શ્રી શ્રીમા શારદાદેવીનો ૧૫૦મો જન્મજયંતી – મહોત્સવ

રામકૃષ્ણ મઠ-મિશનનાં દેશવિદેશનાં બધાં કેન્દ્રો દ્વારા આ આખા વર્ષમાં ‘શ્રી શ્રીમા શારદાદેવીના ૧૫૦મા જન્મજયંતી-મહોત્સવ’ના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૬ થી ૨૦ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. 

નરનારાયણસેવા

કચ્છ જિલ્લાના ધાણેટી ગામના ૩૫૦૦ જેટલાં ભાઈ-બહેનોની ૩ ડિસેમ્બર, બુધવારના રોજ ભોજન પ્રસાદ દ્વારા નરનારાયણ સેવા કરવામાં આવી હતી. સાથે ૨૦૦ જેટલા લોકોને ધાબળા આપવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે શ્રીમા શારદાદેવીના પાવનકારી જીવન અને એમના ઉપદેશ તેમજ પ્રેરક પ્રસંગો વિશે વક્તવ્યો પણ આપવામાં આવ્યાં હતાં.

૪ ડિસેમ્બર, ગુરુવારે કચ્છ જિલ્લાના આદિવાસી વસતીવાળા રતનપરની નિવાસીશાળામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાંથી સ્વામી સર્વસ્થાનંદજી અને બ્રહ્મચારી દેવચૈતન્ય સાથે ભક્તજનોની એક ટુકડી ગઈ હતી. ત્યાં સ્વામી સર્વસ્થાનંદજી મહારાજે ‘વ્યવસાયલક્ષી શિક્ષણકેન્દ્ર’ અને ‘શ્રીમા શારદા વાચનાલય’નું ઉદ્‌ઘાટન કર્યું હતું. વ્યવસાયલક્ષી શિક્ષણકેન્દ્રમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ત્રણ સીવણયંત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થી ભાઈબહેનોને ૧૫૦ યુનિફોર્મ, ૪૦ ધાબળા, ૨૫ ઓછાડ, ૧૦૦ સ્કાફ અપાયા હતા. આ પ્રસંગે શ્રીમા શારદાદેવીના પાવનકારી જીવન અને એમના ઉપદેશ તેમજ પ્રેરક પ્રસંગો વિશે વક્તવ્યો પણ આપવામાં આવ્યાં હતાં.

તા. ૬ ડિસેમ્બર શનિવારના રોજ ભક્તજનો દ્વારા ચલાવાતા ઉપલેટા કેન્દ્રમાં ૩૦૦ ધાબળાનું વિતરણકાર્ય થયું હતું. આ પ્રસંગે શ્રીમા શારદાદેવીના પાવનકારી જીવન અને એમના ઉપદેશ તેમજ પ્રેરક પ્રસંગો વિશે વક્તવ્યો પણ આપવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમ હેઠળ ‘શિવભાવે જીવસેવા’નો એક અનન્ય આયોજન થયું હતું. તા. ૬ ડિસેમ્બર શનિવારે સવારે ૧૦.૦૦ વાગ્યે યોજાયેલા નરનારાયણ સેવાના કાર્યક્રમમાં રાજકોટના ગોંડલ રોડ પર આવેલા વૃદ્ધાશ્રમ, જલારામ માતૃમંદિરના વૃદ્ધ ભાઈ-બહેનોને તેમજ અંધ-અપંગ વૃદ્ધાશ્રમ, ભિક્ષુગૃહના મંદબુદ્ધિના લોકોને ૨૦૨ ધાબળા અને ઓછાડ આપવામાં આવ્યા હતા. એ જ દિવસે ૨૫૦ જેટલા વૃદ્ધ, અપંગ, મંદબુદ્ધિવાળાં ભાઈબહેનોને ભોજન પણ આપવામાં આવ્યું હતું. 

૭ ડિસેમ્બર, રવિવારે યોજાયેલ નરનારાયણ સેવાના કાર્યક્રમ હેઠળ પરિપાલન ગૃહનાં બાળક-બાલિકાઓ, અપંગ આશ્રમ, મધર ટેરેસા આશ્રમનાં મહિલાઓ તેમજ બાળ ગુન્હેગારો માટેના રાજ્યસરકાર સંચાલિત સંરક્ષણગૃહનાં ભાઈ-બહેનો, એમ કુલ મળીને ૩૫૦ ભાઈ-બહેનોને ધાબળા તેમજ ઓછાડ આપવામાં આવ્યા હતા. આ બધાં ભાઈ-બહેનોએ બપોરે ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો.

૧૦ ડિસેમ્બરના રોજ રાજકોટ જિલ્લાના અણિયારા ગામે રાજકોટ આશ્રમના સંન્યાસી, બ્રહ્મચારી અને ભક્તજનોની એક ટુકડી ગઈ હતી. આ પ્રસંગે શ્રીમા શારદાદેવીના પાવનકારી જીવન અને એમના ઉપદેશ તેમજ પ્રેરક પ્રસંગો વિશે વક્તવ્યો પણ આપવામાં આવ્યાં હતાં. ગરીબ લોકોને ૮૦ ધાબળા આપવામાં આવ્યા હતા.

૧૪ ડિસેમ્બરના રોજ રાજકોટના મધર ટેરેસા આશ્રમના ભાઈઓ અને બાળકો તેમજ કાઠિયાવાડ નિરાશ્રિત બાલઆશ્રમનાં બાળકબાલિકાઓને ભોજનપ્રસાદ તેમજ ધાબળા, ઓછાડ અપાયા હતા. ૩૪૧ જેટલાં ભાઈ-બહેનોને બપોરનો ભોજન પ્રસાદ પણ અપાયો હતો. ૧૮ ડિસેમ્બરના રોજ રાજકોટ જિલ્લાના ઢાંઢણી ગામે રાજકોટ આશ્રમના સંન્યાસી, બ્રહ્મચારી અને ભક્તજનોની એક ટુકડી ગઈ હતી. આ પ્રસંગે શ્રીમા શારદાદેવીના જીવનનાં પ્રેરક પ્રસંગો વિશે વક્તવ્યો પણ આપવામાં આવ્યાં હતાં. ગરીબ લોકોને ૧૦૦ ધાબળા આપવામાં આવ્યા હતા. ૨૦ ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરની બહેરામૂગા શાળા તેમજ અંધશાળાનાં ભાઈ-બહેનોને ૩૨૦ ધાબળા ઓછાડ આપવામાં આવ્યા હતા અને તેમને માટે બપોરના ભોજનપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 

વિવિધ કાર્યક્રમોનું વિશેષ આયોજન

૨૨મી નવેમ્બરના રોજ તોલાણી એજ્યુ. ઇન્સ્ટિ. સંચાલિત એમ.બી.એ. અને બીજા ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં ૧૨૦૦ જેટલા યુવા વિદ્યાર્થી બહેનોની એક આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ‘નારીઓનું જાગરણ અને આધ્યાત્મિક સંસ્કૃતિ’ વિશે સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી સર્વસ્થાનંદજીએ મનનીય પ્રવચનો આપ્યાં હતાં. પ્રવચનોની સાથે ધ્યાન, આધ્યાત્મિક ભાવને પ્રેરે તેવું ભજન-સંગીત યુવા ભાઈ-બહેનોનાં હૃદયમનને સ્પર્શી ગયું હતું. વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી ધ્યાનમાં મગ્ન બનીને ભાવ તરબોળ બની ગયા હતા. તે જ દિવસે સ્વામી જિતાત્માનંદજીએ ‘ગોપાલ તોલાણી સ્ટેડિયમ’નું મંગલ ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.

૧૩મી ડિસેમ્બર શનિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી એક મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ‘આધ્યાત્મિક સંસ્કૃતિ અને વૈશ્વિક નેતૃત્વમાં મહિલાઓનું પ્રાગટ્ય અને પ્રદાન’ એ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજી, મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત જી. નારાયણ, સ્વામી જિતાત્માનંદજી, કડવીબાઈ વિરાણી કન્યાશાળાના આચાર્ય સોનલ શાહ, પ્રાધ્યાપક ડો. નિરુપમા રાવલ, એસ.એન.કે. શાળાનાં શ્રીમતી અંજના મહેતાનાં પ્રેરક પ્રવચનોનો લાભ ૧૫૦૦ જેટલા બહેનોએ લીધો હતો.

કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓની પ્રાર્થનાથી થયો હતો. સ્વામી જિતાત્માનંદજીએ  પોતાના સૂરીલા કંઠે ‘હરિ ૐ’નું ગાન રજૂ કર્યું હતું અને શિબિરમાં ઉપસ્થિત બધાં બહેનોએ એ ગાનને ઝીલ્યું હતું. કાર્યક્રમના અંતે શિબિરાર્થીઓ માટે ભોજનપ્રસાદનું આયોજન થયું હતું. 

૧૪ ડિસેમ્બર, રવિવારે સાંજના ૬.૦૦ વાગ્યે સાંધ્ય કાર્યક્રમોનું ઉદ્‌ઘાટન ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના અધ્યક્ષ સ્થાને થયું હતું. આ પાવનકારી પ્રસંગે રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજી અને રામકૃષ્ણ મિશન, નરોત્તમનગર (અરુણાચલ પ્રદેશ)ના સેક્રેટરી સ્વામી ઈશાત્માનંદજીના વક્તવ્યનો લાભ ૧૦૦૦ જેટલા ભાવિકજનોએ લીધો હતો. સ્વામી જિતાત્માનંદજીએ આ પ્રસંગે પોતાનું પ્રેરક ઉદ્‌બોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મહેમાન વક્તાઓ, રામકૃષ્ણ સંઘના સંન્યાસી-બ્રહ્મચારીઓ, રાજકોટના અગ્રણીઓ અને ભાવિક ભક્તજનોએ શ્રી શ્રીમાના ૧૫૦મા જન્મજયંતી વર્ષના ઉપલક્ષ્યમાં ૧૫૦ દીવડાની દીપમાળા પ્રગટાવી હતી. આ દીપમાળાથી સમગ્ર વાતાવરણ દિવ્યતાપૂર્ણ બની ગયું હતું. આ પ્રસંગે રાજકોટ શહેરની એસ.એન.કે. સ્કૂલ દ્વારા ‘શ્રીશારદાદેવી – ડાકુ અમજાદનાં ચિરકાલીન મા’ એ નામનું ગુજરાતી નાટક રજૂ કર્યું હતું. આ નાટકે ભાવિકજનોને મુગ્ધ કરી દીધા હતા. શ્રી જીતુભાઈ અંતાણી અને એમના સાથી મિત્રો દ્વારા શ્રી શ્રીમાના વિશેષ ભજનોનો કાર્યક્રમ ભાવિકજનોએ ભાવપૂર્વક માણ્યો હતો.

૧૫ ડિસેમ્બર, સોમવારે સાંજના ૬.૦૦ વાગ્યે રાજકોટના અંધમહિલાવિકાસગૃહનાં બહેનો દ્વારા શ્રી શ્રીમાના જીવનકવન વિશે એક સંગીત રૂપક રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સૌ કોઈના મનને આકર્ષી ગયો હતો. અંધ બહેનોના કંઠે વહેલાં ભાવવાહી ભજનો અને ગીતોથી સૌ કોઈ મુગ્ધ બની ગયા હતા. તે જ દિવસે એમ.વી. ધુળેશિયા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘શ્રી શારદાદેવી – સૌનાં મા’ નામનો નાટ્યાભિનય ભાવિકજનોએ માણ્યો હતો. રાજકોટ શહેરનાં સંગીતકલા મહાવિદ્યાલયનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય સંગીત અને ભજનોનો કાર્યક્રમ સૌનું મધુર સંભારણું બની ગયો હતો. ૧૦૦૦ જેટલા ભાવિકજનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

૧૬મી ડિસેમ્બર એટલે શ્રી શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ. આ મંગલ પ્રસંગે સવારના ૫.૩૦ થી બપોરના ૧૨.૦૦ સુધી મંગલ આરતી, ધ્યાન, સ્તોત્રપાઠ, ભજન, વિશેષ પૂજા, સપ્તશતીપાઠ, હવનનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજના ૫.૨૫ વાગ્યે શ્રીમાનામ સંકીર્તન અને સાંજના ૬.૩૫ કલાકે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં સિસ્ટર નિવેદિતા સ્કૂલ, રાજકોટનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા ‘જગજ્જનનીનું શારદામાં જાગરણ’ નામનું સંગીત નાકટ રજૂ થયું હતું. 

તે જ દિવસે સાંજના ૭.૧૫ કલાકે નેશનલ થિયેટર ગ્રુપ, ‘શ્રીઅભિનવ’ નવી દિલ્હી દ્વારા ‘શ્રીમા શારદાદેવી’ના જીવનકવન – શ્રી શ્રીમાનો અવિર્ભાવ, ભાવિ પતિ શ્રીરામકૃષ્ણ, દુષ્કાળમાં શ્રીમાએ કરેલી પીડિતોની સેવા, ડાકુ પિતા, અમજાદ અને મહેતરની સેવા, દક્ષિણેશ્વરમાં શારદા, ષોડશીપૂજા, શ્રીરામકૃષ્ણની મહાસમાધિ, શ્રી શ્રીમાનું પંચતપાતપ, જગન્માતા શ્રીશારદાદેવી, શ્રી શ્રીમાની મહાસમાધિ જેવા પ્રસંગો સંવાદ નૃત્ય અને સંગીત દ્વારા રજૂ કર્યા હતા. બે કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમો ભાવિકજનોને શ્રી શ્રીમા અને શ્રીરામકૃષ્ણદેવના તત્કાલીન સમયમાં લઈ ગયા હોય એવો ભાવ સૌએ અનુભવ્યો. આ પ્રસંગે આ નૃત્યનાટિકામાં આવતા ગીતોની ઓડિયો કેસેટનું વિમોચન સ્વામી જિતાત્માનંદજીએ કર્યું હતું. ૧૦૦૦ થી વધુ ભાવિકજનોએ મનભરીને માણ્યો હતો. કાર્યક્રમના અંતે કલાકારોને શાલ અને શ્રી શ્રીમાની છબિ સાથે સન્માનવામાં આવ્યા હતા. 

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ,
પોરબંદરમાં યોજાયેલ શ્રીમા શારદાદેવીનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવ

૧૬ ડિસેમ્બરના રોજ શ્રી શ્રીમાના જન્મતિથિ મહોત્સવના ઉપલક્ષ્યમાં વિશેષપૂજા, હવન, ભજન તેમજ વ્યાખ્યાનના કાર્યક્રમો યોજાયા હતા.

યુવશિબિર

આ પાવનકારી મહોત્સવ પ્રસંગે ૧૯ ડિસેમ્બરને શુક્રવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી એક યુવશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવશિબિરમાં રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી; રામકૃષ્ણ મિશન, નરોત્તમનગરના સચિવ સ્વામી ઈશાત્માનંદજી; પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી વિવેકાનંદ અને શ્રીમા શારદાદેવીના અમૂલ્ય સંદેશ અને યુવવર્ગનો ધર્મ તેમજ એકાગ્રતા અને ધ્યાન વિશે પ્રવચન આપ્યું હતું. તેમજ શ્રીજ્યોતિબહેન થાનકી અને અન્ય વિદ્વાન વક્તાઓએ યુવવર્ગને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે યુવા વર્ગને શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના સંદેશ ઉપરાંત એકાગ્રતા અને ધ્યાન, સ્વામી વિવેકાનંદ અને ભારતનું ભાવિ, સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો પ્રભાવ, જેવા વિષયો પર તલસ્પર્શી ચર્ચા થઈ હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીએ યુવવર્ગના મનની મૂંઝવણો દૂર કરી હતી.

નારી સંમેલન

૧૯ ડિસેમ્બર, શુક્રવારે સાંજના ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન યોજાયેલ નારી સંમેલનમાં પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ પ્રસંગે ઉપસ્થિતિ નારી સમૂહને શ્રીમા શારદાદેવીના આવિર્ભાવથી વિશ્વમાં થનાર નારીજાગરણ અને એ દ્વારા ગાર્ગીઓ અને મૈત્રેયીઓ ફરીથી આ દેશમાં જન્મશે. આજે સમગ્ર વિશ્વમાં રાજકારણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, સાહિત્યસર્જન, મેનેજમેન્ટ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને વિશ્વશાંતિના ક્ષેત્રે મહિલાઓએ કરેલી અદ્‌ભુત સિદ્ધિઓની વાત પણ તેમણે કરી હતી. શ્રીમતી જ્યોતિબહેન થાનકી અને અન્ય વિદ્વાન વક્તાઓએ બહેનોને સંબોધન કર્યું હતું.આધુનિક ભારતીય નારી શ્રીમા શારદાદેવીના સદ્‌ગુણો, પવિત્રતા, ધૈર્ય, સંયમ, સહનશીલતા, લજ્જા તેમજ પાશ્ચાત્ય નારીના બુદ્ધિ કૌશલ્ય, હૃદયની વિશાળતા, બધી બાબતો પ્રત્યે વૈજ્ઞાનિક અને આધુનિક અભિગમ, કાર્યકુશળતા વગેરે ગુણો કેળવણીને નારી જગત કેવી રીતે જીવનને વધુ સફળ, સુખી, શાંતિમય બનાવી શકે અને એક આદર્શ પત્ની, આદર્શ ગૃહિણી અને આદર્શ માતા બનીને રાષ્ટ્રોદ્ધારમાં કેવું મોટું પ્રદાન કરી શકે એની સુપેરે ચર્ચા થઈ હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીએ મહિલાઓના મનની મૂંઝવણો દૂર કરી હતી.

શિક્ષણશિબિર

૨૦ ડિસેમ્બર, શનિવારે સવારે ૮.૩૦ થી ૧.૦૦ વાગ્યા સુધી શાળા મહાશાળાના શિક્ષકો અને કેળવણીમાં વિશેષ વ્યક્તિઓ માટે એક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજે મૂલ્યલક્ષી શિક્ષણ પર ભાર મૂક્યો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને દેવ માનીને એમની સેવાપૂજા એટલે કે એમને શિક્ષણ આપવાનું કાર્ય કરવું જોઈએ. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મહેમાનોનું સ્વાગત કરીને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ચારિત્ર્યઘડતર તેમજ સ્વામી વિવેકાનંદ અને શ્રીમા શારદાદેવીના કેળવણી વિશેના આદર્શો શિક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા. આ શિબિરમાં ઉત્તમ શિક્ષક બનવાની કળા, શિક્ષકત્વની શ્રેષ્ઠતા અને સાર્થકતા, રાષ્ટ્રના પુનર્નિર્માણમાં શિક્ષક ભાઈ-બહેનોની ભૂમિકા, મૂલ્યલક્ષી શિક્ષણ શા માટે આવશ્યક છે જેવા વિષયો પર વિશદ ચર્ચા થઈ હતી. અંતે યોજાયેલ પ્રશ્નોત્તરી સૌને માટે સંતર્પક નીવડી હતી.

૨૧ ડિસેમ્બરે સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ વચ્ચે મેનેજમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પ્રતિનિધિઓને સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી જિતાત્માનંદ, શ્રી કાંતિસેન શ્રોફે પોતાનાં મનનીય વક્તવ્યો આપ્યાં હતાં. તે જ દિવસે સાંજે ૬.૪૫ થી ૮.૩૦ સુધી એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ‘સર્વનાં માતા શ્રીમા શારદાદેવી’ વિશે સમારંભના અધ્યક્ષ માનનીય જિલ્લા કલેક્ટરશ્રી બી.એચ. ઘોડાસરા અને એસ.ઓ. પ્રો. ગુજરાત એગ્રી. યુનિ. જુનાગઢના ડો. ચેતનાબહેન માંડવીયા તેમજ શ્રીજ્યોતિબહેન થાનકીએ સભાને સંબોધી હતી. 

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા શ્રી શ્રીમા શારદાદેવીના ૧૫૦મી જન્મજયંતીના કાર્યક્રમો

૧૬ ડિસેમ્બરના રોજ શ્રી શ્રીમાના તિથિપૂજા મહોત્સવ નિમિત્તે પૂજા, હવન, ભજન, શ્રીમાનામસંકીર્તન, પ્રવચન વગેરેનો કાર્યક્રમ સવારના ૫.૩૦ થી ૧૨.૦૦ સુધી યોજાયા હતા.

શ્રી શ્રીમાના આવિર્ભાવ તિથિમહોત્સવ નિમિત્તે સવારના ૧૦.૦૦ થી ૧૨.૦૦ વચ્ચે લીંબડી શહેરની અને ગ્રામ્યવિસ્તારની શાળામાંથી ૨૫૦ બહેનો દ્વારા એક વિશેષ તળપદી રાસ-ગરબાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિજેતા શાળાઓને અને બાળાઓને પારિતોષિકો પણ આપવામાં આવ્યાં હતાં.

શ્રી શ્રીમાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં લીંબડી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનાં નિરાધાર ૧૫૦ વિધવા બહેનોને તબક્કાવાર ૨૦ કિલો અનાજ, સાડી, ધાબળા, કપડાંનું વિતરણકાર્ય હાથ ધરવાનું નક્કી કર્યું છે. શ્રી શ્રીમાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવાનો પણ નિર્ધાર કર્યો છે. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની નિશ્રામાં ૧૫૦ કુમારિકાઓને શ્રીમા શારદાદેવીના રૂપે શણગારીને મહારાજ દ્વારા સન્માનવાનો કાર્યક્રમ પણ યોજાયો છે. આ કાર્યક્રમમાં ૧૫૦માંથી પસંદ કરેલી બહેનો શ્રી શ્રીમાનાં જીવનકવન વિશે પોતાના સંક્ષિપ્ત વક્તવ્યો પણ રજૂ કરશે. આવા અનેક વિશેષ કાર્યક્રમો ૧૬ ડિસેમ્બર, ૨૦૦૩ થી ડિસેમ્બર, ૨૦૦૪ સુધી યોજાતા રહેશે.

રામકૃષ્ણ મઠ – વિવેકાનંદ વેદવિદ્યાલય

પ્રારંભ : વેદો ધર્મ અને મોક્ષનું શાશ્વત સ્રોત છે. વેદો જ આપણને પરમ જ્ઞાનનું માર્ગદર્શન આપી શકે તેમ છે. આ પરમજ્ઞાન મેળવવા પ્રત્યક્ષ અને અનુમાન કંઈ કામના નથી. એટલા જ માટે સ્વામી વિવેકાનંદે વેદોનું અધ્યયન કરી તેમનો સાચો અર્થ મેળવવાનું કહ્યું હતું. સ્વામીજી દૃઢપણે માનતા હતા કે વેદોનો બહોળો પ્રચાર-પ્રસાર અને તેમાં રહેલ વૈશ્વિક ઉપદેશોનો જીવનવ્યવહારમાં ઉપયોગ કરવાથી સમાજના ઘણા ભયંકર વહેમો અને અંધશ્રદ્ધાઓ દૂર થશે. પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન આવા એક વેદવિદ્યાલયની સ્થાપના કરવાનું સપનું સેવ્યું હતું અને પોતાના જીવનના અંતિમ દિવસે પણ તેમના ગુરુભાઈ સ્વામી પ્રેમાનંદજીને એક ભવિષ્યવાણી ભાખતાં કહ્યું હતું કે અહીં બેલૂર મઠના પરિસરમાં એક વેદવિદ્યાલયની સ્થાપના થશે. આવા સંકલ્પો ક્યારેય વ્યર્થ જતા નથી. ઓગસ્ટ, ૧૯૯૩માં ‘વિવેકાનંદ વેદવિદ્યાલય’ની સ્થાપના થઈ. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન, નવી દિલ્હી સાથે આ સંસ્થા સંલગ્ન છે.

ઉદ્દેશ્ય : માનવના અંતિમ ધ્યેય આત્માનુભૂતિની પ્રાપ્તિ માટે ચારિત્ર્યઘડતર અને સાચી કેળવણી અનિવાર્ય છે. જો વિદ્યાર્થીઓ સંસ્થામાં સમર્થ મેધાવી અને આધ્યાત્મિક જ્ઞાનશક્તિ ધરાવનારા કુશળ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રહે તો સાચી કેળવણી પ્રાપ્ત કરી શકે. એની સાથે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસને પણ આદર્શો રૂપે સ્વીકારવામાં આવ્યા છે. વેદોના અંગરૂપ સંહિતા અને ઉપનિષદના વિશિષ્ટ મંત્રો ઉત્કૃષ્ટ, ઉદાત્ત અને મહત્ત્વના છે. આ મંત્રોનું સઘન મનનચિંતન અને તેનું પઠન આવશ્યક છે, મૂળ મંત્રોના અર્થઘટન, ઉચ્ચારણ અને લયાત્મક પઠનમાં સંગતિ જળવાય છે. વૈદિક સંસ્કૃતિની જાળવણી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. એમાંથી ઉપસી આવેલી સંસ્કૃત ભાષા જ્ઞાન અને શાણપણનો અમૂલ્ય ખજાનો છે. એ ભાષાનો પરિચય અને એને પુનર્જીવિત કરવાનું કાર્ય આવશ્યક છે. આ સાહિત્યના અભ્યાસથી ભારતના અમૂલ્ય પ્રદાનનો ખ્યાલ આવે છે.

સ્થળ અને પ્રવૃત્તિઓ : કલકત્તાથી ૯ કિ.મિ. દૂર આ વિદ્યાલયમાં આદર્શ વાતાવરણ, વિશાળ ક્ષેત્ર, પુસ્તકાલય, છાત્રાલયની સુવિધા છે. ૧૪ વર્ષના કુમારો પૂર્વપરીક્ષા આપીને ગુણવત્તાના ધોરણે પ્રવેશ મેળવી શકે. આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાનની પૂર્વ મધ્યમા (બે વર્ષ અને ધો.૧૦ની સમકક્ષ), ઉત્તર મધ્યમા (બે વર્ષ અને ધો.૧૨ સા.પ્ર.ની સમકક્ષ) ગણાય છે. પૂર્વમધ્યમામાં ૯ વિષયો હોય છે અને ઉત્તર મધ્યમામાં ૮ વિષયો હોય છે. પ્રવેશ પરીક્ષા મેના ચોથા સપ્તાહમાં યોજાય છે. વિદ્યાર્થીઓની આ બધી સવલતોનો ખર્ચ રામકૃષ્ણ મઠ ભોગવે છે.

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.