માનો અહેતુક સ્નેહ : મૈમનસિંગનો રુગ્ણભક્ત

સંભવત: મહા મહિનાનો અંતિમ ભાગ હતો. ઠંડીનો સમય હજુ પૂરો થયો હતો. પાનખરની કડકડતી ટાઢ ગઈ હતી. લોકો સવારસાંજ સડક પર કે ગલીઓમાં ફરવા લાગ્યા હતા. મેમનસિંગથી ચાર ભક્ત જયરામવાટીમાં શ્રીમાને ઘરે આવ્યા. તેઓ શ્રીમાના કૃપાપાત્ર છે, એમની પાસેથી દીક્ષા લીધી છે. કેટલાક દિવસો પહેલાં શ્રીમા મેલેરિયાથી પીડાતાં હતાં. ભક્તોનું આવવાજવાનું બંધ જેવું હતું. હવે તેઓ થોડા સ્વસ્થ થયાં ન થયાં ત્યાં ફરીથી ભક્તસમાગમ શરૂ થઈ ગયો. શ્રીમા પણ કૃપા કરીને દીક્ષા આપવા લાગ્યા. શ્રીમાની અસ્વસ્થતાના સમાચારથી ભક્તો વ્યગ્ર અને ચિંચિત હતા, એટલે તેઓ એમને જોવા આવ્યા છે. બે-એક દિવસ રોકાઈને તેઓ ચાલ્યા જશે. વધારે રોકાવાથી શ્રીમાને કષ્ટ થશે. તેઓ સુદૂર ગ્રામીણ અંચલના લોકો છે. એમને આધુનિક શિક્ષણથી શિક્ષિત કે ધની, માની, ગુણી કહી ન શકાય. પરંતુ તે છે ઘણા શ્રદ્ધાભક્તિવાળા, સરળ, સાદાસીધા અને નિષ્કપટ. એ ચારમાંથી જે મોટા હતા એમની ઉંમર પણ ચાલીસેકથી નીચે હશે. વાતચીતથી જાણવા મળ્યું કે એમને શાસ્ત્રોનું કંઈ જ્ઞાન નથી અને તેઓ જ એ સમૂહના નેતા છે. શ્રીમા પોતાના આ પુત્રોને જોઈને ખૂબ પ્રસન્ન થયા. એમની સાથે સ્નેહપૂર્ણ વાર્તાલાપ થયો અને એમના રહેવાખાવાની યોગ્ય વ્યવસ્થા કરીને તેઓ નિશ્ચિંત બન્યા. બીજે દિવસે તેઓ શ્રીમાની અનુમતિ લઈને કામારપુકુરના દર્શન માટે રવાના થયા જ હતા ત્યાં જ ઝરમર વરસાદ વરસવા લાગ્યો. એ લોકોને કષ્ટ થશે એમ વિચારીને શ્રીમા ઉદ્વિગ્ન થયાં. બીજે દિવસે બપોર પછી જ્યારે ભક્તગણ પાછો આવ્યો ત્યારે જાણવા મળ્યું કે શ્રીમાની ચિંતા અકારણ ન હતી. એ સમૂહના વડીલને તાવ આવ્યો હતો. દેશમાંથી આવતી વખતે પણ એમનું સ્વાસ્થ્ય વધારે સારું ન હતું. કામારપુકુર જતાં જતાં પલળી જવાથી એમને તાવ આવ્યો. જ્યારે ભક્ત લોકો જયરામવાટીથી કામારપુકુર જતાં ત્યારે ત્યાં જઈને એમણે શું શું જોવાનું છે એ શ્રીમા બતાવી દેતાં. જ્યારે ભક્તસમૂહ પાછો ફરતો ત્યારે એમને ત્યાંના કુશળ સમાચાર પૂછતાં. જયરામવાટીમાં પણ સિંહવાહિનીનાં દર્શન, એમની પૂજાપ્રાર્થના, ત્યાંની માટી લઈ જવી, વગેરે બાબત તેઓ ભક્તોને બતાવી દેતાં. તેઓ કહેતાં કે દેવી ઘણા જાગ્રત છે અને એમની કૃપાથી તમારા બધાનું કલ્યાણ થશે. સિંહવાહિની મંદિરના પાયાની માટી એ વિસ્તારમાં માતાની બીમારીમાં રામબાણ દવા ગણાય છે. શ્રીમા પ્રચલિત દંતકથાઓ પર સરળમને વિશ્વાસ કરતા. આ ભક્તોના કામારપુકુર દર્શનના સમાચાર સાંભળીને શ્રીમા પ્રસન્ન થયાં પરંતુ અસ્વસ્થ સંતાન માટે વિશેષ રૂપે ચિંતિત અને ઉદ્વિગ્ન પણ બન્યાં.

શ્રીમાનું અહીં એક ધર્માર્થ દવાખાનું પણ છે, ત્યાં હોમિયોપથીની દવા અપાય છે, મેલેરિયા માટે એલોપથીની કેટલીક પેટન્ટ દવાઓ જેવી કે ક્વિનાઈન વગેરે પણ ત્યાં મળી રહે છે. અસ્વસ્થ સંતાન માટે અને પથ્યની યથાશક્તિ ઉચિત વ્યવસ્થા કરવામાં આવી; એમની સુખસુવિધા માટે જે કંઈ બને તે કર્યું. શ્રીમા થોડી થોડીવારે એની ખોજ ખબર લેવા લાગ્યાં. પરંતુ તેનો રોગ શમવાને બદલે વધતો ચાલ્યો. બધા ચિંતિત બની ગયાં. મકાન નાનું છે, લોકો અનેક છે, રોગીને રાખવાની અલગ જગ્યા નથી, શૌચાદિની ઘણી અસુવિધા છે. શ્રીમાની ચિંતા, ઉદ્વિગ્નતા વધી રહી છે. તેઓ ફરીથી બીમાર ન પડી જાય એવી બીક લાગવા માંડી. આગંતુક ભક્ત જયરામવાટી છોડીને ચાલ્યા જવા માટે આતુર થઈ ગયા. બે-ત્રણ દિવસમાં જ્યારે રોગ ઓછો ન થયો ત્યારે પરામર્શ કરીને રોગીને કોઆલપાડાના આશ્રમમાં લઈ જવાનું નક્કી થયું. રોગી પણ જવા માટે આગ્રહ કરવા લાગ્યો. શ્રીમાને જ્યારે આ વાત કહેવામાં આવી ત્યારે એમણે અનિમેષ નયને ગંભીરતાપૂર્વક બધું સાંભળ્યું પરંતુ એના પર હા કે ના કે પોતાને મત-અભિપ્રાય પ્રગટ ન કર્યો. એ વાત સૌ જાણતા હતા કે માંદા પુત્રને જવા દેવાનું તેઓ પસંદ નહિ કરે અને બીજો ઉપાય પણ ન હતો. અહીં રોગોની યોગ્ય ચિકિત્સા સેવા મુશ્કેલ હતી, સાથીઓને રહેવાની અસુવિધા હતી, સ્થાનનો અભાવ હતો; ભક્ત, અતિથિ, અભ્યાગત આવતા જ રહેતા. કોઆલપાડામાં સરકારી દવાખાનું હતું, દાક્તર પણ સારા હતા, આશ્રમમાં જગ્યા પણ પૂરેપૂરી હતી અને બધી પ્રકારની સુવિધા પણ હતી. એ ઉપરાંત શ્રીમાને કષ્ટ થાય તેની વધારે ચિંતા હતી એટલે રોગીને ત્યાંથી જલદી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી.

એ દિવસે શ્રીમાને ત્યાં અનેક ભક્ત સ્ત્રીપુરુષ હાજર હતાં. એમાંથી એમનાં વિશેષ સ્નેહપાત્ર આરામબાગના પ્રસિદ્ધ ડોક્ટર પ્રભાકર બાબુની મા અને સ્વામી અસિતાનંદનાં મા તથા ભાઈ હતાં. ભક્તગણ એક એક પછી વિદાય થવા લાગ્યા. આજે સ્વામી વિદ્યાનંદ રોગી અને તેના સાથીઓની સાથે ત્યાં કોઆલપાડા આશ્રમ પહોંચવાના હતા. પાલખી આવવાની વાત હતી પરંતુ કહાર (પાલખી ઉપાડનારા) લોકો હજુ આવ્યા ન હતા. બધા લોકો વ્યગ્રતા સાથે એમના આવવાની રાહ જોતા હતા અને રસ્તા તરફ નજર નાખતા હતા. દિવસ ઢળતો જતો હતો, શ્રીમા ઓસરીમાં બેસીને બધું જોઈ રહ્યા હતા અંતે કહાર પાલખી લઈને આવ્યા અને રોગીને એમાં બેસાડીને તે લોકો તરત જ રવાના થઈ ગયા. શ્રીમાએ આંખોમાં આસું લાવીને, નિતાંત-અનિચ્છા અને દુ:ખ સાથે ‘દુર્ગા દુર્ગા’ કહીને વિદાય આપી. પાલખી આવ્યા પહેલા આકાશના એક ખૂણામાં થોડા વાદળ ઘેરાયાં હતાં અને હવે ધીમે ધીમે સઘન બનતાં જતાં હતાં. ઘણાએ એ વિશે ધ્યાનપૂર્વક વિચાર્યું હતું. છતાંય વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક સારો એવો વરસાદ પણ થતો રહેતો, પરંતુ હવે આંધીતોફાન અને વરસાદના દિવસો વીતી ગયા છે એમ માનીને પેલા રોગીને તરત જ સ્થાનાંતરિત કરવાની ઉતાવળમાં આકાશની આવી સ્થિતિની બધાએ  ઉપેક્ષા કરી અને રોગીને મોકલી દીધો. આજે આખો દિવસ શ્રીમાને આરામ મળ્યો નથી. ભક્તોની સ્નેહપૂર્વકની સારસંભાળ, રાંધવાની વ્યવસ્થા, પૂજા, દીક્ષા, નાસ્તો વગેરે કરાવવા, પાન બનાવવા, ભોગ ધરવો, પ્રસાદ મેળવવો અને ત્યાર પછી જ વળી પાછી વિદાય આપવી; આ બધી એક દુ:ખપ્રદ વાત હતી. શ્રીમા અને સંતાનમાંથી કોઈ પણ એક બીજાને છોડવા તૈયાર ન હતા, છતાંયે પૂજાવાડીની દુર્ગાપૂજાના દશમાં દિવસની જેમ વિદાય તો લેવી જ પડે ને! રુગ્ણપુત્ર પાલખીમાં રવાના થઈ ગયો અને શ્રીમા વિષણ્ણ બનીને ચૂપચાપ ઓસરીમાં એકલાં જ પોતાના ખોળામાં બંને હાથ રાખીને બે પગ લાંબા કરીને બેઠાં બેઠાં આ બધું જોતાં રહ્યાં. પછી તેઓ ઓરડામાં જઈને પથારી પર સૂઈ ગયાં. આખા દિવસ પછી અત્યારે થોડો આરામ મળ્યો. એક શિષ્ય એમની સેવા માટે હતો. એ વિચારતો હતો કે શ્રીમા સૂઈ જાય પછી તે પણ પોતાના બેઠકખંડમાં જઈને નિશ્ચિંત બનીને આરામ કરશે; પરંતુ દિવસ ઢળતો જોઈને તે ત્યાં જ શ્રીમાની ઓસરીમાં એક બાજુએ કોઈ આવીને શ્રીમાને આરામમાં ખલેલ ન પહોંચાડે એ રીતે છાનોમાનો બેઠો રહ્યો.

જોત જોતામાં આખું આકાશ વાદળોથી ઢંકાઈ ગયું. ચારે દિશાઓ અંધકારથી છવાઈ ગઈ, અચાનક પવનનું એક પ્રબળ મોજું આવ્યું અને સડસડાટ કરતાં એણે મુખ્ય દરવાજાને જોરથી એક ધક્કો પણ મારી દીધો. ધડામ જેવો અવાજ થયો. બધા લોકો ચમકી ઊઠ્યા. કાળવૈશાખી (બંગાળમાં ચૈત્રવૈશાખમાં બપોર પછી થતા આંધીયુક્ત વરસાદને કાળવૈશાખી કહે છે)  ની જેમ વાવાઝોડાં સાથે મુસળધાર વરસાદ શરૂ થયો. આંધીનો અવાજ સાંભળતાં શ્રીમા ‘મારા દીકરાનું શું થશે, ભગવાન?’ કહીને આર્તસ્વરે બોલતાં બોલતાં પથારીમાંથી નીચે ઊતર્યા અને ઓસરી તરફ આવ્યાં. જાણે બેહોશીમાં હોય તેમ માથા પરનો આંચળ જમીન પર ઢસળાવા લાગ્યો અને વાળ તો વીખરાઈને ચારે તરફ ફેલાઈ ગયા. ઓસરીના કિનારે આવીને આકાશ તરફ જોતાં જોતાં, બે હાથ જોડીને વ્યાકુળ બનીને વિલાપ કરતાં કરતાં તેઓ વારંવાર પ્રાર્થના કરવા લાગ્યાં: ‘હે કૃપાસિંધુ ઠાકુર! મારા દીકરાની રક્ષા કરજો, હે ઠાકુર!’ બંને આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી. પેલો શિષ્ય તો આ જોઈને સ્તબ્ધ, કિંકર્તવ્યવિમૂઢ બની ગયો. થોડીવાર પછી પોતાની જાતને સંભાળીને તે શ્રીમાની બાજુમાં જઈને ઊભો રહ્યો અને એમને સાંત્વના આપતાં કહ્યું: ‘એમાં ભયની કોઈ વાત નથી, અત્યાર સુધીમાં તેઓ દેશડા પહોંચી ગયા હશે. રાજેન મહારાજ સાથે છે, તેઓ બુદ્ધિમાન અને પ્રવીણ છે; કહાર લોકો પણ વિશેષ પરિચિત છે, આજ્ઞાંકિત અને વિશ્વાસુ પણ છે; અને વળી ભક્તના સંગી સાથીઓ પણ સાથે છે.’ વગેરે વગેરે. આ રીતે ભિન્ન ભિન્ન પ્રકારે શ્રીમાને સાંત્વના આપીને એમને થોડા આસ્વસ્થ કરીને શિષ્ય ઓરડામાં લઈ ગયો. ઓરડામાં શ્રીઠાકુરના ચિત્ર સામે શ્રીમા ઊભાં રહ્યાં અને વ્યાકુળ બનીને રડવા લાગ્યાં. અશ્રુભરી આંખે વારંવાર પ્રાર્થના કરવા લાગ્યાં: ‘હે કૃપાસિંધુ ઠાકુર! જરા મોં ઊંચું કરીને તો જુઓ! મારા દીકરાની રક્ષા કરો.’ શિષ્ય તો એક ખૂણામાં ઊભો રહીને અવાક્‌ બનીને જોવા લાગ્યો ને વિચારવા લાગ્યો: આ શું! હું આ સ્વપ્ન જોઉં છું કે હકીકત જોઉં છું? આંધી અને વરસાદ ઓછાં થવાં લાગ્યાં, આકાશ પણ થોડું ઘણું સ્વચ્છ થવા લાગ્યું, શ્રીમાને ગમે તેમ સમજાવી ફોસલાવીને શિષ્યે પથારી પર સુવડાવ્યાં. શ્રીમા પથારી પર સૂતાં સૂતાં પોતાની છાતી પર બંને હાથ રાખીને આંસુંભર્યાં નયને શ્રીઠાકુરને પ્રાર્થના કરવા લાગ્યાં કે જેથી દીકરાને કોઈ દુ:ખકષ્ટ ન આવે. વચ્ચે વચ્ચે આ શબ્દો બોલીને ખેદ વ્યક્ત કરવા લાગ્યાં: ‘કેવી તીવ્ર ઇચ્છા લઈને શ્રીમાને ઘેર આવ્યા હતા; શ્રીમાને મળીશું, જોઈશું, એમની સાથે રહીશું, ખાઈશું, પીઈશું અને મોજ કરીશું; પરંતુ દુર્ભાગ્ય એવું, અશુભ મુહુર્તની યાત્રા એવી કે આવતાં આવતાં જ રસ્તામાં તકલીફો ભોગવવી પડી. પછી અહીં આવ્યા. કંઈક સારું લાગવાથી આનંદ માણવા કામારપુકુર ગયા તો રસ્તામાં વરસાદ ભેટી ગયો અને ત્યાંયે દુ:ખકષ્ટ ભોગવ્યાં. અહીં આવ્યો અને વળી પાછો તાવે ઘેરી લીધો. તાવ કોઈ પણ રીતે જવાનું નામ નહોતો લેતો. કેટલા દવાદારૂ કર્યાં અને આજે જ્યારે કોઆલપાડા ગયો છે અને એ પણ પાલખીમાં કારણ કે ચાલવાની તો તાકાત ન હતી; અને હજુ તો રવાના થયો ન થયો ત્યાં આવી પડ્યાં આંધી અને વરસાદ! હે ઠાકુર, કૃપા કરો. મારા દીકરાની રક્ષા કરો!’ શ્રીમા ક્યારેક ક્યારેક આંખો મીંચીને ચૂપ થઈ જતાં, વળી પાછાં દુ:ખી થવાથી આંખોમાંથી આંસુંની ધાર વહેવા લાગતી. વચ્ચે વચ્ચે દરવાજામાંથી બહાર જોતાં રહેતાં. શિષ્ય તો ઓરડાની અંદર શ્રીમાના ચરણો તરફ પલંગની પાસે બેઠો બેઠો શાંતીથી આ અદ્‌ભુત વ્યાપાર જોઈ રહ્યો હતો, સાંભળતો હતો. જાણે કે એનું હૃદય થંભી ન ગયું હોય એમ. એમ લાગ્યું કે શ્રીમા થોડીવાર પછી શાંત થઈ ગયાં. એટલામાં જ ઓચિંતાની સનનન્‌ કરતી હવા વહેવા લાગી, વરસાદ વરસવા લાગ્યો. એટલામાં જ શ્રીમા પથારી છોડીને ઝડપથી બહાર ઓસરીમાં આવી ગયાં. વળી પાછો માથા પરનો છેડો નીચે ઢળી ગયો. સાડલાનો છેડો જમીન સાથે ઢસડાવા લાગ્યો અને માથા પરના વાળ વીખરાઈ ગયાં. આંખમાંથી આંસુંની ધાર વહેવા લાગી. તેઓ વિલાપ કરવા લાગ્યાં. આર્તભાવે પ્રાર્થના કરવા લાગ્યાં: ‘હે કૃપાસિંધુ ઠાકુર! મારા દીકરાની રક્ષા કરો! એકવાર ઊંચું મોં કરીને જુઓ તો ખરા!’ ક્યારેક તેઓ ઓરડાની અંદર જતાં અને શ્રીઠાકુરના ચિત્ર સામે આર્તભાવે વિલાપ અને પ્રાર્થના કરતાં; તો વળી ક્યારેક બહાર આવીને આકાશ તરફ તાકી રહીને રોતાં અને શ્રીઠાકુરને અનુનય-વિનય કરતાં.

આવું બધું થોડો સમય ચાલતું રહ્યું. રાત થઈ ગઈ. ઓરડામાં દીવો પ્રગટાવ્યો, ધૂપધુમાડો કરવામાં આવ્યો. શ્રીઠાકુરને પ્રણામ કરીને શ્રીમા પથારી પર બેસીને કંઈક મનહૃદયને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગ્યાં. હવે આકાશ પણ સ્વચ્છ થઈ ગયું. શિષ્ય એમને અનેક રીતે સમજાવી ફોસલાવીને સાંત્વના દેવાનો પ્રયત્ન કરવા લાગ્યો: ‘બધાં મકાન રસ્તાને કિનારે જ છે, રાજેન મહારાજ માટે એ બધું જાણીતું જ છે, હવે એ લોકો કોઈ સારી જગ્યાએ બેસીને વિરામ કરતા હશે.’ વગેરે વગેરે. શ્રીમા થોડાં શાંત થયાં પણ વચ્ચે વચ્ચે એમની સ્વગત ભેદભરી ઉક્તિઓ સંભળાતી હતી. એ દિવસે જે દુર્યોગ પણ સહજ રીતે પસાર ન થયો, વચ્ચે વચ્ચે આંધી-વરસાદનો ક્રમ ઘણા લાંબા સમય સુધી ચાલુ રહ્યો. શ્રીમા ક્યારેક બહાર આવતાં તો વળી પાછાં ક્યારેક અંદર જતાં અને શ્રીઠાકુરને પ્રાર્થના કરતાં. સારી એવી રાત વીતી ગઈ. હવે આકાશ ખુલ્લું થઈ ગયું. આંધી અને વરસાદ બંધ થઈ ગયાં. એનાથી  શ્રીમા થોડા શાંત થઈને સૂઈ ગયા ખરાં પણ જ્યાં સુધી બીજે દિવસે સવારે રાજેન મહારાજે પાછા આવીને એમને કુશળ સમાચાર ન દીધા ત્યાં સુધી તેઓ નિશ્ચિંત ન બની શક્યાં. રાજેન મહારાજે કહ્યું કે એ લોકોને કોઈ મુશ્કેલી પડી નથી, આંધી અને વરસાદના સમયે તેઓ દેશડામાં એક બેઠકખાનામાં બેસીને આરામ કરતા હતા. પછીથી જ્યારે વરસાદ વરસતો બંધ થયો ત્યારે એક ફાનસ લઈને રાતે જ કોઆલપાડા પહોંચીને ત્યાં જ ભોજન કર્યું અને ત્યાં જ સુતા. રોગી અને એમના સાથી બધાં કુશળ છે.

એક વધુ ઘટના યાદ આવે છે: કોઈ એક ગામમાં એક વિધવાનો એકનો એક દીકરો દૂર મેદાનમાં ગાય ચરાવવા ગયો હતો. સાંજના તે ઘરે પાછો ફરતો. બપોરે વાદળોથી છવાયેલું આકાશ આંધી અને વરસાદની આગાહી કરવા લાગ્યું. છોકરાની મા પુત્ર માટે અસ્થિર બનીને તડપવા લાગી. તે એક પળે અંદર જતી તો બીજી પળે બહાર આવતી. એના હૃદયમાં હાહાકાર મચી ગયો. આ દૃશ્ય પણ જોવા મળ્યું હતું પરંતુ અમારી આ શ્રીમાની વ્યથા અને વ્યાકુળતા પેલી મા પણ કરતાં પણ વધારે હતી. પેલી વિધવા બહેનનો દીકરો કમાઈને એનું પોષણ કરે છે, એને કપડાં આપે છે, એના ઘરબારની રક્ષા કરે છે અને માને એ સુખચેનમાં રાખે છે. વિધવાની પણ એની પાસે કેટલીક અપેક્ષાઓ છે : દીકરો વહુને લાવશે, પુત્રપૌત્રીઓ થશે, ઘર સુખાનંદથી હર્યુંભર્યું બની જશે. પરંતુ આ શ્રીમાના પ્રેમસ્નેહને આ પુત્રો એમને કયાં સુખસાંત્વના આપી શકશે, એ લોકો પાસેથી તેઓ વળી કઈ આશા અપેક્ષા રાખી શકે? એમની એક માત્ર આકાંક્ષા એ જ છે કે એમનાં સંતાનોને ભગવાનનાં શ્રીચરણકમળમાં ભક્તિ મળે અને તેઓ સત્પથે ચાલીને સુખપૂર્વક જીવે.

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.