ઉદ્‌બોધનનું જીવન

ઉદ્‌બોધન શ્રીમાનું નિવાસસ્થાન છે, એમની સેવામાં બધા તત્પર રહે છે. પરંતુ માને સેવાની આવશ્યકતા નગણ્ય છે, છતાંય તેઓ જ અહીં દૈનિક કાર્યોમાં યથાશક્તિ સહાય કરતા રહે છે. શ્રીઠાકુરની સેવાપૂજા, સંતાનોને પ્રસાદ આપવો, પાન બનાવવાં – આ બધાં એમનાં જ કાર્ય છે. તેઓ કામ કરતાં રહેવાનું જ પસંદ કરતાં; અને કહેતાં: કામકાજ વિના ક્યાંય રહેવાથી એ ઘર બીજાનું બની જાય છે; પરંતુ શ્રીઠાકુર અને એમના ભક્તોની સેવા તો મોટા સદ્‌ભાગ્યની વાત છે. બીજી બાજુ શ્રીમા પાસે બધાં પોતપોતાનાં દુ:ખડાં રોતાં. એમણે સદૈવ કેટલીય ફરિયાદોનો નિકાલ કે ફેંસલો કરવો પડતો. કેટલાં દગ્ધહૃદયોને પોતાની સ્નેહકૃપા વરસાવીને શીતળ કરવાં પડતાં. વળી આ બધા ઉપરાંત રાધીના મનને ખુશ રાખવું પડતું. તદુપરાંત મોટા મામાની બે માતાવિહોણી દીકરીઓ – નલિની અને માકૂ – શ્રી શ્રીમાની મમતાની શીતળ છાયામાં ઊછરી હતી. વિવાહ થઈ ગયા પછી પણ એ બંને શ્રીમા સાથે રહેતી. શ્રીમાએ એમની પણ દેખરેખ રાખવી પડતી. પરંતુ એમને રાધી અને એની પાગલ માને લીધે સૌથી વધારે પરેશાન રહેવું પડતું. શ્રીમા અસીમ ધૈર્ય સાથે બધાની યથોચિત વ્યવસ્થા કરતાં. ગોલાપમા અને યોગિનમા તો જૂની ભક્ત મહિલાઓ હતી. એ ભલે શ્રીમાની સેવિકાઓ હતી, પણ એમની સુવિધા-અસુવિધા પ્રત્યે શ્રીમાની તીક્ષ્ણ દૃષ્ટિ રહેતી. એમને કોઈ કષ્ટ કે અસુવિધા ન થાય એ માટે તેઓ સદૈવ પ્રયાસમાં રહેતાં.

ઉદ્‌બોધનમાં રહેનારા સંન્યાસી-બ્રહ્મચારીગણ વિભિન્ન રુચિ અને સ્વભાવવાળા હતા. પરંતુ બધા માનાં સંતાન હોવાને નાતે એમના સ્નેહના સમાનઅધિકારી હતા. શ્રીમાને બધાનાં ભોજન અને વસ્ત્ર તેમજ સુખસુવિધાની ચિંતા રહેતી. આ વિશે એક ઘટના યાદ આવે છે: ઉદ્‌બોધનના ડોક્ટર મહારાજ – સ્વામી પૂર્ણાનંદજી રાતે કોઈક કોઈક દિવસ ભોજનની પંગતમાં સમયે સમયે આવી શકતા ન હતા. એટલા માટે એમને ઠપકો સહન કરવો પડતો. એક દિવસ ઘણું મોડું થઈ ગયું. એને લીધે એમને ઠપકો પણ ઘણો આકરો મળ્યો. આ જોઈને શ્રીમાએ એમને એકલા બોલાવીને સ્નેહ સાથે મોડા આવવાનું કારણ પૂછ્યું. શ્રીમાની કરુણા જોઈને તેઓ રડી પડ્યા અને આંસું સાથે બોલી ઊઠ્યા: ‘રાજા મહારાજનો આદેશ છે – નિત્ય દસ હજાર જપ કરવાના, સંખ્યાનો બરાબર ખ્યાલ રાખવો અને ભૂલ થઈ જાય તો ફરીથી શરૂઆતથી જપ કરવો. સંખ્યામાં ભૂલ થવાથી જપનું ફળ રાક્ષસ ખાઈ જાય છે.’ રાક્ષસના ખાવાની વાત સાંભળીને શ્રીમા હસી પડ્યાં અને કહ્યું: ‘બેટા, તમે બાળક છો, મન ચંચળ છે. એકાગ્ર ચિત્તે જપ કરવા માટે જ રાખાલે એમ કહ્યું છે. જો બેટા! હું કહું છું, ભોજનનો ઘંટ વાગતાં જ બરાબર સમયે ખાવા માટે ચાલ્યા આવવું, જપની સંખ્યા જો પૂરી ન થઈ હોય તો પણ કોઈ દોષ નહિ થાય. પછીથી વળી પાછા સુવિધા પ્રમાણે તમે જપ કરી શકો છો.’ શ્રીમાનો સહારો પામીને સંતાનનો ભય દૂર થયો અને તેઓ સમય પ્રમાણે ભોજન માટે આવવા લાગ્યા.

શ્રીમાનો અહેતુક સ્નેહ – ચંદ્રબાબુનું ઉદાહરણ

ઉદ્‌બોધનના કર્મચારી, પછી ભલે એ નોકર હોય કે રસોઈયો, બધા શ્રીમાનાં સંતાન – શ્રીમાના સ્નેહના સમાન અધિકારી. એ બધાં માટે પણ શ્રીમા એવી જ ચિંતા કરતાં. સ્વર્ગસ્થ ચંદ્રમોહનદત્ત ઉદ્‌બોધનમાં કામ કરતા હતા. તેઓ કલકત્તાની ગલીઓમાં નોકરીની શોધમાં ભૂખ્યા તરસ્યા ભટકતા હતા. એવામાં એમના સદ્‌ભાગ્યે એમને ઉદ્‌બોધનમાં કામ મળી ગયું. પગાર ઓછો મળતો, એમના પરિવારના લોકો પૂર્વ બંગાળમાં રહેતા, એમનું ભરણપોષણ કરવું પડતું. આર્થિક તનાવમાં જ દિવસો પસાર થઈ જતા. ધીમે ધીમે તેઓ શ્રીમાની સ્નેહપૂર્ણ કૃપાના અધિકારી બન્યા. આવશ્યકતા પ્રમાણે તેઓ શ્રીમાનાં નાના મોટાં કામ કરી આપતા. શ્રીમા પણ એમની સાથે સ્નેહપ્રેમ રાખતાં. પેટ ભરીને સારો ભોજનપ્રસાદ ખવડાવતાં. ધીમે ધીમે ચંદ્રબાબુના દિવસો બદલાયા. ઉદ્‌બોધનના પુસ્તકો વેચીને તેઓ થોડુંઘણું ઉપરનું કમાઈ લેતા. એવામાં સમાચાર આવ્યા કે કીર્તિનાશ પદ્માનદીમાં સર્વનાશી પૂર આવ્યું છે અને ચંદ્રબાબુના ઘર-મકાન બધું આ પૂરમાં નાશ પામ્યું છે. માથે આશરાની જગ્યા રહી નહિ, સગા-સંબંધીઓ રસ્તા પર આવી ગયા એ સાંભળીને ચંદ્રબાબુ મૂંઝાઈ ગયા. શું કરું એ કંઈ સમજાયું નહિ. ભૂખ અને ઊંઘ જતાં રહ્યાં. તેઓ ગાંડા થઈ જશે એવું એમને લાગ્યું. શ્રીમા પોતાના પ્રિય સંતાન ચંદ્રની વિપત્તિને જાણીને ખૂબ દુ:ખી થયાં. તેમણે ચંદ્રને એકલો બોલાવીને ક્યાંકથી ભેગા કરેલા ત્રણસો રૂપિયા એમના હાથમાં આપીને સ્નેહપૂર્ણ અવાજે કહ્યું: ‘દેશમાં ચાલ્યા જાઓ અને એ બધાની કંઈક વ્યવસ્થા કરીને આવો.’ શ્રીમાના શુભ આશીર્વાદ મેળવીને આ ડૂબતા ચંદ્રબાબુને જાણે કે કિનારો મળી ગયો. તેઓ દેશમાં ગયા અને નવી જમીન ખરીદીને પોતાના કુટુંબીજનોને ફરીથી ઘરમાં વસાવીને આવ્યા. ચંદ્રબાબુએ શ્રીમાની આ અહેતુક કૃપાની વાત ભક્તિસભર ચિત્તે ગદ્‌ગદ્‌ કંઠે અમને ઘણીવાર સંભળાવી હતી. 

આ રીતની કેટલીયે વિભિન્ન ઘટનાઓ ઉદ્‌બોધનમાં ઘટ્યા કરતી. એની કોઈ સંખ્યા મર્યાદા નથી. વિભિન્ન ભાવ અને વિભિન્ન સ્વભાવવાળા અનેક સંતાનોને સ્નેહપાશમાં બાંધીને, ઉદ્‌બોધનની એ નાની જગ્યાવાળા મકાનમાં શ્રીમાએ જે અદ્‌ભુત વાતાવરણ સર્જ્યું હતું એને જોઈને લાગતું કે હે ‘સર્વસ્ય હૃદિ સંસ્થિતે’ મહામાયા! આ વિશાળ વૈચિત્ર્યપૂર્ણ જગતને, જ્યાં બે વસ્તુઓમાં કોઈ સમાનતા દેખાતી નથી એને વ્યવસ્થિત રૂપે ચલાવવું એ તમારા દ્વારા જ સંભવ છે!

જયરામવાટીમાં

ઉદ્‌બોધનમાં રહેવાથી શ્રીમાને શારીરિક શ્રમ ઓછો કરવો પડતો. સંસારની જવાબદારીઓ ત્યાં ઓછી હોવાથી મન પણ હળવું રહેતું હતું. વળી અંતરંગ સંતાનો દ્વારા સેવા અને સુખસુવિધાનો ખ્યાલ રખાતો, ભોજન આવાસની વ્યવસ્થા પણ સારી થતી. સ્થાન અને હવામાન સારું હોવાથી સ્વાસ્થ્ય પણ સારું રહેતું. આ બાજુ જયરામવાટીમાં બધી જાતની અસુવિધાઓ હતી, કષ્ટ હતું. એના ઉપર વળી પાછો મેલરિયાનો પ્રકોપ. પરિણામે ત્યાં સ્વાસ્થ્ય બરાબર ન રહેતું અને થોડાક જ દિવસમાં શરીર તૂટી જતું. દેહધારી માત્ર એટલું જ ઇચ્છે છે કે એમનું શરીર આરામદાયી અને સુખદાયી રહે. પરંતુ શ્રીમાનું મન પોતાના શરીરના આરામ-આદિ પ્રત્યે સદૈવ અને સર્વથા ઉદાસીન રહેતું. તેઓ તો બસ સંતાનોની સુવિધા અને આરામ જ જોયે રાખતાં. એટલા માટે શ્રીમા અસુવિધાઓ અને કષ્ટ હોવા છતાં પણ જયરામવાટીમાં રહેવાનું પસંદ કરતાં. ત્યાં રહેવાથી જેમ એક બાજુએ દૂરથી આવેલા ભક્તોને શ્રીમાનાં દર્શનની વધારે સુવિધા પ્રાપ્ત થતી તો બીજી બાજુએ શ્રીમા પણ આ સંતાનો પ્રત્યે ઇચ્છાનુસાર સ્નેહમમતા પ્રદર્શિત કરી શકતાં અને એમની સુખસુવિધાઓનો પણ વધુ ખ્યાલ રાખી શકતાં. બીજાં પણ કારણોને લીધે શ્રીમા ગામમાં રહેવાનું પસંદ કરતાં. આવા કારણો સંભવત: આ છે : (૧) શહેરની ગીચતાની હવા કરતાં ગામડાનું ખુલ્લું વાતાવરણ એમને સારું લાગતું. (૨) ઉદ્‌બોધનમાં જો કે સંન્યાસીઓ તેમજ બીજા ભક્તો એમની સેવા કરવા માટે અત્યધિક તત્પર રહેતા, પરંતુ શ્રીમા કોઈના પર એકાએક કોઈ જવાબદારી આપવા પસંદ ન કરતાં. ભત્રીજીઓ અને ભાભીઓની સાથે એમની સેવા કરવી એ સહજ વાત ન હતી, એ બધું ઘણી ઝંઝટવાળું કામ હતું; આ બધું તેઓ વિશેષ રૂપે વિચારતાં રહેતાં. (૩) રાધી કેટલાક કારણોને લીધે ગામડામાં જ રહેવાનું પસંદ કરતી અને શ્રીમા એને છોડીને બીજે રહેવા ઇચ્છતાં ન હતાં. રાધીને ઉદ્‌બોધનમાં રાખવા સંન્યાસીઓએ ઘણા પ્રયત્ન કર્યા; એની સુવિધા માટે એક અલગ ઓરડો પણ રાખવામાં આવ્યો જેથી તે પોતાના પતિની સાથે ત્યાં રહી શકે; પરંતુ તેને ઉદ્‌બોધનમાં રહેવાનું પસંદ ન હતું. પરંતુ સાચું કારણ તો ‘ઇચ્છામયીની જેવી ઇચ્છા’ જ હતું.

એકવાર શ્રીમા જ્યારે જયરામવાટીમાં હતાં ત્યારે એમની માંદગીના સમાચાર સાંભળીને શરત્‌ મહારાજ ચિકિત્સક, સેવક-સેવિકાઓ, ગોલાપમા અને યોગિનમાને લઈને ત્યાં ઉપસ્થિત થયા. સ્વસ્થ થયા પછી એમને કલકત્તા પાછા ફરવાની ઇચ્છા હતી. શ્રીમાની માંદગી દૂર થઈ. મહારાજ એ પ્રયત્નમાં હતા કે શ્રીમાની દુર્બળતા દૂર થઈ જાય. એક મહિના સુધી તેઓ ત્યાં રોકાયા. શ્રીમા હવે ઠીક ઠીક સ્વસ્થ થઈ ગયાં, પણ કલકત્તા જવાનું મન થતું ન હતું. મનની વાત સમજીને શરત્‌ મહારાજ પણ મૌન હતા અને તેઓ કંઈ કહેતા ન હતા. પરંતુ યોગિનમા અધિર થઈ ગયાં. એમણે ફરિયાદના સૂરે શરત્‌ મહારાજને કહ્યું: ‘જો શરત્‌, તમે તો કીધું હતું કે શ્રીમાને કલકત્તા આવવાનો આગ્રહ કરશો. પરંતુ તમે એમને ક્યાં કંઈ કહ્યું છે?’ શરત્‌ મહારાજ માથું નમાવીને મૌન જ રહ્યા. યોગિનમા જ્યારે એમને વારંવાર કહેવા લાગ્યાં ત્યારે તેમણે અત્યંત ધીમે સ્વરે કહ્યું: ‘જો એમની જ ઇચ્છા જવાની નથી તો એમને કહેવાથી શું થવાનું?’ બીજે એક દિવસે જ્યારે ગોલાપમાએ એમને કહ્યું કે જયરામવાટીમાં અનેક પ્રકારની અસુવિધાઓ છે, અહીં શ્રીમાનું સ્વાસ્થ્ય સુધરવું સંભવ નહિ બને, આ સાંભળીને પણ એમણે થોડીવાર ચૂપ રહીને ગંભીર અને કરુણ સ્વરે જવાબમાં કહ્યું: ‘એમની જ અહીં પ્રાણત્યાગ કરવાની ઇચ્છા હોય તો એમાં ભલા કોણ વિઘ્નરૂપ બની શકે?’ આ સાંભળીને બધા નિરુત્તર બની ગયા. શ્રીમાના મહિમાને જાણનારા અને સમજનારા આ બધા ભક્તો અને જ્ઞાની મહાપુરુષ એમની ઇચ્છાની વિરુદ્ધ કંઈ પણ ન કહેતા. પરંતુ હા, એમનાં શ્રીચરણકમળમાં પોતાની વ્યાકુળ ભાવની પ્રાર્થના તો અવશ્ય કરતા. શ્રીમા પણ સમય જોઈને એ પ્રાર્થના કે વિનંતીને પૂરી કરતાં. શ્રીમાનાં સંતાનો અબોધ છે, એટલે તેઓ વિનાસંકોચે હૃદયની ઇચ્છા વ્યક્ત કરી દે છે. શ્રીમા હસે છે, ક્યારેક સાંભળે છે ક્યારેક સાંભળતાં નથી; ભૂલાવીને અન્યમનસ્ક કરી દે છે.

આ વખતે માંદગીના થોડા દિવસો પહેલાથી જ કપિલ મહારાજ જયરામવાટીમાં હતા. તેઓ શ્રીમાની માંદગીથી ઘણા વિચલિત થઈ ગયા હતા. તેઓ શક્ય તેટલી શ્રીમાની સેવા કરતા હતા. તેઓ શ્રીમાના સ્નેહભાજન હતા; ઉદ્‌બોધનમાં ઘણા સમયથી એમનાં શ્રીચરણકમળની સેવાનું સૌભાગ્ય મળ્યું હતું. શ્રીમા થોડા ઘણા સાજાં થઈ રહ્યાં હતાં ત્યાં જ તેઓ શ્રીમાને વારંવાર કલકત્તા જવાનો આગ્રહ કરવા લાગ્યા. પરંતુ શ્રીમા એમની વાત સાંભળી ન સાંભળી કરી દેતાં, બીજાને કહેતાં: ‘એ લોકો તો છે નાગા સંન્યાસી સમૂહના, ઊઠો એમ કહેવાથી ઊભા થઈ જાય, બેસો એમ કહેવાથી બેસી જાય! ન કોઈ ચિંતા ન કોઈ વિચાર, ખભે નાખ્યો ધાબળો અને ચાલી નીકળ્યા! પણ શું હું એમ કરી શકું છું? મારે તો કેટલીયે વાતોનો વિચાર કરીને કામ કરવું પડે છે, જેને લીધે કોઈને કોઈ મુશ્કેલી ન પડે.’

શરત્‌ મહારાજ પાછા ગયા પછી પણ થોડા સમય સુધી અત્યંત આનંદપૂર્વક શ્રીમાના સ્નેહનું આસ્વાદન કરીને કપિલ મહારાજ જયરામવાટીથી પાછા ફર્યા. શ્રીમા કલકત્તા ન ગયાં. સ્વસ્થ થઈ ગયા પછી થોડા સમય બાદ શ્રીમા કોઆલપાડાના ભક્તોના આગ્રહથી ત્યાં ગયા અને જગદંબા આશ્રમમાં રહીને આનંદનો સ્રોત પ્રવાહિત કરી દીધો. પરંતુ ભક્તોનો એ આનંદ વધુ દિવસ ન રહ્યો; શ્રીમાને ફરી પાછો મેલરિયા થયો. ફરીથી કલકત્તાથી પહેલાના ચિકિત્સક અને સેવકો આવ્યા, શરત્‌ મહારાજ આવ્યા અને યોગિનમા પણ આવ્યાં. શ્રીમાએ સ્વસ્થ થઈને જયરામવાટી પાછા ફરતાં જ કહ્યું: ‘હવે આ વખતે ગયા વિના ચાલશે નહિ. વારંવાર તેઓ આટલું દુ:ખકષ્ટ સહન કરીને આવે છે અને હું ન જાઉં, તો એ શું સારું લાગે ખરું?’ શરત્‌ મહારાજ શ્રીમાના મનોભાવને જાણીને નિશ્ચિંત થયા. અને પ્રણામ કરતી વખતે આનંદિત મને બોલ્યા: ‘આ વખતે મા, તમને અહીં રાખીને નહિ જાઉં.’ શ્રીમા પણ પ્રસન્ન થઈને ધીમે ધીમે બોલ્યાં: ‘હા બેટા, સારો દિવસ જોઈ લ્યો. તમારી સાથે શીઘ્ર ચાલી નીકળીશ.’

શ્રીઠાકુરના શિષ્યોની જનની

શ્રીમામાં સ્નેહવાત્સલ્ય અને માતૃભાવનો વિશેષ વિકાસ એમના દક્ષિણેશ્વરમાં રહીને થયો હતો. હૃદય શ્રીઠાકુરની સેવા કરતા હતા. દૈવયોગે એમને દક્ષિણેશ્વર છોડીને જવું પડ્યું. એના પછીથી જ શ્રીઠાકુરની સાર-સંભાળનો ભાર સાક્ષાત્‌ મહાકાલીએ જ શ્રીમાના રૂપે લઈ લીધો. શ્રીઠાકુર ત્યારે સદૈવ ઉચ્ચ ભાવાવસ્થામાં રહેતા. શ્રીમા એમને અનુકૂળ આવે એવું ભોજન પોતાને હાથે રાંધતાં અને એમને જમાડતાં. નોબતખાનાના એ નાનકડા ઓરડામાં જ એમનું નિવાસસ્થાન હતું. એમનો આખો દિવસ અને રાત એ ઓરડામાં જ વીતતા. ધીરે ધીરે જ્યારે શ્રીઠાકુરની પાસે મહિલા અને યુવક ભક્તો આવવા લાગ્યા, ત્યારે શ્રીમાને કેવળ શ્રીઠાકુરને જ નહિ પરંતુ તેમના ભક્તોમાંથી પણ અનેકને માટે ભોજનની વ્યવસ્થા કરવી પડતી. ત્યારે તેઓ એ બધાની પણ ‘મા’ હતાં. ક્યારેક ક્યારેક યુવકભક્તોને કોઈ વિશેષ વાનગી ખાવાની ઇચ્છા થતી, અથવા તેઓ કોઈ પ્રિય વાનગી વધુ માત્રામાં ખાઈ લેતા અને શ્રીઠાકુર જો એ વિશે શ્રીમાને કંઈ કહેતા તો તેમને માતૃહૃદયના ઉદ્‌ગારો સાંભળીને ચૂપચાપ પાછું ફરવું પડતું.

ત્યારથી જ તેઓ શ્રીરામકૃષ્ણસંતાનોની ‘મા’ હતાં. શ્રીઠાકુર જ્યારે ગળાના કેન્સરની ચિકિત્સા માટે શ્યામપુકુર અને પછી કાશીપુરમાં હતા ત્યારે શ્રીરામકૃષ્ણનાં સંતાનોએ અધિક તીવ્રભાવ સાથે એમને શ્રીમાના રૂપે પ્રાપ્તિ કરી હતી. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી તેઓ સંઘજનની બની ગયાં. પરિવ્રાજક સ્વામી બ્રહ્માનંદ શ્રીમા માટે વ્યગ્ર થઈ રહ્યા હતા; સ્વામી વિવેકાનંદ વરાહનગર મઠથી અંતિમવાર પરિવ્રાજકના રૂપે નીકળતી વખતે શ્રીમા પાસેથી આશીર્વાદની યાચના કરે છે અને અમેરિકા જતાં પહેલાં અનુમતિ પણ માગે છે. વિશ્વવિજયી બનીને ભારત પાછા ફર્યા પછી જ્યારે સ્વામી વિવેકાનંદ શ્રીમાના ચરણોમાં પ્રણામ કરવા માટે ગયા તે સમયની એક વાત છે. નાના મામીના મોઢે એ વાત સાંભળી છે : ‘ચહેરો રાજા સમાન હતો. નણંદજીના ચરણોમાં લાંબા થઈને પડી ગયા; હાથ જોડીને બોલ્યા ‘મા, મા! સાહેબના છોકરાઓને ઘોડા બનાવ્યા છે, તમારી કૃપાથી!’ નાનું બાળક જો કોઈ ઇચ્છિત વસ્તુ મેળવી લે તો તે માને દેખાડવા માટે દોડતું આવે છે. અને મા જો એને સારું કહી દે તો એના આનંદનો પાર નથી રહેતો. સ્વામી વિવેકાનંદે જ્યારે પશ્ચિમથી લાવેલા પોતાના શ્રેષ્ઠ રત્નને – પોતાની માનસ કન્યા ભગિની નિવેદિતાને – શ્રીમાના ચરણોમાં ઉપહાર સ્વરૂપે પ્રદાન કર્યાં ત્યારે શ્રીમાએ એમને અત્યંત સ્નેહપૂર્વક સ્વીકાર્યાં, એમના પર ઘણો પ્રેમ વરસાવ્યો અને પોતાની સમીપ રાખ્યાં. સ્વામીજીના આનંદનો પાર ન રહ્યો. એ સમયે કટ્ટર હિંદુ સમાજની વચ્ચે રહેનારાં, પુરાણી પ્રથાઓને માનીને ચાલનારાં, બધાને બધી રીતે સંતોષ દેવાના પ્રયત્નમાં રત રહેનારાં અને કોઈના મનને કોઈ પણ પ્રકારની પીડા દેવામાં અનિચ્છુક શ્રીમાએ નિવેદિતાને પોતાના ઘરમાં સ્થાન આપીને સામાજિક પ્રથાથી સંપૂર્ણ વિરોધી આચરણ કરવું એ એમને માટે કેવી રીતે સંભવ બન્યું, આ વિચારીને આશ્ચર્યચકિત થઈ જવું પડે છે. પરમ વિદૂષી, મહામનસ્વિની, પશ્ચિમી કેળવણી અને સભ્યતામાં ઉછરેલ, આધુનિક જગતના બધા વિષયો પર અધિકાર રાખનારાં, મિસ. નોબલ ગામડાના વાતાવરણમાં ઉછરેલ આ અભણ, સરળ નારીના સ્નેહપાશમાં કેવી રીતે બંધાઈ ગયાં, અને કેવી રીતે એમનાથી પ્રભાવિત થઈને એમને દેવી માનીને શ્રદ્ધાભક્તિપૂર્વક એમના પ્રત્યે પોતાની જાતને સમર્પિત કરી દીધી. આ એમણે પોતે પોતાના શબ્દોમાં લખ્યું છે અને શ્રીમાની પણ પોતાની આ પરમ ભક્તિમયી કન્યા ‘ખોકી’ કે ‘લલ્લી’ – બાળકી પ્રત્યે કેવું આકર્ષણ હતું એ એમણે પોતે જ વ્યક્ત કર્યું છે. અમને પણ એનો થોડોઘણો અંશ જોવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. ભગિની નિવેદિતા સમાં બીજા પણ ઘણાં વિદેશી નરનારીઓને પુત્ર અને કન્યાની જેમ શ્રીમાની સ્નેહમયી ગોદમાં સ્થાન પ્રાપ્ત કરવાનું અને શ્રીમાના સ્નેહનું આસ્વાદન કરતાં ચિર શાંતિ અને પરમાનંદના અધિકારી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. એમાંના કેટલાક લોકોએ સ્વયં લીલામયીની આ અપૂર્વ લીલાની વાત બીજા લોકોને કહી હતી.

સ્વામી વિવેકાનંદ બેલૂર મઠની પ્રતિષ્ઠા કર્યા પછી ત્યાં સર્વ અભીષ્ટદાયિની મા દુર્ગાની પૂજા કરવાનો વિચાર કરે છે. પરંતુ એ બધું કરતાં પહેલાં તેઓ શ્રીમા શારદાદેવી પાસેથી અનુમતિ લે છે. આ બધાં ભવનો, મઠ અને આશ્રમની તેઓ જ સ્વામિની છે. અત: એમના નામે જ દુર્ગાપૂજાનો સંકલ્પ થાય છે. શ્રીમા સ્વયં પૂજારી અને તંત્રધારકને યથોચિત દક્ષિણા આપીને સંતોષ આપે છે. તેમજ આ રીતે પૂજા અને યજ્ઞના કાર્યને પૂર્ણ કરે છે. હૃદયથી આકુળ બનીને પ્રાર્થના કરે છે: ‘મા દુર્ગાની કૃપાથી આ બાળકોનું બધી રીતે કલ્યાણ હજો, તેઓ સુખી બને અને શાંતિ પ્રાપ્ત કરે.’ ‘જીવિત દુર્ગા’ના શરણાગત બનીને એમની સ્નેહમયી મોક્ષદાત્રી મૂર્તિના ચરણોનો આશ્રય લઈને સ્વામીજી મઠમાં એમની અભ્યુદય પ્રદાન કરવાવાળી મૂર્તિ – દશભુજાદુર્ગા -ની પૂજા પ્રવર્તિત કરે છે. 

આ દુર્ગાપૂજાના પ્રસંગે શ્રીમાની એક વધુ શુભ પ્રેરણાની વાત યાદ આવી જાય છે: દુર્ગાપૂજામાં બલિનું વિધાન છે. બંગાળમાં આ અવસરે બકરાના બલિનું વિશેષ પ્રચલન છે. કોઈએ એવું નહોતું સાંભળ્યું કે શ્રીમા બલિના પૂર્ણત: વિરોધી છે. જયરામવાટીમાં સિંહવાહિનીના અને કામારપુકુરમાં શીતળાદેવીના મંદિરમાં બલિ ધરાય છે… પરંતુ મઠમાં સંન્યાસીઓના આશ્રમમાં શ્રીમા પશુબલિનો નિષેધ કરે છે.

સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને સંન્યાસીઓને જનસેવાના કાર્યોમાં લગાડી દીધા હતા, એ વિશે પ્રારંભમાં કેટલાક લોકોના મનમાં એવો સંદેહ હતો કે સ્વામીજીનું આ કાર્ય શ્રીઠાકુરની ભાવધારાને અનુકૂળ નથી. આ વિશે ક્યારેક ક્યારેક લોકોએ શ્રીમાને પૂછ્યું પણ હતું. શ્રીમાએ કોઈને ઉત્તર પણ આપ્યો હતો: ‘આ બધાં શ્રીઠાકુરના કામ છે.’ કોઈ બીજાને એમણે કહ્યું હતું: ‘બેટા, તમે કામ કરીને ખાઓ. કામ ન કરવાથી ભલા ખાવાનું કોણ આપે? તડકામાં ઘૂમીફરીને ભીખ માગવાથી માથું ફરી જશે. ભોજન બરાબર નહિ મળે તો શરીર અસ્વસ્થ બની જશે. તમે બધા લોકો પેલા લોકોની બધી વાતો ન સાંભળતા. કામ કરો, સારી રીતે ખાઓ, પીઓ અને ભગવાનનું ભજન કરો.’

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.