આ અગાઉના લેખોમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન કથાત્મક પદ્ધતિ, વાર્તાકથન પદ્ધતિની ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે આ લેખમાં સામુહિક વર્ગખંડ પદ્ધતિની વિગતવાર ચર્ચા કરીશું.

સામુહિક વર્ગખંડ પદ્ધતિ

 અનૌપચારિક ચર્ચા કે સેમિનાર દ્વારા જૂથચર્ચા જેવી કેટલીક વિચારોની અરસપરસ આપલેવાળી પદ્ધતિઓ સમાજમાં કરી શકાય છે. એના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના પ્રૌઢ જીવન માટે તૈયાર થાય છે. તેઓ પોતાની મેળે વિચારતા પણ બને છે. આ પદ્ધતિનો ઉપયોગ ઉચ્ચ માધ્યમિક શાળા કે કોલેજોના વિદ્યાર્થીઓ માટે કરી શકાય છે. વાલીઓ, શિક્ષકો અને બીજા વડીલોનાં મન પણ પોતપોતાના યૌવનકાળમાં ઘડાયાં હોય છે. પણ ત્યાર પછી એમનામાં પરિવર્તનની શક્યતા અત્યંત સીમિત બની જાય છે. આ માટે વર્ગખંડ એ યોગ્ય સ્થાન છે. અહીં એક સ્વાભાવિક આત્મવિશ્વાસનું વાતાવરણ હોય છે અને બધા વચ્ચે એક સન્માનનો ભાવ હોય છે. દરેક સભ્ય નિખાલસભાવે બોલી શકે છે. વિનમ્રતા, વિવેક અને શિસ્તના સામાન્ય ધોરણો જાળવવાના રહેશે. કોઈ મુખ્ય કાર્યકર્તા વિના પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. તે સૂચનો કરી શકે છે અને આજ્ઞા-અનુજ્ઞાઓને નિવારી પણ શકે છે.

સામુહિક વર્ગખંડ પદ્ધતિના હેતુઓ

 * વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનો વધારો થાય છે અને વિદ્યાર્થીઓ કાર્ય કરતાં કરતાં શીખે છે. વડીલોના હાથમાં યુવાનોની લગામ હોવાને કારણે સાચું ખોટું શું છે એના વિવેક માટે તેઓ મોટેરાં પર આધાર રાખવાને બદલે પોતે કેળવેલ વ્યક્તિત્વ પ્રમાણે તેઓ વિવેભર્યો નિર્ણય લઈ શકે. * વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ આવે અને જવાબદારીનો વિકાસ થાય છે. * શિક્ષણમાં જે ઔપચારિકતા છે તેને ઘટાડે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મિત્ર જેવો સંબંધ વધારે છે. * શરમાળ અને ઓછું બોલતા વિદ્યાર્થીઓમાં વધારે આત્મશ્રદ્ધા જાગે છે. * વિદ્યાર્થીઓ એકબીજાને ઓળખતા-જાણતા થાય છે. * વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને શોધી કાઢવાની અને એને બહાર લાવવા માટે સહાયતા મળે છે. એ શક્તિઓ પર વિચાર કરવા, મનનચિંતન કરવા અને એની યોગ્યતા-અયોગ્યતા વિશે નિર્ણય કરવા મદદરૂપ થાય છે. * પ્રબુદ્ધ નાગરિક તરીકે પોતાનો વિકાસ કરવામાં સહાય રૂપ બને છે.

 આ પદ્ધતિ સામાન્ય રીતે ૧૫ કે તેથી વધુ વર્ષની ઉંમરવાળા વિદ્યાર્થીઓ માટે ઘણી ઉપયોગી થઈ શકે. શિક્ષક કોઈ પણ મૂલ્ય રજૂ કરીને એ મૂલ્યની તરફેણમાં અને વિરુદ્ધમાં વિદ્યાર્થીઓને બોલવાનું કહે છે. ઉદાહરણ તરીકે આપણે વિદ્યાર્થીઓને ‘સર્વધર્મ વચ્ચે સમન્વય કે સંવાદ સાધી શકાય કે કેમ?’ એ વિશે ચર્ચાનો મુદ્દો આપવો હોય તો એ વિષયને અનુરૂપ થાય તેવાં ઉદ્ધરણો, ઉપદેશ વચનો કે કથાનકો, એમને પૂરાં પાડવાં જોઈએ. દૈનંદિન ધાર્મિક સદ્‌ભાવના બનતા પ્રસંગો કે ઘટનાઓ પણ સામયિકોમાંથી તારવીને મૂકી શકાય. આવાં ઉદાહરણો આપણને જગતના પયગંબરો, સંતો અને સદ્‌ભાવનાથી જીવનજીવતા સદ્‌ગૃહસ્થોના જીવનમાંથી વિપુલ પ્રમાણમાં સાંપડશે. આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવે કરેલી સર્વધર્મની સાધનાનો ઇતિહાસ સંક્ષેપમાં આપીને એમણે મેળવેલી વિવિધ સિદ્ધિઓ કે કરેલા ભિન્ન ભિન્ન સાક્ષાત્કારો દ્વારા મળતો સારભૂત તત્ત્વ જેવો ઉપદેશ એમની આ બોધકથામાંથી આપણને મળી રહે છે.

યતો મત તતો પથ : જેટલા મત તેટલા પથ

 ઈશ્વર એક જ છે, બે નહિ. જુદાં જુદાં લોકો એને જુદે જુદે નામે બોલાવે છે: કોઈ અલ્લાહ કહે છે, કોઈ ગોડ કહે છેતો કોઈ કૃષ્ણ, શિવ કે બ્રહ્મ પણ કહે છે. તળાવમાંના પાણીના જેવું એ છે. કેટલાક લોકો એક ઘાટેથી પાણી પીએ છે ને એને જલ કહે છે. બીજે ઘાટેથી પીનાર બીજાં એને પાની કહે છે અને ત્રીજા ઘાટેથી પીનાર વળી એને વોટર કહે છે અને મુસલમાનો પાની કહે છે. પણ એ છે તો એક જ પદાર્થ. ઘણા બધા પંથો છે.જુદી જુદી દિશાએથી નીકળતી નદીઓ એક જ સમુદ્રને મળે છે તેમ દરેક ધર્મ ઈશ્વરભણી જવાનો માર્ગ છે.

 ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે માનવમાં રહેલી દિવ્યતાને આ શબ્દોમાં સૌ પ્રથમવાર એક વિશ્વમંચ પર રજૂ કરી હતી : 

‘શાશ્વત સુખના વારસદારો’—કેવું મધુર અને આશાજનક સંબોધન! ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો—હિંદુઓ તમને પાપી તરીકે ગણવાનો ઈન્કાર કરે છે. તમે સહુ પરમાત્માનાં બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ! તમને પાપી કેમ કહી શકાય? માનવને પાપી કહેવો એ પાપ છે — માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે : ઓ સિંહો! તમે ઘેટાંઓ છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છો, તમે સ્વતંત્ર આત્માઓ છો, તમારા ઉપર આશિષ ઊતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી; ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે; ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.

આ વિચારો વિશ્વના બીજા ધર્મો માટે સાવ નવા જ હતા. આવા વિચારોને મક્કમવાણીમાં રજુ કરીને સ્વામીજીએ ઘણા સંકુચિત મનવાળા અન્યધર્મોના ધર્મગુરુઓની નારાજગી વહોરી લીધી, એ માટે એમને ઘણાં અપમાનો સહન કરવા પડ્યાં, તોયે એમણે માનવની દિવ્યતા અને સર્વધર્મનાં ઉદાત્ત તત્ત્વોની વાત કરવાનું પુણ્યકાર્ય છોડ્યું નહિ.

આવું જ એક ઉદાહરણ શ્રીમાના જીવનમાંથી આપણને સાંપડે છે : એક ક્રાંતિકારી શિષ્યે શ્રીમાને અંગ્રેજોના જુલમોની વાત કરતાં કહ્યું: ‘મા, અંગ્રેજોનો નાશ થાઓ એવું તમારા શ્રીમુખે કહો.’ શ્રીમાએ તરત કહ્યું: ‘હું મા છું, ઉચ્છેદની વાત કેમ કરી શકું? અંગ્રેજો મારાં સંતાન નથી? હું તો એમ જ કહીશ કે સૌનું કલ્યાણ થાઓ.’ શ્રીમામાં દેશદાઝ સાથે કે પ્રજાના ભેદભાવથી પર અસીમ વૈશ્વિક માતૃત્વ હતું. 

ભારતીય નારીજાગરણ માટે સ્વામીજી ભગિની નિવેદિતાને લાવ્યા. રૂઢિચુસ્ત સમાજ યુરોપિયન નારીને સમાજમાં સમાવવા તૈયાર ન હતો. પણ શ્રીમાનાં સ્નેહ સ્વીકૃતિ મળશે એવી ખાતરીથી સ્વામીજીએ નિવેદિતાને શ્રીમા પાસે મોકલ્યાં. શ્રીમાએ એમને સ્વીકાર્યાં અને સાથે ભોજન પણ લીધું! શ્રીમાની ઉદારતાથી સાનંદાશ્ચર્ય ભાવે સ્વામીજીએ પોતાના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને લખ્યું: ‘શ્રીમાએ એમની સાથે ભોજન પણ લીધું! તમે આવું વિચારી શકો?’ શ્રીમા નિવેદિતાને ચાહતાં અને જાણતાં હતાં કે ભારતના કલ્યાણમાં એમનું મોટું પ્રદાન હશે. મુસલમાન વિદ્યાર્થીઓએ નિવેદિતાને ‘એશિયાનો ઈસ્લામધર્મ’ વિશે બોલવા આમંત્ર્યા. આથી શ્રીમાને ખુશ જોઈને નિવેદિતા અવાક્‌ બની ગયાં.

મહાત્મા ગાંધીજીનું જીવન એટલે સર્વ પ્રત્યેના સમભાવનું સાચું આચરણ. એમણે પ્રેમ, સત્ય અને અહિંસાને પોતાના જીવનમાં એવી રીતે આચરી બતાવ્યાં કે ભવિષ્યના જગત માટે એક દીવાદાંડી રૂપ બની ગયાં છે. એમના રામરાજ્યમાં રામ છે, એમની વિભાવનામાં રામ છે. પણ એમના હૃદયમાં કોઈને માટે તિરસ્કાર કે ઘૃણા નથી. એમણે શરૂ કરેલી સર્વધર્મ પ્રાર્થનામાં વિશ્વના બધા ધર્મોના મુખ્ય મુખ્ય પ્રાર્થનામંત્રોનો સમાવેશ કરીને તેમજ સર્વધર્મસમન્વયની ભાવનાને પ્રેરતાં ભજનોનો એમાં ઉમેરો કરીને સર્વધર્મસમભાવનો આદર્શ આપણી સમક્ષ મૂક્યો છે.

ચર્ચા દ્વારા મૂલ્યલક્ષી કેળવણી

ચર્ચા માટે પહેલેથી જ કોઈ સમસ્યા સુનિશ્ચિત કરી લેવામાં આવે છે. શિક્ષક એનું નેતૃત્વ લે છે અને વિદ્યાર્થીઓ પાસેથી જે તે સમસ્યા વિશે અભિપ્રાયો મેળવે છે. એક વિદ્યાર્થીને આ બધા અભિપ્રાયોની નોંધ લેવાની જવાબદારી સોંપવામાં આવે છે. દરેકે દરેક સભ્યને પ્રશ્નો પૂછવા તેમજ એ વિશે પોતાના વિચારો રજૂ કરવા પ્રેરવામાં આવે છે.

 આ ચર્ચા એ કોઈ ખોટી દલીલબાજી કે નિરર્થક ગપસપ નથી. તે વિદ્યાર્થીની સમજણશક્તિનો સીમા વિસ્તાર કરવા માટે તેમજ પોતાની વિચારસરણી અને તર્કશક્તિને વધુ વિસ્તૃત અને ઉદાર બનાવવા માટે તેને આ ચર્ચા પ્રેરક નીવડે છે. ગઈ કાલે શું બન્યું હતું, આજે શું બની રહ્યું છે અને ભાવિમાં શું બનશે એ બધા પ્રશ્નોના શક્ય તેટલા શ્રેષ્ઠ ઉત્તર એમાંથી નીકળે છે. દરેકે દરેક ભાગ લેનાર વિદ્યાર્થીનો દરજ્જો સમાન રહે છે. પ્રશ્નના સાચા ઉત્તરની માત્ર ગુણવત્તાને ધ્યાનમાં ન લેતા બીજા લોકો પણ કેટલા અંશે તેને સ્વીકારે છે તેના પર એ ઉત્તરની ગુણવત્તા મપાય છે. એનો અર્થ એવો નથી કે સામુહિક બહુમતિ કોઈ અયોગ્ય કે ખોટા ઉત્તરને સ્વીકારવા દબાણ કરી શકે. સમસ્યાઓના ઉત્તર તાર્કિક અને સાચી સમજણ ઉપજાવનારા હોવા જોઈએ.

ચર્ચા દ્વારા મૂલ્યલક્ષી કેળવણીની મહત્તા

 * દરેક માણસને વ્યક્તિગત રીતે આવી પરિચર્ચાની આવશ્યકતા છે. * એને પોતાની કેટલીક સમસ્યાઓનો ઉકેલ જોઈએ છે એટલે એ કોઈની સલાહ લે છે, કોઈની સાથે ચર્ચા કરે છે અને એને સાચી અને સારી સલાહ મળે એવું તે ઇચ્છે છે. * ક્યારેક આવી સમસ્યાઓ આખા સમુહને લાગુ પડતી હોય છે એટલે એમાં સમૂહ ચર્ચાની આવશ્યકતા રહે છે. * સમૂહ ચર્ચા વ્યક્તિને પોતાને વૈયક્તિક રીતે વિચારતાં શીખવે છે. એના દ્વારા વિચારશક્તિ અને અભિવ્યક્તિની કળા પણ વિકસે છે.

ચર્ચા માટે આવશ્યક નિયમો

 ચર્ચા સુવ્યવસ્થિત, સહજ અને સરળ રીતે ચાલે એ માટે કેટલાક નિયમો પણ રચી શકાય. આ નિયમો ચર્ચા શરૂ થાય તે પહેલાં રચી લેવા જોઈએ :

* સામાન્ય રીતે આવા નિયમોમાં બરાડા પાડીને ન બોલવું જોઈએ. * લાગણીના પ્રવાહમાં તણાઈને ન બોલવું જોઈએ. * કોઈના પર વ્યક્તિગત આક્ષેપો ન કરવા જોઈએ. * બીજાની અવમાનના થાય અને તેની લાગણીઓ દુભાય એવા કોઈ વ્યંગ્યાત્મક કથનો ન કરવા જોઈએ. * ગણગણાટ ન કરવો અને મંચનો પોતે એકલાએ જ ઉપયોગ કરવાની વૃત્તિ ન રાખવી. 

ચર્ચામાં શિક્ષકે કેવો ભાગ ભજવવાનો હોય છે

* શિક્ષકે ચર્ચાના નિયમોની વિસ્તૃત સમજણ આપવી જોઈએ અને તેના તારણોની અગત્ય સમજાવવી જોઈએ. * ચર્ચા લોકશાહી વાતાવરણમાં, મનની બારી ઉઘાડી રાખીને થવી જોઈએ અને મહત્તમ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી હોવી જોઈએ. * વ્યાસપીઠને માત્ર શોભાવનારા અને અન્યને પ્રવૃત્ત રાખનારા વિદ્યાર્થીની પસંદગી ન કરવી જોઈએ. * જ્યારે કોઈ નિયમભંગ થાય તો શિક્ષકે તે તરફ ધ્યાન ખેંચવું જોઈએ અને યોગ્ય દિશાનિર્દેશ આપવો જોઈએ. * એક સમૂહના સભ્ય તરીકે ચર્ચા કરવા માટે શિક્ષકે પૂરતું માર્ગદર્શન આપવું જોઈએ. આ કાર્ય ઘણું કઠિન છે પણ પ્રયત્નો દ્વારા તેને સરળ બનાવી શકાય. * શિક્ષક એક નિષ્ણાત દર્શક કે સુવિધા ઊભી કરનાર વ્યક્તિ માત્ર નથી. પણ એણે ચર્ચા પર અપ્રત્યક્ષ રીતે અંકુશ પણ રાખવો જોઈએ. * ખોટા વલણ કે અભિપ્રાયોને રોકવા જોઈએ. * તેમણે દુરાગ્રહી કે જીદ્દી વિદ્યાર્થીઓને શાંત કરવા જોઈએ અને એને આ ગમે તે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. એ પણ જોવું જોઈએ કે અનુકૂળ વાતાવરણ જળવાઈ રહે. * ચર્ચાના અંતે તેના મહત્ત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંક્ષિપ્ત અહેવાલ પણ આપવો જોઈએ. આના દ્વારા વિદ્યાર્થીઓને નિર્ણય લેવાની શક્તિ સાંપડશે.

અમેરિકાના એડવર્ડ જોસેફ ફ્‌લેનગન (૧૮૮૬-૧૯૪૮) કેથેલિક પરંપરાના એક પાદરી હતા. સંગઠિત અપરાધીઓના કુસંગમાં પડીને હત્યા, લૂંટફાટ, હિંસા તથા ક્રૂરતાના કાર્યમાં ડૂબેલા બાળ-અપરાધીઓને સુધારવાનો એમણે પડકાર ઝીલી લીધો. એમણે સ્થાપેલ ‘બાલનગર’માં બધી જાતિઓના તથા બધા સંપ્રદાયોના અનાથ પથભ્રષ્ટ અપરાધી બાળકોનું ભલા અને સદાચારી નાગરિકોમાં રૂપાંતર કરવામાં તેઓ જે અથાક પ્રયાસ કરતા તથા ધૈર્ય રાખતા. 

આવો ચાર વર્ષની વયે અનાથ બનીને આઠ વર્ષની ઉંમરે અઠંગ અપરાધીઓનો નેતા બની ચૂકેલ એડ્ડીએ ઘણી હત્યાઓ, ચોરી, લૂંટફાટ પણ કર્યાં હતાં. એનો અવિવેક, દુવ્યવહાર ‘બાલનગર’ના બધા વિદ્યાર્થી મિત્રોને મૂંઝવનારા બની ગયા. ફાધર ફ્‌લેનગને સ્નેહપ્રેમ વરસાવીને એને બિમારીમાંથી બેઠો કર્યો. વિશેષ પ્રેમભાવથી એને સમજાવ્યું : ‘બેટા, અત્યાર સુધી તને સમાજના કોઈએ, અરે! શિક્ષકોએ પણ સારો શબ્દ સંભળાવ્યો નહિ, તારી ઉત્તમતાની વાત ન કરી. પરિણામે તું દુષ્ટ બની ગયો. તું એક સારો છો, તારામાં સારાપણું વિશેષ છે. તું આ બધી દુર્બળતાઓને તજીને મહાન અને સારો બની શકે છે.’ ફલેનગનના આ આશાભર્યા ઉદ્‌ગારોએ એનામાં આત્મવિશ્વાસ જગાડ્યો. એડ્ડી હવે સૌને આવકારવા લાગ્યો. સૌનો એ માનીતો બનવા લાગ્યો. ‘બાલનગર’માં એક ગુનેગાર, અનાથ બાળક રૂપે દાખલ થનાર આ વિદ્યાર્થી દસ વર્ષ પછી ઉચ્ચશ્રેણી સાથે ગેજ્યુએટ થયો. લશ્કરમાં ઉપયોગી સૈનિક બનીને એણે યુદ્ધમાં પણ ભાગ લીધો. એની વિશિષ્ટતા માટે એમને કેટલાય પુરસ્કારો પણ મળ્યા. એને પોતાના મિત્રો પરિચિતોમાં અઢળક સ્નેહપ્રેમ મળ્યાં. આવાં અનેક ઉદાહરણો આપીને આ વર્ગખંડની પદ્ધતિને શિક્ષક જીવંત બનાવી શકે.

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.