રાજકોટ જિલ્લાના આચાર્યો માટે મૂલ્યશિક્ષણ શિબિર

વિદ્યાર્થીઓમાં દૈવત્વનું પ્રાગટ્ય એ જ મૂલ્યશિક્ષણ, દરેક શાળાઓમાં પ્રતિદિન વિદ્યાર્થીઓ એક મિનિટનું ધ્યાન અને બે મિનિટ પ્રાર્થના તથા સકારાત્મક વિચારસરણી કેળવવા પ્રયાસ કરે તો પ્રત્યેક શાળા પોતાના વિદ્યાર્થીઓમાં અને તેમના અભ્યાસકાર્યમાં ક્રાંતિકારી વિકાસ સાધી શકશે. વિદ્યાર્થીઓ હિંમત અને રાષ્ટ્રિયભાવનાથી છલોછલ બનશે. આ શિખ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ આશ્રમ ખાતે એકઠા થયેલા શહેર જિલ્લાઓની ૩૬૦ શાળાઓના આચાર્યશ્રીઓને આપી હતી.

રાજકોટના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ વખત મૂર્તિમંત ઘટેલી આ ઘટના અંતર્ગત રાજકોટ શહેર જિલ્લાની શાળાઓના કુલ મળીને ૩૬૦ આચાર્યો એક જ પ્રાંગણમાં મૂલ્યલક્ષી કેળવણી- જ્ઞાનશિબિર માટે એકઠા થયા હોય. રા સરકારના શિક્ષણવિભાગ વતી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વી.બી. ભેંસદળિયાના પ્રયાસથી આ મૂલ્યલક્ષી કેળવણી- જ્ઞાનશિબિરનું આયોજન કરાયું હતું. શિબિરમાં સ્વામી જિતાત્માનંદજી દ્વારા મૂલ્યલક્ષી કેળવણી પર કરાયેલા મનનીય ઉદ્‌બોધનમાં જણાવાયું હતું કે દરેક વિદ્યાર્થીમાં રહેલા ઈશ્વરને ઓળખવો તે જ મૂલ્યલક્ષી કેળવણી છે. શિક્ષણનો અર્થ ફક્ત અર્થોપાર્જનનો નહિ પરંતુ વિદ્યાર્થીમાં રહેલી આંતરિક પૂર્ણતા તેમજ તેનું કૌશલ્ય બહાર લાવવાનું માધ્યમ શિક્ષણ બને તે જરૂરી છે. જ્યારે આંતરિક દૈવત્વ જાગે છે ત્યારે ગીતાના અંતિમ શ્લોક અનુસાર સફળતા, સંપત્તિ અને વિશુદ્ધ ચારિત્ર્ય પ્રાપ્ત થાય છે. ડાબીબાજુનું મસ્તિષ્ક આપણને સ્વાર્થી તેમજ એકલપેટા જીવવાનું શીખવે છે, જ્યારે જમણીબાજુનું મસ્તિષ્ક બહુજન હિતાય, બહુજન સુખાય (બુદ્ધિઝમ), પરોપકાર અથવા પરહિત ચિંતન (જૈનીઝમ), મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવા (સ્વામી વિવેકાનંદ), આ આદર્શો એ જ બેરિસ્ટર મોહનદાસ ગાંધીને મહાત્મા ગાંધીમાં પરિવર્તિત કર્યા હતા. મનુષ્યોમાં રહેલો ઈશ્વર ધ્યાન, પ્રાર્થના કે ૐ થી જાગ્રત થાય છે (ખ્રિસ્તીઓમાં આમેન, મુસ્લીમોમાં આમીન). તમામ ઉચ્ચ માનવમૂલ્યો જેવા કે પ્રેમ, સેવા, બલિદાન, સચ્ચાઈ, ભગવદ્‌ ભક્તિ અને પ્રાર્થના જેવા ગુણો પ્રગટાવે છે.

સ્વામી જિતાત્માનંદજીએ ઉપસ્થિત આચાર્યોને પોતાની શાળાઓને મંદિર બનાવવા અનુરોધ કર્યો હતો. જે માટે શાળાના પ્રાંગણ અને વર્ગખંડોની સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો હતો. શાળામાં વૃક્ષારોપણની હિમાયત કરતા સ્વામીજીએ વિદ્યાર્થીઓમાં માનવતા જગાવવા અને સામાન્યજન પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવા દર બે મહિને શ્રમયજ્ઞ યોજાય તેવો પણ અનુરોધ કર્યો હતો. પ્રશ્નોત્તરી અને આચાર્યોના પ્રતિભાવો અને મૂલ્યલક્ષી કેળવણીનાં પોતાની શાળામાં શરૂ કરવાનાં અનુકાર્યોનો રસપ્રદ કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમના બીજા સત્રમાં રાજકોટ શહેર આચાર્યસંઘ દ્વારા પ્રસિદ્ધ થયેલ ‘કર્મયોગી’ નામની શિક્ષકો માટેની લોગબૂકનું વિમોચન સ્વામી જિતાત્માનંદજીએ કર્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભેંસદળિયાએ આચાર્યોને આ જ્ઞાનશિબિરમાં આવકાર્યા હતા અને સર્વેને સદ્‌વિચારોનું અનુકરણ કરવા વિનંતી કરી હતી. સ્વામી જિતાત્માનંદજી દ્વારા ઉપસ્થિત સર્વે આચાર્યોને ‘હરિ ૐ’ તથા ‘ચિદાનંદ રૂપ: શિવોઽહમ્‌’ દ્વારા ધ્યાન કરાવાયું હતું. જ્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમ વતી શ્રી મનસુખભાઈ મહેતાએ આચાર્યોને આવકાર્યા હતા.

‘ફાઉન્ડેશન ફોર યુનિટિ ઓફ રિલિજન્સ એન્ડ એન્લાઈટન્ડ સિટિઝનશીપ’નું સંમેલન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સભાખંડમાં આપણા સન્માનનીય રાષ્ટ્રપતિની નિશ્રામાં સ્થપાયેલ ‘સર્વધર્મઐક્ય અને પ્રબુદ્ધ નાગરિકતા’ની એક સભા ૩૦ જુલાઈના રોજ મળી હતી. આ સભામાં રાષ્ટ્રપતિશ્રી ડો. એપીજે કલામના મુખ્ય પ્રતિનિધિ વાય.એસ.રાજન; જૈન વિશ્વ ભારતી યુનિ., લાડનુ, રાજસ્થાનના ઉપકુલપતિશ્રી સુધામહી રઘુરામન; ખ્રિસ્તીધર્મના બિશપના પ્રતિનિધિ; જૈન ધર્મના શ્રી શશિકાંતભાઈ મહેતા, સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી ત્યાગવલ્લભદાસજી અને સ્વામી જિતાત્માનંદજીએ પોતપોતાના ધર્મતત્ત્વની વાત કરી હતી અને બધા ધર્મો વચ્ચે સુમેળભર્યો સમન્વય કેવી રીતે સાધવો તેની વિગતવાર ચર્ચા થઈ હતી. બધા પ્રતિનિધિઓનો એક જ મત હતો કે આજના વિશ્વને ધર્મના ઝનૂનવાદમાંથી મુક્ત કરવા માટે અને વિશ્વને શાંતિવાળું અને અહિંસક બનાવવા બધા ધર્મોએ સાથે મળીને કામ કરવાનો અવસર આવી ચૂક્યો છે. આ પળ ચૂકીશું તો આપણે સમગ્ર માનવજાતનો દ્રોહ કર્યો છે એવી નોંધ ઇતિહાસમાં લેવાશે.

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ભૂજમાં

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ૨ ઓગસ્ટે મુંબઈથી હવાઈ માર્ગે ભૂજ પધાર્યા હતા. સાથે સ્વામી વાગીશાનંદજી, સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી આદિવભાનંદજી પધાર્યા હતા.

૩ ઓગસ્ટના રોજ શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિર, ભૂજમાં મળેલ ભાવિકજનોએ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. એ સભામાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલ ‘શ્રીરામકૃષ્ણ દર્શનમ્‌’, ‘શ્રીમા શારદાદેવી દર્શન’, ‘શ્રીમા શારદાદેવીની અમૃતવાણી’, ‘અમૃતવાણી’ નામનાં ચાર પુસ્તકોનું વિમોચન થયું હતું. આ પ્રસંગે તેમણે શ્રીઠાકુર શ્રીમા અને સ્વામીજીના સંદેશને જીવનમાં ઊતારવાની શીખ આપી હતી. શ્રીમાના ૧૫૦મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં બહાર પડેલાં પુસ્તકોનું વાચન-મનન ભાવિકજનોને આધ્યાત્મિક જીવનપાથેય પૂરું પાડશે. આ પ્રસંગે સ્વામી વાગીશાનંદજી, સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી આદિભવાનંદજીએ ભક્તજનોને સંબોધન કર્યું હતું.

૪ ઓગસ્ટના રોજ ભૂજ તાલુકાના ધાણેટી ગામમાં નવા બંધાયેલ શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરનો સમર્પણ સમારોહ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે એમણે શ્રીઠાકુરની આરસ પ્રતિમાની પ્રતિષ્ઠાવિધિ પણ કરી હતી. ધાણેટીના ગ્રામજનોએ પરંપરાગત રીતે કુમકુમ તીલક, બેડા નૃત્ય, રાસગરબા સાથેનું ભવ્ય સામૈયું યોું હતું. ભૂજ, માંડવી, આદીપુર, અંજાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભવિકજનોએ આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં ભાગ લીધો હતો. શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ગ્રામજનોને શીખ આપતાં કહ્યું હતું: ‘આ મંદિરમાં શ્રીઠાકુરનાં દર્શન કરતાં રહીને ભક્તિમય જીવન જીવજો.’ તેઓશ્રીએ ૫ ઓગસ્ટના રોજ ૮૦ જિજ્ઞાસુઓને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે અન્ય વરિષ્ઠ સંન્યાસીઓએ ભક્તજનોને સંબોધન કર્યું હતું.

રામકૃષ્ણ મિશન દ્વારા થયેલ રાહતસેવાકાર્યો

આસામના સિલ્ચર, ગુવાહાટી, કરીમગંજનાં કેન્દ્રો દ્વારા કાચાર, મોરીગાઁવ, કામરુપ, કરીમગંજ જિલ્લાનાં પૂરપીડિત ૩૦૭૪ કુટુંબોમાં ચોખા, દાળ, મીઠું, પૌઆ, ગોળ અને તેલનું વિતરણ થયું હતું. ૪ લાખ જેટલી હેલાઝોન ટેબ્લેટના વિતરણ સાથે ફિનાઈલ, બ્લિચિંગ પાઉડર વગેરે આપવામાં આવ્યા હતા. ૫૦૦૦ જેટલા દર્દીઓને ચિકિત્સા સેવાનો લાભ મળ્યો હતો.

બિહારના પટણા, મુઝફ્‌રપુર અને કટિહાર કેન્દ્ર દ્વારા સમસ્તીપુર, દરભંગા, મધુબની, મુઝફ્‌રપુર, વૈશાલી, કટિહાર જિલ્લાના વિવિધ સ્થળોએ પૂરગ્રસ્ત ૨૦૦ જેટલાં ગ્રામ્ય વિસ્તારોનાં તેમજ શહેરી વિસ્તારોનાં ૧૩૦૪૫ કુટુંબીજનોમાં પૌઆ, ગોળ, મીઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧.૯૦ લાખ હેલાઝોન ટેબ્લેટની સાથે મીણબત્તી, બ્લિચિંગ પાઉડર અને બાકસ વગેરેનું વિતરણ થયું. ૧૦૦૦ દર્દીઓને ચિકિત્સાસેવા આપવામાં આવી હતી.

પ. બંગાળના કુચબિહાર કેન્દ્ર દ્વારા કુચબિહાર જિલ્લાના તુફાનગંજ વિસ્તારના ૬ ગામનાં ૩૭૨૫ કુટુંબોમાં પૌઆ, ગોળ, મીઠું વગેરેની સાથે ૧ લાખ હેલાઝોન ટેબ્લેટનું વિતરણ થયું હતું. ૭૨૧ જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

બાંગ્લાદેશના સિલહટ કેન્દ્ર દ્વારા સિલહટ જિલ્લામાં પૂરપીડિત ૨૦૦ કુટુંબોમાં ચોખા, દાળ, મીઠું વગેરેના વિતરણ સાથે ૨૦૦ સાડી, ૨૦૦ લૂંગી, ૪૦૦ ઓ આર એસના પેકેટ મીણબત્તી વગેરેનું વિતરણ થયું હતું.

રામકૃષ્ણ મઠ, પુણેએ અહમદનગર જિલ્લાના ગામડાનાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોને ૧ થી ૨૪ જુલાઈ સુધીમાં ૬ લાખ લિટર પીવાનું પાણી પૂરું પાડ્યું હતું.

પ. બંગાળના માલદા કેન્દ્ર દ્વારા સાગરદીઘી ગામના ૩૦૧ ગરીબ અને અશક્ત લોકોમાં ૫૮ સાડી, ૫૬ લુંગી, ૨ ધોતિયાં, ૧૫ તાલપત્રી, ૩૦૦ કિલો ચોખા, ૬૦ કિલો દાળનું વિતરણ થયું હતું. આ રાહતકાર્ય જરૂર પડ્યે વિસ્તારવામાં આવશે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૯ ઓગસ્ટના રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૩૧ દર્દીઓને ચકાસીને દવા, ચશ્મા અપાયાં હતાં. ૨૩ દર્દીઓનાં ઓપરેશનો શિવાનંદ મિશન, હોસ્પિટલ વીરનગરમાં થયાં હતાં.

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.