સ્વરગ્રામ (Gamot)

એક એવો તારલો કે જે બન્ને છેડેથી દૃઢ હોય, અર્થાત્‌ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. અથવા એક સિતારના તારને એનું કાંઈ ગુમાવીને ફેરવીને તેને શબ્દ ઉત્પન્ન કરવા માટે યોગ્ય બનાવો. આ તારના કોઈ સ્થાનને આંગળીથી દબાવીને એક પ્રકારનો આઘાત કરતાં જ એક ધ્વનિ સંભળાશે. આપણને જોવા મળશે કે એક હાથે ક્રમશ: આઘાત અને બીજા હાથને એ સ્થાનથી ખસેડતા રહેવાથી સ્વર ક્રમશ: ઉચ્ચ બનતો જશે. પહેલાં બતાવવું છે કે સંગીતના કોઈપણ ધ્વનિને આપણે સૂરનો આધાર બનાવી શકીએ છીએ. અહીં પહેલાં જે સ્થાન પર આંગળીથી દબાવીને તાર પર આઘાત કરવાથી જે ધ્વનિ સંભળાયો હતો, એને જો આપણે Key-note- આધાર સ્વર ગણીએ તો પૂર્વકથિત નિયમ પ્રમાણે આપણે એનો પરિત્યાગ કરી શકીશું નહીં. હવે જો આંગળીને જોડીને એટલે કે તેને તાર ઉપર ખસકાવીને ચલાવીએ અને જમણા હાથની આંગળી દ્વારા ક્રમશ: આઘાત કરતા રહીએ તો કેટલાક સમય સુધી સ્વર થોડો ઉચ્ચ થતો રહેશે એટલે કે ચઢતો રહેશે. આમ છતાં પ્રથમ સ્વરને એ ઉચ્ચતાની વિલક્ષણતાને કાનથી સાંભળીને સહજ રીતે સમજી શકાતો નથી. એનું કારણ એ છે કે સ્વર ક્રમશ: એટલી અલ્પમાત્રામાં ઉચ્ચ બનતો રહેશે કે આપણા કાન એની ધારણા નહીં કરી શકે. ક્રમશ: આપણને જોવા મળશે કે પૂર્વોક્ત મૂળસ્વર એક એવી અવસ્થામાં જઈ પહોંચે છે કે જેની ઉચ્ચતા કાન દ્વારા સ્પષ્ટ રૂપે સમજાય છે. આ બીજો સ્વર થયો. પ્રથમોક્ત મૂળ સ્વરને ‘ષડજ’ કહે છે. એનું સાંગીતિક નામ ‘સા’ છે. આપણને જે બીજો સ્વર મળ્યો તેનું નામ ‘ઋષભ’ છે. એનું સાંગીતિક નામ ‘રે’ છે. પૂર્વોક્ત ક્રમથી બીજા સ્વરથી પણ ઉચ્ચ સ્વરમાં જાઓ. હવે એક બીજો નવો સ્વર મળ્યો, એનું નામ છે ‘ગાંધાર’, એનું સાંકેતિક નામ છે ‘ગ’. એ ઉપરાંત ‘મ’ પણ છે. એનાથી પણ વધુ ઉચ્ચ એક સ્વર મળશે, જેનું નામ છે ‘પંચમ’ તથા તેનું સાંકેતિક નામ ‘પ’ છે, એવી જ રીતે ‘ધૈવત’નું સાંકેતિક નામ ‘ધ’ છે. એનાથી પણ ઉપર એક બીજો સ્વર મળશે. એનું નામ છે ‘નિષાદ’, એનું સાંકેતિક નામ છે ‘નિ’ આ રીતે એક પછી એક ક્રમશ: સાત સ્પષ્ટ રૂપે અલગ અલગ સ્વર મળશે. જો પૂર્વોક્ત પ્રણાલિ પ્રમાણે આંગળીથી ખેંચીને તેવી અપેક્ષાએ ઉચ્ચતર સ્વર કાઢવામાં આવે તો હવે જે અલગ સૂર ઉત્પન્ન થશે, તે સ્વર આપણે જે મૂળ સૂર અર્થાત્‌ – ‘સા’ થી આરંભ કર્યો હતો, બરાબર એ જ છે; ભેદ કેવળ ઉચ્ચતા અને નિમ્નતાનો છે. અને એનાથી ઉપર જવાથી વળી પુન: પહેલાં મળેલ ‘રે’ નામનો સૂર મળશે; ભેદ માત્ર એટલો જ છે કે પ્રથમ ‘રે’ નીચો હતો અને બીજો ઊંચો. આ રીતે આપણે સૂરને ભલેને ગમે તેટલો ઊંચો કરીએ પણ ફરી ફરીને ક્રમશ: વળી પાછો એ જ સાત સ્વર સુધી પહોંચશે, માત્ર નીચામાંથી ઊંચો અને વળી પાછો એનાથી પણ ઊંચો અને વળી તેનાથીયે વધુ ઊંચો આ રીતે એ સાતેય સૂર પ્રાપ્ત થશે. આ સાત સૂરોને એક ગ્રામ અથવા સપ્તક કહે છે.

નામ પ્રકરણ

આધુનિક માનવમાં કેળવણી દ્વારા મળેલા અને કૃત્રિમ ભાવોનું જ વધારે પ્રાબલ્ય જોવા મળે છે. પ્રાચીન કાળમાં પ્રાકૃતિક ભાવોથી જ માનવનું હૃદય પરિપૂર્ણ રહેતું. ૧૯મી શતાબ્દિનું કવિત્વ નીરસ કે કષ્ટપૂર્વકના કલ્પિત કૃત્રિમ ભાવોનું આલય છે; પ્રાચીન મનુષ્યનું સરળ હૃદય પ્રકૃતિનો મધુમય રંગમંચ હતો. અનંત સાગરનો અસીમ વિસ્તાર, અનંત નીલાકાશની બુદ્ધિનો પડઘો પાડતી પ્રભા, ગહન અરણ્યનો મહાસ્તબ્ધભાવ, ગિરિ નિર્ઝરનો ગંભીર અને હૃદયને મત્ત બનાવનારો મર્મર ધ્વનિ, ગગનભેદી પર્વતના પ્રશાંત વિશાલ વપુ, નદીઓના અર્ધસ્ફૂટ સંગીત ધ્વનિ, વનવિહંગોનું હૃદયના અંત:સ્થલને સ્પર્શી જનારું સંગીત- આ બધાનો પ્રાચીન માનવ સમૂહ ઉપભોગ કરતો હતો. આપણે સૌ શોભા કે સૌંદર્ય નિરખીએ છીએ, ગીતો સાંભળીને આનંદિત થઈ ઊઠીએ છીએ. પરંતુ અરણ્ય આશ્રયી ફલમૂલાહારી સરલ પ્રાણવાળા વૈદિક ઋષિઓનાં વિશ્વવ્યાપી હૃદય શું આટલાથી જ શાંત કે પરિતૃપ્ત થઈ જતું? એ ઋષિ હૃદયો પ્રચંડ વજ્રધ્વનિથી માંડીને વર્ષાકાળના દેડકાનાં ડ્રાઉં ડ્રાઉં રવ પર નાચી ઊઠતાં, વિશાળ વર્ષાકાલીન હિમાચલના ચિરશુભ્ર શિખરો પરથી ભ્રમરોનું ગુંજન તેમજ પ્રાત: કુંદનાં (પ્રાત:કાળના પુષ્પ) પ્રસ્ફૂટનમાં પોતાના પ્રાણને આત્મવિભોર કરી દેતા હતા; તે શું આટલાથી સંતુષ્ટ બની જાય? આપણે સૌંદર્ય નિહાળીએ છીએ. એ લોકો સૌંદર્યનું પાન કરતા હતા. આપણે લોકો મધુર ધ્વનિને કેવળ સાંભળીએ છીએ. પરંતુ, એ ઋષિઓના પ્રાણ વિષ્ણુપદ નિ:સૃતા નિર્મળ સલિલા ભાગિરથીની સમાન આર્દ્ર બનીને સંગીતના તરંગોમાં વિલીન બની જતા હતા. આપણે લોકો આનંદને માત્ર પ્રાપ્ત કરીએ છીએ, એ લોકો આનંદમાં વિચરણ કરતા હતા, આનંદનું ભોજન અને પાન કરતા હતા. તેમજ અસ્થિ, મજ્જા અને માંસના આ દેહને આનંદમય બનાવી દેતા હતા. જેમના પ્રાણોમાં કવિત્વ હતું, જેમનું જીવન અલંકાર હતું, જેમનાં કાર્ય ન્યાય સંગત હતા, એ પૂજ્યપાદ ઋષિગણ આ સંગીતના સર્જનહાર છે. સર્જનહાર કહેવું એ કદાચ ભૂલ ગણાય. ખરેખર તો એ લોકો આવિષ્કર્તા છે. આ મંદાકિની ધારા છે, આ દેવદુર્લભ ધન છે, મનુષ્ય એનું સર્જન ન કરી શકે. અનંત વિશ્વ જેમનું કાર્ય છે જેમના પ્રત્યેક છંદ પર ગ્રહ અને નક્ષત્ર ગણ ભ્રમણ કરી રહ્યા છે, એવા જ દેવાધિદેવ આદિ કવિ વિશ્વપતિ પોતાની કૃપા કોઈને કોઈ પુણ્યવાન આત્મા પર વરસાવે છે. ભારતના આ પરમ મહત્ત્વના અતિતની સ્મૃતિઓથી પૂર્ણ આ વિશાળ પરિત્યક્ત રંગભૂમિ તો એ સંગીતનું એ સર્વાંગપૂર્ણ સર્વાવયવ સંપન્ન અનશ્વર ચિન્હ છે. સંભવ છે કે આજે પાશ્ચાત્ય જગતનાં વિજ્ઞાન, દર્શનશાસ્ત્ર, ન્યાય, જ્યોતિષ, ગણિત તથા ભૈષજ્યની ચર્ચામાં ભારતને પરાભૂત કરી દીધું હોય, પરંતુ  હજારો વિપ્લવો, લક્ષ્યપરિવર્તન, ઘોર અવનતિ, ઘોર દુર્ગતિની વચ્ચે પણ ભારતનું સંગીત આત્મજ્યોતિનો વિકાસ કરીને ધીર સ્થિર પરંતુ નિશ્ચિંત ગતિએ સેંકડો લાંછન સહેતાં સહેતાં, અસંખ્ય વિઘ્નબાધાઓનું ઉલ્લંઘન કરીને પોતાના રાજ્યનો વિસ્તાર કરી રહ્યું છે.

પહેલાં ઋષિગણ જ સંગીતના આવિષ્કર્તા હતા. એને કારણે આ સમસ્ત કવિત્વપૂર્ણ નામ તથા કવિત્વપૂર્ણ ભાવોના માધ્યમ દ્વારા સંગીતનું વર્ણન થયું છે. ક્રમશ: આપણને જોવા મળશે કે કઈ રીતે એ બધા ઋષિઓએ આ અતિ દુરુહ-વિજ્ઞાનને પોતાની મધુમયી કલ્પનાની સહાયતાથી સર્વજન માટે મનોરમ્ય કરી દીધું છે. એટલે જે સાત સૂરો આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ, એમનાં નામ તથા ઉત્પતિનું વર્ણન હવે કરીશું.

ષડજ – ભ્રમરના ગુંજનથી આ સ્વરની ઉત્પત્તિ થઈ છે અને એને કારણે એને આવું નામ અપાયું છે.

ઋષભ – ઋષભ (બળદ)ના અવાજથી એની ઉત્પત્તિ થઈ છે અને એને લીધે એનું એવું નામકરણ થયું છે.

ગાંધાર – મયુરના કેકાધ્વનિથી એની ઉત્પત્તિ થઈ છે.

મધ્યમ – એના નામકરણ વિશે મતભેદ છે. એવું લાગે છે કે કેટલાય સ્વરોની મધ્યમાં હોવાને કારણે એનું નામ એવું રખાયું છે.

પંચમ – કોકિલના સ્વરમાંથી એની ઉત્પત્તિ થઈ છે.

ધૈવત – કેટલાકના મત પ્રમાણે અશ્વ અને બીજા કેટલાકના મત પ્રમાણે દેડકાના સ્વરમાંથી તેની ઉત્પત્તિ થઈ છે.

નિષાદ – ગધેડાના ધ્વનિમાંથી તેની ઉત્પત્તિ થઈ છે.

સંભવ છે કે આ બધી સાદૃશ્ય પ્રમાણે કવિકલ્પના હશે પણ આપણે એ વિશે વધારે કંઈ જાણતા નથી. કેટલાક ભમરા, સાંઢ કે બળદ, મયૂર, ગર્દભ વગેરેને એકીસાથે ઊભા રાખીને એમના અવાજ નીકળે ત્યારે બરાબર સાંભળવામાં આવે કે એક ગ્રામ (સપ્તક) નીકળે છે કે નહિ; અથવા એવો પણ સંભવ છે કે પ્રાચીન કાળના લોકો કવિત્વ તથા ગહન ચિત્રૈકાગ્રતા દ્વારા જે કંઈ અનુભવ કરતા એ બધાનો અનુભવ કરવા માટે આપણે સક્ષમ ન પણ હોઈએ. પહેલાના અધ્યાયમાં આપણે સૂર શું છે એ જોયું; સામાન્યત: સંગીતમાં ત્રણ ગ્રામોનો ઉપયોગ થાય છે:

પ્રથમ-ઉદારા : જે સ્વરને આપણે મૂળ સ્વર બનાવીશું, એનાથી નીચે તરફ ક્રમશ: ની ધ પ મ ગ રે સા – આ સાત સૂરોને ઉદારા ગ્રામ કહેવાય છે. આનું ઉચ્ચારણ કરતી વખતે પેટ પર અધિક બળ પડે છે.

દ્વિતીય-મુદારા : મૂળ સ્વરથી ક્રમશ: ઉચ્ચ કરતાં કરતાં સા રે ગ મ પ ધ ની આ આ ઉચ્ચ સ્વરોને મુદારા ગ્રામ કહે છે. એનાં ઉચ્ચારણ સમયે છાતી પર વધારે જોર પડે છે.

તૃતીય-તારા : મુદારા ગ્રામથી સર્વોચ્ચ સ્વર અર્થાત્‌ ની થી પણ વધુ ઉપરના સા રે ગ મ પ ધ ની આ સાત સૂરોને તારાગ્રામ કહે છે. આનું ઉચ્ચારણ કરતી વખતે મસ્તક પર વધારે ભાર આવે છે. આ ત્રણ ગ્રામોને નાભી, વક્ષી અને સિરી પણ કહે છે.

(ક્રમશ:)

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.