(ગતાંકથી ચાલુ)

સ્વામી વિવેકાનંદજીએ બર્કશાયરમાં જે ‘મીડ્‌સ હાઉસ’માં નિવાસ કર્યો હતો તેની મુલાકાત લઈ ‘બોર્ન એન્ડ’ના વેદાંત સેન્ટરમાં રાત્રે ૮ વાગ્યે અમે પાછા ફર્યા ત્યારે પણ અજવાળું હતું. યુરોપમાં આ એક મજેદાર વાત છે રાત નવ-દશ વાગ્યા સુધી અજવાળું રહે; ખબર પણ ન પડે કે રાત પડી ગઈ છે! રાતના પોણા નવ વાગ્યે આશ્રમના બધા અંતેવાસીઓ જમવા માટે ભેગા થયા. રામકૃષ્ણ મઠ-મિશનના વિદેશના બધા કેન્દ્રોમાં પણ ભારતના કેન્દ્રોની જેમ ભોજન પહેલાં ગીતાના ચોથા અધ્યાયના ૨૪મા શ્લોકનું સામુહિક ઉચ્ચારણ થાય છે.

બ્રહ્માર્પણં બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ્‌ ।
બ્રહ્મૈવ તેન ગંતવ્યં બ્રહ્મકર્મ સમાધિના ॥

પરંતુ અહીં યુ.કે.ના અને યુરોપના અન્ય કેન્દ્રોમાં શ્રીમા શારદાદેવીના સુપ્રસિદ્ધ અંતિમ ઉપદેશની પણ આવૃત્તિ કરવામાં આવે છે : ‘જો શાંતિ ચાહતા હો તો કોઈના દોષ જોશો નહિ, દોષ જોજો પોતાના. આ જગતમાં કોઈ પારકું નથી, બધાંને પોતાના કરી લેતાં શીખો.’ બોર્ન એન્ડના આશ્રમમાં આશ્રમના અધ્યક્ષ સ્વામી દયાત્માનંદજી સિવાય અન્ય બે વિદેશમાં જન્મેલ સંન્યાસીઓ (સ્વામી ત્રિપુરાનંદજી અને સ્વામી શિવરૂપાનંદજી) અને અન્ય ત્રણ-ચાર અંતેવાસીઓ રહે છે, જેઓ બુક-સ્ટોલ, ઓફિસ, મંદિર, બગીચા વગેરેની દેખરેખ કરે છે, રસોડાનું કાર્ય- રસોઈ કરવી, વાસણ માંજવા વગેરે કાર્યો પણ વારાફરતી કરે છે. (વિદેશમાં નોકર રાખવાની કલ્પના પણ કોઈ ન કરે). ગેસ્ટ હાઉસમાં પણ અવારનવાર ભક્તો આવતા-જતા હોય માટે આશ્રમ ભર્યો ભર્યો રહે છે. અંતેવાસીઓમાં ઘણા વિદેશી છે માટે જમવામાં વિદેશી વાનગીઓ હોય, સાઉથ ઇન્ડીયન વાનગીઓ પણ હોય. અંતેવાસીઓમાં એક આધેડ ઉંમરના ગુજરાતીભાઈ ઘણા વર્ષોથી આ આશ્રમમાં રહે છે – શ્રી વિનુભાઈ ભટ્ટ. તેમણે વળી મારા અને ભોગીભાઈ માટે ગુજરાતી વાનગીઓ બનાવી. આમ રાત્રે ભોજન સરસ રહ્યું. ભોજન પછી બધા અંતેવાસીઓ સાથે બેસી સામુહિક પાઠ કરે છે, પાઠ પછી અલકમલકની વાતો થઈ. હવે પેકિંગના કાર્યમાં અમે લાગી ગયા કારણ કે બીજે દિવસે સવારે ૬ વાગ્યે યુરોપના દેશો- નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્વીટ્‌ઝર્લેન્ડ વગેરેની યાત્રા માટે કાર દ્વારા રવાના થવાનું હતું.

૨૯મી એપ્રિલે સવારે નાહીધોઈ તૈયાર થઈ લગભગ ૫.૪૫ વાગ્યે રવાના થયા. રવાના થતાં પહેલાં શ્રી વિનુભાઈ ભટ્ટે સવારના પહોરમાં ભાવપૂર્વક ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી, તેને ન્યાય આપ્યો. નેધરલેન્ડ પહોંચતાં સાંજ થશે એની ખબર હતી માટે સાથે નાસ્તો લીધો. કારમાં સામાન મુકતી વખતે જોયું તો પાછળની ડીકી તો સામાનથી ભરાઈ ગઈ હતી. ભોગીભાઈએ લંડનથી તેમનાં બહેન પાસે મોટો ડબ્બો ભરીને થેપલાં બનાવડાવ્યા હતા તે ડબ્બો હતો. વળી મમરા ભરેલો એક કોથળો જોયો. મેં ભોગીભાઈને પૂછ્યું, ‘આટલું બધું શા માટે લીધું છે?’ ભોગીભાઈએ જવાબ આપ્યો, ‘એ તમને પછી ખબર પડશે.’ ખરેખર પછી ખબર પડી કે યુરોપમાં ભારતીય ભોજન મળવું કેટલું મુશ્કેલ છે. લંડનમાં તો ઘણા ગુજરાતીઓ વસે છે માટે ગુજરાતી ખાવાનું બધે મળે પણ યુરોપના દેશોમાં યાત્રા કરતી વખતે જેઓ શાકાહારી છે અને બ્રેડ-બટર-ચીઝ વગેરે નથી લેતા તેઓ માટે મુશ્કેલી પડે. દહીં ઘણા પ્રકારનું મળે, દૂધ અને દૂધની સામગ્રીઓ પણ બધે મળે, ફળો પણ મળે, એનાથી ચલાવી શકાય પણ બધું ખૂબ જ મોંઘું. યુ.કે.માં પાઉન્ડનું જ ચલણ છે, યુરોપમાં હવે લગભગ બધી જગ્યાએ યુરોનું ચલણ છે. એક કપ દહીંના ૪ યુરો એટલે કે ૨૨૦/- રૂ. આપવા પડે. એક કપ ચાના ૨ યુરો ૧૧૦/- રૂ.! ૧૪ મેના રોજ ઝુરિક (સ્વીટ્‌ઝર્લેન્ડ) થી મુંબઈની ફલાઈટ મેં લીધી ત્યાં સુધી આ થેપલા અને મમરા ચાલ્યા. ઘણીવાર યાત્રા દરમિયાન સવારના મારા નાસ્તામાં મમરા સાથે થેપલા હોય તો બપોરના અને રાત્રે જમવામાં થેપલા સાથે મમરા! ભોગીભાઈ એ દૂરદર્શિતા વાપરીને લીધેલા થેપલા અને મમરાએ યાત્રામાં રંગ રાખ્યો!

૨૯ મીએ સવારના લગભગ ૮.૩૦ વાગ્યે હું અને ભોગીભાઈ કાર દ્વારા હારવીચ બંદર પહોંચી ગયા. ઝરમર વરસાદ ચાલતો હતો તો પણ યાત્રામાં વિશેષ તકલીફ ન પડી. હવે અમારે ફેરી સ્ટીમર દ્વારા યાત્રા કરવાની હતી કારણ કે અંગ્રેજ ખાડી પાર કરવી જ પડે. અમે સુપ્રસિદ્ધ સ્ટેનલાઈન હાઈસ્પીડ સર્વિસની ટિકીટ ખરીદી, જે વિશ્વની સૌથી વધુ ઝડપી સ્ટીમર ગણાય છે. સ્ટીમર ખૂબજ સુંદર હતી. ભોંયતળિયે કાર રાખવાની વ્યવસ્થા હતી અને ઉપરના માળે બેસવાની સુંદર વ્યવસ્થા હતી. રેસ્ટોરન્ટ, બુકસ્ટોલ, માર્કેટિંગ કોમ્પ્લેક્સ, મ્યુઝીક સેન્ટર વગેરે મનોરંજનના કેટલાય સાધનો પણ હતા. ડીલક્સ ટિકીટ ખરીદે તેઓ માટે તો લકઝરી સીટોની પણ વ્યવસ્થા હતી, લાગે જ નહિ કે સ્ટીમરમાં બેઠા છીએ. પરંતુ કિંમત પણ એવી ચુકવવી પડે! અમે સાધારણ ક્લાસની ટિકીટ લીધી હતી છતાં કારને લઈ જવાના ૨૬૫ પાઉન્ડ આપવા પડ્યા. તેની સાથે એક વ્યક્તિ વગર ટિકિટે જઈ શકે, એટલે ભોગીભાઈને અલગથી પોતાના માટે ટિકિટ ન ખરીદવી પડી, પણ મારા માટે તેમને અલગથી ૩૫ પાઉન્ડની ટિકિટ ખરીદવી પડી. સ્ટીમર એટલી ઝડપથી જઈ રહી હતી કે સાડાચાર કલાકમાં અમને હોલેન્ડના બંદરે પહોંચાડી દીધા. અમે સવારના ૧૦.૪૦ વાગ્યે યાત્રા શરૂ કરી અને બપોરના લગભગ ૩.૨૦ વાગ્યે હોલેન્ડ પહોંચી ગયા. આટલો સમય ડેક પર ઊભા રહીને સાગરની તરંગોને જોતાં જોતાં નાસ્તો કરતાં કરતાં બુકસ્ટોલ વગેરે જોતાં જોતાં ક્યાંય પસાર થઈ ગયો. ખબર પણ ન પડી. સ્વામી વિવેકાનંદજીએ સ્ટીમર દ્વારા જ્યારે આ અંગ્રેજ ખાડી પાર કરી ત્યારે ભયંકર તોફાનનો સામનો કરવો પડ્યો હતો. પણ અમને ઈશ્વરની કૃપાથી એવી કોઈ મુશ્કેલી નડી નહિ અને નિર્વિઘ્ને ‘હૂક ઓફ હોલેન્ડ’ બંદરે આવી પહોંચ્યા.

સ્ટીમરમાંથી કારને ઉતારીને અમે નેધરલેન્ડના રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્ર રામકૃષ્ણ વેદાંત સેન્ટર તરફ જવા રવાના થયા જે ‘એમ્સટર્ડમ’ શહેરની પાસે ‘એમ્સ્ટલવીન’માં અવસ્થિત છે. માર્ગો ખૂબ જ પહોળા અને સુંદર હતા. દર પાંચ કિલોમીટર પર સર્વિસ સ્ટેશનો આવતા હતા. આ સર્વિસ સ્ટેશન પર ફક્ત પેટ્રોલ જ ન મળે, રેસ્ટોરન્ટ હોય, શોપિંગ સેન્ટર હોય, સુંદર સ્વચ્છ ટોઈલેટની વ્યવસ્થા હોય. માર્ગની બન્ને તરફ માઈલો સુધી પથરાયેલ મોટા ખેતરો જોયા, નેધરલેન્ડમાં ડેન્માર્કની જેમ પશુપાલનનો ધંધો ખૂબ વિકસ્યો છે. ચારે તરફ લીલાછમ ખેતરો જોવા મળે. વચ્ચે વચ્ચે સુંદર નહેરો જોવા મળે. અમારી કાર ૧૫૦ કિ.મી.ની ઝડપે ચાલતી હતી. તો પણ રસ્તા એટલા સારા હતા કે જરાય મુશ્કેલી ન પડે.

અમારી કાર દ્વારા યુરોપની યાત્રા દરમિયાન ઘણીવાર રમુજી ઘટનાઓ બનતી. હું અને ભોગીભાઈ પાછળથી આ ઘટનાઓને લોરેલ-હાર્ડીની ફિલ્મોના દૃશ્યો સાથે સરખાવીને ખૂબ હસતા.

એમ્સ્ટલીન જતી વખતે રસ્તામાં એકવાર ટ્રાફિક સિગ્નલની પાસે બધી કારો ઊભી હતી. અમે પણ એક કારની પાછળ થોડા અંતરે કાર ઊભી રાખી. એન્જિન ચાલુ હતું. ભોગીભાઈ રોડમેપ (નક્શો) જોઈ રહ્યા હતા, કારણ કે ત્યાં નક્શા જોઈને જ ગંતવ્ય સ્થળે પહોંચવું પડે, ભારતની જેમ ત્યાં ચાની લારીઓ કે પાનના ગલ્લા ન હોય કે કોઈને પણ રસ્તો પૂછી લેવાય. અચાનક મેં જોયું કે અમારી કાર તો ધીરે ધીરે આગળ જવા માંડી અને હજુ તો મેં રાડ પાડી, ‘ભોગીભાઈ, કાર તો સ્ટાર્ટ થઈ ગઈ!’ ત્યાં તો જોરદાર ધડાકો થયો અને અમારી કાર સામેની કાર સાથે અથડાઈ ગઈ. અમને લાગ્યું કે જરૂર મોટું નુકસાન થયું હશે. સામેની કારમાં એક યુરોપિયન યુવક-યુવતી હતાં, યુવતી તો હેબતાઈ ગઈ અને રડવા જેવી થઈ ગઈ. અને એ સ્વાભવિક હતું, કારણ કે ધડાકો ખૂબ જોરદાર થયો હતો. પણ આશ્ચર્યની વાત – ઈશ્વરની કૃપાથી કોઈને ઈજા ન થઈ. બંનેમાંથી એકેય કારને પણ નુકશાન ન થયું. યુવકે નીચે ઊતરીને બધી ખાતરી કરી કે સાધારણ સ્ક્રેચ સિવાય કંઈ નુકશાન નથી થયું. અમે ક્ષમા યાચના કરી એટલે એ ભલો યુવક કારમાં બેઠો અને આગળ ચાલ્યો, કાંઈ બોલ્યો નહિ. સામાન્ય રીતે આવા અકસ્માતો વખતે ત્યાં યુરોપમાં પોલિસ રીપોર્ટિંગ વગરેમાં ઘણો સમય બરબાદ થઈ જાય, પણ અમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી નહિ. ‘રામ રાખે તેને કોણ ચાખે!’

એમ્સ્ટલવીનના વિસ્તારમાં પહોંચ્યા પછી હજી એક રમુજી ઘટના બની. આમ તો ભોગીભાઈ છ મહિના ભારતમાં રહે અને છ મહિના લંડનમાં રહે અને લગભગ દર વર્ષે લંડનથી પોતાની કાર લઈ યુરોપના વિભિન્ન કેન્દ્રોમાં જાય અને સ્વામીજીઓને એક સ્થળેથી બીજા સ્થળે પ્રવચનો, કોન્ફરન્સ વગેરે માટે પોતાની કારમાં લઈ જાય અને હોલેન્ડના સેન્ટરમાં લગભગ દર વર્ષે આવીને થોડો સમય ગાળી પોતાની સેવા આપે એટલે આશ્રમનો રસ્તો તેમને ખબર હતો છતાં એક વર્ષથી આવ્યા ન હતા માટે સુનિશ્ચિત કરવા માટે કે રસ્તો તો બરાબર છે તેઓ મુખ્ય રસ્તા પરથી અંદરના રસ્તે વળ્યા. ત્યાં હોલેન્ડમાં કારો માટે અલગ રસ્તા હોય અને સાયકલો માટે અલગ રસ્તા હોય. ત્યાં યુરોપમાં ભારત કરતાં મોટર સાયકલનું પ્રમાણ બહુ જ ઓછું જોયું. અલબત્ત હોલેન્ડ, સ્વીટ્‌ઝર્લેન્ડ વગરે દેશોમાં સાયકલો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. સાયકલો રાખવા માટે સ્ટેશનો પર અને અન્ય સ્થળોએ વિશેષ વ્યવસ્થા હોય, ટ્રેનોમાં સાયકલો રાખવા માટે અલગ વ્યવસ્થા હોય, સાયકલો માટે રસ્તાઓ પણ અલગ હોય. અમે ભૂલથી આવા સાયકલના રસ્તા પર આવી ચડ્યા તો ત્યાં તો જોયું કે સામેથી પૂરઝડપે એક સાયકલસવાર આવી રહ્યો હતો. અમારી કાર ઓછી સ્પીડમાં હતી પણ તે ફૂલ સ્પીડમાં હતો. અચાનક અમારી કારને સાયકલના રસ્તા પર જોઈને તે હેબતાઈ ગયો, તેનો ચહેરો તો જોવા જોવા થઈ ગયો. પણ ભોગીભાઈએ તુરત સિફતપૂર્વક કારને ખેતરમાં વાળી લીધી અને સાયકલ સવાર સડસડાટ આગળ નીકળી ગયો. એકાદ મિનિટનો પણ વિલંબ થયો હોત તો શું થાત તેની કલ્પના જ કરવી રહી. પણ ગુરુવારના દિવસે પરમ ગુરુ શ્રીરામકૃષ્ણ સાથે હતા એટલે સહીસલામત અમે સાંજે લગભગ ૫ વાગ્યે સેન્ટરમાં પહોંચી ગયા.

અમે પહોંચ્યા ત્યારે સેન્ટરના અધ્યક્ષ પૂ. સ્વામી સર્વાત્માનંદજી પોતાના ગુરુવારના સાપ્તાહિક સત્સંગની પૂર્ણાહુતિ કરી રહ્યા હતા, એથી સેન્ટરમાં નિયમિત આવતા થોડા ભક્તોને મળવાની પણ તક મળી. પ્રાર્થના ભવનમાં પ્રણામ કરી સત્સંગ ભવનમાં બધા ભક્તો સાથે ચા પીતાં-પીતાં વાતચીત કરી. હોલેન્ડમાં રામકૃષ્ણ મઠ અને મિશનનું ઔપચારિક કેન્દ્ર શરૂ થયું તે પહેલાં અનૌપચારિક કેન્દ્રના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા મિ. ફ્રેન્ક લીઝ. મને તેમને મળવાની ખૂબ જ ઇચ્છા હતી કારણ કે આજથી લગભગ દશ વર્ષ પહેલાં તેમનો એક લેખ ‘વેદાંત અને મેનેજમેન્ટ’ આ જ સામયિકમાં પ્રકાશિત થયો હતો. તેઓ એક મલ્ટીનેશનલ કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ હતા એટલે તેમની સાથે મારે આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવી હતી. પુછપરછ કરતાં ખબર પડી કે તેઓ થોડા વર્ષો પૂર્વે ગુજરી ગયા છે. પણ તેમનાં પત્ની ત્યાં જ બેઠા હતા. તેઓ નિયમિત સેન્ટરમાં આવે છે. ત્યાંના ભક્તો તેમને ‘સુજાતા’ને નામે ઓળખે છે, જો કે તેઓ ડચ છે. તેમણે બીજે દિવસે તેમના સ્વર્ગસ્થ પતિના જુના કાગળો શોધીને મારી સાથે તેમનો થયેલ પત્ર વ્યવહાર અને મેનેજમેન્ટ વિષય પરના તેમના અપ્રકાશિત લેખો વગેરે આપ્યા.

થોડીવાર પછી પ્રાર્થના ભવનમાં સંધ્યા આરતી થઈ. રામકૃષ્ણ મઠ-મિશનના બધા કેન્દ્રોમાં સ્વામી વિવેકાનંદજીએ પોતે રચેલ ‘ખંડન-ભવ-બંધન’ એ આરતી સ્તવન સાંધ્ય આરતી વખતે ગવાય છે.

સાંધ્ય આરતી પછી પૂ. સર્વાત્માનંદજી તેમના નિત્યક્રમ પ્રમાણે ફરવા નીકળ્યા. હું પણ તેમની સાથે ગયો અને સેન્ટરથી થોડે દૂર ઢળતા સૂર્યના કિરણો વચ્ચે વિશાળ ખેતરો, નહેરો વગેરે પ્રાકૃતિક દૃશ્યો જોયા અને તાજગી અનુભવી. ચાલતાં ચાલતાં નેધરલેન્ડ વિશે અને ત્યાંના વેદાંત સેન્ટર વિશે ઘણી માહિતી મેળવી.

નેધરલેન્ડ વિશે મજેદાર કહેવત છે કે બાકી બધા દેશોનું નિર્માણ ઈશ્વરે કર્યું, પણ નેધરલેન્ડનું નિર્માણ ડચ લોકોએ કર્યું! ખરેખર નેધરલેન્ડ (પાતાળનો દેશ) પોતાના નામ પ્રમાણે સમુદ્ર તટની નીચે અવસ્થિત છે, ડચ લોકોએ સખત પરિશ્રમ દ્વારા સુંદર ડાઈક્સ દ્વારા સમુદ્રને બાંધી રાખ્યો છે; ફળદ્રૂપ જમીન સમુદ્રમાંથી મેળવી છે. સાગર તટની નીચે આવેલ જમીનમાં લગભગ દોઢ કરોડ લોકો સલામતીપૂર્વક રહે છે. ડચ લોકો મહેનતુ છે. અનેક સૈકાઓ પૂર્વ તેઓએ પવનચક્કીનું નિર્માણ કર્યું. લગભગ ૧૪૦૦ પવનચક્કીઓથી તેઓ ઊર્જા પેદા કરે છે.

સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ પૂ સ્વામી રંગનાથાનંદજી મહારાજે અનેક વર્ષો સુધી ભારતના સાંસ્કૃતિક એમ્બેસેડર રૂપે વિશ્વપ્રવાસ કર્યા હતા. તેઓ આ પ્રવાસ હોલેન્ડથી પ્રારંભ કરતા. હોલેન્ડનું રામકૃષ્ણ મઠ-મિશનનું કેન્દ્રને એમની આ ૧૯૭૧ થી ૧૯૮૬ સુધીની વાર્ષિક મુલાકાતોનું જ પરિણામ ગણાવી શકાય. જો કે એ પહેલાં પણ રામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસી પૂ. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ ૧૯૩૩ થી ૧૯૩૯ સુધી જર્મનીમાં રહ્યા હતા. અને પ્રવચન માટે જર્મનીથી અવારનવાર હોલેન્ડ આવતા હતા. આમ શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ-વેદાંત ભાવધારા હોલેન્ડમાં વહેતી તો હતી પણ વિધિવત કેન્દ્ર ન હતું. ઈ.સ. ૧૯૯૦માં હોલેન્ડમાં વિધિવત કેન્દ્રની સ્થાપના થઈ. પ્રથમ અધ્યક્ષ બન્યા. બ્રહ્મલીન સ્વામી ચિદ્‌ભાસાનંદજી. હવે સ્વામી સર્વાત્માનંદજી આ વેદાંત સેન્ટરનું સંચાલન કરી રહ્યા છે. કેન્દ્રનું પોતાનું બે માળનું મકાન છે. રવિવારે અને ગુરુવારે ભક્તો ભેગા મળી સત્સંગ કરે છે. કથામૃતનું વાંચન પણ થાય છે.

૩૦ એપ્રિલે સવારે અમે મિ. જો વાન ઓર્શોવેને મળવા ગયા. પૂ. સ્વામી રંગનાથાનંદજી મહારાજના એ વિશિષ્ટ ચાહક છે. જ્યારે જ્યારે પૂ. સ્વામી રંગનાથાનંદજી મહારાજ હોલેન્ડ આવતા ત્યારે તેમના જ ઘરે અતિથિ રૂપે રહેતા. તેમના ત્રણેય પુત્રોના નામ પણ પૂ. સ્વામી રંગનાથાનંદજી મહારાજે નરેન્દ્ર, રાખાલ અને તારક એમ આપ્યા હતા. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ-વેદાંત ભાવધારામાં ડૂબેલા આવા નેધરલેન્ડના ભક્તને મળવાની મને ખૂબ જ ઇચ્છા હતી. આથી વેદાંત સેન્ટરના અંતેવાસી મી. દાવે અને સ્વામી સર્વાત્માનંદજી સાથે હું અને ભોગીભાઈ ગયા. ઘર બંધ હતું. કેટલીયવાર ઘંડટી વગાડી પણ કોઈ જવાબ જ ન આપે. અમે ચિંતામાં પડી ગયા. કારણ કે સાંભળ્યું હતું કે તેઓ સાવ એકલા રહે છે; એડિસર્ડન્ટ પછી પરવશ થઈ ગયા છે. શું થયું છે જોવા મિ. દાવે પાછળના દરવાજેથી અંદર ગયા અને જોયું તો તેઓ ગાર્ડનમાં એકલા જ કામ કરી રહ્યા હતા. અમને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા. તેમના ઘરમાં લઈ ગયા. તેમણે વાત કરી કે તેમના ત્રણેય દીકરાઓ અલગ સ્થળોએ કાર્યરત છે અને તેમનાં પત્ની પણ અલગ રહે છે. (યુરોપમાં પરિવારજનો અલગ અલગ રહે છે એ સામાન્ય બાબત છે.) એમણે આનંદથી ભાવભર્યું સ્વાગત કર્યું. ઘણી ઘણી વાતો પણ થઈ. શિકાગો ધર્મ સભાના શતાબ્દી પ્રસંગે કલકત્તામાં ૧૯૯૩માં ઓલ ઇન્ડિયા કન્વેન્શન યોજાયું હતું. તેમાં લગભગ દસ હજાર પ્રતિનિધિઓ દેશવિદેશથી આવ્યા હતા, તેમાં પ્રવચન આપવા માટે તેઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે આટલી મોટી મેદની સાથે ક્યારેય ભાષણ આપ્યું ન હતું. જ્યારે તેમનો બોલવાનો ક્રમ આવ્યો ત્યારે શરૂઆતમાં જ તેમણે કહેલું હતું કે ‘હું તો નર્વસ હતો કશું જ બોલી શકું તેમ ન હતો અને મને ચિંતા પણ થતી હતી કે મારાથી નહિ બોલાય, પણ મારા દીકરા નરેન્દ્રે આજે જ નેધરલેન્ડથી ટેલીગ્રામ કરી મને કહ્યું કે ડેડી, તમે નર્વસ બનતા નહિ. શ્રીરામકૃષ્ણદેવ તમારી સાથે જ છે, તમે સરસ બોલી શકશો. ૧૯૯૩માં બનેલી એમના જીવનની ઘટના મેં તેમને યાદ દેવડાવી. અગિયાર વર્ષ પછી મારા મુખેથી આ વાત સાંભળીને તેઓ ભાવવિભોર થયા. વાતચીતના પ્રસંગમાં તેમણે પોતાની ધર્મપરાયણ માતાનું સ્મરણ કર્યું. તેમણે જણાવ્યું કે તેઓ જ્યારે સાત વર્ષના હતા ત્યારે બેલ્જિયમના લોકોએ તેમના પિતાને મારી નાખ્યા. એ વખતે તેમને તેઓ પર એટલો ક્રોધ આવ્યો હતો કે તેઓને મારી નાખવાની ઇચ્છા થઈ હતી. પણ તેમની માતાએ તેમને શાંત કર્યા અને સદ્‌ગત પિતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનું કહ્યું. તેમના માતા એટલા ભલા હતા કે જેઓએ તેમના પિતાને મારી નાખ્યા હતા. તેઓના કલ્યાણ માટે પણ તેમણે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. આ કહેતી વખતે મિ. જો રડી પડ્યા. હું તેમની માતૃભક્તિ અને તેમની માતાની મહાનતાને મનોમન વંદી રહ્યો. વિદેશની ધરતી પર પણ ભારતીય પ્રાચીન આર્ય માતાઓ જેવી જ માતાઓ નિવાસ કરે છે, જાણી મારી પાશ્ચાત્ય દેશો વિશેની ધારણામાં થોડું પરિવર્તન આવ્યું. ભોગવાદથી ગ્રસ્ત પાશ્ચાત્ય દેશોમાં પણ આધ્યાત્મિકતાની જ્યોત જલાવી રાખનાર વ્યક્તિઓ વસે છે. અને ખ્રિસ્તી ધર્મના સાચા અનુયાયીઓ કેવા ભલા હોય છે એ જાણી શ્રીરામકૃષ્ણદેવના સર્વધર્મસમન્વયના આદર્શ અને સ્વામી વિવેકાનંદજીના વિશ્વબંધુત્વના આદર્શ પર શ્રદ્ધા વધુ દૃઢ બની. આમ વાતચીત કરતાં કરતાં લગભગ બે કલાકથી પણ વધુ સમય ક્યાં વીતી ગયો તેની ખબર પણ ન પડી. 

મિ. જોના ઘેરથી આશ્રમ પાછા ફરતી વખતે એક મજેદાર ઘટના બની. તે દિવસે નેધરલેન્ડની રાણીનો જન્મદિવસ હતો, આથી રજાનો દિવસ હતો. ત્યાંનો રિવાજ એવો છે કે રાણીનો જન્મદિવસ નેધરલેન્ડમાં પરંપરાગત કેસરી કપડાં અને માથે ટોપી પહેરીને ઉજવાય. આથી ઘણા લોકોએ એવો પોશાક પહેર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ પણ એવા પોશાક પહેરીને જન્મદિવસની ઉજવણીના મેળામાં જતા હતા. તેમણે મારો ભગવો પોષાક જોઈને માની લીધું કે હું પણ રાણીના જન્મદિવસના ઉજવણી કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. આથી તેઓ મને જોઈને ખુશ થઈ હાથ હલાવવા માંડ્યા. હસતાં હસતાં મેં પણ હાથ હલાવીને અભિવાદન કર્યું.

૩૦મીએ સાંજે અમે ફૂલોનું પ્રદર્શન જોવા ગયા. વિશાળ ખેતરોમાં દૂર દૂર સુધી સુંદર ફૂલો પથરાયેલ હતા. ત્યાંના મુખ્ય ફૂલનું નામ છે ટ્યુલીપ્સ પીળો, લીલો, જાંબલી, વગેરે વિવિધ રંગોથી ભરેલા આ પુષ્પોના ખેતરો જોઈ એવું લાગ્યું કે અહીં ધરતી માતા કેટલી પ્રસન્ન છે. હોલેન્ગ જેમ દૂધના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે તેમ ફૂલોના ઉત્પાદન માટે પણ પ્રસિદ્ધ છે. આ બંનેની નિકાસ દ્વારા જ હોલેન્ડ સમૃદ્ધ બન્યું છે. માઈલો સુધી પથરાયેલ ફૂલોને જોતાં જોતાં દોઢ કલાકનો સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર પણ ન પડી. સ્વામી વિવેકાનંદ જ્યાં ત્રણ દિવસ રહ્યા હતા તે વિક્ટોરિયા હોટેલ મારે જોવી હતી. એટલે ફૂલોના પ્રદર્શન જોવાનું જતું કર્યું. માત્ર બહારથી તેનું દર્શન કરી ફૂલોના ખેતરોના ફોટા લીધા અને આશ્રમ પાછા ફર્યા. ત્યાં સંધ્યા આરતી કરી લોકલ રેલ્વે સ્ટેશન ગયા. ટ્રેનમાં બેસીને અમે એમ્સ્ટરડેમ સ્ટેશન પર આવ્યા. રાણીનો જન્મદિવસ લોકો ઉજવી રહ્યા હતા. એટલે સ્ટેશનની પાસે મેળો ભરાયો હતો. જો કે અમે ગયા ત્યારે એ મેળો લગભગ પૂરો થઈ રહ્યો હતો. સ્ટેશનની સામે જ વિક્ટોરિયા હોટેલ હતી. એ જ પુરાણી હોટેલ કે જ્યાં સ્વામી વિવેકાનંદ ત્રણ દિવસ, (૧૨-૧૩ અને ૧૪ સપ્ટેમ્બર ૧૮૯૬) રહ્યા હતા. અહીં જ રહીને એમણે હોલેન્ડના કલાધામો, સંગ્રહસ્થાનો વગરેની મુલાકાત લીધી હતી. આથી આ હોટેલમાં પ્રવેશ કરી આનંદ થયો. આ બધું જોઈ અમે ટ્રેન દ્વારા પાછા ફર્યા. ત્યારે રાત પડી ગઈ હતી.

૧ મેના રોજ સવારે ૮.૩૦ વાગ્યે ચા-નાસ્તો પતાવી હોલેન્ડ સેન્ટરની વિદાય લઈ કાર દ્વારા જર્મની જવા રવાના થયા. એ પહેલાં અમે ત્યાંના સેન્ટરના ભવનનો અને અંતેવાસીઓનો ફોટો લઈ લીધો.

(ક્રમશ:)

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.