રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીમા શારદાદેવીના માધ્યમથી સમગ્ર ધરાતલ પર માતૃશક્તિ અભૂતપૂર્વભાવે લીલાયિત થઈ છે. શ્રીઠાકુરના જીવનમાં આપણને નિત્ય ધર્મોત્સવ, આનંદોત્સવ, સાધનોત્સવ, સિદ્ધોત્સવની ઝાંખી મળે છે. પરંતુ શ્રીમાના જીવનમાં આપણને શું મળે છે? જયરામવાટી, ઉદ્‌બોધન, બલરામમંદિર, કાશીપુર, વગેરે પ્રત્યેક સ્થાન પર એમનું અતિસાધારણ માનવી રૂપ તેમજ અત્યંત સહજ સ્વાભાવિક વ્યવહારદૃષ્ટિ નજરે પડે છે. એમના વ્યવહારમાં જરાય જટિલતા નથી. આટલા સરળ તેમજ સ્વાભાવિક રૂપે એમણે જીવન વીતાવ્યું કે એમના પરિચય માટે કોઈ જ્ઞાની પાસે જવાની આવશ્યકતા નથી. એમના જીવનવૃતાંતમાંથી આપણને શું મળે છે? એમના અસ્થિચર્મવાળા દેહપિંજરમાંથી, એમના નિત્ય નૈમિતિકવ્યવહારથી – એક સામાન્ય નારીના જીવનમાં પદે પદે પ્રકાશિત થતું તત્ત્વ જેને આપણે દેવી, જગદંબા, જગજ્જનની, જગન્માતા, વિશ્વપ્રસવિની વગેરે નામોથી સંબોધીએ છીએ, એ જોવા મળે છે. મારવાડીના દસ હજાર રૂપિયા એમના ઉદાત્ત મનને સ્પર્શી પણ ન શક્યા, પતિની સાથે રહેવા છતાં પણ દેહસંપર્કનો કોઈ આભાસ પણ જોવા ન મળે, ભક્તોની સાથે રહીને એમનું મન ભક્તોના વિશુદ્ધ કલ્યાણની ભાવનાથી તરબોળ રહેતું – આ બધામાં બીજી કોઈ પોતાની સ્વકીય કામનાની છાયા પણ ત્યાં ન હતી. આત્મીય સ્વજનો સાથે પણ એમનો વ્યવહાર એવો જ છે – અપૂર્વ સ્નેહમયી, દયામયી, ચિરક્ષમાશીલા મા. એમની ક્ષમાની કોઈ ઇયત્તા નથી. આગમાં શેકાયેલું ગરમ રીંગણું ફેંકીને રાધુએ શ્રીમાને ફટકાર્યું, શ્રીમાના મોંએ સિસકારો નીકળી ગયો; પરંતુ એમ એનું અકલ્યાણ ન થાય એટલે પોતે જ પોતાના મસ્તક પર પોતાની ચરણધૂલિ લગાવી દે છે. શું આ માનવીય સીમામાં સંભવ છે ખરું? દેવી, કર્મેશ્વરી, સાક્ષાત્‌ પરમેશ્વરીના મૂર્ત નારીરૂપ સિવાય આવું સંભવ નથી. આવી કલ્પનાતિત્ત આપણાં એ મા. ‘હું શરત્‌ની પણ મા છું અને અમઝદની પણ મા છું – હું ભલાની પણ મા છું અને બૂરાની પણ મા છું.’ પૂજાગ્રહણ કરી રહ્યાં છે મા – બધી ઉપસ્થિત વ્યક્તિ એક સ્વરે કહે છે : ‘હે મા, તમારે પૂજા માટે બેસવું પડશે. તમારી પૂજા અમે કરીશું.’ ‘બરાબર તો છે જ’- જે ભક્ત પૂજા કરે છે, એમની પૂજા ગ્રહણ કરી રહ્યાં છે શ્રીમા. વિશ્વજનનીએ કહ્યું : ‘જે બાળકો દૂર છે એમના વતી,  એમને માટે પણ ફૂલ અર્પણ કરો. આ માતૃત્વની અનુભૂતિની સીમા ક્યાં છે? જેને અતીન્દ્રિય કહેવાય છે તે જ આજે પ્રત્યક્ષ ગોચર થયું અને શ્રીમાના આવા નિત્યવ્યવહારથી તે યથાર્થ પણ બન્યું. માતૃશક્તિનો પૂર્ણ પ્રકાશ જેવો આ મામાં સાકાર થયો એવો આ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી.

અવતારની સાથે અવતાર – સહચારિણી આવ્યાં, જીવન જીવી ગયાં, શક્તિ અવતર્યા. પરંતુ શ્રીઠાકુરે વીસમી સદીના આ વૈજ્ઞાનિક, યુક્તિ-તર્કવાદી યુગમાં જે રીતે ધર્મ અને આધ્યાત્મિકતાને સ્થાપિત કર્યા, એવી રીતે શ્રીમાએ માનવીય આધારે માતૃશક્તિના સર્વોત્કૃષ્ટ એવમ્‌ સર્વોચ્ચ રૂપને સુપ્રતિષ્ઠિત કર્યું. શ્રીમા જો ન હોત તો સ્ત્રીશક્તિ, નારીશક્તિ વિશે વિશ્વવાસીઓને સંદેહ રહી જાત, એ વાત નિર્વિવાદ છે. આપણાં શાસ્ત્ર પુરાણ એવમ્‌ વેદોની ઉક્તિ માત્રથી નારી માતૃમૂર્તિ છે, આવો વિશ્વાસ ધરાવવો એ કઠિન હતું. શ્રીરામકૃષ્ણની સાથે શ્રીમા શારદાદેવીના આગમને આ સંશય માટે કોઈ સ્થાન રહેવા ન દીધું. એમનાં દામ્પત્ય જીવનમાં પારસ્પરિક પ્રગાઢ પ્રેમ, ગહન શ્રદ્ધા ભક્તિ, પરસ્પરનો સેવાભાવ, એક બીજા પ્રત્યે અભિપ્સા, આ બધું અતુલનીય અને અભૂતપૂર્વ છે. કેવું આશ્ચર્યમય જીવન! શ્રીઠાકુરના તિરોધાનથી શ્રીમા વિલાપ કરીને કહે છે : ‘અરે મારી કાલી મા! તમે ક્યાં ચાલ્યાં ગયાં.’ પતિને શ્રીમા કાલીના રૂપે જોવા એ એક સર્વથા અભિનવ તેમજ નવીન દૃષ્ટાંત છે. શું ક્યારેય-ક્યાંય કોઈએ આવું જોયું જાણ્યું છે? શ્રીરામકૃષ્ણની ષોડશીપૂજા એક અત્યંત રોમાંચક ઘટના છે, એની ચર્ચા આપણે કરીએ છીએ; પરંતુ આ ઘટના તો એક વિવાહિતા નારી દ્વારા પતિને શ્રીમા કાલી બનાવવાની છે. આ પતિસંબંધનું સ્થાનાન્તર છે. પ્રકારાંતરે પતિવિયોગ જ છે. પરંતુ શ્રીમાએ અનુભવ્યું કે, શ્રીમા કાલી જ ચાલ્યાં ગયાં. પતિને શ્રીમા કાલીના રૂપે પ્રત્યક્ષ અનુભવવા એ સર્વથા નૂતન છે, એનું કોઈ બીજું દૃષ્ટાંત છે જ નહીં.

આપણે જાણીએ છીએ કે શ્રીમા ભક્તોની, શ્રીઠાકુરના સંતાનોની સેવા કરે છે, કેવી દયામયી મા! પાગલ સ્ત્રીના દૃષ્ટાંતને યાદ કરો : શારદાપતિ રામકૃષ્ણ પ્રત્યે મધુર ભાવે ભાવિક થઈને પહોંચી એ તો દક્ષિણેશ્વર. શ્રીરામકૃષ્ણ પોતાની ગ્રામીણ ભાષામાં એને ધુત્કારીને ભગાડી મૂકે છે. સ્વામી ગંભીરાનંદ મહારાજે આ સંદર્ભને અત્યંત સુંદર રીતે પ્રસ્તુત કર્યો છે. ‘શ્રીમાની સીમામાં અસીમ આબદ્ધ છે.’ નોબતખાનાના નાના ઓરડાની ચાર દીવાલોની અંદર સસીમ બનીને અસીમ બેઠા છે, ત્યાંથી સાંભળે છે આર્તનાદ, પાગલ સ્ત્રીના સ્વાભિમાનને મર્માન્તક આઘાત લાગ્યો છે. દગ્ધહૃદયા ઉન્માદિની બનીને ચિત્કાર કરે છે. અહીં આ બાજુ શ્રીઠાકુર રૌદ્રરૂપ ધારણ કરીને પાગલ સ્ત્રીનો તિરસ્કાર કરી રહ્યા છે. શ્રીમા તો બરાબર જાણે છે કે એમના પતિ પ્રત્યે એ પાગલ સ્ત્રીને મધુરભાવ છે; માનવીય ધરતી પર તો ઈર્ષ્યા આવે દુ:ખ ઉપજે અને ક્રોધ જન્મે એ સ્વાભાવિક હતું. અહીં હું માનવીય શબ્દનો પ્રયોગ આધુનિક યુગના ‘હ્યૂમન’ના અર્થમાં કરું છું. પરંતુ શ્રીમાએ આવી જાતની કોઈ પ્રતિક્રિયા ન કરી. ઊલ્ટાનું ગોલાપમાને તેઓ કહે છે : ‘જુઓ ગોલાપ! છોકરીએ તો ભૂલ કરી જ નાખી છે, એને ત્યાંથી દૂર હટાવી દેવી એ જ પૂરતું હતું એમાં આટલું તાડુકવાની શી જરૂર છે. તેને જલ્દી મારી પાસે લઈ આવો.’ એમનો આવો વ્યવહાર કલ્પનાતિત છે! શા માટે? તેઓ અતિમાનવી છે, એટલે જ તે સ્ત્રીને બોલાવવા ગોલાપમાને પરાણે મોકલ્યાં. પેલી પાગલ સ્ત્રી આવવા તૈયાર નથી, ફોસલાવી સમજાવીને ગોલાપમા એને લઈ આવ્યા. શ્રીમા પાસે નોબતખાનામાં. શ્રીમાની સામે જોઈને પાગલ સ્ત્રી તો વધુ ક્ષુબ્ધ બની ગઈ, શારદાપતિ રામકૃષ્ણના કઠોર વચનોથી વિદીર્ણ હૃદયા તે પાગલ સ્ત્રીનું માનસિક સંતુલન બગડી ગયું, એનો ક્રોધાગ્નિ ભડકી ઊઠ્યો. શ્રીમાને જોઈને તે કહે છે : ‘તારા જ કારણે, મારી આ દશા થઈ અને વળી પાછી તું જ મને બોલાવી રહી છે.’ એ તો દોડીને શ્રીમાને મારવા ગઈ. શ્રીમા એને ભેટી પડ્યા. સ્નેહથી એનું મોં લૂછ્યું અને મીઠાઈ ખવડાવી. અતિમાનવ, દેવમાનવ શ્રીરામકૃષ્ણ તેમજ દેવી માનવી શ્રીમાનો સંગ, એટલે જ તો આ બધું સંભવ બન્યું. આવું ન હોત તો આ યુગનાં છોકરા-છોકરીઓ શ્રીમાને કેન્દ્રમાં રાખીને શું આટલો બધો આનંદોત્સવ ક્યારેય કરી શકત ખરાં. શ્રીમાના નામથી આટલી શાંતિ પામવી સંભવ બનત ખરી?

શ્રીમા માતૃત્વના આદર્શની સ્થાપના માટે અવતર્યા હતા. એનું કારણ એ છે કે જો સંસારના સ્ત્રી-પુરુષ સુસંબદ્ઘ બનીને સુનિયંત્રિત જીવન જીવે તો ઘર, સમાજ, પ્રદેશ, રાષ્ટ્ર, વિશ્વમાં માનવ સમાજ કલ્યાણનો અધિકારી બનશે. આવું ન થાય તો અનર્થ અનિવાર્ય છે. એટલે શ્રીઠાકુર તેમજ શ્રીમાનું એક સાથે આગમન થયું. તેઓ શ્રીમા કાલી સિવાય બીજું કંઈ નથી. નોબતખાનામાં રહેનારા, પોતાના પગ દબાવનારાં શ્રીમા શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ અભિન્ન હતાં. જે મા મંદિરમાં છે, તે જ મા આપણી આંખો ઉઘાડીને બધું રહસ્ય સમજાવવા આવ્યાં છે, શ્રીમા શારદાદેવી બનીને!

યુગ યુગાન્તરથી ઋષિમુનિ માતૃત્વનો જે આદર્શ સ્થાપિત કરી ગયા છે તે કોઈ મિથ્યા કલ્પના નથી, અનુમાનનો વિષય પણ નથી, યુક્તિ કે તર્ક દ્વારા તેને સિદ્ધ ન કરી શકાય. એ આદર્શને જ પ્રમાણિત કરવા આવ્યાં હતાં શ્રીમા. એટલે જાતિ, ધર્મ, નિરપેક્ષ એવો ભરપૂર સ્નેહ તો શ્રીમા જ અર્પી ગયાં છે. ગાય માટે ઘાસ કાપવું, કોલકાતાથી આવેલા ભક્તો માટે સવારમાં વહેલા ઊઠીને ગામડે – ગામડે ફરીને દૂધ એકઠું કરવું, ચા બનાવીને પીવડાવવો, ભોજન રાંધીને એને બરાબર ખવડાવવું વગેરે માટે કેવો અકથ્ય પરિશ્રમ એમણે કર્યો હતો! આ બધાની સંભાવના બતાવવા શ્રીમા અવતર્યાં હતાં આ ધરતી ઉપર. શ્રીમાના પગમાં બળતરા થઈ રહી છે, અને થાય જ ને, તે તો મા છે! બાળકો આવું જ કરે છે એમને જન્મ આપ્યો છે બધું સહન કરવું પડે. શ્રીમા શાંતભાવે બધું સહન કરી રહ્યાં છે. ત્યાર પછી એક સેવકને કહે છે : ‘મને બળતરા થાય છે, પાણી આપો, ગંગાજળ આપો.’ પરંતુ શ્રીમા તો છે સર્વસહા! એમની સહિષ્ણુતાને કોઈ સીમા નથી. આ સંદર્ભમાં પદ્મવિનોદ નામના એક દારૂડિયાની વાત યાદ આવે છે. શ્રીમા બાગબાજારમાં છે, અરધી રાતનો સમય છે, દારૂના નશામાં મત્ત પદ્મવિનોદ શ્રીમાને સંબોધીને ગાય છે : ‘જાગો મા, જાગો! કરુણામય મા ખોલો દ્વાર!’ શ્રીમા અસ્વસ્થ છે શરદ મહારાજ ત્યાં જ છે. અરધી રાતે બારણું ખોલવું સંભવ નથી, પણ શ્રીમા કેવી રીતે ચૂપ રહી શકે?

બરાબર પોકારી જો અરે મન! 

ચુપ રહે કેમ શ્રીમા શ્યામા?

અને શ્યામા શ્રીમાએ શરત્‌ના મનને અગ્રાહ્ય ગણીને ઉઘાડી નાખ્યું બારણું અને આવીને ઊભાં રહ્યાં પરસાળમાં! ‘મા આવ્યાં છો, બારણું ખોલીને, બસ તમને જ હું નીરખું અને તમે મને જ નીરખો, મારો મિત્ર (શરત્‌) ન જુએ એ.’ શરત્‌ મહારાજ છે દોસ્ત. શરાબી ડરે છે એટલે શરત્‌ મહારાજને સંબોધીને કહે છે: ‘મિત્ર જોવા ન પામે. તમે નિરખો અને હું પણ નિરખું! કેવો વિલક્ષણ ભાવ!’

શ્રીમા નવીનતાની નૂતનદીપ્તિ છે. એનો કોઈ પરિચય છે જ ને લક્ષ્મીદીદી પાસે પુસ્તક મગાવીને જેવી રીતે તેઓ અ, આ, ક, ખ શીખ્યાં તે દ્વારા જાણે કે નારીકેળવણીનું સમર્થન કર્યું એમણે. શ્રીમા આ નિશ્ચિતરૂપે જાણતાં હતાં કે પોતાના દેશમાં, પોતાની પરંપરા તેમજ સંસ્કૃતિને અનુરૂપ  નારીજાતિના અભ્યુત્થાનની વધારે આવશ્યકતા છે. જે બીજા દેશોનું આપણે અનુકરણ કરી રહ્યા છીએ ત્યાં નારી રમણીના અર્થમાં સ્વીકૃત છે. ત્યાં નારી વિશે આવી જ ધારણા છે. આપણા દેશમાં નારી શબ્દમાં એટલી ઉદાત્તતા છે કે તેના ઉચ્ચારણ માત્રથી ‘દેવી’ કે ‘મા’નું રૂપ જ ઊભરે છે. તે સદૈવ મા છે, નાની અવસ્થામાં પણ મા, મોટા થયા પછી પણ મા, વૃદ્ધ થયા પછી પણ મા. શ્રીમાએ પોતે જ લખવા વાંચવાનું શીખીને નારીકેળવણીને પ્રોત્સાહન આપ્યું હતું. છોકરીઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં થનારા બધા પ્રયાસોને શ્રીમાએ પ્રોત્સાહન આપ્યું હતું.

નવીનતાના સંદર્ભમાં આ વાત યાદ રાખવા જેવી છે: નરેન્દ્ર તો એ સમયે સ્નાતક હતા, વિદેશ જવા માટે જતાં પહેલાં શ્રીમાની અનુમતિ લેવી એમને માટે આવશ્યક હતી ખરી? શું નરેન આ સત્ય હકીકતથી અપરિચિત હતા કે જયરામવાટીના એ મહિલા નિરક્ષર છે, વિદેશયાત્રાની કલ્પના પણ શ્રીમા નહીં કરી શકે? તેઓ આ બધું જાણતા હતા અને બરાબર જાણતા હતા. આ બાબતમાં સ્વામી નિર્વાણાનંદજી કહેતા હતા કે નરેન આનાથી પણ વધુ શ્રીમા વિશે જાણતા હતા. વસ્તુત: શ્રીમાની અનુમતીથી નરેન્દ્ર સમુદ્ર પાર કરી ગયા. શ્રીરામકૃષ્ણના માનસપુત્ર હતા, છતાં પણ શ્રદ્ધાભક્તિહીન વ્યક્તિઓ માટે માનસપુત્રની ધારણા સંભવ નથી. પરંતુ રાજા મહારાજ બેલુરમઠના અધ્યક્ષ હતા અને સ્વામીએ જ એમની પસંદગી કરી હતી. એમણે મઠનું સંગઠન કુશળતાપૂર્વક કર્યું. આ ઐતિહાસિક સત્ય છે, એની અવગણના કરી ન શકાય. શ્રીમાનાં દર્શને જતી વખતે કેવળ નરેન્દ્ર અંજલિ ભરી ભરીને ગંગાજળ પીતા હોય એવી વાત નથી પરંતુ રાખાલ મહારાજ પણ નિર્દિષ્ટ સમયે દર્શન કરવા જતા. એક દિવસ શ્રીમાનો બારણું ખોલવામાં થોડીવાર લાગી ગઈ. આ બારણું ઉઘડવામાં જેટલી વાર લાગતી હતી એટલા જ પ્રમાણમાં રાજા મહારાજના હૃદયના થડકારા પણ વધતા જતા હતા. પરસેવેથી લદબદ થઈને તેઓ થરથર કાંપતા હતા. ‘આજે મારાથી કોઈ અપરાધ ન થઈ ગયો હોય એવું મને લાગતું હતું. પવિત્રતારૂપિણી આ શ્રીમા એટલા પવિત્ર છે કે શ્રીઠાકુરે પોતે તેમને જ્ઞાનદાયિની સરસ્વતી કહ્યાં છે; પ્રતિદિન તેઓ દર્શનના સમયે બારણું ખોલીને રાહ જોતા ઊભાં રહેતાં; તો આજે તેમનું દર્શન કેમ નહીં થતું હોય? શ્રીમા બારણું ઉઘાડતા નથી, એમનાં દર્શન થતાં નથી. જરૂર મારાથી કોઈ અપરાધ થઈ ગયો છે.’ રાજા મહારાજ આ ચિંતાથી વ્યાકુળ બની ગયા. તેઓ તો હતા સમાધિવાન મહાપુરુષ, શ્રીઠાકુરના માનસપુત્ર, શ્રીમાને તેમણે આટલી શ્રદ્ધાભક્તિથી જોયા એ એક મહાન નવીનતા છે. આ બધું કોઈ કવિકલ્પના જેવું નથી, એ ઐતિહાસિક સત્ય છે. મહાકાવ્ય ચિરકાળથી સુંદર અને અમૃતમય છે. તેમજ આપણે દીર્ઘકાળથી એ અમૃતના પિપાસુ છીએ. આ મહાકાવ્ય એટલું જ સત્ય છે પરંતુ એની પૃષ્ઠભૂમિ સંપૂર્ણ વાસ્તવિકતા.

(ક્રમશ:)

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.