વિશ્વભરમાં કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સૌંદર્ય માટે જાણીતા પેરિસ શહેરમાં વિશ્વની અજાયબી સમો એફિલ ટાવર, લુવરે મ્યુઝિયમ, નિર્મળ અને શીતળ જળ વહાવતી સીન અને કોન્કોર્ડ નદીઓ, મહાન સમ્રાટ નેપોલિયનની કબર આવેલ છે. આ પેરિસ નગરીમાં આવેલ યુનોની વિશ્વ વિખ્યાત સંસ્થા ‘યુનેસ્કો’ – ‘યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનિઝેશન’માં ૧૫૦થી વધુ દેશોના મહાન ચિંતકો, કેળવણીકારો, વૈજ્ઞાનિકો અને ધર્મસંસ્કૃતિની ધરોહરના અગ્રણીઓ માટે એક અદ્‌ભુત મિલન સ્થાન બની. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની અસીમ કૃપાથી આ ૨૩મી ઓગસ્ટ ૨૦૦૪ના રોજ મળેલી ‘જૈવિક-નૈતિક મૂલ્યોની આંતરરાષ્ટ્રિય પરિષદ’માં વિશ્વના ચિંતકો અને વૈજ્ઞાનિકો સાથે બોલવાનો એક અમૂલ્ય લ્હાવો મને સાંપડ્યો હતો.

દરેક વ્યક્તિના અને પ્રત્યેક સમાજના નૈતિક મૂલ્યો નિશ્ચિતપણે જે તે વ્યક્તિ કે સમાજના ધર્મ અને આધ્યાત્મિકતાની પશ્ચાદ્‌ભૂ સાથે સંકળાયેલાં હોય છે. આવી નૈતિકતાથી વેગળા રહેતા અને વિજ્ઞાનને વરેલા વૈજ્ઞાનિકો પણ આટલું કબૂલ કરે છે કે એમની મહાન વૈજ્ઞાનિક શોધો પાછળ કેટલાંક આધ્યાત્મિક નૈતિક મૂલ્યો હોય છે ખરાં. એટલે જ દસમી આંતરરાષ્ટ્રિય (બાયો એથિક્સ) જૈવિક-નૈતિક મૂલ્યો વિશેની યુનેસ્કોની પરિષદે વિશ્વના મુખ્ય ધર્મોના નિષ્ણાત પ્રતિનિધિઓને પોત-પોતાના ધર્મમાંથી આજના વૈજ્ઞાનિકો માટે જૈવિક નૈતિક મૂલ્યોની જાળવણીનાં આગવાં તત્ત્વોની રજૂઆત કરવા આમંત્રણ આપ્યું છે. આ જ કારણે યુનેસ્કોએ આંતરરાષ્ટ્રિય જૈવિક નૈતિક મૂલ્યો વિશેની અગિયારમી પરિષદ બોલાવી. આ પરિષદમાં એ સમિતિએ વિશ્વના છ મુખ્ય ધર્મોના છ પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવ્યું હતું. આ બધા પ્રતિનિધિઓએ ‘આજના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે જૈવિક-નૈતિક મૂલ્યો’ વિશે પોતપોતાના દૃષ્ટિબિંદુઓ સ્પષ્ટપણે રજૂ કરવાના હતા.

૧૯૭૦થી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના અત્યંત તીવ્રગતિએ થતા વિકાસે ઊભાં કરેલાં નૈતિક મૂલ્યોવાળી બાબતો પર યુનેસ્કોએ ધ્યાન દેવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રિય સમાજમાં યુનેસ્કો આ ક્ષેત્રે એક નેતૃત્વ પૂરું પાડતી સંસ્થા તરીકે પોતાનો ભાગ ભજવી રહ્યું છે. હ્યુમન જેનોમ અને હ્યુમન રાઈટ્‌સનો ૧૯૯૭નો વૈશ્વિક ઢંઢેરો અને યુનેસ્કોની આંતરરાષ્ટ્રિય સમિતિ (આઈ.બી.સી.) તેમજ જનરલ કોન્ફરન્સ ઓફ યુનેસ્કોએ અંગીકાર કરેલ જનીન ક્ષેત્રના વૈશ્વિક સિદ્ધાંતોને પોતપોતાના રાષ્ટ્રના વિધાનોમાં સમાવવાનું અને અપનાવવાનું સભ્ય રાષ્ટ્રોને સૂચવ્યું છે. આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ કરતો એક વિભાગ જૈવિક-નૈતિક મૂલ્યોની પરિષદ ચર્ચાસભાનું આયોજન કરે છે, એ વિશે અસંખ્ય પુસ્તક-પુસ્તિકાઓ પ્રગટ કરે છે તેમજ જૈવિક-નૈતિક મૂલ્યો વિશેની સંસ્થાઓમાં એક કાર્યકારી સંરચના ઊભી કરે છે. ૨૦૦૨ના વર્ષથી જૈવિક-નૈતિક મૂલ્યોનો કાર્યક્રમ એ યુનેસ્કોના પાંચ અગ્રીમ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ બની ગયો છે અને એને લગતો વિભાગ પોતાના નૈતિક મૂલ્યોના મિશનને વધુ ને વધુ આગળ ધપાવવા કટિબદ્ધ છે.

પેરિસમાં ૨૩ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ બપોર પછી ત્રણ વાગ્યે એકેડેમિક એન્ડ સાયન્ટિફિક કોંગે્રસના મુખ્ય સભાગૃહમાં યુનેસ્કોની ‘જૈવિક-નૈતિક મૂલ્યોની આંતરરાષ્ટ્રિય પરિષદ’ની અગિયારમી બેઠકનો પ્રારંભ થયો. આ ચર્ચાસભાના સત્રના આરંભ પહેલાં આ સમિતિના અધ્યક્ષ લીઓનાર્ડો દી કેસ્ટ્રોએ, હાલના યુનેસ્કોના શિક્ષણ વિભાગના માનદ સલાહકાર ડો. બિકાસ સન્યાલની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ વિશે મારી સાથે વ્યક્તિગત રૂપે ચર્ચા કરી હતી. યુનેસ્કોના ડિરેક્ટર જનરલ શ્રીમાન કોયશીરો માત્શુરાએ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું અને પોતાના પંદર મિનિટના વક્તવ્યમાં આજના સંશોધક વૈજ્ઞાનિકો માટે આંતરરાષ્ટ્રિય ધોરણે જૈવિક-નૈતિક મૂલ્યોની સંરચના કરવા માટેની વિશ્વના મુખ્ય મુખ્ય ધર્મોની મંજૂરીની મહોર મેળવવાની આવશ્યકતા પર ભાર દીધો હતો. જૈવિક-નૈતિક મૂલ્યોની આંતરરાષ્ટ્રિય પરિષદના અધ્યક્ષા શ્રીમતી મિશેલ એસ.જીને આમંત્રિત અને ઉપસ્થિત વિવિધ ધર્મોના પ્રતિનિધિઓનું અભિવાદન કર્યું હતું. તેમણે એવી પણ નમ્ર વિનંતી કરી હતી કે તેઓ જૈવિક-નૈતિક મૂલ્યો વિશે પોતપોતાનાં અત્યંત મૂલ્યવાન સૂચનો અને અભિપ્રાયો મુક્તપણે આપે. પ્રારંભિક સત્ર પછી વાસ્તવિક સત્રનો આરંભ ૩.૩૦ વાગ્યે થયો હતો.

આ સત્રના પ્રથમ વક્તા હતા પેરિસના શ્રી શોએબ બેનહેક. તેઓ ફ્રેંચ ભાષામાં ઈસ્લામધર્મના પ્રગતિશીલ દૃષ્ટિબિંદુ વિશે બોલ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આધુનિક યુગની આવશ્યકતા પ્રમાણે કુરાનનું પુન: અર્થઘટન કરવામાં આવ્યું છે અને એ પ્રમાણે ગર્ભધારણના થોડા મહિના પછી ગર્ભપાતની પરવાનગી મળવી જોઈએ. આ મુસ્લિમ વિદ્વાનના વક્તવ્યનો મહદંશ સ્ત્રીઓના શારીરિક શોષણ અને જન્મનિયંત્રણને નૈતિક રીતે કેવી રીતે વિજ્ઞાન દ્વારા અંકુશમાં લાવી શકાય એ વિશેનો રહ્યો. જો કે ઈસ્લામના વૈજ્ઞાનિકોએ આ વિશે કેટલાક ગહન પ્રશ્નો ઉઠાવ્યા હતા જેનો પ્રત્યુત્તર આપવો વક્તા માટે મુશ્કેલ બની ગયો હતો. આવી રીતે અવગણના પામેલી નારી પોતાની અવગણના કરનારની સાથે જીવવાનું પસંદ કરે તો શું કરવું? અને કોઈ ભણેલીગણેલી નારી કુટુંબ માટે અને સામાજિક આર્થિક મોભા માટે જો ગર્ભમાંના બાળકની હત્યા, ભૃણહત્યા કરે તો શું કરવું? ખ્રિસ્તીધર્મના વક્તા, નામદાર પોપની જૈવિક-નૈતિક મૂલ્યોની સમિતિ વતી ગોઝેલો મિરાન્ડાએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેઓ પોતાના વક્તવ્યમાં અત્યંત મહત્ત્વની જૈવિક-નૈતિક મૂલ્યોની સામાજિક સાંસ્કૃતિક સમસ્યાઓ પર ઘણું ઓછું બોલ્યા હતા અને તેમણે ભૃણમાં રહેલા બાળકથી માંડીને જીવનના કોઈ પણ સ્વરૂપ પ્રત્યે સન્માન દાખવવાની એક વૈશ્વિક સંસ્કૃતિ ઊભી કરવા પર ભાર દીધો હતો. તેમણે ઉમેર્યુ હતું કે વિશ્વને સહાયક બનતી વૈજ્ઞાનિક શોધખોળો માટે રોમન-કેથલિક સંપ્રદાય પણ નવા ઉત્તરની તલસ્પર્શી સમીક્ષા કરે છે.

કન્ફ્યુશિયસ ધર્મના પ્રવક્તા હોંગકોંગ યુનિવર્સિટીના યુવાન તત્ત્વજ્ઞાની પ્રો. રેઈન સ્પીંગ ફેન વ્યાવહારિક પાસાંને મહત્ત્વનું ગણે છે. કન્ફ્યુશિયસ ધર્મ એટલે જીવન પ્રત્યેનો એક વ્યવહારુ અભિગમ છે. બીજાના જીવનને કોઈ પણ જાતની હાનિ કે દુ:ખ પહોંચાડ્યા વિના આ જીવનમાં સુખાકારી કે કલ્યાણ લાવે તેવું આચરણ સ્વીકાર્ય છે. પ્રો. ફેન જાણે કે મારા લઘુબંધુ બની ગયા. ૨૨મી ઓગસ્ટની સાંજે અહીંની હોટેલના એક ખંડમાં અમે સાથે હળવું ભોજન લીધું. જ્યાં કેટલાક વૈજ્ઞાનિક પ્રતિનિધિઓ ઉતર્યા હતા એવી હોટેલ ગ્રેનેલના એક સીધા સાદા ખંડમાં જાણે કે તેઓ મને મળવા માટે રાહ જોતા હોય એવું લાગતું હતું. અમે વેદાંત અને કન્ફ્યુશિયસના તત્ત્વજ્ઞાનમાં રહેલ સામ્યતાની ચર્ચા કરતા. મેં એમને મારા વિજ્ઞાન વિષયક બે પુસ્તકો આપ્યાં. આ બે પુસ્તકો તેમણે ૨૨મી ઓગસ્ટની રાત્રે વાંચીને પરત કર્યાં અને ૨૩મીની સવારે એ વિશે વધારે ચર્ચા કરવા પણ કહ્યું.

યહૂદી વૈજ્ઞાનિક પ્રો. અબ્રાહમ સ્ટેનબર્ગે યહૂદી ધર્મના મુખ્ય પાસાંની ચર્ચા સાથે પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો હતો. તેમણે જણાવ્યું કે યહૂદી ધર્મ કહે છે તે પ્રમાણે આપણને પોતાને જે ન ગમતું હોય તેવું કાર્ય કે વર્તન આપણે બીજા માટે પણ ન કરવું જોઈએ. આ એક વ્યવહારુ વેદાંત જેવી વાત છે. પરંતુ આ પરિષદના મુખ્ય પ્રશ્ન વિશે તેમણે કોઈ નિર્ણાયક અભિપ્રાય ન આપ્યો. થાઈલેન્ડમાંથી આવેલા બૌદ્ધ ધર્મના વક્તા ડો. પિનિત રત્નાકરે આ પરિષદના મુખ્ય વિષય જૈવિક-નૈતિક મૂલ્યો વિશે બહુ અલ્પ પ્રમાણમાં વાત કરી હતી. ભગવાન બુદ્ધે બધા સજીવો પ્રત્યે અનુકંપાની લાગણી કેળવવાની કરેલ વાત સાથે એમણે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

ભારતની રાષ્ટ્રિય વિજ્ઞાન સમિતિના અધ્યક્ષ તરીકે મેં કામ કર્યું હતું એવા મને એક સંન્યાસી તરીકે ઓળખાવીને મને આ વિષય પર પ્રવચન આપવા વિનંતી કરી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં જૈવિક-નૈતિક મૂલ્યો વિશે એક સંન્યાસી વળી શું કહેશે એ સાંભળવા સૌ આતુરતાથી પોતાના કાન સરવા કરતા હતા અને ઘણાની આંખોના ભવાં પણ ઊંચા ચડી ગયાં હતાં. મેં લેખિત તૈયાર કરેલ સંભાષણમાંથી અગત્યના મુદ્દાઓની વાત સંક્ષેપમાં કરી. હંમેશાંની જેમ મેં સનાતન હિંદુધર્મના બે મુખ્ય અને મહત્ત્વના મુદ્દાઓની – આદર્શોની ચર્ચા પર ભાર દીધો હતો. એમાંનો એક મુદ્દો છે વિજ્ઞાન એક અગત્યનું જ્ઞાન છે, પણ એ જ્ઞાન શાને માટે છે? એ જ્ઞાન છે ઉચ્ચતર માનવજીવન ઊભું કરવા માટે. જેમાંથી ઈશુખ્રિસ્ત, બુદ્ધ કે ખ્રિસ્તીધર્મના નિષ્ણાત એવા મહાધર્મગુરુ ફાધર તૈલહાર્દ શાર્દિન જન્મી શકે. ફ્રાંસના આ મહાન તૈલહાર્દ શાર્દિને ૧૯૫૦ના દાયકામાં પોતાના ક્રિસ્ટોજેનિસિસના સિદ્ધાંત દ્વારા એ દર્શાવ્યું હતું કે દરેકેદરેક માનવીના જીવનનું લક્ષ્ય એક ઈશુખ્રિસ્ત બનવાનું છે. અર્થાત્‌ દરેકેદરેક માનવીમાં ઈશુખ્રિસ્ત સુષુપ્તપણે રહેલા છે. આ સિદ્ધાંત ખ્રિસ્તી ધર્મના વડાઓ અને બીજા સેમેટિક ધર્મો માટે અમાન્ય હતો. એટલે એમને ફ્રાંસમાંથી દેશનિકાલ મળ્યો. મેં સૂફી ઈસ્લામ, ખ્રિસ્તીધર્મ અને બૌદ્ધધર્મમાંથી પણ આ વિશેનાં ઉદ્ધરણો ટાંક્યાં હતાં.

બીજો મુદ્દો જ્ઞાન દ્વારા સર્વકલ્યાણ સાધવાનો હતો. હિંદુ ધર્મ પ્રમાણે સ્વકલ્યાણ કે સ્વસુખ સમગ્ર વિશ્વનું ભલું કરવામાં રહેલ છે. વ્યક્તિગત સુખ-કલ્યાણ અલ્પજીવી હોય છે અને દુ:ખદાયી પણ બને છે – ભૂમા એવ સુખમ્‌ અલ્પે સુખમ્‌ નાસ્તિ. મહાન વૈજ્ઞાનિકો પોતપોતાના દેશની સીમાઓને ઓળંગીને આ ધરતી પરના જીવન પ્રત્યે માનાદર ધરાવીને મહાન વૈજ્ઞાનિક સત્યોની શોધ કરે છે. અંતે મેં પેરિસના મહાન ભૌતિક શાસ્ત્રી એલેઈન એસ્પેક્ટ વિશે વાત કરી. આ સમગ્ર વિશ્વ મૂળભૂત રીતે સંકળાયેલું છે એ સિદ્ધાંતની વાત એમણે ૧૯૮૬માં પ્રસ્થાપિત કરી હતી. પ્રખ્યાત વૈજ્ઞાનિક બેલના સિદ્ધાંતનું પુન: નિરીક્ષણ કરતો આ સિદ્ધાંત એ વિજ્ઞાનની આજની મહાન શોધ ગણાય છે. 

આધુનિક યુગના સનાતન હિંદુધર્મના મહાન અર્થઘટન કરનારા અને વ્યાખ્યાતા સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘જીવન, તત્ત્વ અને મનની એકતા પર બધાં નીતિશાસ્ત્રો રચાયેલાં છે.’ આ ઐક્ય હંમેશાં રહ્યું છે. આજના વિજ્ઞાને પણ એની ખાતરી કરી જોઈ છે. બધાં નૈતિક મૂલ્યો જેવાં કે અહિંસા, કરુણા, સેવા-સહાય અને પ્રેમ જીવનની એક વૈશ્વિક સંકલ્પનામાંથી બહાર આવ્યાં છે. આ વૈશ્વિક સંકલ્પના એટલે મારી અને બીજા બધાં સજીવ-નિર્જીવ વચ્ચેની આ વૈશ્વિક એકતા અસ્તિત્વની મૂળભૂત એકતાના સિદ્ધાંત સાથે સંકળાયેલ છે.

૧૫૦ દેશોએ પોતાના પ્રતિનિધિરૂપે એક એક વૈજ્ઞાનિકને મોકલ્યા હતા. ભારતના વૈજ્ઞાનિક પ્રતિનિધિરૂપે સુખ્યાત ન્યુરો સર્જન ડો. પી.એલ.ટંડન (પદ્મભૂષણ) હતા. પાકિસ્તાનના પ્રતિનિધિ તરીકે ત્યાંના સુખ્યાત જિનેટિક વૈજ્ઞાનિક ડો. સાદિક એહમદી હતા. ડો. ટંડને એમની સાથે મારો પરિચય કરાવ્યો હતો. અમે ત્રણેયે ચા-નાસ્તો સાથે લીધો હતો અને અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે મને કહ્યું: ‘સ્વામીજી, આપણા વચ્ચે આવી એકતા ફરી પાછી ક્યારે આવશે?’ મેં કહ્યું: ‘મહાશય, એકતા તો છે જ. માત્ર આપણે જ એ એકતાને ભાંગીતોડી નાખી છે.’ અમે ત્રણેય ખડખડાટ હસ્યા. ત્રણેયે સાથે ફોટો પડાવ્યો.

પ્રશ્નોત્તરીના સત્રમાં એક મહિલા વૈજ્ઞાનિકે મને આ પહેલો પ્રશ્ન પૂછ્યો: ‘ઉચ્ચતર માનવનું નિર્માણ કરવું એટલે શું એ વાત તમે મને સમજાવશો?’ એનો પ્રત્યુત્તર આપતાં મેં કહ્યું: ‘૨૩ વર્ષ પહેલાં ૧૯૮૨માં યુનેસ્કોએ પોતાના વૈશ્વિક શિક્ષણના અહેવાલમાં આમ કહ્યું હતું: ‘એજ્યુકેશન ટુ બી – માનવને ઉચ્ચતર માનવ બનાવવાની કેળવણી – પ્રમાણે પૂર્ણ માનવનું સર્જન ત્યારે થશે કે જ્યારે તે પોતાના શારીરિક, બૌદ્ધિક, સાંવેગિક અને આધ્યાત્મિક વિકાસની કેળવણીમાં ઉચ્ચતા પ્રાપ્ત કરે. યુનેસ્કોએ આધ્યાત્મિક કેળવણી એટલે શું એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ન આપી. સનાતન હિંદુધર્મના પ્રતિનિધિ તરીકે હું આજે એ વાત તમને સ્પષ્ટપણે કહેવા આવ્યો છું કે દરેક માનવ મૂળભૂત રૂપે અનંત આત્મા છે અને તે આત્મા દરેક નશ્વરદેહની ભીતર વસે છે. બાઈબલે કહ્યું છે તેમ, સ્વર્ગનું રાજ્ય તમારી ભીતર જ છે. સૂફી ઈસ્લામ કહે છે : અનલહક્ક – હું જ સત્ય છું, હું જ ઈશ્વર છું. પ્રાચીન સનાતન હિંદુ વિચારધારા પ્રમાણે દરેક વ્યક્તિમાં રહેલ આત્મા અને વૈશ્વિક આત્મા કે પરમાત્મા બંને એક છે. આજના ભૌતિક શાસ્ત્રના નોબેલ પારિતોષિક વૈજ્ઞાનિક સ્રોડિંજર કે જ્યોફ્રેશોનું પણ આવું જ તારણ છે. વૈજ્ઞાનિકો ધર્મમાં રહેલ રૂઢિવાદનો અસ્વીકાર કરી શકે પણ ધર્મમાં રહેલાં વૈજ્ઞાનિક સત્યોનો તેઓ ઇન્કાર ન કરી શકે.’

૧૮૯૫માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘સભ્યતા કે સંસ્કૃતિ એટલે માનવીની ભીતર રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ.’ બીજો પ્રશ્ન એક યુરોપના વૈજ્ઞાનિકે પૂછ્યો હતો: ‘ક્લોનિંગ વિશે આપનું શું મંતવ્ય છે?’ એનો પ્રત્યુત્તર આપતાં મેં કહ્યું: ‘અણુશક્તિની શોધની જેમ આ ક્લોનિંગ પણ એક મહાન શોધ છે. પરંતુ એનો વિવેક વિના ઉપયોગ થાય તો એ ભયંકર પણ બની શકે છે. જ્યારે નાગાસાકી અને હિરોશિમા પર બે અણુબોંબ ફેંકાયા ત્યારે અણુશક્તિના આ ભયંકર પ્રયોગથી આખું જગત ભયભિત બની ગયું હતું. જાપાન જેવા ઘણા દેશોએ એનો ઉપયોગ ન કરવાની દૃઢ પ્રતિજ્ઞા કરી. આજે એ જ જાપાનમાં આ અણુઊર્જાનો ઉપયોગ ઊર્જાશક્તિના ઉત્પાદનના શાંતિમય કાર્યમાં અને ઘણી સૂક્ષ્મ શલ્ય ચિકિત્સામાં કરવામાં આવે છે. કોઈ પણ રાષ્ટ્ર કે વ્યક્તિ વિજ્ઞાનની કોઈ પણ શોધ પ્રતિશોધને બળથી અટકાવી શકે ખરાં? સનાતન હિંદુ ધર્મ માને છે કે કોઈ પણ સર્જનમાં રહેલું સામ્ય એ એનો વિનાશ કે મૃત્યુ છે. જો આપણા હાથની બધી આંગળીઓ એક સરખી હોત તો શું થાત? શું આપણો હાથ પોતાનું કાર્ય આજે આપણે કરીએ છીએ તે રીતે કરી શકત ખરો? વિશ્વની બધી સ્ત્રીઓ મોનાલિસા જેવી સુંદર બની જાય તો શું થાય? આ વિશ્વમાં ક્યાંય સૌંદર્ય જેવું રહેશે ખરું? આવાં કાર્યોને બદલે જો ક્લોનિંગનો ઉપયોગ વધુ સારાં ઉત્પાદન આપનારા પાક લેવા, વધુ સારાં વનસ્પતિ, શાકભાજી કે ફળ ઉગાડવામાં કે માનવ કલ્યાણનાં કાર્યોમાં કરવામાં આવે તો મને ખાતરી છે કે વિશ્વ એ ક્લોનિંગને સ્વીકારવાનું છે. જૈવિક નૈતિક મૂલ્યોની અગિયારમી આંતરરાષ્ટ્રિય પરિષદનો પ્રથમ દિવસ  પૂર્ણ થયો. અમારે વિશ્વના મહાન વૈજ્ઞાનિકો સાથે અનેક અનૌપચારિક ચર્ચા થઈ. બીજા દિવસે યુનેસ્કોના સંવાહકોએ વિવિધ વૈજ્ઞાનિકો અને ધર્મોના નિષ્ણાતોએ આપેલ વિચારો, આદર્શો અને કરેલ ભલામણોનો સ્વીકાર કરીને વિશ્વના વૈજ્ઞાનિકો માટે જૈવિક-નૈતિક મૂલ્યોના નીતિનિયમોનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો હતો.  

યુનેસ્કોનું ભવન વિવિધ દેશોની સંસ્કૃતિઓના પ્રદર્શન સમું છે. ૨૩મીની સાંજે યુનેસ્કોના સમગ્ર ભવનને આફ્રિકા ખંડના નિવાસીઓના જીવન વિશેના વિશાળ ભીંતચિત્ર જેવાં ચિત્રોથી શણગારવામાં આવ્યું હતું અને આફ્રિકાના સંગીતજ્ઞો પોતાનું સાંધ્યસંગીત પીરસવા પૂર્વ તૈયારી કરી રહ્યા હતા. અમે કેટલાક સુખ્યાત સંગીતકારોનું સંગીત સાંભળ્યું. આપણા એ કાળા હબસી ભાઈ-બહેનોના કંઠમાં ઈશ્વરે એક અદ્‌ભુત માધુર્ય રેડ્યું છે.

પેરિસની બહારના વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, ગ્રેઈટ્‌સ જાણે કે શાંતિ અને આધ્યાત્મિકતાનું  સ્વર્ગ છે. ૨૫ એકર વનવિસ્તારવાળા આ આશ્રમના પુરાણા શાહીભવનની ચોતરફ સુંદર મજાનાં ચેષ્ટનટ્‌સ, પાઈન અને બીજાં લીલાંછમ વૃક્ષો તેમજ હરિયાળી ભૂમિ અને હરિયાળું ઘાસ છવાયું હતું. રવિવાર, ૨૯મી ઓગસ્ટના રોજ અહીંના સંવાહક સ્વામી વિતમોહનાનંદજીએ ‘આધુનિક માનવ માટે વેદાંત’ એ વિષય પર સાંજના ૫.૦૦ વાગ્યે વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. ન્યૂયોર્કથી આવેલા બ્રહ્મચારી હસ્ટને મારા અંગ્રેજી વક્તવ્યનો ફ્રેંચ અનુવાદ ભાવિકોને પીરસ્યો હતો. રામકૃષ્ણ મિશન, લંડનના સ્વામી દયાત્માનંદજી પણ અમારી સાથે બપોર અને સાંજના ભોજન વખતે હતા. સ્વામી ગંગાનંદજી પેરિસના એરપોર્ટ પર મને લેવા અને મૂકવા આવ્યા હતા. પરંતુ અમારા પ્રિય ભક્ત શ્રી ભોગીલાલ પટેલ મને દરરોજ પેરિસમાં પોતાની ગાડીમાં લઈ જતા. તેઓ મને જર્મની અને હોલેન્ડ પણ લઈ ગયા. ૭૦ વર્ષની વયના ભોગીલાલ પટેલ ભગવાન શ્રીરામકૃષ્ણના જાણે યુવપુત્ર બની ગયા. એમને ભૂતકાળમાં હૃદયરોગનો હુમલો પણ આવી ગયો હતો છતાં ૧૫૦ કી.મી.ની ઝડપે ગાડી હંકારવામાં તેમને અનન્ય આનંદ આવતો. એમની શ્રદ્ધા, વિનમ્રતા અને વ્યાવહારિકતા જોઈને આશ્ચર્ય થાય.

એમ્સ્ટર્ડામની નજીક આવેલા એસલ્વીન વેદાંત કેન્દ્રના અધ્યક્ષ સ્વામી સર્વાત્માનંદજી સાથે હું હોલેન્ડની વિશ્વવિખ્યાત ‘રેમ્બ્રેન્ટ’ અને ‘વાન્ગોગ’ નામની બે આર્ટગેલેરીની મુલાકાતે ગયો હતો. મેં હોલેન્ડના મારા પ્રવાસ દરમિયાન આ દેશના મુખ્ય શહેર હેગ અને મુખ્ય અને અગત્યના બંદર રત્તરદામની મુલાકાત પણ લીધી હતી. ઘેરા લીલા રંગની વૃક્ષરાજિઓ અને પાનખરની વનસ્પતિના અદ્‌ભુત સૌંદર્યવાળા આ હોલેન્ડે મૂર્તચિત્ર આપનાર ચિત્ર સર્જકોને ઘણી પ્રેરણા પૂરી પાડી હશે. અનેક ટેકરીઓ, વનવિસ્તારો અને હરિયાળાં ઘાસથી છવાયેલા વિશાળ ભૂપ્રદેશ સાથેના મધ્યજર્મનીમાં હું સૌ પ્રથમવાર પ્રવેશ્યો. પ્રશાંત ગામડાં આલ્પાઈન, ચિનાર અને સિડર (ગંધતરુ), ફર, ઓક અને ચેષ્ટનટનાં વૃક્ષો સિઝેન નામના ચિત્રકારના કેનવાસ પર દોરેલાં ચિત્રાંકનો જેવાં લાગતાં હતાં. મહાન તત્ત્વજ્ઞો કાંટ, શિલર, શેગલ; જેમણે પશ્ચિમના શાસ્ત્રીય સંગીતની અદ્‌ભુત સુરાવલીઓ રચી હતી અને જેનાથી સમગ્ર વિશ્વના હૃદયને ઝણઝણાવી મૂક્યા હતા એવા મહાન સંગીતકારો – બિથોવન, મોઝાર્ટ, વેગ્નર અને જ્હોન સેબેસ્ટિયન બેક – ની આ ભૂમિ છે. હરિયાળાં ગ્રામ્ય પ્રદેશોની વચ્ચેથી ગગનચૂંબી ગોથિક શૈલીનાં ગિરિજાઘરો દૂરસુદૂરથી ડોકાતાં હતાં અને સર્વનું રક્ષણ કરનાર ઈશ્વર પ્રેમ જગાડતાં હતાં. આવા એક જર્મન ગામડામાં રામકૃષ્ણ સંઘનું સૌ પ્રથમ વેદાંત કેન્દ્ર સ્થપાયું હતું. શરૂઆતમાં અહીં ફક્ત ચાર મકાન હતા. એ ગામનું નામ છે – બિન્દવેદ.

ફ્રેંકફર્ટ હવાઈ મથકથી આશ્રમે પહોંચવા માટે કારમાં બે કલાકની મુસાફરી કરવી પડે છે. સિડર, ઓક અને બીજાં લીલાંછમ વૃક્ષોવાળાં ગાઢ જંગલોની વચ્ચે આવેલ આશ્રમ કોઈ ગહન આર્યવનપ્રદેશની વચ્ચે આવેલ શાંતિઘર જેવું લાગે છે. થોડા જર્મનવાસી અને ભારતીય ભક્તજનો છેલ્લાં ત્રીસ વર્ષથી મથતા રહ્યા છે અને રામકૃષ્ણ સંઘના કેટલાય સંન્યાસીઓને અહીં આધ્યાત્મિક શિબિરનું સંચાલન કરવા લાવી ચૂક્યા છે. ૨૦૦ કિ.મી. દૂરના વિસ્તારોમાંથી આ ભક્તજનો આશ્રમની સંભાળ લેવા આવે છે અને તેની જાળવણી પણ કરે છે. આ શ્રીરામકૃષ્ણદેવનો એક અનન્ય ચમત્કાર છે. શિશિર, કડકડતી ઠંડી અને વર્ષાના સમયે આ પ્રશાંત વિસ્તારમાં ક્યારેક ઊભા રહેવું પણ મુશ્કેલ છે. આ પળે માયાવતી આશ્રમનો શિશિરકાળ અને વર્ષાકાળ યાદ આવી જાય. અહીંથી નજીકનું મુખ્ય બજાર ત્રણ કિ.મી. દૂર છે. ત્યાં જવા માટેના રસ્તા ઘણા સારા અને અન્ય સુવિધાઓ પણ પ્રાપ્ય છે. કોમ્પ્યુટર વિજ્ઞાનના એક વરિષ્ઠ શિક્ષક વિલ્ફ્રેડે મારી સાથે એક દિવસની શિબિરમાં હાજરી આપી. એમણે ૧૯૮૪માં દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. ત્યારથી જ તેઓ વેદાંત પ્રત્યે ઘણી ઊંડી નિષ્ઠા ધરાવે છે. તેઓ જર્મનભાષાની પુસ્તિકા અને પત્રિકાઓનાં વિષય વસ્તુ અને મુખપૃષ્ઠની રૂપરેખા તૈયાર કરે છે. તેઓ માત્ર જર્મન ભાષા જ જાણે છે. શાંત અને નિર્મળ જ્ઞાની એવા એ ભક્તજને ખૂબ ધ્યાનથી અમારી વાતો સાંભળી. વિદાય લેતી વખતે તેમણે મને કહ્યું કે તે બાહ્ય સ્વરૂપે જ્ઞાની છે પણ હૃદયથી તો ભક્ત છે. ખરેખર તેઓ સાચા હતા. બાળક જેવા તત્ત્વજ્ઞ વિલ્ફ્રેડનો ૬૦ વર્ષની ઉંમરનો ચહેરો એક ઊંડા માનઆદરની લાગણી જગાડે છે. આ કેન્દ્રનો જીવંત પ્રાણ એટલે લીલી ચક્રવર્તી. આ જર્મનબાનુ બંગાળી જાણે છે, દક્ષિણેશ્વર અને કાલીઘાટમાં મા કાલીનાં સાંભળેલાં ગીતો ગાવાનું તેમને ગમે છે. તેઓ આ કેન્દ્રનું સંચાલન અહીંના ભક્ત દંપતી શ્રી બસુમલ્લિક અને એમનાં જર્મન પત્ની માર્ગારેટની મદદથી કરે છે. બીજા થોડા ભારતીય અને જર્મન ભક્તજનો પણ તેમને આ કેન્દ્રના સંચાલનમાં સહાય કરે છે.

આશ્રમ પછી અમારું બીજું યાત્રા સ્થળ હતું ઐતિહાસિક કોલોન ચર્ચ. આ ચર્ચની મુલાકાત સ્વામી વિવેકાનંદે જર્મનીની યાત્રા વખતે લીધી હતી. આ પ્રચંડકાય ચર્ચને યુનેસ્કોએ વિશ્વના સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર જાહેર કર્યું છે. ઈ.સ. ૪થી સદીમાં બંધાયેલું આ ચર્ચનું છેલ્લી ચાર સદીઓથી સતત મરામતકામ થતું રહ્યું છે. ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર સાથેના વિશાળ રવેશનું કોતરકામ ઘણું બારિક છે. તે આશ્ચર્યચકિત કરી દે તેવું છે. યાત્રાળુ આ રવેશને થોડો સમય સુધી એકીનજરે જોતો જ રહી જાય. ખરેખર તે ભવ્યાતિભવ્ય છે. એમ કહેવાય છે કે ૧૨મી સદીના આર્કબિશપ રેનોલ્ડ વોન દેશેલ ૧૧૬૪માં ઈશુખ્રિસ્તને જન્મથી પૂજનારા પૂર્વના ત્રણ મહામના માનવીઓના અસ્મિપૂંજ લાવ્યા હતા ત્યારથી માંડીને આજ સુધી આ વિશાળ ચર્ચ શ્રદ્ધાળુઓ માટે સદીઓથી એક મહાન પવિત્ર યાત્રાસ્થળ બની ગયું છે.

આશ્રમથી મોટરકારમાં બેસીને બે કલાક પછી અમે નવ કિ.મી. દૂર આવેલા કોલોન ચર્ચ પહોંચ્યા. બહાર ભયંકર સૂસવતો ઠંડો પવન હતો. આ પ્રાર્થના મંદિરનો અંદરનો ભાગ નોત્રેદામ ચર્ચ જેવો છે. પરંતુ દેવળની છેડે આવેલું ધાર્મિક ટેબલ કંઈક જુદું છે. કેટલાક ભરવાડ ભક્તોના અસ્મિપૂંજવાળો વિશેષ પથ્થરનો દાબડો ત્રિસ્તરીય ઊંચી વેદી પર રાખવામાં આવ્યો હતો. આ એક અવર્ણનીય અનુભવ હતો. અહીં આવનાર કોઈ પણ આ શાંતિમાં ભરવાડ ભક્તોનો ઈશુ ખ્રિસ્ત માટેનો પૂજ્યભાવ અનુભવી શકે છે. સાથે ને સાથે બાળ ઈશુને સુવર્ણ, અન્ય નૈવેદ્યોના અર્પણનો આનંદ પણ અનુભવી શકે છે. વિશાળ ગિરિજાઘરમાં પડઘાતું એક ઓરગન  છે. આ વિશાળ ખંડની લાંબા પ્રદક્ષિણાપથની શ્રદ્ધાળુઓ સો-સો પ્રદક્ષિણાઓ કરે છે. યુરોપના સામ્યવાદના ભયંકર દમનનાં ૫૦-૫૦ વર્ષો પછી પણ ખ્રિસ્તીધર્મની આ ધર્મ સભામાં જાણે કે પુનર્જીવન આવ્યું છે અને આ કોલોનનું ચર્ચ પશ્ચિમની માનવ્યતા માટેની શ્રદ્ધાના પુનરુત્થાન રૂપે ઊભું છે. આજે અહીંની મોટા ભાગના પ્રોટેસ્ટંટ ધર્મવાળી સ્થાનિક જર્મન પ્રજાએ આ ઐતિહાસિક ચર્ચના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ આધુનિક હોટેલો ખોલી દીધી છે. હોટેલોના વધતાં જતાં બાંધકામો અને અન્ય ઊંચી ઇમારતોથી આ ચર્ચનું સૌંદર્ય ન વિલાઈ જાય એ માટે યુનેસ્કોએ ચેતવણી પણ આપી છે.

પેરિસમાંના નેત્રેદામ ઐતિહાસિક ચર્ચની મુલાકાત પણ એક મહાન અનુભવ છે. આ ચર્ચના પ્રાર્થના ખંડની ગગનચૂંબી છત, તેમાં રહેલાં વિશાળ ચિત્રાંકનો, મીણબતીની દીપમાળાનાં ઝુમ્મરો, કાચની વિશાળ બારીઓ પરનાં ચિત્રાંકનો, પ્રાર્થના માટેની બાંકડીઓની લાંબી લાંબી હાર નજરે જોનારને એક પૂજ્યભાવ સાથેના આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. ક્રમશ: સ્તરે સ્તરે ઊંચે જતા  ભોંયતળિયાના ઉચ્ચ ભાગે એક વિશાળ વેદીમાં દસ ફૂટ ઊંચી કુંભી પર ક્રૂસ પર ચડનારા અને માતાના ખોળામાં સૂતેલા ઈશુનું – મેડોના અને તેના પુત્રનું આરસનું પૂતળું ત્યાં ભવ્ય રીતે શોભે છે. આ આરસ પ્રતિમા પાછળ એક વિશાળ સુવર્ણનો ક્રૂસ પણ છે. મૂળ બાંધકામ પછી આ ચર્ચનો સદીઓ સુધી અવારનવાર ર્જીણોદ્ધાર થતો રહ્યો છે. એમાંય ધર્મયુદ્ધો પછી એમનો સવિશેષ ર્જીણોદ્ધાર થયો છે. અહીં ક્યાંય દુ:ખદર્દનો ભાવ ન હતો. માનવજાત માટે પોતાનાં લોહી-આંસુ વહાવ્યાં પછી પોતાના તારક એવા ઈશુની ઇચ્છાપૂર્તિ અને અનન્ય શાંતિ માટેનું આ કાર્ય હતું.  સમગ્ર વિશ્વને હચમચાવી દેતી શક્તિ સાથેનું પુનર્જીવન મા મેડોના પોતાના પુત્રને આપે છે. બધાં દુ:ખદર્દોની પાર જતી અને સર્વને આવરી લેતી શાંતિ અને નિર્મળતાને અહીં આ ચર્ચને જોનાર અનુભવી શકે છે.

આ ઐતિહાસિક ગિરિજાઘરના મુખ્ય પાદરીએ ભારતમાંથી આવતા એક સંન્યાસી એવા મારા પર એક વિશેષ કૃપા કરી. એમણે અત્યંત પ્રતિબંધિત વિસ્તાર મારા માટે ખોલ્યો અને સામાન્ય રીતે જ્યાં ખ્રિસ્તીધર્મના વડા પોપ કે કાર્ડિનલ્સ જઈ શકે તેવી વેદી પાસે જવાનો માર્ગ બતાવ્યો. પાદરી પોતે એક અનન્ય પૂજ્યભાવથી બે સ્તર નીચે એમ ને એમ ઊભા રહ્યા. હું એક પછી એક પગથિયાં ચડતો મેડોના અને ક્રૂસ પર ચડેલા ઈશુની એ પ્રતિમા પાસે પહોંચ્યો. આ પળોમાં શું બન્યું એને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ભગવાં વસ્ત્રધારી એક હિંદુ સંન્યાસીએ મેડોના, બાળઈશુ અને ક્રૂસ સમક્ષ પ્રાર્થના કરી અને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ પણ કર્યા. આ વેદીની પ્રદક્ષિણા કરતાં હજારો ભાવિકો વેદીની ચારે બાજુ રહેલ લોખંડની આડશની બહાર શાંતિથી ઊભા રહે છે. થોડા સમય પછી હું નીચે ઊતર્યો અને કૃતજ્ઞતાની લાગણી સાથે મેં ત્યાંના મુખ્ય પાદરીનો આભાર માન્યો.

ફ્રાંસ એક સમાજવાદી રાષ્ટ્ર હોવા છતાં પણ હજારો ભાવિકજનો આધ્યાત્મિકતાના ભાવથી ભરેલા આ ગિરિજાઘરમાં સવારથી મોડી રાત સુધી આવતા રહે છે. પવિત્રતાભરી શાંત પ્રાર્થના સમગ્ર પ્રાર્થનાઘરને ભરી દે છે. ૩૦૦ વર્ષ પુરાણું ચર્ચનું વિશાળ ઓરગન ઝણઝણવા લાગે છે અને ૧૧૦ ફૂટ ઊંચા ગોથિક શૈલીના આ ગિરિજાઘરમાં એ સંગીતનો અદ્‌ભુત અને રોમાંચકારી પડઘો ગુંજી ઊઠે છે. અમે આ મુખ્ય પ્રાર્થનાઘરની બંને બાજુએ આવેલાં ગૃહમંદિર પણ જોયાં. એમાંનાં કેટલાંક ઘરમંદિરોમાં અમે શાંતિથી બેઠા અને પછી ભક્તિભાવ ભીના કેટલાક ખ્રિસ્તીઓ સાથે આ ભવ્ય ગિરિજાઘરના પ્રાર્થનાખંડમાં ફરી વળ્યા. જર્મનીના એક કુટુંબીજનોએ તેમની સાથે ફોટો પડાવવા માટે અમને વિનંતી કરી. અમારા શ્રી ભોગીલાલ પટેલે એમની સાથે એક ફોટો પાડ્યો. જેવા અમે આ ગિરિજાઘરમાંથી બહાર આવ્યા કે સૂર્યપ્રકાશવાળા આ શિશિરના પ્રભાતે ઠંડો પવન ફુંકાવા માંડ્યો. અહીં આવતાં યાત્રાળુ ભાવિકજનોને આશીર્વાદ અર્પતું આ વિશાળ ગિરિજાઘર આજે અડીખમ ઊભું છે. જાણે કે સર્વ પર સ્વર્ગની મહેર વરસી રહી છે.

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.