શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં  ઈંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ, ન્યુદિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘સ્વામી વિવેકાનંદની યોગ વિશેની ખોજ અને એમનું પ્રદાન’ એ વિશે ૧૧-૧૨ જાન્યુઆરીના રોજ, સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવદિનના ઉપક્રમે ૫૦૦થી વધુ યુવા પ્રતિનિધિઓ માટે વીશેક જેટલા વિદ્વાન વક્તાઓનાં વક્તવ્યોની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરનો મંગલ પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી અને બ્રહ્મચારીવૃંદની પ્રાર્થનાથી થયો હતો. સ્વામી વિવેકાનંદનાં લખાણોમાંથી વાચન રજૂ થયા પછી પોતાના સ્વાગત અને પ્રાસંગિક વક્તવ્યમાં સ્વામી જિતાત્માનંદજીએ ઓજસ્વીભાષામાં ‘શ્રીરામકૃષ્ણદેવના સર્વધર્મસમન્વય’ના આદર્શ તેમજ નવી ધર્મસંસ્કૃતિ અને દર્શનના સર્જક સ્વામી વિવેકાનંદે વેદાંતનું જીવનમાં આચરણ, જીવનમાં આધ્યાત્મિકતાના આદર્શના આચરણ,  અને સર્વધર્મસમન્વય દ્વારા જ સમગ્ર વિશ્વ સાચી શાંતિ અને મનનો આનંદ મેળવી શકશે. માત્ર ભૌતિક સંસ્કૃતિ કે ઐહિક સુખના સાધનોની વૃદ્ધિ કે નર્યા વિજ્ઞાન ટેક્નોલોજીથી વિશ્વમાં સાચી શાંતિ નહિ આવે. એ માટે જરૂર છે દરેક ક્ષેત્રને આધ્યાત્મિકતાના રંગે રંગવાની. આ પ્રસંગે પોતાના ઉદ્‌ઘાટન વક્તવ્યમાં આઈ.સી.પી.આર.ના ચેરમેન ડો. કિરિટ જોષીએ જણાવ્યું હતું : ‘આ ભારતભૂમિ પર જન્મવું એ આશીર્વાદ છે. ઋષિઓની આ પાવનભૂમિ એ આપણા સૌ માટે પ્રેરણારૂપ ભૂમિ છે. અગ્નિ સ્વરૂપ સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ પાસેથી સર્વધર્મસમન્વય, ત્યાગ, સેવા, સમર્પણના બોધપાઠ મેળવીને ‘શિવભાવે જીવસેવા’નો આદર્શ આપણને આપ્યો છે. હતાશા, નિરાશા કે અંધકારમાં ડૂબેલાને કે મર્યાદિત જ્ઞાનના કોકડામાં ગૂંચવાયેલા યુવાનોને, શિક્ષકોને અને નેતાઓને ઉજ્જવળ આશાનું કિરણ સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી સાંપડશે. શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના વિચારો આજે પણ પ્રાસંગિક છે.’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. કનુભાઈ માવાણીએ જણાવ્યું હતું : ‘સ્વામીજીએ પ્રસ્થાપિત કરેલ યોગ અને યોગના સમન્વયમાંથી આપણે સૌ કોઈએ શીખવા જેવું છે.’ બીજા તબક્કામાં રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘આજની વિચિત્ર અને વિષમ પરિસ્થિતિમાં મનની એકાગ્રતા અને મનનો મેળ કેટલો આવશ્યક છે તેની વાત કરી હતી. માણસને આનંદ અને શાંતિ જોઈતાં હોય તો શ્રવણ, મનન, નિદિધ્યાસનને કેળવવાં પડશે અને સ્વામી વિવેકાનંદે ઉપદેશેલ રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ (પ્રેમયોગ)ના સુભગ સમન્વયથી જ આપણને જીવનનો સાચો આનંદ, સાચી શાંતિ અને મનની એકાગ્રતા સાંપડશે.’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપકુલપતિ અને ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ ડો. સીતાંષુ મહેતાએ ‘ભારતીય સાહિત્યમાં આધ્યાત્મિક ભાવ અને દિવ્યતાનું અન્વેષણ’ વિશે પ્રાસાદિક શૈલીમાં વક્તવ્ય આપ્યું હતું. 

ઓસ્માનિયા વિશ્વવિદ્યાલયના અંગ્રેજીના નિવૃત્ત પ્રાધ્યાપક અને વિવેકાનંદના અભ્યાસુ ડો. શિવરામકૃષ્ણને રસભરી શૈલીમાં થોડી વાતો કરીને ‘સ્વામી વિવેકાનંદ અને પશ્ચિમનું આધ્યાત્મિકીકરણ’ વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. વિવેકાનંદ વિદ્યાપીઠ રાયપુરના નિયામક ડો. ઓ.પી. વર્માએ માનવ સમાજને સ્વામી વિવેકાનંદનું મહાન પ્રદાન એટલે જીવનનું આધ્યાત્મિકીકરણ. તેમણે ભારતીય ચિંતન પરંપરા વિશે ઘણી રસપ્રદ વાતો કરી હતી. ભારતના ‘વસુધૈવ કુટુંબકમ્‌’ અને ભગવાન બુદ્ધની સાચા વિજયની વાત કરીને સ્વામી વિવેકાનંદે ભવિષ્યમાં પણ સમગ્ર માનવપ્રજા, માનવસમાજ અને માનવસભ્યતાની રક્ષા માટે માનવીય મૂલ્યોના સંરક્ષણ માટે ભારતે જીવતા રહેવું પડશે એવો આદેશ આપ્યો છે. સાથે ને સાથે આત્મવિશ્વાસ આધ્યાત્મિકતા અને સર્વસેવાના આદર્શને અનુસરવાનું સ્વામીજીએ કહ્યું છે. સાચાં સુખ, શાંતિ અને આનંદ જોઈતાં હોય તો શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદે ચીંધેલા માર્ગે ચાલવું આપણા માટે અનિવાર્ય છે.

ત્રીજા તબક્કાના કાર્યક્રમમાં ‘વિજ્ઞાન અને આધ્યાત્મિકતા’ વિશેની વિષયચર્ચામાં એમ.એમ.સી. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ મુંબઈના સ્થાપક અને જાણીતા મર્મજ્ઞ વિદ્વાન વક્તા ડો. એન.એચ. અથ્રેયે સ્વામી વિવેકાનંદનું ‘યોગવિજ્ઞાન અને આજના કોર્પોરેટ વિશ્વને એમણે કરેલા પ્રદાન’ વિશેની ચર્ચા કરતાં કહ્યું હતું: ‘સ્વામીજીએ પ્રબોધેલા કર્મયોગને ધ્યાનમાં રાખીને મનની નિર્બળતાઓ ખંખેરીને પૂરતાં બળ અને શક્તિ કેળવીને આગળ વધવાની વાત કરી હતી. એમણે આપેલા ઉપનિષદોના નિર્ભયતા અને શક્તિના સંદેશને અનુસરવાની વાત આપણે આપણી નજર સમક્ષ રાખવી જોઈએ. બળવાન, ચારિત્ર્યવાન અને સ્વાશ્રયી બનાવે એનું નામ શિક્ષણ. સ્વામીજીના આ વિચારોને આપણે આજે પણ જીવનમાં ઉતારવા જેવા છે.’ 

પંજાબ ટેક્નીકલ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વાય. એસ. રાજને ‘વિજ્ઞાન પ્રૌદ્યોગિકી અને આર્થિક વિકાસ : ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદની એકતાના નવાં બે સાધનો’ની વાત પોતાના વક્તવ્યમાં કરી હતી. આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ, ભારતીય સ્ત્રીઓની સાર્વત્રિક શક્તિમાં થયેલો વધારો, સમૃદ્ધિ વિના સુખાકારી અને શક્તિમત્તા સાંપડે નહિ. અને સુખાકારીમાં સૌને ભાગીદાર બનાવવા એ જીવનનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. સૌને માટે તક, સૌને માટે સમૃદ્ધિનો આદર્શ આપણે અપનાવવો જોઈએ.

એન.એમ. વિરાણી હોસ્પિટલના ચિફ મેડિકલ ઓફિસર અને સુખ્યાત ડો. કમલ પરીખે ‘સ્વામી વિવેકાનંદ અને શરીર મનના ઔષધોના નવા પ્રયોગો’ વિશે પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. ‘સ્વામી વિવેકાનંદ : આધુનિક વિજ્ઞાન અને વેદાંત’ વિશે સ્વામી જિતાત્માનંદજીએ વાત કરતાં કહ્યું હતું: ‘વેદાંત એ આધુનિક વિજ્ઞાનનો આત્મા છે.’ સ્વામીજીએ પ્રબોધેલ જ્ઞાનયોગ, રાજયોગ વગેરે વિશેના સ્વામીજીના આદર્શ પ્રમાણે એમણે વિગતવાર વિવેચના કરી હતી.

આ જ દિવસે સાંજે રાજકોટની એસ.એન.કે. સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વૃંદ દ્વારા રજૂ થયેલ સંગીતનો કાર્યક્રમ અને ‘શ્રીમા શારદાદેવીનો ડાકુપુત્ર અમજાદ’ એ નાટ્યાભિનય ભાવિકજનોએ માણ્યો હતો. મહેર દાંડિયા રાસ ગૃપ, પોરબંદરના ભાઈઓનો તળપદી દાંડિયારાસ, તલવારની પટ્ટાબાજીનો કાર્યક્રમ અને ભજનિક શ્રીવિનોદ પટેલનાં ભાવભર્યાં ભજનો ભાવિકજનોએ માણ્યાં હતાં.

૧૨મી જાન્યુઆરીના રોજ ચોથા તબક્કામાં ‘સ્વામી વિવેકાનંદ : વૈદિક વિજ્ઞાન અને વ્યવહારુ વેદાંત’ વિશે વિગતવાર ચર્ચા થઈ હતી. ઉજ્જૈનના વૈદિક સાહિત્યના વિદ્વાન શ્રી મોહનગુપ્તાએ ‘સ્વામી વિવેકાનંદના વેદ અને વૈદિક ખગોળ વિદ્યાના વિચારો’ વિશે પોતાનું પ્રેરક પ્રવચન આપ્યું હતું. વૈદિક સાહિત્ય, વેદો અને ખગોળ વિદ્યા તેમજ ગણિતવિદ્યાનો થયેલો વિકાસ, વૈદિક કાળના સંતો, વૈદિક ધર્મની આવશ્યકતા, વૈદિક ધર્મનું સારભૂત તત્ત્વ, બધા ધર્મોની એકતાની આવશ્યકતા, સ્વામીજીના વેદની નારીઓ વિશેનો દૃષ્ટિકોણ, વગેરે વિષયો પર ચર્ચા કરી હતી.

શ્રીરામકૃષ્ણ સંઘના ‘પ્રબુદ્ધ ભારત’ના ભૂતપૂર્વ તંત્રી સ્વામી સુનિર્મલાનંદજીએ ‘સ્વામી વિવેકાનંદ : માનવીય સંસ્કૃતિને આધ્યાત્મિકતાના રંગે રંગવા આવેલા પયગંબર’ એ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. પોતાના વક્તવ્યમાં  ‘પયગંબર એટલે શું?, પયગંબરનું અવતારી કાર્ય અને ભારતના ઋષિમુનિઓ-અધિકારી પુરુષો-સિદ્ધ-યોગીઓ,  જેવા કે રામ, કૃષ્ણ, બુદ્ધ મહાવીર, ચૈતન્ય, રામકૃષ્ણ તે ભારતીય દૃષ્ટિએ અવતારી પુરુષો હતા. પશ્ચિમની દૃષ્ટિએ પયગંબર તરીકે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય જેવાને ગણાવી શકીએ. સ્વામી વિવેકાનંદ કઈ રીતે અવતારી પુરુષ હતા.’ વગેરે મુદ્દાઓની તેમણે તલસ્પર્શી ચર્ચા કરી હતી.

શ્રીરામકૃષ્ણ મિશન, શારદાપીઠના શિલ્પાયતનના આચાર્ય સ્વામી તત્ત્વજ્ઞાનાનંદજીએ સ્વામીજીનું વ્યવહારુ વેદાંત અને એમણે સેવાના નવા આદર્શ રૂપે આપેલા નવા યોગની વાત રજૂ કરી હતી. યદ્‌ યદિ આચરતિ શ્રેષ્ઠ: તદ્‌ તદ્‌ એવ ઇતરે જના: ની વાત એમણે કરી હતી. ગીતાના રથ એટલે દેહ, અશ્વ એટલે ઇન્દ્રિયો, લગામ એટલે મન-બુદ્ધિ, આત્મા એટલે પોતે, અને સંસ્કાર અને કર્મફળના બે ચક્રની વાત કરી હતી. 

મુંબઈ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક ડો. એન.બી. પાટિલે ‘સ્વામી વિવેકાનંદની વ્યવહારુ વેદાંતની નવી શોધ – સેવાભાવે વ્યવસ્થાપન એટલે યોગની એક નવી રીત’ એ વિશે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

પાંચમાં તબક્કામાં સ્વામી વિવેકાનંદ : કેળવણી અને નેતૃત્વ વિશે ડો. સુમીતા રોયે (ઓસ્માનિયા યુનિ.ના અંગ્રેજી વિભાગના રિડર) ‘સ્વામીજીના સમર્પણ અને સેવાના યોગવાળા આદર્શ માતૃભાવ અને શ્રીમા શારદાદેવીએ પોતાના જીવનમાં જીવી બતાવેલા એ આદર્શની વાત’ શ્રી શ્રીમાના વિવિધ જીવનપ્રસંગોની -ડાકુ અમજાદ પ્રત્યે પ્રેમ – દુ્રષ્કાળ વખતે ગરીબોની સેવા, પીડિત  પ્રત્યેનો પ્રેમભાવ, પતિતા નારી પાપી-તાપી પ્રત્યેનો માતૃભાવભર્યો અભિગમ વગેરે વાતો રજૂ કરી હતી.

ઈંન્ડુઝ ક્વોલિટી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન, ન્યુદિલ્હીના નિયામક શ્રીદેવજિતદાસ અને શ્રીઅશ્વિનકુમારે ‘યોગના રૂપે આપેલ મૂલ્યનિષ્ઠ કેળવણી માનવની અસીમ શક્યતાઓ સુધી દોરી જાય છે’ પર વ્યાખ્યાન આપ્યું હતું.

છઠ્ઠા તબક્કામાં આ શિબિરની ચર્ચામાં ભાગ લેતા દર્શન ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન, ન્યુદિલ્હીના અધ્યક્ષ શ્રી અર્જુન બાદલાણીએ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના સ્વપ્નને, એમના આદર્શને દિલ્હીની કેટલીક શાળાઓમાં આધ્યાત્મિક શિક્ષણના વ્યવહારુ કાર્યો દ્વારા અમલમાં મૂકવાનો પ્રયત્ન થાય છે.

રામકૃષ્ણ સંઘના ‘વેદાંત કેસરી’ માસિકના તંત્રી સ્વામી બાણેશાનંદજીએ ‘યોગ દ્વારા મનોનિગ્રહ’ વિશે સ્વામીજીના વિચારો એ વિશે પોતાનું પ્રવચન આપ્યું હતું. રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ગૌરાંગ સંઘવીએ ‘આત્મજ્ઞાન આપણા ક્ષણિક મનોદ્રેકોને દૂર કરવામાં સહાયક નીવડે છે’ એ વિશે પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. 

રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતામાં ‘જીવન, મન અને ચૈતન્ય’ વિશે શિબિર

૧૬ થી ૧૮ જાન્યુઆરી એમ ત્રણ દિવસની એક શિબિરનું આયોજન રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરમાં થયું હતું. રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના આશીર્વચન સાથે આ સમારંભનું ઉદ્‌ઘાટન વિવેકાનંદ હોલમાં કેન્દ્ર સરકારના માનવ સંસાધન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, સાગર વિકાસ ખાતાના મંત્રીશ્રી પ્રો. મુરલી મનોહર જોષીના વરદ હસ્તે થયું હતું. આ સમારંભના અધ્યક્ષ પ્રો. એમ.જી.કે. મેનન, રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજનાં વક્તવ્યો પણ હતાં. પરિચર્ચાના પ્રથમ તબક્કામાં પ્રો. રોબિન હોલિડેએ ‘જીવવિજ્ઞાનના સંશોધનનું અંતિમ ઉદ્દેશ્ય : માનવના મનમસ્તિષ્ક અને વર્તનની સમજણ’ અને પ્રો. અરિન્દમ્‌ ચક્રવર્તીએ ‘પદાર્થ, સ્મૃતિ અને આત્માની એકતા વિશે પ્રવચન આપ્યાં હતાં. પ્રો. અંજલી મુખર્જી સંવાહક હતાં. ૧૭મી જાન્યુઆરીના બીજા તબક્કાની પરિચર્ચામાં પ્રો. એન. મુકુંદે ‘પ્રકૃતિને સમજવાનો અર્થ’; પ્રો. અમીત ઘોષે ‘શું આણ્વિક જીવવિજ્ઞાન મનની પ્રક્રિયાઓના અભ્યાસમાં પ્રકાશ પાડી શકે?’; શ્રી વિ. વિ. પ્રાંજપેએ ‘જીવનનું મૂળસ્રોત અને ઉપનિષદો’ વિશે વક્તવ્યો આપ્યાં હતાં. ત્રીજી પરિચર્ચામાં પ્રો. જે.એન.મહંતીએ ‘અક્ષુણ્ણ ચૈતન્ય અને વિશ્વૈક્ય’; પ્રો. પી.એમ.ટંડને ‘ચેતનાવસ્થા : અનુત્તર પ્રશ્નો’ વિશે વક્તવ્યો આપ્યાં હતાં. પ્રો. એ.કે. શર્મા સંવાહક હતા. ચોથી પરિચર્ચામાં પ્રો. જે.એલ.શોના સંવાહક સ્થાને ‘ઉચ્ચમન અને ચેતના દ્વારા જીવનની ઉત્ક્રાંતિ’ વિશે સ્વામી જિતાત્માનંદજી; એમ.એમ.ગોવિંદ મુખોપાધ્યાયે ‘ચેતનાની સ્વાભાવિક પ્રકૃતિ અને ભારતીય તત્ત્વજ્ઞાનની જુદી જુદી પ્રણાલીઓમાં તેના ભિન્ન ભિન્ન સાક્ષાત્કારો’ પ્રો. આર. ગડગકરે ‘શું પ્રાણીઓ પોતાના કાર્યોથી સભાન છે?’ એ વિશે પ્રવચનો આપ્યાં હતાં. પાંચમી પરિચર્ચામાં પ્રો. જી.જે. લાર્સને ‘ચેતનાની ધારણા વિશે ભારતીય તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાનની સાક્ષીભૂતતા’; પ્રો. જયંતઘોષે ‘મગજ વિશે ગોડેલનો સિદ્ધાંત અને તેની ચેતના અને પ્રતિભા પર થતો પ્રભાવ’ વિશે પ્રવચન આપ્યાં હતાં.  પ્રો. શેલ્લી ભટ્ટાચાર્ય સંવાહક હતા. છઠ્ઠી પરિચર્ચાના સંવાહક સ્થાને પ્રો. એસ.પી. મુખર્જી હતા અને પ્રો. જોનાથન શિઅરે ‘ભારતીય પરંપરાઓ અને ચેતનાનું ઊભરતું વિજ્ઞાન’; પ્રો. ઈ.સી.જી. સુદર્શને ‘ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ વશ્વ’ વિશે પોતાનાં પ્રવચન હતાં. સાતમી પરિચર્ચાના સંવાહક સ્થાને પ્રો. ડી.સેન. શર્મા હતા. પ્રો. એસ.રેવતીએ ‘ચેતના અને અદ્વૈત પ્રમાણે તેનો મન સાથેનો સંબંધ’; પ્રો. જોય. સેને ‘એએચપીની મદદથી જીવન, મન અને ચેતનાની સમજણ’ વિશે પોતાનાં પ્રવચન હતાં. ૮મી પરિચર્ચાના સંવાહક પ્રો. કે.પી. મોહનકુમાર હતા. પ્રો. એમ.જી.કે. મેનને ‘જીવનના મૂળસ્રોત વિશે વિજ્ઞાનમાંથી આપણે શું જાણી શકીએ છીએ અને એ બાબત મન અને ચેતનાના પાયાના પ્રશ્નો સાથે કેવો સંબંધ ધરાવે છે’ એ વિશે ચર્ચા કરી હતી. સમાપન સમારંભમાં સ્વામી પ્રભાનંદજીએ પોતાનું સ્વાગત પ્રવચન આપ્યું હતું અને પ્રો. સમીર ભટ્ટાચાર્યે ત્રણ દિવસની પરિચર્ચાનો સારસંક્ષેપ આપ્યો હતો.

Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.