ગતાંકથી આગળ

જયરામવાટી તથા કોઆલપાડામાં શ્રી શ્રીમાની જન્મ શતાબ્દિની ઉજવણી પછી એમના પ્રત્યે સામાન્યજનોના હૃદયનું આકર્ષણ ધીમે ધીમે વધતું રહ્યું છે. અનેક ગ્રંથો, ચિત્રો, સંગીત અને અભિનયમાં લોકોનાં હૃદયની માતૃભક્તિનો અસીમ ઉચ્છ્‌વાસ જોઈને એવું લાગે છે કે ભગવાન શ્રીરામકૃષ્ણદેવે ઈશ્વરની આરાધના કરવા આ યુગ માટે યુગને અનુકૂળ જે માતૃભાવનો પ્રચાર કર્યો હતો અને જેના અર્થે જગજ્જનનીનાં સૌંદર્ય, માધુર્ય અને કારુણ્યના પરિપૂર્ણ પ્રકાશ એવાં ત્રિપુરસુંદરી લલિતાષોડશીનો આવિર્ભાવ શ્રી શ્રીમા શારદાની મૂર્તિમાં કર્યો હતો. આ વાત લોકો માટે હવે અજાણી રહી નથી. એ બધા લોકોએ શ્રી શ્રીમાનાં માતા અને કન્યા સ્વરૂપને ઓળખી લીધાં છે; હવે એ બધા લોકો પોતાના પ્રાણની પ્યાસ બુઝાવીને સ્નેહ-વાત્સલ્યનું રસામૃત ચાખવા અને ચખાડવા માટે અધીર બન્યા છે. તેમજ શ્રી શ્રીમાના સુકોમળ ચરણોમાં પોતાનાં હૃદયને અઘ્ર્યરૂપે નિવેદિત કરવા વ્યગ્ર બન્યા છે. એટલે એવું લાગે છે કે હે મા! તમને પોતાના આ ચપળ સંતાનની વાચાળતા હવે એકદમ અકળાવી દેનારી નહિ લાગે. માતૃભાવથી ભગવાનની ઉપાસના અને સાધના વિશે ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો જે નિર્દેશ છે તેને વિશ્વવાસીઓ જાણવા ઇચ્છે છે.

દૂરથી આવનારા ભક્તો માટે માના ઘર જયરામવાટી પહોંચવું કેટલું બધું દુષ્કર હતું! એટલે જ તો રસ્તે ચાલીને આવેલી થાકી માંદી પૂજ્ય યોગિન માએ જયરામવાટીમાં પૂજ્ય શરત્‌ મહારાજ (સ્વામી સારદાનંદજી)ને સંબોધીને કહ્યું હતું: ‘અરે! અહીં આવવું એ તો લોકો માટે ગયા-કાશી જવા કરતાં પણ કઠિન છે!’ મહારાજે પણ તત્ક્ષણ ગંભીર સ્વરે ઉત્તર આપ્યો: ‘શું આ કંઈ ગયા-કાશીથી નાનું તીર્થ છે?’ સુદૂર સ્થળેથી આવનારા ભક્તગણ મેદાનના રસ્તે અધીર કદમો સાથે પડતો-ઊઠતો ચાલતો આવે છે. રસ્તામાં જે કોઈ પણ મળે છે એમને ‘જયરામવાટી ક્યાં છે, માનું ઘર ક્યાં છે?’ બસ એક જ એવો પ્રશ્ન પૂછે છે. પહેલાં તો ગ્રામવાસીઓ આ પ્રશ્નથી ચકિત થઈ જતા. પણ ધીમે ધીમે તેઓ પણ એ સાંભળવા માટે ટેવાઈ ગયા અને ‘માનું ઘર’ અને ‘માના ભક્તસંતાન’ આ શબ્દો આ વિસ્તારના ગ્રામવાસીજનો માટે સુપરિચિત બની ગયા. એટલું જ નહિ પણ એ ભક્તો સુશિક્ષિત કુલીન અને સારા-સારા હોદ્દા ધરાવનારા છે એ જાણીને એમના પ્રત્યે ગ્રામવાસીઓના મનમાં શ્રદ્ધાનો ભાવ જાગવા લાગ્યો. છતાં સર્વત્ર એવા લોકો પણ રહે છે કે જેમને વિષયોમાં ઘોર આસક્તિ હોય છે, જેઓ ભક્તિપૂજામાં જરાય માનતા નથી અને જેમને કોઈ પણ પ્રકારની ધર્મકર્મની ફૂટી આંખો પણ નથી શોભાવતી. એક બીજા પ્રકારના લોકો પણ હતા કે જેઓ કટ્ટર અને રૂઢિવાદી હતા. શ્રીમાનાં સધવાલક્ષણ, લાંબી કેશરાશિ, કિનારીવાળી સાડી અને નીતિનિયમોમાં નિષ્ઠાનો અભાવ જોઈને તેઓ કચવાતા રહેતા અને નિંદા કરતા રહેતા. વિશેષ કરીને કોઆલપાડા આશ્રમના અધ્યક્ષ શ્રીયુત્‌ કેદારનાથ દત્ત (સ્વામી કેશવાનંદ) અને એમના અનુયાયી છાત્રભક્તોનો સંન્યાસ ગ્રહણ કરવો, આશ્રમમાં બધી જાતિના લોકોની સાથે એકસાથે બેસીને ભોજન કરવું અને રહેવું તેમજ વર્ણભેદનો ત્યાગ કરીને સર્વપ્રકારનાં કાર્યો કરવાં – આ બધી એવી બાબતો હતી કે જે સ્થાનિક લોકોનાં મનહૃદયમાં વિક્ષોભ પેદા કરતી હતી.

શ્રી શ્રીમાને કેન્દ્રરૂપે રાખીને કોઆલપાડાનો આશ્રમ ધીમે ધીમે વિકસી રહ્યો હતો. વચ્ચે વચ્ચે એમનું પદાર્પણ ભક્તોના હૃદયને ઉલ્લાસિત કરી દેતું! કોઆલપાડાના આ કાર્યકર્તાઓએ દૂર-દૂરથી આવનારા ભક્તોની જે નિષ્ઠા સાથે સેવા કરી, શ્રી શ્રીમાની સેવા ચાકરી માટે જે જે અસુવિધાઓ અને દુ:ખકષ્ટ વેઠ્યાં એ અતુલનીય છે. એવું લાગે છે કે જગદંબાએ સ્વયં પોતાના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે એવું અદ્‌ભુત વાતાવરણ તૈયાર કરી દીધું હતું.

શરૂઆતમાં બહારથી આવેલ ભક્તસંતાનોનાં ભોજનનિવાસ અને સુખસુવિધાની વ્યવસ્થામાં શ્રી શ્રીમાને ઘણાં પરિશ્રમ અને કષ્ટ ઉઠાવવાં પડતાં. જયવામવાટી એક નાનું એવું ગામ છે. કોઈ ચીજવસ્તુ અહીં પૈસા દેવાથી પણ મળતી નથી. ત્યાં કોઈ દુકાન પણ નથી. સામાન્ય ઉપયોગની ચીજવસ્તુઓ ખરીદવા માટે બીજે ગામ જવું પડે છે. ગરીબ ખેડૂતો અને આડોશપાડોશના ઘરોમાં ખેતરોમાં ઉત્પન્ન થતાં અનાજ, શાકભાજી, ચોખા, દાળ, ખાંડવાળા મમરા, ગોળ અને ક્યારેક ક્યારેક થોડું ઘણું દૂધ મળી રહેતું. જ્યાં સુધી શ્રીમાનો દેહ ચાલ્યો ત્યાં સુધી તેઓ પોતે પ્રયત્ન કરીને જ્યારે જે ચીજવસ્તુ મળતી તે ખરીદી લેતાં અને ઘરવ્યવસ્થા ચલાવતાં. વળી એ સમયે ભક્તોની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી હતી. એમનાં જન્મદાતા માતા જ્યાં સુધી કામકાજ કરવામાં સમર્થ રહેતાં ત્યાં સુધી તેઓ પણ પોતાના સગાં-ભક્તોની-‘શારદાના સંતાનો’ની સુખસુવિધા માટે હરસંભવ પ્રયત્ન કરતાં. ત્યાર બાદ ભક્તોની સંખ્યા વધવા લાગી. નાનીમા (શ્રી શ્રીમાનાં માતા) મૃત્યુ પામ્યાં અને શ્રી શ્રીમાનો દેહ પણ હવે ઉંમર વધવાને કારણે બરાબર ચાલતો ન હતો એવા સમયે વિશેષ ઉદ્દેશ્યની પૂરતી માટે કોઆલપાડાના આશ્રમનું સર્જન થયું!

જ્યારે શ્રી શ્રીમા જયરામવાટીમાં રહેતાં ત્યારે કોઆલપાડાના સેવકજનો આશ્રમથી બે માઈલ દૂર કોતલપુરના હાટમાં અઠવાડિયામાં બે વાર જતા, ખરીદી કરતા અને બધું વજન ઊંચકીને આશ્રમ પાછા આવતા. વળી પાછા બીજે દિવસે સવારે ફરીથી એ બોજો ઊંચકીને ચાર માઈલ દૂર જયરામવાટીમાં જઈને શ્રી શ્રીમાના ચરણોમાં રાખીને પ્રણામ કરતા. જેણે આ દૃશ્ય જોયું છે તે જીવનભર એને ભૂલી ન શકે તેવું હતું. જો એ લોકો બપોરના રોકાઈને ભોજન કરીને પાછા ફરે છે તો એનાથી શ્રી શ્રીમાનું કામ વધે એ ડરથી તેઓ માએ સ્નેહપૂર્વક આપેલા મમરા ખાતાં ખાતાં પુલકિત મને વાતચીત કરતાં કરતાં અને જરૂરી ચીજવસ્તુઓના ભાવતાલ કે પૂછપરછ કરીને શ્રીમાના ચરણોની ચરણરજ માથે ચડાવીને એમના આશીર્વાદ લઈને સંતોષભર્યા ચિત્તે અને પ્રફુલ્લહૃદયે ફરીથી ચાર માઈલ ચાલીને પાછા આવી જતા. પાછા આવીને બપોરનું ભોજન લેતા! અને જો વધારે જરૂરી કામ આવી પડે તો લગભગ બીજે જ દિવસે ફરીથી આવવાનું થતું! આ બધો પરિશ્રમ અને કષ્ટ, આશ્રમનું અત્યંત કઠિન કામકાજ, ગરીબ આશ્રમની ખાવાપીવાની અત્યંત કઠિનતા – આ બધું એમના અદમ્ય ઉત્સાહ અને સેવાપરાયણતાને જરાય શિથિલ થવા ન દેતું. આમ કેમ? એવો તે કેવો અમૃતરસ હતો જેણે એમની ભીતર આ પ્રકારના અસાધારણ બળનો સંચાર કર્યો હતો? આ પ્રેરણાના મૂળમાં હતો અલૌકિક માતૃસ્નેહ – શ્રી શ્રીમાનો અસીમ સ્નેહ અને એમની અસીમ મમતા! આ સુધાપાનથી તૃપ્ત બળવાન બનીને માતૃભક્તિના સહારે એમણે અસંભવને પણ સંભવિત કરી દીધું. હે મા! તમે જેને પોતાના સ્નેહના અમૃતરસનું પાન કરાવો છો, જેમણે તમારા આ અલૌકિક સ્નેહનું આસ્વાદન કર્યું છે તેને માટે ‘અસંભવ’ નામની કોઈ વસ્તુ જ રહેતી નથી. આ સુધારસ પીઈને તમારા વીરસંતાન વિવેકાનંદ વિશ્વવિજયી બન્યા અને રાખાલ રાજા બ્રહ્માનંદ રાજ્યસંસ્થાપક; પ્રેમાનંદ, શિવાનંદ, સારદાનંદ વગેરે તમારા ધન્યસંતાનોએ તમારા સ્નેહ સામ્રાજ્યનું સુચારુ રૂપે સંચાલન કરીને દિગ્દિગંતમાં તેનો વિસ્તાર કર્યો – વિશ્વવાસીઓને ખેંચીને તમારી ગોદમાં લાવી મૂક્યા! હે જનની! તમે પોતાના અપૂર્વ માતૃભાવની જે લીલા અમને દેખાડી, તેને સાંભળવા માટે ઉત્સુક નવીન સંતાનોને બતાવવા માટે અમને યોગ્યતા પ્રદાન કરો!

રાધુના આગમન પૂર્વે અને પછી

શ્રીરાધુનો સહારો લઈને શ્રી શ્રીમાનું મન જ્યારે લૌકિક રાજ્યમાં ઊતર્યું હતું, ત્યાર પછી જ એમની સ્નેહમયી શીતલ મંદાકિની ધારાનું અમૃતજલ પીઈને અનેક વ્યક્તિ પરિતૃપ્ત અને શીતલ બની હતી. તેના પહેલાં તો શ્રીઠાકુરના અંતરંગ ભક્ત તથા કેટલાંક વિશેષ પુણ્યવાન સ્ત્રીપુરુષોને જ એ અમૃત-આસ્વાદનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રાધુનાં મા, પગલી મામીએ અમને બતાવ્યું હતું, ‘‘રાધી’, ‘રાધી’ કહીને વ્યગ્ર અને એને માટે વ્યાકુળ થતાં પહેલાં શ્રી શ્રીમાને જોઈને એમ લાગતું કે જાણે તેઓ સાક્ષાત્‌ દેવીની મૂર્તિ ન હોય! એમની પાસે જવાનું સાહસ ન થતું. એ સમયે નણંદજી બીજી જ તરેહના હતાં, દેવી સમાં! પૂજાના આસન પર જ્યારે બેસતાં ત્યારે એમની સમીપ જવાનું સાહસ ન થતું. ડર લાગતો. રાધી રાધી કરીને જ તો બધું ગયું. જુઓને, રાધીને કારણે જ તો આટલો બધો ઝમેલો થયો છે.’ શ્રી શ્રીમા રાધુને જોઈને કહેતાં: ‘એને કારણે જ આ બધું છે, નહિ તો મારું મન ઉપર જઈને જાણે ક્યાંક લીન થઈ જાય છે! શ્રીઠાકુરની કેવી અદ્‌ભુત લીલા છે, એવા મનને નીચે ઉતારીને આ રાધુ પર લગાડી રાખ્યું છે.’ જ્યારે રાધુ અત્યંત જીદ કરતી કે હેરાન-પરેશાન કરતી ત્યારે ક્યારેક શ્રી શ્રીમાને મંદમંદ હાસ્ય સાથે કહેતાં સાંભળવા મળતું: ‘તે એમ સમજે છે કે તેના વિના મારું કામ ચાલતું નથી. અત્યારે મનને અલગ કરી લઉં તો આ બધું ક્યાં રહેવાનું છે!’ શ્રીઠાકુરની ઇચ્છા માનીને એમના જ કાર્ય માટે શ્રી શ્રીમાએ રાધુને નિમિત્ત બનાવીને સંસાર રૂપી મરુભૂમિ પર જીવકલ્યાણ માટેના હેતુ માટે સ્નેહમંદાકિનીની ધારા પ્રવાહિત કરી રાખી હતી. સંસાર,  રૂપિયા-પૈસા, સ્વજન-સંબંધી, લૌકિક વ્યવહાર, આ બધું સ્વીકારીને; સંસારને ગૃહસ્થધર્મનો ઉપદેશ અને શિક્ષણ આપવા શ્રી શ્રીમા સંસારીનું રૂપ બન્યાં. માનવહૃદયની શુભાશુભ વૃત્તિઓ અને તેમની અભિવ્યક્તિને સમજીને સ્નેહ અને મમતાપૂર્વક તેઓ જે રીતે આ બધું નિયંત્રિત કરતાં હતાં, એને જોઈને બુદ્ધિવાન લોકો પણ વિસ્મિત બની જતા.

રાધુના જન્મ પહેલાંની વાત સાંભળી છે. ગોલાપ મા, યોગિન મા શ્રી શ્રીમાના ધ્યાનસ્થ જડવત્‌ શરીરને લાકડાની પૂતળી સમાન ગણીને એક સ્થાનેથી ઉઠાવીને બીજે સ્થાને બેસાડી દેતાં. એમને દેહભાન જ ન રહેતું. ભક્તગણ પ્રણામ કરીને રૂપિયા, પૈસા, ફળ, કપડાં વગેરે એમના શ્રીચરણમાં રાખી જતા, પરંતુ એ તરફ એમનું ધ્યાન જ ન જતું. સેવિકાઓ, એ વસ્તુઓને ઉપાડીને રાખી મૂકતી અને આવશ્યકતાઓ અનુસાર બધા એનો ઉપયોગ કરતા, પરંતુ શ્રી શ્રીમા ક્યારેય એ વસ્તુની ખબર સંભાળ પણ ન લેતાં. રાધુ આવી, એમનું મન નીચે ઊતર્યું, સંસાર વિસ્તર્યો; શ્રી શ્રીમાએ સંસારીનો વેશ ધારણ કર્યો અને સંસારના દાયિત્વને પોતાના ખભે ઉપાડી લીધું. સંસારનાં દુ:ખકષ્ટ અને શોકતાપને જનનીએ અંતરમાં અનુભવ્યાં. જીવનાં દુ:ખથી એમનું હૃદય વિગલિત બની ગયું અને એમના પરિત્રાણ માટે એમણે પોતાની જાતને મીટાવી દીધી. કલીના આર્ત અને ભીત જીવે શ્રી શ્રીમાને પામીને, એમની સ્નેહસુધાનું પાન કરીને નવજીવન અને નવીનબળ પ્રાપ્ત કર્યાં.

શ્રી શ્રીમાના જીવનચરિત્રમાં પાઠકોએ જોયું છે કે રાધુના આવ્યા પછી શ્રીમાનો સંસાર વધતો ગયો. કલકત્તામાં શ્રીમાનું ઘર – ઉદ્‌બોધનની રચના પછી કોઆલપાડામાં એમને માટે જગદંબા આશ્રમ બન્યો. જયરામવાટીમાં સ્થાનનો અભાવ દૂર કરવા માટે પહેલાં કાલીમામાનું દિવાનખાનું બન્યું. એના પછી ધીમે ધીમે મા માટે અલગ નિવાસસ્થાન બનાવાયું. દેશવિદેશથી જાતજાતનાં ભક્ત સ્ત્રીપુરુષોનું આવાગમન પણ વધવા લાગ્યું. પરિણામે શ્રીમાની કૃપાવર્ષા પણ દિનોદિન વધતી ચાલી. જયરામવાટીમાં શ્રીમા પિયરની પુત્રીની જેમ રહેતાં. અહીં લાજની આડ કે ઘુંઘટનું આવરણ એટલું બધું ન રહેતું. બધાંની સાથે તેઓ નિ:સંકોચ વાતચીત કરતાં. ત્યારે તો ભક્તો જયરામવાટીમાં જ એમનાં દર્શન કરવા ઇચ્છતા. ઉદ્‌બોધનમાં શ્રી શ્રીમા સાસરિયાની વહુની જેમ રહેતાં. ત્યાં એમનાં દર્શન થવાં કે એમની સાથે ચર્ચા કરવી મુશ્કેલ કાર્ય હતું. ઉદ્‌બોધનનું નિવાસસ્થાન એમને માટે જ બનાવયું હતું. પૂજ્ય શરત્‌ મહારાજ પોતાની જાતને શ્રી શ્રીમાના ઘરના દ્વારપાળ માનતા. પરંતુ શ્રીમા એમ સમજતાં હતાં કે આ સાધુઓનો આશ્રમ છે. એટલે જ્યારે તેઓ બધાની સાથે ઉદ્‌બોધનમાં આવીને રોકાતાં ત્યારે તેમની દૃષ્ટિ સદૈવ આ આશ્રમમાં કોઈ અસુવિધા ન રહે તેના પર રહેતી.

ઉદ્‌બોધનમાં રહેતાં ત્યારે ભક્તો અને સાધુજનો જ એમની સેવા સુશ્રૂષા કરતા અને જ્યારે તેઓ જયરામવાટીમાં રહેતા ત્યારે તેઓ પોતે જ બધાની સેવાસુશ્રૂષામાં વ્યવસ્ત રહેતાં. તેઓ પોતે જ જરૂરી ચીજવસ્તુઓ એકઠી કરતાં, ભોજન રાંધતાં, સૌને ભોજન ખવડાવતાં, એંઠાની સફાઈ કરતાં અને પોતાનાં સંતાનોના વિશ્રામ માટેની વ્યવસ્થા પણ કરતાં. દૂર દૂરથી આવેલા ભક્તોને એકાદબે દિવસ રોક્યા વિના જવા ન દેતાં. એમનાં સુખસુવિધાઓ માટે તેઓ સદૈવ ઉત્કંઠિત રહેતાં, એટલું જ નહિ પરંતુ તેમનાં ઘરબાર, સ્વજન સંબંધી, બધાંની પૂછપરછ કરતાં. સુખદુ:ખની વાતો સાંભળતાં. સહાનુભૂતિ અને સંવેદના પ્રગટ કરતાં અને સલાહસૂચન પણ આપતાં. અંતે મા તો મા જ છે! સાચી મા! ભક્તોને વિદાય કરતી વખતે દુ:ખી થઈ ઊઠતાં, એમને છોડી ન શકતાં. એમના સંતાનોમાં જ્યારે કોઈ જતું હોય ત્યારે જ્યાં સુધી એની નજર પહોંચે ત્યાં સુધી શ્રી શ્રીમા રસ્તા તરફ તાકી રહેતાં. આંખમાં અશ્રુધારા વહેતી રહેતી! સંતાનોનાં હૃદયમાં આ દૃશ્યની સ્મૃતિ દૃઢમૂળ – બદ્ધમૂળ બની જાતી.

શ્રી શ્રીમા અને શરત્‌ મહારાજ

ઉદ્‌બોધનમાં શ્રી મા વહુની જેમ રહેતાં. એમનાં દર્શન કરવા ઘણું મુશ્કેલ હતું. (એમની પાસેથી) પ્રસાદ મેળવવો એ મહાન સૌભાગ્યની વાત ગણાતી. એમનાં કરકમળ દ્વારા કંઈક ભોજન મળવું કે જમવું એ અસંભવ જ હતું. ઉદ્‌બોધનથી શ્રી શ્રીમા ગંગાના ઘાટ પર સ્નાન કરવા જતાં, સાસુના સાડલાનો છેડો પકડીને ચાલનારી નવી વહુની જેમ ગોલાપમાની પાછળ પાછળ હોય! પૂજ્ય શરત્‌ મહારાજ દરરોજ જ્યારે એમને પ્રણામ કરવા જતા ત્યારે તેઓ એવી રીતે લાજ તાણીને બેસતા કે પછીથી શરત્‌ મહારાજ ખેદ ભર્યા સ્વરે કહેતા: ‘મા તો જાણે મને સાસરા માને છે!’

લોક મર્યાદા માટે આ પ્રકારનો સંકોચપૂર્ણ વ્યવહાર  કરવા છતાં પણ પોતાના અતિપ્રિય સંતાન શરત્‌ના હૃદયની આકાંક્ષા એમણે અપૂર્ણ રાખી ન હતી. સિદ્ધપુરુષ સ્વામી શારદાનંદજીએ જગજ્જનની પ્રત્યે માતા એવં કન્યાના રૂપે પોતાનાં સેવા, પૂજા, ભક્તિ, સ્નેહ અને વાત્સલ્યના ભાવોને પ્રગટ કરવાના તથા તેમના રસનું આસ્વાદન કરવાના મનોવાંછિત અવસરો સમયે સમયે પ્રાપ્ત કર્યા હતા. અને એ રીતે તેઓ પોતાની અદ્‌ભુત તપસ્યા અને ભક્તિસાધનાના ફળભાગી બન્યા હતા. એકવાર કોઆલપાડામાં શ્રીમા મેલરિયાના તાવમાં પડ્યા હતા. પિત્તના પ્રબળ પ્રકોપથી શરીરમાં અસહ્ય પીડા અને દાહ થતાં હતાં. તેઓ આકુળવ્યાકુળ થઈ રહ્યાં હતાં. કલકત્તાથી શરત્‌ મહારાજે અનુભવી ચિકિત્સક ડો. કાંજીલાલ તથા વિશ્વસ્ત સેવક ભૂમાનંદને મોકલ્યા. પરંતુ એમની ચિકિત્સા અને સેવાથી વિશેષ લાભ ન થતો જોઈને મહારાજ પોતે જ વ્યાકુળ અને ચિંતિત બનીને ત્યાં આવી ગયા. પુત્રી દેહના જલનથી બેચેન છે. ‘ટાઢક કરો’, એમ કહી રહી છે! ચિકિત્સક અને સેવકના પ્રયત્ન વિફળ થાય છે. સ્નેહમય પિતા પથારીની પાસે ઊભા રહીને પીડિત હૃદયે અને ઉદાસ નયને પોતાની સ્નેહાંકિત કન્યાની આ આકુળવ્યાકુળ અવસ્થા જોઈ રહ્યા છે! વિકલ પુત્રીએ પિતાના શરીર પર હાથ રાખ્યો; દેહની શીતળતાથી હાથનો દાહ શમી ગયો. ‘આહ, બચી ગઈ રે!’ કહીને એણે શાંતિ અને નિરાંતનો શ્વાસ લીધો! પિતાના પ્રાણ પ્રકુલ્લિત થઈ ઊઠ્યા. આસ્વસ્ત બનીને તેણે તરત જ પોતાનો ઝભ્ભો ઊતારીને દૂર ફેંક્યો અને શ્રીમા પાસે જઈને બેસી ગયા. અંબિકા દ્વારા પોતાના લંબોદર શિશુના સ્નિગ્ધ ઉદરના થયેલા સ્પર્શથી હોય કે પછી હૈમવતી સમા પિતા હિમાલયના દેહના શીતળ સ્પર્શથી થયું હોય, ભલે ગમે તે હોય પણ શ્રી શ્રીમાનો દારુણ દાહ શમી ગયો. અને પુત્રીએ પણ શાંતિ અને નિરાંતનો શ્વાસ લીધો! પિતાપુત્રી બંનેના પ્રાણ જોડાઈ ગયા! મા, આ રીતે ક્યારેક ક્યારેક શરત્‌ મહારાજને આવા વિશુદ્ધ વાત્સલ્યરસનું આસ્વાદન કરાવતાં રહેતાં. દેહત્યાગ પહેલાં પોતાની અંતિમ માંદગીની પળે તો આ મા-પુત્રીએ ‘પિતાના હાથે ભોજન કરીને’ સ્વામી શારદાનંદજીની અંતરની આકાંક્ષાને વિશેષ રૂપે પૂર્ણ કરી દીધી હતી. શ્રી શ્રીમાએ કૃપા કરીને પોતાના બીજા કોઈને કોઈ દીનસંતાનને એક માની જેમ જ પોતાના હાથે ભોજન ખવડાવ્યું છે અને પુત્રીની જેમ એના હાથે પોતે પણ ભોજન લીધું છે. અતીન્દ્રિય લોકમાં સદા વિચરણ કરનારા સ્વામી બ્રહ્માનંદનું ભાવમગ્ન મન શ્રી શ્રીમાનાં સાંનિધ્યમાં એક નાના શિશુ સમું બની જતું હતું.

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.