સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી વિજ્ઞાનાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

એક દિવસ સવારે બેલુર મઠમાં શ્રીઠાકુરમંદિરમાંથી સ્વામી વિવેકાનંદ નીચે ઊતર્યા. ચાના ટેબલ સામે મને કહે છે, ‘શ્રીકૃષ્ણ દેખાતા નથી? જુઓ જુઓ, અહીં તેઓ સાક્ષાત્ ઊભા છે.’ અમે તો કંઈ જોઈ ન શક્યા એટલે ચૂપ રહ્યા.

સુશીલ મહારાજને પ્રચાર માટે ઢાકા મોકલતાં પહેલાં તે બન્ને શ્રીઠાકુરમંદિરમાં હતા. સ્વામીજીએ શ્રીઠાકુરની સામે ઊભા રહીને સુશીલ મહારાજનો હાથ જરા દબાવી અને ખેંચીને ભક્તિભાવથી કહ્યું, ‘અમારી તો ભાઈ કેવી શક્તિ ? ગુરુની જ શક્તિ.’

શ્રીશ્રીમા પર સ્વામીજીને અપાર ભક્તિભાવ હતો. બેલુર મઠમાંથી શ્રીશ્રીમાનાં દર્શન કરવા બાગબજાર જવાના છે. ગંગાજળ લાવવા કહ્યું અને પછી ભક્તિભાવથી માથા પર છાંટ્યું.

૧૯૦૧-૦૨માં એક દિવસ સ્વામીજીએ રાખાલ મહારાજ, બાબુરામ મહારાજ વગેરેને બોલાવીને કહ્યું, ‘કાલથી તમે માધુકરી કરવા જજો. જો તમે લોકો નહીં જાઓ તો ચાલશે નહીં. તમને જોઈને જ નવા છોકરાઓ શીખશે. ગંગા પાર કરવા માટે એક પૈસો મઠમાંથી લેજો અને ગંગાની પેલે પાર જજો. ઓળખીતા પાળખીતાને ત્યાં ભિક્ષાન્ન ન માગતા.’

સ્વામીજીના કહેવા પ્રમાણે એ લોકો ભિક્ષા માટે નીકળ્યા. પશ્ચિમના સાધુઓની જેમ ભગવું ધોતિયું પહેરીને નીકળ્યા. છાતી અને પીઠનો ભાગ ખુલ્લો હતો. દેહમાંથી તેજ બહાર પ્રસ્ફુટિત થતું હતું. એ વખતે બધા પુખ્તવયના યુવાન હતા અને એમનાં મુખારવિંદ પણ સાત્ત્વિક સાધુ જેવાં જ્યોતિર્મય અને મનોહર.

ઉનાળાના દિવસો હતા. ખભા પર ભિક્ષાની ઝોળી રાખીને રાજા મહારાજ વગેરે બપોરે પાછા આવ્યા. આંબાના ઝાડ પાસે એક નાળિયેરી જેવાં મોટાં પાંદડાંથી બાંધેલી છાયામાં બધાએ આરામ કર્યો. એ સમયે સ્વામીજીએ એમને દૂરથી જોયા અને તેઓ ખૂબ રાજી થયા. રાખાલ મહારાજને સ્વામીજી ભેટી પડ્યા અને કહ્યું, ‘આવ, ભાઈ, રાજા આવ. આ જ તો જોઈએ. ભિક્ષાન્ન શુદ્ધ અન્ન. ઘણા દિવસથી આવું અન્ન ખાધું નથી.’ ઝોળીમાંથી રોટલી અને થોડો ગોળ લઈને પરમ સંતોષ સાથે ખાધું.

સ્વામીજી પોતે એક જીવતા જાગતા વિશ્વકોષ હતા. એમણે પૃથ્વી અને ભારતની સ્થાપત્ય વિદ્યાની મૂળ રીતિ, ધારાઓ અને તત્ત્વ સંબંધી એક દિવસ જે અનન્ય વર્ણન કર્યું, એ સાંભળીને હું મુગ્ધ થઈ ગયો. એક દિવસ બેલુર મઠમાં રાતના બે વાગ્યે સ્વામીજીની ઊંઘ ઊડી ગઈ. તેઓ વરંડામાં ટહેલતા હતા. મેં પૂછ્યું, ‘કેમ સ્વામીજી, ઊંઘ નથી આવતી ?’ સ્વામીજીએ કહ્યું, ‘જો પેશન (સ્વામીજી વિજ્ઞાનાનંદજીને પેશન કહેતા), મને તો ઘણી સારી ઊંઘ આવી ગઈ હતી. એકાએક એક ધક્કો લાગ્યો અને મારી ઊંઘ ઊડી ગઈ. મને લાગે છે કે ક્યાંક કોઈ દુર્ઘટના ઘટી છે અને એમાં ઘણાં લોકોને દુ :ખકષ્ટ થયાં છે.’ મેં વિચાર્યું કે ક્યાંય આવી દુર્ઘટના ઘટી અને સ્વામીજીને ક્યાં અહીં ધક્કો લાગ્યો અને એમની ઊંઘ ઊડી ગઈ ! આવું વિચારીને હું તો થોડું મનમાં હસ્યો. પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે બીજે દિવસે સમાચાર પત્રમાં આવ્યું કે ફિજી નામના એક ટાપુમાં જ્વાળામુખી ફાટ્યો છે, ઘણા લોકો મરી ગયા અને બીજા ઘણા લોકો અવર્ણનીય દુ :ખ ભોગવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને મારી નવાઈનો પાર ન રહ્યો. સ્વામીજીનું ચેતાતંત્ર તો સિસ્મોગ્રાફ (seismograph) કરતાં પણ વધારે સચેત. – more responsive to human miseries – મનુષ્યના દુ :ખ કષ્ટ પ્રતિ વધુ સંવેદનશીલ.

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.