શ્રીમા શારદાદેવી અને સ્વામી શુદ્ધાનંદ

આ પ્રસંગે સ્વામી શુદ્ધાનંદજીની વાત યાદ આવે છે. તેઓ કહેતા : ‘સ્વામીજીએ કહ્યું છે કે શ્રીઠાકુરનો એક ઉપદેશ લઈને એના પર મોટાં મોટાં પુસ્તકો લખી શકાય. શ્રીમાના કેવળ આ ઉપદેશ પર ‘બેટા, કામ કરીને ખાઓ’ હું પણ એક ખંડનો એક ગ્રંથ લખી શકું છું.’ એમના વિશેષ આગ્રહથી ‘શ્રી શ્રીમાયેર કથા’ પહેલવહેલી પ્રકાશિત થઈ. આ ઘટના ઉલ્લેખનીય છે. સ્વામી અરૂપાનંદજી શ્રી શ્રીમાના કૃપાપાત્ર શિષ્ય હતા. એમણે જે સમયે જયરામવાટીમાં જઈને શ્રી શ્રીમાનાં પ્રથમ દર્શન કર્યાં હતાં ત્યારથી જ એ બધી વાતોને તેઓ લિપિબદ્ધ કરી રાખતા હતા. શ્રી શ્રીમાના લીલાવસાન પછી તરત જ એમણે બીજા ભક્તો પાસેથી પણ શ્રી શ્રીમાનાં સંસ્મરણો એકઠાં કરવાનું શરૂ કર્યું. શ્રીમતી સરયૂબાલાની રોજનીશી કે જે ‘શ્રી શ્રીમાયેર કથા’નો પ્રથમ અંશ બની, તેમાં ઘણું સુંદર વિવરણ મેળવીને તેઓ વધુ આનંદ અને ઉત્સાહ સાથે આ વિશે વિશેષ પ્રયત્ન કરવા લાગ્યા. ધીરે ધીરે ઘણી સામગ્રી એકઠી થઈ ગઈ. પરંતુ સ્વામી અરૂપાનંદજીને આ બધું પ્રકાશિત કરવાનું સાહસ ન થયું. એના લગભગ બે વર્ષ પછી સ્વામી શુદ્ધાનંદજી કાશી ગયા અને ત્યાં કેટલાક દિવસ રહ્યા. એ સમયે એમણે આ સામગ્રી વાંચી અને એ વાંચીને તેઓ પુલકિત બની ગયા. કલકત્તા પાછા ફરીને એમણે સ્વામી શારદાનંદજી પાસે આ સામગ્રી પુસ્તકાકારે ઉદ્‌બોધનમાંથી પ્રકાશિત કરવા માટે વિશેષ અનુરોધ કર્યો.

એ સમયે ‘પ્રવાસી’ પત્રિકાના સંપાદક મનીષી રામાનંદ ચટ્ટોપાધ્યાયે પોતાની પત્રિકામાં શ્રીમા વિશે એક લેખ પ્રકાશિત કર્યો હતો. એમણે એમાં એ અનુરોધ પણ કર્યો હતો કે જેઓ શ્રી શ્રીમાના કૃપાપ્રાપ્ત ભક્ત છે તેઓ શ્રી શ્રીમાના જીવન વિશે વધુ સંસ્મરણો પ્રકાશિત કરે. ‘પ્રવાસી’માં છાપેલો આ લેખ શ્રી ગણેન મહારાજ અને ‘લીલાપ્રસંગ’ની સહાયતાથી લખાયો હતો. સ્વામી શુદ્ધાનંદજીએ ‘પ્રવાસી’ના સંપાદકના અનુરોધનો ઉલ્લેખ કરતાં સ્વામી શારદાનંદજીને કહ્યું: ‘જ્યારે પ્રજાજનો શ્રી શ્રીમાના વિશે હજુ વધુ જાણવા માટે ઉત્કંઠિત છે તો બધી સામગ્રી પ્રકાશિત કરવી એ આપણું કર્તવ્ય બની જાય છે.’ સ્વામી શારદાનંદજી રાજી થયા અને કહ્યું કે સંગૃહીત સામગ્રી જોઈને વધુ સારી રીતે સંપાદિત કરીને પ્રકાશિત કરવી પડશે. નક્કી થયું કે તેઓ અને સ્વામી શુદ્ધાનંદજી બંને એક સાથે બેસીને પહેલાં તો એ બધું સાંભળશે અને એ પછી એ બધી સામગ્રી પુસ્તકાકારે પ્રકાશિત થશે. સ્વામી અરૂપાનંદજીને કાશીમાં પત્ર લખ્યો. ગણેન મહારાજે રૂપિયા મોકલ્યા. તેઓ પાંડુલિપિ લઈને ઉદ્‌બોધન આવ્યા. સંધ્યા પછી સ્વામી શારદાનંદજીના ઓરડામાં એનું વાંચન કરવામાં આવ્યું. તેઓ અને શુદ્ધાનંદજી બંને સાથે બેસીને વાંચવા લાગ્યા. બીજા કેટલાકને પણ સાંભળવા-વાંચવાનું સૌભાગ્ય મળ્યું અને જ્યારે એ બધી સામગ્રી પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ ત્યારે ભક્તો અને સર્વસાધારણ વાચકોનાં હૃદય આનંદથી ભરાઈ ગયાં.

શ્રી શ્રીમાનો અહેતુક સ્નેહ : નવાસન ગામના પથભ્રષ્ટ યુવકનું ઉદાહરણ

શ્રી શ્રીમાના સંતાનોમાં સામાજિક વ્યવહારની દૃષ્ટિએ ગુણદોષનો વિચાર કરવામાં સારા અને ખરાબ એવા બધા પ્રકારના લોકો મળશે. સારાને તો બધા સ્નેહ અને પ્રેમ કરે છે. એમની પ્રશંસા સાંભળીને શ્રી શ્રીમા પણ પ્રફુલ્લિત બનતાં અને બીજાની પાસે પ્રફુલ્લ મને કહેતાં : ‘મારો ગુણવાન પુત્ર!’ ખરાબ સંતાનોની નિંદા અને દોષ પણ શ્રી શ્રીમાને સાંભળવા પડતા. એમને દુ:ખપીડા થતાં. પરંતુ એમનો સ્નેહપ્રેમ બધાં સંતાનો પર બધા સમયે એક સમાન રહેતો. એમનામાં જરા પણ ઊણપ ન દેખાતી કે વ્યવહારમાં અંતર કોઈની નજરે ન પડતું. આ સંદર્ભમાં નવાસનનિવાસી એક સંતાન પ્રત્યે શ્રી શ્રીમાના અપાર સ્નેહની વાત યાદ આવી જાય છે. શ્રી શ્રીમાની કૃપાપ્રાપ્ત કરનારા એ યુવક કુલીન વંશનો હતો, શિક્ષિત અને ગુણવાન હતો. દુર્યોગથી એનો પગ લપસી પડ્યો. શ્રી શ્રીમા પર એની શ્રદ્ધાભક્તિ પહેલાંના જેવી જ હતી અને પહેલાંની જેમ જ એ ત્યાં આવ-જા કરતો. પરંતુ બીજા ભક્તોની દૃષ્ટિએ આ વાત ખટકતી હતી. એમણે એક દિવસ શ્રી શ્રીમા પાસે ફરિયાદ કરી અને કહ્યું કે ચરિત્રભ્રષ્ટ યુવકને એમણે આ રીતે આશ્રય આપવો એ બરાબર નથી, એટલે તેઓ એને આવવાની ના કહી દે. શ્રી શ્રીમાએ બધું સાંભળ્યું, પોતાના એ સંતાન માટે ઘણું દુ:ખ પણ પ્રગટ કર્યું, પણ એ ભક્તોને સંબોધીને બોલ્યાં: ‘હું ના નહિ કહી શકું. મા થઈને છોકરાને ‘ન આવતો’ કહેવું એ મારા મુખેથી નહિ નીકળી શકે. એ સંતાનના આવવાજવાનું બંધ ન થયું, શ્રીમાના સ્નેહવાત્સલ્યમાં પણ કંઈ ઊણપ ન આવી. પછીથી, સંતાનના મનમાં લાગે છે કે કદાચ એના જ પરિણામે પશ્ચાત્તાપ અને ગ્લાનિનો ઉદ્રેક થયો હતો.

શ્રી શ્રીમાનો અહેતુક સ્નેહ : ગડબેતાનાં ભક્તદંપતી

પોતાનાં સંતાનો પ્રત્યે, છોકરા-છોકરીઓ પ્રત્યે શ્રીમાના હૃદયમાં જેવું આકર્ષણ મેં મારી સગી આંખે જોયું છે, તેનું વર્ણન કરવું જો કે મારા સામર્થ્યની બહારની વાત છે; છતાં પણ તેનો થોડો આભાસ દેવાનો હું પ્રયાસ કરું છું. શ્રીઠાકુર અને શ્રી શ્રીમાની જન્મભૂમિમાં જવું એ સમયે કેટલું કઠિનકાર્ય હતું, એ આજના લોકોની સમજની બહારની વાત છે. કોઈ પણ બાજુએથી થઈને જઉં, પણ દસબાર કોશનો રસ્તો પગે ચાલીને કે બળદગાડા દ્વારા જ કાપવાનો, એ સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. આ કષ્ટ સ્વેચ્છાએ સ્વીકારીને શ્રીમાનાં સંતાનો એમની પાસે આવજા કરતાં.

હેમંતઋતુ, ખેતરો ત્યારે પાક્યાં-અધપાક્યાં કમોદના છોડથી ભરપૂર ભર્યાં હોય છે. ખેતરના પાળે પાળે ફરીને ખેતર પાર કરવું પડે. ગડબેતાથી એક ભક્ત દંપતી પોતાના નાનાં બાળકો સાથે બળદગાડામાં સાંજે નીકળ્યા અને આખી રાતમાં આઠ-નવ કોસનો રસ્તો કાપ્યો. બીજે દિવસે સવારે તેઓ જયવામરાટીમાં દક્ષિણમાં આવેલા ઝીબટે ગામની પૂર્વ દિશાએ આવેલા મોટા માર્ગ પર આવ્યા. ત્યાં બળદગાડું મૂકી દીધું અને દોઢ માઈલ પગે ચાલીને, ખેતરો પસાર કરીને તેઓ નવ-દસ વાગ્યાની આજુબાજુ શ્રી શ્રીમાના ઘરે હાજર થયા. સાથે એમની ચાર પુત્રીઓ હતી અને ગોદમાં દૂધપીતું બાળક પણ હતું. બાળકને તાવ આવ્યો હતો – તેને મેલેરિયા લાગુ પડ્યો હતો. બળદગાડાની કષ્ટદાયી યાત્રા અને એના ઉપર આટલું દૂર પગે ચાલીને આવવું. તેઓ અત્યંત થાકેલું શરીર લઈને શ્રી શ્રીમાના બારણે આવીને ઊભા રહ્યા. સ્થાન સાવ અજાણ્યું, રસ્તામાં લોકોને પૂછી પૂછીને અહીં સુધી આવ્યાં છે. શ્રી શ્રીમાના ઘરે પહોંચી તો ગયા પણ તેઓ કંઈ જાણતા નથી અને કોઈને ઓળખતા પણ નથી. શું કરવું, શું કહેવું, ક્યાં બેસવું, એ કંઈ ન સમજવાને લીધે તેઓ બધાં સંશયાકુળ ચિત્તે નિ:શબ્દ બનીને ઊભાં છે! શ્રીમાની વાત સાંભળી છે, હૃદયમાં કેટલીયે આશા લઈને, કેટલાંય કષ્ટ સહન કરીને આવ્યાં છે – શ્રી શ્રીમાનાં દર્શનની, એમની કૃપા મેળવવાની તીવ્ર ઇચ્છા લઈને આવ્યાં હતાં. પરંતુ હવે શું થાય છે, એ બધું થતું નથી અને કંઈ સમજમાં આવતું નથી. જાણે કે એની નજર પૂછી રહી છે કે શ્રી શ્રીમા ક્યાં છે? અબોલ ઊભા છે, ક્યાં બેસશે, ક્યાં ખાશે, બાળકોને સાથે રાખીને ક્યાં રહેશે – આ તો એક નાનું એવું ઘાસપૂસના છાપરાવાળું ઘર છે, અને એ પણ લોકોથી ભરપૂર! શ્રી શ્રીમાની પાસે આ સમાચાર પહોંચ્યા. એમણે એમને અંદર બોલાવી લીધા. પોતે જ આગળ આવીને પરમ સ્નેહપૂર્વક બાળક સાથે કન્યાને પોતાના ઓરડાની ઓસરીમાં લઈ ગયા. શ્રી શ્રીમાના મુખની તરફ જોઈને, સ્નેહભર્યાં ‘બેટી, આવ’ના શબ્દો સાંભળીને દુ:ખી વિપત્તિમાં આવી પડેલી કન્યાનું હૃદય ભરાઈ ગયું. એનું વદન ખીલી ઊઠ્યું. તે અશ્રુપૂર્ણ નયને શ્રી શ્રીમાના ચરણોમાં ઢળી પડી. શ્રી શ્રીમાએ સ્નેહપૂર્વક શુભ આશીર્વાદ આપતાં એનો હાથ પકડીને એેને બેઠી કરી અને મોં પર હાથ લગાડીને હાથથી ચૂમીને પોતાનો સ્નેહ પ્રદર્શિત કર્યો. ભક્તે પણ ભક્તિભાવપૂર્વક શ્રી શ્રીમાને પ્રણામ કર્યા. શ્રી શ્રીમાએ ‘આવો બેટા’ કહીને પોતાનો સ્નેહ બતાવ્યો અને આશીર્વાદ પણ આપ્યા. પોતાની પુત્રીઓ પાસે પણ એક એક કરીને એમણે શ્રી શ્રીમાને પ્રણામ કરાવ્યા અને એમના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યા. ક્ષણભરમાં જ શ્રી શ્રીમાના સ્નેહપાશથી આખું દૃશ્ય બદલાઈ ગયું. ભક્ત દંપતીને હવે કોઈ ચિંતા ન રહી, હૃદય આનંદથી ભરપૂર ભરાઈ ગયાં. મુખ ઉલ્લસિત બની ગયાં. પુત્રી પોતાની માના ઘરે આવી છે, એને મા મળી ગઈ છે, તો પછી ભાઈ ચિંતા ક્યાંથી રહે! બાળકના તાવનું શું થયું, હવે ભય શેનો? જે મઝધારમાંથી બચાવી લે છે, બધી વિપત્તિઓથી રક્ષા કરે છે એ જ માતાના ચરણ તળે આજે તેઓ બેઠા છે! શ્રી શ્રીમાના પોતાના ઓરડાની ઓસરીમાં દરવાજાની એક બાજુએ છોકરાને સુવડાવવા માટે સાદડી પાથરી દીધી. ક્ષણભરમાં એ બધાંને માટે બેસવાની, વિશ્રામ કરવાની વગેરે વ્યવસ્થા થઈ; એટલું જ નહિ પરંતુ નાના બાળક માટે દૂધ અને દવાની પણ વ્યવસ્થા થઈ ગઈ. માના ઘરમાં પુત્રી માટે શું કોઈ વાતનો અભાવ કે સંકોચ રહે છે ખરો? ક્ષણભરમાં ભક્ત મહિલાની સાથે ઘરની બીજી મહિલાઓનો પરિચય અને સૌહાર્દ રચાઈ ગયા. થોડા સમય બાદ જોવા મળ્યું કે આગંતુક ભક્ત મહિલા કાંખમાં નાની ગાગરડી લઈને પોતાની બીજી બહેનો સાથે આનંદપૂર્વક વાતો કરતાં કરતાં ગામના એક છેડા પર આવેલા બેનર્જી તળાવમાં સ્નાન કરવા માટે નીકળી પડી છે. ભક્તે બહારના ઓરડામાં ઊતારો કર્યો છે. છોકરાઓ સાથે એની પણ મહેફિલ જામી ગઈ છે. થોડા સમય પછી તેઓ પણ છોકરાઓ સાથે જઈને સ્નાન કરી આવ્યા. શ્રીઠાકુરની પૂજા પછી શ્રીમાએ દંપતી પર કૃપા કરી. દીક્ષા પ્રાપ્ત કરીને આજે એમની ઘણા દિવસોથી સેવેલી અભિલાષા પૂર્ણ થઈ, પ્રાણોની આકાંક્ષા તૃપ્ત થઈ અને એમનો માનવજન્મ સફળ થઈ ગયો. શ્રી શ્રીમાએ છોકરાઓને ઓસરીમાં બેસાડીને પોતાને હાથે પૂજાનો પ્રસાદ દીધો અને ફળ-મીઠાઈ, મમરા આદિનો નાસ્તો પણ કરાવ્યો. ત્યાર બાદ દીકરીઓ સાથે એમણે સ્વયં થોડું જલપાન પણ કર્યું.

એ દિવસે બીજા પણ ભક્તો ઉપસ્થિત હતા. ભક્ત સમૂહ ચીજવસ્તુ લઈ આવ્યા હતા – રસોઈ ઘણા મોટા પ્રમાણમાં હતી, આયોજન પણ મોટું હતું. રસોઈ કરનાર માસીને જલપાન કરવાનો સમય દેવા માટે શ્રીમા દરરોજ રસોઈ ઘરમાં જતાં અને હાથમાં કડછી લઈ લેતાં. વહેલી સવારે શ્રી શ્રીમા ઊઠીને તૈયાર થઈ જતાં. શ્રીઠાકુરને જગાડીને શાકભાજી સુધારવા બેસી જતાં. વળી શ્રીઠાકુરની પૂજાની વ્યવસ્થા પણ પોતે જ કરતાં. ફળ વગેરે હોય તો એમની છાલ ઊતારીને, કાપીને નૈવેદ્ય તૈયાર કરવા જેવાં કામ પણ તેઓ પોતાના હાથે જ કરતાં. પૂજા પછી બધાંને પ્રસાદ વહેંચીને પોતે થોડો પ્રસાદ મોંમાં મૂકતાં અને રસોઈનું નિરીક્ષણ કરીને પાન બનાવવા બેસતાં. આ બધાં કાર્યોમાં આવશ્યકતા પ્રમાણે બીજી મહિલાઓ પણ મદદ કરતી. અને જો કોઈ વિશેષ ભક્તિવાન મહિલા ઉપસ્થિત હોય તો તે પ્રયત્નપૂર્વક વધારે કામ પોતે કરી દેવાની પહેલ તો જરૂર કરતી પણ શ્રીમાને આ બધાં કામ કરવામાં ઘણું સારું લાગતું. પહેલાં જ્યારે શરીર સમર્થ હતું ત્યારે તેઓ પોતાના હાથે રસોઈ બનાવીને, પોતે જ પીરસીને સંતાનોને જમાડતાં, એંઠી પાતળ પણ પોતે જ ઉપાડીને બધું સાફ કરતાં. પરંતુ હવે આ બધું કરવાનું એમને માટે શક્ય ન હતું. છતાં પણ તેઓ થોડે દૂર બેસીને સંતાનોને ભોજન કરતાં પોતાની નજરે જોતાં, પૂછી પૂછીને પેટભર જમાડતાં અને ભિન્ન ભિન્ન સંતાનોને રુચિ અને પસંદગી પ્રમાણે એમને ભિન્ન ભિન્ન ચીજો અપાવતાં. ભોજન પછી સ્વયં પોતાના હાથે પાન આપતાં, જે એક ઇચ્છે એને બે, અને જે બે ઇચ્છે એને ચાર. છોકરાઓને મોં ભરીને પાન ચાવતાં જોઈને શ્રી શ્રીમાને ઘણી પ્રસન્નતા થતી. પાન બનાવ્યા પછી સમય મળે ત્યારે શ્રી શ્રીમા મામાના ઘરે જઈને એમના ખબર-અંતર પૂછી આવતા અને કામમાં મદદ કરતાં. કોઈ કોઈ દિવસ જરૂરની ચીજવસ્તુઓ દઈ આવતાં – ક્યારેક ક્યારેક તૈયાર કરેલ શાકભાજી, મીઠાઈ પણ. રસોઈ તૈયાર થઈ જતાં બધી સામગ્રી રસોઈ ઘરમાં બરાબર સજાવીને રાખી દેતાં અને શ્રીમા સ્વયં શ્રીઠાકુરને એ પદાર્થો ધરતાં. છોકરાઓએ જમી લીધા પછી છોકરીઓ સાથે પોતે બેસીને જમી જમાડ્યા પછી શ્રી શ્રીમાને થોડોઘણો ફુરસદનો સમય મળે. અને જો કોઈ દિવસ અચાનક કોઈ પછીથી જમતા તો શ્રીમા દાંત સાફ કરતાં કરતાં ઓસરીમાં પગ લાંબા કરીને બેસી જતાં અને એની સાથે વાતચીત કરતાં કરતાં તેને સ્નેહપૂર્વક જમાડતાં, ત્યાર બાદ બપોર પછી લંબાવીને આરામ કરતાં. 

આજે છોકરીઓની સહાયતા હોવા ઉપરાંત રસોઈ તૈયાર થવામાં, ભોગ ધરવામાં અને પ્રસાદ લેવામાં થોડી વાર લાગી ગઈ. ભક્ત દંપતી પોતાને ગામ વર્ધમાન પાછા જશે, અંતર ઘણું છે, આજની રાત પણ એમણે બળદગાડામાં વીતાવવી પડશે. ભોજન પછી જ એમણે શ્રીમાના ચરણોમાં પ્રણામ કર્યા અને એમના શુભાશીર્વાદ મેળવીને અશ્રુભર્યાં નયને વિદાય લીધી. શ્રીમા પણ પાછળ પાછળ ચાલીને સદર દરવાજા સુધી આવ્યાં અને ઇચ્છા ન હોવા છતાં પણ પુત્રીને વિદાય આપી. વળી પાછા કેટલીયેવાર સુધી ત્યાં જ અશ્રુપૂર્ણ નયને એમના તરફ જોતાં રહ્યાં અને એ બધાં નજર બહાર નીકળી ગયાં ત્યારે શ્રી શ્રીમાએ એક લાંબા નિ:શ્વાસ સાથે પાછા ઘરની અંદર આવીને નલિની દીદીના ઓરડાની ઓસરીમાં ઉત્તર તરફ મોં રાખીને, પગ લંબાવીને, બંને હાથ ખોળામાં મૂકીને, અત્યંત વિમર્શભાવે ભૂમિ પર બેઠાં. આખા દિવસના પરિશ્રમથી થાક્યાં હોવા છતાં પણ તેઓ પોતાના ઓરડાના બિછાના પર આરામ કરવા ન ગયાં. સ્થિર દૃષ્ટિએ એમને બેઠેલાં જોઈને, તેઓ વિદાય લઈને દૂર જનારાં સંતાનો વિશે વિચારી રહ્યાં હોય, એવું લાગ્યું. થોડા સમય પછી એક મહિલાએ જોયું કે ભક્તનાં પત્ની પોતાનો ટુવાલ ત્યાં જ ભૂલી ગયાં છે. તેણે એને શ્રીમા પાસે લઈને મૂક્યો. શ્રીમા અત્યંત દુ:ખી થઈને ખેદ પ્રગટ કરવા લાગ્યાં. આ જોઈને એક છોકરો ઊભો થયો અને ટુવાલ લઈને એમને આપવા માટે દોડતો ભાગ્યો. એ લોકો વધુ દૂર ગયા ન હતા. ગામના એક છેડે આવેલા બેનર્જી તળાવને પાર કરીને તેમણે ખેતરોના રસ્તે આવ્યા હતા ત્યાં જ પેલો છોકરો ટુવાલ લઈને પહોંચી ગયો. તેઓ ટુવાલને જોઈને લજ્જિત થયા. ધન્યવાદપૂર્વક એને લઈને ફરીથી પોતાની યાત્રા આનંદપૂર્વક શરૂ કરી. છોકરાએ આવીને શ્રી શ્રીમાને ખબર આપ્યા. શ્રી શ્રીમાનું મન ઘણું પ્રસન્ન થયું.

શ્રીમા ત્યારે પણ શોકગ્રસ્ત હૃદયે ત્યાં જ બેસી રહ્યાં. એકાદ બે વાત સ્વગત કહીને પોતાના હૃદયના તાપને ઓછો કરતાં હતાં. પેલો છોકરો ટુવાલના સમાચાર આપીને બહારના ઓરડામાં આરામ કરવા માટે હજુ જતો હતો ત્યાં જ તેણે શ્રી શ્રીમાનું શોકાર્ત કંઠે રુદન સાંભળ્યું. શ્રી શ્રીમા રુદન કરતાં કરતાં કહેતાં હતાં: ‘અરે, મારી દીકરી કાલે નાહ્યા પછી પહેરી શકશે નહિ! સાડી શોધશે કે તરત એને ખ્યાલ આવશે કે એ સાડી તો શ્રીમાના ઘરે જ ભૂલી આવી છું.’ પેલો છોકરો વ્યગ્ર બનીને તરત જ શ્રીમા પાસે આવ્યો. ભક્ત મહિલાએ સ્નાન પછી પોતાની ભીની સાડી પુણ્ય તળાવના કિનારે સૂકવી હતી. જતી વખતે એ લેવાનું ભૂલી ગઈ. શ્રી શ્રીમા વ્યાકુળ બનીને રોવાં લાગ્યાં. અત્યારે સુધી જે શોકનો ઉચ્છ્‌વાસ હૃદયમાં દબાઈને પડ્યો હતો તે પ્રબળવેગે બહાર આવી ગયો. શ્રી શ્રીમા ખેદ પ્રગટ કરવા લાગ્યાં. કોઈ એક નિ:સંતાન મહિલા રુક્ષતા સાથે બોલી ઊઠી : ‘ક્યાં ક્યાં એ બધું સંભાળે? આટલાં બધાં કચ્ચાં-બચ્ચાં છે!’ એના કકર્શ સ્વરે શ્રી શ્રીમાના શોકની માત્રામાં ઘણો વધારો કરી દીધો. તેઓ આંસું વહાવતાં વહાવતાં ગદ્‌ગદ્‌ કંઠે બોલ્યાં: ‘ભૂલી જવાની તો વાત હતી જ. મન શું કંઈ છોડી જવા ઇચ્છે છે? એક રાત પણ રોકાઈ ન શકી. હૃદય ખોલીને વાતો પણ ન કરી શકી.’ વગેરે. જ્યારે છોકરાએ સાડી તરફ જોયું તો નલિની દીદી ચાલાકીભર્યા સ્વરે બોલી ઊઠ્યા: ‘એક વાર દોડીને ગયો હવે જવાની જરૂર નથી. એ લોકો તો અત્યાર સુધીમાં ઘણા દૂર ચાલ્યા ગયા હશે! પરંતુ શ્રી શ્રીમાની તરફ જોઈને પેલો છોકરો સ્થિર ન રહી શક્યો. તેણે હાથમાં સાડી લઈને શ્રી શ્રીમાને કહ્યું: ‘એ લોકો બહુ દૂર નહિ ગયા હોય, હું હમણાં જ દઈને આવું છું.’ શ્રીમાના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ; સ્નેહભર્યા શબ્દે બોલ્યાં: ‘બેટા! તડકો છે, છત્રી લઈ જા.’

ભક્ત દંપતી ખરેખર ઘણે દૂર સુધી નીકળી ગયાં હતાં. ઝીબટે ગામને પસાર કરીને મોટા માર્ગ પર પોતાની બળદગાડીની પાસે તેઓ આવી પહોંચ્યા હતા. જ્યારે એમણે છોકરાને દોડતો આવતાં જોયો તો તેઓ અત્યંત વિસ્મિત થઈ ગયાં. જ્યારે સાડી પર નજર પડી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે એને તડકે સૂકવવા નાખી હતી અને એને લેવાનું ભૂલી ગયા હતા. ભક્ત દંપતી શરમના ભાવથી સ્તબ્ધ થઈ ગયા. તેઓ અફસોસ વ્યક્ત કરતાં વિનમ્રભાવે કહેવા લાગ્યા કે આટલી મુશ્કેલી વેઠીને સાડી લાવવાની જરૂર ન હતી. પરંતુ જ્યારે પેલા છોકરાએ શ્રી શ્રીમાના દુ:ખ અને ઉદ્વેગની વાત કહી ત્યારે પહેલાં તો એમનાં મન વિસ્મિત અને સ્તબ્ધ થઈ ગયા; બીજી જ ક્ષણે શ્રી શ્રીમાના સ્નેહના સ્પર્શથી એમના દેહે રોમાંચ અનુભવ્યો અને એમનાં હૃદય પીગળી ગયાં. જય મા! આ કેવો કોઈ માનેલ માના સંતાન પ્રત્યેનો સ્નેહપ્રેમ! એક ક્ષણના મિલનથી આવો સંપર્ક સ્થાપિત થવો સંભવ નથી! ક્ષણભરનું જ મિલન બીજી વાર જીવનમાં મિલન થશે કે કેમ એ તો કોણ જાણે! પરંતુ જે સ્નેહનો સ્પર્શ ભક્તદંપતીએ અનુભવ્યો તે સ્નેહસ્પર્શ ચિરસ્થાયી અને અતૂટ બની ગયો. માથી વિખૂટા પડેલા, રસ્તે રસ્તે ભટકતા સંતાનો દીર્ઘકાળ પછી માને પામ્યાં ન હોય!

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.