લોકોનું દોષારોપણ: ‘શ્રીમા છોકરાઓને છીનવે છે’

પગલી મામી અને બીજા લોકોના મોંએ આ છોકરાઓને છીનવી લેવાની વાત સાંભળવા મળતી. જિબટાના રાયલોકો ધનવાન તાલુકદાર છે. એમાંથી એક તાલુકદારનો એકનો એક દીકરો મોટો થતાં કુસંગમાં પડીને દુશ્ચરિત્ર બની ગયો. એમના પિતા દુ:ખી છે. ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તેઓ એને સુધારી શકતા નથી. એક દિવસ કોઈ સંબંધીની સમક્ષ એમણે પોતાના આ છોકરાની રામકહાણી કરી. સંબંધીએ સલાહ આપી કે જયરામવાટીમાં શ્રીમા પાસે એને મોકલી દો. આ સાંભળીને ભયભીત થઈને તેઓ બોલી ઊઠ્યા: ‘એના દુરાચરણ માટે હું એને જુદો કરીને એના માટે થોડું ધન રાખી જઈશ પણ એને ત્યાં નહિ મોકલું.’

શ્રીમાના શરણમાં આવેલા એક સજ્જન વચ્ચે વચ્ચે શ્રીમા માટે કેટલીક ચીજવસ્તુઓ લાવતા. ત્રણ કોસનું અંતર કાપવું પડે છે, છતાં પણ ભારે વજન ઉપાડીને તે પરમ આનંદથી ચીજવસ્તુઓ લાવતા. એક ગામમાંથી પસાર થઈને તેમને આવવું પડતું. ત્યાંના એક પ્રૌઢ વ્યક્તિ સાથે ક્યારેક ક્યારેક મુલાકાત થઈ જતી. એક દિવસ આ ગૃહસ્થ ઘણું ભારે વજન લઈને આવતા હતા. એમને જોઈને પેલા પ્રૌઢે દુ:ખી હૃદયે કહ્યું: ‘આ બાપડો કયા મોહમાં પડી ગયો છે!’  શ્રીમાના ઘરે પહોંચીને એમણે એમની ચરણવંદના કરી અને સાથે લાવેલ વસ્તુઓ આપી. શ્રીમા પ્રસન્ન થયાં અને એમને ઘણા આશીર્વાદ આપ્યા અને એમને કુશળ સમાચાર વગેરે પૂછ્યું. એ પ્રમાણે જવાબ આપીને પેલા ગૃહસ્થે રસ્તામાં મળેલા પેલા પ્રૌઢની વાતનો ઉલ્લેખ પણ કર્યો. એ સાંભળીને શ્રીમાનું મુખમંડળ ગંભીર બની ગયું અને થોડી વાર પછી શિષ્યને સંબોધીને દૃઢ સ્વરે કહ્યું: ‘બેટા, આ લોકો સંસારના કીટ છે. ભગવાન પ્રત્યે એમને ભક્તિ નથી હોતી. આ લોકો કેવળ આ સંસારમાં આવશે અને વળી જશે, સંસારનાં દુ:ખ-યાતના ભોગવશે. આ રીતે અનેક જન્મ પસાર કર્યા પછી કોઈ એક જન્મમાં જો ભગવાનની કૃપા થઈ તો એની મુક્તિ છે.’ શ્રીમાની વાત સાંભળીને શિષ્ય વિસ્મિતભાવે સ્તબ્ધ થઈ ગયો.

શ્રીમાને ત્યાં ભક્ત મહિલાઓનું આગમન

શ્રીમાના ઘરે કેવળ પુરુષો જ આવતા જતા એવું ન હતું, સ્ત્રીઓ પણ આવતી જતી રહે છે. બધી ઉંમરની સ્ત્રીઓ – તરુણી, યુવતી, પ્રૌઢા અને વૃદ્ધા – આવે છે. એમાંની મોટા ભાગની બહેનો ભદ્ર પરિવારની છે. તેમાં સુંદર, શિક્ષિત, કુમારી, સધવા, વિધવા બધા પ્રકારની સ્ત્રીઓ છે. એ સમયે લાજપ્રથા કે રૂઢિઓને પકડી રાખનારા સમાજને આ આચરણ અસહ્ય લાગતું. એનું કારણ એ હતું કે એમની દૃષ્ટિએ આ આચરણ વર્ણાશ્રમની વિરુદ્ધ અને સમાજમાં ઉચ્છૃંખલતાને આશરો આપનારું હતું. શ્રીમા પણ ખૂબ સાવધાન રહેતાં. જેનાથી કોઈના મનમાં કોઈ આઘાત ન લાગે કે કોઈ પ્રકારની સામાજિક કે પારિવારિક સમસ્યા પણ ઊભી ન થાય. પરંતુ એમના સ્નેહનું આકર્ષણ એવું છે કે જે વ્યક્તિને બધા પ્રકારનાં બંધનોમાંથી મુક્ત કરી દે છે. જે કોઈએ એકવાર પણ એ સ્નેહામૃતનો સ્વાદ ચાખ્યો હોય તેને બાંધી રાખવાથી પણ અટકે નહિ. ઘરમાં અને બહાર આપત્તિ અને વિપત્તિ અવશ્ય આવે છે પણ જે લોકો ખરેખર પ્રેમી છે, એને કોઈ વિઘ્ન રોકી શકતું નથી. શ્રીમાની કૃપાથી બધાં વિઘ્ન દૂર થઈ જાય છે અને પથ મોકળો બની જાય છે. આ રીતે ધીમે ધીમે જાણ્યે અજાણ્યે શ્રીમાનો પ્રભાવ નવીન માનવ, નવીન સમાજ, નવીન આચારની રચના કરી ભાવિ વિશ્વબંધુત્વનું બીજ વાવતો હતો. ‘વસુધૈવકુટુંબકમ્‌’ની આધારશીલા નાખતો હતો. અસંખ્ય નરનારી નવજીવનની ચેતના પામીને હર્ષથી પ્રફૂલ્લિત બની જતાં.

આરામબાગના વકીલ મણીન્દ્ર બાબુ શ્રીઠાકુરના ખાસ ભક્ત છે. વિદ્યાર્થીજીવનમાં ‘કથામૃત’ના રચયિતા માસ્ટર મહાશયનું સાંનિધ્ય મેળવીને ધન્ય બન્યા છે. એમના તેઓ વિશેષ ભાજન અને વિશ્વાસપાત્ર પણ રહ્યા છે. એમણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણેય ભાગને પાંડુલિપિમાં લિપિબદ્ધ કરેલ છે. માસ્ટર મહાશય બરાબર પરખીને અતિયોગ્ય વ્યક્તિને જ આ મહત્ત્વનો કાર્યભાર સોંપતા. આ કામ પણ ઘણું કઠિન અને જવાબદારીપૂર્ણ હતું. માસ્ટર મહાશય ભાવતન્મય નેત્રોથી જાણે કે બધાં જુનાં દૃશ્યોને પ્રત્યક્ષ નીરખી રહ્યા છે અને એ પ્રમાણે બોલતા રહે છે. તેઓ જે પ્રમાણે બોલે બરાબર એવું જ લખવું પડે. એમાં ક્યાંય પ્રશ્ન કરવાનો અવકાશ નથી. લાંબા સમય સુધી શ્રી ‘મ’ની સાથે રહેવાને કારણે મણીન્દ્ર બાબુએ એમના દ્વારા પરમ આરાધ્યા શ્રીમાના મહિમા વિશે જાણ્યું અને જયરામવાટી આવવા જવાનું શરૂ કર્યું. આરામ બાગથી એક કોસ દૂર પશ્ચિમવાયુ ગ્રામમાં એમનું બાપદાદાનું મકાન છે. ગામના જમીનદાર છે. સન્માનનીય ભદ્ર પરિવારમાં જન્મ્યા છે અને વળી વકીલ પણ છે. એટલે જ આ ક્ષેત્રમાં બધા લોકો એને ઓળખે છે. જયરામવાટી એમના ગામથી લગભગ છ કોસ દૂર છે. એટલે ત્યાંના લોકો પણ એમને ઓળખે છે અને એમનાં માન-આદર કરે છે.

છોકરાના મોઢે માતાજી વિશે સાંભળીને મણિબાબુનાં મા એમનાં દર્શન કરવા એકવાર જયરામવાટી ગયાં. દર્શન કરીને શ્રીમાની સ્નેહકૃપા પામીને મણિબાબુનાં મા એમનાં પ્રત્યે સવિશેષ આકર્ષાયાં અને એમનું સંસાર પ્રત્યેનું આકર્ષણ ઓછું થવા લાગ્યું. એનો પોતાનો એક મોટો સંસાર છે – પુત્ર, પુત્રવધૂ, વિધવા પુત્રી, પૌત્રપૌત્રી, નોકર-ચાકર, સ્વજન-સંબંધી, અતિથિ-અભ્યાગત તો ખરાં પણ એની સાથે ભગવાનની પૂજા-સેવા આ બધુંય ખરું. આ બધાં કાર્યોમાં તેઓ પોતે જ ઘરના કર્તાહર્તા છે. આવો સુંદર મજાનો સંસાર તેઓ જ ચલાવે છે. પાકાં ગૃહિણી છે. બધાંના મોઢે એમની દક્ષતા માટે પ્રશંસાના શબ્દો નીકળે છે. શ્રીમાનો સ્નેહ પ્રાપ્ત કરીને સંસાર પ્રત્યે એમનું આકર્ષણ દિનપ્રતિદિન ઓછું થવા લાગ્યું તથા તેઓ વારંવાર શ્રીમા પાસે આવવા-જવા લાગ્યાં. જયરામવાટી આવ્યા પછી તેમને ઘરે પાછા જવાનું મન ન થતું. તેઓ ત્યાં જ પડ્યા રહેતાં. શ્રીમા તથા ભક્તોની સેવા કરીને પરમ-આનંદ અનુભવતાં. એમનું અહીં દીનહીનની જેમ રહેવું અને એક નોકરાણીની જેમ બધાં કાર્યો કરવાં એ સૌ કોઈના મનને મોહી લેતું. આ ભદ્રનારી આ રીતે શ્રીમા પાસે રહીને કામ કરતાં રહ્યાં. એ વાત સાંભળીને સ્થાનિક લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. પોતાની ઘર-ગૃહસ્થીની દૃષ્ટિએ કે પછી પોતાની જન્મદાતા માતાની સુખસુવિધાનો ખ્યાલ કરવાના હેતુથી; મણીન્દ્ર બાબુને પોતાનાં મા જયરામવાટી વારંવાર જાય અને ઘણા દિવસો સુધી ત્યાં રહે એ ગમતું નહિ. એકવાર કોઈ એક ભક્તસંતાનની સાથે મુલાકાત થવાથી મણીન્દ્ર બાબુનાં માએ તેની પાસે શ્રીમાની નિકટ જવાની પોતાની ઇચ્છા પ્રગટ કરી અને કહ્યું: ‘મણિ કહે છે કે તે મને જલદી પાછી મોકલી દેશે. અને જો નહિ મોકલે તો હું પોતે જ ભાગીને ચાલી જઈશ.’ ક્યારેક ક્યારેક તો તેઓ એક નોકરાણી સાથે પગે ચાલીને જયરામવાટી આવતાં. એના થોડા સમય પછી તેઓ પરલોક પામ્યાં. શ્રાદ્ધાદિ કર્મ પૂર્ણ થયા પછી મણિબાબુ જયરામવાટી ગયા અને અશ્રુપૂર્ણ નેત્રે માતાજીને કહ્યું: ‘માએ આપની પાસે આવવાનું વિચારીને બધું વ્યવસ્થિત ગોઠવી દીધું હતું, થેલીમાં કપડા પણ રાખી દીધાં હતાં એ દરમિયાન તેઓ બિમાર થઈ ગયા અને અહીં આવી ન શક્યાં. થોડા દિવસોમાં જ તેમણે દેહ છોડ્યો.’ શ્રીમાના નેત્ર પણ સજળ થઈ ગયાં અને ગદ્‌ગદ્‌ કંઠે ખેદ પ્રગટ કરતાં કહેવા લાગ્યાં: ‘મારી વહુ, આવીશ આવીશ, એમ કહેતી રહી અને એનું માને ઘરે આવવાનું ન બની શક્યું!’

શ્રીમાની શીખવવાની રીત

શ્રીમાની કેટકેટલી દીકરીઓ કેટકેટલાં કષ્ટ સહન કરીને જયરામવાટી આવતી. એમનું આ રીતે ત્યાં આવવાનું જોઈને લોકો વિસ્મિત થઈને વિચારતા: ‘ઘરની ચાર દિવાલોની વચ્ચે રહેનાર આ બધી દીકરીઓ કેવી રીતે આટલે દૂર જાણે કે દોડતી દોડતી આવે છે! એમને નથી કોઈ ડર, નથી કોઈ ચિંતા! શ્રીમાનું આકર્ષણ જ એવું હતું. શ્રીમા પાસે જેમ એમના એક-બે શિષ્યપુત્રો રહેતા તેમ એમની ત્રણ ભત્રીજીઓ ઉપરાંત બે ત્રણ દીકરીઓ પણ રહેતી. શ્રીમાના નજીક રહેવાને કારણે દૈનંદિન કાર્યોની વચ્ચે પણ બધાં સંતાનોનું મન સ્વાભાવિક જ ભગવદ્‌ભાવની ઉચ્ચ ભૂમિકાએ સદૈવ પ્રતિષ્ઠિત થતું. અમે લોકો ભગવાન અને ભગવદ્‌-ભજનને આ દૈનિક જીવનથી થોડું અલગ રાખવા માગીએ છીએ, એટલે કે અમારા જીવનયાપનના ક્રમ સાથે એનો કોઈ પ્રત્યક્ષ સંબંધ ન રહે એ રીતે અલગ રાખવા માગીએ છીએ. એટલે કેટલીયેવાર ભગવત્પ્રાપ્તિની સાધના અમારા માટે અસ્વાભાવિક બની જતી.

શ્રીમાના જીવનની વાત તો એક બાજુ, પરંતુ એમની નિકટ આવનાર શરણાગત સંતાનોના જીવનમાં પણ કોઈ પ્રકારની અસ્વાભાવિકતા નજરે પડતી ન હતી. શ્રીમાનાં સ્નેહમાધુર્યથી સંતાનોના અંત:કરણમાં પણ ક્ષમતા, કાર્યકુશળતા, સત્યનિષ્ઠા, સેવાપરાયણતા, સંયમ, સ્નેહપ્રીતિ વગેરે સદ્‌ગુણો સંચારિત થતા. ભગવાનમાં શ્રદ્ધા અને એમનું ભજન એ જીવના પ્રાણધારણ અને શ્વાસોચ્છ્‌વાસની પ્રક્રિયા જેવાં સહજ અને સ્વયંસ્ફૂર્ત છે. તેમજ જે શક્તિ દ્વારા સંસારનાં સૃષ્ટિ-સ્થિતિ-લય વગેરે સમસ્ત વ્યાપાર થતા રહે છે તે સર્વવ્યાપી ઈશ્વર – તે પરમ કરુણાળુ શ્રીઠાકુર – ભીતર અને બહાર સદા સર્વત્ર વિરાજમાન છે, આવો અટલ વિશ્વાસ સંતાનોનાં હૃદયમાં દૃઢમૂળ થતો રહેતો. સંસાર ભગવાનનો જ છે, પોતાની લીલા માટે એમણે રચ્યો છે, આપણે એમના હાથની કઠપુતળીઓ છીએ. જ્યારે જ્યાં રાખે, જેવું કરાવે, મનમાં સંતોષ રાખીને એ બધું કર્યે જાઓ. આપણે આપણા પોતાનાં કર્મફળથી દુ:ખ ભોગવીએ છીએ એને માટે બીજાને દોષી ગણવો અનુચિત છે. આપણે બધા ભાઈ-ભાઈ છીએ, એક જ માતપિતાનાં સંતાન છીએ. ભગવાનમાં શ્રદ્ધા, ભક્તિનિષ્ઠા લઈને એમના શરણાગત થઈને પડ્યા રહો. સદ્‌વૃત્તિપૂર્વક જીવનયાપન કરવું, યથાશક્તિ બીજાની સેવા કરવી, કોઈને પણ કોઈ પણ પ્રકારનું દુ:ખ ન દેવું – આ બધા ઉપદેશ શ્રીમા અણજાણ્યે જ પોતાનાં સંતાનોનાં હૃદયમાં અંકિત કરી દેતાં. એ લોકોની આ ક્ષણભંગુર દેહ પ્રત્યેની આત્મબુદ્ધિ અને મોહ શ્રીમાની કૃપાથી ક્રમશ: ક્ષીણ થતાં રહેતાં.

ક્યારેક બીજાની દેખાદેખીથી કોઈ અશાંત છોકરાની ભીતર ‘સાધના કરું’ એવી ઇચ્છા જાગ્રત થતી. શ્રીમા એને ઉપદેશ આપતાં અને મીઠી વાતો કરીને સમજાવતાં કહેતાં: ‘શ્રીઠાકુરને પોકાર, એમના પર નિર્ભર રહે, બધું થઈ જશે.’ ઉચ્ચ પાત્રતા જોઈને, શક્તિ સામર્થ્ય જોઈને તેઓ ભિન્ન ભિન્ન વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના ઉપદેશ આપતાં. કોઈની વ્યાકુળતા જોઈને સંભવત: એના પર વિશેષ કૃપા પણ કરતાં.પરંતુ આ બધું અત્યંત સ્વાભાવિક રૂપે થતું. સંસારમાં, સમાજમાં; માનવ માનવમાં, સ્ત્રીપુરુષમાં; ધર્મ-ધર્મમાં, સંન્યાસ-ગૃહસ્થાવસ્થામાં- સાધન-ભજન અને વૈષયિક કર્મોમાં ઘણી ભેદબુદ્ધિઓ છે. એને લીધે વિષમતાઓ ઊભી થાય છે અને માનવજીવનને દુ:ખથી ભારેખમ અને દુ:સહ બનાવી દે છે; શ્રીમા એ બધાને દૂર કરીને ભિન્ન ભિન્ન અધિકારીઓને સ્નેહપૂર્વક સામંજસ્ય અને સમાધાન તેમજ સહઅસ્તિત્વનો પથ બતાવી દેતાં. કેવા અદ્‌ભુત-સહજ ઢંગથી તેઓ આ બધું શીખવી દેતાં: ‘બેટા, શ્રીઠાકુર શું અલગ, ખંડ છે; તેઓ જ તો અખંડ વસ્તુ છે. જગતમાં બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. બધા પદાર્થ બ્રહ્મનો પ્રકાશ છે. બ્રહ્મની જ શક્તિ બધાં દેવદેવીઓમાં વિરાજેલી છે. એ જ પુરુષ છે, અને વળી એ જ પ્રકૃતિ. શ્રીઠાકુર ખંડન કરવા કે તોડવા આવ્યા ન હતા.’ પાત્રતા જોઈને લોકોને ભિન્ન ભિન્ન ઈષ્ટમંત્ર દેતી વખતે પણ શ્રીમા પોતાનાં જિજ્ઞાસુ સંતાનોને ઉપર્યુક્ત રીતે શ્રીઠાકુરનું જ ચિંતન-મનન કરવાનો ઉપદેશ આપતાં. કોઈ અણસમજુ છોકરો એમની જ પૂજા આરાધના કરવાની હઠ લઈને બેસે ત્યારે તેઓ એને આ રીતે સમજાવી દેતાં: ‘બેટા, ભક્ત લોકો કહે છે કે મારી ભીતર શ્રીઠાકુર જ છે.’ બસ, શિષ્યનું હૃદય પ્રફૂલ્લિત થઈ જતું. એમના વરિષ્ઠ જ્ઞાની છોકરા અજાણ્યા બાળકોને શ્રીમાના શરણાગત થવા માટે સમજાવતા, એ લોકો જો સમજવા ન ઇચ્છતા હોય તો તેમને ઠપકો આપતાં કહેતા: ‘શ્રીમા અને શ્રીઠાકુર શું અલગ અલગ છે?’ 

યથાગ્નેર્દાહિકાશક્તિ: રામકૃષ્ણે સ્થિતા હિ યા ।
સર્વવિદ્યાસ્વરૂપાં તાં સારદાં પ્રણમામ્યહમ્‌ ॥

અગ્નિમાં રહેલ દાહકશક્તિની જેમ જે રામકૃષ્ણમાં સ્થિત છે એવાં સર્વવિદ્યાસ્વરૂપિણી શારદાને હું પ્રણામ કરું છું. શ્રીમાને ધનવાન અને નિર્ધન, વિદ્વાન અને મૂર્ખ એમ બધા પ્રકારનાં સંતાનો છે. કોઈ શ્રીમાને બ્રહ્માંડપ્રસવિની મહાશક્તિના રૂપે પ્રણામ કરે છે, એમની સ્તુતિવંદના કરે છે; તો વળી કોઈ આ બધું કંઈ જાણતા નથી અને કેવળ એટલું જ સમજે છે : ‘આ મારી મા છે, ઈહકાલ અને પરકાલ મા, મારી રક્ષા કરનારી મા છે, એમની કૃપાથી મારે કોઈ ભયચિંતા નથી.’ શ્રીમાનો બધાં સંતાનો પ્રત્યે સમાન સ્નેહપ્રેમ છે. શ્રીમા સમજે છે કે જેવી જેની શક્તિ, તે એ રીતે એમને પોકારે છે – કોઈ કહે બા, તો કોઈ કહે પા’.

ભેટ રૂપે મળેલી વસ્તુઓ પ્રત્યે માનો અભિગમ

શ્રીમા માટે ઘણા લોકો પોતાની શક્તિ પ્રમાણે કામની ચીજવસ્તુઓ લઈને આવે છે. એ બધી ચીજો સામાન્ય હોવા છતાં પણ શ્રીમા ઘણા આનંદથી સ્વીકાર કરે છે અને એ લાવનારની કેટલીક પ્રશંસા પણ કરે છે! કતેઓ કોઈ દેખાડવાનો સ્નેહ કરતાં ન હતાં, એમનાં શબ્દોમાં કોઈ પણ પ્રકારની ઔપચારિકતા ન રહેતી. પરંતુ વાસ્તવિક રૂપે એમની પ્રસન્નતાનો અનુભવ એ દ્વારા કરી શકાય છે. ભક્ત અંતરના ભાવથી જે કંઈ પણ દેતા એ સામાન્ય ચીજવસ્તુઓ પ્રત્યે એમને એટલી બધી લાગણી રહેતી. દહરકુંડ ગામમાં એમના કેટલાક ગરીબ ખેડૂતશિષ્યો રહેતા. એકવાર તેઓ પોતાના દૂર આવેલા ગામથી પગે ચાલીને જયરામવાટી આવ્યા. પોતાના માથા પર પોતાના ખેતરમાં ઉગાડેલ શાકભાજીના ટોપલા પણ સાથે લેતા આવ્યા. શ્રીમા આ બધું મેળવીને કેટલાં રાજી થયાં! એ તો બીચારા નિર્ધન હતા, દરિદ્રની વેશભૂષામાં આવ્યા હતા, વિદ્યાબુદ્ધિ પણ ન હતાં. એમણે એ બધો સામાન અત્યંત સંકોચ સાથે શ્રીમાની પાસે મૂક્યો અને એક ખૂણામાં જઈને ઊભા રહ્યા. શ્રીમાને લોકો કેટલી સારી સારી ચીજવસ્તુઓ આપે છે! એટલે એ બધાના મનમાં એવો સંશય છે કે શ્રીમા શારદા એમની દીધેલી આ સામાન્ય ચીજવસ્તુઓને સ્વીકારશે કે કેમ? શ્રીમાએ અત્યંત સ્નેહ સાથે એ બધું સ્વીકાર્યું અને બધાને હાથથી જોવા લાગ્યાં. વળી સ્નેહાર્દ્ર સ્વરે પ્રશંસા કરતાં કહેવા લાગ્યાં: ‘બેટા! તમે લોકો કેટલા દૂરથી આ બોજો માથા પર ઊંચકીને આવો છો! અરે, મારા દીકરાઓએ મારા માટે કેટલું કષ્ટ વેઠ્યું!’ આ શાકભાજીમાં એક પાકેલું ઘણું મોટું કોળું અને એક મોટું અળવીનું કંદ હતું. આ બધી ચીજવસ્તુઓ જયરામવાટીમાં ન મળતી. મા ખુબ ખુશ થયાં. એમણે પોતાના આ ગરીબ સંતાનોને અત્યંત સ્નેહપૂર્વક જમાડ્યા, રાતવાસો પણ કરવાનું કહ્યું. એ લોકોના મનની ઇચ્છા પૂર્ણ થઈ.

એક દિવસ સવારે એક શિષ્ય એક ટોપલી શાકભાજી માથા પર લઈને જયવાટીમાં આવ્યો. ટોપલી એણે શ્રીમાના બારણા પાસે રાખી દીધી અને પ્રણામ કર્યા. શ્રીમા એ વખતે પોતાના નિત્યક્રમ પ્રમાણે આસન નાખીને શાકભાજી સુધારવા બેઠાં હતાં. તેઓ આનંદપૂર્ણ હૃદયે બોલ્યાં: ‘બેટા, આજે ઘરમાં કંઈ વિશેષ ન હતું. દાતરડુ લઈને વિચારતી હતી કે કયું શાક સુધારીશ? એવે સમયે તું આ બધું લઈને આવી ગયો. શ્રીઠાકુર પોતે જ પોતાની જરૂરત પ્રમાણે બધી વ્યવસ્થા કરી લે છે!’ ભક્તનું હૃદય આનંદથી ભરાઈ ગયું અને એનો પરિશ્રમ સાર્થક નીવડ્યો.

(ક્રમશ:)

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.