(ગતાંકથી આગળ)

પૂજા સમાપ્ત થયા પછી શ્રીમા પોતાના ઓરડાની ઓસરીમાં દરવાજાની સામે છોકરાઓને બેસાડીને જલપાન કરાવી રહ્યાં છે. કેટલાંક મીઠાઈ, ફળ તથા ‘પીઠા’ (એક પ્રકારનું પકવાન) જેવી પ્રસાદી છે. આજે મમરા નથી આપ્યા. શ્રીમા પાસે બેસીને વાતચીત કરતાં કરતાં છોકરાઓને આનંદપૂર્વક જમાડે છે. છોકરાઓમાંથી એક પૂર્વ બંગવાસી છે. બીજાનું જન્મસ્થાન આ જ વિસ્તારમાં છે, અહીંથી કેટલાક કોશ દૂર. અત્યારે બીજી જગ્યાએ રહે છે. બંને કુલીન બ્રાહ્મણ છે. તેઓ પૂર્વપરિચિત મિત્ર પણ છે. કેટલાક દિવસો પછી આજે અકસ્માતે શ્રીમાના ઘરે એક બીજા મળ્યા છે. બંને ખૂબ પ્રસન્ન છે. શ્રીમા કોમલ સ્વરે પૂર્વ બંગવાસી છોકરાને કહે છે : ‘બેટા, અહીં ગામમાં લોકો આવા બધા પકવાન બનાવે છે. એ લોકોને સારી ચીજવસ્તુઓ મળે ક્યાંથી? ગરીબ લોકો પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલા અનાજમાંથી ઘરમાં જ આવી ચીજવસ્તુઓ બનાવીને ખાય છે. છે તો સાધારણ પણ સુપાચ્ય છે, તરત જ પચી જાય છે. પેટ ભરીને ખાઓ તો પણ તબિયત બગડે નહિ.’ શ્રીમા જાણે છે કે પૂર્વ બંગવાસીઓનું ખાવા પીવાનું ઘણું સારું હોય છે. એ બધા પાસે મજાની સ્વાદિષ્ટ ચીજવસ્તુઓ હોય છે. એટલે તેઓ આવો ખુલાસો કરે છે. ચોખા અને અડદની દાળની પીઠીમાં કોપરું ભરીને વરાળમાં પકવેલ મોટા પીંડા જેવું પીઠું રાબ સાથે ખવાય છે. સારું પાકેલું પીઠું ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. છોકરો ખાતાં ખાતાં આનંદપૂર્વક કહે છે: ‘મા, અમારા દેશમાં પણ પીઠું બનાવવામાં આવે છે. અમે તો ખૂબ ખાધું છે. અહીં નારિયેળ અને ગોળને પહેલેથી જ કડાઈમાં પકવીને સંદેશ જેવું બનાવીને એને પીઠામાં ભરવામાં આવે છે. આ પીઠું મને બહુ સારું લાગે છે. પેટ ભરીને ખાઈશ.’ શ્રીમા ખૂબ ખુશ થયાં. એમણે થોડું વધારે પીઠું આપ્યું. બંને મિત્ર જલપાન કરી સિંહવાહિની માતાનાં દર્શન કરવા તથા ગામમાં ફરવા નીકળી ગયા.

નલિનીદીદી અને નાની મામીનો અણબનાવ

ભોજન તૈયાર થવામાં થોડી વાર લાગી ગઈ. શ્રી ઠાકુરને નૈવેદ્ય ધરીને શ્રીમાએ છોકરાઓને બોલાવ્યા તથા રસોડાની સામે મોટા મામાની ઘરની ઓસરીના ખૂણામાં એમને ભોજન લેવા બેસાડ્યા. એમના ઘરની ઓસરીમાં એકબાજુએ નાની મામી અને બીજી બાજુએ નલિની દીદી બેસીને રાધૂ અને માકુના સાસરામાં ભેટ મોકલવાની વ્યવસ્થા કરી રહ્યાં છે. ચીજવસ્તુઓ ફેલાયેલી પડી છે, એ બંને ખૂબ વ્યસ્ત છે. અંદર-બહાર આવ-જા કરે છે, ક્યારેક કંઈક લાવે છે તો ક્યારેક કંઈક ઉપાડીને લઈ જાય છે. કેટલીક ચીજવસ્તુઓ જુએ છે અને કેટલીક ચીજવસ્તુઓ દેખાડે છે. સારી છે કે કેમ! એ વિશે એક બીજાને પૂછી પણ લે છે. વળી પાછી અંદરોઅંદર ઘણી વાતો કરે છે, પણ કોણ કોનું સાંભળે? નાની મામી એટલે કે રાધૂની મા. એમના મોટા જેઠની દીકરી નલિની. એ બંનેની ઉંમરમાં વિશેષ ફેર નથી. એક પોતાની છોકરીને લીધે અને બીજી નાની બહેન માટે કામમાં વ્યસ્ત છે. નાની મામી એમ ઇચ્છે છે કે રાધૂને શ્રીમાએ પાળી-પોષીને મોટી કરી છે તો એને જ બધું મળવું જોઈએ. નલિની અને માકૂ શા માટે નકામો બોજો બનીને બેઠી છે! અને શ્રીમા પણ શા માટે એ બંનેને એટલા બધા ચાહે છે? નલિની દીદી એમ વિચારે છે કે તેઓ (નલિની અને માકૂ) શ્રીમાના મોટા ભાઈની દીકરી છે. તે એમના પરિવારનું પ્રથમ સંતાન છે, શ્રીમાએ એને ખોળામાં રમાડીને મોટી કરી છે; એમની માતૃહીન સહોદરા માકૂ પણ રાધૂની જેમ જ ભાઈની પુત્રી છે. એટલે એ બધી સમાન સ્નેહની અધિકારિણી છે. તો પછી રાધૂને જ શા માટે વધારે મળે? શ્રીમાનો બધાં ભત્રીજા અને ભત્રીજીઓ પર એક સરખો સ્નેહપ્રેમ છે. તેઓ બધાને સમાન રૂપે ચાહે છે. આમ હોવા છતાં પણ વિશેષ કારણે રાધૂ પ્રત્યે એમનાં મમતા અને જવાબદારી કંઈક વધુ પ્રમાણમાં વધી ગયા છે. પોતાના નાના ભાઈ રાધૂના પિતા, અભયને એમણે પાળ્યો-પોષ્યો હતો અને ભણાવ્યો-ગણાવ્યો પણ ખરો. મેડિકલ સ્કૂલમાં ભણીને ડોક્ટરની પરીક્ષા દીધા પછી કોલેરાના રોગને લીધે તેનું આકસ્મિક મૃત્યુ થયું. મૃત્યુ વખતે પોતાની ગર્ભવતી પત્નીને યાદ કરીને તેઓ મોટા બહેન (શ્રીમા)ના શિરે એમની જવાબદારી નાખી ગયા હતા. રાધૂનો જન્મ થયો. પતિવિયોગમાં પાગલ જેવી માતા શિશુ રાધૂનું પાલનપોષણ કરવા અસમર્થ હતી. આ બાજુએ શ્રીઠાકુરે શ્રીમાને રાધૂનો સહારો લઈને રહેવાનું કહ્યું હતું. એટલે શ્રીમાએ રાધૂનો સ્વીકાર કર્યો અને આને લીધે જ એમનું આધ્યાત્મિક રીતે ઊર્ધ્વગામી મન નીચે ઊતરીને જીવકલ્યાણમાં લાગી ગયું છે.

મોટી મામી, નાની મામી અને નલિનીદીદીમાં વિશેષ વાતચીત ન થતી. તેઓ બંને એકબીજાથી દૂર જ રહે છે. પરંતુ આજે બંને પાસે પાસે સામાન એકઠો કરવામાં લાગી ગઈ છે. પરોક્ષ રીતે થોડી વાતચીત પણ ચાલે છે. શ્રીમાની એ તરફ નજર નથી. તેઓ મોટા મામાની ઓસરીમાં દીવાલને ટેકીને ઊભાં રહીને છોકરાઓને જમાડે છે. એમની સાથે વાતચીત કરે છે, જરૂર પડે ત્યારે ભાત કે શાકભાજી પણ પીરસે છે અને પીરસાવે પણ છે. નલિનીદીદી તથા નાની મામીની ઇચ્છા છે કે શ્રીમા ‘ભેટ’ વિશે કંઈક પૂછતાછ કરે અને મદદ પણ કરે. આને લીધે મન માને તેવી સારી સારી વસ્તુઓ મળી શકે. મામી તથા દીદી, ક્યારેક ક્યારેક ઝીણા ઝીણા અવાજે તો વળી ક્યારેક ઊંચે સ્વરે શ્રીમાને આવું કહીને દુ:ખ પણ પ્રગટ કરે છે: ‘સારી વસ્તુઓ તો ન મળી. તો સાસરિયાવાળા શું કહેશે? લોકો નિંદા કરશે.’ વગેરે. થોડીવાર સુધી સાંભળીને છોકરાઓ તરફ નજર કરીને શ્રીમા ખેદપૂર્વક કહેવા લાગ્યાં: ‘મારા એટલા છોકરા છે, એમને જે કંઈ પણ આપો, જેવું આપો, એ બધું બિચારા આનંદથી ખાઈ લે છે! અને આમનું તો કોઈ પણ આવી જાયને, તો કેટકેટલી કટોરીઓ કાઢવી પડે છે! જો ન આપો તો બદનામી મળે છે. શ્રીમાએ ભેટમાં આપવાની ચીજવસ્તુઓ તરફ પાછા ફરીને નજર ન કરી. ભોજન પછી પાન ખાઈને છોકરાઓ કાલીમામાના બેઠકખંડમાં આરામ કરવા ગયા. શ્રીમા પણ પોતાના ઓરડામાં ગયાં. આજે નલિનીદીદીને ખૂબ માઠું લાગ્યું છે. અંતે શ્રીમાએ જ ખાવા માટે એને મનાવવા પડશે. હે મા! તમારી આ ‘પાગલોની હાટ’ ખરી ને!

નલિની દીદીની સુચિતા વિશેની ખોટી ધૂન

નલિની દીદીને અસ્પૃશ્યતાનું ભયંકર રીતે ઘેલું લાગ્યું છે. ક્યારેય કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થઈ જાય એવા ભયથી તેઓ સદૈવ સંત્રસ્ત રહેતાં. કોઈક સ્પર્શી લેશે તો – એવી ચિંતામાં તેઓ હંમેશાં ડૂબ્યાં રહેતાં. એટલે નલિની દીદી દુ:ખ સાથે કહે છે : ‘‘ફૈબા તો એંઠી પાતળ પર ચાલ્યાં જશે. વળી કોઈક દિવસ શ્રીમા કહે છે : ‘નલિની હાથમાં થોડું ગંગાજળ આપ તો’, એ દિવસે હું સમજી જાઉં છું કે ફૈબાના પગ તળે જરૂર કોઈક અત્યંત અપવિત્ર વસ્તુ આવી ગઈ છે.’’ નલિની દીદીની આ સ્પૃશ્ય-અસ્પૃશ્યતાને કારણે શ્રીમાને ઘણું ઘણું સહન કરવું પડે છે. કોઈ કોઈ દિવસ આ ઘેલછાની માત્રા એટલી બધી વધી જાય છે કે ઘરના બધા લોકો એનાથી અકળાઈ ઊઠે છે. કેટલાક કટાક્ષપૂર્વક કહે છે: ‘આજે નલિની દીદીનો ઈરાદો ફૈબા પાસેથી કંઈક વિશેષ મેળવવાનો લાગે છે, એટલે આ બધા ઢોંગ કરે છે.’ એનું કારણ એ હતું કે ગમે તે થાય પણ શ્રીમા એમને કોઈ ને કોઈ રીતે મનાવી લેશે જ.

ટાઢ ભરી એક સાંજે નલિની દીદીએ ફૈબાની પાસે જઈને રડમસ અવાજે કહ્યું કે તેઓ ભૂલથી વિષ્ટાને અડી ગયાં છે. હવે એમને માટે આ ઠંડીમાં નહાવું અશક્ય છે અને નહાયા વિના ઘરની અંદર પ્રવેશ પણ ન કરી શકે એટલે ન તો તે ભોજન કરી શકે કે ન સૂઈ શકે. ટાઢમાં ઓસરીમાં બેઠાં બેઠાં જ રાત પસાર કરવી પડશે. શ્રીમાએ ખૂબ સમજાવીને કહ્યું કે ગંગાજળનો સ્પર્શ કરીને કે તેનાથી હાથપગ ધોઈને કપડાં બદલી લેવાથી ચાલશે, પણ નલિની દીદી ન માન્યાં. આમાં શ્રીમાનો જ બધો દોષ હોય તે રીતે દુ:ખી થઈને મનના આક્રોશ સાથે પોતાના ઓરડાની સામેની ઓસરીમાં તેઓ બેસી ગયાં. રાત થઈ પણ તેઓ ઊઠ્યાં નહિ, એમ ને એમ બેઠાં બેઠાં આંસુ વહાવતાં રહ્યાં. શ્રીમાએ એમને બોલાવી, સમજાવી, બીજાએ પણ સમજાવ્યાં પરંતુ કોઈનુંય કંઈ ન સાંભળ્યું. વાળુ પછી બધા લોકો સૂવા ચાલ્યા ગયા અને જતાં જતાં નલિની પ્રત્યે ક્રોધ પ્રગટ કરીને શ્રીમાને વિનયપૂર્વક કહેતા ગયા કે તેઓ નલિની માટે વધુ દુ:ખ-ચિંતા ન કરે. આજે એને થોડો બોધપાઠ દેવો એ સારું રહેશે. નલિની દીદીના દુ:ખ અને સ્વમાન ક્રમશ: વધવા લાગ્યાં. તેઓ તો હિબકે ચડીને ઊંચે સ્વરે વિલાપ કરવાનું શરૂ કરીને બોલવા લાગ્યાં: ‘આ દુનિયામાં મારી સાર-સંભાળ લેનારું કોઈ નથી. પતિના ઘરમાં મને સ્થાન ન મળ્યું ને પિતાને ઘરે આવી. પિતાએ બીજાં લગ્ન કર્યાં છે. સાવકી મા છે. એની સાથે કંઈ રહી શકાય ખરું? ફઈબા છે, બહુ સ્નેહપ્રેમ કરે છે અને મને અહીં આશરો પણ આપ્યો છે. પણ બીજા બધા લોકો એની ઈર્ષ્યા કરે છે. અહીં રહેવાનુંય હવે મુશ્કેલ થઈ ગયું છે. ભગવાન પણ એટલો બધો નિર્દયી છે! લાગે છે કે દુ:ખમાં જ મારે જીવન જીવવું પડશે.’ થોડીવાર ચૂપ શાંત રહે છે અને વળી પાછો વિલાપ શરૂ થાય છે.

બધા ઊંઘે છે. આખા ઘરમાં સન્નાટો છે. શ્રીમા ઊઠ્યાં અને અત્યંત મધુર કંઠે કહેવા લાગ્યાં: ‘નલિની! અહીં આવ, બેટા! ઓસરીમાં સૂઈને શું કામે પીડા ભોગવે છે! હાથપગ ધોઈને ભોજન કરીને ઓરડામાં સૂઈ જજે. ચાલ, બેટા!’ હજી સુધી જેમને ઊંઘ આવી ન હતી એવા કેટલાક લોકોના કાને આ મધુર કંઠ સ્વર પડ્યો. શ્રીમા પણ રડીને કહેવા લાગ્યાં: ‘અરે, નલિની તો બાળક છે, સમજતી નથી. એટલે આવો ગુસ્સો કરીને દુ:ખી થાય છે અને બીજા લોકો પણ એના પર ગુસ્સે થાય છે. શ્રીમા વારંવાર દુ:ખની લાગણી પ્રગટ કરે છે: ‘નલિનીની સમજશક્તિ ઓછી છે, એટલે આમ ગુસ્સો કરીને દુ:ખ ઊભું કરે છે.’ 

શ્રીમાની એક સંતાન આ સાંભળીને વિચારી રહી છે: આપણે લોકો જ્યારે બીજા પર ગુસ્સો કરીએ છીએ ત્યારે એમ જ વિચારીએ છીએ કે એ વ્યક્તિ જાણી જોઈને આપણને હેરાન કરે છે. પરંતુ શ્રીમાની દૃષ્ટિ કેવી છે? એ તો એમ વિચારે છે કે એનામાં સમજણશક્તિ ઓછી છે, પોતાનું સારું-માઠું વિચારી શકતી નથી, એમાં એનો શો દોષ? બુદ્ધિ વિનાના અબોધ બાળક પર શું ગુસ્સો કરી શકાય? શ્રીમા! તમારી સામે તો અમે બધા અબોધ બાળક છીએ. ક્રોધ આવે જ કેમ? શ્રીમા નલિની દીદી પાસે આવ્યાં. વિનંતી-કાલાવાલા કરીને, સમજાવી-ફસલાવીને એને શાંત કરી. નલિની દીદીનું દુ:ખ દૂર થયું. કપડાં બદલીને ભોજન કરીને તેઓ ઓરડામાં જઈને સૂઈ ગયાં. શ્રીમાનું મન રાજી થયું. આવી કેટલીયે ઘટનાઓ ઘટી છે. શ્રીમા બધું સહન કરે છે પણ બધાને શાંત કરે છે.

પાગલ મામીના ઘટનાપ્રસંગો

પાગલ મામી અલગથી પોતાના ઘરમાં રસોઈ બનાવીને ખાય છે. કેટલીક ડાંગરની ખેતીની જમીન છે એની આવકમાંથી ભાગ મળે છે. સિંહવાહિનીના મંદિરની આવકનો કેટલોક હિસ્સો પણ મળે છે. યજમાનોમાંથી પણ સામાન્ય આવક મળતી રહે છે. આમ મળીને બધું સારી રીતે ચાલે છે. બ્રાહ્મણ વિધવા છે અને કઠોર જીવન જીવે છે. રાધૂ અને જમાઈ તો શ્રીમાના ઘરે જ જમે છે પરંતુ પાગલ મામી પણ પોતાની શક્તિ અનુસાર એ લોકોના પાલનપોષણ માટે થોડું ઘણું કરે છે. એમનો જીવ પુત્રી અને જમાઈમાં જ રહ્યો છે. રાધૂને કારણે એની મુશ્કેલી બેવડાઈ છે. શ્રીમાએ એમની દીકરીને એમની પાસેથી છીનવી ન લીધી હોય તેમ શ્રીમા સાથે એમનો ઝઘડો ચાલતો જ રહે છે! જ્યારે મા કંટાળી બોલી નાખે છે : ‘લે લઈ જા, તારી દીકરીને!’ ત્યારે મામી દોડતી આવે છે. તે જાણે છે કે છોકરી નહિ જ આવે; અને જો એને લઈ આવશે તો એ બંનેનાં પેટ ભરવાની ત્રેવડ પણ નથી. રાધૂ પોતાની જન્મદાતા માને મૂંડી મા કહે છે. છતાં પણ એના પ્રત્યે પાગલ મામીને એક લાગણી છે, ભાવ છે. મામીનું માથું મુંડાવેલું રહે છે એટલે એમને તે મૂંડી મા કહે છે. આ માથી ગુસ્સે થઈને રાધૂ ક્યારેક ક્યારેક એમને ધૂત્કારીને કાઢી મૂકે છે અને કહે છે: ‘જા, મરી જા, જા મરી જા.’ આ વખતે પાગલ મામી આંસું લૂછતી લૂછતી અને પાછું વળીને વારંવાર જોતી જોતી પાછી ફરે છે. રાધૂ જ્યારે પોતાને સાસરે જાય છે ત્યારે એને ન મળી શકવાને કારણે તે સ્નેહાતુર માતા પોતાના ઘર જયવામવાટી અને રાધૂના સાસરે તાજપુરની વચ્ચે ત્રણ ત્રણ માઈલનું અંતર હોવા છતાં પણ વારંવાર આવજા કરતી રહે છે.

પાગલ મામીના મનમાં ઘણું મોટું દુ:ખ છે. આવા સુંદર સુવર્ણના ચંદ્ર જેવા છોકરાઓ પોતાની માતાઓનો ત્યાગ કરીને શ્રીમા પાસે આવીને સાધુ બની જાય છે. શ્રીમા એમનાં ઘરબાર છોડાવી દે છે. ક્યારેક ક્યારેક પોતાના અંતરનું દુ:ખ દબાવી ન શકવાને લીધે કોઈક કોઈક છોકરાને પાગલ મામી સામે મોઢે કહી દે છે : ‘તમારી આ મા તો ગર્ભધારિણી માતાઓ પાસેથી એમના છોકરાઓને છીનવી લે છે. અને સાધુ બનાવીને ઘરબારનો ત્યાગ કરાવી દે છે.’ શ્રીમા આ બધું સાંભળીને મંદમંદ હસે છે.

(ક્રમશ:)

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.