શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૦ એપ્રિલ થી ૨જી મે સુધી ૩ દિવસના વાર્ષિક મહોત્સવનું પાવનકારી પર્વ ઉજવાઈ ગયું.

૩૦મી એપ્રિલે વિદ્યાર્થીઓ માટેની આધ્યાત્મિક શિબિરમાં ‘ૐ અને ધ્યાનથી વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થાય’ એ વિષયની ચર્ચા થઈ હતી. આ શિબિરનો મંગલ પ્રારંભ મૌન, ધ્યાન અને સ્વામી ચિતપ્રભાનંદ અને સંન્યાસી વૃંદના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સ્વામી સર્વસ્થાનંદજીએ કહ્યું હતું: વ્યક્તિત્વ વિકાસ માટે આત્મશ્રદ્ધા, ભાવાત્મક વિચારોનું મનન, નિર્બળતા અને ભૂલો પ્રત્યે આપણું ભાવાત્મક વલણ, સ્વાવલંબન, ત્યાગ, સમર્પણ અને સેવા જેવા પાંચ ગુણો આવશ્યક છે. સ્વામી જિતાત્માનંદજીએ વ્યક્તિત્વ વિકાસમાં ૐના ધ્યાન અને જપ દ્વારા સફળતાની પ્રાપ્તિની વાત કરી હતી. તેમજ વ્યક્તિત્વ વિકાસ માટે પ્રેરણાના સ્રોત સમા સત્પુરુષોનો સંગ અને ઉચ્ચ સ્વપ્ન સેવવાનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. જાણીતા મેનેજમેન્ટ ક્ષેત્રના ગુરુ ડો. એન.એચ. અથ્રેયે કહ્યું હતું કે માતૃભાષાના સારા શિક્ષણ દ્વારા સારું અંગ્રેજી શીખવું જોઈએ. મહાવરા અને વાતચીતથી કોઈ પણ ભાષા શીખવી સરળ બને છે. સ્વાધ્યાય, સહકાર, કોઈનો દ્વેષ ન કરવો, કોઈના વિશે ખરાબ ન વિચારવું અને સર્વના સુખે સુખી રહેનારને સાચી શાંતિ અને આનંદ મળે છે. જે વ્યક્તિ સમૂહમાં સમૂહનો ઉત્તમ સભ્ય બની શકે તે જ એક ટીમ ઊભી કરી શકે છે. જ્ઞાન, શાણપણ, કાર્યકુશળતા અને સદ્‌ગુણોનો ગુણાત્મક વિકાસ અને દિવ્યતા દ્વારા આપણે આત્મશ્રદ્ધાવાળા બનીએ છીએ. પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ સૌએ માણ્યો હતો.

૧લી મે, શનિવારે સવારે ૮.૧૫ થી ૧.૧૫ સુધી ‘વ્યવહારુ આધ્યાત્મિક સંસ્કાર દ્વારા નેતૃત્વ સાફલ્ય’ વિશે શિબિર યોજાઈ હતી. કાર્યક્રમનો મંગલ પ્રારંભ મૌન, ધ્યાન અને વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સ્વામી સર્વસ્થાનંદે સ્વામી વિવેકાનંદના ચારિત્ર્યના પાંચ મહાગુણની વાત કરી હતી. સ્વામી જિતાત્માનંદજીએ પોતાના ભાવવાહી પ્રવચનમાં આધ્યાત્મિક સંસ્કારો કેવી રીતે કેળવવા અને એના દ્વારા જીવનમાં સાચી સફળતા કેવી રીતે મેળવવી તેની વિગતવાર વાત કરી હતી. ડો. એન.એચ. અથ્રેયે વિવિધ ઉદાહરણો અને ઉદ્ધરણો ટાંકીને ‘મહાન નેતાઓ કેવી રીતે ઉદ્‌ભવે છે’ તેની ચર્ચા કરી હતી. પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ સૌને માટે સંભારણું બની ગયો હતો.

૨જી મેની આધ્યાત્મિક શિબિરનો આરંભ મૌન, ધ્યાન અને સ્વામી ચિતપ્રભાનંદ, બ્ર. અક્ષરચૈતન્ય અને બ્ર. અમરચૈતન્યના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સ્વામી સર્વસ્થાનંદે શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી અને પુષ્પાબહેન મહેતાએ શ્રીમાના જીવનસંદેશમાંથી વાચન કર્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ પોતાના મુખ્યપ્રવચનમાં અંતરની દિવ્યતાના જાગરણ માટે આવી આધ્યાત્મિક શિબિરની આવશ્યકતા વિશે ભાવવાહી શૈલીથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રામકૃષ્ણ મઠ દિલ્હીના અધ્યક્ષ, સ્વામી ગોકુલાનંદજીએ શ્રીમાના જીવનના અત્યંત હૃદયસ્પર્શી પ્રસંગો અને એમના જીવનસંદેશનો ભાવવાહી વાણીમાં ઉલ્લેખ કરીને ‘શ્રીમા એક આધ્યાત્મિક માર્ગદર્શક’ રૂપે કેવાં હતાં તેનું ચિત્ર રજૂ કર્યું હતું. ત્યાર પછી એમણે ‘આજના યુગમાં આધ્યાત્મિક આચરણ કેવી રીતે કરવું’ એ વિશે પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. ‘શ્રીરામકૃષ્ણદેવનો ભક્ત પ્રત્યેનો પ્રેમભાવ’ એ વિશે રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજીએ પ્રવચન આપ્યું હતું. ‘શ્રીઠાકુરનો આધ્યાત્મિક પૂરપ્રવાહ’ નામના પોતાના વક્તવ્યમાં સ્વામી જિતાત્માનંદજીએ શ્રીઠાકુરની આધ્યાત્મિક અનુભૂતિઓ અને એની આનંદભાવની રસલાણ વિશે વિગતવાર છણાવટ કરી હતી. સામુહિક વૈદિક મંત્રોચ્ચાર, ભજન ગાન અને ૐનું રટણ સૌ કોઈને માટે ચિત્તાકર્ષક બની ગયાં હતાં. પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો.

સાંધ્ય કાર્યક્રમો

તા. ૧-૫-૦૪ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે ‘શ્રીમા શારદાદેવી : જીવનદર્શન’ના પ્રદર્શનનું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મિશન, દિલ્હીના અધ્યક્ષ સ્વામી ગોકુલાનંદજી મહારાજના વરદ હસ્તે પુસ્તકાલય ભવનમાં થયું હતું.

ત્રણેય દિવસ સાંજે ૬.૩૦ થી ૭.૩૦ અનુક્રમે રતનપર-કચ્છની બાળાઓના રાસગરબા અને નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટની શ્રીઅર્જુનલાલ હિરાણી કોલેજ ઓેફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટ્સના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય સંગીત, અને શ્રીવિનોદ પટેલના ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. 

૩૦મી એપ્રિલના રોજ નિકુંજ વિહારી રાસલીલા મંડળ, વૃંદાવન દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અને રાસલીલાનો કાર્યક્રમ ભાવિકોએ માણ્યો હતો. ૧લી મેના રોજ યોજાયેલા કાર્યક્રમમાં શ્રી શંકરના બાળકૃષ્ણદર્શન અને માખણચોરીના લીલાપ્રસંગને રજૂ કર્યા હતા. ૨જી મેના રોજ વૃંદાવનમાં શ્રીકૃષ્ણે ગોપગોપીઓ સાથે ખેલેલી હોળીનો કાર્યક્રમ સૌએ ભાવભક્તિથી માણ્યો હતો અને કાર્યક્રમના અંતે શ્રીકૃષ્ણે સૌના પર પુષ્પવૃષ્ટિ કરીને ૨૦૦૦ જેટલા ભક્તજનોનાં મનને હરી લીધાં હતાં.

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.