કડવી વાતો કહી નાખે છે કે મારાથી એ સહન થતું નથી. ક્યારેક ક્યારેક તો એવી ઇચ્છા થાય છે કે છોડી-તોડીને ક્યાંક પહાડમાં ચાલ્યો જાઉં.’

બીજી બેચાર વાતો થયા પછી હું સ્વામીજી પાસે પાછો આવ્યો અને કહ્યું કે મહારાજ તો સૂતાં સૂતાં રડી રહ્યા છે. બસ આટલું સાંભળતાં જ સ્વામીજી સાવ પાગલની જેમ દોડતાં દોડતાં મહારાજના ઓરડામાં ગયા. હું પણ એમની પાછળ પાછળ ગયો. જોયું તો સ્વામીજી મહારાજના ઓરડામાં જતાંવેંત જ મહારાજજીને હૃદયે લગાડીને ભેટી પડ્યા અને રોતાં રોતાં કહેવા લાગ્યા, ‘રાજા ! રાજા ! મને ક્ષમા કરી દો, ભાઈ ! ક્રોધમાં આવીને મેં કેવો મોટો અન્યાય કર્યો, તમને અપશબ્દો પણ કહ્યા ! મને ક્ષમા કરી દો, ભાઈ !’ ત્યાં સુધી મહારાજે પોતાની જાતને સ્વસ્થ કરી લીધી હતી, પરંતુ સ્વામીજીને એ રીતે રોતા જોઈને, તેઓ અવાક થઈ ગયા ! તેમણે શું કરવું જોઈએ, તે એમને સમજાતું ન હતું.

છેવટે એમણે કહ્યું, ‘તમે આવું શા માટે કહો છો, અપશબ્દો કહ્યા તો એમાં શું થઈ ગયું ? તમે મને ચાહો છો એટલે જ તો આ બધું કહ્યું ને ?’ ત્યારે પણ સ્વામીજી મહારાજને હૃદયે લગાડીને વારંવાર કહેતા રહ્યા, ‘મને ક્ષમા કરો ભાઈ, શ્રીઠાકુર તમને કેટલા બધા ચાહતા હતા! એમણે ક્યારેય તમને એક પણ કડવી વાત સુધ્ધાં કહી ન હતી અને મેં તમને આવી તુચ્છ વાત માટે આટઆટલા અપશબ્દો કહ્યા, તમારા મનને આટલું દુ:ખ દીધું ! હું તમારી સાથે રહેવાને યોગ્ય નથી. હું હિમાલય ચાલ્યો જઈશ અને ત્યાં જઈને નિર્જનમાં રહીશ.’

આ સાંભળીને મહારાજે કહ્યું, ‘સ્વામીજી, આ વળી કેવી વાત કરો છો, તમારા અપશબ્દો તો અમારા માટે આશીર્વાદ છે. અને ક્યાં ચાલ્યા જશો ? તમે તો અમારી છત્રછાયા છો. તમે ચાલ્યા જાઓ તો અમે લોકો કેવી રીતે રહીશું ?’

આ રીતે ઘણીવાર સુધી વાતચીત થતી રહી અને પછી બન્ને શાંત થઈ ગયા. એ દિવસનું આ દૃશ્ય મારા જીવનમાં હું ક્યારેય ન ભૂલી શકું. સ્વામીજીને આ રીતે અધીર બનીને રોતાં મેં ક્યારેય જોયા નથી. એ લોકોમાં એકબીજા પ્રત્યે કેવું આકર્ષણ અને કેવો પ્રેમ હતો ! સ્વામીજી ગુરુભાઈઓની સાથે કેટલી બધી ચાહના રાખતા હતા, બરાબર એક માની જેમ જ ! એટલે જ તો તેઓ કોઈનીયે જરા સરખી ભૂલ કે ખામી જોઈ ન શકતા. તેઓ ઇચ્છતા હતા કે એમના બધા ગુરુભાઈઓ એમના જેવા જ બને – એમનાથીયે શ્રેષ્ઠ બને. સ્વામીજીના પ્રેમની તુલના જ ન થઈ શકે.

Total Views: 323

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.