ગ્રંથ : સરસ્વતી
ભાગ : ૧ થી ૭

પ્રથમ – સરસ્વતી: સંસ્કૃતિ, બીજો – સરસ્વતી: ઋગ્વેદ, ત્રીજો – સરસ્વતી: નદી, ચોથો – સરસ્વતી: ભારતી, પાંચમો – સરસ્વતી: પ્રૌદ્યોગિકી, છઠ્ઠો – સરસ્વતી: ભાષા, સાતમો – સરસ્વતી: મુદ્રાલેખ – ઉત્કીર્ણલેખ

લેખક : ડો. એસ. કલ્યાણરમણ

પ્રકાશક : બાબા સાહેબ (ઉમાકાંત કેશવ) આપ્ટે સ્મારક સમિતિ, બેંગલોર

મૂલ્ય : પ્રત્યેક ભાગનું રૂ. ૫૦૦/-

પ્રાપ્તિ સ્થાન

  1. Kalyanaraman, 3 Temple Avenue, Srinagar Colony, Chennai, Tamilnadu – 600 015.
    E-mail : kalyan97@yahoo.com

સંક્ષિપ્ત પરિચય

આ વિશાળ શોધગ્રંથોના લેખક ડો. શ્રીનિવાસન્‌ કલ્યાણરમણ પહેલાં એશિયાઈ વિકાસ બેંકના વરિષ્ઠ કાર્યકારી અધિકારી હતા. પરંતુ સમય પહેલા નિવૃત્તિ લીધા પછી એમણે પોતાનો સમગ્ર સમય વેદોના અધ્યયન અને સરસ્વતી નદીના સંશોધન માટે સમર્પિત કરી દીધો હતો. અત્યારે તેઓ સરસ્વતી-સિંધુ શોધકેન્દ્ર, ચૈન્નઈના અધ્યક્ષ અને સરસ્વતી નદીના સંશોધન પ્રકલ્પના નિર્દેશક છે. સરસ્વતી-સિંધુ સંસ્કૃતિ પરનું એમનું સંશોધન ઉલ્લેખનીય છે.

વૈદિક કાળની સરસ્વતી એ કોઈ પુરાણકથા કે દંતકથા નથી, તે એક વાસ્તવિક હકીકત છે. માનસરોવરથી પ્રભાસ પાટણ (સોમનાથ) સુધીની ૧૬૦૦ કિ.મિ. લાંબી અને ૬ થી ૮ કિ.મિ.પહોળા વહેણોવાણી આ નદી એક ઐતિહાસિક હકીકત છે. ૧૫૦ વર્ષો પહેલાં સરસ્વતી નદીનું સંશોધન શરૂ થયું હતું. વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો પછી માન-સરોવરથી પ્રભાસપાટણ (ગુજરાત) સુધી ભારતની નૈઋત્ય દિશામાં વહેતી આ નદીનો વિશાળ અને સુદીર્ઘ વિસ્તાર શોધી કઢાયો છે. ૨૦૦૦ જેટલાં પુરાતત્ત્વસ્થળો આ નદીના કિનારે હતાં. આ વિશાળ અને સુદીર્ઘ નદીના તટે વિકસેલી સરસ્વતી સંસ્કૃતિએ દરીયાઈ માર્ગે વ્યાપાર વગેરે પ્રવૃત્તિઓ અને નદી કિનારે કૃષિવિષયક પ્રવૃત્તિઓનો વિશ્વને એક અનોખો ખયાલ આપ્યો છે. 

આ પહેલાં સરસ્વતી નામના ઈ.સ. ૨૦૦૦માં પ્રસિદ્ધ થયેલ ગ્રંથમાં સરસ્વતી નદીનો ઇતિહાસ આપવામાં આવ્યો હતો. પરંતુ આ સાત ગ્રંથોમાં આ નદીના કિનારે વિકસેલ એક જીવંત સંસ્કૃતિને રચનારા અને પોષનારા લોકોના જીવનનો એક ચિતાર પણ આપવામાં આવ્યો છે. આ સંસ્કૃતિના લોકો વ્યાપારી અને સાહસિક હતા. એમણે મેસોપોટેમિયા અને કાસ્પીયન સમૃદ્રના વિસ્તારના પ્રદેશોમાં પણ પોતાનો સંપર્ક સંબંધ ઊભો કર્યો હતો. આ ગ્રંથોમાંથી સરસ્વતી નદીના કિનારે વિકસેલી સંસ્કૃતિઓ, ઋગ્વેદ, મૂળથી મુખ સુધીની સરસ્વતી નદીનો નૈઋત્ય ભારતમાં વહેલો વારિપ્રવાહ, એ જમાનામાં વિકસેલી પ્રૌદ્યોગિકી, એ સંસ્કૃતિની ભાષા, એમની મુદ્રાઓ, મુદ્રાલેખ અને ઉત્કીર્ણ લેખોની વિસ્તૃત માહિતી વાચકને સાંપડી રહેશે. એક સંશોધકના મનથી ચાલતા વાચકે અને પાઠકે આ ગ્રંથો સાદ્યંત જોઈ જવા જેવા છે. આ ગ્રંથ તેમજ સરસ્વતી સંસ્કૃતિ વિશે વિસ્તૃત માહિતી મેળવવામાં રસ ધરાવતા વાચકો  http/www.hindunet.org/saraswati નો ઉપયોગ કરે.

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.