બેલગામમાં શ્રીરામકૃષ્ણમંદિરની પ્રતિષ્ઠા અને સ્વામી વિવેકાનંદસ્મૃતિગૃહનું મંગલ ઉદ્‌ઘાટન

૧૮૯૨ના જુલાઈ માસમાં સ્વામીજી મુંબઈમાં કેટલાક અઠવાડિયા રોકાઈને પૂના ગયા. ત્યાં મહાન દેશભક્ત લોકમાન્ય બાળગંગાધર ટિળકના ઘરે ઊતર્યા હતા. ટિળક સાથે તેમણે અનેકવિધ પ્રશ્નોની રસભરી ચર્ચાઓ કરી હતી. પૂનાથી કોલાપુર થઈને તેઓ બેલગામમાં ફોરેસ્ટ ઓફિસર બાબુ હરિપદ મિત્રના ઘરે ઊતર્યા હતા. અહીં તેઓ નવ દિવસ રહ્યા હતા. આ ઉપરાંત શ્રીભાટેના મકાનમાં ત્રણ દિવસ રહ્યા હતા. આજે ત્યાં ખાનગી આશ્રમ ચાલે છે. બેલગામમાં શિવમંદિરના દર્શને પણ તેઓ ગયા હતા.

હરિપ્રસાદ મિત્રના ઘરે કે જ્યાં સ્વામીજી નવ દિવસ રહ્યા હતા તેને ‘સ્વામી વિવેકાનંદ સ્મૃતિગૃહ’ એવું નામ અપાયું છે અને તેની નજીકમાં જ શ્રીરામકૃષ્ણદેવનું મંદિર બાંધવામાં આવ્યું છે. 

ઉપરના ભાગમાં મંદિર, નીચે કાર્યાલય, પુસ્તકવેચાણ કેન્દ્ર અને હોલની સુવિધા છે. શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગીતાનંદજી મહારાજના વરદ હસ્તે અસંખ્ય સંન્યાસી બ્રહ્મચારી ગણ તેમજ ભક્તજનોની ઉપસ્થિતિમાં ગર્ભમંદિરમાં શ્રીઠાકુરની છબિ અને એમની જમણી બાજુએ સ્વામીજી અને ડાબી બાજુએ શ્રી શ્રીમાની છબિઓની પ્રતિષ્ઠાપૂજા ૨૩ જાન્યુઆરી, ૨૦૦૪ સ્વામી બ્રહ્માનંદજી મહારાજના જયંતી મહોત્સવના પાવનકારી દિવસે થઈ હતી.

આ પાવનકારી મહોત્સવમાં ૨૧મી જાન્યુઆરીના રોજ યોજાયેલ સભામાં સ્વામી ગૌતમાનંદજી અધ્યક્ષ સ્થાને હતા અને સ્વામી જગદાત્માનંદજી, શ્રીપ્રભુચન્ના બસવસ્વામી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી આત્મરામાનંદજીનાં પ્રવચનો હતાં. તે દિવસે રાત્રે સિતાર પર શ્રીછોટે રહેમતખાન, બાંસુરી પર સુરમણિ પ્રવીણ ગોડખિંદી અને તબલા પર પંડિત રવીન્દ્ર યાવગલની શાસ્ત્રીય સંગીતની જુગલબંધીનો કાર્યક્રમ હતો.

૨૨મી જાન્યુઆરીના રોજ સવારે યોજાયેલ સભાના અધ્યક્ષ સ્થાને રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ હતા. તે દિવસે સભાજનોને સ્વામી શશાંકાનંદજી, સ્વામી જિતાત્માનંદજીએ સંબોધન કર્યું હતું. તે જ દિવસે સાંજની સભાના અધ્યક્ષ સ્થાને રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગીતાનંદજી મહારાજ હતા. અને સભાજનોને સ્વામી રાઘવેશાનંદજી, શ્રીચંદ્રશેખર સ્વામીજી (શાંડિલ્યઆશ્રમ, હુબલી), સ્વામી વિષ્ણુપદાનંદજી અને સ્વામી ગોકુલાનંદજીએ સંબોધ્યા હતા. તે જ દિવસે રાતના શ્રીરમાકાન્ત ગુંડેચા અને શ્રીઉમાકાંત ગુંડેચાની ધ્રુપદ ગાયકીનો કાર્યક્રમ યોજાયો હતો. પખવાજ પર શ્રી ઉદ્ધવરાવ શિંદે અને તાનપુરાનો સાથ શ્રીવિવેકાનંદે આપ્યો હતો. 

૨૩મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ સ્મૃતિગૃહમાં મંગલા-આરતી, શોભાયાત્રા, રામકૃષ્ણ મંદિરમાં શ્રીમત્‌ સ્વામી ગીતાનંદજી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠાપૂજા, વિશેષપૂજા, નવા પ્રાર્થનાખંડમાં વૈદિક મંત્રોચ્ચાર, સ્તોત્ર અને સંકીર્તન વગેરેનું આયોજન થયું હતું. તે દિવસની સવારની સભાના અધ્યક્ષસ્થાને શ્રીમત્‌ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ હતા. સ્વામી પરમાર્થાનંદજી, સ્વામી જિતાત્માનંદજી, શ્રીતોન્ડાદા સિદ્ધલિંગા સ્વામીજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો હતાં. તે જ દિવસની સાંજની મિટિંગના અધ્યક્ષ સ્થાને શ્રીમત્‌ સ્વામી ગીતાનંદજી હતા. અને શ્રી વિ. વિ. ભાસ્કર, આઈ.પી.એસ., સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને સ્વામી ગીતાનંદજી મહારાજનાં પ્રવચનો હતાં.

૨૪મી જાન્યુઆરીના રોજ સવારે પ્રાર્થના, સાંસ્કૃતિક કાર્યક્રમ અને શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને સભાનું આયોજન થયું હતું. સ્વામી જગદાત્માનંદજી, સ્વામી નિખિલાત્માનંદજી, સ્વામી ગોકુલાનંદજી મહારાજનાં વક્તવ્યો ભક્તજનોએ માણ્યાં હતાં. તે જ દિવસે સાંજની સભાના અધ્યક્ષ સ્થાને શ્રીમત્‌ સ્વામી તત્ત્વબોધાનંદજી મહારાજ હતા. સ્વામી ગૌતમાનંદજી, સ્વામી વિપાપ્માનંદજી અને સ્વામી આત્મરામાનંદજી મહારાજનાં વક્તવ્યો હતાં.

૨૫મી જાન્યુઆરીના સમાપન સમારંભમાં સવારે પ્રાર્થના અને ૧૦ વાગ્યે શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક સભાનું આયોજન થયું હતું. આ સભામાં અતિથિવિશેષ તરીકે પ્લાનિંગ કમિશનના સભ્ય સોમપાલ, વર્લ્ડ બેંકના ભૂતપૂર્વ સલાહકાર શ્રી એમ.એસ. નંજુંદૈયાહ, સ્વામી રાઘવેશાનંદજી, સ્વામી શશાંકાનંદજી, સ્વામી શ્રીકાંતાનંદજીનાં વક્તવ્યો હતાં.

બધા દિવસોમાં સ્વાગત અને પ્રાસંગિક પ્રચવનો રામકૃષ્ણ મિશન, આશ્રમ, બેલગામના અધ્યક્ષ સ્વામી પુરુષોત્તમાનંદજીએ કર્યાં હતાં.

શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનું ગુજરાતમાં આગમન

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ગુજરાતની મુલાકાતે મુંબઈથી ૨૯મી જાન્યુઆરીના રોજ રેલવે રસ્તે સુરત પધાર્યા હતા. 

સુરતના રોકાણ દરમિયાન ૩૦મી એ સાંજના મહાત્મા ગાંધી હોલમાં સુરતના સુપ્રતિષ્ઠિત અગ્રણીઓ અને રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર કેન્દ્રના ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિમાં મહારાજશ્રીનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ સમારંભને એમણે સંબોધન કર્યું હતું. ૩૧ જાન્યુઆરીના રોજ શ્રીરામકૃષ્ણની વિશેષપૂજા અને હવન તેમજ ૧ ફેબ્રુઆરીના રોજ આધ્યાત્મિક શિબિર યોજાઈ હતી. ૨જી ફેબ્રુઆરીના રોજ તેઓ વડોદરા પહોંચ્યા હતા ત્યાં ગાંધીનગર હોલમાં મ.સ. યુનિ.ના ઉપકુલપતિશ્રી અને જિલ્લા કલેક્ટર તેમજ પોલિસ કમિશ્નરશ્રીની ઉપસ્થિતિમાં મહારાજશ્રીનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં વડોદરાના પ્રાજ્ઞ અને ભક્તજનોના જનસમૂહને એમણે સંબોધન કર્યું હતું. ૩જી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્રમાં પણ તેમણે ભક્તજનોને સંબોધન કર્યું હતું. તેઓશ્રી અમદાવાદ થઈને લીંબડી પહોંચ્યા હતા. 

શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની નિશ્રામાં સન્માનનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે ટાવરબંગલાનું મંગલ ઉદ્‌ઘાટન

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ભૂકંપથી બિસ્માર બનેલા અને ફરીથી મરામત કાર્ય દ્વારા નવીન રૂપ ધારણ કરેલ ટાવર બંગલાનું ઉદ્‌ઘાટન ૪થી ફેબ્રુઆરીના રોજ માનનીય રાજ્યપાલશ્રી કૈલાસપતિ મિશ્રાના વરદ હસ્તે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની નિશ્રામાં થયું હતું. વર્ષોથી બંધ પડેલ ટાવરઘડિયાલ ફરીથી રણકતું થઈ ગયું છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની વિવિધ સેવાઓને બિરદાવી હતી. મહારાજશ્રીએ પોતાના આશીર્વચન પાઠવ્યા હતા. આ દિવસે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની મિશનથી ટાવર બંગલા સુધી શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો નજરજનો અને ચાર ફ્‌લોટ્‌સ હતા. આ પ્રસંગે સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધાનાં વિજેતા ભાઈ-બહેનોને પારિતોષિકો માનનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે અપાયાં હતાં. સ્વામી આદિભવાનંદજીએ મિશનની સેવાકીય પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી અને શ્રીકિરિટસિંહ રાણાએ આભારવિધિ કરી હતી. વિજેતા વિદ્યાર્થીઓમાંથી પસંદગીના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

૫મી ફેબ્રુઆરીના રોજ શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં યોજાયેલ વિશેષ વેશભૂષા સ્પર્ધામાં લીંબડી શહેરની ૧૫૧ બાળાઓએ શ્રીમા શારદાદેવીના સ્વાંગમાં સજ્જ થઈને ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રો. જ્યોતિબહેન થાનકીએ અને નિધિબહેન જોષીએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. મહારાજશ્રીના આશીર્વચન પછી એમના વરદ હસ્તે બાળાઓને પારિતોષિકો અપાયાં હતાં. આ ઉપરાંત શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૫૧ ગરીબ પરિવારોને અનાજ અને તેલ આપવામાં આવ્યાં હતાં. ઊંટડી ગામની શારદા કન્યાશાળાની બાળાઓએ સ્વાગતગીત અને દાંડિયારાસના કાર્યક્રમો રજૂ કર્યા હતા. ૬ ફેબ્રુઆરીના રોજ તેઓશ્રી મોટર રસ્તે રાજકોટ પધાર્યા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો અભિવાદન સમારંભ

૮ ફેબ્રુઆરી, રવિવારે સાંજના આરતી પછી યોજાયેલ મહારાજશ્રીના અભિવાદન સમારંભમાં વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહારાજશ્રીએ ‘શ્રી શ્રીમા જન્મજન્માંતરની મા, સૌની મા શારદા, પાપી તાપીની મા શારદા, સંઘજનની મા શારદા’ વિશે વિવિધ પ્રસંગો ટાંકીને ભાવવાહી પ્રવચનથી ભક્તજનોને ભાવવિભોર કરી દીધા હતા.

‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ફોર વેલ્યુ એજ્યુ. એન્ડ કલ્ચર’નો શિલાન્યાસવિધિ

૯મી ફેબ્રુઆરી, સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઔષધાલયના પટાંગણમાં ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ફોર વેલ્યુ એજ્યુ. એન્ડ કલ્ચર’નો શિલાન્યાસવિધિ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ ભવનના બાંધકામ હેઠળ રૂપિયા ૬૬ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકજનોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આજના ભૌતિકવાદના યુગમાં આધ્યાત્મિક મૂલ્યો અને નૈતિક મૂલ્યોની સૌથી વધારે આવશ્યકતા છે. પ્રેયસ્‌ના પથે ચાલતાં ચાલતાં શ્રેયાર્થીની શ્રેયસ્‌ સાધના માટે આધ્યાત્મિક મૂલ્યો આવશ્યક છે. તેઓશ્રી રાજકોટથી મોટર માર્ગે ૧૦ ફેબ્રુઆરીના રોજ પોરબંદર જવા નીકળ્યા હતા.

રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ

રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૧૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૪૫ વાગ્યે ‘વિવેક’ના રૂપિયા ચાર કરોડના ખર્ચે બંધાનારા ભવનનો શિલાન્યાસવિધિ કેન્દ્રિત રાજ્યમંત્રીશ્રી ભાવનાબહેન ચીખલિયાના વરદ હસ્તે અને શ્રીમા શારદાદેવી ભવન (સાધુનિવાસ)નો શિલાન્યાસવિધિ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભક્તજનો હાજર હતા.

તે દિવસે સાંજે ૭.૩૦ વાગ્યે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અભિવાદન સમારંભમાં એમણે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અગ્રણીઓ અને ભક્તજનોની સભાને સંબોધી હતી. રામકૃષ્ણ મિશનને પોતાની માનદ સેવાઓ આપનાર ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની નિશ્રામાં યુવશિબિર, ભજનસંધ્યા, આધ્યાત્મિક શિબિર, દાંડિયારાસ, શ્રીમા શારદાદેવીના જીવનસંદેશ પર ફિલ્મપ્રદર્શનના કાર્યક્રમ યોજાયા હતા.

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.